Opinion Magazine
Number of visits: 9664631
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છ કાવ્યો

અંગ્રેજી અનુવાદ : ફૅડી જુડાહ [ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|23 March 2025

મૂળ અરબી કાવ્યો, કવિ : માયા અલ-હયાત (ઈઝરાયેલના જેરૂસલેમમાં વસતાં પૅલૅસ્ટિનયન કવયિત્રી-નવલકથાકાર)

૧. ખોટનો રસ્તો

તમારા બધાંની જેમ 

મેં છટકવાનો વિચાર કર્યો

પરંતુ મને ઉડ્ડયનની બીક છે,

ખીચોખીચ ભરેલાં પુલનો,

વાહન અક્સમાતનો,

અને નવી ભાષા શીખવાનો ડર છે.

એટલે સાદા પ્રયાણનું આયોજન છે,

એક નાનું પ્રસ્થાનઃ

સુટકેસમાં મારાં સંતાનોને પૅક કરી

કોઈ નવા સ્થળે જતાં રહેવું.

દિશાઓ મને ગૂંચવે છેઃ

આ શહેરમાં નથી જંગલ

કે નથી રણ.

ખ્યાલ છે તમને 

કોઈ ખોટના રસ્તાનો

જે વસાહતમાં જઈ અટકતો ના હોય?

આનંદપ્રદ હોય એવાં પ્રાણીઓ સાથે 

મિત્રતા કરવાનું મેં વિચાર્યું છે,

મારાં સંતાનોનાં ઈલૅકટ્રોનિક રમકડાંના

અવેજ તરીકે.

અને બલિ ચડાવે કોઈ કોઈનો એ પહેલા

અલોપ થઈ જવા કોઈ જગ્યા જોઈએ છે.

મારાં સંતાનો મોટાં થશે,

એમના પ્રશ્નો વધતાં જશે

અને હું જુઠ્ઠુ બોલી નથી શક્તી.

પરંતુ શિક્ષકો મારા શબ્દોને વિકૃત બનાવી દે છે.

હું દ્વેષ રાખતી નથી,

પરંતુ પાડોશીઓને હંમેશાં પંચાતમાં રસ હોય છે.

હું નિંદા કરતી નથી,

પરંતુ દુ:શ્મન કતલ કરે છે.

મારાં સંતાનો મોટાં થઈ રહ્યાં છે

અને હજુ કોઈને વિચાર આવતો નથી

અંતિમ કલાકના સમાચારનું પ્રસારણ બંધ કરવાનો,

શાળાઓની છત અને દીવાલને શીડવાનો,

રીબામણીનો અંત આણવાનો.

બોલવાની હિંમત મારામાં નથી.

જે કંઈ પણ બોલું છું, થઈને ઊભું રહે છે.

મારે બોલવું નથી.

એના કરતાં તો હું અલોપ થઈ જાઉં એ સારું.

***

૨. સામ્યતા

એક તફાવત બતાવો મને,

ભલે તમે ન્યાય, પીડા અથવા

ઇતિહાસ ધારતા હોવઃ

ધિક્કારનાર અદ્દલ ધિક્કારનાર જેવો લાગે છે

અને હત્યારો હત્યારા જેવો.

હવાઈ હુમલામાં નષ્ટ થયેલું મકાન દેખાય છે

બોંબ વિસ્ફોટથી નાશ પામેલા મકાન જેવું.

બંદૂકની ગોળીઓથી ચાળણી થયેલું બાળક

અને ચીંથડા ઊડી ગયેલું બાળક સરખાં જ દેખાય છે.

વિલાપ કરતી મા

પ્રતિક્ષા કરતી મા જેવી જ દેખાય છે.

તમારા ઉત્તરમાંથી ન્યાયને બાકાત કર્યા બાદ

મને એક તફાવત બતાવોઃ ન્યાય

આ વિશ્વમાં ખોટી જગ્યાઓમાં રહેતાં લોકોનો હક છે,

વ્યથિત જનોનો હક છે,

ઓછાં સંસાધનો ધરાવતા વંચિતોનો હક છે.

ન્યાય નથી માત્ર હત્યારાઓનું છળ,

દુષ્ટોની કાખ-ઘોડીઓ,

કે અન્યાયીઓની તલવાર.

એક તફાવત

મારાં સંતાનોને તમારા હવાલે કરી

બીજાં બધાં જેવી બની જાંઉ.

***

૩. જો…તો

ઘરેથી નીકળું એ દરેક વખત

આત્મહત્યા હોય છે

અને પાછી ફરું એ પ્રત્યેક નિષ્ફળ પ્રયાસ.

જો સળગતા ટાયરો ફાટે

અને સૈનિકો બદમાશી પર ઉતરી આવે તો?

જો કિશોરો ઉદ્દામ બની જાય

અને ચાલતી ટ્રકમાં ચાલક ઝોકે ચઢે તો?

હું જે ખોળી રહી છું એ મને જડી જાય તો?

ઘેર સાંગોપાંગ પાછું ફરવું છે.

આવવા જવામાં સરળતા માટે રસ્તા પર

બ્રૅડક્રમ્સથી નિશાની કરું છું.

પક્ષીઓ મારી બધી બ્રૅડ ખાઈ ના જાય ત્યાં સુધી.

***

૪. પાલતુ પશુ પેઠે

ઘરધણીની રહેમ પામવા

એમની આંખોમાં ઉદાસ નજરે જોવાનું,

એમના ખભા ઘસવાનું શીખી ગઈ છું.

મારી માંગણીઓ પાયાની છેઃ

માથા પર થાબડી થોડી

અને મારાં ભયાનક દૈનિક કૃત્યો પ્રત્યે રહેમનજર.

પાલતુ પશુ પેઠે

એમની શેષ રહેમદિલીની વાટ જોંઉ છું,

કંટાળીને મને એક બાજુએ ફંગોળે એ પહેલાં

ઝડપથી એમનું મને થાબડવું સંકેત છે

એમની આસપાસથી મારી જાત-નિકાલનું

અને એ ઊંઘ માણતા હોય ત્યારે

એમની સુવ્યવસ્થિત ગોઠવણ સાથે

મન ફાવે  તેમ કરું છું. 

એમની અલાર્મ ક્લૉકને

મારા ભસવા, ભૂખ અને બારણું ખોતરવા મુજબ ગોઠવી દઉં છું.

મૃદુતાપૂર્વક કોઈનું સાંભળતી નથી.

અને અનુમોદન, ફટકાર અને ધ્યાન મેળવવા

બટકું ભરું છું, રડું છું અને આમતેમ ગબડું છું.

***

૫. ત્યારબાદ

ખાનગી રાખેલી વાતોનું શું કરીશું

સંપૂર્ણપણે સડવાની રાહ જોતા

આપણી ભીતર ખડકેલા શબના ઢગલા સાથે

એકેય દર્પણમાં પ્રતિબિંબિત નહીં થતા

સ્મિતમાં ઉભરાતા સુખ સાથે,

પ્રેમ ખતમ થયા બાદ જ

તારો પ્રેમ આવે છે સમાધાન સાથે

કજિયો કરતાં પ્રેમીઓના મૃત્યુ બાદ

અને સ્વાર્પણ સાથે

સાધનો અનેકવિધ થઈ ગયા બાદ…

આપણા હાથ પછવાડે અલોપ થઈ ગયેલા માર્ગો બાદ, 

હોઠની ખોજ બાદ અને હાલમાં જે બધું બની રહ્યું છે

 ત્યારબાદ આ રસ્તાઓનું શું કરીશું?

***

૬. મારું ઘર

અત્યાર સુધી વસવાટ કરેલા અનેક ઘરો સાથે મારે કોઈ નિસબત નથી.

ત્રીજા ઘર બાદ હું રસ ખોઈ બેઠી છું,

પરંતુ હમણાંથી મારા શરીરના અંગો અને અવયવોમાં

ન સમજાવી શકાય એવી બીમારીઓની ફરિયાદ રહ્યાં કરે છે.

મારા હાથ વૃક્ષ કરતાં પણ ઊંચે પહોંચે છે.

ઍક્રૉમૅગલીની બીમારી છે અને દોડતી વખતે મારી ઝડપ પરિવર્તી હોય છે.

મારી સૌથી નજીક ચાલનારાઓને વટાવી જવા એ સૌથી મહત્ત્વની બાબત છે,

મને પાછળ છોડીને જતાં રહે એ પહેલાં એમનાથી આગળ નીકળી જવાનું.

એક ટ્યુનિસિયન ડૉકટરે મારા પિતાને કહેલું, “આ માનસિક અવસ્થા છે.”

મને એ મહિલા ડૉકટર ગમતાં અને એમના આ વાક્ય પૂર્વે મારા માટે એ ઘર હતાં.

એમના આ વાક્યથી ખૂબ ઉઝરડા પડ્યાં અને ઘર કકડભૂસ થઈ ગયું.

ઘર સમજીને મેં ઘણાં પાઠ વાંચ્યા અને રહી પણ ખરી એ બધાંમાં ઘડી બે ઘડીઃ

“લિક્વિડ મિરર્ઝ” એક એવું પાગલખાનું હતું જ્યાં મારો પ્રથમ પ્રેમ હું વીસરી ગઈ.

મૅગૅઝીનો પણ હતાંઃ ‘અલ-કરમલ’, ‘પોઍટ્સ’ અને ‘અક્વાસ’,

પછી ઍન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો,

ધરતીકંપની નિષ્ણાત બની

એવા ઘર બનાવવા જેનાં પાયા ઋતુ અને અનપેક્ષિત પરિસ્થિતિ સામે ટકી શકે.

મારાં સંતાનોએ ખાડો ખોદી મને કહ્યું, “અહીં થોડો પોરો ખાઈ લે, મા.”

પરંતુ ખાડાથી ચામડી પર નિશાન પડી જાય છે

ખેતરમાં પડે એવા અને પંખીઓ ટોળે વળ્યાં 

અને સ્થિર પાણીમાં ખેતર ડૂબી ગયાં બાદ મારાં બધાં બીજ ચણી ગયાં.

પાઠમાં હું બારી અને બારણાવાળું ઘર બાંધી શકું છું 

જ્યાંથી આકાશગંગાઓ અને તારાઓને ઊંચેથી નિહાળી શકાય.

ઘરને રંગી શકું છું અમજદ નાસરના લખાણોથી, 

જેમણે કહેલું કે ભલે આભાસી ધોરણે બાંધેલુ હોય પણ નક્કર ઘર ખાતર

કલ્પના અને જ્ઞાન વચ્ચે ભેદ કરવો જ રહ્યો.

ઘોડાઓની પીઠ પર હું ઘર બાંધીશ

જે એને ખેતરોમાં લઈ જશે,  

ત્યાં મારા પગ થંભી જશે.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

આખરે માણસને ઘડવાનું કામ તો માણસે જ કરવું પડે

રમેશ ઓઝ|Opinion - Opinion|23 March 2025

રમેશ ઓઝા

ગ્રૉક [Grok] નામનું આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) ચેટબૉટ બજારમાં આવ્યું છે ત્યારથી ઉદારમતવાદીઓ ગેલમાં છે. તેમને એમ લાગે છે કે અસત્યના વાદળો છંટાઈ જશે અને સત્યનો સૂર્ય ફરી પાછો આકાશમાં ઝળહળવા લાગશે. બેવકૂફ ભક્તોની આંખના આંજણ ભૂંસાઈ જશે અને તેઓ નરવી આંખે સત્ય જોવા લાગશે. જોવું પડશે, કારણ કે અસત્યના તો ભૂકા બોલી ગયા હશે. ગોદી મીડિયા અને અર્નબ ગોસ્વામીઓને તો મોઢું છૂપાવવા કોઠીમાં પણ જગ્યા નહીં મળે. કોઈ કાંઈ પણ કહે  જાવ ગ્રૉક કે એવા કોઈ પણ તમારી પસંદના એ.આઈ. ચેટબૉટ પાસે અને સાચી જાણકારી મેળવી લો. હવે મહમ્મદ ઝુબિર જેવા ફેકટ-ચેકરોને જેલમાં પણ નહીં મોકલી શકાય, કારણ કે એ.આઈ. ચેટબૉટ માનવીનું બનાવેલું છે, પણ માનવરહિત છે. દંડો કોને? કોઈ નિરાકાર સત્યવ્રતી સત્યવદન કરવાનો છે અને જૂઠનો પ્રચાર કરનારા પામરો આશ્રય માટે દોડાદોડ કરશે. કરાગ્રહે વસતે સત્યના દિવસો આવ્યા છે.

ધ્રુવ રાઠી, આકાશ બેનર્જી અને એવા બીજા યુ ટ્યુબરોનાં બુલેટિન્સ સાંભળ્યાં અને ડિજીટલ ન્યુઝ પોર્ટરો પર કેટલાક લેખો વાંચ્યા, ત્યારે મનમાં આવી એક છાપ બની અને પછી મનમાં એક પ્રશ્ન પણ જાગ્યો જેના વિષે આજે અહીં વાત કરવી છે. સમસ્યા શ્રદ્ધેય કહી શકાય એવા માહિતિના સ્રોતના અભાવની છે કે પછી બૌદ્ધિક પ્રમાદની છે કે પછી જરૂરી શોધખોળ કરવા માટે આવશ્યક આવડતના અભાવની છે? ઘણા એમ માનીને ચાલે છે કે સામાન્ય લોકોમાં શોધખોળ કરવાની આવડત હોતી નથી, બિચારા પાસે એના માટે સમય પણ હોતો નથી, કારણ કે એ તો જીવનની આપાધાપીમાં અટવાયેલો રહે છે અને સૌથી મોટી વાત તો એ કે તેની પાસે માહિતિનો કોઈ સ્રોત હોતો નથી અને જો કોઈ સ્રોતમાંથી તેને માહિતિ આપવામાં આવે છે તો તે તેની શ્રદ્ધેયતા કેટલી એ બિચારો જાણતો હોતો નથી. જૂઠ ફેલાવનારાઓ આનો લાભ લે છે. સામાન્ય માણસ બાપડો ક્યાં સાચાખોટાની ખાતરી કરવા જવાનો છે!

આ વાત સાચી છે, પણ સાવ સાચી નથી. મોટી સંખ્યામાં એવા લોકો પણ હોય છે જે પોતાને સાંભળવું ગમે એવી વાત શોધવા માટે જહેમત ઉઠાવતા હોય છે. એની પાસે સમય પણ છે અને આવડત પણ છે. એ ત્યાં જઇને ઠરે છે જ્યાં તેને જે જોઈતું હોય એ મળી રહે. એક તંત્રી મિત્ર સત્યાન્વેશી જ્ઞાનપિપાસુ હોવાનો ડોળ કરીને મને મળવા આવે છે અને પછી ગાંધીજી, નેહરુ, કાઁગ્રેસ વિષે વાત કરે. તેમનો રસ એ લોકોએ શું ભૂલ કરી એ જાણવામાં હોય છે. ફેરવી ફેરવીને પૃચ્છા કરે. બીજા એક સાહિત્યકાર મિત્ર કોઈકના મેસેજ ફોરવર્ડ કરીને પૂછે કે શું આ સાચું હશે. તમારી પાસેથી સત્ય જાણવાની ઈચ્છા છે. આપણને લાગે કે આ ભાઈને સત્ય જાણવાની કેવી તાલાવેલી છે. હકીકતમાં આ લોકો તેમણે માફક આવે એવું ‘સત્ય’ શોધતા હોય છે. તમે જો કહો કે આમાં આંશિક સત્ય છે તો તેઓ એ આંશિકને પૂર્ણ કરી નાખે. તમે ગમે તેટલા તથ્યો સામે મુકશો તો પણ તે પોતાની વાત નહીં છોડે. બેહુદી દલીલો કરશે અને છેવટે દલીલના અભાવમાં મૂંગો રહેશે, પણ પોતાની વાત નહીં છોડે. તેઓ પોતાની માન્યતા, ગૃહીતો કે પૂર્વધારણાઓ છોડવા તૈયાર નથી હોતા. તેઓ પોતાને અનુકૂળ આવે એવા મિત્રો, સમૂહો કે માધ્યમો શોધતા રહે છે. તેઓ અર્નબ ગોસ્વામીને એટલા માટે નથી સાંભળતા કે તેમનામાં બુદ્ધિ કે સમજણ ઓછી છે, તેમને અર્નબ ગોસ્વામી જે કહે એ જ સાંભળવું છે. આવા પ્રકારના લોકો સત્યના દુ:શ્મનો છે અને એ દરેક વિચારધારામાં છે. એ લોકો જાણીબૂજીને છેતરાય છે અને બીજાને છેતરે છે. એ તેમનો એજન્ડા છે.

જે પ્રજામાનસ પર કબજો જમાવવા માગે છે એ લોકો આવા પ્રકારના છેતરાનારા અને છેતરનારા લોકોની એક કેડર તૈયાર કરે છે જે એજન્ડા વિનાના સાવ સામાન્ય માણસને ભ્રમિત કરે છે. ભારતમાં તેમણે આવા છેતરાનારા અને છેતરનારા લોકોની બે કે ત્રણ પરત (લેયર્સ) તૈયાર કરી છે. ગ્રોક હોય કે બીજું કોઈ પણ ચેટબૉટ હોય, તે આ પરત તોડી નહીં શકે. બીજી બાજુ એજન્ડા વિનાનો સામાન્ય માણસ જ્યાં સત્યને સામે રાખવામાં આવે છે ત્યાં પહોંચી નહીં શકે. તેને માટે ચેટીંગ પણ એક લક્ઝરી છે.

મેં આ સવાલ કે મૂંઝવણ ગ્રોકને જ વિસ્તારથી જણાવી અને પૂછ્યું કે એમાં તું શું કરી શકે? ગ્રોકનો જવાબ સૂચક હતો. આખરે માણસને ઘડવાનું કામ તો માણસે જ કરવું પડે!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—281

દીપક મહેતા|Opinion - Opinion|22 March 2025

‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી.            

ઓ ઈશ્વર! શી અવધિ આજે! અકરો કેર જ કીધો;

મુંબઈમાં શી માહતમ વરસી? લહાવો શો આ લીધો?

પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી;

‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી.

‘દિલજાન’ નામના પારસી કવિની આ પંક્તિઓથી શરૂ થતા આ પદ્યમાં રાજાબાઈ ટાવરની, એ સમયનાં છાપાંના શબ્દો વાપરીને કહીએ તો ‘ગોઝારી ઘટના’ અંગે દિલસોજી પ્રગટ કરવામાં આવી છે. અને આમ કરવામાં આ ‘દિલજાન’ એકલા નહોતા, આવી બીજી કૃતિઓ પણ છપાઈ હતી : ‘રાજાબાઈ ટાવરની કહાની, લે. અરદેસર આદરજી ખાનસાહેબ, રાજાબાઈ ટાવર વિરહ, લે. ‘સત્યવક્તા એક હિંદુ’, ટાવર ગરબા, લે. શેઠ ખરશેદજી બહમનજી ફરામરોઝ, રાજાબાઈ ટાવરવાળી માહેતમનાં ગાયનો, લે. દા.એ. તારાપોરવાલા, સરોદે પાક દામની અને સિતમે મીનાર, લે. ફિરોઝશાહ રૂસ્તમજી બાટલીવાલા, વગેરે. અલબત્ત, આ રીતે ફક્ત આ બનાવ પર જ પદ્ય કૃતિઓ લખાઈ હતી એવું નથી. એ વખતે કોઈ પણ મોટો કે ગમખ્વાર બનાવ બને ત્યારે આ રીતે પદ્યકૃતિઓ લખાતી. મુંબઈની આગ, મુંબઈની મરકી, મુંબઈના શેર બજારની ચડતી-પડતી, વગેરે બનાવો વખતે તેને લગતાં પદ્ય લખાઈને પ્રગટ થયેલાં. તેમાંનાં ઘણાંખરાં આજે ભૂલાઈ ગયાં છે, પણ  આજ સુધી ટકી રહેલી આવી એક કૃતિ તે ‘હાજી કાસમ તારી વીજળી.’

‘કૈસરે હિન્દ’ સાપ્તાહિકના એક અંકનું કવર

ખેર, આપણી ગાડી જરા જૂદે પાટે ચડી ગઈ. એટલે બચુબાઈ અને પીરોજબાઈની વાત તરફ પાછા વળીએ. બનાવના ૫૬ કલાક પછી મારવાડીની દુકાનેથી ‘ચોરીનો માલ’ જપ્ત કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. તો બીજી બાજુ અંગ્રેજ ડોક્ટર સિડની સ્મિથ અને બીજા ચાર ‘દેશી’ ડોક્ટરોએ મરનાર બાઈઓની ઓટોપ્સી કરી. બંને છોકરીઓના શરીર પર જુદે જુદે ઠેકાણે થયેલી નાની મોટી ઈજાઓ જોઈને ચાર દેશી ડોક્ટર એવા નિર્ણય પર આવ્યા કે બંને છોકરીઓ પર બળાત્કાર થયો નહોતો પણ તેમ કરવાનો પ્રયત્ન થયો હતો. અને પોતાનું શિયળ બચાવવા બન્નેએ ટાવર પરથી પડતું મૂક્યું હોય એવો પૂરો સંભવ છે. પહેલાં તો અંગ્રેજ ડોકટર તેમના આ અભિપ્રાય સાથે સહમત થયો. પણ પછી તેણે ફેરવી તોળ્યું. અદાલતમાં તેણે કહ્યું કે બળાત્કાર તો થયો જ નથી પણ તેમ કરવાનો પ્રયત્ન થયો હતો એમ માનવાને પૂરતાં કારણો મળતાં નથી. બંને છોકરીઓના શરીર પર જે નાની મોટી ઈજાઓ જોવા મળે છે તે તેમનાં કપડાંમાંનાં ધાતુનાં બટન શરીર સાથે ઘસાવાથી થઈ હોય. અથવા ટાવર પરથી પડતી વખતે બંનેના દેહ દીવાલમાંથી બહાર નીકળતા ‘પુસ્તા’ (buttress) સાથે અથડાયા હોય તેથી આ ઈજાઓ થઈ હોય. આમ છતાં માણેકજી અસલાજી પર ખૂન અથવા ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો કેસ દાખલ કરવામાં આવ્યો. કોરોનરની કોર્ટમાં ખટલો ૧૯ દિવસ સુધી ચાલ્યો. અને ત્રીજી જૂનના દિવસે પુરાવાને અભાવે અસલાજીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યો! 

અરદેશર બરજોરજી ગોદરેજ

નવાઈની વાત એ હતી કે આ કેસ ચાલ્યો ત્યારે કેટલાક ચશ્મદીદ ગવાહોને તો જુબાની માટે બોલાવ્યા જ નહિ! મેસર્સ કોનરોય એન્ડ બ્રાઉન સોલિસીટર્સની કંપનીમાં અસિસટન્ટ મેનેજિંગ ક્લાર્ક તરીકે કામ કરતા મિસ્ટર એન્ટીએ પોલીસને કહ્યું હતું કે તેણે બંને છોકરીઓને ટાવર પરથી પડતી નજરોનજર જોઈ હતી. પણ તેમને જુબાની માટે બોલાવ્યા જ નહિ! યુનિવર્સિટીમાં જર્મન, ફ્રેંચ, અને રશિયન ભાષાઓના અધ્યાપક તરીકે કામ કરતા પ્રો. હેન્રી ચાર્લ્સ શોને બન્ને છોકરીઓને ટાવર પરથી પડ્યા પછી તરત જોઈ હતી. એટલું જ નહિ, તેમણે એમ પણ કહ્યું હતું કે આરોપી અસલાજી અને પોલીસના અધિકારી મેકડેરમોટને ટાવરથી થોડે દૂર જઈને ખાનગીમાં કશીક વાત કરતા પોતે જોયા હતા. એટલું જ નહિ, તેમણે તો સામે ચાલીને કહ્યું કે ખટલા વખતે હું જુબાની આપવા આવીશ. ત્યારે મેકડેરમોટે તેમને કહ્યું કે ‘કેમ? તમે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે કે શું? આ ખટલામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.’ અને તેમને પણ અદાલતે બોલાવ્યા નહિ! ટાવર પાસેના બગીચામાં રમતાં બે બાળકોએ પણ અસલાજી વિરુદ્ધની વાત પોલીસને જણાવી હતી. પણ આવી વાતમાં બાળકોની વાત પર વિશ્વાસ મૂકી શકાય નહિ એમ જણાવી અદાલતે તેમની જુબાની નોંધી નહિ. યુનિવર્સિટીના ત્રણ નોકરો આત્મારામ બાબાજી, ગંગાજી હિરજી, અને હેમચંદ કચરાએ બંને છોકરીઓને ટાવર પર ચડતી જોઈ હતી. પણ આ ત્રણમાંથી એક્કેને અદાલતે બોલાવ્યા નહિ. એક વિક્ટોરિયાના ડ્રાઈવરે અગાઉ કહ્યું હતું કે મેકડેરમોટે તેની ગાડી ભાડે કરી હતી. સાથે એક હવાલદાર અને સકલાજી પણ હતા. સકલાજીએ નોટો ગણીને પાંચ હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ ગણાય) મેકડેરમોટને અને ૫૦૦ રૂપિયા હવાલદારને આપ્યા હતા તે મેં નજરોનજર જોયું હતું. પણ તેને જ્યારે જુબાની માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ફેરવી તોળ્યું અને કહ્યું કે પોલીસ પાસે ખોટું નિવેદન કરવા માટે મને લાંચ આપવામાં આવી હતી! અદાલતે જે સાક્ષીઓને જુબાની માટે બોલાવ્યા તે બધાએ સકલાજીની તરફેણમાં જુબાની આપી હતી. અને તેમાંથી એકે સાક્ષીની ઊલટતપાસ કરવામાં આવી નહિ. 

ઘડિયાળો મૂકાયા પહેલાંનો રાજાબાઈ ટાવર

કોરોનરની કોર્ટ પછી ખટલો સેશન્સ કોર્ટમાં ગયો. પણ ત્યાં પણ સકલાજીને નિર્દોષ ઠરાવવામાં આવ્યો. માત્ર પારસી સમુદાયમાં જ નહિ, મુંબઈના લોકોના મોટા વર્ગમાં આ ફેંસલા સામે અસંતોષનો વંટોળ જાગ્યો અને આખા કેસ અંગે ફેરવિચારણા કરવા સરકારને વિનંતી કરવાનું નક્કી થયું. આ માટે એક સમિતિ બનાવાઈ હતી. સર જમશેદજી જીજીભાઈ બેરોનેટ તેના પ્રમુખ હતા. તેમના ઉપરાંત આ સમિતિમાં નીચેના સભ્યો જોડાયા હતા : સર દીનશાહજી માણેકજી પિતિત બેરોનેટ, સોરાબજી ફરામજી પટેલ, ફરામજી દિનશાહજી પિતિત, ડો. કેખશરૂ નસરવાનજી બહાદુરજી, અને ફરદુનજી મેરવાનજી બનાજી. 

રાજાબાઈ ટાવરના ઉપલા માળ

આ સમિતિએ મુંબઈ સરકારને એક અરજી મોકલી હતી. તેમાં મુખ્ય માગણી એ હતી કે ‘ટાવર મર્ડર કેસ’ અંગે ઉપયોગી થાય તેવી માહિતી આપનાર વ્યક્તિ માટે સરકારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવું જોઈએ. અને આવી માહિતીને આધારે આ કેસ ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરીથી ચલાવવો જોઈએ. ૧૦ જૂન, ૧૮૯૧ના રોજ સરકારે તેનો જવાબ આપ્યો. સરકારે જણાવ્યું કે આવી બાબતોમાં સરકારને માહિતી આપવી એ દરેક નાગરિકની ફરજ છે. એટલે તે માટે સરકારે ઇનામ આપવાં નહિ એવું સાત વરસ પહેલાં ગ્રેટ બ્રિટનની સરકારે ઠરાવ્યું છે તે હિન્દુસ્તાનને પણ લાગુ પડે છે. આ કેસમાં કોઈ અસાધારણ કે અપવાદરૂપ બાબત હોય તેવું સરકાર માનતી નથી. માટે આ તબક્કે સરકાર આવું કોઈ ઇનામ જાહેર કરવા માગતી નથી. અલબત્ત, ભવિષ્યમાં સંજોગો બદલાય તો સરકાર ઇનામ આપવા અંગે ફેરવિચારણા કરી શકે. વળી આ ખટલાનો ચુકાદો આવ્યા પછી કોઈ નવી હકીકતો કે પુરાવા બહાર આવ્યા નથી એટલે આ કેસ ફરી ચલાવવાની જરૂર સરકાર હાલતુરત તો જોતી નથી. 

સરકાર તરફથી આ જવાબ મળ્યા પછી મુંબઈના અખબાર ‘જામે જમશેદ’ના તંત્રીએ સરકારને લખી જણાવ્યું કે તેમના અખબાર તરફથી આવું પાંચ હજારનું ઇનામ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે કોઈ ખાનગી અખબારે શું કરવું અને શું ન કરવું એ અંગે સરકાર કશું કહી શકે નહિ. પણ સરકાર એ વાત તરફ ધ્યાન દોરવા માગે છે કે આવું ઇનામ સરકાર ક્યારે ય જાહેર નહિ કરે એવું સરકારે કહ્યું નથી. ભવિષ્યમાં નવા / જુદા સંજોગો ઊભા થાય તો સરકાર પોતાના નિર્ણયમાં ફેરબદલો કરી શકે છે. પણ જો આ રીતે ખાનગી વ્યવસ્થા થઈ ચૂકી હોય તો પછી ભવિષ્યમાં સરકાર ફરીથી ઇનામ જાહેર કરી શકે નહિ. વળી એક ખાનગી અખબારે જાહેર કરેલા ઇનામના જવાબમાં મળેલી માહિતી કાયદાની અદાલતમાં સ્વીકારાય કે કેમ એ અંગે સરકારને પૂરેપૂરી શંકા છે. 

સરકારનો ઈશારો સમજી જઈને એ અખબારે ઇનામ જાહેર કરવાનું માંડી વાળ્યું. પણ મુંબઈના લોકો? એ માની ગયા? ન માન્યા? એ અંગે વધુ વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 માર્ચ 2025 

Loading

...102030...344345346347...350360370...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved