જેમ અડધી આલમને
બંધનની બંગડીઓમાં પૂરી
રખાઈ છે,
એમ જ
મારા દેશની લોકશાહીને
બંગડી આકારની પાર્લમેન્ટમાં
પૂરી દેવાઈ છે …
એ
બંગડીમાં બેઠેલા
બગલા જેવા સફેદ વસ્ત્રધારીઓ
એકબીજાને કલંકિત
કાળાંમેશ વસ્ત્રધારી કહીને
બસ,
ભાંડ્યા કરે છે,
એક દળ બીજા દળને ચોર
કહે છે,
બીજું દળ પહેલા દળને
ચોર કહે છે,
પછી એકબીજા પર
માઇકો ફેંકવાની રમત રમે છે.
પછી એકબીજાને ભેટી
ખાધુંપીધું ને રાજ કરે છે …
બંગડીની બહાર
દલદલ કાદવમાં
બેરોજગાર
ઊછળતું લોહી ખૂંપી રહ્યું છે,
પેટ્રોલના ઊંચા ઊછળતા ભાવ
મોંઘવારીના નશામાં ચકચૂર છે,
નીચે ને નીચે પડી રહેલો,
ખાંસતો, ગબડતો, બબડતો
રૂપિયો ….
મોંઘીદાટ કૉલેજોની દુકાનોની
બહાર ઊભાં-ઊભાં
ચમકદાર, ભભકદાર
શો કેસને જોયાં કરતાં
યુવક-યુવતીઓ,
વિન્ડો-શૉપિંગમાં ખોવાઈ
ગયેલાં છાત્રછાત્રાઓ …
ડૉક્ટરોએ
લખી આપેલા દવાઓનાં લાંબા પ્રિસ્ક્રિપ્શનના
કાગળોને સૂંઘી રહેલાં વૃદ્ધો
ને વૃદ્ધાઓ ..
ખિસ્સામાં અફવાઓનાં
ટોળાં લઈ ફરતા ચહેરાઓ,
જે
મરેલી ગાયનાં ચામડાં
ઉતરડનારને અસ્પૃશ્ય
ગણી પાણીના છાંટે
સ્નાન કરે છે,
એ
જીવતા માણસની
ચામડી
ઉતરડી નાંખવાના
સામૂહિક આનંદના
મેળા યોજે છે …
બધું જ દલદલમાં
ખૂંપી રહ્યું છે ..
ભૂખ્યાં-તરસ્યાં લોકોની
ખાલી થાળીઓની
ઉઠાંતરી કરી
ભક્તો
થાળીઓના મંજીરા
બનાવી
લોકશાહીનાં ભજનો
ભસી રહ્યાં છે ..
મારા દેશની લોકશાહી
બંગડી આકારની
પાર્લમેન્ટના
બંધનમાં
બંધાઈ ગઈ છે ..
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 13
![]()


સામાન્ય રીતે આપણી સંસદના સત્રમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં એની આમ આદમીને બહુ પડી નથી હોતી, સિવાય કે ગૃહમાં સભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી કે જોરદાર અફડાતફડી મચી ગઈ હોય અને ટીવી-ચૅનલો પર લગાતાર એ દૃશ્યો ટેલિકાસ્ટ થતાં હોય. પરંતુ તાજેતરમાં લોકસભામાં વિરોધ પક્ષોએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો એ સેશન દેશભરમાં મશહૂર બની ગયું છે. એનું કારણ ન તો સંસદમાં વિપક્ષ અને શાસકના સભ્યો દ્વારા ચર્ચાયેલા મુદ્દાઓ છે કે ન તો વિપક્ષી નેતા રાહુલ ગાંધીનું આક્રમક વક્તવ્ય છે. એનું કારણ છે રાહુલ ગાંધીએ અચાનક જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને આપેલું આલિંગન! સંસદના ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર વિપક્ષી નેતાએ શાસક પક્ષના વડાને આવી જપ્પી આપી છે અને એ જે રીતે તદ્દન અચાનક અપાઈ એનાથી મોદીજી ચોંકી ગયા હતા.