Opinion Magazine
Number of visits: 9579443
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિનિયર સિટિઝન્સની સરકારને દયા આવે છે?

રવીન્દ્ર પારેખ, રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 August 2018

ડોસાડોસીઓ આમ પણ વધારાનાં હોય છે. તે અટવાતાં, અથડાતાં જ રહે છે, મોટે ભાગે તો! તે ઘરડાંઘરને ભારે હોય છે અથવા તો વિદેશમાં સંતાનોનાં બાળકો ઉછેરનારાં વગર પગારનાં કામદારો હોય છે. સંયુક્ત કુટુંબના અવશેષો જેવાં તેઓ ક્યારેક કુટુંબમાં, ચા-થાળીના ઓશિયાળાં હોય છે. તે ક્યારેક તબેલાનાં ઢોર જેવાં ભવ્ય ભૂતકાળ વાગોળતાં હોય છે ને એમને સાંભળવાની કે સહન કરવાની ભાગ્યે જ કોઈની તૈયારી હોય છે. ચલાતું ન હોય ને હયાતીનાં પ્રમાણ આપવા સંબંધિત સ્થાનોનાં પગથિયાં ઘસવાનાં જ થાય  છે. લાઇનમાં ઊભા રહેવામાંથી સાઠ, પાંસઠની ઉંમરે પણ મુક્તિ નથી. રેલવેમાં કન્સેશન મળે છે, પણ પ્લૅટફૉર્મ ચડવા- ઊતરવામાંથી છૂટકો નથી. મોટે ભાગે લિફ્‌ટ કે વહીલચૅર અવેઇલેબલ નથી હોતી.

નોકરી કૂટી કાઢનાર સિનિયર્સ વ્યાજ પર જીવે છે, પણ વ્યાજ અડધો ટકો વધારે મળતું હોવા છતાં તે એટલું ઓછું હોય છે કે એટલામાંથી બૂટ નહીં, પણ બૂટનું બૉક્સ માંડ આવી રહે. એટલું ઓછું હોય તેમ ટી.ડી.એસ. (Tax Deducted at Source) ગજવું કાતરતો જ રહે છે. જી.એસ.ટી.નું ઠેકાણું નથી પડતું ને ટી.ડી.એસ. ઠેકાણે પાડી દે છે. જે ડિપૉઝિટ ચોક્કસ મુદતે પાકતી હોય તેનું વ્યાજ છેલ્લે રકમ ઉપાડીએ ત્યારે મળે, પણ ટી.ડી.એસ. તો દર વર્ષે જ કપાતો જાય. આ તકલીફ સિનિયર્સને તો છે જ, બીજા ખાતેદારોને પણ છે જ. દાખલા તરીકે કોઈ ખાતેદાર પાંચ વર્ષ માટે કોઈ રકમ મૂકે ને તેનું વ્યાજ પાકતી મુદતે મળવાનું હોય તો પણ દર વર્ષે લાગુ પડતો ટી.ડી.એસ. તો કપાતો જ જાય છે. જે વ્યાજ વાપરવા જ નથી મળતું ને જે પાંચ વર્ષને અંતે જ મુદ્દલ સાથે  મળવાનું છે, તેનો ટી.ડી.એસ. વચ્ચેથી કાપવાનો અર્થ તો એટલો જ થાય કે સરકારને ખાતેદારમાં વિશ્વાસ નથી. આ ખોટું છે. પાકતી મુદતે ટી.ડી.એસ. સાથે જ કપાય તો શું તકલીફ થાય, તે નથી સમજાતું.

સાધારણ રીતે જે સંસ્થામાં ડિપૉઝિટ હોય તે ખાતેદારના ખાતામાંથી લાગુ પડતો ટી.ડી.એસ. સંસ્થા કાપે છે ને ખાતેદારના પાનકાર્ડવાળા ઇન્કમટૅક્સના ખાતામાં જમા કરાવે છે, જેથી રિફંડ આપવાનું થાય તો એ રકમ ખાતેદારને જમા મળે. હવે બને છે એવું કે સંસ્થા ટી.ડી.એસ. કાપે, પણ જમા જ ન કરાવે, તો જે ટૅક્સ ખાતેદારે ભરવાનો થતો હોય તેમાં ટી.ડી.એસ. મજરે ના મળે ને ખાતેદારને ટૅક્સનું ભારણ વધે. કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ બને છે કે ખાતેદારે રિફંડ લેવાનું થતું હોય તેને બદલે તેણે ટૅક્સ ઉપરાંત વ્યાજ કે પૅનલ્ટી વધારાનાં ભરવાનાં થાય. આમ, ખાતેદારનો વાંક ન હોવા છતાં તે કારણ વગર દંડાય છે તેમાં સિનિયર્સની તો હાલાકીનો પાર જ નથી રહેતો. તેના ધક્કા ઘટતા નથી.

સાધારણ રીતે ટી.ડી.એસ. ૧૦ ટકા કપાતો હોય છે, પણ કેટલાક કિસ્સાઓમાં તે ૨૦ ટકા કપાય છે. તેનું કારણ એ કે ખાતેદારે પાન નંબર નથી આપ્યો. આ વીસ ટકા તો ખાતેદારના પાન નંબરમાં જ જમા થાય છે, તો સવાલ એ થાય કે જો ખાતેદારના પાનનંબરમાં જ ટી.ડી.એસ. જમા થાય છે, તો પાન નંબર નથી એવું કંઈ રીતે કહેવાય? ૧૦ને બદલે વીસ ટકા કાપવાથી પાન નંબર જડી જાય એવું કયું સાધન છે તે નથી સમજાતું. ખાતેદારને ૧૦ ટકા વધારે દંડવાનો આ ઉપક્રમ અમાનવીય છે. આમાંથી ખાતેદારનો ઉગારો થવો જોઈએ. ને ગમ્મત તો એ છે કે આ બધું ઈમાનદારીથી રહેવા માંગે છે તેને જ નડે છે, જેણે ચોરી કરવી છે કે સરકારને રાતેપાણીએ નવરાવવી છે, તેને કોઈ મુશ્કેલી નથી, તે તો અહીં તેમ જ વિદેશમાં લહેર જ કરે છે, જય માલ્યાયે નમઃ, જય નિરવેય નમઃ ।

E-mail : vepari@youtele.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 11

Loading

કોંગ્રેસ દાયકાઓ સુધી પૉલિટિકલ સ્પેસ જાળવી રાખે અને બી.જે.પી. વિરાટ રાજકીય કદ ધરાવતા નેતા હોવા છતાં પણ મેળવેલી જગ્યા જાળવી ન શકે એનું શું કારણ?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 August 2018

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક ભારતીય સમાજના લક્ષણો સમજવાં હોય તો પહેલી વાસ્તવિકતા એ છે કે ભારતીય સમાજ બહુવિધ છે. એ નથી પૂર્ણરૂપેણ સંગઠિત કે નથી વિઘટિત. એ અભિન્ન છે, પણ એક નથી. અનેક સૂર છે, પણ રાગ અને લય એક છે. એ બીજાની સ્પેસનો આદર કરે છે, પરંતુ પોતાની સ્પેસ પકડી રાખે છે. ભારતીય સમાજ અનેક તાંતણે ગૂંથાયેલા વસ્ત્ર સમાન છે. એટલે તો ભારતીય સમાજને વિવિધતામાં એકતા તરીકે ઓળખાવવામાં આવે છે. વિવિધતા પહેલી, એકતા પછી. વિવિધતામાં એકતા, વિવિધતાની જગ્યાએ એકતા નહીં.

સાચી વાત તો એ છે કે ભારતીય રાજકારણમાં આજે બન્ને મુખ્ય રાજકીય પક્ષો, કોંગ્રેસ અને બી.જે.પી. તેની નિર્ણાયક ક્ષણનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ તેનું ગુમાવેલું સ્થાન (પૉલિટિકલ સ્પેસ) પાછું મેળવવા માગે છે, અને બી.જે.પી.ને હજુ વિશાળ જગ્યા નજીકના ભવિષ્યમાં ખાલી કરવી ન પડે એ રીતની જોઈએ છે. આની વચ્ચે દેશભરમાં પચાસેક જેટલા નાના-મોટા પક્ષો છે, જે જ્ઞાતિનીઓની, ભાષાઓની, પ્રદેશોની અસ્મિતાનાં નામે નાનાનાના ટાપુઓ બનાવીને બેઠા છે. તેમની પોતપોતાની રાજકીય જગ્યા છે, જે તેઓ બને ત્યાં સુધી છોડવા માગતા નથી.

અહીં આ ત્રીજો ખૂણો સમજવા જેવો છે. મેં લખ્યું છે કે નાનાનાના રાજકીય પક્ષો બને ત્યાં સુધી તેમની જગ્યા છોડવા માંગતા નથી. આ વાક્યનો અર્થ એ થયો કે એ જગ્યા તેમણે પ્રયત્નપૂર્વક રળેલી જગ્યા નથી, પરંતુ હાથ લાગેલી જગ્યા છે. તેનો બીજો અર્થ એ થયો કે એ જગ્યા આજ નહીં તો કાલે જતી રહેવાની છે એની તેમને જાણ છે. જ્યાં પ્રયત્નપૂર્વક રળેલી જગ્યા હોતી નથી એ જગ્યા લાંબો સમય ટકતી નથી. આમ બચુકલા પ્રાદેશિક પક્ષોનો પ્રયત્ન હાથ લાગેલી જગ્યા વધુમાં વધુ સમય હાથમાંથી ન છૂટે એ માટેની છે. એ માટે તેઓ કોંગ્રેસ અને બી.જે.પી. એમ બે મુખ્ય રાજકીય પક્ષો સાથે ક્યારેક હાથ મિલાવે છે, ક્યારેક ઝઘડે છે અને ક્યારેક સલામત અંતર રાખે છે. જો એક જ પ્રદેશમાં બે પ્રતિદ્વંદ્વી રાજકીય પક્ષો હોય, તો મોટે ભાગે તેઓ એકબીજાની સામે લડે છે અને ક્યારેક હાથ પણ મિલાવે છે. પ્રતિદ્વંદ્વી વચ્ચે સમજૂતીની ઘટના બહુ ઓછી બને છે, પણ અપવાદરૂપે બને છે ખરી.

તો અત્યારે રાજકીય સ્થિતિ એવી છે કે કોંગ્રેસને ગુમાવેલી રાજકીય જગ્યા પાછી મેળવવી છે, બી.જે.પી.ને હજુ વધુ અને વધારે સ્થાયી જગ્યા જોઈએ છે અને પ્રાદેશિક પક્ષો હાથ લાગેલી જગ્યા છોડવા માંગતા નથી. બી.જે.પી.ના નેતાઓ જાહેરમાં બોલતા નથી, પરંતુ તેમના મનમાં સતત એક પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે કે જો કોંગ્રેસ આઝાદી પછી પાંચ દાયકા કોઈ પણ પ્રકારના મોટા પડકાર વિના રાજકીય જગ્યા પકડી રાખી શકે તો બી.જે.પી. કેમ નહીં? બી.જે.પી. વધારે શક્તિશાળી પક્ષ છે, કાર્યકર્તાઓનો પક્ષ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પીઠબળ છે, બીજા રાજકીય પક્ષો કરતાં વધુ શિસ્ત છે, અઢળક પૈસા છે અને સૌથી મોટી વાત એ કે મતદાતાઓ અન્ય રાજકીય પક્ષોથી બહુ ખુશ નથી, બલકે નારાજ છે.

આમ દરેક વાતની અનુકૂળતા છે અને છતાં ય ૨૦૧૯માં બી.જે.પી.ને બીજી મુદ્દત મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી. જો બીજી મુદ્દત મળશે તો પણ બી.જે.પી .૨૦૧૪ની તુલનામાં તેની રાજકીય જગ્યા ગુમાવશે એમ લાગે છે. ઘણું કરીને તેની બેઠકો પણ ઘટશે અને મતનું પ્રમાણ પણ ઘટશે. બી.જે.પી.ના નેતાઓ સામે અને બી.જે.પી.ના સમર્થકો સામે સવાલ એ છે કે કોંગ્રેસ દાયકાઓ સુધી પૉલિટિકલ સ્પેસ જાળવી રાખે અને બી.જે.પી. અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી જેવા વિરાટ રાજકીય કદ ધરાવતા લોકપ્રિય નેતા હોવા છતાં બે મુદત માટે પણ એ મેળવેલી જગ્યા જાળવી ન શકે એનું શું કારણ? આજ સુધી બી.જે.પી.ને આખી બે મુદ્દત ભોગવવા મળી નથી. ૧૯૫૨માં, ૧૯૫૭માં, ૧૯૬૨માં, ૧૯૬૭માં અને ૧૯૭૧માં કોંગ્રેસને ભય નહોતો કે તે જીતશે કે હારશે. કોંગ્રેસને જીતની ખાતરી રહેતી. મોટા ભાગે તેને મળતા મતોનું પ્રમાણ પણ જળવાઈ રહેતું હતું.

કોંગ્રેસ આજે એવી અવસ્થામાં છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વિચારવું જોઈએ કે એવું શું હતું કે કોંગ્રેસે પાંચ પાંચ દાયકા સુધી રાજકીય શક્તિ જાળવી રાખી હતી અને આજે એવું શું છે કે કોંગ્રેસની રાજકીય શક્તિ અને તેનો જનસામન્યમાં સ્વીકાર સૌથી ઓછો છે. ૨૦૧૪માં કોંગ્રેસને તેના ઇતિહાસમાં સૌથી ઓછા મત અને સૌથી ઓછી બેઠકો મળી હતી. એવું શું હતું જેણે કોંગ્રેસને હટાવી ન શકાય એવી મજબૂત જગ્યા આપી હતી અને એવું શું થયું કે કોંગ્રેસે પોતાની જગ્યા ગુમાવી દીધી. આ જ પ્રશ્ન બી.જે.પી.ના નેતાઓએ પણ પોતાની જાતને પૂછવો જોઈએ કે દરેક પ્રકારની અનુકૂળતા હોવા છતાં બી.જે.પી. પાસે પૉલિટિકલ સ્પેસની શાશ્વતી કેમ નથી જે કોંગ્રેસે દાયકાઓ સુધી ભોગવી હતી?

અહીં વિચારવા માટે સવાલ આવે કે એ જગ્યા (પૉલિટિકલ સ્પેસ) છે ક્યાં, એનું સ્વરૂપ શું છે અને એ સંગઠિત કે વિઘટિત કઈ રીતે થાય છે? ભગવદ્દગીતામાં અર્જુન જે રીતે ભગવાન કૃષ્ણને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પૂછે છે એના જેવો જ મહત્ત્વનો આ પ્રશ્ન છે. ભારતીય સમાજનું સ્વરૂપ શું છે, અને એ સંગઠિત કે વિઘટિત કઈ રીતે થાય છે? બીજો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય કે તેને એક જ અવસ્થામાં કાયમ માટે જાળવી શકાય કે કેમ? અંદાજે પચાસ પ્રાદેશિક પક્ષો તેને બને તો કાયમ માટે વિઘટિત સ્વરૂપમાં જાળવી રાખવા માંગે છે અને કોંગ્રેસ તેમ જ બી.જે.પી. સંગઠિત સ્વરૂપમાં.

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોની માફક ભારતીય સમાજનાં લક્ષણો સમજવાં હોય તો પહેલી વાસ્તવિકતા એ છે કે ભારતીય સમાજ બહુવિધ છે. એ નથી પૂર્ણરૂપેણ સંગઠિત કે નથી વિઘટિત. એ અભિન્ન છે, પણ એક નથી. અનેક સૂર છે, પણ રાગ અને લય એક છે. એ બીજાની સ્પેસનો આદર કરે છે, પરંતુ પોતાની સ્પેસ પકડી રાખે છે. ભારતીય સમાજ અનેક તાંતણે ગૂંથાયેલા વસ્ત્ર સમાન છે. એટલે તો ભારતીય સમાજને વિવિધતામાં એકતા તરીકે ઓળખાવવામાં આવે છે. વિવિધતા પહેલી એકતા પછી. વિવિધતામાં એકતા, વિવિધતાની જગ્યાએ એકતા નહીં.

ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા, ત્યારે તેમણે આવો સમાજ આ પહેલા જોયો નહોતો. એક મસીહા તેમ જ એક ધર્મગ્રન્થ પર આધારિત સંગઠિત ધર્મના અનુયાયીઓની પ્રચંડ બહુમતી હોય અને વિધર્મીઓની નાનકડી સંખ્યા હોય. વાંશિક અને ભાષાકીય રીતે પણ પ્રજા વધુમાં વધુ બે કે ત્રણ જૂથોમાં વહેંચાયેલી હોય. આને કારણે પાશ્ચત્ય દેશોમાં તેમ જ વિશ્વના અન્ય દેશોમાં સહઅસ્તિત્વનું સ્વરૂપ ભારત કરતાં જુદા પ્રકારનું છે. બે સ્વરૂપ મુખ્યત્વે છે. કાં તો બહુમતીની શરતે લઘુમતીએ જીવવાનું અથવા ભાગીદારીની સમજૂતી. મોટા ભાગે લેખિત અને બંધારણીય.

પણ અંગ્રેજોને ભારતમાં જે સમાજ જોવા મળ્યો એ જુદો હતો. વિભક્ત પણ સંયુક્ત. જેટલા ચૂલા એટલા ચોકા અને છતાં પરસ્પરાવલંબી. એકબીજા સાથે જમે નહીં, પણ એકબીજા સાથે વહેવાર રાખે. મોટાભાગના અંગ્રેજોએ અને પાશ્ચત્ય વિદ્વાનોએ ભારતીય સમજના આ સ્વરૂપને ભારતની મર્યાદા સમજી હતી. કેટલાકને એમ લાગતું હતું કે આવા આકાર વિનાના ખીચડા જેવા સમાજમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રભાવના આકાર જ નહીં લઈ શકે એટલે અંગ્રેજો સેંકડો વરસ સુધી રાજ કરી શકશે.

થોડા દાયકાઓ પછી પાશ્ચાત્ય શિક્ષણના કારણે ભારતના કેટલાક શિક્ષિત લોકોમાં રાષ્ટ્ર, આઝાદી, આધુનિક રાજ્ય વિશેની સમજણ અને સભાનતા વિકસવા લાગી એટલે તરત અંગ્રેજોએ ભારતીય સમાજમાં વિભાજનો પેદા કરવાનું શરૂ કર્યું. એ નીતિને આપણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાવીએ છીએ. ફરક એ પડ્યો કે પહેલા અંગ્રેજોને એમ લાગતું હતું કે ખીચડા જેવા ભારતમાં અંગ્રેજો સેંકડો વરસ સુધી રાજ કરી શકશે. હવે નવી સ્થિતિમાં તેઓ એમ માનતા થયા હતા કે વધતી સભાનતા જોતાં તેઓ સેંકડો વરસ તો રાજ નહીં કરી શકે, પરંતુ ભારતીય સમાજમાં ભાગલા પાડીને સો-બસો વરસ તો જરૂર રાજ કરી શકશે. અંગ્રેજોને ભગલા પાડીને રાજ કરવાની નીતિ અપનાવવી પડી, એનું કારણ ખીચડા જેવા સમાજમાં રહેલી આંતરિક એકતા હતું. અંગ્રેજો માટે પણ આ વિસ્મય પેદા કરનારું તત્ત્વ હતું.

તેમનું બીજું આકલન એવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વિકસી નહીં શકે અને જો વિકસશે તો ટકી નહીં શકે. આઝાદીની માગણી કરનારા ભારતીયો સમક્ષ અંગ્રેજો આવી દલીલ પણ કરતા હતા. થોભો, પહેલાં રાષ્ટ્રીયતા વિકસાવો, વિખરાયેલા સમાજમાં એકતા વિકસાવો અને એ પછી અમને ભારત છોડવાનું કહો. એ પહેલાં જો અંગ્રેજો જતા રહેશે તો દેશમાં અરાજકતા પેદા થશે. અંગ્રેજોની આ દલીલ કેટલાક ભારતીયોને ગળે ઊતરતી પણ હતી. તેઓ આગ્રહ કરતા હતા કે આપણે પહેલાં આપણી સમસ્યાઓનો અંત લાવવો જોઈએ અને એ પછી જ આઝાદીની માગણી કરવી જોઈએ. ૧૯મી અને ૨૦મી સદીમાં જેટલા રાવ બહાદુર અને સર હતા તેમને આઝાદીની ઉતાવળ નહોતી.

એક બીજો વર્ગ પણ હતો જેને અંગ્રેજોની દલીલ તો ગળે ઊતરતી હતી, પરંતુ ઉકેલ ગળે નહોતો ઊતરતો. ખીચડા જેવા આંતરિક રીતે વિખરાયેલા સમાજમાં રાષ્ટ્ર વિકસી ન શકે એવી અંગ્રેજોની દલીલ તેમને ગળે ઊતરતી હતી, પરંતુ એનો ઉકેલ ત્રીજા પક્ષકાર તરીકે અંગ્રેજોનું અહીં ભારતમાં રહેવું એ નથી. એની જગ્યાએ ભારત બહુમતી રાષ્ટ્રવાદનું પાશ્ચાત્ય મોડેલ જ કેમ ન અપનાવી લે એવો તેમનો ઉકેલ હતો. જે પ્રજા બહુમતી ધરાવતી હોય એ પ્રજા રાષ્ટ્રનિર્માણમાં કરોડરજ્જુની ભૂમિકા ભજવે અને બીજી લઘુમતી પ્રજા તેને અનુકૂળ થઈને રહે. લઘુમતી કોમ જો સમજે તો સમજૂતી કરીને અને ન સમજે તો પરાણે શરણે પાડીને. બાકી રાહ જોતા બેસી રહેવાનું ન હોય.

બહુમતીનો અર્થ તેઓ ધાર્મિક બહુમતી કરે છે, કારણ કે ભારતમાં ધાર્મિક સિવાય બીજી કોઈ બહુમતી નથી. ભાષા, વંશ કે બીજી કોઈ પ્રકારની બહુમતી ભારતમાં નથી. ભારતમાં હિંદુ બહુમતીમાં છે, એટલે ભારતીય રાષ્ટ્રનિર્માણમાં કરોડરજ્જુનું કામ માત્ર હિંદુઓ જ કરી શકે. હિંદુઓનો આ અધિકાર અને વર્ચસ્‌ લઘુમતીએ સ્વીકારવું જોઈએ. એ તેમનું રાષ્ટ્ર પરત્વે કર્તવ્ય છે અને તેમણે દરેક મોકે કર્તવ્ય બજાવીને દેશપ્રેમનું પ્રમાણ આપવું જોઈએ. બહુમતી રાષ્ટ્રવાદીઓની બીજી દલીલ એવી હોય છે કે રાષ્ટ્ર સામે ખતરો પેદા થાય ત્યારે માત્ર અને માત્ર બહુમતી કોમ જ રાષ્ટ્રની પડખે ઊભી રહે છે એટલે રાષ્ટ્ર માટે સૌથી ભરોસાપાત્ર કોમ પણ બહુમતી કોમ જ હોય છે. દેખીતી વાત છે; જે રાષ્ટ્રનું નિર્માણ કરે, જે રાષ્ટ્રનું પોષણ કરે, જે રાષ્ટ્રનું રક્ષણ કરે એ રાજ કરે. લઘુમતી કોમે આ દેખીતી વાત સમજવી જોઈએ અને બહુમતી કોમના વર્ચસ્‌ને સહર્ષ સ્વીકારી લેવું જોઈએ. ભારતીય જનતા પક્ષ આવી વિચારધારાનું ફરજંદ છે.

બહુમતી રાષ્ટ્રવાદીઓની દલીલ તો બહુ આકર્ષક છે. શીરાની જેમ ગળે ઊતરી જાય એવી છે. જગતના અનેક દેશોમાં રાષ્ટ્રવાદનું લગભગ આવું સ્વરૂપ જોવા મળે છે અને એ બધા દેશ ટકેલા છે. બી.જે.પી. જેનું ફરજંદ છે એ વિચારધારાના પુરસ્કર્તાઓ પણ એ જ દલીલ કરતા હતા જે વૈશ્વિક અનુભવ હતો. પરેશાન કરનારા સવાલ એ છે કે તો પછી તેઓ આઝાદીની લડતમાં કેમ અગ્રેસર ભૂમિકા ભજવી ન શક્યા? અવિભાજિત ભારતના ૭૬ ટકા હિન્દુઓએ તેમની આંગળી પકડવી જોઈતી હતી અને તેમની આગેવાનીમાં આઝાદી મેળવવી જોઈતી હતી, પણ એવું બન્યું નહોતું. બીજો સવાલ એ છે કે રાષ્ટ્રવાદની શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દલીલ કરતા હોવા છતાં પહેલાં જનસંઘને અને એ પછી ભારતીય જનતા પાર્ટીને સત્તા સુધી પહોંચતા છ દાયકા કેમ લાગ્યા? વળી સત્તા સુધી પહોંચ્યા પછી પણ બીજી મુદ્દત મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી જે ખાતરી કોંગ્રેસ એક બે નહીં પૂરા પાંચ દાયકા સુધી ધરાવતી હતી?

કોઈક ચીજ છે ભારતીય સમાજના સ્વરૂપના આકલનમાં જે બહુમતી રાષ્ટ્રવાદીઓની પકડમાં આવતી નથી અને એવી કોઈક ચીજ હતી જે કોંગ્રેસની પકડમાં આવી ગઈ હતી જેને કારણે દાયકાઓ સુધી તેણે રાજકીય વર્ચસ્‌ અને સત્તા બન્ને ભોગવ્યા હતા. પછીના વર્ષોમાં એ જાદુઈ ચીજ કોંગ્રેસે ખોઈ દીધી જેને કારણે કોંગ્રેસ આજની અવસ્થામાં મુકાઇ ગઈ છે. એ કઈ ચીજ છે જેની ચર્ચા હવે પછી.

સૌજન્ય : ‘નો નોનસેન્સ’ લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 05 અૉગસ્ટ 2018

Loading

શાહબાનો અને અૅટ્રોસિટીઝ એક્ટ: તુષ્ટિકરણના રાજકારણનો ચહેરો એકસરખો હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 August 2018

૧૯૮૪ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ વિજય મળ્યો હતો. લોકસભાની એ વખતની કુલ ૫૩૩ બેઠકોમાંથી કોંગ્રેસને ૪૧૪ બેઠકો મળી હતી અને ૪૯.૧૦ ટકા મત મળ્યા હતા. (૨૦૧૪માં બી.જે.પી.ને મળેલી ૨૮૨ બેઠકો અને ૩૧ ટકા મત આની સામે ફિક્કા લાગશે.) ચૂંટણીમાં આટલી સફળતા તો જવાહરલાલ નેહરુને પણ નહોતી મળી. ૧૯૮૫ અને ૧૯૮૬નાં  વરસ રાજીવ ગાંધી માટે સારા ગયાં હતાં અને એ પછી ૧૯૮૭થી સાડાસાતી બેઠી હતી તે ત્યાં સુધી કે ૧૯૮૯ સુધીમાં રાજીવ ગાંધી બદનામ થઈ ગયા અને ૧૯૮૯ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.

આવું કેમ બન્યું? અનેક કારણ હતાં એમાં મુખ્ય કારણ ત્રણ હતાં : બોફોર્સ, અયોધ્યામાં બાબરી મસ્જિદનાં તાળાં ખોલાવ્યાં અને શાહબાનો કેસમાં પીછેહઠ. ૧૯૮૪ પછી પહેલીવાર ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા. રાજીવ ગાંધીની જેમ તેમનાં પણ બે વરસ સારાં ગયાં અને ત્રીજા વરસે સાડાસાતી બેઠી. રાજીવ ગાંધીની સરકારે બોફોર્સ તોપનો સોદો આત્મવિશ્વાસના અતિરેકમાં કર્યો હતો જે રીતે નરેન્દ્ર મોદીએ રાફેલનો કર્યો છે. વિરોધ પક્ષ નિર્બળ છે, શું કરી લેશે એવી કોઈ સમજે બન્ને વખતે કામ કર્યું હોવું જોઈએ.

એ પછી લોકપ્રિયતાનો ગ્રાફ નીચે જવા લાગ્યો ત્યારે તેમણે જે તે પ્રજાનું મન જીતવા આડા-અવળા હાથપગ મારવા માંડ્યા હતા. ૧૯૪૮થી બાબરી મસ્જિદને તાળાં લાગેલાં હતાં જે તેમણે હિંદુઓના મત અંકે કરવા ખોલાવ્યા હતા. એ પછી સર્વોચ્ચ અદાલતનો શાહબાનો કેસમાં તલ્લાકપીડિત મુસ્લિમ મહિલાઓને ખાધાખોરાકી આપવાને લગતો ચુકાદો આવ્યો. એ ચુકાદો મુસ્લિમ મહિલાઓને ન્યાય કરનારો હતો, પરંતુ રૂઢિચુસ્ત મુસલમાનોએ એ ચુકાદાનો મઝહબના અને શરિયતના અધિકારના નામે વિરોધ કર્યો હતો. રાજીવ ગાંધીને એમ લાગ્યું કે હવે મુસલમાનોના મત અંકે કરવાની સારી તક મળી છે એટલે તેમણે સંસદમાં ખરડો પસાર કરીને શાહબાનોના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ઊલટાવ્યો હતો. છેવટે ૧૯૮૯ સુધીમાં રાજીવ ગાંધીને સમજાઈ ગયું હતું કે તેમણે ગોળા સાથે ગોફણ પણ ગુમાવી દીધી છે. બાબરી મસ્જિદનાં તાળાં ખોલવાનાં કારણે મુસલમાનોના મત ગુમાવ્યા અને શાહબાનોના કારણે હિંદુઓના મત ગુમાવ્યા. હિંદુઓને એમ લાગવા માંડ્યું કે કોંગ્રેસ મુસ્લિમ તરફી પાર્ટી છે. રાજીવ ગાંધી વમળમાં ફસાઈ ગયા હતા.

એમ લાગે છે કે નરેન્દ્ર મોદીની સરકાર પણ એ જ માર્ગે છે જે રાજીવ ગાંધીએ અપનાવ્યો હતો. દેશભરમાં હિન્દુઓના મત મેળવવા આસામમાં નેશનલ સિટિઝન્સ રજિસ્ટરનો માર્ગ અપનાવ્યો છે જે પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.ની વિરુદ્ધ જઈ શકે છે. દેશભરમાં હિન્દુઓનું ધ્રુવીકરણ થશે કે નહીં એ તો સમય કહેશે, પરંતુ અત્યારે આસામ અને બંગાળનું ધ્રુવીકરણ થઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ બી.જે.પી. માટે બહુ મહત્ત્વનું રાજ્ય છે, કારણ કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી લોકસભાની ૪૨ બેઠકો ધરાવતું ત્રીજા ક્રમનું મોટું રાજ્ય છે.

કેન્દ્ર સરકારે બીજો નિર્ણય દલિતો અને આદિવાસીઓને અત્યાચાર સામે રક્ષણ આપનારા કાયદા વિષે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને ઊલટાવવાનો લીધો છે. ડીટ્ટો શાહબાનો મોમેન્ટ. વાત એમ છે કે સર્વોચ્ચ અદાલતે ગયા માર્ચ મહિનામાં ચુકાદો આપ્યો હતો કે ૧૯૮૯માં ઘડવામાં આવેલા શિડ્યુલ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ ટ્રાઈબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે એટલે હવે પછી એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાની સાથે આરોપીની ધરપકડ કરવામાં ન આવે. બે ન્યાયમૂર્તિઓએ આપેલા આ ચુકાદામાં કાંઈ જ અજુગતું નથી. અદાલતે કાયદાને રદ્દ નથી કર્યો. અદાલતે એમ પણ નથી કહ્યું કે આરોપીની ક્યારે ય ધરપકડ કરવામાં ન આવે. અદાલતે માત્ર એટલું જ કહ્યું છે કે તાત્કાલિક ધરપકડ કરવામાં ન આવે. પોલીસ પ્રાથમિક કેસ છે કે નહીં એની તપાસ કરે અને કહેવાતા આરોપીનો પક્ષ પણ સાંભળે. જો ગળે ઊતરે એવી ફરિયાદ હોય તો જ ધરપકડ કરવામાં આવે. 

પહેલાં તો સરકાર ચુકાદો જોઇને રાજી થઈ હતી કે ચાલો બી.જે.પી.ના સમર્થક સવર્ણો રાજી થશે. સવર્ણોને રાજી કરવા માટે તો સરકારે સુનાવણી દરમ્યાન કાયદાને હળવો કરવાની દરખાસ્તનો વિરોધ નહોતો કર્યો. સર્વોચ્ચ અદાલતે સરકારને પૂછ્યું હતું કે તાત્કાલિક ધરપકડ કરવામાં ન આવે એવી અરજદારની માંગણી વિષે સરકારને શું કહેવાનું છે? કેન્દ્ર સરકારે કોઈ પક્ષ નહોતો રાખ્યો. ચુકાદા પછી દલિતોએ વિરોધ કર્યો હતો. રામ વિલાસ પાસવાન અને રામદાસ આઠવલે જેવા કેન્દ્રના દલિત પ્રધાનોએ પણ ચુકાદાનો વિરોધ કર્યો હતો. બી.જે.પી.ના નેતાઓએ ચુકાદાનો વિરોધ કર્યો હતો. ટૂંકમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ઊલટાવવાની માગ ચારે બાજુએથી ઊઠી હતી. આમ પણ ગૌરક્ષકોને કારણે દલિતો સરકારથી નરાજ છે અને એમાં આ ચુકાદાએ વધુ નારાજ કર્યા છે.

મુસ્લિમ મહિલાઓને ન્યાય આપનારા અત્યંત વાજબી ચુકાદાને જે રીતે રાજીવ ગાંધીની સરકારે ઊલટાવ્યો હતો એમ નિર્દોષ માણસને ન્યાય અને રક્ષણ આપનારા ચુકાદાને નરેન્દ્ર મોદીની સરકાર ઊલટાવી રહી છે. શા માટે? દલિતોના મત જોઈએ છે જેમ કોંગ્રેસને ત્યારે મુસલમાનોના મત જોઈતા હતા. વાચકોએ નોંધ્યું હશે કે આ લખનાર દલિતો માટે ખૂબ ઊંડી હમદર્દી ધરાવે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે કાયદાનો દુરુપયોગ કરીને કોઈને હેરાન કરવામાં આવે. દલિતોને અને આદિવાસીઓને આપવામાં આવતી અનામતની જોગવાઈનો મેં હંમેશાં બચાવ કર્યો છે.

બાય ધ વે, અનામતની જોગવાઈ જગતના ઘણા દેશોમાં છે અને તેમાં સમૃદ્ધ દેશોનો પણ સમાવેશ થાય છે. થોડાં નામ જાણવા હોય તો અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, રશિયા, ચીન, જપાન, ઇઝરાયલનાં આપી શકાય જે અનામતની જોગવાઈ હોવા છતાં પાછળ નથી રહ્યા. આપણે ત્યાં જેને રિઝર્વેશન કહેવામાં આવે છે તેને અમુક દેશો અફર્મેટિવ એક્શન તરીકે ઓળખાવે છે તો બ્રિટનમાં તેને પોઝિટિવ એક્શન તરીકે ઓળખાવવામાં આવે છે. બીજા દેશોમાં ઊંચ-નીચની સીડીમાં બે-ચાર પગથિયાં માંડ હોય છે, જ્યારે આપણે ત્યાં બે હજાર પગથિયાં છે એટલે ઉપરવાળાને નીચેવાળો કઠે છે અને નીચેવાળાને ઉપરવાળો કઠે છે.   

મૂળ વિષય પર પાછા ફરીએ. શિડ્યુલ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ ટ્રાઈબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એ જગજાહેર છે. આવી જ રીતે ઘરેલું હિંસા અને દહેજને લગતા કાયદાઓનો પણ કેટલીક મહિલાઓ દુરુપયોગ કરે છે. તેમને આનો દુરુપયોગ કરવાનું વકીલો શીખવે છે એ પણ ઉઘાડી વાત છે. મૂળભૂત મુદ્દો એ છે કે કાયદાનું રક્ષણ દરેકને મળવું જોઈએ. જેની સાથે અત્યાચાર થાય છે એ દલિતોને, આદિવાસીઓને અને મહિલાઓને તો ચોક્કસ મળવું જોઈએ, પણ એની સાથે એને પણ રક્ષણ મળવું જોઈએ જે નિર્દોષ છે.

આ સરકારમાં સત્ય અને ન્યાયના પક્ષે ઊભા રહેવાની હિંમત નથી જે રીતે લોકસભામાં પ્રચંડ બહુમતી હોવા છતાં રાજીવ ગાંધીની સરકારમાં નહોતી. આને માટે જવાહરલાલ નેહરુનું ગજું જોઈએ જેમણે મધ્ય પ્રદેશમાં ચુરહટ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણીસભામાં જાહેરમાં કબૂલાત કરી હતી કે અમે અહીં ખોટા ઉમેદવારને ઊભો રાખ્યો છે માટે તમે તેને તમારો કિંમતી મત નહીં આપતા. એ ઉમેદવાર કોણ હતો એ જાણો છો? મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અર્જુન સિંહના પિતા શિવ બહાદુર સિંહ.

સત્યનો મારગ છે શૂરાનો …

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2018

Loading

...102030...3,0383,0393,0403,041...3,0503,0603,070...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved