Opinion Magazine
Number of visits: 9664571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 April 2025

રમેશ ઓઝા

આંકડા એકદમ તાજા છે અને એ પણ સત્તાવાર. ૧૬મી એપ્રિલે (ચાર દિવસ પહેલાં) ભારત સરકારના વાણીજ્ય ખાતાએ ભારતના વિદેશવેપાર વિષે જે આંકડા બહાર પાડ્યા છે એ એમ કહે છે કે ચીન સાથેની વેપારખાધ વધીને ૯૯.૨ અબજ ડોલર્સ થઈ છે અને આગલા નાણાંકીય વર્ષની તુલનામાં ચીનથી કરવામાં આવતી આયાતમાં વધારો થયો છે અને ચીનમાં કરવામાં આવતી ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. આંકડા કહે છે ૨૦૨૩-૨૪નાં નાણાંકીય વર્ષમાં ચીનથી કરવામાં આવતી આયાત ૧૦૧ અબજ ડોલર્સ હતી જે ૨૦૨૪-૨૫માં વધીને ૧૧૩.૪૫ અબજ ડોલર્સ થઈ છે. એક જ વર્ષમાં ૧૧.૫૨ ટકાનો વધારો. આની સામે ચીનમાં કરવામાં આવતી નિકાસ ૨૦૨૩-૨૪માં ૧૬.૬૬ અબજ ડોલર્સ હતી જે ૨૦૨૪-૨૫માં ઘટીને ૧૪.૨૫ અબજ ડોલર્સ થઈ છે. ટકાવારીમાં કહીએ તો ૧૪.૫૦ ટકાનો ઘટાડો.

સર્વત્ર દેશપ્રેમ છલકાતો હોવા છતાં, ૨૦૨૦માં ગાલવાનની ઘટના પછી ચીનના માલનો બહિષ્કાર કરવાનો હિંદુ રાષ્ટ્રવાદીઓએ કોલ આપ્યો હોવા છતાં, ટીકટોક જેવી ચીની કંપનીઓને ભારતમાંથી તગેડી મૂકી હોવા છતાં અને ભારત વિશ્વગુરુ તરીકે સ્થાપિત થઈ ગયું હોવા છતાં આ હાલત છે. બહુમતી દેશપ્રેમી હિંદુઓ ચીન સાથે વેપાર કરે છે અને બહુમતી દેશપ્રેમી હિંદુઓ ચીની માલનો વપરાશ કરે છે. આમાં કહેવાતા દેશદ્રોહી મુસલમાનોનો તો ખાસ કોઈ હાથ જ નથી. વધુમાં વધુ ચીની માલ વાપરતા હશે.

શા માટે આવું બની રહ્યું છે? બે કારણ છે : એક તો એ કે ચીની માલ સસ્તો પડે છે અને બીજું કારણ એ કે પોતાને ત્યાં કશુંક ઉત્પાદિત કરવા માટે ચીનથી કેટલીક ચીજો મગાવવી પડે છે. જેમ કે ભારતમાં મોબાઈલનું ઉત્પાદન કરવું હોય તો ચિપ્સ ચીનથી મગાવવી પડે. ચીની માલ હલકો છે એટલે સસ્તો છે એ કારણ જે બતાવવામાં આવે છે એ વાહિયાત છે, સારી ગુણવત્તાવાળો ચીની સામાન પણ ભારતમાં ઉત્પાદિત સામાન કરતાં સસ્તો પડે છે. ચીને ઉત્પાદનપ્રક્રિયાને એવી બનાવી છે કે જેથી તે બીજા દેશો સાથે હરીફાઈ કરી શકે અને ચીને એવી ચીજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેની બીજા દેશોને પોતાનું ઉત્પાદન વધારવા જરૂર પડે. ટૂંકમાં બીજા દેશોના અર્થતંત્ર માટે અનિવાર્ય બનવું. ભારત ઈચ્છે તો પણ ટ્રમ્પની માફક ચીની સામાનની આયાત પર ટેરિફ ન વધારી શકે. સસ્તી કિંમતનો કોઈ તોડ નથી અને નિર્ભરતા જેવી બીજી કોઈ મજબૂરી નથી.

સવાલ એ છે કે જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું? તમને કદાચ ખ્બર નહીં હોય, આ સદીની શરૂઆતમાં એટલે કે ૨૦૦૧ની સાલમાં ચીન સાથેનો ભારતનો વેપાર બેલ્જિયમ અને સિંગાપોર કરતાં પણ ઓછો હતો. ૨૦૦૧ની સાલમાં ભારતે ચીનથી ૧.૯૦ અબજની આયાત કરી હતી અને ૧.૭૦ અબજ ડોલર્સની નિકાસ કરી હતી. માત્ર ૦.૨ ટકાની વેપારખાધ હતી. અંગ્રેજીમાં જેને લેવલ પ્લેઇંગ કહેવામાં આવે છે એવી બન્ને પ્રતિસ્પર્ધીઓ માટે એક સમાન સ્થિતિ હતી. ઊલટું, ભારતની તરફેણમાં વધારે અનુકૂળતા હતી. અંગ્રેજી ભાષા, આઈ.આઈ.ટી. આઈ.આઈ.એમ. જેવી શિક્ષણ સંસ્થાઓને પેદા કરેલા બ્રેઈની ઇન્ડિયન્સ, લોકતંત્ર, રાજકીય-સામાજિક સ્થિરતા વગેરેને કારણે વિદેશી રોકાણકારોને માટે ભારત પહેલી પસંદગી હતું. શું ખબર ચીનનું બંધિયાર તંત્ર ક્યારે તૂટી પડે! તાઈનામેન સ્ક્વેરની ઘટના હજુ દાયકા જૂની હતી. માત્ર ભારતે કેટલાક સુધારા કરવા પડે એમ હતા. વહીવટી સુધારા, કાયદાકીય સુધારા અને ન્યાયતંત્રમાં સુધારા. વિદેશી રોકાણકારોને એમ લાગવું જોઈએ કે નિર્ણયો ઝડપથી લેવામાં આવશે અને જો મતભેદ થયો તો ન્યાય તાત્કાલિક મળશે.

ભારતે જરૂરી સુધારાઓ કરીને નવા ઊઘાડનો લાભ લેવો જોઈએ એમ સૂચવતા સેંકડોની સંખ્યામાં અધ્યયનો, ભલામણો અને અહેવાલો ઉપલબ્ધ છે. પણ એમ બન્યું નહીં. સ્થાપિત હિતો નહોતા ઈચ્છતા કે કોઈ પ્રકારના સુધારા થાય. એ જમાનો મિશ્ર સરકારનો હતો એટલે કાઁગ્રેસના નેતૃત્વવાળી યુ.પી.એ. સરકારને કે ભા.જ.પ.ના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકારને જશ ન મળે એ સારુ બન્ને પક્ષો એકબીજાને સહયોગ નહોતા કરતા. સંસદ જ ચાલવા નહોતા દેતા. સામી બાજુ ચીને હમણાં કહ્યું એમ કિફાયતી ઉત્પાદન અને બીજા દેશોના અર્થતંત્ર માટે ઉપયોગી ચીજોનું ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિશ્વબજારમાં જગ્યા બનાવતું ગયું. જે જગ્યા ભારતની હોવી જોઈતી હતી એ ચીને આંચકી લીધી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્પષ્ટ બહુમતી સાથે ભા.જ.પ.ની સરકાર રચાઈ ત્યારે ફરીવાર આશા પેદા થઈ કે ભારત ગુમાવી રહેલો અવસર ફરી મેળવી શકે છે. ૨૦૧૩-૨૦૧૪ની સાલમાં ભારતે ૧૭ અબજ ડોલર્સની ચીનમાં નિકાસ કરી હતી અને સામે ૪૮.૨ અબજ ડોલર્સની આયાત કરી હતી. ૩૧ અબજ ડોલર્સની ખાધ હતી. ખાધ ઘણી મોટી હતી, વધતી જતી હતી અને શાણા શાસકો માટે સાવધાનીના ઘંટનાદ સમાન હતી. અપેક્ષા હતી કે મજબૂત સરકાર સાથે હવે શાસકો ગુમાવેલી જગ્યા પાછી મેળવવા કમર કસશે. પણ એવું બન્યું નહીં બલકે ઊલટું બન્યું. ટકાવારીમાં ભારતની નિકાસ ઘટવા માંડી અને ખાધ વધતી ગઈ. પરિણામ એ આવ્યું કે આજે ૨૦૧૪ની તુલનામાં ભારતની નિકાસ ઘટી છે. ૨૦૧૬ની નોટબંધીએ પણ દેશને પાછળ ધકેલી દીધો છે.

સરકાર મજબૂત છે, પણ પ્રાથમિકતા અલગ છે. ચીન વર્તમાનમાં જદ્દોજહદ કરે છે અને ભારતના હિન્દુત્વવાદી શાસકો અતીતમાં. ચીન ઇતિહાસમાં વિલન શોધવાનો પ્રયાસ કરતું નથી, પણ વર્તમાનમાં વિલન કોણ અને મિત્ર કોણ એની ચકાસણી કરીને પોતાની જગ્યા બનાવે છે. ચીન મહાન હોવાના ખોટા બણગાં ફૂંકતું નથી, પણ તાકાત વધારીને વર્તમાનમાં તેને અનુભવી શકાય એ રીતે મહાન બનવાનો પ્રયાસ કરે છે. ચીન લઘુમતી પ્રજાની કનડગત કરીને બહુમતી પ્રજાને વિકૃત સુખનો અમલ પીવડાવતું નથી, પણ દરેક પ્રજાના હાથનો વિકાસ માટે ઉપયોગ કરે છે. તમે ક્યારે ય ચીની શાસકોને રડતા કે રડાવતા જોયા? ડરતા કે ડરાવતા જોયા? કલ્પનાના મહેલમાં રાચતા જોયા? બણગાં ફૂંકતા જોયા?

વર્તમાન. વર્તમાન જ ભવિષ્ય બનાવે છે. ભૂતકાળ ભવિષ્ય ન બનાવે. એની વચ્ચે વર્તમાન પડે છે અને નાદાર શાસકો કર્તૃત્વ સિદ્ધ કરવાની વર્તમાનની ક્ષણ ગુમાવી દે છે. હવે જ્યારે વર્તમાનમાં ભવિષ્ય બનાવવા માટેનું યુદ્ધ જગતમાં શરૂ થયું છે ત્યારે અતીતમાં જીવનારા અને પ્રજાને જીવાડનારા શાસકો રઘવાયા થયા છે. કેન્દ્રના વાણીજ્ય પ્રધાને અકળાઈને કહ્યું હતું કે વિદેશી રોકાણ ભારતમાંથી બહાર જતું હોય તો ભલે જતું. નથી જોઈતા તેમના પૈસા. એ પછી હમણાં પાંચ દિવસ પહેલાં અકળાઈને કહ્યું કે શું સ્ટાર્ટઅપવાળા ફૂડ ડિલીવરીની એપ જ બનાવશે કે ભોંય ભાંગવાનું કામ પણ કરશે? અરે ભાઈ, દસ વરસમાં દોઢ લાખ (૯૦ ટકા) સ્ટાર્ટઅપ નિષ્ફળ નીવડ્યા એને માટે એકલા પ્રયાસકર્તાઓ જવાબદાર છે કે શાસકો પણ? વર્ગમાં ૯૦ ટકા વિદ્યાર્થીઓ ત્યારે જ નાપાસ થાય જ્યારે ભણાવવામાં ન આવતા હોય અને શિક્ષકો નબળા હોય. ડીપસીક વિકસાવવા માટે સરકારનો સાથ જોઈએ.

પણ આપણે ત્યાં તો શાસકો ઔરંગઝેબના યુગમાં વસે છે અને વચ્ચે વચ્ચે અકળાય અને આવવું પડે ત્યારે વર્તમાનમાં આવે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઍપ્રિલ 2025

Loading

વીરા! એ તો ફાંસી નહીં, ફૂલમાળ રે 

સોનલ પરીખ|Opinion - Opinion|19 April 2025

વીરા મારા! પાંચ રે સિંધુને સમશાન રોપાણાં ત્રણ રૂખડાં હો જી
વીરા! એની ડાળિયું અડી આસમાન : મુગતિના ઝરે ફૂલડાં હો જી

વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીર : ઇંધણ તો ય ઓછાં પડ્યાં હો જી
વીરા મારા! સતલજ નદીને તીર પિંજર પૂરાં નો બળ્યાં હો જી 

વીરા! તારી ચિતામાં ધખધખતી વરાળ નવનવ ખંડે લાગિયું હો જી
વીરા! તારી નહીં રે જંપે પ્રાણઝાળ : ઠારેલી ભલે ટાઢિયું હો જી

વીરા! તારા પંથડા વિજન ને અઘોર : ઓરાણો તું તો આગમાં હો જી
વીરા! તારાં વસમાં જિગરનાં જોર : લાડકડા! ખમા ખમા હો જી

વીરા! તારે મુખડલે માતાજી કેરાં દૂધ ધાવેલાં હજી ફોરતાં હો જી
વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત જાણ્યું તેં, જોગી, ચોળતાં હો જી

વીરા! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ દુનિયાથી દૂરે દોડવા હો જી
વીરા! તારે અચળ હતા વિશ્વાસ જનમીને ફરી આવવા હો જી

વીરા! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ તરસ્યોયે નો’તો રક્તનો હો જી
વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ માભૂમિ કેરા ભક્તનો હો જી

વીરા! એ તો ફાંસી રે નહીં, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો જી
વીરા! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો જી

                                                                            —     ઝવેરચંદ મેઘાણી 

(ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી અપાઈ તેની વેદનામાં લખાયેલું કાવ્ય) 

ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ – ભારતભૂમિનાં આ પનોતાં સંતાનોને 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ. માંડ 23-24 વર્ષના આ ત્રણે દૂધમલ યુવાનો હસતાં મોઢે ફાંસીને માંચડે ચડી ગયા. સરકારે ભગતસિંહને દયાની અરજી કરવા સૂચવ્યું ત્યારે ભગતસિંહે કહ્યું, ‘શા માટે દયાની અરજી કરીએ? અમે ચોરડાકુ નથી, અમે તો જેની નસોમાં સ્વાતંત્ર્યપ્રેમ વહી રહ્યો છે એવા બહાદુર સૈનિકો છીએ. ફાંસીથી અમે ડરતા નથી, બલકે અમને તો ફાંસીના માંચડે ચડવા કરતાં તોપના મોઢે બંધાઈને મરવું વધારે પસંદ છે.’ 

આઝાદ ભારતમાં જન્મેલા અને આઝાદ હવામાં શ્વાસ લેતા આપણે આ અને આવા અનેક યુવાનોના બલિદાનને સહેલાઈથી વિસારે પાડી દીધું છે. આપણને એ પણ ખબર છે કે ફાંસી અપાયા પછી આ વીરોના અંતિમ સંસ્કાર ક્યાં થયા હતા? શહીદોનું આ સ્મારક પાકિસ્તાનની સરહદે આવેલા ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ગામમાં આવેલું છે. સતલજ નદીને કિનારે આવેલા આ સ્થળે ત્રણે વીરોના મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અહીં ભગતસિંહની મા વિદ્યાવતી અને સાથી બટુકેશ્વર દત્તની પણ સમાધિ છે. આ બંનેની ઈચ્છા ભગતસિંહ જ્યાં અંતિમ સંસ્કાર પામ્યા ત્યાં છેલ્લું શયન પામવાની હતી. 

હુસૈનીવાલા ગામ ભારત-પાકિસ્તાનની સરહદથી એક જ કિલોમીટર દૂર છે. આ સ્થળ પાકિસ્તાનમાં જતું રહ્યું હતું, પણ 1961માં જ્યારે ભારતનાં બાર ગામડાં પાકિસ્તાનને આપવાનાં થયાં ત્યારે આ સ્થળ મેળવી લેવામાં આવ્યું હતું. 1968માં સ્મારક બનાવવામાં આવ્યું. 1971ની લડાઈમાં પાકિસ્તાની લશ્કરે અહીં તોડફોડ કરી હતી. 1973માં જ્ઞાની ઝેલસિંહ પંજાબના મુખ્ય પ્રધાન હતા, તેમણે સ્મારક ફરીથી બંધાવ્યું. દર વર્ષે 23 માર્ચે ત્યાં શહીદમેળો થાય છે. હજારો લોકો શહીદોને પ્રણામ કરવા આવે છે. ભારતમાં, ખાસ કરીને પંજાબમાં 23 માર્ચે શહીદ દિન ઊજવાય છે.

ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુરમાં થયો હતો. ચંદ્રશેખર આઝાદ અને અન્ય પક્ષના સભ્યો સાથે મળીને, ભગતસિંહે ભારતની આઝાદી માટે અભૂતપૂર્વ હિંમત સાથે શક્તિશાળી બ્રિટિશ સરકાર સામે હિંમતભેર લડત આપી હતી. તેઓ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ભગત સિંહનું સૂત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ખૂબ પ્રખ્યાત છે. આ સૂત્રે દેશવાસીઓને ઉત્સાહથી ભરી દેવાનું કામ કર્યું. તેનો અર્થ છે ‘ક્રાંતિની જય હો’. સુખદેવ થાપરનો જન્મ પણ એ જ વર્ષે થયો હતો. ભગતસિંહ અને સુખદેવના પરિવારો લાયલપુરમાં પાડોશી હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને લાહોર નેશનલ કોલેજના સ્ટુડન્ટ પણ હતા. સુખદેવે કોલેજમાં સ્ટડી સરકલ્સ શરૂ કર્યાં હતાં, જેમાં ભારતની મહાન સંસ્કૃતિ અને વિશ્વની મોટી ક્રાંતિઓની વાતો થતી. ભગતસિંહ યુવાનોને અસ્પૃશ્યતા-કોમવાદનો ત્યાગ કરવાની, બુદ્ધિવાદી-વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાની અને ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવાની પ્રેરણા આપતા. સુખદેવે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહ અને રાજગુરુનું સમર્થન કર્યું હતું. શિવરામ હરિ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908ના રોજ પુણે જિલ્લાના ખેડા ખાતે થયો હતો. રાજગુરુ વારાણસીમાં સંસ્કૃત ભણતો. શિવાજીની ગેરિલા શૈલીના પ્રશંસક હોવા ઉપરાંત, લોકમાન્ય બાળ ગંગાધર તિલકના વિચારોથી પણ પ્રભાવિત હતા. હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં જોડાયા પછી પંજાબ અને યુ.પી. તેનું કાર્યક્ષેત્ર બન્યું હતું. 

ચૌરી-ચૌરા પછી મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન પાછું ખેંચ્યું ત્યાર પછી ભગતસિંહ, ચંદ્રશેખર અને બિસ્મિલ જેવા હજારો યુવાનો અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ તરફ વળ્યા. 30 ઓક્ટોબર 1928ના રોજ, લાહોરમાં સાયમન કમિશન વિરુદ્ધ સરઘસ કાઢવામાં આવ્યું, જેના પર લાઠીચાર્જ કરવાનો હુકમ પંજાબ પોલિસના અધિક્ષક, જેમ્સ એ. સ્કોટે આપ્યો. આ લાઠીચાર્જમાં લાલા લજપત રાય ખરાબ રીતે ઘાયલ થયા અને 18 દિવસ પછી સારવાર પછી 17 નવેમ્બર 1928ના રોજ તેમનું મૃત્યુ થયું. 

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ લાલાજીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.  બરાબર એક મહિના પછી, 17 ડિસેમ્બર 1928ના રોજ ત્રણેય યોજના મુજબ લાહોરમાં પોલિસ હેડક્વાર્ટરની બહાર પહોંચ્યા. જો કે, સ્કોટની જગ્યાએ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલિસ જોન પી સોન્ડર્સ બહાર આવ્યા અને ઠાર થયા. પછીના વર્ષે વિધાન સભામાં ‘ટ્રેડ ડિસ્પ્યુટ બિલ’ અને ‘પબ્લિક સેફ્ટી બિલ’ પર ચર્ચા થઈ રહી હતી. ‘ટ્રેડ ડિસ્પ્યુટ બિલ’ પહેલેથી જ પસાર થઈ ચૂક્યું હતું, જે અંતર્ગત કામદારોની હડતાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે, ‘પબ્લિક સેફ્ટી બિલ’ દ્વારા, બ્રિટિશ સરકાર શંકાસ્પદોને સુનાવણી વિના કસ્ટડીમાં રાખી શકતી હતી.

ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ગૃહની ખાલી જગ્યામાં બે બોમ્બ ફેંક્યા. વિસ્ફોટ સમયે ગૃહમાં સર જોન સિમોન, મોતીલાલ નેહરુ, મોહમ્મદ અલી ઝીણા, આર.એમ. જયકર અને એન.સી. કેલકર પણ હાજર હતા. બોમ્બ ધડાકા પછી પેમ્ફલેટ ફેંકવામાં આવ્યાં, ‘બહેરાઓને સાંભળવા માટે જોરથી ધડાકાની જરૂર છે.’ ભગતસિંહ અને બટુકેશ્વર ધરપકડ વહોરી લેશે તે અગાઉથી નક્કી હતું.

લાહોર જેલમાં પહોંચતાની સાથે જ ભગતસિંહે પોતાને રાજકીય કેદી ગણવા અને અખબારો અને પુસ્તકો આપવાની માગણી કરી. માગ નકારી કાઢવામાં આવી. ભગતસિંહ અને તેમના સાથીઓએ જેલમાં લાંબી ભૂખ હડતાલ કરી.

જુલાઈમાં સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી શરૂ થઈ. 7 ઓક્ટોબર 1929ના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી. 

ફાંસીના બે કલાક પહેલા તેમના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા આવ્યા. ભગતસિંહને ફાંસીની ખબર હતી, પણ તેમણે મહેતાને પૂછ્યું કે તમે મારું પુસ્તક ‘રિવોલ્યુશનરી લેનિન’ લાવ્યા છો કે નહીં? મહેતાએ પુસ્તક આપ્યું ત્યારે તેમણે એ જ સમયે વાંચવાનું શરૂ કર્યું. મહેતાએ પૂછ્યું કે તમે દેશને કોઈ સંદેશ આપવા માંગો છો? ભગતસિંહે પુસ્તકમાંથી મોં ઊંચું કર્યા વિના કહ્યું, ‘માત્ર બે સંદેશ … સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઈન્કલાબ ઝિંદાબાદ!

ભગતસિંહની ફાંસીની વાત આવે ત્યારે મહાત્મા ગાંધી તેમની સજા માફ કેમ ન કરાવી એ સવાલ મનમાં આવ્યા વિના રહેતો નથી. ફાંસીના દિવસે વહેલી સવારે તેમણે વાઇસરૉયને એક ભાવસભર પત્ર લખ્યો હતો જેથી વાઈસરૉય પર સજા માફ કરવાનું સારું એવું દબાણ આવ્યું, પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિરોધી લોકલાગણીના પ્રચંડ ઊભરા વચ્ચે ગાંધીજીએ ભગતસિંહની બહાદુરીને પ્રમાણવા છતાં, તેમના રસ્તાનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો અને તેના ગેરફાયદા બતાવ્યા. એક નેતા તરીકે ગાંધીજીની આ નૈતિક હિંમત હતી, જે યાદ રાખવી જોઈએ. 

ભગતસિંહ પોતે સજામાફી માટે પત્ર લખવા તૈયાર ન હતા. તેમના પિતાએ આવી રજૂઆત કરી ત્યારે ભગતસિંહે તેમને આકરા શબ્દોમાં પત્ર લખ્યો હતો. ગાંધીજી સજા માફ ન કરાવી શક્યા, એ મુદ્દે ભગતસિંહને કશો કચવાટ હતો કે નહીં એ જાણવા મળતું નથી. પણ તેમની પ્રકૃતિ જોતાં, એવો કચવાટ હોવાની સંભાવના નહીંવત છે. 

ઉર્વીશ કોઠારી કોમવાદ અને રાષ્ટ્રવાદની ભેળસેળનાં મૂળિયાં કેટલાં જૂનાં છે તેનો ખ્યાલ આપતી હકીકત નોંધે છે કે ભગતસિંહની ફાંસી પછી ફરજિયાત શોક પળાવવાની લ્હાયમાં કાનપુરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં, જે ઠારવા જતાં ગણેશશંકર વિદ્યાર્થી મોતને ભેટ્યા. આપણા દેશનું આ કમનસીબ છે. 

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી અપાઈ ત્યારે ઝવેરચંદ મેઘાણીએ રુંવાડાં ઊભાં થઈ જાય એવું કાવ્ય લખ્યું હતું, જેની અંતિમ પંક્તિઓ હતી, 

‘વીરા! એ તો ફાંસી રે નહીં, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો જી
વીરા! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો જી’ 

રાષ્ટ્રીય શાયર જ આવું લખી શકે … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 માર્ચ  2025

Loading

ચલ મન મુંબઈ નગરી—285

દીપક મહેતા|Opinion - Opinion|19 April 2025

બાવલા ખૂન કેસમાં ઊલટતપાસ માટે છેક દિલ્હીથી વાઈસરોયની મંજૂરી કેમ મેળવવી પડી?  

૧૩ જાન્યુઆરી ૧૯૨૫. સવારે દસને ટકોરે પોલિસ કમિશનર કેલી પોતાની ઓફિસમાં દાખલ થયા. દરવાજાની બરાબર સામે કિંગ જ્યોર્જ ધ ફિફ્થનો સોનેરી ફ્રેમમાં મઢેલો ફોટો દીવાલ પર લટકતો હતો. બાજુમાં એક ખૂણામાં યુનિયન જેક ચાંદી મઢેલી કાઠી પર લટકતો હતો. કેલીએ પહેલાં યુનિયન જેકને અને પછી બ્રિટિશ મોનાર્કના ફોટાને સેલ્યૂટ કરી. ઓફિસમાં બીજો એક પણ ફોટો નહોતો. ખુરસી પર બેઠા પછી મોનાર્કનો ફોટો જરા ય ઢંકાય નહિ એટલી ઊંચાઈએ ફોટો હતો. કાળા સીસમની રિવોલ્વિંગ ચેર પર કેલી બેઠા. સામે વિશાળ ટેબલ. એ પણ કાળા સીસમનું. ઉપરના ભાગમાં મરૂન કલરનું વેલવેટ મઢેલું, અને તેની ઉપર કાચ. ટેબલને એક ખૂણે કાળો ટેલિફોન. બીજે ખૂણે IN અને OUT લખેલી બે ટ્રે. પહેલીમાં એક ફાઈલ. બીજી ટ્રે ખાલી. 

ટેબલની ડાબી બાજુએ ઝગારા મારતી પિત્તળની કોલબેલ. કેલીએ બેસતાં વેંત એ વગાડીને ઓર્ડર્લી ગંગારામ વાઘમારેને બોલાવ્યો. એ આવીને કુર્નિશ બજાવીને ઊભો રહ્યો. કેલીએ શુદ્ધ મરાઠીમાં કહ્યું : સુપરિન્ટેન્ડન્ટ સાયકિઝલા પાચારણ દ્યા (બોલાવ). તેઓ બાજુના વેઈટિંગ રૂમમાં રાહ જોતા બેઠા હતા, એટલે તરત હાજર થયા. આવીને સેલ્યૂટ કરીને ઊભા રહ્યા. કેલીએ બેસવા કહ્યું પછી અદબપૂર્વક ટટ્ટાર બેઠા. 

નાગપાડા પોલિસ હોસ્પિટલમાં મુમતાઝ

કેલી : અત્યારે મુમતાઝને ક્યાં રાખી છે?

સાયકિઝ : સર, જે.જે. હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડમાં. 

કેલી : હાલ ને હાલ તેને નાગપાડાની પોલીસ હોસ્પિટલમાં ખસેડો. ત્યાં અલગ રૂમમાં રાખો. બહાર ચોવીસ કલાક ચોકી પહેરો. કોઈ મુલાકાતીને મળવાની પરવાનગી નહિ. અને આ કામ એવી રીતે કરવાનું છે કે આપણા બે-ચાર માણસો સિવાય બીજા કોઈને ખબર ન પડે. અને હા, એને ખસેડ્યા પછી તરત મને ખબર આપજો. ગોડ સેવ ધ કિંગ.

સાયકિઝે પણ જવાબમાં ગોડ સેવ ધ કિંગ કહ્યું. અદબપૂર્વક ઊભા થઈ સાયકિઝ ચાલતા થયા. 

નાગપાડા પોલિસ હોસ્પિટલ

એ ગયા પછી કેલીએ બેલ વગાડવાને બદલે બૂમ પાડી : ગંગારામ! એ આવીને ઊભો રહ્યો એટલે કહ્યું : માઝા સ્ટેનોલા પાચારણ દ્યા. સ્ટેનો આવીને ઊભો રહ્યો એટલે બેસવા માટે ઈશારો કર્યો. ગવર્નર સર લેસ્લી વિલ્સનને તાબડતોબ મોકલવાનો પત્ર ડિક્ટેટ કરાવ્યો. તેમાં સાત ઇસમનાં નામ-ઠામ લખ્યાં હતાં અને તેમની પૂછપરછ (Interrogation) કરવા માટેની મંજૂરી વહેલી તકે આપવા વિનંતી કરી હતી. આ સાત તે :

૧. પુષ્પશાલ પાંડે, ઉંમર વરસ ૨૨, ૨. શ્યામરાવ દિઘે, ઉ.વ. ૩૨, ૩. મુમતાઝખાન સૈયદ મોહમ્મદ, ઉ.વ. ૨૫, ૪. અકબરશાહ મોહમ્મદશાહ ખાન, ઉ.વ. ૨૨, ૫. કરામતખાન નીઝામતખાન, ઉ.વ. ૨૫, ૬. બહાદુરશાહ મોહમ્મદશાહ ખાન, ઉ.વ.૨૫, ૭. અબ્દુલ લતીફ મોહિદ્દિન ઉર્ફે કાળા લતીફ, ઉ.વ. ૨૦.   

બે-પાંચ મિનિટમાં પત્ર ટાઈપ થઈને આવી ગયો એટલે કેલીએ સહી કરીને જાતે કવરમાં મૂકી ઉપર પોતાનું સીલ માર્યું અને પછી કહ્યું : અત્યારે જ ગવર્નરસાહેબને હેન્ડ ડિલિવરીથી મોકલો. 

સાંજ પડતાં પહેલાં ધાર્યા પ્રમાણેનો ગવર્નરનો જવાબ આવી ગયો : મારી ભલામણ સાથે મેં તમારી વિનંતી વાઈસરોય સર રીડીંગને મોકલી આપી છે. પછી એક-બે દિવસમાં વાઈસરોયની મંજૂરી પણ આવી ગઈ. પણ તેમણે આદેશ આપ્યો હતો કે હવે પછીની કામગીરી સંબધિત પોલિટિકલ રેસિડન્ટને વચમાં રાખીને જ કરવી અને પૂછપરછ વખતે સ્થાનિક પોલીસના અધિકારીઓ પાસે જ કરાવવી. 

પ્રિય વાચક! તમે જરૂર વિચારતા હશો કે શું આ સાત નામ એવી મોટી હસ્તીનાં હતાં કે તેમની પૂછપરછ કરવા માટે પણ છેક વાઈસરોયની પરવાનગી લેવી પડે? ના. પણ એ સાતે સાત બ્રિટિશ ઇન્ડિયાના નાગરિક નહોતા. તો? એ બધા જ હતા ઇન્દોરના દેશી રાજ્યના નાગરિક! બાવલાના ખૂનનો ગુનો બન્યો હતો મુંબઈમાં. પણ આખું કાવતરું ઘડાયું હતું ઇન્દોરના દેશી રાજ્યમાં. અને મલબાર હિલ પર બનેલી ઘટના પછી તરત એ જ રાતે આ સાતે ઇસમ મુંબઈથી ઇન્દોર જવા ટ્રેન દ્વારા રવાના થઈ ગયા હતા. લાલ મેક્સવેલ મોટરને પણ ગુડ્સ ટ્રેન દ્વારા ઇન્દોર મોકલી દીધી હતી. મુંબઈ પોલીસ ઇન્દોર જઈને તેમની ધરપકડ કરી શકે તેમ નહોતું. મંજૂરી મળી હતી તે માત્ર પૂછપરછ કરવાની. ૧૯૨૫માં, બાવલા ખૂન કેસ વખતે મહારાજા તુકોજીરાવ ત્રીજા (હોલકર વંશના ૧૩મા રાજા)નું રાજ ચાલતું હતું. તેમનું સત્તાવાર આખું નામ હતું : ‘હિઝ હાઈનેસ મહારાજાધીરાજ હોલકર રાજરાજેશ્વર સવાઈ શ્રી સર તુકોજી રાવ ત્રીજા હોલકર, ઇન્દોરના તેરમા મહારાજા.’ 

વાઈસરોયની મંજૂરી આવી ત્યાં સુધીમાં કેલી પર દબાણ વધવા લાગ્યું. ઇન્દોર રાજ્યે લોભામણી દરખાસ્ત મોકલી. ખુદ અંગ્રેજ ઉપરીઓએ પણ આડકતરાં સૂચન કર્યાં કે આ કેસમાં હળવે હાથે હલેસાં મારો. અત્યારે હોબાળો મચ્યો છે, પણ થોડા વખતમાં લોકો વાત ભૂલી જશે. ઈન્દોરની ઓફર તો ઠુકરાવી જ, પણ ઉપરી અધિકારીઓને પણ સ્પષ્ટ જણાવી દીધું કે મારા પર દબાણ લાવશો તો હું પોલિસ કમિશનરના હોદ્દા પરથી રાજીનામું આપીશ. 

ઇન્દોરના મહારાજા તુકોજી રાવ હોલકર, ત્રીજા

બીજા તો સમજ્યા, પણ મુંબઈ અને દિલ્હીના ખેરખાંઓ ઇન્દોરના રાજવીને બચાવવા કેમ માગતા હતા? એક કારણ એ કે પહેલા વિશ્વયુદ્ધ વખતે ઇન્દોર રાજ્યે સરકારને ઘણી મદદ કરી હતી. બીજું, ૧૯૨૦થી ગાંધીજીના નેતૃત્ત્વ નીચે શરૂ થયેલી અસહકારના આંદોલને વેગ પકડ્યો હતો. બ્રિટિશ ઇન્ડિયાનો મોટો ભાગ તેમાં ભળતો જતો હતો. પણ ઘણાંખરાં દેશી રાજ્યો બ્રિટિશ શાસકોની પડખે ઊભાં રહ્યાં હતાં. ઇન્દોર જેવા અગ્રણી રાજ્યના રાજવી જો આ કેસમાં સંડોવાય તો તેનું પરિણામ કેવું આવે તે કહી શકાય એમ નહોતું. ઇન્દોર ઉપરાંત બીજાં કેટલાંક દેશી રાજ્યો પણ બ્રિટિશ સરકાર વિરોધી ચળવળને ઉત્તેજન આપે તો? 

પણ કેલી પોતાના નિર્ણયમાં અફર હતા. સાતે શંકાસ્પદ વ્યક્તિઓને પૂછવાના સવાલો તૈયાર થઈ ગયા. સિનિયર ઇન્સ્પેક્ટર સ્મિથની આગેવાની નીચે આઠ અધિકારીઓની ‘તપાસ સમિતિ’ ઇન્દોર જવા તૈયાર થઈ. પણ સવાલો તેમણે નહોતા પૂછવાના. એ કામ ઇન્દોર પોલિસનું હતું. મુંબઈ પોલિસે માત્ર નોંધ લેવાની હતી. કેલીએ ખાસ સૂચના આપી કે સાતે શંકાસ્પદ વ્યક્તિઓને પૂછવાના સવાલ એક સાથે ઇન્દોરના અધિકારીઓને આપતા નહિ. એક-એક સાક્ષી આવતો જાય તેમ તેમ તેને પૂછવાના સવાલો ઇન્દોર પોલિસના હાથમાં મૂકજો. જેથી પોલિસ પોતે સાક્ષીઓને અગાઉથી ચેતવી ન શકે. પછી કેલીએ ઇન્દોરના પોલિસ કમિશનરને તાર કરીને આઠ અધિકારીઓના આવવાની જાણ કરી અને તેમને પૂરેપૂરો સહકાર મળી રહેશે એવી આશા વ્યક્ત કરી. 

બાવલા ખૂન કેસની સુનાવણીના અહેવાલ રોજેરોજ બધાં છાપાંમાં પ્રગટ થતા

૧૯૨૫ના જાન્યુઆરીની ૧૯મીએ મુંબઈ પોલિસની ટીમ ઇન્દોર પહોંચી. પહેલું કામ ઇન્દોરના પોલિસ કમિશનરને મળીને બધી વ્યક્તિઓ સામેના પુરાવા રજૂ કર્યા. પણ ધાર્યા પ્રમાણે ઇન્દોરના પોલીસ કમિશનરે તો એક જ રાગ આલાપ્યો : ‘અમારા બધા નાગરિકો તો દૂધે ધોયેલા છે. એ આવું કોઈ કામ કરે જ નહિ. તમને કોઈએ ખોટી માહિતી આપીને ભરમાવ્યા છે. એ સાંભળીને તરત જ ઇન્સ્પેક્ટર સ્મિથે પોતાના સાથીઓને ઈશારો કર્યો. એટલે એ સાથીઓ પોતપોતાના ‘શિકાર’ને શોધવા નીકળી પડ્યા. એકને બાદ કરતાં બીજા બધા આરોપી ઇન્દોર દરબારના નોકરો હતા. બાતમીદારો પાસેથી પાકી માહિતી મેળવી હતી એટલે થોડી જ વારમાં બધા આરોપીને લઈને એ સાથીઓ પાછા આવ્યા. ઇન્દોર પોલિસના હાથમાં પકડાવેલાં કાગળિયાં પ્રમાણે તેમણે એક-એક આરોપીની ઊલટતપાસ લેવી પડી. ઊલટતપાસ પૂરી થતાં વેંત સ્મિથે કહ્યું કે વધુ પૂછપરછ માટે અમારે આ બધાને મુંબઈ લઈ જવા પડશે. ઇન્દોરના પોલિસ કમિશનર હા-ના કરે એ પહેલાં તો મુંબઈ પોલિસના બીજા અધીકારીઓ આવી પહોંચ્યા. ઊલટતપાસ ચાલતી હતી એ જ વખતે તેમણે દરેક આરોપીના ઘરની ઝડતી લીધી હતી. અને દરેકને ત્યાંથી એક યા બીજી વાંધાજનક વસ્તુ મળી આવી હતી. તેમાં ઇન્દોરથી મુંબઈની ટ્રેન ટિકિટોથી માંડીને બંદૂકની કારતૂસો સુધીની વસ્તુઓનો સમાવેશ થતો હતો. બીજી બાજુ સ્મિથે પોતે દરબારી કચેરી જઈને દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા. બધા આરોપીઓએ ૧૨મી જાન્યુઆરીની આસપાસના દિવસોએ નોકરી પરથી રજા લીધી હતી, અલબત્ત, જુદાં જુદાં અને ખોટાં કારણો આપીને. જપ્ત કરેલી બધી વસ્તુઓનું પંચનામું કર્યું. 

પણ હજી એક મહત્ત્વની વિધિ બાકી હતી: ઓળખ પરેડ. ૧૨મી જાન્યુઆરીની ઘટના વખતે જે જે ઇસમો હાજર હતા અને જેમણે હુમલાખોરોને નજરોનજર જોયા હતા તેવી અગિયાર  વ્યક્તિઓને ‘ચશ્મદિદ ગવાહ’ તરીકે ટ્રેન દ્વારા મુંબઈથી ઇન્દોર લાવવામાં આવી. ઇન્દોર પોલિસની હાજરીમાં ૨૨ જાન્યુઆરીએ ઓળખ પરેડ કરવામાં આવી જેમાં બધા જ સાક્ષીઓએ બધા જ ગુનેગારોને ઓળખી બતાવ્યા. હવે ઇન્દોર પોલિસના હાથ હેઠા પડ્યા. 

સ્મિથ અને તેના સાથીઓ બધા આરોપીઓને લઈને ઇન્દોરથી મુંબઈ જવા રવાના થયા – અલબત્ત, તેમની ‘વધુ પૂછપરછ’ કરવા માટે. સાતે આરોપીને મુંબઈના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એસ. રાંગણેકર સમક્ષ ઊભા કરી, વોરંટ મેળવી, તેમને ૧૪ દિવસ માટે રિમાન્ડ પર લીધા. પણ આ બધા તો કાવતરાના હાથ-પગ હતા. તેમને ચલાવનાર ‘ભેજું’ હજી ઇન્દોરમાં જ હતું. એ ભેજાનો ભેદ કઈ રીતે ખૂલ્યો એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 એપ્રિલ 2025

Loading

...102030...314315316317...320330340...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved