Opinion Magazine
Number of visits: 9456545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કથની અને કરણીમાં અંતર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 December 2024

રમેશ ઓઝા

એક પ્રસંગ તો બહુ જાણીતો છે અને કદાચ તમે પણ સાંભળ્યો હશે. ૧૯૪૨ની ભારતછોડો લડત વખતે મુંબઈમાં ગોવાળિયા ટેંક(આજનું ઑગસ્ટ ક્રાંતિ મેદાન)માં પોલીસે સત્યાગ્રહીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને અનેક સત્યાગ્રહીઓની ધરપકડ કરી એમાં એક મહિલા પણ હતી અને તેનાં શરીર પર સોનાનાં આભૂષણ હતાં. એ બહેને તરત એ સોનાનાં દાગીના કાઢીને બાજુમાં ઊભેલા એક ભાઈને આપ્યા અને કહ્યું કે ફલાણી જગ્યાએ મારું ઘર છે એટલે તમે આ દાગીના મારા ઘરે આપી આવજો. એ ભાઈએ અચંબો પામીને એ બહેનને કહ્યું કે, બહેન, તમે મને ઓળખતાં પણ નથી, અને તમે એક અજાણ્યા આદમી પર ભરોસો કરીને મૂલ્યવાન દાગીના આપો છો? એ બહેને કહ્યું કે તમે ખાદી પહેરો છો, ગાંધીજીના માણસ છે અને એટલી ઓળખ પૂરતી છે. મને ખાતરી છે કે આ દાગીના તમે મારા ઘરે પહોંચાડી દેશો.

આને કહેવાય શાખ. અમુક પ્રકારની જીવનદૃષ્ટિ, ફિલસૂફી અને મૂલ્યનિષ્ઠા જે લોકો સ્વીકારે છે તેનાં આચરણમાં તે ઉતરે છે અને એવા લોકો તેને આત્મસાત કરી લે છે. એમાં માનનારાઓનો એક પરિવાર બને છે અને એ પરિવારની એક શાખ બને છે. ગાંધીનો પરિવાર ઉપર કહી એવી એક શાખ ધરાવતો હતો. એમાં ખોટ્ટા સિક્કા ન જ નીકળે એવું નથી, ઘણાં નીકળતા હતા, પણ ગણ્યાગાંઠ્યા. શાખ જે તે સમૂહના એકંદર આચરણ દ્વારા બને છે અને તે સારી અને નરસી બંને હોઈ શકે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ૧૯મી ડિસેમ્બરે પૂનામાં ‘ભારત એક વિશ્વગુરુ’ વિષય પર બોલતા કહ્યું હતું કે, “આપણે સદીઓથી એક સાથે સામંજસ્યપૂર્વક રહીએ છીએ અને એ જ તો વિશ્વને આપવા માટેની આપણી પાસે અમૂલ્ય વસ્તુ છે. આપણે આ (સામંજસ્યપૂર્વકનું સહઅસ્તિત્વ) વારંવાર, ફરીફરી જીવી બતાવીને વિશ્વને ઉદાહરણરૂપે આપતા રહેવાનું છે. રામ મંદિર બન્યા પછી કેટલાક લોકોને એમ લાગવા માંડ્યું છે કે તેઓ જ્યાં ત્યાં વિવાદો પેદા કરીને હિંદુઓના નેતા બની જશે. આ સ્વીકાર્ય નથી.” મોહન ભાગવતે આ પહેલાં અનેકવાર કહ્યું છે કે મુસલમાનો વિનાનો દેશ અધૂરો છે. વિરોધ પક્ષ વિરોધ કરવા માટેનો પક્ષ નથી, પણ પ્રતિવાદ કરનારો પ્રતિપક્ષ છે. જ્યાં પક્ષ હોય ત્યાં પ્રતિપક્ષ હોવાનો જ અને તેનું સ્વાગત કરવું જોઈએ. લોકતાંત્રિક સભ્ય સમાજની આ જરૂરિયાત છે.

મોહન ભાગવત વર્ષોથી વખતો વખત ઉપનિષદના ઋષિઓની, બુદ્ધ અને મહાવીરની, વિવેકાનંદ અને ગાંધીની યાદ અપાવે તેવાં નિવેદનો કરતા રહે છે. પણ પેલા ગોવાળિયા ટેંકના સત્યાગ્રહી બહેનને બાજુમાં ઊભેલા ખાદીધારી ગાંધીજન ઉપર જેટલો ભરોસો હતો એટલો ભરોસો તમને બેસે છે? નથી બેસતો, કારણ કે સંઘની શાખ જુદી છે. કથની અને કરણીમાં અંતર છે. ઉપર કહ્યા એવા ઋષિ મુનિ અને સંતોની યાદ અપાવનારાં એક બે નહીં સેંકડો નિવેદનો સંઘ પરિવારના નેતાઓએ કર્યા છે, પણ પ્રત્યક્ષ આચારણ જુદું હોય છે. ‘બંચ ઓફ થોટ્સ’ નામના પુસ્તકમાં ગોલવલકર ગુરુજી જે લખી ગયા છે એ મોહન ભાગવત કહે છે એના સામેના છેડાનું છે તો વિશ્વાસ કોના પર કરવો? ગોલવલકર ગુરુજીના અમુક અમુક વિચારો કાલબાહ્ય છે અથવા તો તે તેમનો અંગત અભિપ્રાય હતો અથવા સંઘે પોતાની વિચારધારા હવે બદલી છે એમ આજ સુધી કોઈએ કહ્યું નથી. ‘બંચ ઓફ થોટ્સ’ તેઓ છાપે છે અને વેચે છે. મોહન ભાગવત જે કહે છે એનાથી બિલકુલ સામેના છેડાના લેખો સંઘના મુખપત્રોમાં છપાતા રહે છે. ખાતરી કરી શકો છો.

દરેક વખતે ચૂંટણી જીતવા માટે જે તે મુદ્દો ચગાવીને કે સળગાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ પેદા કરવામાં આવે છે એ ક્યાં અજાણ્યું છે. લોકસભાની ગત ચૂંટણી વખતે વડા પ્રધાને મુસલમાનોનું નામ લઈને જે પ્રચાર કર્યો હતો એ તો તાજી ઘટના છે. “ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હોય તો સામંજસ્યપૂર્વકના સહઅસ્તિત્વનો ઉજ્વળ દાખલો ભારતે વિશ્વને આપતા રહેવું જોઈએ” એવો મોહન ભાગવતે આપણને જે બોધ આપ્યો એનાથી બિલકુલ વિસંગત પ્રચાર અને પ્રવૃત્તિ તેમનો પરિવાર કરે છે. મને યાદ નથી કે મોહન ભાગવતે ક્યારે ય કોઈને વાર્યા હોય કે ટપાર્યા હોય. ખેલ પૂરો થાય એ પછી ખેલદિલીની વાતો કરવાની, પણ ખેલ ખેલાતો હોય ત્યારે ગમે તે માર્ગ અપનાવવામાં આવે મૂંગા રહેવાનું. લોકસભાની ચૂંટણી પછી આપણને મોહન ભાગવતની મંગલવાણી સાંભળવા મળી હતી.

૧૯૯૨માં અયોધ્યા આંદોલન વખતે તે સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના નાના ભાઈ ભાઉરાવ દેવરસે વડા પ્રધાન નરસિંહ રાવને મળીને ખાતરી આપી હતી કે ચિંતા નહીં કરતા, આ માત્ર પ્રતીકાત્મક કારસેવા છે, મસ્જીદને હાથ લગાડવામાં નહીં આવે. ઉત્તર પ્રદેશના બી.જે.પી.ના મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહે સર્વોચ્ચ અદાલતને સોગંદનામું કરીને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં મસ્જીદની રક્ષા કરવામાં આવશે. પણ એ પછી ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨નાં રોજ જે બન્યું એ તમે જાણો છો. લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે મસ્જીદ તોડી નખાઇ એ તેમના લલાટ પર ન ભૂંસી શકાય એવું લાગેલું કલંક છે. મુરલી મનોહર જોશી જ્યારે મસ્જીદ તોડવામાં આવી ત્યારે રાજી થઈને હસતા હતા. એ પછી તરત જ યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ભા.જ.પ.ના પ્રચારનું સૂત્ર હતું; ‘જો કહા વહ કિયા.’

તો ગાંધીપરિવારથી ઊલટું સંઘપરિવારની આ શાખ છે. તેમણે જે વિચારધારા, જીવનમૂલ્યો અને અભિગમ અપનાવ્યાં છે અને આત્મસાત કર્યા છે એમાં સાધનશુદ્ધિ, ટેકીલાપણું, એકવાક્યતા, પારદર્શકતા નથી. સદ્દગુણ એ માણસની નબળાઈ છે અને સદ્દગુણ ઉપાસ્ય નથી એમ હિન્દુત્વવાદીઓના આદ્ય વિચારક વિનાયક દામોદર સાવરકર કહી ગયા છે. ગાંધીનો માર્ગ જુદો હતો. લોકો હિંસા કરે તો ગાંધીજી ઉપવાસ કરતા. તેમના કોઈ સાથીની શિથિલતા નજરે પડે તો ગાંધીજી પ્રાયશ્ચિત કરતા. પોતાના સગા પુત્ર મણિલાલ ગાંધીએ કરેલી ભૂલ માટે ગાંધીજીએ ઉપવાસ કરેલા.

એક એ પરિવાર હતો, એક આ પરિવાર છે. એક એ શાખ હતી, એક આ શાખ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2024

Loading

શું ઢોંગી સાધુઓ જ્યાં જાય ત્યાં અંધકાર ફેલાવતા નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|25 December 2024

શૈક્ષણિક સામયિકમાં ‘સાધુ’ના ગોળગોળ વખાણ કરવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગેરમાર્ગે દોરાય છે. લોકાભિમુખ નઈ તાલીમની કેળવણી દ્વારા સંતુલિત વિકાસ સાધવા પ્રયત્નશીલ સંસ્થા – ગ્રામદક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આંબલા દ્વારા ‘કોડિયું’ સામયિક પ્રસિદ્ધ થાય છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ / મનુભાઈ પંચોળી આદ્યતંત્રી રહ્યા હતા. હાલ તંત્રી ડો. અરુણ દવે છે અને સહતંત્રી ડો. દિનુ ચુડાસમા છે. 

15 ડિસેમ્બર 2024ના અંકમાં પેજ – 10/11 પર મોરારિબાપુનો લેખ છે : ‘સાધુ જ્યાં જાય ત્યાં અજવાળું લઈને જાય છે !’ આ લેખ સહતંત્રીએ સંકલિત કરીને મૂક્યો છે. 

આ લેખના મુખ્ય મુદ્દાઓ : 

[1] સાધુઓનો મહિમા આટલો બધો કેમ? કારણ છે પરહિત વૃત્તિ. સર્વોત્તમ કૃપા એ છે કે જ્યારે કોઈ સાધુ / સંત મળી જાય. 

[2] સજ્જન એ છે જે જાગી ગયો છે. સાધુ એ છે જે ઊઠી ગયો છે. સંત એ છે જે પરમાત્મા પાસે પહોંચી ગયો છે. 

[3] જે સાધુ થઈ જાય, તેનું અંતઃકરણ પરનિંદા, પરધન, પરદારને, પરવાદથી મુક્ત થઈ વિશુદ્ધ થઈ જાય. 

[4] સાધુ કોઈ વ્યક્તિનો અનાદર સહી લે છે ત્યારે એ પરમાત્મા તરફ ગતિ કરે છે. સાધુને કોઈ પાપી જ દેખાતું નથી. 

[5] સાધુ-સંત સહાનુભૂતિ જ નહીં, સમાનાભૂતિ કરે છે. તમને જ્યારે પીડા થાય ત્યારે સાધુને પણ પીડા થાય. આપણને દુઃખ આપણા માટે થાય છે, સાધુને દુઃખ બીજા માટે થાય છે. માલિક નહીં, માળી તે સાધુ. 

[6] સંસારિક વસ્તુઓનું મળવું એ પ્રારબ્ધનો ખેલ છે. પણ સંતનું મળવું એ બડભાગ છે. 

[7] સાધુનું જીવન સાદું, સારું, સાચું અને સૌની સામું હોય છે. જેના આચાર, વિચાર, ઉચ્ચાર સાચા હોય તે સાધુ. 

[8] સાધુનો સમાજ ગુરુના કોઠામાંથી પાકેલો વર્ણ, જાતિ, જ્ઞાતિથી મુક્ત સમાજ છે. 

[9] ઉદાસ માણસ પરમાત્માને ગમતો નથી. ધર્મગુરુ ઉદાસ હોય તો પરમાત્માને ગમતું નથી. હે સમાજ, સાધુને સાધન ન બનાવો સાધુ સમાજનું સાધ્ય છે. સાધુને જે દિવસે સાધન બનાવવામાં આવે તે દિવસે સંસ્કૃતિ પોક મૂકે છે. સાધુનો કોઈ ધર્મ નથી હોતો, સાધુ સ્વયં ધર્મ છે.”

મુદ્દા વાઈઝ વિશ્લેષણ જોઈએ : 

[1] ગુજરાતમાં એક એવો સાધુ બતાવો કે જે પરહિત વૃત્તિ ધરાવતો હોય. દરેક સાધુ / સ્વામિ / સંતે ભવ્ય આશ્રમો ઊભા કર્યા છે. લક્ઝરી કારમાં ફરે છે. સત્તાપક્ષને 5-5 કરોડની લાંચ આપે છે. સાધુઓ / સ્વામિઓ સેક્સઘેલાં બન્યા છે. અખબારોનાં પાનાં / ટી.વી.ના પડદે આવું જોવા મળે છે. પરહિત વૃત્તિ નહીં માત્ર સ્વહિત જોવા મળે છે. 

[2] ‘સંત એ છે જે પરમાત્મા પાસે પહોંચી ગયો છે’ આમ કહેવાનો અર્થ શો? શું કહેવાતા સાધુ / સંતોએ જ સત્તા ભોગવવા સંપ્રદાયો ઊભા કરેલ નથી? માણસને સાંપ્રદાયિક બનાવ્યો નથી?  

[3] સાધુઓ પરનિંદા, પરધન, પરદારને, પરવાદથી મુક્ત થઈ જતા હોય તો સુપ્રીમ કોર્ટ સુધી કેમ ઝઘડે છે? 

[4] ‘સાધુને કોઈ પાપી જ દેખાતું નથી’ આ સદ્દગુણ છે કે દુર્ગુણ? યૌન શોષણ કરનારા / અન્યાય કરનારા / ગુંડા / ભ્રષ્ટાચારીને પાપી ગણવાના હોય કે સજ્જન? 

[5] ‘આપણને દુઃખ આપણા માટે થાય છે, સાધુને દુઃખ બીજા માટે થાય છે.’ ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ બને છે / બાળકીઓ પર રેપ થાય છે / ગરીબો-મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે. હત્યારાઓને-બળાત્કારીઓને સરકાર જેલમુક્ત કરે છે; આ સ્થિતિમાં ગુજરાતના કોઈ સાધુએ મોં ખોલ્યું છે ખરું? કોઈ સાધુ / સ્વામિ / મુનિ / સંત / કથાકારોને દુ:ખ થયું છે? 

[6] ‘સંસારિક વસ્તુઓનું મળવું એ પ્રારબ્ધનો ખેલ છે’ આવી અંધશ્રદ્ધા શૈક્ષણિક સામયિકોમાં પીરસી શકાય? એ પણ સહતંત્રી ખુદ આવું પીરસે? 

[7] ‘સાધુનું જીવન સાદું, સારું, સાચું અને સૌની સામું હોય છે. જેના આચાર, વિચાર, ઉચ્ચાર સાચા હોય તે સાધુ’ આવો ઉપદેશ આપનાર મોરારિબાપુ ખુદ પોતાની તરફ નજર કરતા નહીં હોય? શું મોરારિબાપુએ સાદાઇ દાખવી છે? ભવ્ય કથા મંડપ કેમ? લક્ઝરી કાર લઈને ભિક્ષા માંગી શકાય? શું પ્લેનમાં કથા કરવાથી તુલસીદાસ તથા રામ રાજી થાય? 

[8] ગુજરાતનો એક સાધુ બતાવો જે વર્ણ, જાતિ, જ્ઞાતિથી મુક્ત હોય? શું સાધુઓના કારણે જ સમાજમાં વર્ણ, જાતિ, જ્ઞાતિ ટકેલાં નથી? 

[9] ‘ધર્મગુરુ ઉદાસ હોય તો પરમાત્માને ગમતું નથી’ શું આ અંધશ્રદ્ધા નથી? કોણે પરમાત્માને જોયો છે? પરમાત્મા વતી વાત કરનારા ઢોંગી હોય છે. કેટલાક સંતો પ્રગટ બ્રહ્મસ્વરુપનો ઢોંગ કરતા નથી? માની લઈએ કે સાધુને પરમાત્મા સાથે ડાયરેક્ટ કનેક્શન છે, તો સમાજમાં આટલો અનાચાર / લૂંટ / ઠગાઈ / વિશ્વાસઘાત / યૌન શોષણ / ભ્રષ્ટાચાર કેમ? ગરીબો / વંચિતો સાથે ભેદભાવ કેમ? સમાજમાં આટલી નફરત / ધૃણા કેમ? શાસકો આટલાં નકટાં / નફ્ફટ કેમ? શું ઢોંગી સાધુઓ જ્યાં જાય ત્યાં અંધકાર ફેલાવતા નથી?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તાજમહાલ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion|25 December 2024

કનુભાઈ અને રમાબહેનને લગ્ન જીવનને, દામ્પત્ય જીવનને પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં. રમાબહેને કહ્યું, “સાંભળો છો ?” “હા, બોલ. તારે શું વાત કરવી છે ?” “મારી ઈચ્છા છે કે આપણા લગ્નજીવનને પચાસ વર્ષ પૂરાં થાય છે, એ દિવસને આપણે પ્રેમના પ્રતીક એવા તાજમહાલની સાનિધ્યમાં ઉજવીએ તો?” “તારો વિચાર સારો છે. દુનિયા આખીમાં તાજમહાલ એ શાહજહાં અને મુમતાઝ બેગમના પ્રેમનું પ્રતીક સ્મારક ગણાય છે. આપણે ચોક્કસ ત્યાં જવાનો પ્રોગ્રામ કરીએ.” અને આગ્રામાં સારી હોટલ `હેવન`માં બુકીંગ પણ કરાવી નાખ્યું.

કનુભાઈ અને રમાબહેન આગલા દિવસે આગ્રા પહોચી ગયાં. જોગનુંજોગ તેમની બાજુની રૂમમાં એક તાજું પરણીત યંગ કપલ આવ્યું હતું. કનુભાઈ અને રમાબહેન રૂમની બાલ્કનીમાં બેઠાં બેઠાં આગ્રાનો નઝારો માણતાં માણતાં વિતેલા જીવનની ખાટી મીઠી વાતો વાગોળી રહ્યા હતાં, પણ બાજુની રૂમની બાલ્કનીમાં બેઠેલું કપલ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતું. રમાબહેને આ જોઈને કહ્યું, “આ મોબાઇલે જીવનની ઘણી મહત્ત્વની ક્ષણો છીનવી લીધી છે. આટલાં સરસ વાતાવરણને એન્જોય કરવાના સમયે મોબાઈલમાં સમય પસાર કરે છે.” આ વાત સાંભળી કપલ રૂમમાં ચાલ્યું ગયું. “તારે એવી વાત નહોતી કરવી જોઈતી, એ લોકોને ખરાબ લાગ્યું હશે.” “પણ, મેં ક્યાં કંઈ ખોટું કહ્યું છે.” “તારી વાત સાચી છે પણ સૌને જીવન જીવવાના તરીકા અલગ હોય છે. એ પ્રમાણે જીવન જીવતા હોય છે.”

બીજે દિવસે તાજમહાલના પરિસરમાં ફરતાં ફરતાં એ જ બાજુના રૂમવાળાં કપલનો ભેટો થઈ ગયો. રમાબહેને કહ્યું, “મને માફ કરજો. મારો ઈરાદો તમારા દિલને ઠેસ પહોંચાડવાનો નહોતો.” “ના, આંટી અમને કંઈ દુઃખ નથી થયું. આમે ય આ અમારી પતિ, પત્ની તરીકેની છેલ્લી મુલાકાત છે.” “એવું કેમ, બેટા? તમારા લગ્નેને કંઈ બહુ ઝાઝો સમય થયો લાગતો નથી. અમે તો અમારી પચાસમી લગ્નજીવનની વર્ષગાંઠ આ પ્રેમના પ્રતીક એવા તાજમહાલના સાનિધ્યમાં ઉજવવા આવ્યાં છીએ.”

“અંકલ, આંટી તમારા લગ્ન જીવનને પચાસ વર્ષ પૂરાં થયાં? માન્યમાં ન આવે એવી વાત છે.”

“પણ, બેટા આ નક્કર હકીકત છે અને અમે પુરાવા રૂપે તારી સામે છીએ. તમારે આટલા ટૂંકા સમયમાં શું થયું કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે?” “અંકલ, હું ને રાખી પાંચ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં. અમારો વિચારો મળતા બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં. પણ, હવે એવું લાગે છે અમે લગ્ન કરવામાં ઉતાવળ કરી નાખી છે. અમારા વિચારો નથી મળતા એટલે અમે હવે સાથે રહી શકીએ એમ નથી, એવું લાગતા છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.”

“મને એક વાતનો જવાબ આપીશ. તમે બંને રિલેશનશીપમાં હતા, ત્યાં સુધી વિચારો મળતા હતા, એટલે તમે લગ્ન કર્યા. પણ, પછી લગ્નજીવનની જવાબદારી, સામાજિક જવાબદારી ઊભી થતાં, તમારા વિચારો મળતા બંધ થઈ ગયા. હકીકતમાં તમારી વચ્ચે પ્રેમનું નહીં પણ શારીરિક આકર્ષણ હતું. તેનો ઉન્માદ ઉતરી જતા તમે એક બીજાથી વિમુખ થઈ ગયાં અને બંધનમાંથી છૂટવા માટે વિચારોના મતભેદનું બહાનું આપી દીધું. મારી વાત સાચી છે ને? નિરાંતે, બંને એકલા બેસીને વિચારી જો જો …”

“તને આશ્ચય થાય છે ને? અમારા પચાસ વર્ષના માથેરાન લગ્નજીવન માટે. પણ, અત્યારે તમારા સમયમાં છે એવું અમારા સમયમાં નહોતું. તમે પ્રથમ પાંચ વર્ષ રિલેશનશીપમાં રહ્યા અને પછીના બે વર્ષ સાથે રહ્યાં, તો પણ, એક બીજાને ન સમજી શક્યાં, કારણ કે તમારા જીવનમાં મુખ્ય પ્રેમતત્ત્વ જ ગાયબ છે. તમારી વચ્ચે પ્રેમ જેવું કંઈ હતું જ નહીં. જ્યારે અમે તો લગ્નની પ્રથમ રાત્રીએ મળ્યા … તે બરાબર .. સાંભળ્યું છે .. અને એક-બીજાને સમર્પિત થઈ આ પચાસવર્ષના ઘેઘુર વડલા જેવું દામ્પત્યજીવનનું વૃક્ષ ઊભું કર્યું છે. અમે ક્યારે ય વિચારો નથી મળતા કે હવે અમે સાથે નહીં રહી શકીએ, એ બાબતે વિચાર્યું જ નથી … અને આ … જ … અમારા લાંબા લગ્ન જીવનનું રહસ્ય છે.”

“તમારી બીજી એક વાત ન સમજાણી. તમે છૂટાછેડા લેવાનું નક્કી કર્યા પછી પણ છેલ્લી મુલાકાત આ પ્રેમના પ્રતીક એવા તાજમહાલના સાનિધ્યમાં ગોઠવી એટલે મને તો એમ લાગે છે, કે તમારા હૃદયમાં એક ખૂણે પ્રેમનું બીજ પડેલું છે, તેને તમે આવા વાહિયાત બહાનાનું પાણી પાઈને અંકુરિત નથી થવા દીધું … વિચારી જો .. જો … એક બીજાનાં ગુણો શોધી તેનો ગુણાકાર કરજો અને દોષો મળે તો ભાગાકાર કરજો. પ્રેમનું બીજ ચોક્કસ અંકુરિત થશે.”

સવારમાં કનુભાઈના રૂમનો ડોરબેલ વાગ્યો. કનુભાઈ અને રમાબહેન તો પાછા ફરવાની તૈયારી કરીને બેઠાં હતાં. કનુભાઈએ બારણું ખોલ્યું, સામે રાખી અને ઉદય ઊભા હતા. “આવો, અંદર આવો.” “શું! અંકલ પાછા ઘરે જવાની તૈયારી કરી લીધી?” “હા, બેટા, અમારું લક્ષ પૂરું થયું. પચાસમાં લગ્ન દિવસની ઉજવણી આ અમારી વચ્ચે છે એવા પ્રેમના પ્રતીક પાસે કરવી હતી એ અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ, એટલે આજે પાછાં જઈએ છીએ.” “તમે ક્યાં જાવ છો?”

અંકલ, કાલે તમારી સાથે વાત થયા પછી મેં અને રાખીએ તમારી વાત ઉપર ચર્ચા કરી, વિચાર વિમર્શ કર્યો અને એક બીજાના મતભેદ અને વિચારો નહીં મળવાનાં કારણો શોધ્યાં, તો અંકલ, અમને ક્યાં ય છૂટાછેડા લેવાનું કારણ જ ન મળ્યું. હકીકતમાં એમ લાગ્યું કે અમારો છૂટાછેડા લેવાનો નિર્ણય ઉતાવળિયો છે.”

“બસ, બેટા, આવું જ મોટા ભાગના છૂટાછેડાના કેસમાં બને છે અને પછી ઈગો આડે આવે અને પરિસ્થિતિ બગડીને હાથમાંથી નીકળી જાય છે”.

“તો, પછી તમે ક્યાં નિષ્કર્ષ ઉપર આવ્યા?”

“આ પ્રેમના પ્રતીક તાજમહાલની સાક્ષીએ છૂટાછેડા નહીં લેવાનું નક્કી કર્યું છે અને આજે તમારે રોકાઈ જવાનું છે. અમે એક નાનકડી પાર્ટી, અંકલ, આંટી, રાખી અને હું-ની હાજરીમાં રાખી છે. આપણે ચાર જણાં તાજમહાલને રાતની રોશનીમાં નિહાળતા નિહાળતા એન્જોય કરીશુ”….

“ચોક્કસ, બેટા, અમે આવીશું. રમા આજનો જવાનો પ્રોગ્રામ કેન્સલ.” અને રૂમ આઠ હાથની તાળીઓના ગગડાટથી ગુંજી ઊઠ્યો….

ભાવનગર, ગુજરાત.
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...311312313314...320330340...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved