Opinion Magazine
Number of visits: 9686309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્યકાર વ્યક્તિ આવા માહોલમાં લખે તો કેવું લખે?

સુમન શાહ|Opinion - Opinion|15 July 2018

આમ્સ્ટર્ડામની યાદો

પ્હૅરેલે કપડે થતી નાગાઇનું શું? યુવતીઓની સરેઆમ છેડતીથી માંડીને દુષ્કર્મ લગીનાં ઘોર અપમાન થતાં હોય એ સમાજને કેવો કહેવો?

વળી પાછો હું ટ્રમ્પના રાજમાં અમેરિકા પહોંચી ગયો છું. આમ્સ્ટર્ડામ યાદ આવે છે. ત્યાં હતો ત્યારે અમદાવાદ ને અમદાવાદ હતો ત્યારે ડભોઇ-વડોદરા યાદ આવતાં'તાં. યાદોના કૂવાને તળિયું નથી હોતું. ઊંડેથી ઊંડે લઇ જાય. પણ તાજી યાદોને શબ્દોમાં ઠારી લઉં તો બને કે થોડા સમય પૂરતી સ્ટૉપ થઇ જાય.

આમ્સ્ટર્ડામના શીફોલ ઍરપોર્ટ પર ફ્લાઇટના ગેટ લગી લઇ જતા પૅસેજીસ બહુ જ લાંબા હોય એટલે હું વ્હીલચૅરની આસિસ્ટન્સ માગી લઉં છું. એમ લઇ જનાર માટે કરુણા થાય એટલે નામ પૂછું. એ વ્હીલચૅર-છોકરીનું નામ 'જયદા' હતું. મેં એને કહ્યું – તારા નામનો અર્થ છે, યુ આરા પર્સન હુ બ્રિન્ગસ વિક્ટરી ટુ અધર્સ. એ ખુશ થઇ ગઇ. મને કહે – માય ગ્રેટગ્રાન્ડ પૅરન્ટ્સ વૅર ફ્રૉમ ઈન્ડિયા. હું પણ ખુશ થઇ ગયેલો.

આમસ્ટર્ડામ જેનું બિઝનેસ કૅપિટલ ગણાય છે એ 'ધ નેધરલૅન્ડ્ઝ'-ના પ્રાઈમ મિનિસ્ટર માર્ક રૂત્ત તાજેતરમાં ઇન્ડિયા આવી ગયા ને આપણા પ્રાઇમ મિનિસ્ટરને સાઈકલ ભેટ આપી ગયા. પણ એમાં શી નવાઇ ! આ તો સાઈકલોનો દેશ છે. આમ્સ્ટર્ડામમાં નાનામોટા સૌ સાઈકલ તો રાખે જ રાખે. ઑફિસેથી ટૉયોટોમાં ઘરે પહોંચેલો સી.ઈ.ઓ. પણ જમ્યા પછી પોતાની સાઈકલ પર શ્હૅરમાં આંટો મારી આવે. હું જાણતો નથી કે એમણે આપી એ સાઇકલ કેટલી મૉંઘી હતી.

એક વાર કુતૂહલવશ હું સાઈકલોની દુકાનમાં ગયેલો. મેં એકદમ રૂપાળી તરફ આંગળી કરી તો મને જણાવાયું કે – એ મૉંઘી છે ને એની કિમ્મત ૪૦૦૦ યુરો છે. ૧ યુરો = લગભગ ૮૦ રૂપિયા. એટલે આપણા ૩,૨૦,૦૦૦ની થઇ ! સસ્તામાં સસ્તી ૧૫૦-૬૦ યુરોમાં ય મળે. સાંકળો સાથેનાં તાળાં માર્યાં હોય. સાંકળ સાથેનું એક તાળું આશરે બે કિલોનું હશે ને મૉંઘામાં મૉંઘું ૧૨૦ થી ૧૪૦ યુરોનું આવે છે. છતાં સાઇકલો બહુ જ ચોરાય છે ને ચોરબજારમાં મળે છે પણ ખરી – સાઈકલોનું રિસાઇકલિન્ગ …

આપણે દ્વિચક્રી કહીએ છીએ પણ અહીં મેં ચતુર્ચક્રી પણ જોઇ, બે જણાં ચલાવે ને તે ય એ રીતે કે રિક્ષા ચલાવતાં હોય. કોઇ એવી કે આગલા વ્હીલ પછી બે બાય અઢી ફીટનું કૂંડી જેવું બૉક્સ હોય. એમાં બાળક સૂતું હોય ને નાનોમોટો સામાન પણ દબાવી રાખ્યો હોય. કોઇ એવી કે એકની પાછળ બીજીને જોડી દીધી હોય. બે-બે પૅડલ હોય, આગળપાછળ બેઠેલાં બન્ને જણાં ચલાવે. સૂતાં સૂતાં ચલાવાય એવી અને એવીને ચલાવનારા ય જોયા. આરામખુરશીથી પણ વધારે ઢળેલી પર એ સૂતો હોય ને મૉજથી પૅડલ મારતો જતો હોય. કોઇ એવી કે બન્ને હાથને થાય એટલા ઊંચા કરો ત્યાર પછી હૅન્ડલ હાથ આવે. પણ દોડાવતો હોય – કોઇ હઠયોગી જ જોઇ લો ! અરે, એક ફૂટ ડાયામીટરનાં વ્હીલ હોય ને એ પર ઊંચી ફ્રેમ બેસાડી હોય. મને થાય, નાના વ્હીલ પર આટલો જોરજુલમ શાને …વળી, સાંભળો, અહીં સાઇકલોનાં થીમ – વિષયવસ્તુ – હોય એવી ઘણી ચીજો મળે – આખા શર્ટ પર ઝીણી ઝીણી રંગરંગીન સાઇકલો છાપી હોય. લાગે જાણે તમે સાઇકલોના જંગલને ઓઢ્યું છે.

આમ્સ્ટર્ડામમાં સાઇકલ, સ્કૂટર, મૉટરબાઇક, ટ્રામ, મૅટ્રો, કાર, બસ અને બોટ એમ સર્વ પ્રકારનાં વાહનો છે. પહેલાં ફૂટપાથ. પછી મૅલા તાંબાના રંગનો અલગ અપવર્ડ સાઈકલટ્રૅક. પછી કાર અને સ્કૂટર કે મૉટરબાઇકને માટેની અપ-લેન. પછી ટ્રામટ્રૅક. વળી કાર સ્કૂટર મૉટરબાઈકની ડાઉન-લેન. વળી, મૅલા તાંબાના રંગનો ડાઉનવર્ડ સાઈકલ ટ્રૅક. અને પાછો, ફૂટપાથ. કોઇ કોઇનાંમાં કદી પણ ઘૂસે નહીં. પોતાના ટ્રૅક પર રહેવાની સૌમાં મને અપાર ધીરજ જોવા મળી, જે આપણે ત્યાં છે જ નહીં. માત્રએક પૅસેન્જરની જગ્યાવાળી canta અને smart નામની કપલ-કાર તેમ જ એવી જ ટૅક્સી-કાર મને મજાની લાગેલી. લૅડિ-પૅસેન્જર જોડે ડ્રાઇવર વાતો કરતો ચલાવતો હોય ને એ બહેન પણ હસતાં રહેતાં હોય. આમ્સ્ટર્ડામમાં આપણે ત્યાં છે એવી કારો ભાગ્યે જ છે, યુરોપિયન કારો વધારે છે. અત્યન્ત સુન્દર અત્યન્ત સ્વચ્છ. કાર જેવી જ અહીંની નાર છે. ગ્રીક અને રોમન લિટરેચરમાં વાંચેલી અને શિલ્પોમાં જોયેલી એવી આરસવર્ણી સ્ત્રીઓ. નાક ન તીણું, ન બૂચું. હોઠ ન જાડા, ન પાતળા. સુવર્ણકેશી ગૌર સૌષ્ઠવી દેહ-રૂપની જીવલેણ સુપિરિયોરિટી. જોયા વિના નહીં સમજાય …

બે માસના નિવાસ દરમ્યાન સમર હતો. સાંજ તો ૧૦.૩૦ લગી ચાલે, પછી રાત પડી કહેવાય. તડકાવાળા સનિ-ડેઝ જોવા મળેલા. અમારું ઘર, ઉપર વર્ણવ્યા મુજબનો ટ્રાફિક ધરાવતા રોડ પર છે. રોડ પછી સામે આમ્સ્ટેલ રીવર છે. સફેદ-ભૂખરી ડોકવાળાં કાળાં ડક્સ નદીના કિનારા પાસે તરતાં હોય. સીગલ તરાપ મારતાં ઊતરે ને ખોરાકને ઝડપી લે. ઉપર આકાશમાં જેટ ગયાના લાંઆબાઆ લીસોટા દોરાયા હોય. હશે આમ્સ્ટેલનો પટ ૨૦૦-૨૫૦ ફીટનો. અમારા કિનારાની સામેના કિનારે પ્હૉંચવા આડો બ્રિજ લેવો પડે. હું અમારા ઘરથી કુલ ચાર બ્રિજનું ચક્કર લગાવી ઘરે પાછો ફરતો. મને બેનાં નામ યાદ છે – બૅરલાર્ગબ્રુગ અને ક્રૅમરબ્રુગ. 'બ્રિજ'-ને 'બ્રુગ' કહે છે; 'સ્ટ્રીટ'-ને 'સ્ટ્રાટ'.

બે બ્રિજ વટાવું પછી નદીકિનારે ટૅનિન્ગ માટેનો ફૂટપાથ આવે. સંખ્યાબંધ યુવતીઓ પ્રૌઢાઓ તડકામાં શરીરને શેકતાં પડ્યાં હોય. માત્ર બિકિનીમાં હોય. યુવાનો માત્ર ચડ્ડામાં હોય. નદીમાં ધુબાકા સાથે ન્હાઇ લીધા પછી બધાં ચત્તાં સૂતાં હોય. કોઇ કોઇ ઊંધાં પણ ખરાં. વાતો કરતાં હોય, વાંચતાં હોય, ખાતાં હોય. પરિદૃશ્ય જોઇને પહેલે જ દિવસે મેં પૂછી લીધેલું : ઇઝિટા પ્રાઇવેટ એરિયા -? : નો-નો ! ધિસ ફૂટપાથ ઇઝ ઓપન ફૉર ઍવરિવન. હું નીચા મસ્તકે નીકળી જતો, તો ય નજર તો થઇ જ જતી. આટલું લખી શકાયું તે એટલું જોવાયું હતું એને કારણે. આપણી દૃષ્ટિએ તો બધાં 'નાગાં' જ કહેવાય. એટલે એમાં શરમાવાનું તો પ્હૅરેલાએ જ ને ! પણ મને સવાલો થતા : પ્હૅરેલે કપડે થતી આપણે ત્યાંની નરી નાગાઇનું શું? યુવતીઓની સરેઆમ છેડતીથી માંડીને દુષ્કર્મ લગીનાં ઘોર અપમાન થતાં હોય એ સમાજને કેવો કહેવો? એ આમ તો પૂરો ઉત્તેજક એરિયા, પણ એમાં મને સૅક્સ્યુઅલ બીહેવીઅર તો નહીં જ નહીં પણ જરા જેટલા ય જાતીય વિકાર વિનાની સહજ કુદરતી નગ્નતા જ જોવા મળી છે. આમ્સ્ટર્ડામ સર્વ પ્રકારે મુક્ત શહેર છે. પ્રવાસીઓ આના ફ્રૅન્ક હાઉસ કે વાન ગોઘ અને રાઇક્સ મ્યુિઝયમની ટૂર લેવા તો જાય જ જાય પણ આમ્સ્ટર્ડામનો રેડ-લાઇટ ઍરિયા જોવા પણ જાય. ત્યાં દારૂડિયા રખડતા હોય કે ભડવાઓ ભટકતા હોય એવું કદ્દી પણ બને જ નહીં. કહેવાય છે કે વિશ્વનો એ સ્વચ્છતમ રેડ-લાઇટ ઍરિયા છે. આવું બધું જોયાજાણ્યા પછી સંસ્કૃિત એટલે શું કે સભ્ય હોવું એટલે કેવા હોવું એ પ્રશ્નો પાસે મગજ મારું ઠપ્પ થઇ જાય છે.

આવી તો ઘણી વાતો છે. સવાલ એ છે કે ગુજરાતી સાહિત્યકાર વ્યક્તિ આવા માહોલમાં લખે તો કેવું લખે. એની વાત કોઇ બીજા શનિવારે.

= = =

[૧૪/૭/૨૦૧૮ના “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે]

https://www.facebook.com/suman.shah.94/posts/2006795776017992 

Loading

સેક્શન 377 જેવા હજુ બીજા ઘણા જુનવાણી કાયદાઓ છે જેને રિવ્યુ કરવાની અને રદ્દ કરવાની જરૂર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 July 2018

ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે બે સજાતીય સંબંધ રાખનાર યુવક મરીન ડ્રાઈવ પર ફરતા હોય ત્યારે તેના મનમાં પોલીસનો ડર ન રહેવો જોઈએ. તેઓ કોઈ પાપ નથી કરતા અને ગુનો હોવાનો તો સવાલ જ નથી. તેઓ જાતીય સંબંધ એકબીજાની સંમતિ સાથે ધરાવે છે. તેઓ બન્ને પુખ્ત છે અને તેઓ બન્ને ખાનગીમાં ચાર દીવાલની અંદર જાતીય સંબંધ રાખે છે. સમાજને આની સામે શા માટે વાંધો હોવો જોઈએ?

અદાલતોમાં સુનાવણી દરમ્યાન જજોની નુક્તેચીની અને પૂછવામાં આવતા પ્રશ્નો જોઇને અંદાજ આવી જતો હોય છે કે ચુકાદો કેવો આવશે, પરંતુ એ અંદાજ હંમેશાં સાચો નીવડતો નથી. કેશવાનંદ ભારતી કેસમાં ફુલ બંધારણીય બેંચના જજો નાગરિકોના મૂળભૂત અધિકારો અંગે અને બંધારણનાં પ્રાણ સ્વરૂપ તત્ત્વો અંગે જે રીતના પ્રશ્નો ઉપસ્થિત કરતા હતા, એ જોતા લાગતું હતું કે ચુકાદો નાગરિક અધિકારોના પક્ષે અને સરકારની વિરુદ્ધ આવશે. આખરે ૧૩ જજોની બંધારણીય બેન્ચના સાત જજોએ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં નાગરિકના પક્ષે સૌથી વધુ સક્રિયતા દાખવનારા ન્યાયમૂર્તિ વાય.વી. ચન્દ્રચૂડનો પણ સમાવેશ થતો હતો. સરકારની વિરુદ્ધ અને નાગરિકની તરફેણમાં ચુકાદો આપનારા સિનિયર જજોને સુપરસીડ કરવામાં આવ્યા હતા અને તેમને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનતા રોકવામાં આવ્યા હતા. એમ કહેવાય છે સુનાવણી દરમ્યાન નાગરિકોના પક્ષે પ્રશ્નો ઉપસ્થિત કરનારા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ પાણીમાં બેસી ગયા હતા. ૧૯૭૫માં લાદવામાં આવેલી ઈમરજન્સી તેનું સ્વાભાવિક પરિણામ હતું.

અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ અંગે સુનાવણી ચાલી રહી છે. આઈ.પી.સી.ના સેક્શન ૩૭૭ મુજબ બે પુખ્ત વ્યક્તિ વચ્ચે સંમતિપૂર્વકના સમલિંગી સંબંધ એ ફોઝદારી ગુનો છે. આ કાયદો નાગરિકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે, એટલે તેને રદ્દ કરવો જોઈએ એવી માગણી કરતી કેટલીક અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં આવી છે, જેને સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બેંચ સાંભળી રહી છે. સુનાવણી દરમ્યાન જજો, ખાસ કરીને ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ જે રીતના પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે, એ જોતા એમ લાગે છે કે ચુકાદો નાગરિકોની તરફેણમાં આવશે, પરંતુ ખાતરીથી એમ ન કહી શકાય. ભારતના નાગરિકો આ પહેલાં ૨૦૧૩માં અને એ પછી બે વખત સર્વોચ્ચ અદાલતમાં છેતરાયા છે. બાય ધ વે, ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કેશવાનંદ ભારતી કેસ સાંભળનારા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના પુત્ર છે. ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ અત્યાર સુધી નાગરિકના પક્ષે ચુકાદા આપતા રહ્યા છે.

મૂળમાં આ કાયદો દોઢસો વરસ જૂનો બ્રિટિશકાલીન છે અને તેનો દાયકાઓ પહેલાં અંત આવી જવો જોઈતો હતો. સમાજમાં મૂલ્ય વ્યવસ્થા સાપેક્ષ હોય છે અને તેને ઘણાં સામાજિક-સાંસ્કૃિતક પરિબળો પ્રભાવિત કરે છે. બીજું, ૧૯મી સદીમાં ભારતમાં જે કાયદા ઘડવામાં આવ્યા એ અંગ્રેજોએ ઘડ્યા હતા, એટલે તેના પર બ્રિટિશ મૂલ્ય વ્યવસ્થાનો પણ પ્રભાવ હતો. ત્રીજું, ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં કાયદાઓની સંહિતા (કોડિફિકેશન) ઘડવાની કોઈ ચોક્કસ પરંપરા જ નહોતી. જજો અને કાજીઓ ઈશ્વરને કે અંતરાત્માને સામે રાખીને સમાજ સ્વાસ્થ્ય અને સંસ્કૃિતની પોતાની સમજ અનુસાર ચુકાદા આપતા હતા. એ યુગમાં રાજ્ય અને પ્રજા વચ્ચેનો સંબંધ રાજા અને રૈયતનો હતો આજની જેમ રાજ્ય અને નાગરિકનો નહોતો. એમાં પણ ભારત અંગ્રેજોનું સંસ્થાન હતું એટલે ભારતમાં અંગ્રેજ રાજ્ય સાથે ભારતની પ્રજાનો સંબંધ માલિક અને ગુલામનો હતો. ચોથું, એ યુગમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની વ્યાખ્યા હજુ વિકસતી અને વિસ્તરતી હતી એ આજની જેમ ઠીક ઠીક પ્રમાણમાં સ્પષ્ટ નહોતી થઈ. આજે પણ એ સંપૂર્ણપણે વિકસિત છે એવું નથી, વિકાસની પ્રક્રિયા હજુ ચાલુ છે.

ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે બંધારણ ઘડનારાઓને જાણ હતી કે અંગ્રેજોના વારાના અનેક કાયદાઓ છે જે નાગરિકોના અધિકારોની વિરુદ્ધ છે. તેઓ જો એ બધા કાયદાઓની ચકાસણી કરવા બેસે તો બંધારણ ઘડાતાં વરસો લાગે એટલે સમય બચાવવા માટે તેમણે એક ચાળણી સર્વોચ્ચ અદાલતને આપી દીધી હતી. ભારત સરકાર જે કોઈ નવા કાયદાઓ ઘડે કે જૂના કાયદાઓનો અમલ કરે ત્યારે તેને જો ભારતનો નાગરિક પડકારે તો સર્વોચ્ચ અદાલતે નાગરિકના મૂળભૂત અધિકારોના પરિપ્રેક્ષ્યમાં તેની ચકાસણી કરવી. નાગરિકના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ જતા દરેક કાયદાને બંધારણવિસંગત ઠરાવીને રદ્દ કરવામાં આવે.

બંધારણ ઘડનારાઓને એમ લાગતું હતું કે સર્વોચ્ચ અદાલતને એક ચાળણી પકડાવી દેવામાં આવી છે જેમાં દરેક જુનવાણી અને નાગરિક વિરોધી કાયદાઓ ચળાઈ જશે. આ ઉપરાંત રાજ્યને પણ કહેવામાં આવ્યું હતું કે જૂના કાયદાઓની સમીક્ષા કરવામાં આવે અને સુધારવામાં આવે. બંધારણે સર્વોચ્ચ અદાલતને જે ત્રણ મહત્ત્વની કામગીરી સોંપી છે એમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા પણ એક કામ છે.

જો સર્વોચ્ચ અદાલતે ચાળણીનો અને રાજ્યે રાજ્યધર્મનું પાલન બરોબર કર્યું હોત, તો અત્યાર સુધીમાં બધા જ જુનવાણી અને કાલબાહ્ય કાયદાઓનો અંત આવી ગયા હોત. આજે આઝાદી મળ્યે સાત દાયકા વીતી જવા છતાં એવું બન્યું નથી. આના બે મુખ્ય કારણો છે : કેટલીકવાર અદાલતોમાં જજો પરંપરાગત સનાતની માનસિકતા ધરાવતા હોય છે અને તેઓ સર્વોચ્ચ અદાલત સુધી પણ પહોંચી જાય છે. કેટલીકવાર રાજ્યને સનાતની મતો ગુમાવવાનો ડર લાગતો હોય છે. બીજું, રાજ્ય પોતાની શક્તિ ઓછી કરવા માગતું નથી, એને કારણે પણ નાગરિકના અધિકારોની વિરુદ્ધના કાયદાઓ રાષ્ટ્રીય સુરક્ષાનાં નામે કાયદાપોથીમાંથી હટાવવામાં આવતા નથી, એટલું જ નહીં એને વધારે સખ્ત બનાવવામ આવી રહ્યા છે. દેશની સુરક્ષા એ પવિત્ર ગાય છે અને તેને નામે સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો મોકો મળે છે. બને છે એવું કે સર્વોચ્ચ અદાલતના જજો પણ દેશહિતનાં નામે તેને માન્યતા આપે છે. આમાં સરવાળે નાગરિક તેના અધિકારો ગુમાવે છે. આજકાલ યુગપ્રભાવ એવો છે કે જુનવાણી માનસિકતા ધરાવતા લોકો દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે અને તેમાં અદાલતો અપવાદ નથી.

૨૦૦૯માં દિલ્હીની વડી અદાલતે ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ને નાગરિકના મૂળભૂત અધિકાર વિરોધી અને તે અર્થમાં બંધારણવિસંગત ઠરાવ્યો હતો. દિલ્હીની વડી અદાલતનો ચુકાદો દરેક અર્થમાં બંધારણ સુસંગત હતો અને તેને સર્વત્ર આવકારવામાં આવ્યો હતો. ચુકાદો ન્યાયમૂર્તિ અજીત પ્રકાશ શાહે આપ્યો હતો જેમની પ્રતિષ્ઠા ઘણી મોટી છે. દિલ્હીની વડી અદાલતના ચુકાદાને સુરેશ કુમાર કૌશલે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો અને ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે (જજ જી.એસ. સિંઘવી અને એસ.જે. મુખોપાધ્યાય) આઘાત પહોંચે એવો વિચિત્ર ચુકાદો આપ્યો હતો. અદાલતે સંસદ જ્યાં સુધી કાયદો ન બદલે અને જૂના કાયદાને રદ્દ ન કરે ત્યાં સુધી સેક્શન ૩૭૭ને બંધારણ સુસંગત ઠરાવ્યો હતો. અદાલતે કાયદાનો વિરોધ કરનારાઓને સલાહ આપી હતી કે જો તેમને સેક્શન ૩૭૭ સામે વાંધો હોય તો તેમણે રાજકીય પક્ષો પાસે જવું જોઈએ અને કાયદામાં સુધારો કરાવવો જોઈએ. અદાલતનું કામ કાયદાપોથીમાંના કાયદાના પ્રકાશમાં કાયદાનું અર્થઘટન કરવાનું છે.

અત્યંત આદર સાથે મેં ત્યારે લખ્યું હતું કે ચુકાદો ખોટો છે એ ચિંતાનું મોટું કારણ નથી, ચિંતાનું ખરું કારણ એ છે કે બંધારણનું સ્વરૂપ અને બંધારણના આત્માની બુનિયાદી જાણકારી નહીં ધરાવતા જજો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી જાય છે. મોર મૈથુન દ્વારા નહીં પણ આંસુ દ્વારા પ્રજોત્પાદન કરે છે, એમ રાજસ્થાનની વડી અદાલતના જજસાહેબે થોડા મહિના પહેલાં કહ્યું હતું. જુનવાણી માનસ ધરાવનારાઓનું રાજ છે એટલે એ મહાશય દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બને તો પણ આશ્ચર્ય નહીં. કાયદાની સમજ અને મર્યાદા વિષે અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સજ્જ હોત તો તેમણે એવા કેટલાક ચુકાદા ન આપ્યા હોત અને કામ ન કર્યા હોત જે સર્વોચ્ચ અદાલતના જજને ન શોભે. સિનેમા હોલમાં રાષ્ટ્રગીતનું ફરજિયાતપણું આવો એક ચુકાદો હતો. ૨૦૧૩ના પછાત ચુકાદા પછી વે વાર રિવ્યુ પિિટશન કરવામાં આવી હતી અને બન્ને વાર સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદા વિષે પુનર્વિચાર કરવાની ના પાડી દીધી હતી.

હવે પાંચ વરસ પછી, સર્વોચ્ચ અદાલતમાં ક્યુરેિવ પિિશન સાંભળવામાં આવી રહી છે ત્યારે એમ લાગે છે કે ચોક્કસ પ્રકારનું જાતીય વલણ ધરાવનારા લોકોને ન્યાય મળશે. એ મળશે જ એની કોઈ ખાતરી નથી, કારણ કે કેશવાનંદ ભારતી કેસમાં ધારવા કરતા ં  ઊલટો ચુકાદો આવ્યો હતો, અને ૨૦૧૩માં તો સર્વોચ્ચ અદાલતે પછાત ચુકાદો આપ્યો હતો. આમ આ વખતે શું થશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ જજોનું વલણ જોતાં નાગરિકોના અધિકારોનો વિજય નજરે પડી રહ્યો છે.

પરંપરાપ્રેમ અને દેશપ્રેમનો આ યુગ છે અને તેમાં વિવેકનો ભોગ લેવાઈ રહ્યો છે. ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ વિષે ભારત સરકારની શું ભૂમિકા છે એનો ખુલાસો કરવાનું સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું હતું અને કેન્દ્ર સરકાર અત્યાર સુધી પોતાની ભૂમિકા સ્પષ્ટ નહોતી કરતી. સંઘ પરિવાર પરંપરામાં શ્રદ્ધા રાખનારી જમાત છે અને કેન્દ્ર સરકાર એ જ પરિવારના સભ્યોની બનેલી છે. આ ઉપરાંત આજકાલ આધુનિકતાની જગ્યાએ પરંપરાનો જયજયકાર થઈ રહ્યો છે. જેમ જેમ સુનાવણી આગળ વધતી ગઈ, અને જ્યારે ભૂમિકા સ્પષ્ટ કરવા સિવાય કોઈ છૂટકો નહોતો ત્યારે કેન્દ્ર સરકારના વધારાના એટર્ની જનરલ તુષાર મહેતાએ અદાલતમાં કહ્યું હતું કે અદાલત જે કોઈ ચુકાદો આપે તેની સામે કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી અને એ પછી હળવેથી ઉમેર્યું હતું કે મૂળભૂત અધિકારનાં નામે સંબંધોની છૂટ આપતી વખતે એટલું ધ્યાનમાં રાખવામાં આવે કે પરિવારની અંદર ભાઈ-બહેન વચ્ચે લગ્ન કરવાની છૂટ આપવામાં ન આવે.

આવો તો કોઈ પ્રશ્ન જ નથી. સગોત્ર સંબંધ જુદી વાત છે અને સમલિંગી સંબંધ એ જુદી વાત છે. આ જાતીય વલણનો પ્રશ્ન છે અને એ દરેક વ્યક્તિ અલગ અલગ ધરાવી શકે છે. વાત્સાયન અને બીજા પ્રાચીન મનીષીઓએ જાતીય વિમર્શ કર્યો છે, એમાં પણ સમલિંગી સંબંધની વાત આવે છે. જગત આખાની આ વાસ્તવિકતા છે અને તેની સામે આંખ આડા કાન કરવાનો કોઈ અર્થ નથી. અત્યાર સુધી તેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો તેને કારણે અનેક અનર્થો થયા છે, એમ સર્વોચ્ચ અદાલતની ખંડ પીઠના એક જજ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું. ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે બે સજાતીય સંબંધ રાખનાર યુવક મરીન ડ્રાઈવ પર ફરતા હોય ત્યારે તેના મનમાં પોલીસનો ડર ન રહેવો જોઈએ. તેઓ કોઈ પાપ નથી કરતા અને ગુનો હોવાનો તો સવાલ જ નથી. તેઓ જાતીય સંબંધ એકબીજાની સંમતિ સાથે ધરાવે છે. તેઓ બન્ને પુખ્ત છે અને તેઓ બન્ને ખાનગીમાં ચાર દીવાલની અંદર જાતીય સંબંધ રાખે છે. સમાજને આની સામે શા માટે વાંધો હોવો જોઈએ?

જોઈએ અદાલત શું ચુકાદો આપે છે. આગળ સેક્શન ૩૭૭ જેવા હજુ બીજા ઘણા કાયદાઓ જુનવાણી અને કાલબાહ્ય છે જેને રિવ્યુ કરવાની અને રદ્દ કરવાની જરૂર છે. નીતિ આયોગના એક સભ્ય વિવેક દેબરોયે જુનવાણી અને કાલબાહ્ય કાયદાઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. કેન્દ્ર સરકારે તેમની મદદ માગવી જોઈએ.

સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 15 જુલાઈ 2018

Loading

‘રચનાર તેનો વર’

દીપક મહેતા|Opinion - Literature|15 July 2018

કાળચક્રની ફેરીએ

પુસ્તકના ટાઈટલ પેજ પર પુસ્તકના નામ પછી છાપ્યું છે: ‘રચનાર તેનો વર.’ લેખકનો પરિચય આ રીતે આપવામાં આવ્યો હોય, તેવું બીજું કોઈ પુસ્તક આપણી ભાષામાં તો છપાયું હોવાનું જાણ્યું નથી. અને આ પુસ્તકનો લેખક કોઈ અદકપાંસળી, વહુઘેલો, પ્રસિદ્ધિભૂખ્યો યુવાન નહોતો. બાવન વર્ષનો ઠરેલ પ્રૌઢ હતો. અને તે પણ સાહિત્ય, સમાજ સુધારો, કેળવણી, સરકારી નોકરી, વગેરે ક્ષેત્રે કરેલી ઉજળી કામગીરીને કારણે અમદાવાદમાં જ નહિ આખા ગુજરાતમાં પણ પાંચમાં પૂછાતો એવો, અંગ્રેજ સરકાર પાસેથી ‘રાવસાહેબ’ અને સી.આઈ.ઈ.નો ખિતાબ મેળવનાર જણ હતો. એનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૨૯-૧૮૯૧). અને જે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે પોતાની ઓળખાણ ‘રચનાર તેનો વર’ તરીકે આપી છે તે પુસ્તકનું નામ ‘પાર્વતીકુંવર આખ્યાન.’ કોણ હતી આ પાર્વતીકુંવર? નારીવિમુક્તિની વાત પણ આપણે ત્યાં શરૂ થઇ તે પહેલાં આપબળે અને પતિની સહાયથી ઘણાંબધાં રૂઢિ, વહેમ, અંધશ્રદધા, વગેરેમાંથી મૂંગે મોંએ મુક્તિ મેળવનાર એક સ્ત્રી, જે મહીપતરામની પત્ની હતી. પત્નીના વિયોગમાં કે વિરહમાં કાવ્યો કે લેખો લખનારા લેખકોની આપણે ત્યાં ખોટ નથી. પણ પારકી નહિ પણ પોતીકી પત્નીનું જીવનચરિત્ર લખનારા લેખકો કેટલા?

પોતાના લગ્નજીવનની કેટલીક વાતો મહીપતરામે અહીં નિખાલસતાથી લખી છે, પત્નીના સ્વભાવ, રહેણીકરણી, આચાર-વિચાર વગેરેની વિશિષ્ટતાઓની વાત ભલે મન્દ્ર સપ્તકમાં, પણ લખી છે. એ દૃષ્ટિએ તો આ પુસ્તક મહત્ત્વનું છે જ. પણ ૧૯મી સદીના કેટલાક દાયકાના કુટુંબજીવન અને સમાજજીવનનો આછો, પણ ઓછો નહિ, તેવો પરિચય પણ તેમાંથી મળી રહે છે, એટલે આપણાં સમાજ અને સંસ્કૃિત વિષે સમાજશાસ્ત્રીય અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને માટે પણ આ પુસ્તક ઉપયોગી થાય તેમ છે. અલબત્ત, અહીં જે વાત છે તે એ વખતના  સમાજમાં શિક્ષણ, સુધારો, વગેરે ક્ષેત્રે અગ્રણી રહેલી એક જ્ઞાતિના શહેરી કુટુંબની છે. એટલે અહીં જે ચિત્ર જોવા મળે છે તે એ વખતના ગુજરાતમાં સર્વવ્યાપી હતું એમ માનવાની ભૂલ કરવા જેવું નથી..

અહીં જે ચિત્ર જોવા મળે છે તે કેવું છે? પાર્વતીકુંવરનો જન્મ ૧૮૩૦માં. ચાર વર્ષનાં થયાં ત્યારે માતાનું અવસાન. મહીપતરામે દોઢ વર્ષની ઉંમરે માતા ગુમાવેલાં. મોટું સંયુક્ત કુટુંબ એટલે નાની (માતાની માતા) પાસે ઉછેર. પિતા વસંતરાય એ વખતના ઘણા નાગરોની જેમ ફારસી ભણેલા. ‘સાધારણ લોક જેવા વહેમી ન હતા.’ (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) મહીપતરામનું કુટુંબ પણ સમાજમાં અગ્રણી ગણાય તેવું. છતાં બંને કુટુંબોને બાળવિવાહ અંગે કશો વાંધો નહિ હોય એટલે પાર્વતીકુંવર પાંચ વર્ષનાં, અને મહીપતરામ છ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન થયાં. અલબત્ત, લેખક કહે છે કે ‘પરણવું એટલે શું તે હમે બહુ સમજતાં નહિ.’ સુરતમાં બંને કુટુંબનાં ઘર સામસામે આવેલાં, એટલે સુરતની મોટી આગમાં બંને ઘર બળી ગયાં. વસંતરાયને એક દીકરો અને ત્રણ દીકરી. દીકરો નાની વયે ગુજરી ગયો. પણ ત્રણ દીકરીઓ પર પિતાને અભાવ નહિ. લેખક કહે છે: “બાળા એટલી જ્વાળા એવું તે માનતા નહિ. દિકરા સમાન ગણી તેમના પર હેત કરતા.” એ જમાનામાં આવું વલણ અપવાદરૂપ ગણાય. પાર્વતીકુંવર નિશાળમાં ભણવા ગયાં નહોતાં, પણ વાંચી-લખી શકતાં. ઘણાં આખ્યાન વગેરે કંઠસ્થ. અઢાર વર્ષની ઉંમર સુધી સંતાનનો જન્મ ન થયો એટલે (અગ્રણી જ્ઞાતિના અગ્રણી કુટુંબમાં પણ) “એનું માન ઘટ્યું. અને સાસરિયાંની અપ્રીતિ વધી.”

મહીપતરામ ભણવા માટે મુંબઈ આવ્યા ત્યારે પાર્વતીકુંવર પણ તેમની સાથે. ત્યારે તેમની ઉંમર એકવીસ વર્ષની. “મુંબાઈમાં ઘર માંડ્યું ત્યારથી અમે બંને ખરેખર એકત્ર થઇ ગયાં.” સંતાનપ્રાપ્તિ માટે ધાગાદોરા, બાધાઆખડી પર વિશ્વાસ નહિ. મુંબઈની પડોશી સ્ત્રીઓએ એક ગોરનું મંત્રેલું પાણી પીવા કહ્યું. પતિ સાથે ચર્ચા કર્યા પછી પાર્વતીકુંવરે કહ્યું કે ડોક્ટર ભાઉ દાજી(મુંબઈના અગ્રણી ડોક્ટર અને સમાજ સુધારક)ને પાણી દેખાડીએ અને તેઓ હા પાડે તો જ હું પીઉં. આવી શરતે પાણી આપવાની ગોરે ના પાડી. પાર્વતીકુંવરે કશી અવઢવ વગર પાણી ન પીધું. શુકન-અપશુકનમાં પણ પાર્વતીકુંવર માનતાં નહિ. ૨૬ વર્ષની વયે પહેલી વાર સગર્ભા બન્યાં. સુવાવડ માટે સુરત જવા નીકળતાં હતાં ત્યારે ઘરની બહાર નીકળતાં બિલાડી આડી ઊતરી. પડોશીઓ કહે કે આ તો અપશુકન થયાં. આજે ન જવાય, કાલે જજો. પણ પાર્વતીકુંવરે કહ્યું કે હું એવાં શુકન-અપશુકનમાં માનતી નથી. અને તેઓ પિયર જવા નીકળી ગયાં.

પણ સામાજિક રૂઢિ-બંધનોની પરવા કર્યા વગર પાર્વતીકુંવર પતિની પડખે ઊભાં રહ્યાં તે તો મહીપતરામ વિલાયત ગયા ત્યારે. મહીપતરામ મુંબઈથી વિલાયત જવા નીકળ્યા ત્યાં સુધીમાં સમાજના અમુક વર્ગે તેમનો ઉગ્ર વિરોધ કરેલો. પણ પત્નીએ તેમને કહ્યું: “મારો વિચાર ફર્યો નથી; લોક અનેક પ્રકારની ઘણી ધાસ્તી બતાવે છે; આખો જન્મારો નાત બહાર રહેવું પડશે, છોકરાને કન્યા નહિ મળે, તેથી પાછળ વંશ રહેશે નહિ, દરિયામાં ડૂબવાની બીક બતાવે છે; એમ ઘણી રીતિ બીવડાવે છે પણ મારી હિંમત ઓછી થઇ નથી.” મુંબઈ રહેતાં ત્યારે ત્યાંની કેટલીક ગુજરાતી શાળાઓ તપાસવા માટે, છોકરીઓને ઇનામ આપવા માટે, પાર્વતીકુંવર જતાં. મહીપતરામ ઈન્ગલંડના પ્રવાસેથી પાછા ફર્યા પછી કેટલેક વખતે અમદાવાદ સ્થાયી થયા. ત્યારે અમદાવાદના કલેકટર મિસ્ટર ઓલિફન્ટની પત્નીની આગેવાની નીચે કેટલીક સ્ત્રીઓએ કન્યા કેળવણીનું કામ હાથમાં લીધું તેમાં પાર્વતીકુંવર સ્વેચ્છા અને હોંશથી જોડાયાં. તેને કારણે કેટલીક અંગ્રેજ સ્ત્રીઓ સાથે તેમણે કામ કર્યું. વખત જતાં તેમની સાથે પત્ર-વ્યવહાર પણ કર્યો. (અલબત્ત, અંગ્રેજીમાં લખાયેલા પત્રોનો અર્થ મહીપતરામ કરી સંભળાવાતા, અને પાર્વતીકુંવર ગુજરાતીમાં જે જવાબ બોલે તેનો અંગ્રેજીમાં તરજુમો કરી મહીપતરામ પત્ર લખતા. મુંબઈમાં હતાં ત્યારે પાર્વતીકુંવરે અંગ્રેજી ભાષા શીખવાનું શરૂ કરેલું, પણ પતિ તરફથી પ્રોત્સાહન ન મળતાં છોડી દીધેલું. લેખક કહે છે: “આ મારી ભૂલને માટે તે મને ઘણી વાર ઠપકો દેતી.” મહીપતરામની બદલી સુરત થતાં ત્યાંના કલેકટર સર હોપની પત્નીને મળવા જાય ત્યારે પાર્વતીકુંવર બૂટ-મોજાં પહેરતાં, જે ગાડીમાં જાય તેના પડદા પાડતા નહિ. આ અંગે તેમની ખૂબ ટીકા થયેલી.

મહીપતરામ અને પાર્વતીકુંવરના મોટા દીકરા અનુભાઈનાં લગ્ન થયાં ત્યારે સાથોસાથ વચલા દીકરાનાં લગ્ન પણ કરી લેવા કુટુંબના કેટલાક સભ્યોએ અને નાતીલાઓએ દબાણ કર્યું. પણ ત્યારે એ બંને બાળવયના હતા. પાર્વતીકુંવરે સૌને સાફ કહી દીધું: “મારે લાવો લેવાને માટે હું મારા દીકરાનો ભવ બગાડવાની નથી. જેથી છોકરાંને આગળ જતાં દુઃખ પડે કે નુકસાન થાય તેવું માબાપે કરવું ન જોઈએ. બાળલગ્ન નુકસાનકારી છે માટે તે હું નહિ કરૂં. વિવાહ ટળવાની બીકથી હું ડરવાની નથી.” મોટા દીકરા અનુભાઈની પત્ની શણગારવહુના અભ્યાસમાં રસ લઇ પાર્વતીકુંવરે તે અંગ્રેજી પણ સારું શીખે એવો આગ્રહ રાખ્યો. પાર્વતીકુંવરના અવસાન પછી થોડા જ વખતમાં તેમની પુત્રવધૂનું પણ અવસાન થયું, ચેમ્બર્સના અંગ્રેજી પુસ્તકનો પુત્રવધૂ  શણગાર વહુએ કરેલો અનુવાદ ‘ટૂંકી કહાણીઓ’ નામે પ્રગટ થયો હતો.

પાર્વતીકુંવરની તબિયત વર્ષોથી નરમગરમ રહેતી. ૧૮૭૯-૧૮૮૦ના અરસામાં તેમની તબિયત વધુ લથડી. કોઈ ડોક્ટરની દવા અસર કરતી નહોતી. એક દિવસ અંતકાળ નજીક આવ્યો છે એમ લાગતાં પાર્વતીકુંવરની બહેને ગૌદાન અપાવવા માંડ્યાં. તેની ખબર પડતાં પાર્વતીકુંવરે કહ્યું કે હું તેમાં માનતી નથી. પછી પતિને કહ્યું કે પ્રાર્થના સમાજને ચાર પ્રાર્થના માળા આપો. તે પછી થોડે દિવસે, ૧૮૮૦ના જુલાઈની ૧૪મી તારીખે ૪૯ વર્ષની ઉંમરે પાર્વતીકુંવરનું અવસાન થયું.

પણ આ પુસ્તક પ્રગટ ક્યારે થયેલું? આપણા ધરખમ સંશોધક અને વિવેચક ડો. રમેશ મ. શુક્લ પણ આ પુસ્તકની પહેલી આવૃત્તિની નકલ મેળવી શક્યા નહોતા. એટલે તેમના દ્વારા સંપાદિત અને ગુજરાત સાહિત્ય અકાદેમી દ્વારા પ્રકાશિત ‘મહીપતરામ ગ્રંથાવલી’ના પહેલા ખંડમાં તેમણે ૧૮૮૧માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ સમાવી છે. તેની પાંચ હજાર નકલ અમદાવાદના યુનાઈટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સીના છાપખાનામાં છપાઈ હતી. પણ કેટલાક આંતરિક સંદર્ભોને આધારે આપણે પહેલી આવૃત્તિની પ્રકાશન સાલ અંગે અનુમાન કરી શકીએ તેમ છે. અગાઉ જોયું તેમ પાર્વતીકુંવરનું અવસાન ૧૮૮૦ના જુલાઈમાં થયું એટલે તે પછી જ પહેલી આવૃત્તિ પ્રગટ થઇ હોઈ શકે. બીજી આવૃત્તિમાં લેખકે પહેલી આવૃત્તિનો પાઠ જેમનો તેમ રાખ્યો છે. તેઓ લખે છે: “પોતાની ઇન્ગ્રેજી વાચનની ચોપડીમાંથી વહુએ મનોરંજક વિષય બુદ્ધિપ્રકાશ નામે માસિક ગ્રંથને માટે ગૂજરાતીમાં તૈયાર કર્યો છે. એ મરણના થોડા દિવસ આગળ જાણી પાર્વતીકુંવરે આનંદ પામી મને કહ્યું કે તે છપાય ત્યારે મને બતાવજો. પણ અફસોસ! તે જોવાને તેનાથી જીવાયું નહિ.” એ પછી બીજી આવૃત્તિમાં ફૂટનોટ ઉમેરીને લેખક કહે છે: “અફસોસ! એ પ્રિય તરુણી તા. ૧૯ મે ૧૮૮૧ વૈસાખ વદ છઠને દિવસે અકાલ મૃત્યુ પામી. એ બાઈની ‘ટૂંકી કહાણીઓ’ નામે ચોપડી પ્રગટ કરવામાં આવી છે તેની બીજી આવૃત્તિ જુઓ.” એટલે કે ‘પાર્વતીકુંવર આખ્યાન’ની  પહેલી આવૃત્તિ ૧૮૮૦ના ઓગસ્ટ અને ૧૮૮૧ના મે મહિનાની વચમાં ક્યારેક પ્રગટ થઇ હોવી જોઈએ.

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

...102030...3,0973,0983,0993,100...3,1103,1203,130...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved