Opinion Magazine
Number of visits: 9686127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેસ. હાફ મિલિયન નો….

વિજય શાહ|Opinion - Short Stories|4 August 2018

“શું?”

“હા, બેટા, ગઈ કાલે ડૉ. સ્વાઇત્ઝરે મને તપાસીને નિદાન આપ્યું કે મને ગર્ભાશયનું કેન્સર છે અને એક પેશી બાયોપ્સી તપાસ માટે કાઢી મોકલી છે.”પ્રફુલ્લાબાએ કહ્યું.

નિર્જરી બોલી, “ના હોય, મમ્મી!”

“જો બેટા, મારે માટે તારે પૈસાથી ખૂવાર નથી થવાનું. મને ભારત પાલિતાણા મોકલી દેજે. મારે શેક કે કેમો થેરાપિ નથી લેવી. ૭૦ તો થયાં હવે કેટલું જીવવાનું? છેલ્લી ક્ષણોએ દેહ પાલિતાણામાં મુકીશ.”

“મા, હું ઑસ્ટિનથી શુક્રવારે નીકળીશ. મારો પ્રોજેક્ટ લાઈવ થઈ રહ્યો છે અને અને ડોક્ટર દીકરો પાર્થ પણ બે દિવસની રજામાં ત્યાં આવશે. તને શરીરમાં પીડા હોય તો રાજુને બોલાવી લેજે.”

“તું ચિંતા ના કરતી, ઘરે પપ્પા છે તેથી.  ડૉક્ટરે ટિસ્યુ લેતી વખતે ઘા ઊંડો કર્યો છે, તેથી દુખાવો છે.”

નિર્જરી હીબકા ભરતી હતી અને વિચારતી હતી મમ્મી અને કેન્સર ..

ડલાસથી ઑસ્ટિન આમ તો ત્રણ કલાકનો રસ્તો, પણ સોફ્ટ્વેરની દુનિયામાં પ્રોજેક્ટ લાઇવ થતો હોય, ત્યારે સોફ્ટવેર લખનારને ૭૨ કલાક્ની કેદ. ગમે ત્યારે ગમે તે તકલીફ આવે. તેને પહેલી વખત આ કેદનો ભાર લાગ્યો. મમ્મીની પાસે જઈને થોડુંક રડવું હતું. તેને ગુમસૂમ બેઠેલી જોઈને સહકાર્યકર માઈકે પૂછ્યું, “બધું બરોબર છે ને?” અને ડૂમાની દીવાલ કડડ ભૂસ થઈ ગઈ. “માઈક, માય મોમ હેસ બીન ડિટેક્ટેડ ફોર યુટરસ કેન્સર ..”

“તે રોગ જીવલેણ નથી. ચિંતા ના કર.”

“ચિંતા તો થાય જ ને કેન્સર એટલે કેન્સલ.”

“કયા યુગમાં જીવે છે? બાયોપ્સી થશે એટલે ખબર પડશે, કયા સ્ટેજમાં છે; અને છેલ્લા સ્ટેજમાં ના હોય તો સારવાર થાય અને પેશંટ બચી જતાં હોય છે. બહુ બહુ તો યુટરસ કાઢી નાખશે.”

“પણ ચિંતા તો થાય જ ને?”

“જે રોગનું નિદાન થઈ ગયું એટલે તે રોગની ગંભીરતા ૫0% ઘટી ગઈ.”

“મને તો મમ્મી જ દેખાયાં કરે છે.”

“ફોન પર વીડિયો કોન્ફરંસ કરીને તેને જોઇને મન હળવું કરી લે .. અડધો કલાક્માં સોફ્ટવેર લાઇવ થશે એટલે સ્વસ્થ થઈ જા.”

“ભલે,” કહી નિર્જરીએ નાનભાઈ રાજુને કહ્યું “ મમ્મીને ત્યાં જઈ આવજે. કંઇ કામ હોય તો રાત્રે રોકાજે. મમ્મી કટોકટીમાં થી પસાર થઈ રહી છે. તેને યુટરસનું કેન્સર નિદાન થયું છે.”

“હેં” રાજુનાં મોંમાંથી પણ હાઇકારો નીકળી ગયો.

“હું અને હંસિની હમણાં જ જઇએ છીએ.”

ફરીથી નિર્જરાએ ઘરે ફોન લગાડ્યો. મમ્મીએ જ ફોન ઉપાડ્યો. “મમ્મી” આર્દ્ર અવાજે તે બોલી.

પ્રફુલાએ સ્વસ્થ અવાજે કહ્યું, “બેટા, તું ચિંતા ના કર .. આ કેન્સર આખી જિંદગીથી શરીરમાં પડ્યું છે અને નથી નડ્યું તો હવે આ જાણકારીને નડતર ના બનાવ.”

“જો મમ્મી, રાજુ –હંસિની આવે છે. આજની રાત તમારે ત્યાં તેમને રહેવા દેજો. હું ઈચ્છતી નથી, તમે એકલાં રહો અને ડાઇપર રેસનું ક્રીમ લગાડતાં રહેશો.”

“હવે પેશાબ કરવા જતી વખતે ચચરે છે, બાકી બીજી તકલીફ નથી.”

“પપ્પા ક્યાં છે?”

“એ પણ અહીં જ છે.”

“નિર્જરી”, દીનેશ બોલ્યો.

“પપ્પા. તમે હિંમત ના હારતા.”

ભલે બેટા, પણ નોકરીના સમયે નોકરી કરજો, અને આ રોગની જાણકારીને લીધે ચિંતા થાય. બાકી એક વાત તો નક્કી છે જ વિધાતાએ લખેલ જીવન તો જીવવાનું છે, અને તે ખૂટશે ત્યારે કોઇ કાળા માથાનો માનવી રોકી નહીં શકે. મનનાં માનેલાં છે તેથી વિદાયની કલ્પના જરીક ધ્રુજાવે છે.”

“પપ્પા, ના ધ્રૂજશો.. મમ્મી વિનાની તો કલ્પના થતી જ નથી. હું સમયાંતરે … રાજુ પાસેથી ખબર મેળવતી રહીશ.”

‘જો બેટા, ઉપરવાળાને ભરોંસે નાવ મૂકી છે અને નવકારના જાપ ચાલે છે. સાથ હશે ત્યાં સુધી સાથે છીએ. બાકી હું ૭૫નો અને તે ૭૦ની .. લીલી વાડી જોઇ છે.” દીનેશે નિર્જરીની આંખમાં આવેલાં આંસુને જોઇ, પોતાની આંખનો વિષાદ છુપાવ્યો અને ફોન ડિસ્કનેક્ટ કર્યો.

નોકરી એટલે નો કરવી પડે તો સારી અને નો કરીયે તો પગાર ના મળે તે કેમ ચાલે? બાથરૂમમાં જઈને આંખો પર પાણી છાંટીને સ્વસ્થ થઇને તે આવી. નોકરી ચાલુ થઈ ગઈ હતી સોફટ્વેરનું ટેસ્ટીંગ થતું હતું.

માઇકે પહેલી બેચ સુધારી હતી તેથી ત્રીજી બેચમાં ગાર્બેજ ઇન એટલે કે ગાર્બેજ આઉટ ચાલતું હતું.

નિર્જરી તેને સુધારતી જતી હતી. સીનિયર પ્રોગ્રમર તરીકે તેની કસોટી હતી, વર્ષોથી આ કામ કરતી હતી પણ પેલું ગણિતમાં કહે છે ને કે સો દાખલા ગણો છતાં એકસો એકમો આવડશે તેવું જરૂરી નહીં …ની જેમ કોંપ્યુટર ક્યારે કસોટી કરશે તે કહેવાય નહીં ..

આ વખતે અસામાન્ય પરિસ્થિતિ હતી. તેનું મન રહી રહીને મમ્મી પાસે જતું રહેતું હતું. માઈક સહિત ૨૧ જુનિયરો ઓન લાઈન હતા. તેમાંથી પાંચ યુરોપમાં પાંચ ચંદીગઢમાં અને અમેરિકામાં અગિયાર જુદા જુદા સ્તરે કાર્યરત હતા. બેંકીંગ સોફ્ટવેર હતો તેથી નિર્જરી ઇન ચાર્જ હતી. કંપની આ પ્રોજેક્ટ ઉપર ખૂબ ખર્ચ કરી ચૂકી હતી. હ્યુમન એરર બિલકુલ ચાલે નહીં પણ અત્યારે ૮ કલાકમાં એક્વીસમી ભૂલ જ્યારે પકડી ત્યારે નિર્જરીએ પોતાની જાતને ફરી ઢંઢોળી. – નિર્જરી જાગ જાગ. આમ થશે તો આ સોફ્ટ્વેર ટ્રેશ થશે.

વહેલી સવારે તેણે ફરી રાજુને ફોન કર્યો ..” મમ્મી સૂતી છે, મોટી બહેન, .. ચિંતા ના કર.” એવું જ્યારે રાજુ બોલ્યો ત્યારે ફરીથી આંખો ભરાઈ ગઈ. મનને મક્કમ બનાવવા તેણે પપ્પાનાં શબ્દો યાદ કર્યા – “ભલે બેટા, પણ નોકરીના સમયે નોકરી કરજો.” તે મનોમન બબડી … સ્થિર તો થવું જ પડે. ના ચાલે.

નિર્જરીનો આ બદલાવ જોઇને માઈક પણ ચકિત હતો, ૩૬ કલાક સુધી કોઇ હ્યુમન એરર નહીં અને સોફ્ટ્વેર નું પહેલું ટેસ્ટીંગ સફળ થયું.

એકવીસે એક્વીસ સુધારા થયા પછી સોફ્ટ્વેર ફરી રન થયો અને ૨૪ કલાક્માં વર્કીંગ ડેટા સાથે સિગ્નલ્સ સફળતાના આવતા ગયા, ત્યારે સૌ જુનિયર અને સીનિયર પ્રસન્ન હતા .. લેબલ ચેંજ સ્વીકારાયા, ત્યારે નિર્જરા ઘરે જવા નીકળી. એની આંખો ભારે હતી, પણ સફળતા અને માનું કેન્સર બે વિરોધાભાસે તે નીચોવાઈ ગઈ હતી. ઑસ્ટિનથી ડોર્મમાંથી પાર્થને લઈ ડલાસ રવાન થઈ. ત્યારે પાર્થ ગાડી ચલાવતો હતો.

પાર્થ સાથે વાત કરતાં નાનીમાને કેન્સર થયું વાળી વાત નીકળી.

“મૉમ, મારી વાત માનજો, અને સેકંડ ઓપીનિયન લેજો.”

“કેમ?”

“મેં હમણાં એક મેડિકલ રિપોર્ટ વાંચ્યો છે, જેમાં પેશંટ્ને ડરાવીને બાયોપ્સી કરાવી ઇંસ્યોરંસ કંપની પાસે પૈસા પડાવ્યાનું રેકેટ પકડાયુ છે.”

“શું વાત કરે છે?”

“નાનીને તકલીફ શું હતી?”

”ઉંમર .. ડૉ. સ્વાઇત્ઝરે આ બાયોપ્સી કરી અને નિદાન પણ …”

“કોઈ સરખા ઢંગનો ડોક્ટર ન મળ્યો?”

“કેમ?”

“ડોક્ટરનો રિવ્યુ જોયો હતો?”

“ના. મને તો નાનીમાનો ફોન આવ્યો, અને રડવાનું ચાલુ કર્યું હતું …”

ભલે ઘરે જઈને હું તે સમાચાર તમને વાંચવા ઇંટરનેટ ઉપરથી કાઢી આપીશ.

ડૉ સ્વાઇત્ઝરનું રેટિંગ સારું નહોતું અને રિવ્યુ પણ સંદિગ્ધ હતા. એક રિવ્યુ ભારે શંકાસ્પદ હતો. જેમાં તેમનું નિદાન ખોટું ઠર્યું હતું અને પેશંટ સાથે તેમનો વ્ય્વહાર વિશે ઘણી જ ફરિયાદો હતી. સૌથી મોટી ફરિયાદ રેસિસ્ટ્ની હતી .. બ્રાઉન અને બ્લેક ચામડી એટલે તેમને મન તે માણસ નહોતા.

ડલાસ જઈને એક અઠવાડિયું મમ્મી સાથે રહીને બાયોપ્સીનાં રિઝલ્ટની રાહ જોઈ.

પાર્થનાં અનુમાન પ્રમાણે રિઝલ્ટ હતું નો કેન્સર.

નિર્જરીને આખા અઠવાડિયા સુધી રડાવ્યા પછીના આ સમાચાર આનંદપ્રદ તો હતા પણ ડૉ. સ્વાઇત્ઝર ઉપર માનસિક રીતે હેરાન કર્યા હોવાનો કેસ કરી દીધો.

હાફ અૅ મિલિયન નો.

૩૬ નીલકમલ સોસાયટી, નિઝામપુરા, વડોદરા ૩૯૦ ૦૦૨

ઇ મેલ : vijaydshah09@gmail.com

Loading

બીજા ઉમાશંકર જોશી આપણને મળશે કે?

ડંકેશ ઓઝા|Opinion - Opinion|4 August 2018

૨૧મી જુલાઈ-૨૦૧૮ના રોજ અમદાવાદમાં કવિ ઉમાશંકર જોશીના ૧૦૮મા જન્મદિન પ્રસંગે એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં રઘુવીર ચૌધરીએ ૧૯૬૩માં ઉમાશંકર જોશી વિશે પોતે લખેલા સૉનેટનો પાઠ કરીને તેમ જ કવિ ઉમાશંકરનાં છેલ્લાં કાવ્યનું પણ પઠન કરીને સંસ્મરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. પ્રો. સતીશ વ્યાસ તેમની અભ્યાસપૂર્ણ વક્તવ્યકલા માટે ઘણા જાણીતા છે. તેમણે કવિનાં જાણીતાં કાવ્યો અને તેમની સામાજિક નિસબતને આગળ કરીને સોદાહરણ રજૂઆત કરી. શિરીષ પંચાલ આપણા જાણીતા વિવેચક છે. તેમને ગુજરાતના વિવેચકોની એક આખી શ્રેણી કરવી હતી. પ્રત્યેક વિશે એક ગ્રંથ કરવાનું આયોજન હતું, પરંતુ કવિ ઉમાશંકરના વિવેચન લેખો એટલા નીકળ્યા કે પરાણે તે સમાવવા બે ગ્રંથ કરવા જ પડ્યા! ગુજરાતી સાહિત્યના ઉત્તર-દક્ષિણ ધ્રુવ મનાયેલા ઉ.જો. – સુ. જો. વિશે પણ તેમણે સ્પષ્ટતામૂલક કેટલીક વાતો કરી.

સાહિત્યકારોની કંઈક ને કંઈક ઉજવણીના પ્રસંગો અને અન્ય સાહિત્યિક કાર્યક્રમો તો અમદાવાદમાં અને ગુજરાતમાં યોજાતા જ રહેતા હોય છે. તેમાં અધ્યાપકો પોતાની અધ્યાપકીય વિદ્વત્તા પણ પ્રગટ કરતા હોય છે. આપણે ત્યાં સાહિત્યનું ક્ષેત્ર મોટે ભાગે અધ્યાપકોના કબજામાં રહ્યું છે. તેના કેટલાક ફાયદા પણ છે, તો વધુ ગેરફાયદા પણ છે. નરોત્તમ પલાણ જેવા અધ્યાપક ક્યારેક આ બાબતે તિર્યક નુક્તેચીની કરતા હોય છે.

આ કાર્યક્રમ કદાચ એ માટે યાદ રહેશે કે ઉમાશંકરનાં પુત્રી સ્વાતિબહેને ગુજરાતી સાહિત્યની આવી પ્રવર્તમાન સ્થિતિ વિશે ઘણો બળાપો ઠાલવ્યો. વક્તાઓમાં તે કદાચ સૌથી નાની વયનાં હતાં, છતાં (કદાચ) કોઈ શારીરિક મુશ્કેલી હશે તેથી તેમણે બેસીને વક્તવ્ય આપવાનું પસંદ કર્યું. તેમના વક્તવ્યનો મુખ્ય ભાર ઉમાશંકર જાહેરજીવનની અગ્રણી વ્યક્તિ હતા અને ક્યારે ય બોલવાની જરૂર હોય, ત્યારે કદી મૌન સેવ્યું નથી, એ હતો.

આપણે ત્યાં બૌદ્ધિક પ્રવૃત્તિ કહેવાય છે ખરી, પણ બહુ થતી નથી. બૌદ્ધિક હોવું એ ઘણી જવાબદારીભર્યું કામ છે. બૌદ્ધિક જાહેરજીવનનો અગ્રણી છે, તે વ્યાપક સમાજના સંદર્ભમાં સદાય વિચારતો હોય છે. સારા અર્થમાં તે સમાજહિતચિંતક હોય છે. પોતાની બુદ્ધિનો, અભ્યાસનો, સંશોધનનો, વિવેકપૂર્વક તે દિશામાં ઉપયોગ કરતો હોય છે. આવા બૌદ્ધિકો (જો) હોય (તો) તેમને માટે ‘પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ’ શબ્દ વપરાયો છે, જેની બહુ મોટી પરંપરા યુરોપના દેશોમાં રહી છે. આપણે એનો તરજુમો ‘જાહેર બૌદ્ધિક’ તરીકે કર્યો છે.

આજે ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ને કારણે ખુલ્લા વિચારજગત પર ભય ઝળૂંબી રહ્યો છે, ત્યારે આ મુદ્દા પર દાયકાઓ પૂર્વે લખનારા ઉમાશંકર હતા, એમ સ્વાતિબહેને જણાવ્યું. સ્વાયત્તતા શી ચીજ છે એ ઉમાશંકરને કિશોરવયે ખબર હતી. ૧૭ વર્ષની વયે મામાને અને પિતાને અલગ-અલગ તબક્કે પત્રો લખીને ઉમાશંકર કહે છે કે હડતાલમાં ભાગ લેવો કે નહીં અને વિકલ્પે ભણવામાં ધ્યાન આપવું કે નહીં, તેનો ‘આત્મનિર્ણય’ હું પોતે કરીશ, બીજા નહિ કરે. આટલી સમજ અને આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો હશે, એની પણ સ્વાતિબહેને જિકર કરી.

ઉમાશંકર બામણા ગામમાં બાળવયે જે કંઈ જોતા હતા, અનુભવતા હતા, વાંચતા હતા, તે પછી આઝાદી-આંદોલનમાં ગયા હતા, આ બધાંની અસર તેમના માનસપટ પર બરાબર ઝિલાઈ હતી. આ વખત આવ્યે તે ઉચિત રીતે પ્રગટ થયા વિના રહેતી ન હતી. જરૂર પડી ત્યારે લોકશાહી મૂલ્યોના જતન માટે રાજસભામાં ઊભા થઈને નેહરુની, વડાપ્રધાન પુત્રી ઇન્દિરા સામે વિરોધ કરતાં તેમણે સંકોચ અનુભવ્યો ન હતો. કનૈયાલાલ મુનશી તો તે જમાનામાં દિગ્ગજ હતા. સાહિત્ય પરિષદનાં તાળાકૂંચી તમે એકલા ખિસ્સામાં રાખીને ફરો. એવું તેમને ૧૯૫૫માં કહેનાર ઉમાશંકર જોશી હતા. ૧૯૩૨-૩૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે ગાંધીજી જવાના હતા, ત્યારે ગાંધીજીએ ત્યાં કેમ ન જવું જોઈએ, એવો પત્ર લખનાર ઉમાશંકર હતા. ઉમાશંકરે ત્યારે ગાંધીજીને એવું લખેલું કે સાહિત્ય પરિષદ તો ઉચ્ચવર્ણની કેટલીક જ્ઞાતિઓથી કેદ થઈ ગઈ છે, ત્યાં તમારાથી કેવી રીતે જવાય?

સ્વાતિબહેનનું કહેવું એમ હતું કે ગુજરાતમાં માત્ર સાહિત્યનો પ્રભાવ અને સાહિત્યના પ્રદાનની વાત બહુ ચગાવાય છે અને એવું કહેવાય છે કે અમુક સાહિત્યકારે તે ઉપરાંત આમ પણ કર્યું હતું. એમનો આક્રોશ આવી વ્યાપક માનસિકતા સામે હતો. આવું મનોવલણ સંકીર્ણ ગણાય એવી પણ તેમની સમજ હતી. આવા મનોવલણથી ખોટો સંદેશ જાય છે, જાહેરજીવન વિશેની ખોટી સ્થાપના થાય છે, એમ પણ એમનું કહેવું હતું. સાહિત્યનો સમાજ સાથેનો અનુબંધ સાહિત્ય ન ગણાય તો તે વિનાનો બૌદ્ધિક બૌદ્ધિક પણ ન ગણાય. સમાજ તો મહત્ત્વનો છે જ. રાજકારણ, સાહિત્ય અને શિક્ષણ તેના ભાગરૂપ છે. સાહિત્યકારની સમાજલક્ષિતા કે સમાજધર્મિતા એ તો એનું અવિભાજ્ય અંગ છે. કદાચ આઝાદીની લડતે તેમનામાં આવાં કેટલાંક મૂલ્યો પ્રત્યેનો લગાવ કાયમી કર્યો હોય એવી સંભાવના ખરી. સાહિત્યકાર એ દૃષ્ટિએ એકાંગી ન હોય તે અનિવાર્ય છે. આથી જ ઉમાશંકર રાજકારણ વિશે પણ બોલ્યા, જરૂર પડી ત્યારે (વા.ચા.ની) ચૂંટણી પણ લડ્યા અને સરકારી ઇનામોનો અસ્વીકાર કરતા રહ્યા. (પદ્મશ્રી, પદ્મવિભૂષણ વગેરે)

ઉમાશંકરનાં આ મજબૂત પાસાં વિશે અન્ય વક્તાઓએ જિકર નહોતી કરી એમ ન હતું. પ્રત્યેક વક્તાએ એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો અને પોતપોતાને સૂઝ્‌યા તેવાં, યાદ હોય તેવાં ઉદાહરણો પણ આપ્યાં હતાં. વક્તાગણમાંથી એક સ્વાતિબહેન જોશીએ માત્ર ને માત્ર આ એક મુદ્દાને જ તારસ્વરે રજૂ કર્યો હતો. તેમ કરવું એમને બરાબર અભિપ્રેત હતું. કદાચ તેમના મતે સાહિત્યકાર વર્ગમાં અને આજના બૌદ્ધિક વર્ગમાં જે ખૂટે છે, તે બાબત જ આ છે, એ એમને અભિપ્રેત હતું.

ઉમાશંકર જોશીના કુટુંબીજન તરીકે એમનું કહેવું એ હતું કે ઉમાશંકરનું કોઈ જુદું કુટુંબજીવન હતું જ નહીં. ઘરમાં લોકોની આવન-જાવન એટલે ઊભરાતો અને ઓળખાતો સમાજ. તો વળી બહાર એમનું વ્યાપક કુટુંબ. આમ કહેતાં તેમણે પોતે આસામમાં, ગોવામાં, દક્ષિણનાં રાજ્યોમાં પિતા સાથે પ્રવાસે ગયાં હોય અને અન્ય સાહિત્યકારોને ત્યાં ઊતર્યાં હોય, તેવા કિસ્સાઓ પણ ટાંક્યા.

સ્વાતિબહેનનો એક મહત્ત્વનો મુદ્દો ભારતીયતા અને ભારતીય સાહિત્યનો રહ્યો. આપણે વિદેશી ભાષાઓના સાહિત્ય અને વાદોની ઝીણી-ઝીણી વિગતો જાણીએ છીએ, પરંતુ પ્રાદેશિક સાહિત્ય વિશે ઓછું જાણીએ છીએ તે બદલ ખેદ અનુભવતા નથી, વધુ જાણવાની કોશિશ કરતા નથી. જાણકારીના અભાવના આવા માહોલમાં ભારતીયતાનો સાચો વિચાર વિકસે કેવી રીતે, એ મુદ્દો એમને મન ઘણા મહત્ત્વનો હતો.

આવું પહેલી વાર બન્યું નથી. ક્યારેક-ક્યારેક સાહિત્યની સરહદ પર ઊભેલી આવી વ્યક્તિઓએ આવા બળાપા કાઢ્યા પણ છે, સીમોલ્લંઘનની જિકર પણ કરી પણ છે, પરંતુ કોણ જાણે કેમ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતનું બૌદ્ધિક જગત આ દિશામાં બહુ અંતર કાપી શક્યાં નથી!

E-mail : dankesh.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 07 અને 11

Loading

બંગડીબંધન

મનીષી જાની|Opinion - Opinion|2 August 2018

જેમ અડધી આલમને
બંધનની બંગડીઓમાં પૂરી
રખાઈ છે,
એમ જ
મારા દેશની લોકશાહીને
બંગડી આકારની પાર્લમેન્ટમાં
પૂરી દેવાઈ છે …
એ

બંગડીમાં બેઠેલા
બગલા જેવા સફેદ વસ્ત્રધારીઓ
એકબીજાને કલંકિત
કાળાંમેશ વસ્ત્રધારી કહીને
બસ,
ભાંડ્યા કરે છે,
એક દળ બીજા દળને ચોર
કહે છે,
બીજું દળ પહેલા દળને
ચોર કહે છે,
પછી એકબીજા પર
માઇકો ફેંકવાની રમત રમે છે.
પછી એકબીજાને ભેટી
ખાધુંપીધું ને રાજ કરે છે …

બંગડીની બહાર
દલદલ કાદવમાં
બેરોજગાર
ઊછળતું લોહી ખૂંપી રહ્યું છે,
પેટ્રોલના ઊંચા ઊછળતા ભાવ
મોંઘવારીના નશામાં ચકચૂર છે,
નીચે ને નીચે પડી રહેલો,
ખાંસતો, ગબડતો, બબડતો
રૂપિયો ….

મોંઘીદાટ કૉલેજોની દુકાનોની
બહાર ઊભાં-ઊભાં
ચમકદાર, ભભકદાર
શો કેસને જોયાં કરતાં
યુવક-યુવતીઓ,
વિન્ડો-શૉપિંગમાં ખોવાઈ
ગયેલાં છાત્રછાત્રાઓ …

ડૉક્ટરોએ
લખી આપેલા દવાઓનાં લાંબા પ્રિસ્ક્રિપ્શનના
કાગળોને સૂંઘી રહેલાં વૃદ્ધો
ને વૃદ્ધાઓ ..

ખિસ્સામાં અફવાઓનાં
ટોળાં લઈ ફરતા ચહેરાઓ,
જે
મરેલી ગાયનાં ચામડાં
ઉતરડનારને અસ્પૃશ્ય
ગણી પાણીના છાંટે
સ્નાન કરે છે,
એ
જીવતા માણસની
ચામડી
ઉતરડી નાંખવાના
સામૂહિક આનંદના
મેળા યોજે છે …

બધું જ દલદલમાં
ખૂંપી રહ્યું છે ..

ભૂખ્યાં-તરસ્યાં લોકોની
ખાલી થાળીઓની
ઉઠાંતરી કરી
ભક્તો
થાળીઓના મંજીરા
બનાવી
લોકશાહીનાં ભજનો
ભસી રહ્યાં છે ..

મારા દેશની લોકશાહી
બંગડી આકારની
પાર્લમેન્ટના
બંધનમાં
બંધાઈ ગઈ છે ..

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 13

Loading

...102030...3,0803,0813,0823,083...3,0903,1003,110...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved