Opinion Magazine
Number of visits: 9686068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કારેલું કારેલું … મોતીડે વઘારેલું …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|13 July 2018

હૈયાને દરબાર

આ ગીતમાં ગૂઢ વિષયાસક્તિ, સૌંદર્યમંડિત કામુકતા છે, પરંતુ એ જે રીતે અભિવ્યક્ત થઈ છે

વનગરની કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક, ઉમાશંકર જોશી એવૉર્ડ સહિત અનેક એવૉર્ડ્ઝ જેમને મળેલા છે એ તથા આ લખાઈ રહ્યું છે ત્યારે જ કલાપી એવૉર્ડ આ વર્ષે (2018) જેમના નામે જાહેર થયો એ કવિ વિનોદ જોશી સાથે ગોષ્ઠિ તથા એમનાં ગીતોની પ્રસ્તુિતનો એક સુંદર, ઔચિત્યપૂર્ણ કાર્યક્રમ ગયા મહિને ભારતીય વિદ્યાભવનમાં યોજાઈ ગયો. કલાપી એવૉર્ડની જાહેરાતને પગલે અનાયાસે આ લેખ પણ પ્રસ્તુત બની ગયો એટલે સૌપ્રથમ તો કવિને આપણા સૌ તરફથી અઢળક શુભેચ્છાઓ.

વાત કરીએ કાર્યક્રમની તથા વિનોદ જોશીનાં ગીતોની. શ્રદ્ધા શ્રીધરાણી અને જાહ્નવી શ્રીમાંકર દ્વારા વિનોદ જોશીનાં ગીતોની પ્રસ્તુિત કરવામાં આવી હતી. જાહ્નવીને કંઠે પહેલી જ પ્રસ્તુિત થઈ કારેલું કારેલું મોતીડે વઘારેલું ગીતની. પહેલી નજરે રમતિયાળ લાગતા આ ગીતને ધ્યાનપૂર્વક સાંભળ્યું તો એના એક એક પડમાંથી જુદા જુદા અર્થ પ્રગટવા લાગ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન પછી તો વિનોદભાઈની રસપ્રચૂર વાતો અને તેમનાં ગીતોમાં દર્શકો ભીંજાતા ગયા. ફક્ત બે જ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે ‘અનપ્લગ્ડ’ કહી શકાય એ પ્રકારનો કાર્યક્રમ કરવાનો સરસ વિચાર કમલેશ મોતાનો હતો. યુવા પેઢીને આકર્ષવા આવા પ્રયોગો આવકાર્ય છે, ખાસ તો સાહિત્યિક મૂલ્ય ધરાવતા કાર્યક્રમોમાં. સાહિત્યિક કાર્યક્રમની ગરિમા જળવાય એવી સુંદર રજૂઆત હતી.

વિનોદ જોશીની સાચી ઓળખ છે એમની કવિતા, એમનાં ગીતો. એમનાં લગભગ દરેક ગીતમાં નારી સંવેદના બહુ સૂક્ષ્મ રીતે પ્રગટે છે. ભાવનગરના આ કવિ ખરા અર્થમાં ‘ભાવ’ના કવિ છે. એમનો ભાવ બધી રીતે ઊંચો છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં જ કહેવાય. વિનોદ જોશીનાં ગીતો સાંભળવામાં તો કર્ણપ્રિય છે જ પણ તમે એ ગીતને અડકી શકો, તાદૃશ જોઈ શકો એટલાં સહજ-સ્વાભાવિક-સુરેખ છે. ગતાંકમાં આપણે જેની વાત કરી હતી એ ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી … ગીત કેટલું બધુ મુખર, લાઉડ હતું જ્યારે આજના ગીતમાં પણ ગુલાબજાંબુ અને કારેલાં જેવી વાનગીની વાત આવે છે પણ બન્ને ગીતોનાં ભાવસંવેદનમાં આસમાન-જમીનનો ફરક છે. કારેલું … ગીતમાં ગૂઢ વિષયાસક્તિ, સૌંદર્યમંડિત કામુકતા છે, પરંતુ એ જે રીતે અભિવ્યક્ત થઈ છે એ માટે કવિને સલામ કરવી પડે. આ ગીતમાં નાયિકાની નજાકત તો જુઓ! આંજું રે હું આંજું, ટચલી આંગળીએ દખ આંજું, નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું …! કાવ્યનાયિકા કેવી નાજુક-નમણી રમણી છે, જે નખમાં ઝીણાં ઝાકળબિંદુ લઈને હથેળીને માંજી શકે છે!

આ એ કવિ છે જે આંસુને શણગારી શકે છે ને શણગારેલા આંસુને સારી પણ નાખે છે. કવિતા પોતે બહુ મોટી ચેલેન્જ છે. ભાષાના માધ્યમથી એ આપણી પાસે આવે છે. કવિએ એને બરાબર સેવી છે. તો જ આવા હૃદયસ્પર્શી શબ્દો ઊતરી આવેને! ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ અહીં યાદ આવે છે. સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક …! કવિની કલમથી ઊતરતાં કાવ્યને તિલક કરવાનું કામ કરે છે સંગીતકાર. ગીતને સુંદર વાઘાં પહેરાવીને, શણગાર સજાવીને સ્વરકાર મેનીક્વિન એટલે કે ગીતને ડિસ્પ્લે કરનાર ગાયક કલાકારને પહેરાવે છે, સમર્પિત કરી દે છે પછી એ ગીત ગાયકનું બની જઈને આપણા સૌ સુધી પહોંચે છે.

કારેલું .. .ગીતને સંગીતના સૂર દ્વારા તિલક કરનાર સંગીતકાર-ગાયક સુરેશ જોશી આ ગીત વિશે સરસ વાત કરે છે. તેઓ કહે છે, "લગભગ વીસેક વર્ષ પહેલાં આ ગીત મેં સ્વરબદ્ધ કર્યું હતું. એ જ સમયગાળામાં વિનોદ જોશીનાં મેં કમ્પોઝ કરેલાં અન્ય બે ગીતો રે વણઝારા … અને કાચી સોપારીનો કટ્ટકો … ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. દરમ્યાન આ ગીત મારા હાથમાં આવ્યું અને પહેલી નજરે ગમી ગયું. સ્ત્રી-પુરુષના નાજુક સંબંધોની વાત આ ગીતમાં નજાકતપૂર્વક થઈ છે. ગુલાબજાંબુ જેવું ગમતું પાત્ર ધારેલું ન નીકળે ત્યારે એ કારેલું બની જાય છે. નાયિકાની ફરિયાદ છે કે એને તો સોના વાટકડીમાં સરવરિયાં પિરસવાનાં ઓરતાં હતાં પણ કશુંક બન્યું એવું કે ડૂમો આંસુ થઈને વરસી ગયો ને સોના વાટકડીમાં આંસુ જ પિરસાયાં. પ્રિયતમ તરફથી જોઈએ એવો પ્રતિભાવ ન મળતાં નાયિકાની અતૃપ્તિની પરાકાષ્ઠા છેલ્લા અંતરામાં આવે છે : આંધણ ઓરું અવળાં સવળાં, બળતણમાં ઝળઝળિયાં, અડખે પડખે ભીના ભડકા, અધવચ કોરાં તળિયાં …!

પહેલાં મોઘમ બોલતી નાયિકા છેલ્લે ખુલી જાય છે છતાં એની ભીતરમાં તો ઘણું ભંડારેલું જ છે એ દર્શાવીને કવિએ કમાલ કરી છે. આજ ગીત પર વધારે કામ કરીને રેખા ત્રિવેદીના ‘સખીરી’ આલબમમાં અમે સમાવ્યું. રેખાબહેને પણ ખૂબ સરસ રીતે બહેલાવ્યું છે આ ગીતને. આમ, ધીમે ધીમે લોકપ્રિય થઈ રહેલું આ ગીત હવે તો બીજા ઘણા કલાકારો ગાય છે. "ભવન્સમાં આ ગીત જાહ્નવી શ્રીમાંકરે એની આગવી શૈલીમાં સુંદર રીતે પ્રસ્તુત કરીને સરસ સમા બાંધી દીધો હતો. કવિતાનાં શબ્દે શબ્દે નારી સંવેદનાનાં રહસ્યો પ્રગટતાં જાય એવી લાજવાબ અભિવ્યક્તિ છે. કારેલું અને ગુલાબજાંબુ વિશે પહેલેથી જ કંઈ ધારી લો અને ગીતના હાર્દ સુધી પહોંચો નહીં તો એક સ-રસ ગીત સાંભળવાની તક તમે ગુમાવી દો. સંગીતકાર-ગાયક આશિત દેસાઈએ પણ આ ગીત સ્વરબધ્ધ કર્યું છે. બેમાંથી જે સ્વરાંકન મળે એ સાંભળી લેવા જેવું છે.

http://gujaratigazal.com/?p=2846

ભવન્સ કાર્યક્રમમાં સ્પર્શી ગયેલું અન્ય ગીત હતું, રે વણઝારા …! વિનોદ જોશીના શબ્દ, સુરેશ જોશીનું સ્વરાંકન અને શ્રદ્ધા શ્રીધરાણીનો મધુર કંઠ. ગ્રામ્ય પરિવેશ ધરાવતા સુંદર બેકડ્રોપ સાથેના માહોલમાં રેગિસ્તાનનું ચિત્ર ઊપસી રહ્યું હતું. સુંદર-લાંબા કેશ ધરાવતી નાયિકાનો એક સોનેરી વાળ તૂટી ગયો ત્યારે વણઝારાના સંદર્ભે પોતાના નાયકને સંબોધીને નાયિકા મીઠી ફરિયાદ કરે છે કે તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ, મને બદલામાં વેણી લઈ આપ, રે વણઝારા …!

સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલાં ગીતો સરળ, સહજ, મધુર અને પ્રસન્નકર હોય છે. ભાવનગરના વિનોદ જોશી જેમ ભાવના કવિ છે એમ સ્વરકાર સુરેશ જોશી ભાવોર્મિના સંગીતકાર છે. લાગણીની ભીનાશ એમનાં સ્વરાંકિત ગીતોમાં હંમેશાં અનુભવાય. રે વણઝારા … ગીતમાં સ્ત્રીની ઊર્મિ પરાકાષ્ઠાએ છે. હળવે હળવે એક એક ઈચ્છા, અભિપ્સા વ્યક્ત કરતી નાયિકા છેવટે પ્રિયતમ પાસેથી સર્વસ્વ ઝંખે છે. સ્ત્રી પોતાનું સમગ્ર અસ્તિત્વ એના પુરુષને સોંપી દે તો પુરુષ તરફથી શા માટે ઓછું પામવાનું? એટલે જ નાયિકા એક સ્થાને કહે છે :

પાથરણા આપું તને, આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળાં …
તારા ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,

મને બદલામાં ટહુકો લઇ આપ … જેવી પંક્તિઓમાં ગર્ભિત ઈરોટીઝમ છે પણ એ ક્રૂડ નથી લાગતું. છેવટે તો સ્ત્રીની માતૃત્વની ઝંખના જ અહીં અભિપ્રેત હોય એવું લાગે છે.

https://www.youtube.com/watch?v=Ta6iGBUcCxg

સૌથી પહેલાં મીનાક્ષી શર્મા સાથે સુરેશ જોશીએ આ ગીત રેકોર્ડ કર્યું હતું એ પછી પુરુષોત્તમ ઉપાધ્યાયના એક આલબમમાં એમની દીકરીઓ વિરાજ-બીજલે પણ ગાયું.

કવિ પોતે પોતાની રચનાઓ સંદર્ભે કંઈ કહેવાનું મુનાસિબ નથી માનતા. એમણે તો કવિતા આપણને સમર્પી દીધી છે. ઈચ્છો એવું અર્થઘટન કરી શકો. આ બન્ને ગીતો હવે અમે તમને આપી દીધાં. યુ ટ્યુબ પર સાંભળવાનું ચૂકતા નહીં. અને હા, વિનોદ જોશીની કવિતાનો કેફ મન પર સવાર જ છે. આવતા અંકે એમના અન્ય એક અદ્દભુત ગીત સાથે ફરી મળીશું.

સૌજન્ય “: ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 જુલાઈ 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=414120

Loading

આજે, અર્થાત્ આષાઢસ્ય પ્રથમ દિવસે, વિરહી યક્ષે મેઘને દૂત બનાવીને પ્રિયાને સંદેશો મોકલ્યો હતો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 July 2018

કાલિદાસનું ‘મેઘદૂત’ પ્રણય અને શૃંગાર, કલા અને સૌંદર્ય, પ્રકૃતિ અને પ્રવાસનું રોમહર્ષક કાવ્ય છે. રજનીકુમાર પંડ્યાએ ચિત્રો અને સંગીત સાથે તૈયાર કરેલી તેની લોકભાગ્ય આવૃત્તિ ઘરેણાં જેવું પુસ્તક છે.

ટ્વિટર પળવારમાં વાતને દુનિયાભરમાં પહોંચાડતું હોય તેવા જમાનામાં પણ ધીમા ઢાળનાં શ્લોકોમાં લખાયેલાં કાલિદાસના પ્રણયકાવ્ય ‘મેઘદૂત’ની સાહિત્યપ્રેમીઓ પરની મોહિની ઓસરતી નથી. તે એક વિખૂટા પડી ગયેલાં પ્રેમીનું કાવ્ય છે. પ્રાચીન કાળમાં, એક વર્ષ માટે પ્રેયસીથી વિખૂટો પડેલો અત્યંત વિરહી યક્ષ, આષાઢ માસના પહેલા દિવસે ચોમાસાના વાદળને દૂત બનાવી, બહુ જ દૂર રહેતી  પ્રિયતમાને પ્રેમ-સંદેશો મોકલે છે. વાદળ પ્રેમીનો મેસેન્જર બને એ કલ્પના પોતે જ ઝકઝોળી દેનારી છે. વળી આ કલ્પના અસાધારણ કાવ્યકલા સાથે જોડાય છે. તેમાં ઉમેરાય છે ‘કસક અનજાની’ પેદા કરનાર શૃંગાર અને નારીસૌંદર્યનાં વર્ણન, પ્રદેશો, પ્રકૃતિ અને સંસ્કૃિતનું આહ્લાદક ચિત્રણ.

વૉટ્સઍપના દિવસોમાં ય દેશમાં સેંકડો રસિકો એવા હશે કે જે દોઢ-બે હજાર વર્ષ પહેલાં રચાયેલાં ‘મેઘદૂત’ને આજે, એટલે કે આષાઢસ્ય પ્રથમ દિવસે, કોઈ ને કોઈ રીતે યાદ કરતાં હોય. અનુષ્ટુપ છંદના એકસો અઢાર શ્લોકોના આ રમણીય કાવ્યને દેશ અને દુનિયાના કવિઓ, અનુવાદકો  પોતપોતાની ભાષામાં લઈ ગયા છે. ગુજરાતીમાં જ ગઈ એકાદ સદી દરમિયાન તેના ત્રેવીસ પદ્ય અનુવાદો થયા છે, તેમાંનો સહુથી હમણાંનો 2002ના વર્ષનો છે! જયન્ત પંડ્યાનો આ અનુવાદ, કે ન્હાનાલાલ તેમ જ  કિલાભાઈ ઘનશ્યામે  કરેલા અનુવાદ હોય, એ ત્રણેયના અનુષ્ટુપ વાંચવામાં આનંદ આનંદ પડી જાય છે.

એવો આનંદ સહેજ જુદા માધ્યમે આપણા વરિષ્ઠ નવલકથાકાર અને ફિલ્મ-અભ્યાસી રજનીકુમાર પંડ્યાને પડ્યો હતો. તેમણે 1945માં બનેલી હિન્દી ફિલ્મ ‘મેઘદૂત’માં જગમોહને ગાયેલું ‘ઓ બરસા કે પહેલે બાદલ, મેરા સંદેસા લે જાના …’ સાંભળ્યું, ત્યાર બાદ તેમના સાહિત્યરસિક શ્રેષ્ઠી મિત્ર નવનીતલાલ શાહે ‘કિલાભાઈના મેઘદૂત’ના અનેક શ્લોકો તેમને સંભળાવ્યા. પછી જાણે તેની ભૂરકી હેઠળ રજનીકુમાર પંડ્યાએ ‘મેઘદૂત’ની ચિત્રો અને સંગીતથી સમૃદ્ધ આવૃત્તિ તૈયાર કરી, જે ગુજરાતી પુસ્તકવિશ્વનું એક ઘરેણું છે. વાસુદેવ સ્માર્ત અને કનુ દેસાઈ સહિત અનેક ચિતારાઓનાં ચિત્રો તેમ જ એસ.એમ. ફરીદની તસવીર કળા તેમાં છે, વાચકને ન્યાલ કરી દેનારું બીજું ઘણું ય અહીં છે. પુસ્તકની અંદરની બે કૉમ્પૅક્ટડિસ્ક(સી.ડી.)માં પ્રફુલ્લ દવેએ આશિત દેસાઈના સંગીત નિર્દેશનમાં મેઘદૂતનાં ગુજરાતી પદ્યોનું ગાન કર્યું છે. તેની વચ્ચે આવતાં સરસ વિવરણ(કૉમેન્ટરિ)નું લેખન ખુદ રજનીકુમારે કર્યું છે, અને તેનું ભાવવાહી વાચન (વૉઇસ-ઓવર) વિદ્યુલ્લતા ભટ્ટે કર્યું છે. પુસ્તક નિર્માણની આખી ય ટુકડી મેઘદૂતને ‘પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાના એક પ્રયાસ’માં સફળ છે.

‘મેઘદૂત’ના પાંચ ભાષાઓના અનુવાદોની ગૌતમ પટેલે સંપાદિત કરેલી આવૃત્તિ પણ વાસુદેવ સ્માર્તનાં લાઇન ડ્રૉઇન્ગ્સ  અને વિનોદ પટેલનાં  મિનિએચર પેઇન્ટિન્ગ્સથી ઓતપ્રોત છે.વાસુદેવભાઈ લખે છે: ‘મેઘદૂતમાં શ્લોકે શ્લોકે મેઘ, એની ગતિ, રીતિ વગેરેનું સૂક્ષ્મ વર્ણન છે. મેઘ જ આ કાવ્યનો આત્મા છે. આ આવૃત્તિ માટે મેં સેંકડો વાદળોનાં રેખાંકનો કર્યાં. એકસો વીસ શ્લોકોમાં લગભગ સિત્તેર-એંશી પ્રકારનાં વાદળો, પાણીનાં જુદાં વમળો, ગતિ દર્શાવ્યાં છે.’ ચિત્રની જેમ નૃત્યની શૈલીઓમાં મેઘદૂતનું અત્યારના સમયમાં પણ અનેક વાર નિર્માણ કરનાર કલાકારોની યાદી ઘણી લાંબી થઈ શકે. તે જ રીતે જર્મન, અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં ‘મેઘદૂત’ પર ખૂબ લખાયું છે. તે બધામાં કાલિદાસનાં મંત્રમુગ્ધ કરનારાં વર્ણનોની ખાસ વાત છે.

મેઘના પ્રવાસનું વર્ણન એક રીતે આ કાવ્યનું હાર્દ છે એ છે. બાદલ યક્ષનો સંદેશ લઈને પ્રવાસ કરે છે. યક્ષ મહારાષ્ટ્રનાં નાગપુર પાસે આવેલાં રામગિરિનાં આશ્રમોમાં દુ:ખી થઈને સમય વીતાવી રહ્યો છે. કૈલાસ પર્વત પર આવેલી અલકાનગરીના મૂળ નિવાસી યક્ષને તેના સ્વામી કુબેરે ફરજચૂક બદલ એક વર્ષ માટે તેની પત્નીથી દૂર રહેવાનો  શાપ આપ્યો છે. તેનો દૂત એવો મેઘ રામગિરિથી ઊપડે છે. માર્ગમાં એ વરસતો અને ડુંગરો પર પોરો ખાતો રહે છે, નદીઓને પ્રેમ કરતો અને નગરોના વૈભવ-વિલાસ  જોતો  જાય છે. તેની સંગિની છે વીજળી. હમસફર છે ક્યારેક ચાતકો તો ક્યારેક માનસરોવરે જતાં રાજહંસો. માર્ગમાં કેટલાં ય સૌંદર્યસ્થાનો છે : યવતમાળ, વિંધ્યાચળ, રેવા નદી, દશાર્ણ (છત્તીસગઢ) વેત્રવતી નદી અને વિદિશા, કાલિદાસની કર્મભૂમિ ઉજ્જયિની પછી માળવાની અવન્તી નગરી, ક્ષિપ્રા-નિર્વિન્ધ્યા-ગંભીરા નદીઓ, દેવગિરિ પર્વત અને ચર્મણ્વતી (ચંબલ) નદી અને તેના કિનારાનું દશપુર, બ્રહ્માવર્ત (બિઠૂર, ઉત્તર પ્રદેશ), કુરુક્ષેત્ર, કનખલ (હરદ્વાર), મંદાકિની, હિમાલય, કૈલાસ અને જાણે તેના ખોળામાં વિલસતી અલકાનગરી. આ દેશની ભૂગોળની સાથે કાલિદાસ તેના પર્યાવરણનો પણ જાણતલ છે. એટલે તે કુદરતનાં બહુદા તમામ રૂપો અદ્દભુત રીતે ચીતરે છે. આપણે જે મોટાં પાયે ગુમાવતાં જઈએ છીએ તે બધાંનો જાદુ કાલિદાસે બતાવ્યો છે: ડુંગરો, નદીઓ, વૃક્ષો, ફૂલો, પક્ષીઓ, કલરવ, કેકારવ, સૂર્યપ્રકાશ અને ચાંદની, પહેલાં વરસાદે માટીની મહેક. પ્રકૃતિની સાથે કાલિદાસ સંસ્કૃિતને પણ જાણે છે. આખા ય રસ્તે આવતાં નગરોનાં જીવનની ઝલક તે આપે છે. તેમાં મંદિરો અને મહાલયો બંનેમાં લોક રમમાણ છે, ભક્તિ સાથે ભોગને છોછ વિનાનું સ્થાન છે. સૌંદર્ય અને શૃંગારનાં માદક વર્ણનો છે.

શૃંગાર ‘મેઘદૂત’નો મુખ્ય રસ છે. અલબત્ત, કાલિદાસ કામચેષ્ટાઓનાં પૂરાં કદનાં શબ્દચિત્રો નહીં, પણ ઘાટા ઉત્તેજક પટ્ટા જ દોરે છે.બુદ્ધદેવ બસુ એ મતલબનું વિવરણ કરે છે કે ‘ભોગવંચિત યક્ષને આખુંય વિશ્વ કામમય લાગે છે…. સંપૂર્ણપણે અ-યૌન હોય તેવા શ્લોકની સંખ્યા અતિઅલ્પ છે.’ અનેક પ્રકારની નારીઓના દૈહિક પ્રેમનાં સૂચનો સાથેનાં  ઉલ્લેખો છે. પશુ-પંખીની કામભાવનાના નિર્દેશો છે. નદીનાયિકાની મેઘનાયક તૃપ્તિ કરે છે. બસુ કહે છે : ‘…કામનું આવું વિશ્વરૂપ બીજા કોઈ કાવ્યમાં જોવા મળતું નથી.’

કાલિદાસના જીવનની ઘટનાઓની રીતે ‘મેઘદૂત’નું એક રસપ્રદ અર્થઘટન કરીને મોહન રાકેશે શ્રેષ્ઠ હિન્દી નાટક ‘અષાઢ કા એક દિન’ લખ્યું છે. તેમાં કાલિદાસ હિમાલયની તળેટીમાં આવેલાં તેનાં મૂળ ગામને અને પ્રિયતમા મલ્લિકાને છોડીને ઉજ્જયિનીમાં આવીને સાહિત્યકાર તરીકે નામના મેળવે છે, ત્યાંની લાવણ્યવતી પ્રિયંગુમંજિરી સાથે લગ્ન કરે છે. તરછોડાયેલી મલ્લિકા રૂપજિવીની બનવા મજબૂર થાય છે. કાલિદાસને અપરાધબોધ થાય છે. રાકેશ લખે છે : ‘મેઘદૂત પઢતે હુએ મુઝે લગા કરતા થા કિ યહ કહાની નિર્વાસિત યક્ષ કી ઉતની નહી હૈ, જિતની સ્વયમ અપની આત્મા સે નિર્વાસિત ઉસ કવિ કી હૈ કી જિસને અપની હી કે અપરાધ-અનુભૂતિ કો ઇસ પરિકલ્પના મેં ઢાલ દિયા હૈ.’

અલબત્ત, કાલિદાસની બધી કૃતિઓની જેમ મેઘદૂત પણ આ દેશના ઇતિહાસના એક સાપેક્ષ રીતે સમૃદ્ધ તબક્કાનું સર્જન છે. એક સમયના, ખાસ ઇન્ડિયન મૉનસૂનમાં જ સર્જાય એવા આ કાવ્યનું  વિશ્વ રમણિયતાનું જ છે. તેમાં દુરિતને અને દારિદ્ર્યને,અન્યાય અને અસમાનતાને સ્થાન નથી. સાહિત્ય માટેની ઘડાયેલી રુચિ અને સજ્જતા ન હોય તેવા સામાન્ય ભાવક માટે આ કૃતિ વધુ પડતી આલંકારિક અને કૃત્રિમ લાગવાની સંભાવના છે. સહજક્રમે તે નવી પેઢીને ગમે કે કેમ એક તે ધારણાનો વિષય છે. જો કે યુવક-યુવતીઓ વરસાદમાં બગીચા કે રિવરફ્રન્ટ પર પ્રેમ કરતાં હોય, ત્યારે આપણે એમને હડહડ ન કરીએ તો પણ આપણા દેશમાં ‘મેઘદૂત’ લખાયેલું હોવું લેખે લાગશે.

*****

12 જુલાઈ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 13 જુલાઈ 2018

Loading

જેસી બર્ટનકૃત ‘ધ મ્યૂઝ’

મહેન્દ્ર દેસાઈ|Opinion - Opinion|13 July 2018

The Museનો અર્થ Oxford Dictionary પ્રમાણે Goddess Inspiring Creative Artist; esp. in music, poetry, આગળનો The કાઢી નાખીએ તો Museનો અર્થ થાય છે Ponder, Brood etc. ગુજરાતી ભાષાની રીતે જોઈએ તો પહેલાને માટે આપણને “પ્રેરણા દેવી” એ શબ્દ યોગ્ય લાગે છે, તો બીજા માટે “રહસ્ય’ શબ્દ! કારણ કે આ બન્ને શબ્દો આ પુસ્તકનાં નામકરણ માટે યોગ્ય લાગે છે, જે આ વાર્તા વાંચતાં સમજાશે.

વાર્તા બે વિભાગમાં વહેંચાયેલી છે. બે જુદા જુદા દેશ અને બે જુદા સમયકાળ. એક વિભાગમાં 1962ના સમયની ઇંગ્લેન્ડની વાત છે. આજકાલ એક શબ્દ આપણને અવાર નવાર સાંભળવા મળે છે તે “Windrush”. તેનો એ સમય હતો જ્યારે વેસ્ટ ઇન્ડિઝથી અનેક લોકો આ દેશમાં ઉત્તમ ભવિષ્યની ધારણાએ સ્થળાંતર કરીને આવે છે. એ લોકોની આકાંક્ષાઓ, અજાણ્યા દેશમાંની શરૂ શરૂની મુશ્કેલીઓ-અગવડો અને રોજીરોટી રળવા માટે કોઈપણ પ્રકારની નોકરી સ્વીકારી લેવાની લાચારી, એ બધાંનું અહીં સારું નિરૂપણ કરવામાં આવ્યું છે, જે વાંચતાં અહીં આપણાં ઘણાંબધાંને પોતાનો ભૂતકાળ યાદ આવી જાય.

Odelle અને Cynthia બન્ને વેસ્ટ ઇન્ડિઝથી આવેલાં છે, બન્ને બેનપણીઓ સાથે જ રહે છે અને બન્ને જૂતાંની એક દુકાને નોકરી કરે છે. Odelle તો ભણેલી છે, હોશિયાર છે, તેના પોતાના દેશમાં અંગ્રેજી ભાષા માટે તેને ઉચ્ચ પારિતોષિક મળેલાં છે. પણ પરદેશના ભણતર ને નગણ્ય માનતા આ દેશમાં પરદેશની ડિગ્રી ધરાવનારને સરકારી દફતરમાં કે મોટી ઓફિસોમાં ભાગ્યે જ નોકરી મળતી. Odelle પોતાને પગભર થવા માટે જૂતાની દુકાને નોકરી સ્વીકારી લે છે.

અહીં જૂતાની દુકાનમાં વાર્તાકારે એક પ્રસંગ સૂચક રીતે મુક્યો છે. એક સ્ત્રી ગ્રાહક આવે છે અને Odelleને કોઈપણ એક જૂતાની જોડી નો ઓર્ડર કરે છે, “કોઈપણ સાઇઝ ચાલશે”. જે ધંધામાં ખાસ એક સાઇઝ બરાબર બંધબેસતો અને ચાલવામાં અનુકૂળ એવો વણલેખ્યો મુદ્રાલેખ હોય ત્યાં કોઈપણ જોડી અને કોઈપણ સાઇઝ એ શબ્દો કાને પડે નહીં. Odelle અવઢવમાં મુકાઈ જાય છે, ત્યાં તો પેલી સ્ત્રીએ પહેરેલાં જૂતાં કાઢી નાખે છે, અને અંગૂઠા-આંગળીઓ વગરનો પોતાનો પગ ઉઘાડો કરી બતાવે છે. આ પ્રસંગને આખીયે વાર્તામાં કોઈપણ પ્રસંગે કે કોઈપણ પાત્ર સાથે સંબંધ લાગતો બતાવ્યો નથી, છતાંયે અહીં રજૂ કરાયેલો છે, એનું કારણ એક રીતે વાચક ને સાવધાન કરવાનું છે કે વાચક કોઈપણ પ્રકારની ધારણા કર્યા વગર બિલકુલ જાગૃત મને આ વાર્તા વાંચે કારણ કે આગળ ઉપર અનેક રહસ્યો, પાત્રોનું રહસ્યમય ઉદ્બોધન, રહસ્યમય ઘટનાઓ વગેરે આવવાનાં છે. તે અર્થે વાચક સતર્ક રહે.

જૂતાંની દુકાને પાંચ વર્ષ નોકરી કર્યા બાદ, Odelleને એક આર્ટ ડિલરની ઓફિસમાં ટાઇપિસ્ટ તરીકેની નોકરી મળે છે. ત્યાં તેને Marjorie Quick, અહીંની ઉચ્ચ પદવી ધરાવતી સ્ત્રી સાથે પરિચય થાય છે, અને થોડા જ સમયમાં બન્નેને એકબીજાં સાથે ગોઠી જાય છે, અને વાર્તા હવે શરૂ થાય છે. બેનપણી અને સહવાસી Cynthનું લગ્ન છે, એના ફ્લેટ પર લગ્ન પછીની પાર્ટી યોજાય છે, પાર્ટીમાં Odelle એક સરસ કવિતા રજૂ કરે છે, બધાં વાહ વાહ પોકારે છે. Cheers અને પાર્ટીના ઘોઘાટમાંથી નીકળી, રસોડામાં જઈ Odelle એઠાં વાસણો સાફ કરતી હોય છે, બીજી રૂમમાં એકલો પડેલો Lowrance Scott, Odelleને જોતો રહેતો હોય છે, થોડીવાર પછી Odelle ફરે છે અને Lawranceની સાથે નજર મળે છે, જાણે “મળી દૃષ્ટોદૃષ્ટ”. ઘોંઘાટ અને ઉકળાટથી બચવા માટે બન્ને જણાં ઘરની બહાર જાય છે અને વાતવાતમાં Lawrie એને એની માતા તરફથી મળેલા એક ચિત્રની વાત કરે છે, અને ગાડીના બુથમાંથી ચિત્ર કાઢીને Odelleને બતાવે છે, ચિત્રમાં એક સ્ત્રી છે જેના હાથમાં કોઈ એક સ્ત્રીનું કપાયેલું ધડ છે, જમીન પર એક સિંહ છે, જે બિલકુલ શાંત મુદ્રાએ એ સ્ત્રીને જોઈ રહ્યો છે. આ અનેરું ચિત્ર જોઈને Odelle lawrieને એ ચિત્ર પ્રદર્શિત કરવું છે કે વેચવું છે એની પૃચ્છા કરે છે અને બીજે દિવસે Lawrie એ ચિત્રને લઈને Odelleની ઓફિસમાં પહોંચી જાય છે.

અહીં આ વાર્તા અટકાવીએ અને વાર્તાકારની જેમ બીજા જ દેશની અલગ સમયગાળાની વાત કરીએ.

1936નો સમય સ્પેન ને માટે મુશ્કેલીનો સમય હતો. સામાજિક રીતે પ્રજા દબાયેલી, કચડાયેલી અને ઉચ્ચ વર્ગથી શોષાયેલી છે, એટલે પ્રજામાં અસંતોષ અને રોષ છે. રાજકીય સ્થિતિ પણ ડામાડોળ, અલગ અલગ પક્ષો પ્રાદેશિક સત્તા હાંસિલ કરવા, એકબીજા ંપર તૂટી પડવા મોકાની રાહ જોતાં બેઠાં છે, અને કેન્દ્રની સરકાર નિ:સહાય-લાચાર, પણ ભૌગોલિક રીતે દેશ સુંદર, આબોહવા-પાણી સારાં અને સાથે સાથે વિશાળ દરિયા કિનારો એટલે યુરોપના ઘણાબધા ધનિકો હરવા ફરવાનું અને રહેવાનું નિવાસસ્થાન માટે મોટી સંખ્યામાં આવતા હોય છે અને રહેતા હોય છે. એવી રીતે લંડનથી Harold Schloss, તેની પત્ની Sarah અને ઓગણીસ વર્ષની દીકરી Olive, નાના એવા એક ગામ નજીક નાનો સરખો પણ વૈભવી બંગલામાં રહેવા ં  આવે છે (લંડન અને સ્પેનને જોડતી બે વાર્તાઓ વચ્ચેની પહેલી કડી વાર્તાકારે રચી). બંગલામાં શેઠ હોય તો નોકર તો જોઈએ. બીજે દિવસે ગામમાંથી એક સ્ત્રી અને પુરુષ આવી ચઢે છે. ખેડૂત વર્ગમાંથી કોઈ સભ્ય જમીનદાર ત્યાં જાય ત્યારે ખેતરમાં ઊગેલું એવું કંઈક ટોપલી ભરીને લઈ જાય, એવી આપણા ભારત દેશની પ્રથાનું અહીં પણ પુનરાવર્તન જોવા મળે છે, થોડાંક ફળફળાદિ-શાક-મરઘી વગેરે આ આગંતુકો શેઠની આગળ ધરી દે છે અને ઘરકામ ઉપાડી લે છે.

Harold આર્ટ ડિલર છે, જ્યારે તેની પત્ની ધનવાન કુટુંબની છે, પણ લગ્ન જીવનમાં અસંતોષ છે, કંટાળેલી વ્યક્તિ છે એટલે જીવનમાં નિષ્ક્રિયતા આવી ગઈ છે. પુત્રી Olive ચિત્રકામ, શોખ પૂરતું નહિ પણ અંદરના ભાવોથી ચિત્રો કરે છે, પિતા ચિત્રો સાથે સંકળાયેલો છે પણ એના લે-વેચમાંથી પૈસા બનાવવા પૂરતો જ. “સ્ત્રીઓ હાથમાં પેઈન્ટ બ્રશ લઈને લપેડા મારી શકે પણ ઉત્તમ ચિત્રકાર ન બની શકે” એવી માનસિકતા ધરાવતો અને વ્યક્ત પણ કરતો પિતા, Oliveને ચિત્રકલા માટે કોઈપણ રીતે પ્રોત્સાહન નથી આપતો. માતા તો નિષ્ક્રિય છે જ એટલે Olive પોતાની એકલતામાં છાનીમાની ચિત્રો ચિતરતી રહેતી હોય છે. યુવાનીમાં પ્રવેશેલી, એકલતાથી ઘેરાયેલી આ યુવતીની મનોવ્યથા વાર્તાકારે સુંદર રીતે એક જ વાક્યથી રજૂ કરી છે. “Do you have a body if one is there to touch it”.

ઘરકામ કરવા આવેલ સ્ત્રી-પુરુષમાં પુરુષનું નામ છે Isaac Robles (વાર્તાકારે Roblesનો સ્પેિનશ ઉચ્ચાર સ્પષ્ટ કર્યો છે. રોબ્લેઝ) સ્ત્રીનું નામ છે Teresa Robles. બન્ને પતિપત્ની નહિ પણ ભાઈબહેન છે. Isaac ખડતલ યુવાન છે, ભણેલો છે અને ક્રાંતિકારી વિચારો ધરાવે છે, ચિત્રકામ પણ કરે છે અને તેને કળાની સૂઝબૂઝ પણ છે, Oliveને એ પસંદ પડે છે. Teresa માત્ર સોળ વરસની છે પણ ચબરાક છે. તેની ઉમર કરતાં ય વધારે અનુભવી અને ઘડાયેલી દર્શાવી છે.

વાર્તાની સજાવટ હવે અહીં પૂરી કરું, કારણ કે વાર્તામાં આગળ ઉપર અનેક રહસ્યો છે અને તેથી જો કંઈક વધુ લખાઈ જાય અને તેમાં આંગળી ચિંધામણ થાય તો જેણે આ પુસ્તક વાંચ્યું નથી, તે વાચક મારા પર રસક્ષતિનો દોષ ઢોળે, એટલે હવે વાર્તાના કલેવર વિશે અને વાર્તાકાર વિશે થોડુંક કંઈક.

વાર્તા બે વિભાગમાં છે એટલે વાર્તાની બે જુદીજુદી ધારાઓ ને બિલકુલ અલગ અલગ રાખી છે, પણ વાચકને બન્ને ધારાઓથી ભીંજાયેલાં રાખવાં માટે વાર્તાકારે એક પ્રકરણમાં લંડનની તો બીજા પ્રકરણમાં સ્પેનની ધારા પ્રવાહિત રાખી છે. જો કે બન્ને વાર્તાનો મુખ્ય વિષય એક ચિત્ર છે એટલે ક્યાંક જોડાણ થશે, એવી વાચકને ઇન્તેજારી રહે. પણ વાર્તાકારે ખૂબ સફળતાપૂર્વક વાચકની એ ઇન્તેજારીને છેક છેવટ સુધી ખેંચી રાખી છે. વાર્તાનો ઉઘાડ, જેમ આગળ ઉપર જણાવ્યું તેમ એક અસંબંધિત ઘટનાથી થાય છે પણ ત્યારબાદ ઘટનાઓ ઘટતી જાય છે, પાત્રો આવતાં જાય છે અને વાર્તા પ્રવાહ સરળતાથી આગળ વધતો જાય છે. પાત્રોની ઓળખ કે સંબંધ ક્યાં ય દર્શાવાયો નથી પણ અન્ય પાત્રોના સંવાદો થકી એ ઓળખ ઉઘડતી જાય છે અને પાત્ર ઉભરતું જાય છે. સંવાદોમાં ક્યાં ય લાગણી દર્શાવાયી નથી, બે પ્રેમીઓ વચ્ચે I love you જેવો આ સમાજનો અતિ સામાન્ય ભાવ પણ ઉચ્ચારાયો નથી, તેમ છતાં પણ લાગણીઓના તંતુઓ રચાતા જતા હોય છે. જેવા કે Odelle અને Lowrie વચ્ચે કે પછી Odelle અને Marjone Quick વચ્ચે, અને એવી જ રીતે સ્પેનમાં આવેલાં પાત્રો વચ્ચે.

વાર્તાની ભાષા સુંદર છે. જરા ભારે છે પણ ભારેખમ નથી, નવીનતમ વાક્ય રચના કરીને બહું જ ટૂંકા વાક્યોથી પાત્રોનું સચોટ લેખન કર્યું છે, જેમ કે શ્રીમંત કુટુંબમાં જન્મેલી Sarah અન્ય આગળ પોતે કંઈક હોવાનો દેખાવ કરે, તો Olive જે એની એકલતામાં જીવે છે અને ચિત્રકાર છે તો તેઓનું શબ્દચિત્ર Sarah was born to be watched while Olive was more a Watcher. એવી જ રીતે ખેડૂત પરિવારમાં જન્મેલો Isaac Robles જે એક ક્રાંતિકારી છે અને એના વ્યવસાયને લઈને થોડોક ખરબચડો છે તો તેની સામે Oliveનું પાત્ર. (Teresa Roblesની નજરે) Isaac is a urchinous twitcher where as Olive is Stalely Confident artist.

બીજું આપણું ધ્યાન ખેંચે એ વસ્તુ છે વાર્તાની પ્રવાહિતા. વાર્તાનો સમયકાળ છે 1936 અને 1967નો જે જમાનામાં કોમ્પ્યુટર ઊગ્યા ન હતાં. (આજે તો Weedની જેમ ફેલાઈ ગયાં છે અને જીવનના બાગને કંઈક અંશે ખંડિત પણ કરતાં થયાં છે) એટલે જીવન સરળ ગતિએ મંદમંદ વહેતું હતું. એ ધ્યાનમાં રાખીને વાર્તાકારે પ્રસંગોનું નિરૂપણ એ જ ગતિએ કર્યું છે. વિસ્ફોટક રીતે ઘટનાઓ બનતી નથી પણ એ સહજ રીતે ઊગતી જાય છે. પાત્રોના સંવાદોમાં પણ ક્યાં ય ઉતાવળનો સૂર નથી, વર્તનમાં ક્યાં ય રઘવાટ કે દોડાદોડી નથી. બધું જ સમયોચિત બનતું જતું હોય એવી રીતે રજૂ કર્યું છે.

હવે, ક્ષતિઓ તો નહિ, પણ થોડીક ટીકાઓ.

આખીયે કથા રહસ્યના તાણાવાણાથી ગુંથાયેલી છે, જેમાં વાર્તા અવનવા વળાંકો લેતી જાય છે. ક્યારેક પાત્રોના સંવાદો થકી અથવા તો ક્યારેક પ્રાસંગિક વર્ણનમાંથી એક નવો જ ફણગો ફૂટી નીકળે. આમાં વાચકને વાર્તારસમાં જકડી રાખવાનો ઉદ્દેશ્ય હોય છે, પણ જ્યારે પાત્રનો અર્થહીન ઉદ્ગાર કે પછી કોઈ કારણ વગરના સંકેતો અવાર નવાર આવે ત્યારે વાચકને આશ્ચર્ય નથી થતું પણ મનમાં સવાલ જરૂર ઊભો થાય છે કે આવા સંકેતોની જરૂર ખરી ? આમ થવાથી વાર્તામાં ક્યાંક રસક્ષતિ થતી હોય છે. થોડાંક ઉદાહરણો આપું. Odelleને એની વર્ષગાંઠ પર Lawrie એના ઘેર આમંત્રે છે. Marjorie Quickને જાણ થાય છે અને Odelleને ચેતવે છે કે just be careful of Lawrie. વાર્તામાં એવો એકેય પ્રસંગ દર્શાવાયો નથી કે જેથી કરીને Quick ને Lawrieનો ગાઢ પરિચય હોય કે એના સ્વભાવની જાણ હોય.

Cathy તેના લગ્ન બાદ ઘણા સમય પછી Odelleને મળે છે. ઘણી બધી વાતો થાય છે. Lawrieની વાત, એના ચિત્રની વાત અને એમાંથી નીકળતી Isaac Robles અને Olive Schlossની વાત થાય છે. માત્ર ઉલ્લેખ જ થાય છે, પણ પછી જતાં જતાં Cathy Odelleને કહે છે કે if you speak to Lawrie again, may be you keep this Olive Schloss story to yourself.

એક બીજા પ્રસંગે Cathy Odelleને કહે છે કે keep all ideas about Olive Schloss and Marjolie Quick to yourself. વાર્તામાં એક પણ પ્રસંગ આવતો નથી જ્યાં Cathy અને Quick એકબીજાને મળ્યાં હોય. પાત્રોના આવા ઉદ્ગારો કે પ્રસંગમાં આવતા સંકેતો એ બધા વણગુંથાયેલા લટકતા છેડાઓ રહી જાય છે વાચકના મનમાં પ્રશ્નરૂપે.

પાત્રાલેખનમાં Odelleના પાત્રને સુંદર રીતે સજાવ્યું છે. તે બુદ્ધિશાળી છે, સ્વભાવે ઠરેલ અને લાગણીશીલ છે. આખીયે વાર્તામાં એ મુખ્યપાત્ર બની રહે છે. જ્યારે Olive અને Isaac બન્ને કલાકાર જીવો તરીકે રજૂ કરાયાં છે, પણ રજૂઆત પછીના જે પ્રસંગો બનતા જાય છે તેમાં બન્ને એકબીજાંમાં ભળતા જાય છે પણ કલાકાર તરીકેનો રંગ ફિક્કો પડતો જતો જણાય છે. ખૂબ જ ઊંચે ચઢાવેલું પાત્ર જ્યારે નીચે પડે છે કે પાડવામાં આવે છે ત્યારે વાર્તાકાર પ્રત્યે આપણને રોષ થઈ આવે છે કે why such character assassination?

અને છેલ્લે વાર્તાકાર વિશે.

વાર્તાનો સમયકાળ પચાસથી એંસી વર્ષ જૂનો છે. ઝડપથી બદલાતા જતા આજના જમાનામાં એ વર્ષો ખૂબ જ પુરાણા લાગે અને તેની વાસ્તવિકતા લાવવા માટે, એ સમયમાં જવું પડે, અને ઘણું બધું સંશોધન કરવું પડે. એ સમયના સ્થળોનું ચિત્ર ઊભું કરવા માટે સ્થળની ભૌગોલિકતા, માનવ વ્યવહાર, ભાષા અને જીવન વ્યવહાર, વગેરે વગેરેની અનેક માહિતીઓનું ખૂબ ઊંડાણથી અભ્યાસ કરવો પડે અને ચીવટપૂર્વક એની નોંધ પણ લેતા રહેવું પડે. વાર્તાકારનો આ પરિશ્રમ વાર્તા વાંચતાં દેખાઈ આવે છે. 1962ના સમયનું લંડનનું ચિત્ર …. સ્થાનિક પ્રજાનો અશ્વેત પ્રજા પ્રત્યેનો તિરસ્કાર કે અડછતું વર્તન વગેરેના પ્રસંગો પણ નિરૂપાયા છે. વેસ્ટ ઇન્ડિઝથી આવેલ પ્રજાના સાંસ્કૃિતક કાર્યક્રમો જેવા કે BBC4 પર રજૂ થતો Caribbean Voice નામનો તેમનો મનગમતો પ્રોગ્રામ અને પ્રોગ્રામ રજૂ કરતાં તે સમયના કલાકારોનાં નામો પણ શોધી શોધીને જણાવ્યાં છે. વાર્તાકારની ચીવટ પણ કેવી કે સ્થળનું સરનામું પણ તે સમયના area code જે હતો તેવો જ રજૂ કરાયો છે. તેવી જ રીતે વેસ્ટ ઇન્ડિઝમાં બોલાતી ભાષાઓનું મિશ્રણ જેમાં ઇંગ્લિશ, હિન્દી, ભોજપુરી, થોડું સ્પેિનશ વગેરેનો ઉલ્લેખ.

ચિત્રકલા અંગેનું વાંચન, રેનેસાં સમયમાં ખીલી ઊઠેલા રંગોની નવીન મિલાવટ કે ચિત્રના     વસ્તુ-વિષય અનુસાર રંગ મિલાવટ વગેરેનો સારો એવો અભ્યાસ કર્યો છે. સાથે સાથે એ સમયના યુરોપના ખ્યાતનામ ચિત્રકારોનાં નામો જેવાં કે Meret Oppenheim, Gabriel અને છેલ્લે, આપણું ધ્યાન ખેંચે એવું એક નામ Amrita Sher-Gill.(કંઈક આડવાત : પંજાબી પિતા અને હંગેરિયન માતાના કૂખે જન્મેલી અમૃતા શેરગિલ નાનપણથી જ ચિત્રકલામાં હોશિયાર, બહુ જ નાની ઉંમરે, લગભગ 17-18 વર્ષની ઉંમરે એના ચિત્રોનું પ્રદર્શન પેરિસમાં યોજાય છે. તેનાં ચિત્રો જોઈને ચિત્રકલા જગત એટલું બધું પ્રભાવિત થઈ ગયું હતું કે ત્યાંની સર્વોચ્ય ચિત્રકલા સંસ્થાના સભ્ય પદે અમૃતાને સ્થાપે છે. જે એ સમયે સૌ પ્રથમ ભારતીય નારીને અને સૌથી નાની ઉંમરની સ્ત્રીને સન્માન અપાયું હતું તે ઘટના ઉલ્લેખનીય છે) આમ વાર્તાકારની ચીવટપૂર્વકની સંશોધનીય મહેનત પ્રસંશનીય છે.

વાર્તામાં વર્ણનો, પ્રસંગલેખનો, સંવાદો, પાત્ર અનુરૂપ સંવાદોની ભાષા, પાત્રોના સ્વભાવ અને લાગણીઓ વગેરે સુંદર ભાષામાં રજૂ થયેલ છે અને એ બધું જ રહસ્યોની કડીથી સાંકળી લીધું છે જે વાચકને બાંધી રાખવામાં સફળ થાય છે.

City Read London દ્વારા લંડનની અનેક સંસ્થાઓમાં વાંચવા, ચર્ચાવા, એમાંથી અમુક ભાગ પર નાટ્ય પ્રવૃતિ કરવા કે ક્યાંક ચિત્રકામ હરીફાઈ યોજવા અંગે Jessie Burtonની આ નવલકથા The Museની પસંદગી કરાઈ છે તે યથાયોગ્ય છે.

[‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સંચાલિત ‘વાર્તા વતૃળ’ બેઠક અંતર્ગત, શનિવાર, 02 જૂન 2018ની બેઠકમાંની રજૂઆત]

20 Deanscroft Avenue, Kingsbury, LONDON NW9 8EN, U.K.    

Loading

...102030...3,0993,1003,1013,102...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved