Opinion Magazine
Number of visits: 9584777
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પે આવતાંની સાથે જ ફફડાટ અને ભારત માટે ગભરાટ પેદા કરવાનું શરૂ કરી દીધું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 January 2017

ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે

અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પે સત્તાગ્રહણ કર્યા પછી ભારતની ચિંતામાં વધારો થાય એવાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકા ફસ્ર્ટ, બાય અમેરિકન અને હાયર અમેરિકન એવા ત્રિસૂત્રી કાર્યક્રમની તેમણે જાહેરાત કરી છે. આમ જુઓ તો આ કોઈ અચાનક જાહેર કરવામાં આવેલો કાર્યક્રમ નથી. ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટણીપ્રચાર વખતે જ આવા અભિગમની વકીલાત કરતા હતા અને એનાથી આકર્ષાઈને જ અમેરિકન મતદાતાઓએ ટ્રમ્પને મત આપીને ચૂંટ્યા હતા. ચૂંટણી પહેલાં પ્રમુખપદના બે મુખ્ય દાવેદાર હિલેરી ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે ત્રણ રાઉન્ડ વન ઑન વન ચર્ચા યોજાઈ હતી જેમાં પણ ટ્રમ્પે અમેરિકન આર્થિક રાષ્ટ્રવાદની હિમાયત કરી હતી. તેઓ ચર્ચામાં હિલેરી ક્લિન્ટનની સર્વસમાવેશક અમેરિકન રાષ્ટ્રવાદની દલીલોનો જવાબ આપી શકતા નહોતા એ જુદી વાત છે, પરંતુ અમેરિકન મતદાતાઓએ નિર્ણય લઈ લીધો હતો કે હવે અમેરિકન રાષ્ટ્રવાદ જ તેમની સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે.

એક યુગ હતો જ્યારે અમેરિકા વૈશ્વીકરણનું હિમાયતી હતું. અમેરિકા અને બીજા સમૃદ્ધ વિકસિત દેશોને એમ લાગતું હતું કે તેમની પાસે મૂડી અને ટેક્નૉલૉજી બન્ને છે એટલે પોતાના વિકાસ માટે જગતભરનાં કુદરતી સંસાધનો પર કબજો જમાવવો હોય તો વૈશ્વીકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે. વિકાસની પર્યાવરણીય કિંમત જે-તે દેશો ચૂકવશે. એ વખતે વૈશ્વીકરણની રમત એકપક્ષીય લાગતી હતી. વલ્ર્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના એના ભાગરૂપે કરવામાં આવી હતી. ગરીબ દેશોને પણ એમ લાગતું હતું કે વૈશ્વીકરણની રમત સમૃદ્ધ દેશોના હિતમાં એકપક્ષીય છે અને એનો વિરોધ કરવામાં આવતો હતો. બે દાયકા પછી અમેરિકા સહિત સમૃદ્ધ દેશોને એમ લાગવા માંડ્યું છે કે વૈશ્વીકરણને કારણે તેમને ફાયદા કરતાં નુકસાન વધુ થઈ રહ્યું છે.

આનાં બે કારણો આગળ ધરવામાં આવે છે. પહેલું કારણ એ છે કે આર્થિક સમૃદ્ધિ વધી છે, પરંતુ રોજગારીમાં વધારો થયો નથી. ઊલટું રોજગારી વધવાની જગ્યાએ ઘટી છે. બીજું કારણ એ છે કે વૈશ્વીકરણના કારણે સરહદો ઢીલી કરવામાં આવી છે અને એને કારણે મોટી સંખ્યામાં વિદેશી વસાહતીઓ સમૃદ્ધ દેશોમાં ઠલવાવા લાગ્યા છે. વૈશ્વીકરણને સંસ્થાગત સ્વરૂપ આપવામાં આવે તો વસાહતીઓને રોકી શકાય નહીં. પોતાના દેશને આર્થિક સંરક્ષણ આપનારા ઇકૉનૉમિક પ્રોટેક્શનિસ્ટ નૅશનલિઝમ અને ગ્લોબલાઇઝેશન એકસાથે ચાલી શકે નહીં. આ ઉપરાંત કૉર્પોરેટ કંપનીઓ વર્ક આઉટર્સોસ કરાવવા લાગી છે. જે જગ્યાએ કિફાયતી કિંમતે કામ થાય ત્યાં કરાવવાનો કૉર્પોરેટ કંપનીઓને અધિકાર છે. ગ્લોબલાઇઝેશનનું આ પણ એક અંગ છે. માર્કેટ અને રિસોર્સિસનો લાભ કૉર્પોરેટ કંપનીઓને મળી રહ્યો છે, જ્યારે લોકોને તો એની કિંમત જ ચૂકવવી પડે છે.

ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યને નબળું પાડવામાં આવ્યું હતું, અંકુશો હટાવવામાં આવ્યા હતા. ગરીબોના કલ્યાણની યોજનાઓ માટેના બજેટ પર કાપ મૂકવામાં આવ્યો છે અને એ અર્થમાં રાજ્ય કલ્યાણરાજ્ય મટી ગયું છે. ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યે મૂડીવાદની તરફેણમાં ખસી જઈને રસ્તો કરી આપ્યો હતો અને હવે બે દાયકાનો અનુભવ એવો છે કે મૂડીવાદીઓએ રાજ્ય પર કબજો જમાવ્યો છે. ઑક્સફામ નામની સંસ્થાએ આર્થિક અસમાનતા વિશે જે અહેવાલ તૈયાર કર્યો છે એમાં આ હકીકત પ્રગટ થાય છે. ભારતમાં એક ટકો ધનપતિઓ દેશની ૫૮ ટકા સંપત્તિ ધરાવે છે અને જગતના આઠ કુબેરપતિઓ આખા જગતની અડધોઅડધ સંપત્તિના માલિક છે.

નવમૂડીવાદના આવા સ્વરૂપ વિશે આખા જગતમાં અસંતોષ પેદા થયો છે. સ્વાભાવિકપણે અસમાનતા સામે ઊહાપોહ પેદા થવો જોઈતો હતો, ન્યાયી આર્થિક વ્યવસ્થા માટેની માગણી ઊઠવી જોઈતી હતી, કલ્યાણરાજ્યની પુન: સ્થાપના માટે આંદોલનો થવાં જોઈતાં હતાં, રાજ્યની પ્રજાપ્રતિબદ્ધ રચનાત્મક ભૂમિકા માટે માગણી ઊઠવી જોઈતી હતી. આવી પ્રતિક્રિયા સ્વાભાવિકપણે પેદા થવી જોઈતી હતી, પરંતુ વિશ્વમાં અત્યારે જે પ્રતિક્રિયા પેદા થઈ રહી છે એ સ્વાર્થની થઈ રહી છે. એક પ્રકારના પ્રતિક્રિયાવાદે ઊહાપોહની જગ્યા લઈ લીધી છે. અમેરિકા ફસ્ર્ટ, ઇન્ડિયા ફસ્ર્ટ, બ્રિટન ફસ્ર્ટ વગેરે અભિગમમાં સમસ્યાનું સરળીકરણ નજરે પડી રહ્યું છે. શાસકો નવમૂડીવાદનો મુકાબલો કરવા જેટલું સામથ્યર્‍ ધરાવતા નથી એટલે બે ખાનારાઓ વચ્ચે તેઓ ભેદ કરી રહ્યા છે. તમારો રોટલો એટલા માટે ઝૂંટવાઈ રહ્યો છે કે પેલો એમાં ભાગ પડાવે છે અને તે આપણો નથી, પારકો છે. આમ શાસકો પ્રજાકીય અસંતોષને અંગ્રેજીમાં અસ અને ધે એટલે કે આપણે અને પરાયાનું સ્વરૂપ આપવાનું કામ કરે છે. આ સ્થિતિનો જગત આખામાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદીઓ લાભ લઈ રહ્યા છે અને તેઓ સત્તા સુધી પહોંચી રહ્યા છે અથવા પહોંચવા માટે લોહિયાળ લડાઈ લડી રહ્યા છે.

સમસ્યાનો ઉકેલ ન્યાયઆધારિત અર્થવ્યવસ્થા છે અને પ્રજાભિમુખ જવાબદાર રાજ્ય છે; પરંતુ એ તો જ્યારે થાય ત્યારે, અત્યારે તો પ્રજા બીજાને હડસેલો મારીને પોતાનો સ્વાર્થ સાધી આપે એવા નેતાઓની તલાશમાં છે. ડોનલ્ડ ટ્રમ્પ આવી પ્રજાકીય માનસિકતાના લાભાર્થી છે. તેમણે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે. ખાસ કરીને ITના ક્ષેત્રને મોટું નુકસાન થઈ શકે એમ છે, કારણ કે IT (ઇન્ફર્મેશન ટેકનોલૉજી) સેક્ટરનો ૭૫ ટકા ધંધો નિકાસઆધારિત છે જેમાંથી ૬૦ ટકા નિકાસ અમેરિકામાં કરવામાં આવે છે. આ ઉપરાંત આઉટસોર્સિંગ પર પણ એની અસર થશે. IT પછી બીજા ક્રમે મોટી અસર ફાર્માસ્યુિટકલ ઇન્ડસ્ટ્રીને થશે. ડોનલ્ડ ટ્રમ્પ ગરીબોને આરોગ્યકીય રાહત આપનારી ઓબામાકૅર યોજના સમેટી લેવાના છે અને એની જગ્યાએ અમેરિકન ફાર્મા-કંપનીઓ ઘરઆંગણે દવાઓનું ઉત્પાદન કરીને ઓછા ભાવે અમેરિકન બજારમાં વેચે એવો આગ્રહ રાખી રહ્યા છે.

આનો અર્થ એવો નથી કે ટ્રમ્પ તેમની બધી યોજનાઓમાં સફળ થવાના છે. તેમની સામે કાયદાકીય અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓને લગતી મર્યાદાઓ છે, પરંતુ તેમણે ફફડાટ તો જરૂર પેદા કર્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 જાન્યુઆરી 2017

Loading

ટ્રસ્ટીશીપ

ધીરુ મહેતા|Gandhiana|23 January 2017

‘મુંબઈ સર્વોદય મંડળ’ દ્વારા ગાંધી વિચાર સંબંધિત લેખો નિયમિત પ્રકાશિત થતા રહે છે.  ધીરુભાઈ મહેતાનો મૂળે અંગ્રેજીમાં લખાયેલ તારીખ 03 જાન્યુઆરી 2017નો ઓનલાઇન જર્નલ આર્ટિકલ ટી.આર.કે. સોમૈયાની અનુમતિથી, ‘ઓપિનિયન’ના વાચક સમક્ષ ગુજરાતી અનુવાદરૂપે રજૂ કરું છું.

 − આશા બૂચ

પી.વી. નરસિંહરાવની સરકારમાં નાણાં મંત્રી તરીકે ફરજ બજાવનાર મનમોહનસીંગે નિરૂપણ કરેલ ઉદાર અને વૈશ્ચિક અર્થ નીતિને ભારતની વેપારી આલમે ઈ.સ. 1991માં અપનાવી લીધેલી. એ જ નીતિ ત્યાર બાદની તમામ સરકારોને પણ માર્ગદર્શન આપતી રહી  છે. અર્થકારણની નીતિ વિશેના વિચારો અને તેના વસ્તુ વિષયમાં કોઈ પણ સરકાર વચ્ચે મૂળે કોઈ તફાવત નથી. આપણા દેશમાં ઈ.સ.1951થી 1992 – ચાલીસ વર્ષ દરમ્યાન સમાજવાદી અર્થકારણ અમલમાં હતું. ત્યાર બાદની સરકારો ઉદાર અર્થકારણ અને વૈશ્વીકરણની નીતિને અનુસરતી આવી છે. સ્વતંત્રતા મળી તે ટાણે ભારત વર્ષની  એટલે કે અત્યારના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને કુલ વસતી 40 કરોડ હતી. જ્યારે આજે માત્ર ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 42 કરોડની છે.

એમ કહેવાય છે કે 2016 સુધીમાં જગતની 1% વસતી પાસે દુનિયાની 99% મિલકત હશે. ભારતનો કિસ્સો આનાથી વધુ વેગળો નથી હોવાનો. એનાથી સ્પષ્ટ જણાય છે કે સમાજવાદ કે ઉદાર અર્થકારણની નીતિ એ આ દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ માટેનું યોગ્ય સાધન નથી. દેશના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે આપણે ગાંધીજીએ આપેલ હલ સ્વીકારવા જોઈશે. પંડિત નહેરુને તેમના જીવનના અંતિમ દિવસોમાં આ હકીકતનો અહેસાસ થયો જે પોતાની નીતિઓમાં પરિવર્તન લાવવા માટે ઘણો મોડો પડ્યો હતો. સાંપ્રત અર્થકારણની નીતિઓની સરાહના કરનારા લોકો એક પ્રકારના નશામાં ચકચૂર છે. ગાંધીજીની આર્થિક નીતિઓમાંનો એક સિદ્ધાંત ટ્રસ્ટીશીપનો હતો.

1991માં તત્કાલીન નાણામંત્રીએ પ્રથમ વખત પોતાના અંદાજપત્ર રજૂ કરતા વક્તવ્યમાં ગાંધીજીના ટ્રસ્ટીશીપની ફિલોસોફીનો ઉલ્લેખ કરેલો. હજુ આજે પણ એ વિચારોનું અર્થઘટન કરીને તેને અમલમાં મુકવા માટે કોઈ પ્રયત્નો થયાના અણસાર નથી જોવા મળતા. આપણા જેવા ગરીબ દેશમાં કુદરતી સાધનો પર અબાધિત અધિકાર ખાનગી ક્ષેત્રને ન આપી શકાય કે ન તો થોડા હજારેક જેટલી વ્યક્તિઓ કે કુટુંબોના ફાયદા માટે દેશની સંપદાનો અમર્યાદિત ઉપભોગ કરવાની પરવાનગી આપી શકાય. અહીં ગાંધીજીના ટ્રસ્ટીશીપના ખ્યાલોની પ્રસ્તુતતા રહેલી છે. જો નવી અર્થનીતિને સફળ બનાવવી હોય તો તે આપણી માર્ગદર્શક હોવી જોઈએ.

એક સર્વોદય આગેવાન કાર્યકર દાદા ધર્માધિકારીએ એક વખત કહેલું: જગત બે પક્ષોમાં વહેંચાયેલું છે – સામ્યવાદ અને મૂડીવાદ. સામ્યવાદ રાજ્ય દ્વારા કરવામાં આવતા શોષણ પર નભે છે. બીજી બાજુ સામ્યવાદ અને મૂડીવાદના પાયા હચમચી ગયા છે અને નવા સામાજિક માળખાની રચના કરવા બંનેમાંથી એકેયનો પાયો કામ લાગે તેમ નથી. નવું સામાજિક માળખું તો ગાંધીજીની વૈકલ્પિક અર્થનીતિના પાયા પર જ ઊભું કરી શકાશે. રશિયાનો સામ્યવાદ નિષ્ફળ ગયો છે તે સર્વવિદિત છે. આથી એમ સ્વીકારી શકાય કે મૂડીવાદ આપોઆપ સફળ થયો ગણાય. ગાંધીજી એક એવી પ્રથમ વ્યક્તિ હતી જેમણે સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેનો મૂળભૂત વિરોધાભાસ જોયો હતો અને એક વ્યવહારુ આદર્શવાદી તરીકે તેમણે ટ્રસ્ટીશીપનો વિચાર આપ્યો જે સામ્યવાદ અને મૂડીવાદનું સ્થાન લઇ શકે. જયારે દેશ આખો નહેરુની સમાજવાદી કેન્દ્રીય આર્થિક આયોજનને અનુસરે છે અને ખનગી ક્ષેત્રને જરૂર કરતાં ય વધુ મહત્ત્વ આપી અજમાવવા માગે છે, ત્યારે વેપારી વર્ગે આ ટ્રસ્ટીશીપના વિચાર માટે કેમ કઇં રસ નથી દાખવ્યો તેની નવાઈ ઉપજે છે.  

ટ્રસ્ટીશીપના વિચારનાં મૂળ:

ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો વિચાર ઉપનિષદના પ્રથમ શ્લોકમાં જોવા મળે છે, જેનો અર્થ થાય છે, “આ વિશ્વમાં જે કઇં અસ્તિત્વ ધરાવે છે તેમાં ઈશનો વાસ છે. ત્યાગીને ભોગનો આનંદ મેળવો. અન્યના ધનની કામના ન કરવી.”  બાઇબલમાં પાંચ બ્રેડના લોફ અને બે માછલીની વાર્તામાં પણ આ ઉપદેશ જોવા મળે છે. એક સમાજવાદી વિચાર ધરાવનારની માફક ગાંધીજી પણ મિલકતની સમાન વહેંચણીમાં માનતા હતા, પણ તેમને એ હકીકતની જાણ હતી કે દરેક સ્ત્રી અને પુરુષની ક્ષમતા અને શક્તિ અલગ અલગ હોય છે અને તેમની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. આથી સંપત્તિની સમાન વહેંચણીનો અર્થ દરેકને એક સરખું મળે એવો ન કરી શકાય. ગાંધીજીના શબ્દોમાં, “સમાન વહેંચણીનો અમલ કરવો એટલે દરેક માણસ પાસે તેની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે પૂરતાં સાધનો અને તક હોવાં જોઈએ અને તેથી વિશેષ કશું ન ખપે. દાખલા તરીકે એક માણસને નબળી હોજરી હોય અને રોટલા માટે પા રતલ લોટ જોઈએ અને બીજાને એક રતલ જોઈએ તો બંને પોતપોતાની જરૂરિયાત સંતોષી શકે તેવી સ્તિથિમાં હોવા જોઈએ. વળી દરેક માણસ પાસે એક સરખી બુદ્ધિ શક્તિ નથી હોતી, અરે એક ઝાડ ઉપર બે પાન પણ સરખાં નથી હોતાં. ઉપર ઉપરથી ડાળ પાંખડાં કાપી નાખવાથી આસમાનતા દૂર નથી કરી શકાતી.”

ગાંધીજી કોઈની બુદ્ધિ શક્તિ વેડફી દેવા નહોતા માગતા. તેઓ બધાની શક્તિઓનો સમાજના હિત માટે વિનિયોગ કરવા માગતા હતા. ગાંધીજીએ એ પણ કબૂલ કરેલું કે કુદરતી અને સંસાધનોમાંથી પ્રાપ્ત થતા વળતરનો વ્યાજબી ભાગ તેના માલિકો સમાજ માટેની તેમની સેવા અને સમાજને ઉપયોગી થવાના બદલામાં રાખી શકે. તેઓ માનતા કે સંપૂર્ણ ત્યાગ એ એક અમૂર્ત વિચાર છે કે જેનો શબ્દશઃ અમલ ન થઇ શકે. સમાજવાદી અને સામ્યવાદી  વિચારો ધરાવનારાઓએ ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ખાનગી માલિકીના ઉદ્યોગ-વેપારને નવી જિંદગી બક્ષતી એક હોશિયારી ભરી યુક્તિ તરીકે ઓળખાવી કાઢી. આ લોકોએ દેશની જનતાને સમજાવવાની ફરજ છે કે તેમનો સમાજવાદ તેમ જ તેમના વિરોધીઓનો મૂડીવાદ કેટલે અંશે ગરીબીનું પ્રમાણ ઘટાડવામાં સફળ રહ્યાં છે કે જે ધ્યેય સિદ્ધ કરવાનો તેઓ દાવો કરે છે. તેઓ તમામ સાહસો સરકારની માલિકીના રહે તેમ ઇચ્છતા હતા. ગાંધીજી એ વાત સાથે સહમત થતા હતા કે વ્યક્તિ શોષણ દ્વારા ધન સંચય કરે છે જેને પરિણામે હિંસા ફાટી નીકળે છે, પરંતુ તેઓ રાજ્યની હિંસા કરતાં વ્યક્તિની હિંસા ચલાવી લેવાના મતના હતા કેમ કે એ બંનેમાંથી વ્યક્તિની હિંસા અમુક અંશે ઓછી દુષ્ટ હોઈ શકે છે.

ગાંધીજી જ્યારે આગાખાન મહેલમાં કેદ હતા ત્યારે તેમને આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિષે વિચાર આવેલો. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓએ આ વાત આશ્રમના કેટલાક અનુભવી સભ્યો અને મુંબઈ યુનિવર્સીટીના એમ.એલ દાંતવાલા સાથે ચર્ચી. ટ્રસ્ટીશીપ માટેનો ખરડો પ્રૉફેસર દાંતવાલા, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાલા અને અન્યો દ્વારા તૈયાર કરવામાં આવેલો. ગાંધીજીએ તેમાં થોડા સુધારા કર્યા બાદ મંજૂરી આપી. તેનો આખરી મુસદ્દો આ પ્રમાણે છે:

“હાલની મૂડીવાદી સમાજ વ્યવસ્થાને સમતાવાદી સમાજમાં પરિવર્તિત કરવાની તક ટ્રસ્ટીશીપ આપે છે. એ મૂડીવાદને ખતમ નથી કરતો પણ એ અત્યારના મલિક વર્ગને પોતાની જાતને સુધરવાની તક આપે છે. આ સિદ્ધાંત એવા વિશ્વાસના પાયા પર ઊભેલો છે કે માનવ સ્વભાવ કદી ઋણ મુક્તિથી પર નથી. સમાજના હિત માટે સમાજ મંજૂર કરે તેટલા પ્રમાણમાં ખાનગી મિલ્કતની માલિકી સિવાય વધુ કોઈ પણ અધિકાર માણસને નથી એમ તેમાં અભિપ્રેત છે. તે માલિકી અને સંપત્તિના ઉપભોગ માટે કાયદાકીય નિયમોને પણ બાકાત નથી કરતો. તો આ રીતે રાજ્ય દ્વારા નિયંત્રિત ટ્રસ્ટીશીપમાં કોઈ વ્યક્તિ સ્વાર્થી થઈને આત્મ સંતોષ ખાતર કે સમાજના હિતનો વિચાર કર્યા વિના પોતાની મિલકતની માલિકી રાખવા કે તેનો ઉપયોગ કરવા સ્વતંત્ર નહીં  હોય. જે રીતે લઘુતમ વેતન ધારો નિર્ધારિત થયો છે એ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી આવક અને સંપત્તિ ધરાવી શકે તે પણ નિશ્ચિત થવું જોઈએ. લઘુતમ અને મહત્તમ વેતન વચ્ચેનો તફાવત તાર્કિક અને સમાનતા પર આધારિત હોવો જોઈએ તેમ જ સમયે સમયે બદલાતો રહેવો જોઈએ એટલું જ નહીં પણ છેવટ એ તફાવતની સદંતર નાબૂદી જ થઇ જાય તેવું ધ્યેય હોવું જોઈએ.”

ગાંધીની અર્થ વ્યવસ્થામાં ઉત્પાદનનું પ્રમાણ સમાજની જરૂરિયાત પર નિર્ભર કરશે નહીં કે વ્યક્તિની ઈચ્છા કે તેનો લોભ. ટ્રસ્ટીશીપનો પાક્કો ખરડો પ્રેસમાં મોકલતાં પહેલાં જી.ડી. બિરલાને બતાવવાનું મુનાસીબ ધાર્યું અને તેમણે એ ખરડો આવકાર્યો. એક એવો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો કે આ ફોર્મ્યુલાના પ્રકાશનથી જ તેની શરૂઆત કે અંત ન આવવા જોઈએ, પરંતુ બિરલાએ તેમના સાથી ઉદ્યોગપતિઓ વચ્ચે તેનો પ્રચાર કરવો જોઈએ જેથી એ લોકોના સ્વીકારની જાહેરાત ટ્રસ્ટીશીપના ખરડાના પ્રકાશન સાથે કરી શકાય. બિરલા તરફથી આ બાબતમાં આગળ કોઈ વાતચીત નહોતી થયેલી. પ્યારેલાલના અનુમાન મુજબ, “કદાચ તેમણે જેમનો સંપર્ક કર્યો હશે તેમની પાસેથી નિરાશાજનક પ્રતિભાવ મળ્યો હશે.”

અહીં સારાયે વિશ્વને અસર કરે તેવો એક મહાન વિચાર છે જે સામાજિક સંપત્તિના સંચયના દુષ્ટ પરિણામો દૂર કરવાનો એક નવો માર્ગ બતાવે છે. વિનોબા ભાવેના ભૂદાન/ગ્રામદાન કાર્યક્રમો મૂલતઃ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પરની શ્રદ્ધાની ઉપજ હતા. ભૂદાને ક્રાંતિ સર્જી કે નહીં તે અલગ વાત છે. પણ હકીકત એ છે કે ભૂદાનની ચળવળમાં ભૂમિ વિહોણા મઝદૂરોને દાનમાં મળેલ કુલ જમીન બધા પ્રાંતોને વિવિધ જમીન મર્યાદાના કાયદાઓ દ્વારા મળેલી તેના કરતાં થોડી વધુ હતી. સ્કોટ બાડર કંપનીના અર્નેસ્ટ બાડરે યુનાઇટેડ કિંગ્ડમમાં ટ્રસ્ટીશીપના વિચારનો પ્રચાર સફળતાપૂર્વક કર્યો. યુનાઇટેડ કિંગ્ડમમાં 1976માં આ જ હેતુસર industrial common ownership એક્ટ અસ્તિત્વમાં આવ્યો. પશ્ચિમ જર્મનીમાં કેટલીક કંપનીઓ થોડી ઘણી સફળતા સાથે આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અમલમાં મૂકી રહી છે, જેમાંના 40,000 લોકો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અનુસાર કામ કરી રહ્યા છે. ભારતમાં સદ્દગત જયપ્રકાશ નારાયણની પ્રેરણાથી મુંબઈમાં ગોવિંદરાવ દેશપાંડેએ સ્થાપેલ ટ્રસ્ટીશીપ ફાઉન્ડેશનના નેજા હેઠળ કેટલાક સંગઠનો ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કામ કરે છે. દેશભરમાં સંમેલનો, શિબિરો અને ચર્ચા વર્તુળો ગોઠવવા ઉપરાંત ગોવિંદરાવ દેશપાંડે અને તેમના સાથીદારોએ કેટલાક સંગઠનો આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ચલાવવાનો પ્રયોગ પણ કર્યો. મહેસાણા સ્થિત The People’s Trusteeship Packaging Private Limited આનું ઉદાહરણ છે. દરેક પ્રયોગમાં બને તેમ આવા એકમોના સંચાલનમાં પ્રશ્નો તો ઊભા થવાના જ, પરંતુ એ એકમો પડ્યા વિના આપબળે ચાલતા પણ થઇ જતા હોય છે.

હવે મોટા વેપાર ઉદ્યોગોએ આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને સમજી, સ્વીકારીને એ પ્રમાણે પોતાનો વહીવટ ચલાવવાની જરૂર છે.

સવાલ એ છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આજના યુગમાં અર્થસંગત છે કે નહીં? એ શું માત્ર આદર્શ છે? મારી અંગત માન્યતા પ્રમાણે એ માત્ર આદર્શ બિલકુલ નથી. વર્લડ બેન્ક કે આંતરરાષ્ટ્રીય મોનિટરી ફન્ડ દ્વારા સૂચવાયેલ પેકેજ કરતાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો પ્રયોગ ઓછો જોખમકારક નીવડશે. ભારતીય નાણાંનાં અવમૂલ્યનથી નિકાસમાં નોંધપાત્ર વધારો થવા સંભવ નથી. આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ છે કે ચોથી લોકસભામાં સમાજવાદના કટ્ટર હિમાયતી રામ મનોહર લોહિયાએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું બિલ રજૂ કરીને તે માટેનો માર્ગ મોકળો કરી આપેલો. જો કે લોકસભા બરખાસ્ત થવાથી એ વિચાર પડી ભાંગ્યો. ટ્રસ્ટીશીપ પર આધારિત સંગઠનોએ કેવું વહીવટી માળખું અપનાવવું જોઈએ? પાર્લામેન્ટ આ માટે કાયદો ઘડવા માટે ભરસક પ્રયાસ કરે તે દરમ્યાન મને લાગે છે કે વર્તમાન કાયદાકીય માળખું પર્યાપ્ત છે. માલિકી કે ભાગીદારીનો સવાલ ઊભો થાય તો માલિક કે ભાગીદારના સહિયારા નિર્ણયથી ઉકેલ લાવી શકાય. કામદારો અને સમાજના પ્રતિનિધિઓ આવા સંગઠનો સાથે સંલગ્ન હોય અને તમામ નિર્ણયો લેવામાં ભાગીદાર હોઈ શકે. એવી જ રીતે લિમિટેડ કંપની પણ ટ્રસ્ટીશીપ પર આધારિત વહીવટી માળખું અપનાવી શકે. દાતાઓ, માલિકો, નોકરિયાતો અને સમાજના સભ્યોનું બનેલ એક જુદું ટ્રસ્ટ એ કંપનીના હિતને અંકુશમાં રાખવાનું કાર્ય બજાવી શકે. નોકરિયાતોને મત આપવાનો અધિકાર હોય અને તેમનું સભ્યપદ કંપનીમાં કામ કરે તેટલા સમય માટે મર્યાદિત હોય. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત માટે અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર કે વેપારની અસાધારણ સૂઝ અને વિશેષ શક્તિ ધરાવનાર એવી બહારની કોઈ વ્યક્તિ હોય તો તેમને આ ટ્રસ્ટનું આજીવન કે નિશ્ચિત સમય માટેનું સભ્યપદ લેવા આમંત્રણ આપી શકાય. પબ્લિક લિમિટેડ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં કેટલાક પાયાના ફેરફાર કરવા જરૂરી બને. આવા ટ્રસ્ટના આવક વેરા અને મિલ્કત વેરાના નિયમોમાં જરૂર સુધારા કરવા પડે. યુનાઇટેડ કિંગ્ડમના Industrial Common Ownership Act, 1976 પાસેથી આપણે એક ધડો લઇ શકીએ. લોહિયાએ લોકસભામાં મુકેલ ખરડો પણ આપણને આ બાબતમાં માર્ગદર્શક થઇ પડે. મહેસાણા – ગુજરાતમાં આવેલ પીપલ્સ ટ્રસ્ટીશીપ પેકેજીંગ પ્રાઇવેટ લિમિટેડના સંચાલન વિષે અભ્યાસ કરી શકાય. સહકારી મંડળીનું માળખું ટ્રસ્ટીશિપનું હોય તે જરૂરી નથી. સહકારી સાહસમાં તેના સભ્યો એ મંડળીના સભ્યોના ફાયદાને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે કે જે દરેક કિસ્સામાં અલગ અલગ હોઈ શકે. કેટલાક અનુભવ દર્શાવે છે કે શેરડી ઉગાડનારની સહકારી મંડળીના સભ્યો બીજી સહકારી મંડળીના સભ્યો, ગ્રાહકો કે સમાજના સભ્યો સાથે ખાસ નિસબત નથી ધરાવતા. એ જ રીતે ગ્રાહક સહકારી મંડળીના સભ્યો પણ પોતાના ગ્રાહકોનાં હિતના લાભાર્થે જ કામ કરે છે.

ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત દાનવીરો, કામદારો, ગ્રાહકો અને સમાજને એક સમાન ભાગીદાર તરીકે જુએ છે. મજૂર વર્ગને સારો પગાર, વધુ વેતન અને સગવડો આપવા માત્રથી ટ્રસ્ટીશીપનો અમલ નથી થતો. સમયે સમયે નામી કે અનામી રહીને જુદા જુદા પ્રકલ્પોમાં દાન આપવાને પણ ટ્રસ્ટીશીપને ન કહી શકાય એક ટ્રસ્ટ કોઈ કંપનીમાં સમાન ધોરણે શેર ધરાવે એ પણ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી ઘણો વેગળો વિચાર છે. ટ્રસ્ટીશીપ તો ઘણો વિશાળ વિચાર બની શકે, એક ચળવળ બની શકે, અરે, એ એક જીવન પદ્ધતિ બની શકે. બધા સત્તાધારીઓ પોતાને ટ્રસ્ટી માને અને તમામ સંસાધનો, સત્તા અને તેની સાથે સંકળાયેલ પ્રભાવક શક્તિનો વિનીયોગ લોક કલ્યાણ અર્થે કરે નહીં કે સ્વ અર્થે.  સંગઠિત મઝદૂર વર્ગે પણ યાદ રાખવું ઘટે કે તેઓ 10% સદ્નસીબ નાગરિકોમાંના એક છે. અન્ય કોઈ આ પ્રક્રિયાની શરૂઆત કરે તેની રાહ આપણે ન જોઈએ. આપણે આજે અને અત્યારે જ આનો શુભારંભ કરીએ.

મહાત્મા આપણને માત્ર નદી સુધી દોરીને લઇ જઇ શકે, પાણી ન પીવડાવી શકે.   

મૂળ અંગ્રેજી લેખની કડી : 


http://www.mkgandhi.org/articles/trusteeship5.html?utm_source=Gandhi-Journal&utm_medium=email&utm_campaign=Gandhi+Journal+Article-I+%28+January+2017+%29+-+Trusteeship

(અનુવાદક : આશા બૂચ)

e.mail : 71abuch@gmail.com

Loading

ભટ્ટ મોક્ષ મૂલર કૃત ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિશેનાં ભાષણ

દીપક મહેતા|Opinion - Literature|22 January 2017

પૂર્વ-ગ્રંથ સમીક્ષા –

ભટ્ટ મોક્ષ મૂલર કૃત ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિશેનાં ભાષણ

અનુવાદ: બેહેરામજી મેરવાનજી મલબારી, નવરોજી મંચેરજી મોબેદજીના

પ્રકાશક: મલબારી, ૧૮૮૧

“આપણે  ઇંગરેજીમાં ગદ્ય લખિયે કે પદ્ય, પણ એટલું તો કદી ભુલવું નહિ કે આપણા દેશની ઉત્તમ સેવા કરવી હોય તો તેના સારતમ વિચારો તે દેશની ભાષામાં દર્શાવવાથી જ કરાશે.” (અવતરણોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે. – દી.)

આ શબ્દો લખાયા છે ૧૮૮૧ના અરસામાં. પ્રકાંડ પંડિત મેક્સમુલરે એક પત્રમાં લખ્યા હતા. એ પત્ર જેને લખાયો હતો તે હતા બેહેરામજી મેરવાનજી મલબારી. મલબારીએ પોતાનાં કેટલાંક પુસ્તકો મેક્સમૂલર અને પશ્ચિમના કેટલાક વિદ્વાનોને મોકલ્યાં હતાં. બદલામાં મેક્સમૂલરે તેમને પોતાનાં હિબર્ટ લેકચર્સનું પુસ્તક મોકલ્યું હતું. ઉપરના શબ્દો મેક્સમૂલરે સાથેના પત્રમાં લખ્યા હતા. એ પુસ્તકથી મલબારી એટલા પ્રભાવિત થયા કે તેનો અનુવાદ કરવાની મંજૂરી તેમણે મેક્સમૂલર પાસે મગાવી. જવાબમાં મેક્સમૂલરે લખ્યું “એનું સંસ્કૃતમાં ભાષાંતર થયેલું જોવાને મને બહુ અભિલાષા છે.” પણ મલબારી માટે તેમ કરવું શક્ય નહોતું, એટલે તેમણે લખ્યું: “સંસ્કૃત તો માફ કરશો, પણ હાલ ગુજરાતીમાં હોય તો કેમ?” મેક્સમૂલરની પરવાનગી મળી ગઈ. મલબારીએ ગુજરાતી અનુવાદ કરવાનું તો શરૂ કર્યું જ, પણ સાથે મનમાં ગાંઠ વાળી કે માત્ર સંસ્કૃત જ નહિ, મરાઠી, બંગાળી, હિન્દી અને તમિલમાં પણ તેના અનુવાદ કરાવી પ્રગટ કરવા. એટલું જ નહિ, હિન્દુસ્તાનની ભાષાઓમાંથી અન્ય ભાષાઓમાં અને અન્ય ભાષાઓમાંથી હિન્દુસ્તાનની ભાષાઓમાં પુસ્તકોના અનુવાદ કરાવવા માટે એક અલાયદું ફંડ ઊભું કરવાનું તેમણે છેક એ જમાનામાં વિચાર્યું. આ માટે જાણકાર અનુવાદકોની શોધમાં અને અનુવાદો માટે આર્થિક ટેકો મેળવવા મલબારીએ અડધા-પોણા દેશની મુસાફરી કરી. પણ ધાર્યા જેટલું પરિણામ આવ્યું નહિ. છતાં મેક્સમૂલરના આ ભાષણોનો મરાઠી અનુવાદ કરાવી ૧૮૮૩માં પ્રગટ કર્યો, અને તે પછી બંગાળી, હિન્દી અને તમિળ અનુવાદો પ્રગટ કર્યા.

વેસ્ટ મિન્સટર એબીના ચેપ્ટર હાઉસમાં ૧૮૭૮ના એપ્રિલ-મે-જૂનમાં મેક્સમૂલરે આ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૮૭૮ના ડિસેમ્બરમાં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ હતી. બીજી આવૃત્તિ ૧૮૭૯ના નવેમ્બરમાં. અને એ ભાષણોનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો ૧૮૮૧ના ડિસેમ્બરની ૩૧મી તારીખે. આટલી ઝડપથી આજે પણ આપણે અંગ્રેજીમાંથી કેટલા અનુવાદ કરીએ છીએ?

અને આ અનુવાદ કરવાનું કામ સહેલું નહોતું. એક તો મેક્સમૂલર જેવા પ્રકાંડ પંડિતનું પુસ્તક. ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ જેવો ગહન વિષય. કેન્દ્રમાં હિંદુ ધર્મની વાતો. અને અનુવાદક હતા એક પારસી! અલબત્ત, હિંદુ ધર્મ, સમાજ, રીતરિવાજ વગેરે વિષે તેઓ સારી એવી જાણકારી ધરાવતા હતા. પણ આવા પુસ્તકનો અનુવાદ કરવો? પ્રસ્તાવનામાં મલબારી લખે છે: “આ સઘળુ મારા સરખાં વિદ્યાર્થીને એક સાહસ જેવું લાગ્યું. પણ નિજમન વિચાર કર્યો કે આ અલ્પ આયુષનો એક ભાગ આવા શુભ કાર્યને અર્પણ કરવા સમાન પુણ્ય, જીવડા, કશું નથી.” પણ કામ શરૂ કર્યું પછી ખ્યાલ આવ્યો કે ખાટલે મોટી ખોડ તો એ વાતની છે કે આવા અનુવાદ માટે ધર્મશાસ્ત્રનું અને ભાષાશાસ્ત્રનું જે જ્ઞાન જોઈએ તે તો છે જ નહિ! બલકે, “અમારે તો બંને જોડે આદિ વેર.” પણ હાર્યા નહિ. મદદ લીધી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીની. એ મદદ કેવી અને કેટલી હશે તેનો ખ્યાલ તો આ વાક્ય પરથી આવે છે: “પુસ્તકના ઘણાખરા ગુણ ભાઈ મનસુખરામને પ્રતાપે સમજવા, દોષ સઘળા અમારા.” આ ઉપરાંત કાશીનાથ ત્ર્યંબક તેલંગ અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા વિદ્વાનોની સલાહ પણ લીધેલી. અને એ બધાથી સંતોષ ન થયો ત્યારે કેટલાક શબ્દોના અર્થો ખુદ મેક્સમૂલરને પણ પૂછાવ્યા હતા. અને છતાં મુશ્કેલી તો ઘણી વેઠવી પડી. “પુસ્તક ગમે એમ કરી વાંચવા યોગ્ય કરતાં આખું વરસ વહિ ગયું; અકેક પાના ઉપર અઠવાડિયાં વીતી ગયા; અકેક શબ્દને માટે વિદ્વાન મિત્રોને વિનવવા પડ્યા. માકસ મઅલરબાવાના કામ પાછળ રક્તનું પાણી કરવું પડ્યું છે.”

હિંદુ ધર્મ અને ફિલસૂફી વિશેના પુસ્તકનો અનુવાદ પારસીને હાથે થાય ત્યારે એની ભાષા કેવી હશે એવો સવાલ થાય. બાવીસ વર્ષની ઉંમરે ૧૮૭૫માં મલબારીનો પહેલો કાવ્ય સંગ્રહ ‘નીતિવિનોદ’ પ્રગટ થયો. તેનાં બધાં જ કાવ્યો પારસી ગુજરાતીમાં નહિ, પણ ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખાયેલાં. તે એટલે સુધી કે એક સામયિકે તો એવો આક્ષેપ કર્યો કે કોઈ હિંદુ કવિ પાસે લખાવીને બેહેરામજીએ આ કાવ્યો પોતાને નામે છપાવી દીધાં છે. એટલે ‘શુદ્ધ’ ગુજરાતીમાં લખવાની નવાઈ નહોતી. પણ અહીં તો માત્ર ‘શુદ્ધ’ જ નહિ, સંસ્કૃત પ્રચૂર ભાષાનો અનુવાદમાં ઉપયોગ થયો છે. ભાષણોને આપેલાં મથાળાં જોતાં પણ આ વાત ધ્યાનમાં આવશે. ભાષણોનો અનુવાદ કુલ ૨૨૬ પાનાં રોકે છે. અનુવાદમાંનું પહેલું ભાષણ છે ‘સ્પર્શ્ય, અર્ધસ્પર્શ્ય તથા અસ્પર્શ્ય પદાર્થોની પૂજા.’ બીજા ભાષણનો વિષય છે ‘અનંતતા તથા નિયમના વિચાર.’ ત્રીજા ભાષણમાં ઇષ્ટેશ્વરમત, અનેકેશ્વરમત, એકેશ્વરમત અને નિરીશ્વરમતની ચર્ચા કરી છે. તો ચોથું ભાષણ તત્ત્વજ્ઞાન અને ધર્મના પરસ્પર સંબંધ વિશેનું છે. બધાં ભાષણોના વક્તવ્યને ટૂંકા ટૂંકા ખંડોમાં વહેંચી નાખ્યું છે અને તેવા દરેક ખંડને પણ અલગ મથાળું આપ્યું છે. મૂળ અંગ્રેજી પુસ્તકમાંની પદ્ધતિનું જ અનુવાદમાં અનુસરણ થયું છે.

પણ આ અનુવાદ અંગેની એક ગૂંચ ઉકેલી શકાઈ નથી. મૂળ અંગ્રેજી પુસ્તકમાં (૧૯૦૧ની આવૃત્તિ) કુલ સાત ભાષણો છે, જ્યારે આ અનુવાદમાં માત્ર ચાર ભાષણો જોવા મળે છે. પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ અહીં આપ્યો નથી. પહેલાં ત્રણ ભાષણોના વિષય અનુક્રમે આ પ્રમાણે છે: The Perception of the Infinite, Is Fetishism a Primitive Form of Religion?, The Ancient Literature of India, so Far as it Supplies Materials for the Study of the Origin of Religion. મૂળ અંગ્રેજી પુસ્તકમાં આ ત્રણ ભાષણો ૧૭૨ પાનાં રોકે છે. પણ મલબારીએ આ પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ આપ્યો નથી, એટલું જ નહિ તે અંગે ક્યાં ય કશો ખુલાસો પણ કર્યો નથી. મલબારીનો આ અનુવાદ ૧૮૮૧માં પ્રગટ થયો તે પહેલાં મૂળ અંગ્રેજી પુસ્તકની બે આવૃત્તિ પ્રગટ થઇ હતી. તેમણે કઈ આવૃત્તિનો ઉપયોગ કર્યો હશે એ જાણવું તો મુશ્કેલ છે, પણ તે આવૃત્તિમાં પહેલાં ત્રણ ભાષણો છાપ્યાં જ ન હોય એમ માનવું પણ મુશ્કેલ છે. તો બીજી બાજુ, જે ચીવટ, ધગશ અને મેક્સમૂલર પ્રત્યેના પ્રેમાદર સાથે આ અનુવાદ થયો છે તે જોતાં મલબારી પહેલાં ત્રણ ભાષણ છોડી દે એટલું જ નહિ, તેમ કર્યું હોવાનું પુસ્તકમાં ક્યાં ય જણાવે પણ નહિ એમ માનવું પણ મુશ્કેલ છે. પણ આપણે એ હકીકત તો સ્વીકારવી જ રહી કે પહેલાં ત્રણ ભાષણોનો અનુવાદ અહીં અપાયો નથી.

પણ વિષયને અનુરૂપ ભાષા પ્રયોજવી એ એકમાત્ર મુશ્કેલી નહોતી. બીજી મુશ્કેલી હતી તે આર્થિક. પુસ્તક છપાવવા માટેના પૈસા? અનુવાદ હપ્તાવાર છાપવા માટે એક-બે સામયિકોને પૂછી જોયું, પણ સરવાળે મીંડું. એટલે પછી “હવે તો પ્રજા માત્રને શરણે જવું એમ નિશ્ચય કર્યો.” જો કે મનમાં થોડી દહેશત હતી કારણ “મુંબઈની પ્રજા એવાં કામ પાછળ ઝાઝી ખંતી નથી.” પણ ના. એ દહેશત ખોટી પડી. ”ધન્ય અમારા પારસી અને હિંદુ બંધુઓને કે થોડા જ માસમાં પૈસાની રેલછેલ થઇ ગઈ. છપામણ બંધામણ તો સહજ નિકળી આવ્યું. હવે જીવમાં જીવ આવ્યા, અને ઉમંગથી કામ આરંભ્યું.” 

પુસ્તકમાં સૌથી પહેલાં મેક્સમૂલરનો ફોટો અને નીચે તેમની સહી મૂક્યાં છે. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે ટાઈટલ પેજ છે, પહેલું ગુજરાતીમાં ને બીજું અંગ્રેજીમાં. જો કે આ વ્યાખ્યાનો હબર્ટ લેક્ચર્સ તરીકે અપાયાં હતાં એ હકીકતનો ઉલ્લેખ ફક્ત અંગ્રેજી ટાઈટલ પેજ પર છે. બેમાંથી એકે ટાઈટલ પેજ પર પુસ્તકની કિંમત છાપી નથી. પુસ્તક છપાયું છે મુંબઈના ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં. પુસ્તક ‘મહારાજાધિરાજ મહારાજ જામશ્રી વિભાજી, સંસ્થાન નવાનગરના અધિપતિ’ને અર્પણ કર્યું છે. અર્પણપત્ર પણ બન્ને ભાષામાં છે. અર્પણનાં પાનાં પછી ગુજરાતી પ્રસ્તાવનાનાં છ પાનાં. તે પછી ધર્મ વિશેનો બેહેરામજીનો પોતાનો દસ પાનાંનો લેખ. પશ્ચિમના ઘણા બધા વિદ્વાનોના મતની ચર્ચા કર્યા પછી, છેવટે મલબારી કહે છે: “ખરી વાત એ છે કે ધર્મ એટલે શું એ પ્રશ્ન પૂછવા સરખો નથી, અને એનો એક જ ઉત્તર મળ્યોએ નથી અને મળશે પણ નહિ.” ધર્મ વિશેના લેખ પછી માત્ર બે પાનાંમાં મેક્સમૂલરના મતનો સારાંશ આપ્યો છે. ત્યાર બાદ ચાર પાનાંમાં મેક્સમૂલરના ‘જીવનચરિત્રનો સાર’ આપ્યો છે.  એ સાર પૂરો થાય છે તે પછી તે જ પાના પર જે નોંધ છાપી છે તે પરથી જણાય છે કે આ પુસ્તક પ્રગટ કરવા માટે મુંબઈ સરકારના ડાયરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રકશન તરફથી ૫૦૦ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. ‘જીવનચરિત્રનો સાર’ પછીનાં સાત પાનાંમાં મૂળ ગુજરાતી પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ આપ્યો છે. ગુજરાતી ટાઈટલ પેજ પર પુસ્તકનું નામ આમ છાપ્યું છે: ‘भट्ट मोक्ष मूलर कृत ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિષેનાં ભાષણ.’ પુસ્તકની જે નકલ આ લખનારે જોઈ છે તેની મૂળ બાંધણી આજ સુધી સચવાઈ રહી છે. પૂંઠા પર છાપેલું પુસ્તકનું નામ જરા જૂદું છે:‘મોક્ષ મૂલર કૃત ધર્મવિષેનાં ભાષણ.’ (સંસ્કૃતમાં લખતી વખતે મેક્સમૂલર પોતાનું નામ ‘મોક્ષમૂલર ભટ્ટ’ એમ લખતા.) એમ્બોસ કરેલી ડિઝાઈનવાળા ઘેરા ભૂરા રંગના કપડા ઉપર સોનેરી રંગની શાહીથી આ નામ છાપ્યું છે. આજે ૧૩૫ વર્ષ પછી પણ શાહીનો સોનેરી રંગ લગભગ તેવો ને તેવો જળવાઈ રહ્યો છે.

અનુવાદ પૂરો થયા પછી ત્રણ પાનાંનું ‘શુદ્ધિપત્ર’ છાપ્યું છે. છેવટે બીજાં ૧૫ પાનાં ઉમેર્યાં છે જેમાં બેહેરામજીનાં અંગ્રેજી તથા ગુજરાતી પુસ્તકો વિશેના કેટલાક અગ્રણીઓના અભિપ્રાય છાપ્યા છે. તેમાંનાં કેટલાંક નામ: ફ્લોરેન્સ નાઈટીંગેલ, આલ્ફ્રેડ ટેનિસન, મેક્સમૂલર, વિલિયમ વર્ડ્ઝવર્થ, જેમ્સ ગિબ્સ, મોનિયેર વિલિયમ્સ. (બધા અભિપ્રાયો ગુજરાતી અનુવાદ રૂપે આપ્યા છે.) આ ઉપરાંત કલકત્તા સ્ટેટ્સમેન, મદ્રાસ એથીનિયમ, મદ્રાસ મેલ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જામે જમશેદ, રાસ્ત ગોફતાર, બોમ્બે રિવ્યૂ, બોમ્બે ગેઝેટ, અમૃત બજાર પત્રિકા, પૂના ઓબ્ઝર્વર, ગુજરાતમિત્ર, વિદ્યામિત્ર, વગેરે અખબારો-સામયિકોમાં પ્રગટ થયેલાં અવલોકનોમાંથી પણ ઉતારા આપ્યા છે. કોઈક કારણસર છેવટનાં આ ૧૫ પાનાં ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસમાં ન છાપતાં નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છાપ્યાં છે. છેલ્લાં ત્રણ પાનાં કોરાં છોડ્યાં છે.

પુસ્તકમાં અનુવાદક તરીકે બે નામ છાપ્યાં છે: બેહેરામજી મેરવાનજી મલબારી તથા નવરોજી મંચેરજી મોબેદજીના. પારસીપ્રકાશ(દફતર ૬, પા.૧૨૭)ના જણાવ્યા પ્રમાણે ૧૯૨૩ના નવેમ્બરની ૨૨મી તારીખે ૬૮ વર્ષની વયે નવરોજીનું અવસાન થયું હતું. (એટલે કે આ અનુવાદ પ્રગટ થયો ત્યારે તેમની ઉંમર આશરે ૨૬ વર્ષની હતી.) મેટ્રિક સુધી ભણ્યા પછી અંગ્રેજી અઠવાડિક ‘ઇન્ડિયન સ્પેકટેટર’માં સબ-એડિટર તરીકે ૧૨ વર્ષ કામ કર્યું હતું. ત્યાર બાદ નબળી તબિયતને કારણે છૂટા થયા હતા, અને નસરવાનજી ફરામજી બિલીમોરિયા સાથે મળીને રાહે રોશન નામનું સામયિક ચલાવ્યું હતું. ૧૮૯૦માં તેમણે નિવૃત્તિ સ્વીકારી હતી.

પુસ્તકના મુખ્ય કર્તા બેહેરામજીનો જન્મ ૧૮૫૩ના મે મહીનાની ૧૮મી તારીખે વડોદરામાં. (એટલે કે આ અનુવાદ પ્રગટ થયો ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી.) મૂળ નામ બેહેરામજી ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં પિતા ધનજીભાઈ સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં પિતા બેહસ્તનશીન થયા. થોડા દિવસ પછી માતા ભીખીબાઈ સાથે વીસ દિવસ ચાલીને વડોદરાથી સુરત પહોંચ્યા. પહોંચ્યા તે જ રાતે સુરતની જાણીતી આગમાં મોસાળનું ઘર અને બધી સંપત્તિ બળીને રાખ. બાળક બેહેરામજીને માથે છાપરું મળે એટલા ખાતર ભીખીબાઈએ મેહેરવાનજી નાનાભાઈ મલબારી સાથે બીજાં લગ્ન કર્યાં અને બેહેરામજી ધનજીભાઈ મહેતા બન્યા બેહેરામજી મેરવાનજી મલબારી. જીવાજી કસાઈ પાસેથી વીસ રૂપિયા ઉધાર લઇ મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ ગયા. પણ એક વાર નહિ, ત્રણ વાર એ પરીક્ષામાં નાપાસ થયા. છેક ચોથી ટ્રાયલે ૧૮૭૧માં મેટ્રિક થયા. બ્રિટન અને યુરપમાં મલબારીનું નામ જાણીતું થયું તે તેમના અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘ધ ઇન્ડિયન મ્યૂઝ ઇન ઇંગ્લિશ ગાર્બ’ને લીધે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન સ્પેકટેટર, અને બીજાં પત્રોમાં અંગ્રેજીમાં લેખો લખતા થયા. મેક્સમૂલરના આ પુસ્તકના અનુવાદે મલબારીના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. બાળલગ્ન, વિધવાવિવાહ પ્રતિબંધ, સતી વગેરે સામાજિક કુરિવાજોને હિંદુ ધર્મશાસ્ત્રનો લેશમાત્ર આધાર નથી એમ મેક્સમૂલરે પોતાનાં ભાષણોમાં દાખલા દલીલો સાથે જણાવેલું. એ જાણ્યા પછી મલબારીના સુધારા અંગેના વિચારોને વેગ મળ્યો. પણ સમાજ સુધારા અંગેનાં વિચારો અને લખાણોને કારણે રૂઢીચુસ્ત હિન્દુઓનો વિરોધ વહોરી લેવો પડ્યો. બાળલગ્ન પર સરકાર પ્રતિબંધ મૂકે એ માટે ત્રણ વાર ઇન્ગ્લન્ડની મુસાફરી કરી. પણ સફળતા મળી નહિ. પણ મલબારી અને બીજા કેટલાકના પ્રયત્નોને પરિણામે થોડા વખત પછી સરકારે ‘સંમતિવયનો કાયદો’ પસાર કર્યો. ૧૯૧૨ના જુલાઈમાં મલબારી આરામ કરવા શીમલા ગયા. વાઈસરોય લોર્ડ હાર્ડીન્જ, કમાન્ડર ઇન ચીફ સર ઓ’મોર કે., ગ્વાલિયર તથા બીકાનેરના મહારાજાઓ (આ બધા સાથે તેમને અંગત સંબંધો હતા) તેમ જ બીજા કેટલાક મિત્રોને મળ્યા. ૧૧મી જુલાઈની રાતે મિત્ર જોગિન્દરસિંહ સાથે ફોન પર વાત કરતાં એકાએક બેભાન થઇ ગયા, અને થોડી જ વારમાં તેમનું અવસાન થયું. શીમલાની પારસી આરામગાહમાં તેમના નશ્વર દેહને દફનાવવામાં આવ્યો. તેમના કાવ્ય ‘આ દુનિયાના ઉપકાર’ની કેટલીક પંક્તિઓ કબર પર કોતરવામાં આવી:

ફરજ એ અદા મેં કીધી હો, ખુદા!
ગરજ બીજી શી? – એક ફાટી ચાદર –
ન ઉપકાર કોના, ન કોની અદા –
મળે ચાર ગજની જો સાદી કબર.

સંદર્ભ: Behramji Malbari: A biographical sketch. By Dayaram Gidumal, with Introduction by Florence Nightingale. T. Fisher Unwin, London, [2nd Ed.] MDCCCXCII [1892]

(પ્રથમ પ્રકાશિત : “પ્રત્યક્ષ”, અૉક્ટોબર-ડિસેમ્બર 2016; પૃ. 19-22)

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...3,4653,4663,4673,468...3,4803,4903,500...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved