Opinion Magazine
Number of visits: 9817216
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું?

રમેશ ઓઝા|Opinion - Opinion|31 August 2018

પોતાનો ધર્મ દરેકને વહાલો હોય છે અને ધર્મસંસ્કાર ગળથૂથીમાં મળતા હોવાથી ખાસ કોઈ મહેનત વિના એ જિંદગીનો હિસ્સો બની જતા હોય છે. ધર્મમાં નીતિ છે, ન્યાય છે, કરુણા છે એમ દરેક પ્રકારનાં માનવીય મૂલ્યો છે એવી પણ આપણી શ્રદ્ધા છે અને એવી પાછી દ્રઢ શ્રદ્ધા છે. દરેકને એમ લાગે છે કે એક આદર્શ જીવન જીવવા માટે પોતાના ધર્મમાં એ બધું જ છે જે હોવું જોઈએ. આવી શ્રદ્ધા આજકાલની નથી, હજારો કે સેંકડો વરસ જૂની છે.

સવાલ એ છે કે આપણી નજરમાં જે સંપૂર્ણ છે અને સહજસાધ્ય છે એ ધર્મને ઘરની ચાર દીવાલોમાં કે અંગત જીવનમાં મર્યાદિત રાખીને આધુનિક રાજ્ય અપનાવવાની જરૂર શું કામ પડી? ધર્મિક રાજ્યની જગ્યાએ આધુનિક નાગરિક રાજ્ય વિકસાવવા માટે કોઈ ઓછી પળોજણ કરવી પડે? કેટલેક અંશે ધર્મસંસ્કાર ભૂંસવા પડે, નાગરિકસંસ્કાર વિકસાવવા પડે, બંધારણ ઘડવું પડે, આધુનિક સેક્યુલર કાયદાનું રાજ વિકસાવવું પડે કોઈ ઓછી પળોજણ છે? જે સહજસાધ્ય છે, જે ગળથૂથીમાં મળે છે એને છોડીને જગતના કેટલાક દેશોએ કષ્ટસાધ્ય માર્ગ શા માટે અપનાવ્યો?

બે શક્યતાઓ છે. એક શક્યતા એવી છે કે જેને પુનર્જાગરણ (રેનેસાં) તરીકે ઓળખાવવામાં આવે છે એ આંદોલનના વિચારકો હકીકતમાં જાગેલા નહીં, સૂતેલા હોવા જોઈએ. એ બેવકૂફોએ ધર્મ નામની સુંદર, સંપૂર્ણ અને સહજસાધ્ય ચીજને આપણી પાસેથી દૂર ધકેલી દીધી તેમ જ અંગત જીવન પૂરતી મર્યાદિત કરી દીધી અને એની જગ્યાએ એવા રાજ્યની કલ્પના કરી જે કષ્ટસાધ્ય હોય. એ બેવકૂફો સર્વગુણસંપન્ન ધાર્મિક રાજ્ય હડસેલતા ગયા અને તેની જગ્યાએ સેક્યુલર રાજ્યનું ડીંડવાણું પકડાવતા ગયા.

બીજી શક્યતા એવી છે કે એ લોકો બેવકૂફો નહોતા, પણ ખરેખર જાગેલા અને જગાડનારા હતા. તેમણે જગતના ઇતિહાસનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ધર્મ નામની સંસ્થાનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ભાવિ સમાજ(જેમાં આપણે છીએ)ના સ્વરૂપને સમજી લીધું હતું અને આવી રહેલા યુગની જરૂરિયાતો સમજી લીધી હતી. તેમને એમ લાગ્યું હોવું જોઈએ કે અસ્મિતાઓ સ્વભાવત: પ્રતિદ્વંદ્વી હોવાની. બીજી અસ્મિતા ન હોય તો પહેલી અસ્મિતાનું કોઈ વજૂદ જ નથી રહેતું. આમ જગતમાં અસ્મિતાઓનો સંઘર્ષ થતો આવ્યો છે અને એમાં ધાર્મિક અસ્મિતા તો વધારે બળકટ છે. આ જગતમાં ધર્મના નામે જેટલી હિંસા થઈ છે એટલી સત્તા માટે નથી થઈ. બીજી બાજુ નાગરિકની કોઈ અસ્મિતા જ નથી હોતી. ભારતીય નાગરિક હોવાની ઓળખ જરૂર છે, અસ્મિતા નથી. આમ અસ્મિતારહિત આધુનિક રાજ્ય એ સેક્યુલર રાજ્ય. ધર્મરહિત નહીં, અસ્મિતારહિત એ સેકયુલરિઝમનો સાચો આર્થ છે.

બે વિકલ્પો છે. જો તમે તમારી જાતને રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન માનતા હો, તો તમારે એ બેવકૂફોને કચરાટોપલીમાં ફગાવી દેવા જોઈએ. તમારે તમારા સ્વયંસપૂર્ણ ધર્મની આરાધના કરવી જોઈએ, એનો પ્રચાર કરવો જોઈએ, એના આધારિત રાજ્ય કેવું રળિયામણું હોવાનું એની સોનેરી કલ્પનાઓ કરવી જોઈએ, સેક્યુલર રાજ્યની મર્યાદા બતાવવી જોઈએ, ધર્મ આધારિત રાજ્યની વિશેષતાઓ બતાવવી જોઈએ, વગેરે. આ બધું જ તમારા માટે શક્ય છે, કારણ કે તમે રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન છો અને દૂરનું જોઈ શકો છો. આવું માનનારા તમે એકલા નથી એટલે શરમાવાની કે સંકોચ કરવાની પણ જરૂર નથી. મુસ્લિમ દેશોમાં અનેક પાઘડી પહેરેલા કે ટોપી પહેરેલા મૌલાનાઓ તમારી સાથે છે. હાથમાં શસ્ત્રધારી જેહાદી તમારી સાથે છે. ખ્રિસ્તી અને બૌદ્ધ દેશોમાં પણ થોડા આવા મળી રહેશે. હવે સોશ્યલ મીડિયા હાથવગાં થયાં છે એટલે અજાણ્યા વિચારકો પણ ઉમેરાયા છે.

આવો બહાર આવો. તમારી સંખ્યા વધી રહી છે એટલે ડર્યા વિના તમારી બુદ્ધિપ્રતિભાનો અમને લાભ આપો. પ્લીઝ અમારી આંખો ફરતે બાજેલાં પડળો દૂર કરો. આ તમારો યુગધર્મ છે જે તમારે બજાવવો જોઈએ. સોશ્યલ મીડિયા પર બે ગાળો લખીને તમે તમારી દાર્શનિક પ્રતિભાને વેડફો છો એ જોઇને દુ:ખ થાય છે. તમારે તો ફ્રાન્સિસ બેકન, થોમસ હોબ્સ, જે. જે. રૂસો અને વોલ્તેર (જો નામ સાંભળ્યા હોય તો) જેવા આધુનિક યુગના મ્લેચ્છ વિચારકોને તેમની જગ્યા બતાવી દેવી જોઈએ અને પાછું એવું સામર્થ્ય તમે ધરાવો પણ છો. તમારો યુગધર્મ આધુનિક સેક્યુલર રાષ્ટ્રના ભાંગીને ભુક્કા કરીને અરબી સમુદ્રમાં પધરાવી દેવાનો છે અને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવાનો છે. આને માટે વૈકલ્પિક વિચારદર્શનની થીસિસ જોઈએ જે તમે વિકસાવી શકો એમ છો.

આ વિરાટ કાર્ય છે, કહો કે યુગકાર્ય છે જે સોશ્યલ મીડિયા પર સેક્યુલરિસ્ટોને બે ગાળો આપીને નહીં થાય. આવો બહાર આવો, દેશ લલકારી રહ્યો છે ત્યારે તમે સોશ્યલ મીડિયા પર અમારા જેવા તુચ્છ લોકોને ગાળો દેવામાં સમય નહીં બગાડો. જો આળસ કરશો તો મુસલમાનો આગળ નીકળી જશે. તેઓ તો ક્યારના હાથમાં સ્ટેનગન લઈને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા નીકળી પડ્યા છે. તેમને પણ તમારી જેમ આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્ય સ્વીકાર્ય નથી. તેમને પણ એમ લાગે છે કે તેમનો ધર્મ નિતાંત સંપૂર્ણ અને સુંદર છે. તેમનો નિર્દોષ ધર્મ દરેક યુગ માટે અને દરેક પ્રજા માટે છે. જે તમે તમારા ધર્મ માટે માનો છો એ જ એ લોકો પણ તેમના ધર્મ માટે માને છે. એક અક્ષરનો પણ ફરક નથી.

જે તમે માનો છો એ જ બીજા માને છે, જે સપનાં તમે જુઓ છો એ જ બીજા જુએ છે. જે તમે કરવા માગો છે એ જ બીજા કરવા માંગે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસીઓ છો, ધર્મની અસ્મિતા અલગ અલગ છે. આનું શું પરિણામ આવે છે એ જાણો છો? આમ તો તમે રૂસો અને વોલ્તેરને ભૂંસી નાખવા જેટલી દાર્શનિક પ્રતિભા તમે ધરાવો છો એ છતાં આ નાચીજ ધ્યાન દોરવાની ગુસ્તાખી કરે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે કૂચ સમાંતરે ચાલે છે. ભૂમિતિમાં તમે ભણ્યા હશો કે સમાંતરે ચાલતી બે રેખા ક્યારે ય એકબીજાને મળતી નથી. આમ તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે એકબીજાનો ભેટો થવાનો નથી અને સાચો ધર્મ કોનો એ નક્કી કરવા માટે ધીંગાણું ક્યારે ય થવાનું નથી.

સમાંતરે ચાલતી હિંસક ધાર્મિક કૂચોમાં જે હિંસા થાય છે ધર્મસહોદરની થાય છે. સ્વતંત્રપણે વિચારનારાઓની, અલગ અવાજો વ્યક્ત કરનારાઓની, ચેતવણીઓ આપનારાઓની, અસ્મિતાઓના બોજાઓથી મુક્ત રહીને સર્જન કરવા ઈચ્છતા સર્જકોની, કાંઈક નવું વિચારનારા અને કરનારાઓની થાય છે. તેમની હત્યાઓ કરવી સહેલી છે, કારણ કે તેમની ભીડ હોતી નથી. છેલ્લા ત્રણ દાયકામાં ઇસ્લામિક રાજ્ય માટેના જેહાદીઓએ એકાદ લાખ મુસલમાનોને રહેંસી નાખ્યા હશે. એમાં તેમના પોતાના સંતાનો પણ ખરા, કારણ કે ધર્મઝનૂન અને ટોળાં એ બે મળે પછી વિવેક માટે કોઈ જગ્યા બચતી જ નથી. આની શરૂઆત આપણે ત્યાં પણ થઈ ગઈ છે.

શું થાય માનવીય મૂલ્યોની પીપૂડી વગાડનારાઓને મૂંગા તો કરવા જ પડશે. આપદ્ધર્મ છે! આગળ વધો તમે એકલા નથી. આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉગસ્ટ 2018

Loading

31 August 2018 admin
← સવાલ ‘સેફ્ટી વાલ્વ’નો માત્ર નથી
એક રિક્ષાવાળા, એક મહિલા અને એક કૅબવાળા થકી ગરીબ બાળકો માટે ચાલતી ફૂટપાથ શાળા →

Search by

Opinion

  • जब कैमरा बोला करता था … 
  • હમ ‘આપ’ કે હૈં કૌન?
  • આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં
  • લોકશાહીનો ‘શાંત કોલાહલ’ : હંગેરીની યાદ અપાવતું ભારતનું ભારે મતદાન
  • ચલ મન મુંબઈ નગરી—338 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved