મોહનદાસ કરમચંદ ગાંધીએ ઈ.સ. ૧૯૧૫માં મૂળ અમદાવાદથી નોખા કોચરબમાં અનોખી સંસ્થા સ્થાપી. આ આશ્રમી સંસ્થા માટે ત્રણ નામ – ‘સત્યાગ્રહાશ્રમ’, ‘દેશસેવાશ્રમ’, ‘સેવામંદિર’ – પૈકી કયું નામ રાખવું એ અંગે ખુલ્લાં બારણે અને ઊંચાં ધોરણે ચર્ચા-વિચારણા કરવામાં આવી. આશ્રમના નામકરણ અંગે ગાંધીજી કહે છે : “ … છેવટે સંસ્થાનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું. હેતુ તપાસતાં એ નામ યોગ્ય જ હતું એમ લાગે છે. મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારુ જ જીવવાનો અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે. એ શોધમાં જેટલા સાથી મળે તેઓને ભેળવવાની પણ એટલી જ ઇચ્છા રહેલી છે.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, મે, ૧૯૪૮; પ્રત : ૫,૦૦૦; પૃષ્ઠ : ૭)
મોહનદાસ ગાંધીએ આશ્રમના બંધારણનો મુસદ્દો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કર્યો હતો. જે માત્ર કાચો ખરડો હતો અને મિત્રવર્ગમાં ટીકા સારુ મોકલવા છપાવેલો હતો. આ મુસદ્દો છાપામાં છાપવા સારુ નહોતો. તેમણે કેટલાક આગેવાનોને આશ્રમનો બંધારણ-મુસદ્દો મોકલાવ્યો હતો. જેમાં ગોંડળ રાજ્યના દીવાન રણછોડદાસ પટવારી, મુંબઈના રૂના અગ્રગણ્ય વેપારી અને અર્થશાસ્ત્રી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, જૈન વિદ્વાન અને ફિલસૂફ વીરચંદ શાહ, ગાંધીજીના સાથી ભાઈશ્રી કોટવાલ … વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીએ આ તમામને પત્ર લખીને તેની સાથે આશ્રમી સંસ્થાના બંધારણનો ખરડો મોકલાવ્યો હતો. તે મુસદ્દો વાંચીને સલાહ-સૂચન-અભિપ્રાય-ટીકા મોકલવા માટે ગાંધીએ આ અગ્રજનોને વિનંતિ પણ કરી હતી.
ગાંધીએ સ્વામી શ્રદ્ધાનંદ નામથી વિખ્યાત થયેલા રાષ્ટ્રીય આગેવાન, આર્યસમાજના સક્રિય સેવક, ગુરુકુળ-કાંગડીના સ્થાપક મહાત્મા મુંશીરામ(૧૮૫૬-૧૯૨૬)ને ૧૪ જૂન, ૧૯૧૫ના રોજ એક પત્ર લખ્યો હતો. મોહનદાસે મહાત્માજીને આ પત્રમાં લખ્યું હતું : “હમણાં તો અમદાવાદમાં આશ્રમ ખોલ્યો છે. તેની નિયમાવલી હિંદીમાં તૈયાર થાય છે. તૈયાર થઈ જતાં આપના અભિપ્રાય માટે તે આપની પાસે મોકલવામાં આવશે.” (ગાંધીજીનો અક્ષરદેહ, ગ્રંથ : ૧૩; નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પહેલી આવૃત્તિ, ઓગસ્ટ, ૧૯૬૯; પૃષ્ઠ : ૧૦૧)
સત્યાગ્રહાશ્રમના સુચારુ સંચાલન સારુ નિયમો જરૂરી હતા. આથી, જ નિયમાવલિ ઘડીને તેની ઉપર અભિપ્રાયો માગવામાં આવ્યા હતા. ઘણા બધા અભિપ્રાયો આવ્યા હતા. તેમાં પૂર્વ ન્યાયાધીશ અને બંગાળની રાષ્ટ્રીય શિક્ષણસંવર્ધક સંસ્થા ‘બંગજાતીય વિદ્યાપરિષદ’ના પ્રમુખ સર ગુરુદાસ બેનરજીએ આપેલો અભિપ્રાય ગાંધીજીને ખાસ યાદ રહી ગયો હતો. ગુરુદાસને મોહનદાસની નિયમાવલિ ગમી હતી. પરંતુ તેમણે એક સૂચના ખાસ એ કરી હતી કે, વ્રતોમાં નમ્રતાના વ્રતને સ્થાન આપવું જોઈએ. સર ગુરુદાસના કાગળનો ધ્વનિ એ હતો કે, આપણા યુવકવર્ગમાં નમ્રતાના વ્રતની ઊણપ વર્તાય છે. નમ્રતાનો અભાવ ગાંધી પોતે પણ ઠેકઠેકાણે અનુભવતા હતા. છતાં નમ્રતાને વ્રતમાં સ્થાન દેવાથી નમ્રતા નમ્રતા મટી જવાનો ગાંધીજીને આભાસ આવતો હતો. આથી, નમ્રતાના ગુણને કેન્દ્રમાં રાખીને ગાંધીજીએ ‘આત્મકથા’ (નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ; પુનર્મુદ્રણ એપ્રિલ, ૧૯૯૩; પૃષ્ઠ : ૩૭૯)માં લખ્યું છે : “નમ્રતાનો પૂરો અર્થ તો શૂન્યતા છે. શૂન્યતાને પહોંચવાને અર્થે બીજાં વ્રતો હોય. શૂન્યતા એ મોક્ષની સ્થિતિ. મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જો નમ્રતા – નિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી. તે સ્વાર્થી છે, અહંકારી છે.”
નવસ્થાપિત આશ્રમમાં વ્રતો-સંકલ્પો અને યમો-નિયમો અંગે ગાંધીજી કહે છે : “સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ વગેરે વ્રતો આશ્રમવાસીમાત્રને બંધનકારક હતાં. નાતજાતના ભેદ મુદ્દલ નહોતા રાખવામાં આવ્યા. અસ્પૃશ્યતાને આશ્રમમાં મુદ્દલ સ્થાન ન હતું એટલું જ નહીં, પણ હિંદુ જાતિમાંથી અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્નને આશ્રમની પ્રવૃત્તિમાં મહત્ત્વનું સ્થાન હતું. અને જેમ અસ્પૃશ્યતાને વિષે તેમ જ હિંદુ જાતિમાં સ્ત્રીઓનાં કેટલાંક બંધનો તોડવાને વિષે પણ આશ્રમમાં મૂળથી આગ્રહ રાખવામાં આવ્યો. તેથી આશ્રમમાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા રહેલી છે. વળી હિંદુ મુસલમાન વગેરે જુદા જુદા ધર્મના લોકો વચ્ચે, જેટલો તે તે ધર્મના લોકો વચ્ચે હોઈ શકે, તેટલો જ ભ્રાતૃભાવ રાખવાનો આશ્રમમાં નિયમ થયો.” (‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’, પૃષ્ઠ : ૦૭-૦૮)
વિનોબાએ ‘અહિંસા’ અંગેના પ્રશ્નોનું સમાધાન મેળવવા લખેલા એક પત્રના ગાંધીએ આપેલા વળતા જવાબ અંગે વિનોબા કહે છે : “એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ-પત્રિકા પણ મોકલેલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારે ય આવી નહોતી. એમાં લખ્યું હતું – ‘આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત-અવિરોધી દેશસેવા છે અને એના માટે અમે નીચે લખેલાં વ્રતો જરૂરી માનીએ છીએ.’ નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશવ્રતોનાં નામ લખ્યાં હતાં. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસનાં ઘણાં થોથાં વાંચી કાઢેલાં, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાં ય ન ભાળ્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિમાર્ગમાં આવે છે, પરંતુ દેશસેવા માટે પણ આવશ્યક હોય છે, એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, ‘તું અહીં ચાલ્યો આવ.’ અને હું બાપુની પાસે પહોંચી ગયો.” (‘અહિંસાની ખોજ : વિનોબાની જીવન-ઝાંખી વિનોબાના શબ્દોમાં’; સંકલન-સંપાદન : કાલિન્દી, અનુવાદ : મીરા ભટ્ટ; યજ્ઞ પ્રકાશન, વડોદરા; પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૧૯૯૫; બીજી આવૃત્તિ, ઓક્ટોબર, ૨૦૦૬; પ્રથમ પુનર્મુદ્રણ, નવેમ્બર, ૨૦૧૩; પૃ. ૬૦-૬૧)
ગાંધીજી માટે આશ્રમ એ પ્રયોગભૂમિ છે. તેઓ સંસ્થાનાં વ્રતો-નિયમોને આકાર આપતાં પહેલાં તેને ચર્ચાના ચાકડે ચડાવે છે. ગાંધીજી સાચા હિંદ સ્વરાજનું એક વચન આપનાર પહેલા પુરુષ છે, પણ ગાંધીજી એટલે ‘પ્રથમ પુરુષ એકવચન’ નહીં! પ્રજાના નમ્રસેવક એવા ગાંધી વ્યાપક જનમતની સામેલગીરી ઇચ્છે છે. ગાંધીકર્મમાં મિત્રો-મુરબ્બીઓ-મહાનુભાવોની ટીકા-ટિપ્પણીને વિશેષ સ્થાન છે. આશ્રમના બંધારણના મુસદ્દામાં ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખવામાં આવ્યું હતું કે, “આ આશ્રમનો ઉદ્દેશ જન્મપર્યંત દેશસેવા કરતાં શીખવાનો અને કરવાનો છે.” આશ્રમના બંધારણની પત્રિકા થકી પણ વ્રતવીર ગાંધી દેશસેવાની પ્રતીતિ કરાવી શક્યા છે. આથી જ, વિકલ્પે બંગાળની ક્રાંતિ અથવા હિમાલયની શાંતિ ચાહતા નવયુવક વિનોબા સંકલ્પે અમદાવાદના કોચરબ આશ્રમે પહોંચ્યા એ ઘટના ભૌગોલિક નહીં, પણ ઐતિહાસિક હતી !
સંપર્ક : પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪
સૌજન્ય : 'નિરીક્ષક', ૧૬-૦૭-૨૦૧૪, પૃષ્ઠ : ૧૦-૧૧; પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૮-૨૦૧૪; અંક : ૨૫૧, પૃષ્ઠ : ૦૯-૧૦-૦૮
![]()



Soulmates : The Story of Mahatma Gandhi and Hermann Kallenbach; By Shimon Lev; Orient Blackswan Private Limited 2012; First Published 2012
