સાંજનો કે સવારનો સૂર્ય
માંદલો ફિક્કોફસ ઊગે / આથમે દિલ્હીમાં
જ્યાં કોઈ ને કોઈની સત્તાનો સૂર્ય
કદી આથમતો નથી.
અંકલેશ્વરના હવાપ્રદૂષણથી થાકીને ગયાં હરિદ્વાર
તો ત્યાં ય એ જ હાલહવાલ
અંકલેશ્વર કે દિલ્હી,
ભરૂચ કે કાનપુર,
નર્મદાનગર કે હરિદ્વાર,
ઘરમાં કે ઘરબહાર,
એક જ નાવમાં સવાર
ગોળગોળગોળ ફરીફરીને
છેવટ સામે એનું એ જ –
છલકાતી કચરાટોપલી
આરસપહાણની ફરસ પર હોય
કે ગાર લીંપેલ ફળિયે,
કચરાનો નિકાલ ક્યાંક કે ક્યાંક થવાનો
આની આ જ ધરતીની છાતી પર!
શ્વાસ ઘડીભર રોકી લઉં
કે ઊંડા શ્વાસ લેવાની કરું મથામણ
પૃથ્વી નામે આ બંધ ઓરડે
ગમે ત્યાં આની આ, આની આ
આની આ જ-
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ — 392 015
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 14
![]()


જ્યાં સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં બીજા અનેક સહિત ઝીણાની તસવીરનો સવાલ છે, આપણે વાઈસ ચાન્સેલર તારીક મનસૂર સાથે એક અર્થમાં ચોક્કસ જ સંમત થઈ શકીએ કે આ એક નહીંમુદ્દો (નૉનઇશ્યુ) છે. આ વિગતમુદ્દો મૂળગતપણે નકો નઠો એટલા વાસ્તે છે કે વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન વખતોવખત આમંત્રણ આપતું રહ્યું છે, અને માનદ સભ્યપદનું સન્માન પણ એમને અપાતું રહ્યું છે. સ્વરાજ પહેલાંથી એ સૌની તસવીરો યુનિવર્સટીમાં મુકાતી રહી છે – ગાંધી, નેહરુ તેમ ઝીણા પણ એ પૈકી છે.