Opinion Magazine
Number of visits: 9581022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહુ મોડું થાય અને વધુ નુકસાન થાય એ પહેલાં સરકારે ખેડૂતોને સાંભળવા જોઈએ અને તેમની સમસ્યા ઉકેલવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|4 June 2018

ઉત્તર પ્રદેશમાં કૈરાનામાં લોકસભાની પેટા ચૂંટણીમાં બી.જે.પી.ના થયેલા પરાજય માટે સ્થાનિક લોકો કહે છે કે ગન્ના(શેરડી)ને જિન્નાહ કો હરાયા. કહેવાનું તાત્પર્ય એ કે દેશભરમાં ખેડૂતો ખેતીને લગતા અનેક પ્રશ્ને દુ:ખી છે અને આંદોલિત છે ત્યારે શાસક પક્ષ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મહમ્મદ અલી જિન્નાહની તસ્વીર હટાવવાની ક્ષુલ્લક વાતને વિવાદનો મુદ્દો બનાવ્યો હતો. તેમને એમ લાગતું હતું કે રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવતા રહીશું મતદાતાઓ પેટના પ્રશ્નો ભૂલી જશે. આ દેશપ્રેમ પણ એક લક્ઝરી છે. જેના પેટ ભરાયેલા હોય અથવા દશપ્રેમ દ્વારા જેના પેટ જરૂરત કરતાં પણ વધુ ભરાતા હોય, એવા લોકો તારસ્વરે દેશપ્રેમની ગર્જના કરતા હોય છે. બીજા પ્રકારના લોકો માટે દેશપ્રેમ એક ધમધમતો ઉદ્યોગ છે.

અહીં બે ફિલ્મ જોવાની ભલામણ કરું છું; એક હમણાં જ રિલીઝ થયેલી મેઘના ગુલઝારની ‘રાઝી’ ફિલ્મ, જેમાં ગળા ફાડીને પ્રદર્શિત કરવામાં આવતા ઘોંઘાટિયા દેશપ્રેમ કરતાં નક્કર ટકોરાબંધ સો ટચના સોના જેવો દેશપ્રેમ જોવા મળશે. કોઈ નિંદા નહીં, કોઈ અભિનિવેશ નહીં, માત્ર મિશન. મિશન છે દેશનું હિત. બીજી ફિલ્મ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ પર આધારિત સત્યજીત રાયની એ જ નામની ફિલ્મ છે. એમાં ત્રાડો પાડીને પ્રજાને ઉશ્કેરનારો દેશપ્રેમી જ્યારે ખરાખરીનો વખત આવ્યો, ત્યારે કઈ રીતે પ્રજાને રામભરોસે મૂકીને નાસી જાય છે એની કથા છે. એ વખતે પ્રજાના પડખે એ માણસ ઊભો રહે છે જેને આજકાલના યુગમાં દેશપ્રેમીઓ કાયર અને સુડો સેકયુલરિસ્ટ તરીકે ઓળખાવે છે.

પણ એ વાત અહીં જવા દઈએ. ચર્ચાનો મુદ્દો એ છે કે ભાવનાત્મક મુદ્દાઓ ઉછાળી ઉછાળીને ક્યાં સુધી યોગક્ષેમના વાસ્તવિક પ્રશ્નોને કાર્પેટ તળે ધકેલી શકાશે? કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી દેશભરના ખેડૂતોએ છ મહિના રાહ જોઈ હતી કે નવી સરકાર કાંઈક કરશે. સ્વામીનાથન કમિશનની ખેતપેદાશોના ભાવ ઠરાવવાને લગતી મહત્ત્વની ભલામણ સ્વીકારવામાં આવશે, એવું નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું. વચન એક નહીં અનેકવાર આપવામાં આવ્યું હતું. સ્વામીનાથન કમિશને ખેતપેદાશની પડતર કિંમત ગણવાને લગતી જે એકેડેમિક મેથડ અપનાવી હતી, એનું દેશી ભાષામાં સરળીકરણ કરીને ત્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કહેતા હતા કે એના માટે થોથા વાંચવાની ક્યાં જરૂર છે. લાગત વત્તા શ્રમ એ પડતર કિંમત અને તેના ચાર ગણા ભાવ આપવાના. કોંગ્રેસના શાસકો બેઈમાન છે એટલે એકેડમિક મેથડનો આશરો લે છે, બાકી જો ઈરાદો હોય અને ઈમાન હોય તો ચપટી વગાડતા ખેડૂતોને ન્યાય કરી શકાય. ખેડૂતોએ ત્યારે ભરોસો મૂક્યો હતો અને છ મહિના વાટ જોઈ હતી.

આવી જ રીતે સેનાના નિવૃત્ત જવાનોને તેમણે ચપટી વગાડતાં વન રેન્ક વન પેન્શન આપવાનું વચન આપ્યું હતું. તેમણે એક ક્ષણ માટે પણ વિચાર નહોતો કર્યો કે શા માટે ઇન્દિરા ગાંધી જેવા ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશનું યુદ્ધ જીત્યા પછી એ સમયના લશ્કરી પાંખના વડાઓને વિશ્વાસમાં લઈને વન રેન્ક વન પેન્શનની જોગવાઈ રદ કરી હતી. આ બધા વિચાર એણે કરવાના હોય જે શાસક તરીકે ગંભીર હોય. નરેન્દ્ર મોદી શાસક તરીકે ગંભીર ત્યારે પણ નહોતા, અને આજે પણ નથી, એ મારું નમ્રતાપૂર્વકનું તથ્યો આધારિત નિવેદન છે.

તો નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી લશ્કરી જવાનોએ અને ખેડૂતોએ છ મહિના રાહ જોઈ હતી અને છ મહિનામાં જ્યારે ખાતરી થઈ ગઈ કે સરકાર ગંભીર નથી ત્યારથી તેઓ બન્ને આંદોલિત છે. જી હા, સાડા ત્રણ વરસથી લશ્કરી જવાનો અને ખેડૂતો રસ્તા પર છે. ખોળામાં બેસી ગયેલા બીકાઉ પત્રકારો તેના વિષે વાત નથી કરતા અને વખત આવ્યે નાસી જનારા દેશપ્રેમીઓ બીજા ફાલતું વિષયે ઘોંઘાટ કરી રહ્યા છે, એનો અર્થ એવો નથી કે વાસ્તવિકતા મટી ગઈ છે. સતાવનારી વસ્તવિકતાઓને અન્ય ઘોંઘાટમાં દબાવી દેવી, કાર્પેટ તળે ધકેલી દેવી અને તેનો સામી છાતીએ સામનો કરવો એમાં જમીન-આસમાનનો ફરક છે. ભલે સફળતા ન મળે પણ પ્રયાસ તો કર્યો! પ્રજા પણ પ્રયાસની નોંધ લેતી હોય છે.

આજે ખેડૂતોને મેસેજ એવો ગયો છે કે આ સરકાર તેમની સમસ્યાની બાબતે ગંભીર નથી. ગંભીર નથી એટલે ત્યાં સુધી ગંભીર નથી કે વડા પ્રધાને, આય રિપીટ, વડા પ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરી દીધી હતી કે ૨૦૨૨ સુધીમાં ખેતીની આવક અર્થાત્‌ કૃષિવિકાસદર બમણો કરવામાં આવશે. બોલતા પહેલાં બે ડાહ્યા માણસને પૂછ્યું હોત તો તેમણે આવું બોલતા વાર્યા હોત. કૃષિવિકાસદર બમણો કરવો હોય તો ૧૪ ટકાનો વિકાસદર જોઈએ અને આખી ૨૦મી સદીમાં આ જગતના કોઈ દેશે એટલો વિકાસદર હાંસિલ કર્યો નથી, એમ આસુતોષ વાર્શનેય જેવા જાગતિક કીર્તિ ધરાવતા વિદ્વાન કહે છે. હરિયાળી ક્રાંતિના યુગમાં પણ નહીં, જ્યારે આજે તો અનેક દેશોમાં કૃષિવિકાસદર નેગેટિવ છે. જ્યારે ફેંકવું જ હોય અને ફેંકવાથી પ્રજા મુઠ્ઠીમાં રહેવાની છે, એની ખાતરી હોય ત્યારે તથ્યો ચકાસવાની માથાકૂટમાં કોણ પડે. આ વરસના બજેટમાં ખેડૂતોને તેની ખેતપેદાશની પડતર કિંમત પર દોઢ ગણો ટેકાનો ભાવ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ પડતર કિંમતની ગણતરીની પદ્ધતિ બદલી નાખવામાં આવી છે. વડા પ્રધાને જે દેશી હિસાબની વાત કરી હતી, તેના કરતાં જુદી રીતે. આ છેતરપિંડી હતી અને ખેડૂતો એ જાણે છે.

ધીરે-ધીરે કરતાં ખેડૂતોનું સ્થાનિક અંદોલન રાષ્ટ્રીય બનવા લાગ્યું છે. દસ કરતાં વધુ રાજ્યોમાં ૧૧૦ સંગઠનોએ ગાંવબંધી કરી છે, એટલે કે તેઓ તેમનું ઉત્પાદન ગામની બહાર મોકલતા નથી અને તેમાં દૂધનો પણ સમાવેશ થાય છે. ફેંકી દેશું કે ઢોળી નાખશું પણ લૂંટાશું નહીં એવી તેમની માંગણી છે. આ માગણીમાં ખોટું શું છે? કયો વેપારી કે ઉદ્યોગપતિ ખોટ કરીને દેશની સેવા કરે છે? આટલાં બધા રાજ્યોમાં એકસાથે આંદોલન ચાલતું હોય, ૧૧૦ જેટલા સંગઠનો સંગઠિત થયા હોય અને દિવસો વીતે એમ આંદોલન વિસ્તરતું હોય, ત્યારે કોઈ પણ શાસક તેને ગંભીરતાથી લે, પણ આપણા અત્યારના શાસકો તો વિલક્ષણ છે.

હરિયાણાના મુખ્ય પ્રધાન કહે છે કે ખેડૂતોનું આંદોલન એ નોંધ લેવી જોઈએ એવો મુદ્દો જ નથી. એ નોન-ઈશ્યુ છે. કેન્દ્રના કૃષિ પ્રધાન કહે છે કે ખેડૂતોનું આંદોલન એ આંદોલન નથી, પણ સ્ટંટ છે. કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કહે છે કે આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. જો એમ હોય તો શાસક પક્ષે કોંગ્રેસને હસી કાઢવાની જગ્યાએ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. કોંગ્રેસમાં એટલી શક્તિ આવી ગઈ છે કે તે એક ડઝન રાજ્યોમાં લોકોને એક સાથે આંદોલિત કરી શકે છે. ડહાપણભર્યું નિવેદન એક માત્ર કેન્દ્રના ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કર્યું છે. તેમણે કહ્યું છે કે કૃષિ સમસ્યા અત્યંત પેચીદી સમસ્યા છે એટલે તેને ગંભીરતાથી સમજવી પડશે અને ઉકેલવી પડશે. નીતિન ગડકરીનું નામ આજકાલ ૨૦૧૯ પછીના વડા પ્રધાન તરીકે લેવામાં આવે છે એ યોગાનુયોગ નથી. અને વડા પ્રધાન? તેઓ હંમેશ મુજબ ચૂપ છે, વિદેશયાત્રાએ છે અને ફિઝિકલ ફિટનેસ વિષે મંત્ર આપે છે. તેમની પાસે શાસન સિવાય દરેક કામ માટે સમય છે.

ખેડૂતો, યુવાનો, દલિતો અને સ્ત્રીઓ ૨૦૧૯નો ખેલ બગાડી નાખે તો આશ્ચર્ય નહીં.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જૂન 2018

Loading

ઇટાલિયન લેખક ઉમ્બેર્તો ઇકો સમજાવે છે કે ફાસીવાદ એટલે શું? એ અંગે આપણે ય વિચારવાનું છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 June 2018

‘ઉર ફાસિઝ્મ’ નિબંધ  આપણા દેશ માટે પ્રસ્તુત ન બને તે સાચવવાનું છે ….

બીજા વિશ્વયુદ્ધનું એક કારણ બનનાર ફાસીવાદી વિચારધારા વિશે ઇટાલિયન નવલકથાકાર-ચિંતક ઉમ્બેર્ટો ઇકો(૧૯૩૨-૨૦૧૬)એ લખેલા દીર્ઘનિબંધનો સાર એક મરાઠી સામયિકમાં અને પછી મૂળ અંગ્રેજી પાઠ ઇન્ટરનેટ પર વાંચવા મળ્યો. પશ્ચિમના અગ્રણી બૌદ્ધિક ઉમ્બેર્ટોએ સેમિઑટિક્સ (ચિહ્નશાસ્ત્ર), ભાષાવિજ્ઞાન, માનવવંશશાસ્ત્ર, સમૂહમાધ્યમો, મધ્યયુગનું સૌંદર્યશાસ્ત્ર, સાહિત્યવિવેચન જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. યુરોપની અનેક યુનિવર્સિટીઓમાં ભણાવી ચૂકેલા ઉમ્બેર્ટો મોટા પુસ્તકપ્રેમી હતા. મિલાન અને ઉર્બિનોનાં ઘરોમાં થઈને તેમણે પચાસ હજાર જેટલાં પુસ્તકો વસાવેલાં. આ પ્રકાંડ વિદ્વાનને ચિત્રકથા એટલે કે કૉમિક્સમાં બહુ રસ હતો, એટલું જ નહીં પણ તેમણે બાળસાહિત્ય પણ લખ્યું છે. તેમની સહુથી જાણીતી નવલકથા ‘ઇન ધ નેઇમ ઑફ ધ રોઝ’નો ‘ખાલી નામ ગુલાબ કા’ નામે મદન સોનીએ કરેલો અનુવાદ રાજકમલ પ્રકાશને બહાર પાડ્યો છે.

હિટલર અને સ્ટાલિનની હરોળના ફાસીવાદી શાસક એવા ઇટાલીના મુસોલિની (૧૮૮૩-૧૯૪૫)ના અંત વખતે ઉમ્બેર્ટો તેર વર્ષનાં હતા. પોતાની કિશોરાવસ્થાનાં વર્ષોમાં મુસોલિનીનાં વાગ્મિતાભર્યા ભાષણોનાં પ્રભાવ, મુસોલિનીના જુલાઈ ૧૯૪૩માં થયેલાં અંત અને ત્યાર બાદ ફાસીવાદ વિશે ઉઘડતી ગયેલી પોતાની સમજનાં સંભારણાંથી ઉમ્બેર્ટો પોતાના ફાસીવાદ વિશેના નિબંધની શરૂઆત કરે છે. ત્યાર બાદ આંતરાષ્ટ્રીય પરિસ્થિતિની વાત છે, અને બાકીના ભાગમાં ફાસીઝમની છણાવટ છે. ‘ન્યુ યૉર્ક રિવ્યૂ ઑફ બુક્સ’માં ૧૯૯૬માં પ્રસિદ્ધ થયેલાં આ દીર્ઘનિંબધનું નામ છે ‘ઉર ફાસિઝમ’. આ શબ્દસમૂહનો અર્થ ઉમ્બેર્ટો આપે છે ‘ઇટર્નલ ફાસીઝમ’ એટલે કે શાશ્વત ફાસીવાદ. પછી તે વિચારધારાના ચૌદ લક્ષણો વર્ણવે છે. [ઉક્ત નિબંધ નીચે આપીએ છીએ : વિ.ક.]

તેમાંનું પહેલું લક્ષણ છે તે પરંપરાવાદ. ફાસીવાદીઓ પરંપરાને સનાતન સત્યનો સ્રોત ગણે છે અને તેને પરિણામે તેઓ નવું જ્ઞાન મેળવવા તરફ વિમુખ હોય છે. તેમાં જ સમાયેલું બીજું લક્ષણ તે આધુનિકતાનો અસ્વીકાર. ફાસીસ્ટો ટેક્નોલૉજિને પૂજે છે, અને છતાં વિજ્ઞાન અને ટેક્નોલૉજિ અધ્યાત્મિક મૂલ્યોના વિરોધમાં છે એવું માને છે. ફાસીવાદ આધુનિકતાના ઇન્કારમાં ફ્રેન્ચ ક્રાન્તિના અને જ્ઞાનપ્રકાશના સ્પિરિટને નકારે છે. ત્રીજું લક્ષણ છે તે ‘એક્શન ફૉર એક્શન્સ સેઇક’ એટલે કે બસ કંઈક કરી નાખવાનું, તેના પહેલા કે પછી કોઈ વિચાર કરવાનો નહીં, કારણ વિચાર એટલે દુર્બળતા. એટલા વિચાર કરનાર વર્ગ કે બૌદ્ધિક વિશ્વ માટે સંદેહ અને નકારાત્મક વલણ. ચોથા ક્રમે છે સમરસતાનો એવો આગ્રહ જેમાં ભિન્ન મતનો જાકારો સમાયેલો હોય. વૈજ્ઞાનિક વિચારણા ક્રિટિકલ અભિગમથી ભેદ પાડતા શીખવે છે. ફાસિઝમ માટે ‘મતભેદ એટલે દેશદ્રોહ’. ફાસીવાદ બીજા પ્રત્યેના માનવસહજ પ્રકૃતિગત ભયને વધુ મોટો બતાવીને તેનો ઉપયોગ કરે છે. અન્ય લોકો, બહારના લોકોને, ઘુસણખોરો ગણી તેમના વિરોધમાં લાગણીઓ ઉશ્કેરવી એ ફાસીવાદનું એક ધ્યેય અને તેનું પાંચમું લક્ષણ છે. ફાસીવાદ વ્યક્તિગત અને સામાજિક હતાશામાંથી જન્મે છે જે તેનું છઠ્ઠું લક્ષણ છે. આર્થિક ભીંસ, રાજકીય રીતે ઉપેક્ષા અને પોતાની નીચેના વર્ગોના દબાણના ભય વચ્ચે જીવતો હતાશ મધ્યમવર્ગ ફાસીવાદનો ભોગ બને છે એમ આ વિચારધારાનો ઇતિહાસ બતાવી આપે છે. સાતમું લક્ષણ તે પોતાની વિરુદ્ધ સતત કોઈ કાવતરું, ખાસ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ, રચાઈ રહ્યું હોય તેવું એક વળગણ. લોકોને લાગવું જોઈએ કે તેઓ ઘેરાઈ ચૂક્યા છે. આ ઘેરાવમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો ઝેનોફોબિઆ, એટલે કે બીજા દેશના લોકો તરફ ભયની લાગણી ફેલાવવી. પછીનું લક્ષણ એ કે ફાસીવાદીઓ એવું ફેલાવે છે કે દેશના દુશ્મનો તેમની પાસે આપણા કરતાં ઘણાં વધુ સંપત્તિ અને બળ છે, પણ છતાં આપણે તેમને પરાસ્ત કરી શકીએ.

આવા બેધારા જૂઠાણાંને કારણે ફાસિસ્ટો એમના અનુયાયીઓને દુશ્મનની ચોક્કસ તાકાતનો અંદાજ આવવા દેતા નથી, અને અંતે હારે છે. જીવન માટે સંઘર્ષ નહીં, પણ સંઘર્ષ માટે જીવન એ ફાસીવાદનું નવમું લક્ષણ. એટલે ફાસીવાદી લોકોની દુશ્મન સાથે ખેંચતાણ ચાલુ જ રહે છે, જેને પરિણામે જિંદગી હંમેશની લડાઈ બની જાય છે. એલિટિઝમ એટલે ઉજળિયાતપણું ફાસીઝમનું દસમું લક્ષણ છે. ઐતિહાસિક રીતે સંપન્ન સમૂહમાં તેના લોકો ઉત્કૃષ્ટ છે એવી લાગણી ઊભી કરવામાં આવે. વળી સમાજ આખો એક કોટિક્રમમાં ગોઠવાઈ જાય જેમાં દરેક વ્યક્તિ પોતાનાથી ઉપરનાને ખુશ કરતો હોય અને નીચેવાળાને ખાસડાં મારતો હોય. હિરોઇઝમ ફાસીવાદનું અગિયારમું લક્ષણ. દરેકને વીરનાયક થવાની તાલીમ અપાતી હોય છે. વીરમરણ  જીવન માટેનું સર્વોચ્ચ સન્માન એમ શીખવવામાં આવે છે. ‘લૉન્ગ લિવ ડેથ’ એ ફાસીવાદનું એક સૂત્ર છે. ફાસિસ્ટ હિરો મરવા માટે અધીરો હોય છે, પણ એણે એની અધીરાઈમાં તે બીજાનાં મોત નિપજાવ્યાં હોય એવું ઘણી વાર બન્યું છે.

યૌન અર્થમાં પૌરુષત્વ ફાસીવાદનું બારમું લક્ષણ છે નિરંતર યુદ્ધ અને વીરકાર્ય એ અઘરી લીલા છે. એટલે ફાસીવાદી તેની ઇચ્છાશક્તિને યૌન બાબતો તરફ ટ્રાન્સફર કરે છે. ‘વળી સેક્સ ખુદ જ અઘરી રમત હોવાથી ફાસીવાદી વીરનાયક તે રમત શસ્ત્રોથી રમે છે. શસ્ત્ર ઉગામવું એ જાણે એક વૈકલ્પિક શિશ્નોત્થાન બને છે’, એમ ઉમ્બેર્તો લખે છે.

સિલેક્ટિવ પૉપ્યુલિઝમ અથવા ક્વાલિટેટિવ પૉપ્યુલિઝમ, એટલે કે ગુણવત્તા આધારિત લોકપ્રિયતાવાદ એ તેરમું લક્ષણ. લોકશાહી લોકોને અધિકાર આપે છે. ફાસીવાદ એમ કરતો નથી, તેના માટે લોક એટલે પોતાનો મત ધરાવનાર એક-એક વ્યક્તિ નહીં પણ સમૂહ, ટોળું. સમૂહની ઇચ્છાને એ સ્વીકારે છે, પણ સમૂહની ઇચ્છા એટલે કેટલા લોકોની ઇચ્છા એ ગણી શકાય એમ હોતું નથી, એટલે ફાસિસ્ટ નેતા જ સમૂહની ઇચ્છા નક્કી કરે છે. આ લક્ષણ ફાસીઝમ વિચારધારાને સંસદીય શાસન પદ્ધતિની વિરોધી બનાવે છે.

ન્યૂઝસ્પીકનો ઉપયોગ ફાસીવાદનું ચૌદમું લક્ષણ. આ શબ્દ આપનાર અંગ્રેજી નવલકથાકાર  જ્યૉર્જ ઑરવેલનો ઉલ્લેખ ઉમ્બેર્ટો કરે છે. તેનો અર્થ થાય છે રાજકારણીઓ દ્વારા લોકોને મૂંઝવણમાં રાખવા અને પોતાનો હેતુ સાધવા માટે વપરાતી રૂપકાત્મક અસ્પષ્ટ ભાષા. એ પછી ઇકો કહે છે કે બધાં જ નાઝી કે ફાસિસ્ટ પાઠ્યપુસ્તકોમાં કંગાળ ભાષા અને બાળબોધ કક્ષાની વાક્યરચનામાં લખાયેલાં હોય છે. તેનાથી સંકુલ અને ક્રિટિકલ વિચાર કરવાની બાળકોની ક્ષમતા કુંઠિત થાય  છે. ઉમ્બેર્ટો લખે છે કે સત્ત્યાવીસમી જુલાઈ ૧૯૪૩ની સવારે તે છાપું ખરીદવા ગયા. ફાસીઝમના પતન અને મુસોલિનીની ધરપકડના સમાચાર તો રાત્રે જ રેડિયો પર આવી ચૂક્યા હતા. ઉમ્બેર્ટો લખે છે : ‘છાપાં જોતાં મને પહેલી વાર જાણવા મળ્યું કે મારા દેશમાં અનેક રાજકીય પક્ષો છે. ફ્રીડમ, ડિક્ટેટરશીપ, લિબર્ટિ શબ્દો મેં પહેલી વાર વાંચ્યા. આ શબ્દોના બળે પશ્ચિમના મુક્ત માનવી તરીકે મારો પુનર્જન્મ થયો હતો.’

આપણે આવું કહેવાનો વારો ન આવે તેના માટે જાગતા રહેવાની જરૂર છે. ઉમ્બેર્તોએ બતાવેલાં કેટલાં લક્ષણો આપણા દેશનાં શાસનમાં છે તે પણ તપાસવા જેવું છે.

++++++

૧૭ મે ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 18 મે 2018

http://www.nybooks.com/articles/1995/06/22/ur-fascism/

Loading

તળાવના સમૃદ્ધ લોકવારસાનો નાશ કરીને આપણે જળસંચય અભિયાનો ચલાવીએ છીએ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 June 2018

તળાવના સમૃદ્ધ લોકવારસાનો નાશ કરીને આપણે જળસંચય અભિયાનો ચલાવીએ છીએ

અનુપમ મિશ્રનું ‘આજ ભી ખરે હૈં તાલાબ' પુસ્તક ભારતનાં તળાવો વિશેની સુંદર હાથપોથી જેવું છે: ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નયેં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નયે સમાજકે માથે મેં ભર ગઈ હૈ !’

પર્યાવરણ અને જળસંચયના ગાંધીમાર્ગી અભ્યાસી અનુપમ મિશ્ર (૧૯૪૮-૨૦૧૬) ‘આજ ભી ખરે હૈ તાલાબ' પુસ્તકની શરૂઆતમાં લખે છે : ‘આ સદીના આરંભ સુધી આ દેશમાં કંઈ અગિયારથી બાર લાખ તળાવો આસો મહિનાના પહેલા દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં ભરાઈ જતાં અને પછીના જેઠ મહિના સુધી વરુણ દેવતાની પ્રસાદી વહેંચતાં રહેતાં.' પુસ્તકના છેલ્લા આઠમા પ્રકરણમાં તે કહે છે : ‘ઉપેક્ષા કી આંધી મેં કઈ તાલાબ ફિર ભી ખડે હૈ. દેશ ભર મેં કોઈ આઠ સે દસ લાખ તાલાબ આજ ભી ભર રહે હૈ ઔર વરુણ દેવતા કા પ્રસાદ સુપાત્રોં કે સાથ સાથ કુપાત્રોં મેં ભી બાંટ રહે હૈ.'

આધુનિક શિક્ષણ અને એન્જિનિયરિંગથી બહુ પહેલાં લાખો તળાવો બાંધીને જાળવી જાણનારા સમાજના કુદરત માટેનાં આદર અને માનવજીવન માટેની આસ્થાનું, તેની બુદ્ધિમત્તા અને સહકારનું આ લેખકે આ પુસ્તકમાં ડગલે ને પગલે ગૌરવ કર્યું છે. માટીની મહેક ધરાવતી ભાષામાં લખાયેલા એકેક વાક્યમાં ભારતીય સમાજમાં તળાવ નામની ઘટના વિશેના જ્ઞાન અને લાગણી સમાયેલાં છે. જો કે અંગ્રેજ રાજના સમયથી કહેવાતા ભણેલા શહેરી સમાજને કારણે તળાવ-સંસ્કૃિતની થયેલી ઉપેક્ષા અને બેહાલી પણ અનેક જ્ગ્યાએ વ્યક્ત થાય છે.

લગભગ આખા દેશના તળાવોના અભ્યાસ કરીને ૧૯૯૨માં બહુ જ સહજ-સુંદર ભાષામાં લખેલાં સચિત્ર પુસ્તકમાં અનુપમ મિશ્રએ પોતાનું નામ એક જ વાર અને જલદી ન જડે તેવી રીતે મૂક્યું છે. દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને પ્રસિદ્ધ કરેલા આ પુસ્તક માટે લેખકે કૉપીરાઇટ રાખ્યા નથી એટલે તે ઘણી સંસ્થાઓએ છાપ્યું છે અને તેની અઢી લાખ નકલો લોકોએ વસાવી છે. તે ફ્રી ડાઉનલોડ થાય છે. તેનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી અને ફ્રેન્ચમાં અનુવાદ થયો છે.

‘પાલ કે કિનારે રખા ઇતિહાસ' એવાં પહેલાં પ્રકરણમાં મિશ્રજી એક લોકકથાને આધારે તળાવો બનાવવા પાછળનો સમાજનો હેતુ જણાવે છે : ‘અચ્છે અચ્છે કામ કરતે જાના, તાલાબ બનાતે જાના.' આ દેશે પાંચમી સદીથી ૧,૪૦૦ વર્ષ અગણિત તળાવ બનાવ્યાં. તે બનાવનારા સમાજના બધા વર્ગના અસંખ્ય સ્ત્રી-પુરુષોનાં મનમાં બધી વખતે એમ હતું કે ‘આપણા ભાગે આવેલું પાણીનું દરેક ટીપું એકઠું કરી લેવું અને સંકટ સમયે આસપાસના વિસ્તારમાં એને વહેંચી દેવું. વરુણ દેવતાના પ્રસાદને ગામ પોતાના ખોબામાં ભરી લેતું.' લેખક ભૂતકાળના તળાવના કેટલાક આંકડા પણ આપે છે. મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં પાંચ હજાર તળાવ, મદ્રાસ પ્રેસિડેન્સિમાં ત્રેપન હજાર, મૈસૂર જિલ્લામાં ઓગણચાળીસ હજાર અને દિલ્હીમાં એક તબક્કે સાડા ત્રણસો. રાજસ્થાનમાં તો તળાવ ગણવાને બદલે ગામ ગણીને એને બે કે ત્રણ વડે ગુણવાનું સહેલું પડે ! 

રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને બિકાનેર જિલ્લા દેશના સહુથી વધુ ગરમી અને સૌથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આવે છે. ત્યાંના તમામ ગામોમાં બારે મહિના પાણી આપનાર તળાવ-વ્યવસ્થા વિશે અનુપમજી ‘મૃગતૃષ્ણા ઝુઠલાતે તાલાબ' પ્રકરણમાં વિસ્તારથી લખે છે. અહીંના લોકો, પાણીની અછતને કુદરતના અભિશાપ તરીકે નહીં પણ એક લીલા ગણીને તેમાં એક કુશળ ખેલાડી તરીકે જોડાયા. ગડસીસર (ગડીસર) તળાવ ૬૬૮ વર્ષ જૂનું છે, પણ જીવે છે. તેને બનાવવામાં રાજાએ લોકો સાથે ખભે ખભા મિલાવ્યા હતા. તેનું પ્રવેશદ્વાર દૂર સિંધ પ્રાંતમાં રહેનારી ટીલો નામની ગણિકાએ બનાવડાવ્યું છે. આજે ગડસીસર(ગડીસર)ના ‘આગૌર' એટલે કે જલાગમ વિસ્તારમાં સેનાના વાયુદળનું વિમાનઘર છે ! બચેલા હિસ્સામાંથી પનિહારીઓ ઉપરાંત ટૅન્કરો પણ ડીઝલ પંપથી પાણી ખેંચીને લઈ જાય છે ! 

જો કે તળાવોની આવી દુર્દશા વિશે આખું પ્રકરણ પુસ્તકના આખરમાં છે. અંગ્રેજોએ આવીને તેમની માન્યતા મુજબ આ દેશમાંના જ્ઞાનને દસ્તાવેજોમાં શોધવાની કોશિશ કરી જેની કોઈ પદ્ધતિ આપણે ત્યાં ન હતી. એટલે તેમણે માની લીધું કે જ્ઞાન છે જ નહીં. એમણે એમની પદ્ધતિએ પાણીનું કામ શરૂ કર્યું. તળાવ બનાવનારા ‘અભ્યસ્ત હાથ' હવે ‘અકુશળ કારીગર' બન્યા, ગુણીજન હવે તાલીમ વિનાના અણઘડ માણસો લાગવા માંડ્યા. તળાવોની વ્યવસ્થા કોઠાસૂઝવાળા ગામલોકો પાસેથી અંગ્રેજ સરકારના હાથમાં જતી રહી. મૈસૂર રાજ્યનાં ૩૯,૦૦૦ તળાવોની અંગ્રેજોએ કરેલી દુર્દશા અનેક કિસ્સાઓમાંથી એક છે.

આપણને આઝાદી અપાવનારાઓએ નાશ પામતી તળાવસમૃદ્ધિ તરફ ધ્યાન જ ન આપ્યું. કસબા અને શહેરો, પી.ડ્બ્લ્યુ.ડી. અને વૉટર વર્ક્સ, પાઈપલાઇન અને નળ આવ્યા. ઇન્દોરનાં જે બિલાવલી તળાવનાં પાણીમાં ફ્લાઇન્ગ ક્લબનું વિમાન પડ્યું તેનો કાટમાળ શોધવામાં તકલીફ પડી હતી, તે ‘એક સૂકું મેદાન બન્યું'. તેની નજીક આવેલાં દેવાસમાં એક જમાનામાં સંખ્યાબંધ તળાવ હતા, જેની પર એટલું બધું બાંધકામ થયું કે ૧૯૯૦ ના એપ્રિલમાં અહીં રેલવેથી પાણી લાવવું પડ્યું. લાખા વણઝારાએ છસોએક વર્ષ પહેલાં મધ્ય પ્રદેશમાં બંધાવેલાં સાગર તળાવ પર ચાર શિક્ષણ સંસ્થાઓ બની, અગિયાર સંશોધન ગ્રંથો લખાયા, અને તળાવની મુશ્કેલીઓ વધી જ રહી છે ! આ બધા વચ્ચે આજે આઠ-દસ લાખ તળાવ ઊભાં છે. મિશ્રજી લખે છે : ‘કઈ તરફ સે તૂટે સમાજમેં તાલાબોં કી સ્મૃિત અભી ભી શેષ હૈ.'

જો કે આપણી સ્મૃિતમાંથી ભૂંસાઈ ગયા છે તળાવ બનાવનારા લોકો : ‘સૈંકડોં, હજારો તાલાબ શૂન્ય મેં સે પ્રકટ નહીં હુએ થે. લેકીન ઉન્હેં બનાનેવાલે લોગ આજ શૂન્ય બના દિએ ગએ હૈ.' એમના વિશે અનુપમજી તેમના વિશે ‘સંસાર સાગર કે નાયક' નામનું આખું પ્રકરણ લખે છે. તેમાં તેઓ તળાવો બનાવનારા અનેક રાજ્યોના એંશીથી વધુ સમૂદાયોની તેમના કામ સાથે નોંધ લે છે.તેમાં સલાટ, ભીલ, ગોંડ, માળી, કોળી, સંથાલ, મુસહર જેવા થોડાક પરિચિત શબ્દો મળે; જ્યારે ગજધર, સિરભાવ, થવઈ, પથરોટ, બુલઈ, મુરહા, ડાંઢી જેવા સાવ અજાણ્યા હોય. જસમા ઓડણ તે ‘ઓડ' સમૂહની અને લાખાજીતે વણજારા કોમ. બધાંનો માટી સાથેનો પાકો નાતો લેખક હૃદયસ્પર્શી રીતે સમજાવે છે. ‘સહસ્રનામ' પ્રકરણમાં લેખક તળાવ માટેનાં નેવું જેટલાં શબ્દો તેના પ્રદેશ અને વ્યુત્પત્તિ મૂજબ સમજાવે છે. 

‘નીંવ સે શિખર તક' અને ‘સાગર કે આગર' પ્રકરણો અનુક્રમે તળાવ બનાવવાની રીત અને તળાવના જુદા જુદા અંગો વિશેનાં છે. આવાં ટેકનિકલ પાસાં પર અનુપમજીએ લખ્યું છે તેટલી વાચનીય રીતે ભાગ્યે જ વાંચવા મળે. ‘સાફ માથે કા સમાજ' નામનું પ્રકરણ તળાવોની ચોખ્ખાઈ અને જાળવણી માટે રચાયેલી આખી એક શાણપણભરી સિસ્ટમનું વિવરણ કરે છે. તેમાં તળાવને કાંઠે મોટાં ઝાડ ઊગાડવાનું અને તળાવમાંથી ‘સાદ' એટલે કે ‘ગારો' કાઢીને તેનો ઉપયોગી રીતે નિકાલ કરવાનું બહુ મહત્ત્વનું હતું. ‘સાફ માથાનો એ વખતનો સમાજ સાદને સમસ્યા નહીં પ્રસાદ ગણતો'. આજે આપણે તળાવ સાફ કરવાની ઝુંબેશો હાથ ધરી રહ્યા છીએ. અનુપમ મિશ્ર લખે છે : ‘પુરાને તાલાબ કભી સાફ કરવાએ નહીં, ઔર નએં તો કભી બને હી નહીં. સાદ તાલાબોં મેં નહીં, નએ સમાજકે માથે મેં ભર ગઈ હૈ !'

e.mail : sanjaysbhave@yahoo.com


સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય” 25 મે 2018

Loading

...102030...3,0873,0883,0893,090...3,1003,1103,120...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved