Opinion Magazine
Number of visits: 9584564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી શોષણમાં પીડિતા પણ સ્ત્રી અને આરોપી પણ સ્ત્રી ?

મેઘા જોશી|Opinion - Opinion|11 April 2017

હારબંધ ઊભેલી એ સિત્તેર છોકરીઓ સહેમી ગયેલી, કારણ કે હોસ્ટેલમાં એમનાં મેડમની હાકલ પડે છે. એ કરડાકીભર્યા ચહેરામાંથી રુક્ષ અવાજ સંભળાય છે – ચાલો બધાં કપડાં ઊતારો.

સાંભળીને માન્યામાં આવે તેવી વાત નહોતી. અવાચક, હતપ્રભ, ગભરાહટ, ધ્રુજારી, ધિક્કાર એ છોકરીઓની સાથે એ જ હારમાં આવીને ઊભા રહી ગયાં. મેડમ, કપડાં ઊતારવાનો આદેશ આપે છે અને જો નહિ ઊતારે તો મારવાની ચીમકી આપવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગરની કસ્તૂરબા ગાંધી નિવાસી શાળામાં વોર્ડન દ્વારા વિદ્યાર્થિનીઓને માસિકની તપાસ કરવાનાં કારણસર કપડાં ઊતારવાનું કહેવામાં આવે છે.

છોકરીઓનાં વાલી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ નોંધવામાં આવી તથા કેબિનેટ મિનિસ્ટર શ્રીકાંત શર્માએ તપાસનો આદેશ આપ્યો છે. જેના પર આરોપ લગાડવામાં આવ્યો છે તે વોર્ડન શાળાનાં અન્ય શિક્ષકોનું ષડ્યંત્ર છે તથા બાથરૂમમાં દેખાયેલ લોહીના ડાઘને કારણે દીકરીઓની સ્વાસ્થ્યની ચિંતા હોવાને કારણે તપાસ કરેલ એમ કહી આખી ઘટનાને રદિયો આપે છે, પરંતુ એ પણ હકીકત છે કે ઘટનાને બીજે જ દિવસે કુલ પાંત્રીસ વિદ્યાર્થિનીઓએ ચાલુ શૈક્ષણિક સત્ર હોવા છતાં શાળા છોડી છે. હવે એ ગુનાની તાપસ થશે, કદાચ કંઇક બીજી અથવા કંઇક નવી વાત બહાર આવી પણ શકે. વાત જે હોય તે પણ આખી ઘટનાની સૌથી શરમજનક વાત એ છે કે એક મહિલા આ ગુના સાથે જોડાયેલી હોવાની ફરિયાદ છે. ખરેખર તો એક સ્ત્રી તરીકે આ ઘટના સાચી જ ના લાગવી જોઈએ, પરંતુ આવા અનેક ઘૃણાસ્પદ કિસ્સા આપણી શંકાને મજબૂત કરે છે.

એક સ્ત્રી બીજી સ્ત્રીની ઈર્ષા કરે, પીઠ પાછળ પંચાત કરે, અકળાઈ જાય, અરે, ચોટલા ખેંચીને બાધે એ બધું સમજાય, પરંતુ તે બળાત્કાર કે જાતીય સતામણી જેવા જઘન્ય ગુનાની પીડિતા માટે જવાબદાર હોય એ માનવું અઘરું અને પીડાદાયક છે. પરંતુ નવું નથી, આપણા દેશમાં આજ સુધી જેટલા બાપુ-ધર્મગુરુઓ જાતીય સતામણીના ગુના સબબ પકડાયા છે એ દરેક પાસે એક કે એકથી વધુ "સેવિકા'નો સહકાર જોવા મળ્યો છે. જોધપુરની નાબાલિગ કન્યા, સુરતની મતિમંદ છોકરી કે પરણિતા પર જાતીય શોષણ કરનાર “બાપુ – સાઈ"ને હિંમતપૂર્વક પડકારીને પકડનાર પણ સ્ત્રી જ હતી, અને મદદગાર પણ સ્ત્રી હતી. વડોદરા નજીક શૈક્ષણિક સંકુલમાં મુખ્ય ટ્રસ્ટીના બ્લુ ફિલ્મના શોખને પોષનાર પણ મહિલા હોવાનું બહાર આવ્યું.

લોહીના વેપારમાં ધમધોકાર ધંધો ચાલે છે. છોકરીઓ વેચાય છે,ખરીદા ય છે, દેશ -વિદેશ બિલકુલ એક "માલ"ની માફક જ સપ્લાય થાય છે. આ દરેક પગલે માત્ર પુરુષો નથી હોતા, સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળે છે. બૉલીવુડની અનેક પિક્ચરમાં આપણને જમણા ગલોફે પાન ભરાવીને ઘૂંઘરુંનો છુટ્ટો ઘા કરતી મુન્નીબાઈઓ, સાવ નાબાલિગ છોકરીને મારપીટ કરીને કુટણખાનામાં ધકેલતી મહિલા દલાલો આપણે જોઈ છે. એમાં તો "ધ એન્ડ” લખાઈ એ આવે ત્યારે આપણને રાહત થાય છે કે આ બધું જ ખોટ્ટું હોય, પણ કમ્બખ્ત જે અયોગ્ય છે, સતત ચાલે છે એને જ મોટા પરદે બતાવે છે, એ કોઈ નથી સ્વીકારતું.

શા માટે એક સ્ત્રી બીજી સ્ત્રી માટે છેક આટલી કક્ષાએ એ જઈ શકે ? અંગત કારણો સિવાય જે મુખ્ય કારણો છે તે મજબૂરી અને મનોવિકૃતિ. પૈસા અને પુરુષ માટે મોહાંધ થયેલી સ્ત્રીને મૂલ્યો બાજુ પર મૂકી દેતાં વાર નથી લાગતી. પોતાના ગમતા પુરુષ માટે એક સ્ત્રી બીજી સ્ત્રી પર જાતીય દમન પણ ગુજારી શકે. અને બીજો સમજવા જેવો મુદ્દો માનસિક પરિસ્થિતિનો છે. સેક્સ રેકેટમાં પીડિતા અને આરોપી બંને સ્ત્રી હોય ત્યારે કોની માટે લડીશું ? મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષની વાતો કરતી મહિલાઓ જો મહિલાશોષણની “સેવા” કરતી મહિલાને અટકાવી શકે તો એથી મોટું બીજું કોઈ કામ નથી .. જ્યાં મજબૂરી છે ત્યાં હિમ્મત આપીએ અને જ્યાં માનસિક બીમારી છે ત્યાં સારવાર આપીએ તો કંઇક ઠોસ કામ થાય. બાકી છાપામાં સમાચાર તો છપાશે અને અરેરાટી બોલાશે, પણ એથી સમાજની નગ્નતાને કોઈ કપડું નહિ ઢંકાય.

સૌજન્ય : ‘વુમનોલોજી’ નામક લેખિકાની કોલમ, ’મધુરિમા’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2017 

Loading

રોમિયો મોન્ટેગ્યુ: શરીફ પ્રેમી કે બદમાશ ખલનાયક?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 April 2017

યોગી આદિત્યનાથની સરકારે ઉત્તરપ્રદેશમાં જ્યારથી એન્ટિ રોમિયો સ્ક્વૉડની રચના કરી છે ત્યારથી સાહિત્યપ્રેમીઓ ઇતિહાસના સૌથી લાડકા પ્રેમી રોમિયોની બદનામીથી જીવ બાળી રહ્યા છે. રોમિયો અત્યાર સુધી આમ લોકોમાં હાંસીનું પાત્ર હતો, પણ હવે એને એક સરકારી તંત્રની અધિકૃતતા પણ મળી છે. ‘રોમિયો’ શોધી રહેલી ઉત્તરપ્રદેશ પોલીસનો દાવો છે કે એ માત્ર આંખ જોઇને જાણી શકે છે કે કોણ ‘શરીફ’ છે અને કોણ ‘બદમાશ’.

દિલ્હીમાં શેક્સપિયર સોસાયટી ઑફ ઇન્ડિયા છે. તેના અધ્યક્ષ અને અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન ગીલ હેરીસ કહે છે કે એક સાચા આશિકના પ્રેમ અને બલિદાન માટે જાણીતો રોમિયો એક પાન ચાવતા લંપટ કાસાનોવાની બરાબરી કરતો થઇ જશે, એવું શેક્સપિયરે પણ વિચાર્યું નહીં હોય. કાસાનોવા પણ રોમિયોની માફક ઇટાલીનો જ એક એવો વ્યભિચારી લેખક-પ્રવાસી હતો, જેણે ખુદ એની આત્મકથામાં 200 સ્ત્રીઓ સાથે ચક્કર ચલાવ્યા હોવાનો દાવો કર્યો હતો.

વિલિયમ શેક્સપિયરના મશહૂર નાટક રોમિયો-જુલિયટ(1597)માં ઇટાલીના વેરોના શહેરના બે ઇજ્જતદાર ‘ઠાકુર પરિવાર’ના સંતાન રોમિયો મોન્ટેગ્યુ અને જુલિયટ કેપ્યુલેટ વચ્ચેની પ્રેમકહાની છે. તમે સુભાષ ઘઇએ 1991માં દિલીપકુમાર અને રાજકુમારને લઇને બનાવેલી ‘સોદાગર’ ફિલ્મ જોઇ હશે. આ ફિલ્મ રોમિયો-જુલિયટ નાટક આધારિત હતી. એમ તો ‘બોબી’, ‘એક દુજે કે લિયે’, ‘સનમ તેરી કસમ’, ‘કયામત સે કયામત તક’, ‘ઇશ્કજાદે’ અને ‘ગોલિયોં કી રાસલીલા’માં પણ વિશુદ્ધ પ્રેમની વચ્ચે આવતા ‘જાલિમ જમાના’ની કહાની હતી. આ બધા વાસુઓ, રાજ અને રામને તો આપણે મહોબ્બતથી યાદ કરીએ છીએ, તો પછી રોમિયો ખલનાયક કેવી રીતે બની ગયો?

શેક્સપિયરનો અભ્યાસ કરનારા કહે છે કે મહાન પ્રેમી તરીકે રોમિયોના ગુણગાન એક મિથ છે, અને 18મી સદીમાં જ એ ખબર પડી ગઇ હતી કે રોમિયો એક દુષ્ટ પાત્ર છે. શેક્સપિયરની કહાનીમાં રોમિયોની આંખ જુલિયેટ પર ઠરી તે પહેલાં એ જુલિયેટના કાકાની દીકરી રોઝલિન પાછળ પાગલ હતો. રોઝલિને એને ભાવ ન આપ્યો એટલે રોમિયો જુલિયેટ તરફ ઢળ્યો હતો. આ નાટકમાં એક વિધાન જગવિખ્યાત છે, ‘નામમાં શું છે? ગુલાબને બીજા કોઇ નામથી બોલાવો તો પણ એ એટલું જ સુગંધિત હશે.’ આ ગુલાબ એટલે રોઝલિનના નામમાં રહેલું ‘રોઝ’.

એ વખતના વિવેચકો અને ટીકાકારો રોમિયોની આવી વૃત્તિને કલંક ગણતા હતા. એકથી વધુ વ્યક્તિને પ્રેમ કરવો અત્યારે અપરાધ નથી ગણાતો, પરંતુ અંગ્રેજી શબ્દકોશો પરથી તો એવું લાગે છે કે રોમિયોનું નામ ત્યારે પણ લંપટ ગણાતું હતું. ‘કોલિન્સ’ શબ્દકોશમાં રોમિયોનો અર્થ અલગ અલગ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખનારા તરીકેનો છે. અભ્યાસકર્તાઓ કહે છે કે રોમિયો એન્ડ જુલિયટ પરિવારો સામે વિદ્રોહ કરનારા પ્રેમીઓની કહાની નથી, પણ જુલિયટ રોમિયોનો શિકાર બને છે તેની વાર્તા છે. રોમિયો એન્ડ જુલિયેટ મહાન ટ્રેજેડી છે, પણ એ ટ્રેજેડી બંનેના પ્રેમસંબંધની નહીં, જુલિયેટની જે હાલત થાય છે, તેની છે.

આ નાટક 1595ની આસપાસ લખાયું હતું, અને પછી રંગમંચ પર પણ ભજવાયું હતું. તે વખતે ઇંગ્લેન્ડના ગરીબ વર્ગમાં ભૂખમરો હતો. રોમિયો એન્ડ જુલિયેટ નાટક જોવા આવનારાઓમાં ઘણા ભૂખ્યા હતા. નાટકમાં એક જગ્યાએ રઇસ રોમિયો એના પિતરાઇ ભાઇ બેનવોલિયો પાસે એના પ્રેમનાં રોદણાં રડે છે, અને પછી એને પૂછે છે, ‘આપણે ક્યાં જમવા જઇશું?’ શેક્સપિયરે ઇંગ્લેન્ડના ભૂખ્યા દર્શકો રોમિયોની ઘૃણા કરે તે માટે ‘રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો’ એવો ડ્રામા ઊભો કર્યો હતો.

રોમિયોના પ્રેમનાં રોદણાંમાં પણ ‘રોઝલિન મને કેમ ભાવ ન આપે?’ એવી ચોટ વધારે છે. રોમિયો જક્કી, અવિવેકી અને ક્રોધિત પ્રેમી છે. જુલિયેટનો પરિવાર જ્યારે પેરિસને જમાઇ બનાવવા તૈયાર થાય છે ત્યારે રોમિયો પેરિસનું ખૂન કરી નાખે છે, અને દેશનિકાલ પામીને જુલિયેટને આત્મહત્યા તરફ ધકેલે છે. એની સામે પેરિસનો પ્રેમ જુઓ. મરતી વખતે એના શબ્દો છે:  ઓહ, હું મરી ગયો છું … તારામાં જો દયા હોય તો મને જુલિયેટની બાજુમાં દફન કરજો!

છોકરા-છોકરીઓનાં જોડાં બનાવવાનું કામ કરતી પ્રખ્યાત ડેટિંગ સાઇટ ઇહાર્મનીએ હમણાં સાહિત્યનાં પ્રખ્યાત ચરિત્રો ઉપર માનસશાસ્ત્રીઓ પાસે વિશ્લેષણ કરાવેલાં, તેમાં એવું તારણ બહાર આવેલું કે પતિ-પત્ની તરીકે રોમિયો અને જુલિયેટ આમ પણ લાંબું વેંઢારી શક્યાં ન હોત. રોમિયો જે રીતે એનાં માતા-પિતા વિશે અભિપ્રાય રાખે છે, તે જોતાં એના વિચારો ખાસ્સા છીછરા છે, અને શરૂઆતની ચિનગારી ઠંડી પડ્યા પછી એ જુલિયેટની જરૂરતોને સમજી શક્યો હોત કે નહીં તેની શંકા છે.

આ માનસશાસ્ત્રીઓએ એવું પણ સૂચન કરેલું કે ‘ટવલાઇટ’ ફિલ્મની બેલા સ્વાન (જેની ભૂમિકા ક્રિસ્ટિન સ્ટેવર્ટે કરી છે) રોમિયો માટે વધુ અનુરૂપ છે, કારણ કે બંનેના ન્યુરોટિક વ્યવહાર એકદમ સરખા છે. અને જુલિયેટ? નિષ્ણાતોએ કહ્યું હતું જેન ઓસ્ટિનની ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ’નો હીરો ફિત્ઝવિલિયમ ડર્સી જુલિયેટ માટે ઉત્તમ સંગાથી છે, કારણ કે બંનેમાં કર્તવ્યનિષ્ઠા અને શિસ્ત એક સરખી છે. તો પછી યોગી આદિત્યનાથની પોલીસ ઉત્તરપ્રદેશની જુલિયેટને બચાવવા રોમિયોને પાઠ ભણાવે એ યોગ્ય જ કહેવાય ને? ના કહેવાય.

આ આખીય કવાયતમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય સમાજ અને પરિવારોમાં સ્ત્રીની ઇજ્જત નહીં થાય, એને માણસ ગણવામાં નહીં આવે અને એને બરાબરની હિસ્સેદાર માનવામાં નહીં આવે ત્યાં સુધી ‘લડકે, લડકે હૈ … ગલતી હો જાતી હૈ’ ચાલતું રહેશે. યોગીના પુરોગામી મુલાયમના આ શબ્દો બળાત્કાર બદલ ફાંસીની સજાના વિરોધમાં બોલાયા હતા. એક રીતે પૂરા ભારતીય  સમાજમાં ‘લડકા-લડકી’નો આવો જ ભાવ છે. છોકરીઓની છેડતી અને હેરાનગતિનાં મૂળિયાં સમાજની સ્ત્રી-વિરોધી માનસિકતામાં છે. એનો ઉપાય નહીં કરવામાં આવે ત્યાં સુધી એન્ટિ રોમિયો સ્કવૉડનું નામ એન્ટિ મજનૂ સ્કવોડ હોય તો ય ફર્ક નહીં પડે.

જુલિયેટ કહે છે તેમ, નામમાં બળ્યું શું છે?

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 અૅપ્રિલ 2017

Loading

ચંપારણ સત્યાગ્રહ : આઝાદી આંદોલનનો ટર્નિંગ પોઇન્ટ

સુદર્શન આયંગાર|Gandhiana|10 April 2017

રાજકુમાર શુક્લ નામની એક વ્યક્તિએ 1916ની લખનૌની કૉગ્રેસની મહાસભા વખતે ગાંધીજીનો કેડો પકડ્યો. ‘વકીલ બાબુ, આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહેતા જાય અને ગાંધીજીને ચંપારણ આવવા માટે નિમંત્રણ આપતા જાય. ચંપારણના બેતિયા તાલુકાના મુરલી ભારવાહ ગામના આ ખેડૂતે જિલ્લાના તેના જેવા જબરદસ્તીથી ગળીની ખેતી કરતા નાના ખેડૂતોને લોભિયા અંગ્રેજ માલિકોના શોષણથી મુક્ત કરાવવા સંકલ્પ કર્યો હતો અને તેના માટે યોગ્ય નેતૃત્વની શોધમાં હતો.

હિમાલયની તળેટીમાં આવેલા ઉત્તર બિહારના ચંપારણ જિલ્લા વિશે ગાંધીજી કશું જાણતા ન હતા. ગળીના ઉત્પાદન વિશે પણ તેમની સમજ નહિવત્ હતી. પણ શુક્લના ભોળા આગ્રહને વશ થઈને તેઓ ગયા અને ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીના પહેલા બિનરાજકીય પણ મહત્ત્વપૂર્ણ સત્યાગ્રહ તરીકે પંકાયો. ઓગણીસમી સદીના આરંભે ચંપારણ જિલ્લામાં ગળીનાં 70 જેટલાં કારખાનાં આવ્યાં. અંગ્રેજ માલિકોએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને બાનમાં પકડ્યા.

દરેક ખેડૂતે ત્રણ કઠિયા (તત્કાલીન વીઘે 20 કઠિયા) જમીનમાં ગળીની ખેતી કરવાની અને જે કિંમત માલિક નક્કી કરે તે કિંમતે માલિકને આપી દેવાની પ્રથા. આ ‘તીન કઠિયા’ પદ્ધતિમાં ‘ક્યાં વાવેતર કરવું’થી માંડી બધા જ નિર્ણયો અંગ્રેજ માલિકો વતી તેના કારભારીઓ લે. કોઈ ખેડૂત વિરોધ કરે તો તેના પર પારાવાર જુલમ થાય. ખેડૂતોએ કોર્ટ-કચેરી પણ કરી; પણ એમાં તો વકીલો જ ફાવ્યા. સરવાળે ચંપારણના ખેડૂતો બેહાલ થઈ ગયા હતા.

રાજકુમાર શુક્લે પણ અવાજ ઉઠાવ્યો હતો અને તેઓ પણ જુલમના ભોગ બન્યા હતા. પણ હાર ન માનતા, તેઓએ હામ ભીડી અને પ્રયત્નો ચાલુ રાખ્યા. તેની પડખે વકીલ બ્રજકિશોરબાબુ હતા જે કંગાલ ખેડૂતોના કેસ નીચી અને કોઈવાર નહિવત્ ફી સાથે લડતા. જે વકીલબાબુ વિશે શુક્લ ગાંધીજીને કહેતા હતા, તે આ જ. એમણે જ લખનૌમાં ગાંધીજીને પ્રાથમિક માહિતી આપી હતી.  ગાંધીજી 9 એપ્રિલ 1917ના રોજ કોલકાતાથી ચંપારણ જવા શુક્લ સાથે નીકળ્યા અને પટણા પહોંચ્યા. પહેલા ઉતારે યોગ્ય પ્રતિભાવ ન મળ્યો. પોતે ઇંગ્લેન્ડ ભણતા ત્યારના સહપાઠી મૌલાના મજહરુલ હક્ક યાદ આવ્યા.

ચંપારણ સત્યાગ્રહની કેટલીક સગડ કુમાર શુક્લની ડાયરીમાંથી જડે

શુક્લને ચિઠ્ઠી લખી એમની પાસે રવાના કર્યા, તેઓ તરત મોટર લઈને આવ્યા અને ઘરે લઈ ગયા અને વીતક જાણી. પોતે જમીની હકીકતથી સુપેરે વાકેફ નથી – તેવી નિખાલસ કબૂલાત કરી. જમીન કાયદાની જે સમજ અને માહિતી હતી તે આપીને કહ્યું કે, અસલ કામ તો સ્થળે પહોંચીને સમજાય અને થાય. મુઝફ્ફરપુર જવાનું સૂચવ્યું. રાતની જ ગાડીમાં રવાના થતા પહેલાં ગાંધીજીને યાદ આવ્યું કે કૃપાલાની મુઝફ્ફરપુરની કોલેજમાં અધ્યાપક છે, તેમને તાર કર્યો. કૃપાલાની વિદ્યાર્થીઓ સહિત ઉત્સાહભેર લેવા આવ્યા.

કૉલેજ આચાર્ય અંગ્રેજ, કૃપાલાનીને કહે કે, આ તોફાની ગાંધીને પરિસરમાંથી કાઢો. કૃપાલાનીએ નોકરી છોડી દીધી અને કાયમ માટે ગાંધીજી સાથે  જોડાઈ ગયા.  ગાંધીજી સાથે જોડાયા વકીલોના આગેવાન બ્રજકિશોરબાબુ અને બાબુ રાજેન્દ્રપ્રસાદ અને મંડળી પહોંચી જિલ્લાના મુખ્ય મથક મોતીહારી. ગાંધીજીએ વકીલ ટોળકીને જણાવ્યું કે, પ્રશ્નનો ઉકેલ કાયદામાં નથી, આ તો ન્યાયની માગણી છે. ખેડૂતોના સત્યની ધરાર અવગણના થઈ છે; એટલું જ નહીં તેમની પર પારાવાર જુલમ થઈ રહ્યા છે. અંગ્રેજ માલિકો તેમને થતા આર્થિક નુકસાનનો બોજો પણ ખેડૂતો પર નાખે છે.

જમીનનાં ભાડાં વધારી સાથે જાત-જાતના લાગા (જેને અબવાબ કહેતા) નાખે છે અને ક્રૂર અને હિંસક રીતે વસૂલે છે. ગાંધીજીને સત્યાગ્રહની ભૂમિકા દેખાઇ. પણ તે માટે પરિસ્થિતિનો અભ્યાસ અને એકેએક ખેડૂતની વીતક, જમીન વગેરેના આંકડા, કરાર દસ્તાવેજ ભેગા કરવાના થાય. વકીલોને એમાં જોતર્યા. મોતીહારી પહોંચી તરત જુલમની તપાસ કરવા એક ગામે હાથી પર નીકળ્યા. પોલીસે અટકાવીને 144ની કલમ લગાડી તરત જિલ્લો છોડી દેવાનો કલેક્ટરનો સમન બજાવ્યો.

ગાંધીજી અન્યોને તપાસમાં મોકલી પોતે મોતીહારી પહોંચ્યા. કલેક્ટરને પત્ર લખી જણાવ્યું કે તેઓ તપાસ માટે આવ્યા છે અને પૂરી તપાસ કર્યા વગર જવાના નથી. વીજળી-વેગે વાત ફેલાઈ ગઈ અને મોતીહારીમાં ખેડૂતોનો માનવ-મહેરામણ. ખેડૂતોમાં પારાવાર જિજ્ઞાસા કે, આ કોણ મહાત્મા તેમના કાજે પોતે જેલ જવા અંગ્રેજો સામે પડ્યો છે? મેજિસ્ટ્રેટ અને પોલીસ ચિંતામાં, કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન થાય તો?

તેમણે ધારેલું કે ગાંધીજી કોર્ટમાં આવી બચાવ કરશે. પણ ગાંધીજીએ તો કાયદાભંગનો સ્વીકાર કર્યો. જે દિવસે તેમની પર કામ ચાલવાનું હતું, તેની આગલી રાત્રે ગાંધીજીએ તૈયારીઓ કરી. ગવર્નર જનરલને લખ્યું, કૈસરે-હિંદનો ચંદ્રક પાછો મોકલ્યો. પંડિત મદન મોહન માલવિયા, આશ્રમમાં મગનલાલ અને ભ્રમણ કરતા દીનબંધુ એન્ડ્રુઝને પરિસ્થિતિથી વાકેફ કર્યા. મેજિસ્ટ્રેટ સામે આપવાનો જવાબ તૈયાર કર્યો. સવારે એટલા શાંત કે લોકોની ભીડ પર કાબૂ કરવા પોલીસની મદદમાં આવી ગયા.

સરકારી વકીલે મુદત માગી અને મેજિસ્ટ્રેટને પણ રાહત લાગી. પણ ગાંધીજીએ કહ્યું કે તેઓ જવાબ વાંચશે. ગુનો સ્વીકારતા તેમણે કહ્યું, ‘હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોઈ, મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે – એટલે કે અંતરાત્માનો અવાજ – તેને અનુસરવાનો મારો ઉદ્દેશ છે, એ જ મારે જણાવવું હતું.’ મેજિસ્ટ્રેટે ચુકાદો ત્રણ દિવસ માટે અનામત રાખ્યો. આ બનાવની સ્થાનિક વિસ્તારો સહિત જિલ્લામાં અને આખા દેશમાં જાદુઈ અસર થઈ. ચંપારણના ખેડૂતોનો ભય ભાંગ્યો.

સરકારે ગાંધીજીને તપાસ માટે પરવાનગી આપી. જિલ્લા તંત્ર અને અંગ્રેજ માલિકોને લાગ્યું કે હવે તેઓ ખુલ્લા પડશે. પરિણામે દબાણ કર્યું. જૂનમાં બિહારના ગવર્નરે ગાંધીજીને તપાસ સમેટી અને હેવાલ આપવા જણાવ્યું. ગાંધીજીએ વચગાળાનો હેવાલ મોકલ્યો, જેમાં અન્યાય અને જુલમની વિગતો અને કાયદાભંગના વિગતે દાખલા હતા. તેમણે એક તપાસ પંચની માગણી કરી. ગવર્નરે એ વાત માન્ય રાખી અને ગાંધીજીને એક સભ્ય થવા સૂચવ્યું. ગાંધીજીએ શરત મૂકી કે તેઓ ખેડૂતોના પક્ષકાર તરીકે રજૂઆતો કરશે. શરત ગ્રાહ્ય રહી અને જૂન 1917થી ઓક્ટોબર 1917 સુધી આ પંચે સહુની જુબાનીઓ લીધી.

ગાંધીજીએ પણ 12,000 કિસ્સાઓ અને સ્થળ મુલાકાતોના આધારે રજૂઆત કરી. પંચે અંતે હેવાલ રજૂ કર્યો. જે સ્વીકૃત રહ્યો. ‘તીન કઠિયા’ પ્રથા રદ કરવામાં આવી. ખેડૂતો પાસેથી વસૂલેલા તાવાનના પચ્ચીસ ટકા નાણાં ખેડૂતોને પાછાં આપવાના હુકમ થયા. જબરજસ્તીથી ગળીની ખેતી કરનાર ખેડૂતો છૂટ્યા અને શોષણમુક્ત બન્યા.  ગાંધીજીની મોટી સિદ્ધિ જે આવનાર વર્ષોમાં પણ ખૂબ કામ લાગી તે ગામડાની ગરીબ પ્રજામાં ભયનિર્મૂલનની હતી. ચંપારણ સત્યાગ્રહના લીધે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ સમગ્ર દેશમાં નવચેતનાની લહેર દોડી ગઇ.

અહિંસાત્મક સત્યાગ્રહ અને સત્યની ટેક રાખવા ગાંધીજીએ લોકોમાં અભય કેળવ્યું. લોકો નિર્ભય બન્યા. માત્ર સંઘર્ષ જ – ગાંધીજીની ભૂમિકા ક્યારે ય રહી ન હતી. એમણે જોયું કે ચંપારણનાં ગામોમાં ખેડૂતો અને અન્ય લોકો ખૂબ જ ગરીબ પણ સાથે ગંદા અને નિરક્ષર હતા. ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી અને અન્ય સ્થળોએથી લોકોને તેડાવ્યા. મહાદેવભાઈ, દુર્ગાબહેન, કસ્તૂરબા, અને અન્ય પંદર લોકો આવ્યાં. ચંપારણના ગામમાં વસ્યાં. શિક્ષણ અને સફાઈનાં કામ મોટા પાયે ઉપાડ્યાં. ગામના લોકોને પણ જોતર્યા. ભીતિ હરવા ગામમાં આજે પણ કસ્તૂરબાના નામે નિશાળ ચાલે છે.

વકીલ મંડળીને સાથે આ કામમાં રાખી તેમને અત્યંત સાદાઈથી રહેતા શીખવાડી, તેઓ કઈ રીતે રાષ્ટ્રસેવા માટેના ઉત્તમ સેવકો બની શકે તેનું દૃષ્ટાંત દેશ સામે મૂક્યું. આ ત્રણ સિદ્ધિઓને લીધે અને સેવક-નેતૃત્વની પોતાની આગવી શૈલી અને આચરણને લીધે ગાંધીજી કોંગ્રેસ અને તેના તત્કાલીન શીર્ષ નેતાઓથી અલગ નીકળ્યા અને રાષ્ટ્રીય ફલક પર સ્થાપિત થયા.

આજે ફરી દેશના નાના ખેડૂતો બેહાલ થતા જાય છે. ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીની વેળાએ નાના ખેડૂતોનો સંપોષિત વિકાસ થાય તે માટે સમાજે કટિબદ્ધ થવાની જરૂર જણાય છે.

(લેખક મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક છે.)

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 અૅપ્રિલ 2017

Loading

...102030...3,4043,4053,4063,407...3,4103,4203,430...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved