Opinion Magazine
Number of visits: 9767893
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

40 પહેલાંનાં બૈરાં

હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્ર|Opinion - Short Stories|3 May 2017

તમે માનશો? પહેલાંનાં બૈરાં શું શું કરતાં, તે બધું મને મોઢે થઈ ગયું છે. કારણ કે મારા પતિદેવ દિવસમાં દસ વાર એનું પારાયણ મને સમ્ભળાવે છે. સવારના પહોરમાં મને મરવાની પણ ફુરસદ ન હોય. ચા-નાસ્તો, પાણી ભરવું, કપડાં બાફવાં, કૂકર ચઢાવવો, લોટ બાંધવો, એમને નવ વાગ્યાની લોકલ પકડાવવાની, છોકરાંવને નિશાળે મોકલવાનાં – એ કશાયમાં જરીકે હાથ ન દે તે તો બળ્યું, પણ ધીરે ધીરે ચા પીતાં, પગ પર પગ ચઢાવી છાપું વાંચતાં જ્યારે એક પછી એક હુકમ છોડવા માંડે – પાણી ગરમ થયું કે? બાથરૂમમાં ટુવાલ મુક્યો? મારાં કપડાં ક્યાં? – ત્યારે સંયમ રાખવો અઘરો પડે.

તેમાં તે દિવસ તો લગભગ બરાડ્યા : 'મારા એકેય ખમીસને પૂરાં બટન નથી. ચાર દિવસથી તને કહ્યું છે. આખો દિવસ કરે છે શું? પહેલાંનાં બૈરાં તો કેટલું કામ કરતાં?'

'હમણાં અમારા મહિલા મંડળની વ્યાખ્યાનમાળા ચાલે છે. કાલે પૂરી થશે એટલે બધું વ્યવસ્થિત કરી આપીશ.’

થોડો વખત થયો, ત્યાં ફરી બાંગ પડી : 'મારો રૂમાલ નથી મળતો. પેન ને ઘડિયાળ ક્યાં છે? મારાં મોજાં?'

'પોતે વ્યવસ્થિત રાખવું નહીં અને બીજા પર ધમપછાડા?' મારાથી બોલાઈ ગયું.

'પહેલાંનાં બૈરાં આમ સામું નહોતા બોલતાં. પતિની સેવા માટે ખડે પગે હાજર! આખો દિવસ કામ કરીને રાતે પાછાં પગ દબાવી આપતાં, તળિયે ઘીનું માલિશ કરી દેતાં. આજે તો બસ, મહિલા મંડળ અને સમાન હક્ક !’

અને મને થયું, ચાલ બાઈ, એમની એવી જ ઇચ્છા છે તો પહેલાંનાં બૈરાંનો પાઠ ભજવી બતાવું! સાસુને પણ વિશ્વાસમાં લીધાં. સાંજે આવ્યા ત્યારે હું અસ્સલ પહેલાંનાં બૈરાંના સ્વાંગમાં સજ્જ હતી : કાછોટો મારી પહેરેલો નવ વારી સાડલો, માથે ઘટ્ટ અમ્બોડો, કપાળમાં વિક્ટોરિયા છાપ મોટો ચાંદલો, 15-20 બંગડીઓ! એ જોઈ જ રહ્યા, પણ સાસુની હાજરીમાં કંઈ બોલ્યા નહીં. થોડી વારે હાથમાં ઝોળી પકડાવીને કહ્યું, 'શાકભાજી લેતા આવજો. અને એલચી કેળાં. બાને ઉપવાસ છે'.

સાસુએ મમરો મુક્યો, 'તારા સસરા આને સાથે લઈ કાયમ શાક લઈ આવતા.’

એ શું બોલે? પછી એમણે આઘાપાછા થઈ કહ્યું, ‘તું ય ચાલને !’

'આજે અગિયારસ. મારે બા સાથે મંદિરે જવાનું છે.’

દોઢ કલાકે પરસેવે રેબઝેબ થતા આવ્યા. કાંઈ ભાજી આણી છે ભાજી! 'આટલી બધી?'

'કેટલી લાવવાની હતી તે ક્યાં કહેલું?'

'અને આ પડીકું શાનું?'

'તેમાં એલચી છે. એલચી, કેળાં લાવવાનું કહેલું ને?'

અમે સાસુ વહુ હસ્યાં છીએ કાંઈ હસ્યાં છીએ તે દિવસે ! રોજની જેમ છોકરાં લેસનની ડિફિકલ્ટીઝ પૂછવા આવ્યાં. મેં પપ્પા તરફ ધકેલ્યાં.

'છાપું વાંચવા દે ને. જા મમ્મીને પૂછ.’

'મમ્મી કહે છે જા, પપ્પા પાસે. પહેલાંનાં બૈરાંને નહોતું આવડતું એ જ ઠીક હતું.’

'લાવ, તું કયા વર્ગમાં છે?'

સાસુથી ન રહેવાયું, 'તને એ ય ખબર નથી?

હું તમાશો જોતી રહી. રાતે કાંસાનો વાટકો અને ઘી લઈ રૂમમાં પહોંચી ત્યારે ઘસઘસાટ ઊંઘતા હતા. ખૂબ થાક્યા હશે. મેં પગ દબાવવા માંડ્યા અને ઘી ઘસવા માંડ્યું. એ ઊઠીને બેઠા થઈ ગયા. 'આ શું માંડ્યું છે?'

'કાંઈ નહીં. પહેલાંનાં બૈરાં પતિની સેવા કરતાં !’

બીજે દિવસે સવારે બાથરૂમમાં અબોટિયું મૂક્યું : 'આજથી પૂજા નાહીને તમારે કરવાની.’

એમની આંખો પહોળી થઈ ગઈ : 'આ શું ગાંડપણ માંડ્યું છે?'

'પહેલાંનાં બૈરાં પૂજા નહોતાં કરતાં. પૂજાપાઠ પુરુષો જ કરતા.’

ત્યાર પછી બે-ચાર દિવસ ગાંધીને ત્યાંથી ખરીદી કરવી, વીજળીનું બીલ ભરવું, બૅન્કમાંથી પૈસા લાવવા, ગૅસ પૂરો થયો તેનો ફોન કરવો, છોકરાંવની નિશાળે જવું, શાક લાવવું, છોકરાંવને ભણાવવાં – બધું જ એમને સોંપ્યું ! 'તું કર' એમ કહેવાનો અવકાશ જ નહોતો, કેમ કે પહેલાંનાં બૈરાં આવું કાંઈ કરતાં નહોતાં. અને છેલ્લે ચાર દિવસની "હક્ક રજા" લઈ મેં કામમાંથી બિલકુલ છુટ્ટી લીધી.

એક દિવસ સાંજે આવી એમણે કહ્યું, 'તારી મા તારા ભાઈને ત્યાં આવી છે. તને મળવા બોલાવી છે. '

માને મળવાની હોંશમાં હું નાટક ભૂલી ગઈ. અને સ્વાંગ ઉતારી તૈયાર થઈ એમની સાથે નીકળી. ટૅક્સીમાં બેઠા પછી કહે, 'હાથ જોડ્યા, માવડી ! આઠ દિવસથી આ શું નાટક માંડ્યું છે?'

'નાટક? તમારી સેવામાં ખડે પગે હાજર રહું છું. રાતે પગચમ્પી કરું છું. પહેલાંનાં બૈરાં …'

'બસ, બસ હવે, બહુ થયું ! આજે હુંયે તને નાટક બતાવું !’

'એટલે શું, મા નથી આવી?'

'કેવી બનાવી !’ કહેતાંકને મારી સામે એમણે નાટકની બે ટિકિટ ધરી …. ‘ઘરસંસાર …. !’

(શ્રી વૈજયંતી ફણસળકરની ‘મરાઠી’ વાર્તાને આધારે)    

(વીણેલાં ફૂલ – 8;  પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 1985; પાના 01-04)

Loading

ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો ને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 May 2017

એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની ને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ટ્રિપલ તલાકના મુદ્દે કોઈ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. તેમણે બીજી વાત એ કહી છે કે ભારતીય દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી વખતોવખત જરૂરી સુધારા થતા રહે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પરંપરાને અનુસરીને અને બદલાયેલા સમયની જરૂરિયાત પારખીને મુસ્લિમ સમાજ પોતે જ ટ્રિપલ તલાકનો અંત લાવશે અને મુસ્લિમ બહેનોને ન્યાય મળશે. વડા પ્રધાનની વાત સાચી છે. કોઈ રાજકીય પક્ષે ધર્મનું રાજકારણ ન કરવું જોઈએ. વડા પ્રધાન આવું બોલે છે ત્યારે ઘડીભર વ્હાલ વકરી લેવાનું મન થઈ આવે છે, પરંતુ ત્યાં તો બીજા દિવસે ગાંવ મેં યદિ કબ્રસ્તાન હો સ્મશાનભૂમિ ભી હોની ચાહિએ એવું કથન સાંભળવા મળે છે અને મન ખાટું થઈ જાય છે. દેશના ભવિષ્ય વિશે ચિંતા થવા લાગે છે. ઓછામાં ઓછી વડા પ્રધાન પાસેથી એટલી અપેક્ષા રહે છે કે તેઓ તત્ત્વનો ખીલો પકડી રાખે જે રીતે જવાહરલાલ નેહરુ ગમે એવી સ્થિતિમાં પકડી રાખતા હતા. નેહરુની મહાનતા આ કારણે છે.

જે દિવસે વડા પ્રધાને મીઠીમધુરી વાત કહી એ દિવસે જ ઉત્તર પ્રદેશના એક પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે કામાંધ મુસલમાનો વાસના સંતોષવા ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના આ એક પ્રધાન બહુ મોટી હસ્તી છે. તેઓ BJPના ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ હતા અને તેમના નેતૃત્વમાં BJPને ઉત્તર પ્રદેશમાં ભવ્ય વિજય મળ્યો હતો. તેઓ મુખ્ય પ્રધાન થતાં-થતાં રહી ગયેલા માણસ છે. આવાં તો બીજાં અનેક કથનો ટાંકી શકાય એમ છે અને એવાં કથનો કરનારાઓમાં ખુદ નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. આનો દેખીતો અર્થ એ થયો કે વડા પ્રધાન પોતે અને BJP સમયે-સમયે જરૂરિયાત મુજબ ધર્મનું રાજકારણ કરે છે. પ્રમાણ જોઈએ તો એક નહીં હજાર મળી શકે એમ છે.

યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારા લોકોએ બંધારણસભામાં આ પ્રશ્ન કઈ રીતે હાથ ધરવામાં આવ્યો હતો એના પર એક નજર કરવી જોઈએ. એ પ્રશ્નને ધર્મની એરણે, સુધારાઓની એરણે, સ્ત્રીઓને મળવા જોઈતા ન્યાયની એરણે અને ભારતની એકતા તેમ જ ભવિષ્યની એરણે તપાસવામાં આવ્યો હતો. સાંગોપાંગ અભ્યાસ કર્યા પછી એટલો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધર્મના નામે અન્યાય કરવાનો કોઈને અધિકાર નથી. જો અન્યાયી રિવાજ, કાયદો કે વિધિવિધાન કાયમ રાખવા માટે ધર્મની આડ લેવામાં આવતી હોય તો સંબંધિત સમાજને સમજાવવો જોઈએ અને યોગ્ય સમયે ભવિષ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવામાં આવે.

પુરુષોને ફાયદો કરી આપનારા કાયદાઓ અને રિવાજોને ટકાવી રાખવા માટે પુરુષો દ્વારા ધર્મની આડ લેવામાં આવે છે એ એક હકીકત છે. એ અર્થમાં એ પ્રશ્ન ધાર્મિક છે એમાં કોઈ શંકા નથી. કોઈ સમાજનો સ્થાપિત વર્ગ ધર્મનો દુરુપયોગ કરતો હોય તો બીજા લોકોને એનો વિરોધ કરવાનો અધિકાર છે. અધિકાર નહીં, એ તેમની ફરજ બને છે. એ ફરજ બને છે એટલે તો બંધારણસભામાં એ વિશે ચર્ચા થઈ હતી. સવાલ એ છે કે એ વિરોધ ન્યાયકેન્દ્રી હોવો જોઈએ કે ધર્મકેન્દ્રી? જો ન્યાયની ખેવના હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય અને જો ધર્મ કેન્દ્રમાં હોય તો ચર્ચાનું અને ભાષાનું સ્વરૂપ જુદું હોય.

વાચકોએ નોંધ્યું હશે કે ન્યાયની ખેવના ધરાવનારા લોકો જ્યારે યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ કરે છે ત્યારે તેમની દલીલો અને ભાષા શરિયતના કાયદાઓનો બચાવ કરનારા મુસ્લિમ પુરુષોની અને સંઘપરિવારની દલીલો અને ભાષા કરતાં જુદાં પડે છે. ધર્મને કેન્દ્રમાં રાખીને શરિયતનો બચાવ કરનારાઓની દલીલો અને ભાષા જુનવાણી હોય છે જ્યારે ધર્મને કેન્દ્રમાં રાખીને યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ ધરાવનારાઓની દલીલો અને ભાષા કોમી હોય છે. એટલે તો સ્વામી પ્રસાદ મૌર્યે કોમી અને અભદ્ર ભાષામાં યુનિફૉર્મ સિવિલ કોડની વકીલાત કરી છે. આ સંઘપરિવારની વૈચારિક પરંપરા છે અને વડા પ્રધાને જે કહ્યું છે એ અપવાદ છે. આપણે આશા રાખીએ કે વડા પ્રધાને કરેલી દલીલો અને વાપરેલી ભાષા અપવાદ મટીને સંઘપરિવારમાં નિયમ બને, નવી પરંપરા બને.

ભારતની દાર્શનિક પરંપરા એટલી સમૃદ્ધ છે કે એમાં અંદરથી આપોઆપ સુધારાઓ થતા રહે છે એ વડા પ્રધાને કહેલી બીજી વાત આંશિક પ્રમાણમાં સાચી છે. એમાં કોઈ શંકા નથી કે ભારતમાં અનેક સામાજિક સુધારાઓ સ્થળકાળની જરૂરિયાત મુજબ થતા આવ્યા છે. સુધારાઓમાં ધર્મ આડો આવતો હોય અને મોટા પ્રમાણમાં સમાજ વિગ્રહ થયો હોય એવું ભારતમાં બન્યું નથી જેવું પશ્ચિમના દેશોમાં અને અન્યત્ર બન્યું છે. વાચકોને મારે એટલું જ કહેવું છે કે વીતેલા યુગમાં અને આધુનિક ભારતમાં સુધારાઓના પક્ષે કરવામાં આવેલી દલીલો અને ભાષાનું સ્વરૂપ કેવું હતું એના પર એક નજર કરી જાય. એ દલીલોના કેન્દ્રમાં ન્યાય, માનવતા અને કરુણા હતાં અને એટલે એ રીતની ભાષા હતી. ઉપનિષદના ઋષિઓની, બૌદ્ધોની, જૈનોની, સંતોની અને સૂફીઓની, આધુનિક યુગના સુધારકોની, વિવેકાનંદની અને ગાંધીજીની દલીલો અને ભાષા જોઈ જાય. 

આમ છતાં કેટલાક સુધારાઓ નહોતા થયા એ નહોતા જ થયા. ન્યાય, માનવતા અને કરુણાસભર દલીલોની લાંબી પરંપરા હોવા છતાં ખાસ કરીને દલિતો અને સ્ત્રીઓ સાથે ન્યાય કરવામાં નહોતો આવ્યો. આ કામ છેવટે બંધારણસભાએ અને એ પછી હિન્દુ કોડ બિલ લાવીને ભારત સરકારે કરવું પડ્યું હતું. એ સમયે કૉન્ગ્રેસના જુનવાણી વિચારો ધરાવનારા નેતાઓએ અને સંઘપરિવારે એનો વિરોધ કર્યો હતો. જો એ સમયે હિન્દુઓએ એનો વિરોધ ન કર્યો હોત તો કદાચ એ સમયે જ યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો હોત. ભારતના વિભાજન પછી મુસલમાનો શરિયતના કાયદાઓ માટે આગ્રહ કરવાની સ્થિતિમાં નહોતા. આમ ભારતની દાર્શનિક પરંપરા લચીલી અને સમૃદ્ધ છે એમાં કોઈ શંકા નથી, પરંતુ એ એટલી પણ લચીલી અને સમૃદ્ધ નથી કે રાજ્યે હસ્તક્ષેપ ન કરવો પડે. મુસલમાનો સાત દાયકા પછી પણ સ્વૈચ્છિકપણે સ્ત્રીઓને ન્યાય આપવાની પહેલ કરતા નથી એટલે રાજ્યે હસ્તક્ષેપ કરવો પડે છે. એનો અર્થ એ થયો કે ભારતીય પરંપરાની સમૃદ્ધ ઉદારતા અને લચીલાપણું પુરુષપ્રધાન અને સવર્ણપ્રધાન છે. એમાં દલિતો અને સ્ત્રીઓનો સમાવેશ નથી થતો.

વડા પ્રધાન ભૂલ્યા ત્યાંથી ફરી ગણવા માગતા હોય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. અહીં માત્ર વાસ્તવિકતાનો અરીસો સામે રાખવામાં આવ્યો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 મે 2017

Loading

ટાર્ગેટ મોટા ખેડૂતોને નહીં, શહેરમાં વસતા ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને બનાવવાની જરૂર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 May 2017

સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયની આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિજમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી

જાણીતા અર્થશાસ્ત્રી અને નીતિ આયોગના સભ્ય બિબેક દેબરૉયે બે દિવસ પહેલાં કહ્યું હતું કે મોટા ખેડૂતોની કૃષિની આવક પર આવકવેરો લાગુ કરવો જોઈએ. કેટલીક માગણીઓ વર્ષોથી કરવામાં આવે છે અને જેનો વર્ષોથી તીવ્ર વિરોધ કરવામાં આવે છે એમાંની આ એક માગણી છે. શહેરમાં વસતા લોકોને એમ લાગે છે કે સરકાર મોટા ખડૂતોને લાડ કરી રહી છે અને તેઓ વેરાથી બચી જાય છે. જો નાના શહેરી દુકાનદારને વેરો ભરવો પડતો હોય તો મોટા ખેડૂતોનો અપવાદ શા માટે?

બિબેક દેબરૉયના નિવેદન પછી હજી તો કોઈ પ્રતિક્રિયા પેદા પણ થાય એ પહેલાં કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ખુલાસો કર્યો હતો કે મોટા ખેડૂતો પર આવકવેરો લાદવાનો કેન્દ્ર સરકારનો કોઈ ઈરાદો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે બંધારણ કૃષિની આવક પર વેરો લાદવાનો કેન્દ્ર સરકારને અધિકાર નથી આપતું. બીજા દિવસે કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું હતું કે એ વાત સાચી છે કે બંધારણ મુજબ કેન્દ્ર સરકારને વેરો લાદવાનો અધિકાર નથી, પરંતુ રાજ્ય સરકારો ઇચ્છે તો મોટા ખેડૂતોની કૃષિની આવક પર વેરો લાદી શકે છે. તેમણે શબ્દ ચોર્યા વિના રાજ્ય સરકારોને ભલામણ કરી હતી કે તેમણે આ વિશે વિચારવું જોઈએ.

પહેલા બંધારણ ઘડનારાઓએ કેન્દ્ર સરકારને કૃષિની આવક પર વેરો લાદવાનો અધિકાર શા માટે નથી આપ્યો અને નાના શહેરી દુકાનદારમાં અને ખેડૂત (પછી તે નાનો હોય કે મોટો) એમાં શું ફરક છે એ સમજી લઈએ. આવકવેરો એ કેન્દ્ર સરકારનો અખત્યાર છે. રાજ્ય સરકારો આવકવેરો લાદી શકતી નથી. રાજ્ય સરકારોને કેન્દ્રની મહેસૂલી આવકમાંથી મજરે ભાગ મળે છે.

તો પછી કૃષિવ્યવસાય દ્વારા થતી આવકને શા માટે કેન્દ્ર સરકારના અખત્યારથી મુક્ત રાખવામાં આવી છે? નાનો દુકાનદાર મુંબઈનો હોય કે ભુવનેશ્વરનો તેની આવક તેની મહેનત અને આવડત પર નિર્ભર હોય છે. તેના વ્યવસાયને બાહ્ય પરિબળો ભાગ્યે જ પ્રભાવિત કરે છે. ખેડૂતની બાબતમાં આવું નથી. ગુજરાતનો ૧૦ એકર જમીનનો ધણી પંજાબના બે એકર જમીનના માલિક કરતાં ઓછું કમાતો હોય એ બની શકે છે. જમીનની ફળદ્રુપતા ખેતરે-ખેતરે અલગ-અલગ હોય છે. આ ઉપરાંત વરસાદ, કરા પડવા, જીવાત લાગવી, તીડનો હુમલો થવો, બિયારણમાં ખામી જેવાં અનેક પરિબળો એવાં હોય છે જેના પર ખેડૂતનો કોઈ અંકુશ નથી હોતો. આસમાની અને સુલતાની બન્ને કૃષિવ્યવસાયને પ્રભાવિત કરે છે, જ્યારે દુકાનદારને માત્ર સુલતાની પરિબળો પ્રભાવિત કરે છે. માટે કૃષિવ્યવસાયને સુલતાની (રાજ્યકીય) અંકુશોથી મુક્ત રાખવામાં આવ્યો છે. બંધારણ ઘડનારાઓએ આ જોગવાઈ ગાંધીજીના ગ્રામસ્વરાજથી પ્રેરાઈને રોમૅન્ટિક ખયાલોના ભાગરૂપે કરી નથી. બીજી બાજુ રાજ્ય સરકારોને આવકવેરાનો અધિકાર જ નથી તો પછી અરવિંદ સુબ્રમણ્યન કહે છે એમ રાજ્યો આવકવેરો કઈ રીતે લાદી શકે? તેમનું સૂચન અભ્યાસ વિનાનું છે.

મોટી સમસ્યા બીજી છે. શહેરી શ્રીમંતો આવકવેરો ભરવાથી બચવા માટે કૃષિવ્યવસાયનો દુરુપયોગ કરે છે. તેઓ બે ચીજનો દુરુપયોગ કરે છે. એક અવિભક્ત હિન્દુ પરિવાર (હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી-HUF) અને બીજો ખેતી. અહીં HUF ચર્ચાનો વિષય નથી એટલે એની વાત જવા દઈએ. બીજું, એનો માત્ર હિન્દુઓ ગેરલાભ ઉઠાવે છે. આવકવેરો છુપાવવા માટે HUF કરતાં પણ વધારે ઉપયોગી સાધન ખેતી છે. શહેરીજનો તેમના ગજા મુજબ મોટી જમીન ખરીદે છે અને વ્યવસાયમાંથી થતી આવકને કૃષિની આવક તરીકે બતાવે છે અને એ રીતે આવકવેરાની ચોરી કરે છે. આ રમત આખું ગામ જાણે છે.

છીંડાંનો ઉપયોગ કરનારાઓ જાણે છે કે કૃષિની આવક પર વેરો લાદવાની બાબતે કેન્દ્ર સરકારના હાથ બંધાયેલા છે એટલે એક રીતે તેઓ અભય વચન ધરાવે છે.

દેશને આવકવેરાનું નુકસાન થઈ રહ્યું છે તો આ છીંડાને કારણે. આ છીંડું બંધ થવું જોઈએ અને  એ કઈ રીતે થઈ શકે એ મુખ્ય સવાલ છે. મોટા ખેડૂતોને ટાર્ગેટ બનાવવાની જરૂર નથી, પ્રત્યક્ષ ખેતી નહીં કરનારા, અંગ્રેજીમાં કહીએ તો ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને ટાર્ગેટ બનાવવાની જરૂર છે. ગામડાંમાં ખેડૂતના ઘરમાં ટીવી અને ફ્રિજ હોય તો એનો અર્થ એવો નથી કે તે મોટો ખેડૂત છે અને કૃષિવ્યસાયમાં ખૂબ ધન એકઠું કરે છે. જો એમ હોત તો શહેરી લોકો જમીન વેચીને શહેરમાં ન આવ્યા હોત. જે લોકો કૃષિની આવક પર કરવેરાની માગણી કરી રહ્યા છે એમાંના ઘણા પૂર્વાશ્રમના ખેડૂત છે. આમ ટાર્ગેટ શહેરમાં વસતા ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સને બનાવવાની જરૂર છે અને એ કઈ રીતે થઈ શકે?

આને માટે બંધારણમાં સુધારો કરવો જોઈએ. સુધારો માત્ર એટલો કરવો જોઈએ કે કૃષિ સિવાયના આવકના બીજા સ્રોત ધરાવતા હોય તેમની કૃષિની આવકને કરવેરામાંથી મુક્તિ આપવામાં નહીં આવે. તેઓ ખેતીના વ્યવસાયમાં ખોટ બતાવે તો એ ખોટને પણ લક્ષમાં લેવામાં નહીં આવે એટલી હદે પણ કાયદો થઈ શકે છે. જો આટલો સુધારો કરવામાં આવે તો શહેરી નાણું ગામડાંમાં ઠલવાય છે અને જમીનને મોંઘી કરે છે એનો અંત આવી જશે. તેમણે ગ્રામીણ કૃષિની જમીનને રિયલ એસ્ટેટ બનાવી મૂકી છે. બીજું, તેઓ કહેવાતા કૃષિવ્યવસાયમાંથી નીકળી જશે તો જમીન ખરેખર કૃષિઉત્પાદન માટે વપરાશે. અત્યારે ગામડાંમાં સો એકર જમીન ધરાવતા શહેરી ખેડૂતને એ જમીનમાંથી વધુમાં વધુ ઉત્પાદન થાય એની સાથે સંબંધ નથી. જમીન કમાવીને આપે તો ઠીક છે, અન્યથા આવક છુપાવવા માટે તો એ કામમાં આવે જ છે. ત્રીજું, ઍબ્સન્ટી લૅન્ડલૉર્ડ્સ કૃષિવ્યવસાયમાંથી હટી જશે તો તેઓ બાગબાની (હૉર્ટિકલ્ચર) અને બીજી રીતે જમીન પર કબજો જાળવી રાખવા જમીન વેડફે છે એનો ઉપયોગ ધાન ઉત્પાદન કરવા માટે થઈ શકે છે.

વિચારી જુઓ.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 મે 2017

Loading

...102030...3,4603,4613,4623,463...3,4703,4803,490...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved