Opinion Magazine
Number of visits: 9685942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષ્ણ રેડ્ડીનું નિધન

જ્યોતિ ભટ્ટ|Opinion - Opinion|23 September 2018

૧૯૨૫માં આંધ્રના ખેતમજૂર પરિવારમાં જન્મેલા અને અગિયારની વય સુધી શાળાભ્યાસથી વંચિત રહેલા વિશ્વવિખ્યાત કળાકાર કૃષ્ણ રેડ્ડીનું ૯૩ વર્ષની વયે ન્યુયૉર્કમાં, આ વરસે ૨૨ ઑગસ્ટે નિધન થયું છે. ઇંગ્લૅન્ડના ગાર્ડિયન અને અમેરિકાના ન્યુયૉર્ક ટાઇમ્સ અખબારે કૃષ્ણ રેડ્ડીને (નિરીક્ષકનાં આઠેક પાનાં ભરાય તેટલી) માહિતીસભર વિગતો સાથે સ્મરણાંજલિઓ આપી છે.

ઋષિવેલી શાળામાં અભ્યાસ માટે જોડાયા પહેલાં તે  મંદિરો માટે મૂર્તિશિલ્પો બનાવતા પોતાના પિતાને મદદ કરતા અને ભીંતચિત્રો બનાવતા હતા. ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં સક્રિય હોવાથી  કારાવાસ પણ અનુભવ્યો. શ્રી. જે. કૃષ્ણમૂર્તિના પ્રોત્સાહનથી પહેલાં શાંતિનિકેતનમાં આચાર્ય નંદલાલ બોઝ અને રામકિંકર પાસે કળાભ્યાસ કર્યો. રવીન્દ્રનાથના પ્રભાવે પ્રકૃતિ પ્રત્યે પ્રેમાદર વધ્યાં, જે જીવનના અંત સુધી તેમના કળાસર્જનમાં કોઈ ને કોઈ સ્વરૂપે પ્રગટતાં જ રહ્યાં. શાંતિનિકેતનમાં અભ્યાસ પછી ચારેક વર્ષ ચેન્નાઈ ‘કલાક્ષેત્ર’ની આર્ટ કૉલેજમાં શિક્ષણકાર્ય કર્યું. પછી લંડનની કળાસંસ્થા ‘સ્લેડ’માં વિશ્વવિખ્યાત શિલ્પી હેન્રી મૂર પાસે અભ્યાસ કર્યા બાદ પૅરિસ જઈને રહ્યા. ત્યાં પણ પિકાસો, બ્રાન્કુસી, મિરો, જ્યાકોમેત્તી અને ઝેડકિન જેવા કલાજગતના અનેક આદરણીય કળાકારોનું સાંનિધ્ય મળ્યું. ઝેડકિનની સાથે કામ કરતા છાપકળા પ્રત્યે આકર્ષાઈ, હેઇટરના પ્રયોગાત્મક વલણ ધરાવતા સ્ટુડિયો ‘આતેલિયેર-૧૭’માં જોડાયા. મૂર્તિકાર હોવાને નાતે છાપ બનાવવા જરૂરી બીબું (પ્લેટ) કોતરવા માટે વપરાતાં પારંપરિક ઓજારોને સ્થાને મૂર્તિકામનાં સાધનો વાપરવા શરૂ કર્યાં. ત્યાં તેમણે અને કૈકુ મોતીવાલાએ પ્રયોગો કરીને એક જ બીબાનાં ઓછા વધારે કોતરેલાં દરેક સ્તરો પર વિવિધ રંગોની શાહી લગાડી તેની એક સાથે જ છાપ લેવાની પદ્ધતિ ઉપજાવી અને વિકસાવી. તે પદ્ધતિ હવે ‘વિસ્કોસિટી’ નામે જાણીતી થઈ છે.

પૅરિસમાં બે દાયકાના નિવાસ દરમિયાન આલ્જિરિઆ મુક્તિ આંદોલન માટે પોસ્ટરો બનાવેલ, તેથી તેમને આલ્જીિરયન માની ફ્રૅંચ પોલીસે મારપીટ કરેલી તેમ જ કસ્ટડીમાં લઈ હેરાન પણ કરેલા. તેમના યુવાન મિત્ર અને જાણીતા છબીકાર રામ રહેમાને તેમને ‘તિક્ષ્ણ રાજકારણી સમજની સાથોસાથ ટાગોર અને ગાંધીવિચાર સાથે જોડાયેલ મૂળ ધરાવતો તથા ફ્રૅંચ ડાબેરીઓના સમર્થક સૌમ્ય સજ્જન’ કહ્યા હતા. એક ઉત્તમ છાપગર – પ્રિન્ટમેકર તરીકે આંતરરાષ્ટ્રીય સાંપ્રત કળા ક્ષેત્રે કરેલા તેમના પ્રદાન માટે કૃષ્ણ રેડ્ડી જેટલી અને જેવી નામના અન્ય કોઈ ભારતીય કળાકારને મળી નથી. છાપકળાકાર તરીકે પ્રખ્યાત છે, તેથી પણ વધુ તે શિક્ષક તરીકે લોકપ્રિય હતા. વિવિધ દેશોની ૨૫૦ જેટલી કળાશાળાઓ, સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓમાં વર્ગો લેવા તથા કાર્યશાળા યોજવા માટે તેમને નિમંત્રિત કરાયા હતા. ભારત સરકારે પણ ૧૯૭૨માં ‘પદ્મશ્રી’ આપીને તેમને સન્માન્યા હતા.

એમની છાપકૃતિઓ મુખ્યત્વે અમૂર્ત (Abstract) કહી શકાય તેવી હતી. તેમની છાપો જોનારને તેમાં ‘કંઈ નથી’ને સ્થાને કોઈ અણદીઠેલી અલૌકિક ભોમકાની તથા પ્રકૃતિની લાક્ષણિકતા ધરાવતાં સ્વરૂપોની પ્રતીતિ કરાવે છે. બાંગલાદેશ મુક્તિ-સંગ્રામ બાદ નિર્વાસિત બનેલી એક નાની બાળકીને તેમણે અને તેમની કળાકાર પત્ની જ્યુડીએ દત્તક લઈને, અપર્ણા નામ આપી ઉછેરી છે. ત્રણેક વર્ષની નાનકડી અપૂ તેમની છાપોમાં પણ દેખાવા લાગેલી અને તે પણ મધ્ય સ્થાને.

તેમણે બનાવેલી ઘણી કૃતિઓ ‘રાષ્ટ્રીય આધુનિક કળા સંગ્રહાલય (NGMA) સહિત વિવિધ  ભારતીય કળાસંગ્રહોમાં પણ સ્થાન પામી છે.

E-mail : jotu72@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 12 

Loading

પાકિસ્તાન પૂર્વેના જિન્ના –

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|23 September 2018

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ વિરોધોમાંથી એક વિરોધ એ પોતપોતાના રાષ્ટ્રપિતાને જોવાના દ્રષ્ટિકોણનો પણ છે. મહાત્મા ગાંધીની તો દરેક ભારતીય પોતાની અલગ રીતે વ્યાખ્યા કરી શકે છે. જેમ કે નક્સલીઓ ગાંધીજીને દબાતા પગલે આગળ વધનારા પ્રતિક્રિયાવાદી કહે છે, તો હિંદુત્વવાદીઓની નજરમાં તેઓ મુસલમાનો પ્રત્યે કંઇક વધારે જ ઉદાર હતા. આંબેડકરવાદીઓની નજરમાં જાતિવાદના મુદ્દે તેમનો વિરોધ ગંભીર નહોતો, ત્યારે નારીવાદીઓ તેઓને લૈંગિક ભેદભાવના મુદ્દે થોડા નરમ ગણાવે છે. આધુનિકવાદીઓની નજરમાં ગાંધી ભૂતકાળનું મહિમામંડન કરનાર હતા, તો પરંપરાવાદીઓની નજરમાં તેઓ શાસ્ત્રનો અનાદર કરનાર વ્યક્તિ હતા. જ્યારે પાકિસ્તાનમાં તેમના રાષ્ટ્રપિતાની કોઇ ટીકા-ટિપ્પણી થઇ શકતી નથી.

પાકિસ્તાનની રચના થઇ તેના થોડા જ સમય બાદ, લાહોરના એક કવિએ જિન્ના વિશે લખ્યું હતું કે હે કાયદે-આઝમ તમારા શ્વાસ માત્ર જ આ દેશ માટે પૂરતા છે, આ દેશને એક રાખવા માટે તમે એકલા જ પૂરતા છો. પાકિસ્તાનમાં જિન્નાને આ જ ભક્તિભાવથી યાદ કરવામાં આવે છે. આજે પણ ઘણાં પાકિસ્તાનીઓનું એવું કહેવું છે કે જો જિન્ના માત્ર પાંચ અથવા દસ વર્ષ વધુ જીવતા રહ્યા હોત, તો આ દેશને ભ્રષ્ટાચાર, ગરીબી, આતંકવાદ, કટ્ટરતાવાદ અથવા સૈન્યની તાનાશાહીનો રોગ ના લાગ્યો હોત. પાકિસ્તાનના દળોની પ્રતિબદ્ધતાઓમાં ભાગલા જોવા મળતા હોવા છતાં પણ તેઓ જિન્નાના મુદ્દે તો એક જ છે. પાકિસ્તાનના અખબાર ‘ડોન’માં અઠવાડિયાઓ પહેલાં તેના સંપાદકીયમાં એવું નોંધવામાં આવ્યું હતું કે જિન્નાનું પાકિસ્તાન સહિષ્ણુ, પ્રગતિશીલ, સમાવેશી અને લોકતાંત્રિક છે. શું પાકિસ્તાનની લીડરશીપ પોતાના સંસ્થાપક પિતાના આદર્શો પર પરત ફરશે.

એક ભારતીય તરીકે, પાકિસ્તાનીઓએ પોતાના રાષ્ટ્રપિતાને કેવા દ્રષ્ટિકોણથી જોવા જોઇએ તે વિશે વાત કરવી એ મારું કામ નથી. પણ, એક ઇતિહાસકાર તરીકે મારી જવાબદારી છે કે મારે પાકિસ્તાનીઓને અને મારી જાતને એ વાતની યાદ અપાવવી જોઇએ કે જિન્નાના સમયમાં તેમના સમકાલીનો તેમના વિશે શું વિચારતા હશે. હું અહીં ગાંધી અને નહેરુની વાત નહીં કરું કારણ કે તેઓના વિચારો જગજાહેર છે.

શરૂઆત આપણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહી ચૂકેલા મૌલાના શૌકતઅલીથી કરીશું. આ તે અલી બંધુ પૈકીના છે કે જેઓ અસહયોગ આંદોલનમાં ગાંધીજીની સાથે અને જિન્નાની વિરુદ્ધ સ્પષ્ટવક્તા તરીકે જોવા મળ્યા હતા. વર્ષ 1926માં આ આંદોલન સંપૂર્ણ રીતે શાંત પડતાની સાથે જ જિન્નાએ બોમ્બે વિધાનસભા માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરી દીધી હતી. શૌકતઅલીએ આ ઉમેદવારીની સાથે એક અરજી જાહેર કરી અને જણાવ્યું કે તેઓ જિન્નાને બોમ્બેના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે અનુપયુક્ત કેમ માને છે અને તેના કારણો આ પ્રમાણે હતા. એક, કે જિન્ના બોમ્બેના મુસલમાનો વિશે કશું જાણતા નહોતા અને તેના કરતાં પણ મોટી વાત એ હતી કે જિન્ના આ વિશે જાણવા પણ માગતા નહોતા. બીજુ, જિન્નાએ અભ્યાસના સંદર્ભે પછાત મુસલમાનો માટે કશું કાર્ય કર્યું નહોતું. ત્રીજુ, જિન્નાએ મુસ્લિમ સમુદાયના તમામ અભિયાનથી પોતાને દૂર રાખ્યા અને સાથે ખિલાફત અને અસહયોગ આંદોલનનો પણ વિરોધ કર્યો. ચોથુ, આ મુસ્લિમ લીગનું સંકીર્ણ અને પુરાતન સંવિધાન હતું કે જેના જિન્ના સફળતાથી વડા તો બની ગયા, પણ તેને ખત્મ કરી દીધું. પાંચમુ, જિન્ના અનુશાસન કાયમ રાખી શક્યા નહીં અને પાર્ટી સંગઠનના અધીન કાર્ય પણ કરી શક્યા નહીં, ત્યાં તેમણે પોતાના સરીખા અથવા તો વરિષ્ઠોની સાથે તાલમેળ સાધવો પડે તે પણ તેઓએ ટાળ્યું.

શૌકતઅલીએ પોતાની વાત ખત્મ કરતા લખ્યું કે ઈસ્લામ વિશે જિન્નાની લગભગ નહીંવત્‌ એવી જાણકારી ડરાવનારી છે, અને તેમના પર કમનસીબ મુસલમાનોનું પ્રતિનિધિત્વ સોંપવાનો ભરોસો કરી શકાય નહીં, અને અહીં સુધી કે એક લેમ્પપોસ્ટ પણ તેમના કરતાં ઓછો નુક્સાનકારક હશે.

તેમ છતા પણ જિન્ના ચૂંટણી જીતી ગયા અને તેમનું નસીબ ચમક્યું, સાથે શૌકતઅલીનું માન ઘટવા માંડ્યું. વર્ષ 1938માં શૌકતઅલીના મૃત્યુ સુધી, જિન્ના ભારતીય મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા હતા. વર્ષ 1940ના માર્ચ મહિનામાં લાહોરમાં જિન્ના મુસ્લિમ લીગના વાર્ષિક સંમેલનમાં વડાના પદે હતા, ત્યારે તેમના એક પ્રશંસકે તેમને લખ્યું કે આ તે જ સમય હતો કે જ્યારે જિન્નાને પ્રથમ વખત પોતાના હોવાનો અનુભવ થયો હશે. સાથે તેમને એ વાત સમજાઇ હશે કે તેમને પસંદ કરનારા લોકો તેમને કેટલા પસંદ કરે છે અને તેઓ ભારતીય મુસલમાનોનો કેટલો ભરોસો અર્જિત કરી ચૂક્યા છે. અને ત્યારે ભારતીય મુસલમાનો માટે એક અલગ દેશની માગ કરતો પાકિસ્તાન પ્રસ્તાવ પસાર થયો.

પંજાબના ગવર્નરને મોકલી આપેલી નોટમાં આઇ.સી.એસ. ઓફિસર પેંડરેલ મૂને લાહોર બેઠકની ત્રણ ખાસ વાતો રેખાંકિત કરી હતી. પ્રથમ, મુસલમાનોના અસલી પ્રતિનિધિના રૂપમાં મુસ્લિમલીગનું મહત્ત્વ અચાનક વધી ગયું છે. બીજુ, જિન્નાની પ્રતિષ્ઠા ઘણી વધી રહી છે અને તેઓ અખિલ ભારતીય સ્તર પર મુસલમાનોના નિર્વિવાદ નેતા બની ચૂક્યા છે. ત્રીજુ, મુસલમાનો હવે લગભગ ઉપરના સ્તર પર તો ભારતના ભાગલાના સહયોગમાં એક થઇ ચૂક્યા છે. આ ઘટનાના ત્રણ મહિના બાદ લિબરલ નેતા વી.એસ. શ્રીનિવાસન શાસ્રીએ ગાંધીજીને લખ્યું કે કોઇ વિચારી પણ નથી શકતું કે જિન્નાની અસર કેટલી હદે વધી ચૂકી છે. આજે કોંગ્રેસ પણ તેમની અવગણના કે ટીકા કરવાની સ્થિતિમાં નથી તો પછી બ્રિટિશ સરકાર પણ તેવું કેવી રીતે કરી શકશે. તેઓ જોઇ રહ્યા હતા કે અંગ્રેજો માટે હવે મુસલમાનોની નારાજગી, કોંગ્રેસને સંતુલિત રાખવાની આશા કરતાં વધુ ઘાતક સાબિત થવાની હતી. બીજી બાજુ ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઇ માનતા હતા કે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની રચનાના મૂળમાં જ બ્રિટનના નિર્માતા હતા, જેમણે હિંદુઓ અને મુસલમાનો વચ્ચેની વિભાજન રેખા મજબૂત કરી હતી. મહાદેવ દેસાઇએ લખ્યું આપણે આ સમગ્ર ઘટના માટે કોઈનો પણ વાંક કાઢી શકીએ નહીં, સાથે તે ખતરનાક વિચારને પણ દોષ આપી શકીએ નહીં.

વર્ષ 1940 સુધી એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાન ક્યારે ય બનશે જ નહીં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લીગ અને જિન્નાની અસર ઝડપી બની. યુદ્ધ ખત્મ થયા બાદ બ્રિટિશ ભારતની ચૂંટણીમાં જે રીતે મુસ્લિમ સીટો પર મુસ્લિમલીગ જીતી, તેનાથી આઝાદ પાકિસ્તાનના સપનાંને પાંખો મળી. ડિસેમ્બર 1946માં એક આઇ.પી.એસ. ઓફિસર મેલકમ ડાર્લિંગે પંજાબના એક પ્રમુખ મુસલમાન અને કોટના સરદારના હવાલાથી લખ્યું કે જ્યાં સુધી તેઓ પોતાની વાત પર સફળ છે, આ વાતનો કોઇ મતલબ નથી કે તેઓને મુસ્લિમ ધર્મની એ.બી.સી.ડી. આવડે છે કે નહીં. આ ઇતિહાસની વધુ એક વિડંબણા હતી કે જે વ્યક્તિ મુસલમાન વિશે કશું જ જાણતા નહોતા અને તેમના વિશે જાણવા પણ માગતા નહોતા તે વ્યક્તિ બ્રિટિશ ભારતના હાથમાંથી નીકળીને એક આઝાદ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવામાં સફળ થયા.

(હિન્દુસ્તાન હિન્દી ન્યૂઝપેપર)

અનુવાદ – નિલય ભાવસાર

https://www.livehindustan.com/blog/story-ramchandra-guha-article-in-hindustan-on-17-september-2177312.html

Loading

મોહન ભાગવતની બદલાયેલી ભાષાના સૂચિતાર્થો : આ લોકસભાની ચૂંટણી પહેલાં કે પછીની વૈકલ્પિક યોજના છે. પ્લાન – બી

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2018

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની બદલાયેલી ભાષા જોઇને એ લોકો પણ આભા બની ગયા છે જેઓ સંઘના અને વર્તમાન સરકારના સમર્થક છે. મોહન ભાગવત મોહન ગાંધીની માફક કેમ બોલવા લાગ્યા? મતપરિવર્તન કે પછી નવો ખેલ? જો મતપરિવર્તન હોય તો નવી ફિલસૂફી ઠરાવ કરીને સ્પષ્ટ કરવી જોઈએ, પણ એવું ક્યારે ય બનવાનું નથી. આ નવો ખેલ છે અને સંઘના ઇતિહાસમાં એ કોઈ નવી વાત નથી. અનેક મોઢે બોલવું, પ્રસંગે-પ્રસંગે અલગ-અલગ રીતે બોલવું, અલગ-અલગ ચહેરા રાખવા, કોઈ ભૂમિકાએ ક્યારે ય પણ બંધાવું નહીં એ તેમની મોડસ ઓપરેન્ડી (કાર્યપદ્ધતિ) છે.

૧૯૯૫માં બી.જે.પી.નું મહા અધિવેશન મુંબઈમાં મળ્યું હતું અને એમાં અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ૧૯૯૬માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને બી.જે.પી.ને સમજાઈ ગયું હતું કે બાબરી મસ્જિદ તોડ્યા પછી અને દેશમાં ઊભી કોમી તિરાડ પેદા કર્યા પછી પણ બેડો પાર થઈ શકે એમ નથી. આ બ્રહ્મજ્ઞાન થવા પાછળનું કારણ કે હતું કે ઉત્તર પ્રદેશ, અવિભાજિત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. રામજન્મભૂમિના નામે હિંદુઓમાં ઉન્માદ પેદા કર્યો એના એક વરસમાં. આ ત્રણેય રાજ્યોમાં બી.જે.પી.ની સરકારો હતી. બી.જે.પી.એ ધાર્યું નહોતું કે આવાં પરિણામ આવશે.

એ એ જ અટલ બિહારી વાજપેયી હતા જેમની ૧૯૮૫ પછી ભયંકર ઉપેક્ષા કરવામાં આવી હતી. ઉપેક્ષા અપમાનની કક્ષાની હતી. એ સમયે વાજપેયીએ લખેલાં કેટલાંક કાવ્યો તેની સાક્ષી પૂરે છે. ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર બે બેઠકો મળી એ પછી વાજપેયીના ઉદારમતવાદનો કોઈ ખપ નહોતો. એ સમયે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’, ‘હિન્દુસ્તાન મેં રહના હો તો વંદેમાતરમ્ બોલના હોગા’, ‘તીન (અયોધ્યા, મથુરા અને બનારસની મસ્જિદ) નહીં તીન હજાર નહીં રહેગી એક મઝાર’, બાબર કી ઔલાદ’, ‘મૌલાના મુલાયમ’, (એ સમયના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન), એક ધકા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’ વગેરે નારાઓ હતા. કોઈએ સંઘ પરિવારના કાર્યકર્તાઓને બેફામ બોલતા વાર્યા નહોતા અને અયોધ્યામાં એક ધકા ઔર દોના નારાઓ બોલતા હતા, ત્યારે લાલ કૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી વગેરે પક્ષના શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત હતા.

ક્યાં ગયું હતું બધું ડહાપણ? અને ૧૯૯૩માં ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેમ જ પેટા ચૂંટણીઓમાં થયેલા પરાજય પછી એકદમ ડહાપણની યાદ આવી હતી જે રીતે અત્યારે આવી છે. અટલ બિહારી વાજપેયીએ એવી ભાષામાં બોલવા માંડ્યું હતું જેવી ભાષામાં અત્યારે મોહન ભાગવત બોલી રહ્યા છે. વાજપેયી ખરેખર ઉદારમતવાદી હતા કે સંઘ પરિવારની આપેલી ભૂમિકા નિભાવનારા અભિનેતા હતા એ વિષે બે મત છે. શંકાનું કારણ એ છે કે તેમણે ક્યારે ય બોલવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે ખોંખારો ખાઈને બોલ્યા નહોતા. કદાચ પાછલી ઉંમરે ક્યાં જવું એની દુવિધા પણ હોય. ‘જાય તો જાય કહાં’ એવી તેમની એક કવિતા પણ છે.

નોંધવા જેવી વાત એ છે કે ૧૯૯૫ પછીથી સંઘ પરિવારમાં ડહાપણ યુગ બેઠો હતો અને ઉપર જે નારાઓની યાદી આપી એ નારાઓ બોલવાનું બંધ કરવામાં આવ્યું હતું. બંધ એટલે સાવ બંધ. જાણે કે આપણે ટીવી ચેનલ બદલી નાખી હોય અને મારા-મારી, ગાળા-ગાળી અને દેકારાની જગ્યાએ ગુરુબાનીના સૂર રેલાતા હોય એવો અનુભવ થવા લાગ્યો હતો.

તો સવાલ એ છે કે રહી-રહીને હવે ત્રણ રાજ્યોની વિધાનસભાઓની અને લોકસભાની સામાન્ય ચૂંટણી માથે છે ત્યારે કેમ સૂર બદલ્યો? એવી કઈ રાજકીય મજબૂરી છે? સો ટકા મત પરિવર્તન નથી અને જો મત પરિવર્તન હોય તો ઠરાવ કરીને બતાવે. હંમેશ માટે હિન્દુત્વ અને હિન્દુરાષ્ટનું સ્વરૂપ વ્યાખ્યાયિત કરી નાખવામાં આવે. એ પછી તમારા પર કોઈ શંકા નહીં કરે. પણ લખી રાખજો આવું કયારે ય બનવાનું નથી. તો પછી કઈ રાજકીય મજબૂતી છે જેને કારણે સંઘના સરસંઘચાલકે ભાષા બદલવી પડી છે.

શક્યતા એવી છે કે સંઘના નેતાઓને ખાતરી થઈ ગઈ છે કે એકલા નરેન્દ્ર મોદી વૈતરણી તારી શકે એમ નથી. હવે સબ કા સાથ સબ કા વિકાસ, અચ્છે દિન, કમ્પિટિટિવ ફેડરલિઝમ, કાળા નાણાની વાપસી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, પારદર્શકતા, ૫૬ ઈંચની છાતી વગેરે ચાલી શકે એમ નથી. નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીની ઈમેજ ઇવેન્ટો યોજનારાઓ, ખેલ પાડનારાઓ, જુમલા ફેંકનારાઓ, સરેઆમ જૂઠું બોલનારાઓ, રાજકીય લક્ષ્મણ રેખા નહીં પાળનારાઓ, આત્મકેન્દ્રી અને દેશમાં સામાજિક વિભાજનો પેદા કરનારાઓ તરીકેની બની ગઈ છે અને હવે એ બદલવી અશક્ય છે. જેમ રામજન્મભૂમિના કોમી અંદોલનનું નેતૃત્વ કરનારા લાલ કૃષ્ણ અડવાની ૧૯૯૫માં પોતાની ઈમેજ બદલી શકે એમ નહોતા એના જેવી જ સ્થિતિ છે. અડવાણી ઇચ્છત તો પણ એ શક્ય નહોતું અને અત્યારે પણ એવી જ સ્થિતિ છે. નરેન્દ્ર મોદી લાખ પ્રયત્ન કરે તો પણ ૨૦૧૪માં પાછા ફરી શકે એમ નથી. અખલકને લિન્ચિંગ કરીને મારી નાખ્યો તો અમારું શું ઉખાડી લીધું એવી ભાષા વાપર્યા પછી હવે સભ્ય થવા માટે કોઈ જગ્યા જ નથી બચી. તેમણે વિવેક અને ઠાવકાઈના બધા દરવાજા બંધ કરી દીધા છે.

૧૯૯૫માં અને ૨૦૧૮માં એક ફરક છે. ત્યારે હજુ બી.જે.પી.એ કેન્દ્રમાં પહોંચવાનું હતું અને અત્યારે ત્યાં ટકવાનું છે. ૧૯૯૫માં અટલ બિહારી વાજપેયી ભાથામાં એક તીરની માફક ઉપલબ્ધ હતા જેમની ઈમેજ ખરડાયેલી નહોતી, બલકે અકબંધ હતી; જ્યારે અત્યારે સંઘ પરિવારના ભાથામાંનું નરેન્દ્ર મોદી નામનું તીર વપરાઈ ચૂક્યું છે.

બે સંભવનાઓ નજરે પડે છે. એક એ કે સંઘના નેતાઓએ નરેન્દ્ર મોદી-અમિત શાહને કહી દીધું હશે કે હવે પછીથી તમે ધીરે-ધીરે નિષ્ક્રિય થતા જાઓ. નરેન્દ્ર મોદી માત્ર શાસન વિષે બોલે અને અમિત શાહ પંચ તારક હોટલમાં બેસીને ચૂંટણીનું મેનેજમેન્ટ જુએ. હવે પછી નરેન્દ્ર મોદી લો પ્રોફાઈલ ધારણ કરતા જાય જે રીતે ૧૯૯૫ પછી લાલ કૃષ્ણ અડવાણીએ બોલવાનું બંધ કરી દીધું હતું. આવતા બે-ત્રણ મહિનામાં આસ્તે-આસ્તે સંઘ અને સંઘે પસંદ કરેલા નેતાઓ આગળ આવે, તેઓ જ મોટાભાગે રાજકીય નિવેદનો કરે. ડહાપણ, ડહાપણ અને ડહાપણ. તો ટૂંકમાં સંઘ અને બી.જે.પી.ના ઠાવકા નેતાઓ લાંબી લાઈન દોરતા જાય.

બીજી સંભવના એવી છે કે આ લોકસભાની ચૂંટણી પહેલાં કે પછીની વૈકલ્પિક યોજના છે. પ્લાન – બી. જો લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. સવાસો દોઢસો બેઠકોથી વધારે બેઠકો ન મેળવી શકે તો નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજા કોઈને વડા પ્રધાન બનાવવામાં આવે. એ વ્યક્તિ કોણ હશે એ ઓળખવું મુશ્કેલ નથી. જે મોહન ભાગવતની અત્યારની ભાષામાં બોલવા લાગે, વારંવાર બોલે, આગ્રહપૂર્વક બોલે એને નરેન્દ્ર મોદીનો વિકલ્પ સમજવો. અત્યારથી જ વિકલ્પ નક્કી થઈ ગયો છે. નીતિન ગડકરી પર નજર રાખજો. જો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીમાં કારમો પરાજય થાય તો પ્લાન – બી વહેલો પણ અમલમાં મૂકવામાં આવે. ચૂંટણી પૂર્વે જ નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજા નેતાને (નીતિન ગડકરી વાંચો) વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવામાં આવે.

આ રાજકારણ છે એમાં કાંઈ પણ બની શકે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,0313,0323,0333,034...3,0403,0503,060...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved