Opinion Magazine
Number of visits: 9689098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીભ્રૂણ હત્યા, બળાત્કાર, ઘરેલુ હિંસાની જેમ ટ્રિપલ તલાક પણ સ્ત્રીઓ પરનો અત્યાચાર છે, તે નાબૂદ થવો જોઈએ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|25 March 2017

ત્રીસમી માર્ચે સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક અંગેની અરજીઓની સુનાવણી થવાની છે

સતીની કુપ્રથા, સ્ત્રીભ્રૂણહત્યા,બળાત્કાર, ઘરેલુ હિંસા અને દહેજ ગુના બને છે. બુરખો, ઘુમટો, ડાકણની કુરૂઢિ, મહિલા સુન્નત પછાતપણા તરીકે ધિક્કાર પામે છે. મહિલાઓ પર આ પ્રકારના જુલમો સ્થાપિત ધર્મ લાદે છે. તેનો અમલ મોટે ભાગે ધર્મગુરુઓ થકી થાય છે.  ધર્મગુરુઓનો મોટો વર્ગ ધર્મગ્રંથોના પુરુષસત્તાક અર્થઘટનો થકી મહિલાઓની બાબતમાં પોતાની મનમાની કરે છે. જેમ કે, ‘મનુસ્મૃિત’ના કેટલાક હિસ્સા અને સ્થાપિત ધર્મ  થકી તેના  દુરુપયોગને હિંદુ સ્ત્રીઓની દુર્દશા માટે જવાબદાર ગણવામાં આવે છે. મુસ્લિમોમાં પ્રવર્તતી ટ્રિપલ તલાક, બહુપત્નીત્વ અને હલાલા નામની લગ્નપદ્ધતિની  બદીઓની બાબતમાં પણ આમ બન્યું છે.

આ ત્રણેય પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ પર ત્રીસમી માર્ચે ભારતની સર્વોચ્ચ અદાલત સુનાવણી હાથ ધરવાની છે. ટ્રિપલ તલાકનો ભોગ બનનાર મુખ્ય અરજદાર ઉત્તરાખંડના શાયરા બાનુ છે. સમાજશાસ્ત્રમાં એમ.એ. થયેલાં પાંત્રીસ વર્ષનાં શાયરાએ અલાહબાદમાં પતિની મારઝૂડ ઉપરાંત દસ ગર્ભપાત વેઠ્યાં છે. ભારત સરકારે ટ્રિપલ તલાકને અયોગ્ય ગણતું સોગંધનામું કર્યું છે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન નામના ખૂબ નોંધપાત્ર મહિલા સંગઠને ટ્રિપલ તલાકની સામે ઝુંબેશ ચલાવી છે. કપરી કર્મશીલતાનો દાયકો પૂરો કરીને આ આંદોલન દસ જાન્યુઆરીએ અગિયારમાં વર્ષમાં પ્રવેશ્યું છે. આંદોલન ઉપરાંત દેશના પ્રગતિશીલ મુસ્લિમ અને બિનમુસ્લિમ નાગરિકો વ્યક્તિગત કે સામૂહિક સ્વરૂપે ટ્રિપલ તલાક નાબૂદીને ટેકો આપી રહ્યા છે.

સામે પક્ષે જૂનવાણી અને પ્રતિગામી સંગઠન ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ટ્રિપલ તલાકની તરફેણ કરીને તેની નાબૂદીની માગણીને ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર પર તરાપ ગણાવી રહ્યું છે. જો કે રફિક ઝકરિયા ‘ધ વાઇડનિંગ ડિવાઈડ’ પુસ્તકમાં નોંધે છે : ‘ મુસ્લિમ પર્સનલ લૉ પૂરેપૂરો કુરાન પર આધારિત નથી. એ તો મૌલવીઓના એક જૂથે લૉર્ડ મેકૉલેના કહેવા મુજબ રચેલા અર્થઘટનો અને શિરસ્તાઓનું એક ઝુમખું છે.’ અસગર અલી ઇન્જિનિયર ‘ધ  ઇન્ડિયન મુસ્લિમ’ પુસ્તકમાં એ મતલબની વાત કરે છે કે મુસ્લિમ પર્સનલ લૉ એ દૈવી ગણાતો  હોવાથી અપરિવર્તનશીલ બની જતો નથી. એ પણ કહેવું જોઈએ કે સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) અને ટ્રિપલ તલાક પરના પ્રતિબંધ વચ્ચેના સંબંધની તપાસ અલગ લેખનો વિષય બને છે.

મુસ્લિમ દંડવિધાનના એક હિસ્સા એવા શરિયાની બાબતમાં સ્વામીનાથન અંકલેસરિયા ઐયર લખે છે : ‘શરિયાનો કાનૂન વ્યાભિચારી સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવાની મંજૂરી આપે છે, પણ આપણા સેક્યુલર કાયદા મુજબ આ પ્રતિબંધિત છે. શરિયાનો કાનૂન ચોરની આંગળીઓ કે તેના હાથ કાપી નાખવાનું ભલે કહેતો હોય, આપણો સેક્યુલર કાયદો તેને મંજૂરી આપતો નથી …’ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇસ્લામિક સ્ટડીઝ ફૉર ડાયલૉગ, પીસ અ‍ૅન્ડ જેન્ડર જસ્ટીસના ડિરેક્ટર જનરલ ઝીનત શૌકત લખે છે : ‘એ બિલકુલ સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ કે તલાક-ઇ-બિદાતને કુરાનમાં કોઈ મંજૂરી નથી. તે એક જ બેઠકમાં છૂટાછેડાને મંજૂરી આપતું નથી, પયગંબર પણ તેને કાયદેસરના ગણતા નથી. પયગંબરે તો છૂટાછેડા આપવાના નિરંકુશ અધિકાર પતિને આપતી  ઇસ્લામપૂર્વ કાળની પિતૃસત્તાક  રૂઢિને સહુથી ભયંકર બાબત ગણીને વખોડી છે.’ ઑલ ઇન્ડિયા મુસ્લિમ વિમેન્સ પર્સનલ લૉ બોર્ડ પણ આ ટ્રિપલ તલાકને ‘અનઇસ્લામિક’ ગણે છે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સ્થાપક ઝકિયા સોમણ કહે છે, ‘જ્યાં સુધી કુરાનને સંબંધ છે ત્યાં સુધી તેમાં ટ્રિપલ તલાકનો ઉલ્લેખ નથી. એ પછીના તબક્કે થયેલો ઉમેરો છે. પયગંબરના અવસાન પછી ઇમામોમાંથી એકે તેને ફક્ત હંગામી ધોરણે દાખલ કર્યો હતો. છૂટાછેડાનો સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકાર છે.’

ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને ઑગસ્ટ  2015માં કરેલું સર્વેક્ષણ જાણીતું  છે. તે મુજબ  દસ રાજ્યોની પાંચ હજાર જેટલી મુસ્લિમ મહિલાઓમાંથી 92.1% મહિલાઓએ ટ્રિપલ તલાક અને 91.7 % મહિલાઓએ બહુપત્નીત્વ બંને  પરના  પ્રતિબંધને ટેકો આપ્યો છે. વળી 88.5% મહિલાઓ મૌખિક રીતે અપાયેલા તલાક પછી મહિલાઓને નોટિસ આપનાર કાઝીને સજા કરવાની માગણીને ટેકો આપ્યો હતો ! આંદોલનના અગ્રણી ઝકિયા અને ડૉ. નૂરજહાં  સફિયા નિયાઝે 2015માં તૈયાર કરેલો પ્રસિદ્ધ કરેલો સાઠ પાનાંનો એક અહેવાલ શબ્દશ: વાંચવા જેવો છે. આ નક્કર દસ્તાવેજનું નામ છે ‘નો મોર તલાક તલાક તલાક  : મુસ્લિમ વિમેન કૉલ ફૉર અ બૅન ઑન અ‍ૅન અનઇસ્લામિક પ્રૅક્ટિસ’. તેના પહેલા જ પાને પયગંબરનું અવતરણ ટાંકવામાં આવ્યું છે : ‘અલ્લા જે કાનૂની બાબતને સહુથી વધુ ધિક્કારે છે તે છે તલાક’. તેમાં ટ્રિપલ તલાકને કારણે જેમની જિંદગી તબાહ થઈ હોય એવી સો મહિલાઓના કેસ સ્ટડીઝ આપવામાં આવ્યા છે. આઠ રાજ્યોની આ મહિલાઓની તબાહીની દુર્દશાની રૂપરેખા પણ હચમચાવી દેનારી છે. પુરોવચનમાં જાણીતા અભ્યાસી તાહિર મહમૂદ કહે છે કે ‘આ અહેવાલ વાંચતાં હૉરર સ્ટોરિ વાંચતાં હોઈએ તેવું લાગે છે. છૂટાછેડા અંગેના ઉમદા ઇસ્લામિક કાયદાના બેફામ દુરુપયોગે સમાજમાં જે વિનાશ વેર્યો છે તેનો પણ આ અહેવાલ પર્દાફાશ કરે છે.’ અહેવાલની પ્રસ્તાવના આ વિષય પરનો એક અત્યંત મહત્ત્વનો લેખ બને છે. તેમાં લેખકો કહે છે કે ટ્રિપલ તલાકને કારણે નિરાધાર બનતી હજારો સ્ત્રીઓના  કિસ્સામાં પતિ છૂટાછેડા આપવા એ ‘ઇસ્લામે તેને આપેલો અધિકાર’ ગણે છે. લોકોમાં કુરાનની આજ્ઞા અને ટ્રિપલ તલાકના અર્થ અંગે ભાગ્યે જ કોઈ સમજ છે. મૌલવી અને કાઝી ઉપરાંત ખુદને ભારતીય મુસ્લિમોના પ્રતિનિધિ ગણાવનાર પણ તલાકના કાયદાના દુરુપયોગ માટે જવાબદાર છે. ઇસ્લામના નામે ચલાવવામાં આવતું સ્ત્રીના તિરસ્કારથી ભરેલા પુરુષપ્રધાન માનસને લેખકો દોષિત ગણે છે. અહેવાલ કહે છે કે ઘણા અભ્યાસીઓએ બતાવ્યા મુજબ ભારતમાં પ્રવર્તમાન મુસ્લિમ પર્સનલ લૉ એ, કોડિફાય ન થયેલા એટલે કે લેખિત કાયદાનું સ્વરૂપ ન અપાયેલા નિયમોનો એવો જથ્થો છે કે જે વસાહતવાદી બ્રિટિશ શાસન દરમિયાન તૈયાર  થયો હતો. એટલા માટે તેની સમજ અને તેના અમલમાં સુધારો એ કુરાનપ્રણિત ન્યાયની દિશાનું એક પગલું હશે.’

આંદોલનના આ અહેવાલમાં એવા અનેક મુસ્લિમ દેશોનો હવાલો આપવામાં આવ્યો છે કે જેમણે તલાક સંબંધિત કાયદાઓને સુધાર્યા હોય. તેમાં તુર્કી, ટ્યુનિશિયા, સિરિયા, ઇજિપ્ત, મોરોક્કો, ઇરાન, ઇરાક, મલેશિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતની સરકારે તેના સોગંધનામામાં પણ આ મુદ્દો મૂક્યો છે. પણ તેમાં બહુપત્નીત્વ અને ટ્રિપલ તલાક અંગે જણાવેલી બહુ મહત્ત્વની બાબતો આ મુજબ છે :  આ રિવાજોને કારણે મુસ્લિમ સ્ત્રીઓ સામાજિક અને આર્થિક  રીતે જોખમ નીચે જીવે છે; જેન્ડર જસ્ટીસ, ભેદભાવ નિર્મુલન, માનવગૌરવ અને સમાનતાના સંદર્ભમાં આ રિવાજોની પુનર્વિચારણા કરવી જોઈએ ; ધર્મ-સંસ્કૃિતની બહુલતા અને વૈવિધ્યની જાળવણીના ખ્યાલો સ્ત્રીઓને સમાન અધિકારો ન આપવા માટેનું બહાનું ન બની શકે; સ્ત્રીઓને સામાજિક, આર્થિક અથવા લાગણીના સ્તરે અરક્ષિત રાખતી અથવા પુરુષોના તુક્કાને આધીન રાખતા કોઈ પણ રિવાજો બંધારણના લેટર અને સ્પિરિટ સાથે બંધબેસતા નથી. તેમને ધર્મના આવશ્યક કે અંતર્ગત ભાગ ગણી શકાય નહીં.

++++

23 માર્ચ 2017

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 24 માર્ચ 2017

Loading

Wanted by Anti-Romeo Squad, UP, India

E.P Unny|Opinion - Cartoon|24 March 2017

courtesy : "The Indian Express", 24 March 2017

Loading

યોગી આદિત્યનાથ અને નારીવિમર્શ

નેહા શાહ|Opinion - Opinion|24 March 2017

તેમણે સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણની જોગવાઈ કરતા ખરડાનો પક્ષના વ્હીપની વિરુદ્ધ જઈ વિરોધ કર્યો હતો

ઉત્તર પ્રદેશમાં લોકોએ ભાજપને જંગી બહુમતીથી જીતાડીને શાસક પક્ષ વિરુદ્ધ સ્પષ્ટ આદેશ આપ્યો છે. ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ની અપીલ કોને ન ગમે? ગુજરાત જેવા ચાર લેનવાળા સીધાસપાટ રસ્તા અને 24 કલાક મળતી વીજળીની સુવિધા દરેક રાજ્યને પહોંચવી જોઈએ, એવી અપેક્ષાની નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા પાછળ ભૂમિકા ખરી. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક બનીને આવ્યા અને એ જ અપેક્ષાએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ પોતાનો ભાગ ભજવ્યો.

યોગી આદિત્યનાથની મુખ્યમંત્રી તરીકે વરણી થતાં ઘણાને આઘાત લાગ્યો એ ચોક્કસ. એની પાછળ બે કારણો છે. એક, યોગી આદિત્યનાથ કટ્ટર હિન્દુત્વનો ચહેરો છે. એટલે વિકાસની વાત કરતાં હિંદુ રાષ્ટ્રના મુદ્દાને વધુ અગત્યતા અપાશે એવો સંદેશ મળી રહ્યો છે. ભલે ને સંસદના તેમના સંબોધનમાં તેમણે રાજ્યના વિકાસ અંગે જ વાત કરી. તેનાથી તેમનો મૂળ એજન્ડા બદલાવાનો નથી. બે, 44 વર્ષના યુવાન યોગી આદિત્યનાથ સામે એક નહિ અનેક ક્રિમીનલ કેસ છે, જેમાં કોમી રમખાણ કરાવવા, ખૂનનો પ્રયત્ન, હથિયાર રાખવાં, અન્ય લોકોની સલામતી પર ખતરો પેદા કરવો જેવા અનેક ગંભીર ફોજદારી ગુના સમાવેશ થાય છે. ભલેને યુ.પી માં, ખાસ કરીને ગોરખપુરમાં, તેઓ ખૂબ પ્રખ્યાત છે. 26 વર્ષની યુવાન વયથી તેઓ ગોરખપુરના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. પાંચ વખત ગોરખપુરનું પ્રતિનિધત્વ સંસદમાં કરી ચૂક્યા છે. 2014માં 1,42,309 મતની જંગી સરસાઈથી જીત્યા છે, પણ તેઓ હંમેશાં કોમી દ્વેષ ઓકતાં વિવાદાસ્પદ વિધાનો માટે જ જાણીતા રહ્યા છે.

સ્ત્રીઓના સામાજિક દરજ્જા અંગે પણ આદિત્યનાથની એક ચોક્કસ સમજ છે, જે તેમણે રાજકીય કારકિર્દી દરમ્યાન કરેલાં અનેક વિધાનો અને ટિપ્પણીઓ પરથી આપણે સમજી શકીએ છીએ. એમની વેબસાઇટ પર લખાયેલા કેટલાક લેખોથી પણ તેમના વિચારો આપણે જાણી શકીએ છીએ. તેઓ સ્પષ્ટ માને છે કે સ્ત્રીઓનું પ્રાથમિક કર્તવ્ય પત્ની અને માતા તરીકેનું છે. સ્ત્રીશિક્ષણની તેઓ  હિમાયત કરે છે અને સ્ત્રીઓ સમાજમાં ગર્વભેર જીવી શકે એ માટે પણ તેઓ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચૂક્યા છે.

સ્ત્રી-પુરુષો સમાન નહિ, પણ પુરુષોથી અધિક છે અને તેમનું સમાજના વિકાસમાં વિશેષ યોગદાન રહ્યું છે, એ કહેવા માટે કુંતી, સીતા, પદ્મિની, લક્ષ્મીબાઈ જેવા સંદર્ભ તે ટાંકે છે. સાથે સ્ત્રીની પારંપરિક ભૂમિકા પર અવળી અસર ન પડે એવી ચેતવણી પણ આપે છે. 2010માં તેમણે સંસદમાં મહિલાઓ માટે 33 ટકા આરક્ષણની જોગવાઈ કરતા ખરડાનો પક્ષના વ્હીપની વિરુદ્ધ જઈ વિરોધ કર્યો હતો. કારણ કે ‘સ્ત્રી ઊર્જાશક્તિ છે અને ઊર્જાને કાબૂમાં રાખવી જોઈએ. નહીંતર એ વિસ્ફોટ સર્જી શકે છે.’ એવું ઉત્તર પ્રદેશના આ મુખ્યમંત્રી માને છે.

‘સ્ત્રીની રક્ષા બાળપણમાં પિતા કરે છે, યુવાનીમાં પતિ કરે છે અને ઘડપણમાં પુત્ર કરે છે. એટલે કોઈ પણ અવસ્થામાં સ્ત્રીને મુક્ત છોડવી યોગ્ય નથી.’ આ શાસ્ત્રોક્તિ ટાંકીને તેઓ લખે છે કે વાતનું તાત્પર્ય સ્ત્રીને પરાધીન બનાવવાનું નહિ, પણ ઊર્જાના સ્વરૂપમાં એનું સંરક્ષણ અને નિયંત્રણ કરવાનું છે. આ રીતે સંરક્ષિત સ્ત્રીશક્તિ જ ‘મહાપુરુષ’ની જન્મદાત્રી અને પાલક બની શકે.

સ્ત્રીઓએ પણ ભાજપને મોટા પ્રમાણમાં મત આપ્યા છે. વધતી જતી હિંસાના સમયમાં ‘બેટી બચાવો’ની વાત મોટો દિલાસો આપી ગઈ. પણ કોઈએ સવાલ ન પૂછ્યો કે દીકરીઓને કોનાથી બચાવવાની વાત થઈ રહી છે. એવું સમજીને બેસી રહ્યાં કે આ સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવાની વાત છે. સાથે શેરીઓમાં થતી મશ્કરી, છેડછાડ અને બળાત્કારથી બેટી બચાવવાની વાત છે. ચૂંટણી પહેલાં એન્ટી-રોમિયો સ્ક્વૉડ બનાવવાની વાત ઢંઢેરામાં હતી. સત્તા સંભાળતાની સાથે જ  યોગી આદિત્યનાથની સરકારે ‘રોમિયોગીરી’ રોકવા 11 જિલ્લામાં સ્ક્વૉડની રચના કરવા પોલીસને આદેશ આપી દીધો છે. આ સ્ક્વૉડ સ્કૂલો અને કૉલેજોની બહાર પહેરો ભરશે અને છોકરીઓને કનડગત રોકશે.

આનાથી ચોક્કસ જે-તે વિસ્તારમાં છેડતી પર અંકુશ આવવો જોઈએ. તાત્કાલિક પગલાં તરીકે એ ચોક્કસ આવકાર્ય છે, પણ એનાથી પ્રશ્નનો જડમૂળથી નિકાલ થાય છે ખરો? સ્ત્રી સામે હિંસા કેમ થાય છે એ સવાલ આપણે પૂછ્યો? પ્રશ્નના નિદાન વગર એનો ઇલાજ કરીએ તો એ કેટલો અસરકારક રહેવાનો? સ્ત્રીઓ સામે થતી હિંસા અંગે થયેલા વિવિધ અભ્યાસોમાંથી આપણને હિંસા આચરનારાની માનસિકતા વિશે જાણવા મળે છે. આવા લોકો માનતા હોય છે કે, સ્ત્રીઓનો દરજ્જો પુરુષો કરતાં નીચો જ હોવો જોઈએ, સ્ત્રીઓને કાબૂમાં રાખવી જોઈએ, સ્ત્રીઓનું સ્થાન ઘરમાં જ છે, એટલે જ્યારે સ્ત્રી જ્યારે ઘરની બહાર પગ મૂકે ત્યારે તેના પર નિયંત્રણ મૂકવામાં – એને ‘પાઠ ભણાવવા’માં એમને કશું ખોટું નથી લાગતું.

આ મોટા ભાગે એ પુરુષો હોય છે કે જેઓ સ્ત્રી-પુરુષને સમાન દરજ્જાના માનવ ગણતી આધુનિક વિચારધારામાં નથી માનતા. તેમને આ વિચાર પાશ્ચાત્ય લાગે છે. સ્ત્રીઓનું બહાર નીકળવું, કામ કરવું, હરવુંફરવું, અગત્યના નિર્ણયો લેવામાં સહભાગી થવું વગેરે તેમને પાશ્ચાત્ય સંસ્કૃિતનું આંધળું અનુકરણ લાગે છે. તેનો તેઓ જોરશોરથી વિરોધ કરે છે. હવે સત્તાધારી નેતા પણ આવા જ વિચારો ધરાવતા હોય ત્યારે નીતિવિષયક નિર્ણયો કઈ દિશામાં જશે એ અંગે ચિંતા થવી સ્વભાવિક છે. સ્ત્રીઓ માટે સલામત સમાજ બનાવવા માટે ભયમુક્ત વાતાવરણની જરૂર છે. બોડીગાર્ડ પૂરા પાડવા એ કામચલાઉ ઉપાય છે.

‘લવજેહાદ’ સામે યોગીની પોતાની ‘જેહાદ’ છે. એમને એવું કહેતાં ટાંકવામાં આવ્યાં છે કે જો કોઈ એક મુસ્લિમ પુરુષ હિંદુ સ્ત્રી સાથે લગ્ન કરી તેને વટલાવશે, તો સામે એક હિંદુ પુરુષ 100 મુસ્લિમ સ્ત્રીને વટલાવશે. સ્ત્રી એમને માટે બદલો લેવાનું એક સાધન હોય એવું આ વિધાન પરથી લાગે છે. જાણે પરધર્મી સ્ત્રી એટલે ‘માણસ’ની વ્યાખ્યામાંથી બાકાત. આ અભિગમ દરેક ધર્મના ‘રક્ષકો’માં જોવા મળે છે. એટલે સ્ત્રીઓએ તો બીજાથી ડરીને જ ચાલવાનું. તો પછી ‘બેટી બચાવો’નું શું થશે?

નીતિના ઘડવૈયાની પાયાની જે સમજણ હોય તે એમની નીતિઓમાં દેખાવાની તેની સ્ત્રીઓ પર અવળી અસર નહીં દેખાય? આ સંદર્ભે ચોક્કસ સવાલ થાય કે ‘સૌનો સાથ’માં ‘સૌ’ની વ્યાખ્યા કેટલી વિસ્તૃત છે? એમાં કોનો સમાવેશ થાય છે? ‘વિકાસ’ની વ્યાખ્યા શું? એની કલ્પના શું? વિકાસ અંગે દરેક વર્ગની સ્ત્રીઓના અભિપ્રાયને મહત્ત્વ ખરું કે નહિ? આદિત્યનાથે પોતાની કેબિનેટમાં ત્રણ સ્ત્રીઓને સ્થાન આપ્યું તો છે, પણ સ્ત્રીઓના વિકાસને તેઓ પોતાની નીતિઓમાં કઈ રીતે સંકલિત કરે છે એ સમય કહેશે. 

નેહા શાહ,  લેખિકા અર્થશાસ્ત્રનાં અધ્યાપક છે.

e.mail : nehakabir00@gmail.com

સૌજન્ય : ‘હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 24 માર્ચ 2017 

Loading

...102030...3,4583,4593,4603,461...3,4703,4803,490...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved