કેરળના તિરુવનન્થપુરમમાં વીસમી જુલાઈથી ચાર દિવસ માટે યોજાયેલા અગિયારમા ‘ઇન્ટરનૅશનલ ડૉક્યુમૅન્ટરી ઍન્ડ શૉર્ટ ફિલ્મ – ફૅસ્ટિવલ’માં આનંદ પટવર્ધનને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. તે વખતે તેમણે આપેલું વ્યાખ્યાન અહીં ઉતાર્યું છે.

કેરળવાસીઓ, તમારો આભાર, માત્ર આ સન્માન માટે નહીં, તમે જે છો તેના માટે પણ. તમે એક એવું રાજ્ય છો કે જેમાં આત્યંતિક જમણેરી પરિબળો, તેમની પૂરેપૂરી તાકાત લગાવવા છતાં ય, સંસદમાં એક કરતાં વધુ બેઠકો મેળવી શક્યાં નથી. તમે સમાજ તરીકેનો તમારો ભાવ જાળવી રાખ્યો છે. એ ભાવનું તમે ધાર્મિક ઓળખમાં પતન થવા દીધું નથી. કેરલાઇટ એટલે કે કેરળવાસી હોવું એ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે યહૂદી હોવા કરતાં વધુ અર્થપૂર્ણ છે. વળી, ભારત જેનું ‘વિકાસ’ તરીકે પ્રદર્શન કરે છે, તે અવિચારી ઔદ્યોગિકીકરણ અને પર્યાવરણવ્યવસ્થા (ઇકોસિસ્ટમ્સ)ના વિનાશને શરણે તમે એક રાજ્ય તરીકે ગયા નથી, એટલા માટે તમારો આભાર માનવાનો. અમને શ્વાસ લેવાની તક આપવા માટે – અને આ શબ્દાર્થે પણ સાચું છે – તમારો આભાર.
આ ‘ઇન્ટરનૅશનલ ડૉક્યુમૅન્ટરિ ઍન્ડ શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ કેરળ’ અને ‘ચલચિત્ર અકાદમી’નો પણ આભાર માનું છું. આ ઉપક્રમો સહુ કાર્યકર્તાઓની ઘણી મહેનતને કારણે વર્ષોથી ચાલતા રહ્યા છે. તેનો આરંભ કરનાર અને કપરા સંજોગોમાં પણ તેમને ટકાવી રાખનાર રાજકીય પક્ષના દર્શનને પણ હું ધન્યવાદ આપું છું.
મને ખ્યાલ છે કે અત્યારે મારે સિનેમાની વાતને ચાતરી જવાની નથી, એટલે હવે હું એના તરફ આવવા માટે કોશિશ કરીશ. મારી સમસ્યા એ છે કે મારી ફિલ્મો હું જે દુનિયામાં રહું છું તે વિશેની છે અને તે દુનિયા બહુ ઝડપથી બદલાઈને વધુ ખરાબ થઈ રહી છે. આજે મને જે સન્માન અપાઈ રહ્યું છે, તેવું સન્માન મને થોડાંક વર્ષો પૂર્વે પણ મળ્યું હતું. એ ૨૦૧૪ની સાલ હતી અને અત્યારે જે વડાપ્રધાન છે, તે સત્તા પર આવવાની તૈયારીમાં હતા. મારી ફિલ્મો દુનિયામાં કોઈ પરિવર્તન લાવી છે કે કેમ એ અંગે ચિંતન કરું તો હું એવા તારણ પર આવું છું કે એ પરિવર્તન લાવી શકી નથી. એ ફિલ્મોથી કોઈ બદલાવ આવ્યો હોત, તો આપણે જે લોકોને ચૂંટ્યા એમને ન ચૂંટ્યા હોત. મને એ પણ ખબર છે કે મારી ફિલ્મોથી દુનિયા બદલાશે એવી મારી અપેક્ષા એ એક જાતનું અભિમાન છે, એમ અહીંના શ્રોતાઓને અને બીજાઓને પણ લાગશે. પણ ખરેખર, હું એવો કવિ નથી કે જે પોતાના જ માટે લખતો હોય, એવો ગાયક નથી કે જે બાથરૂમમાં જ ગાતો હોય કે એવો ચિત્રકાર નથી કે જે ચિત્રપ્રદર્શનોની ગૅલેરીઓ માટે જ ચિત્રો કરતો હોય. દુનિયા મારી ફિલ્મોની નોંધ લે એ હું ઇચ્છું છું, એ મારી મહત્ત્વાકાંક્ષાનું સ્તર છે. એના વિના હું ફિલ્મો બનાવી જ ન શકું.
હું નિષ્ફળ નીવડ્યો છું એવા તારણ પર હું જ્યારે પહોંચ્યો, ત્યારે ૨૦૧૪માં જે અનિષ્ટ થવાનું છે, તેના સંકેત મળી ચૂક્યા હતા. પણ મારા જેવા લોકો, અમારી ફિલ્મો ખરાબ હતી એટલા માટે નિષ્ફળ નથી, એવું પણ નથી કે અમે અમારી વાત લોકોને કમ્યુિનકેટ નહીં કરી શક્યા. અમારી ફિલ્મો નિષ્ફળ એટલા માટે નીવડી કે અમારી ફિલ્મો દૂર દૂર પહોંચાડવા માટેની વ્યવસ્થા (મિકેનિઝમ) નિષ્ફળ નીવડી હતી. એ બતાવવાનો મુદ્દો દેશના જુદા-જુદા હિસ્સામાં સત્તા ધરાવનારા માટે અગ્રતાક્રમે ન હતો. આજે, ચાર વર્ષે વાત વધુ વણસી છે.
આજના ભારતમાં તમને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી, સિવાય કે તમે જમણેરી વિચારધારા ધરાવતા હત્યારા હો, લિન્ચ મૉબ એટલે કે હત્યા કરનાર ટોળાંનો હિસ્સો હો, દલિત-દુર્બળ-લઘુમતી વર્ગોના માણસોનું ખૂન કરનાર હો કે તેમની મહિલાઓ પર બળાત્કાર કરનાર હો. તમે એવા હો, તો પછી તમને માત્ર અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જ નહીં, સજામાંથી મુક્તિ પણ છે. તમારી ધરપકડ ભાગ્યે જ થશે. એમાં ય તમને જામીન મળશે એટલું જ નહીં પણ એ મળ્યા પછી મંત્રીઓ તમને હાર પહેરાવીને આવકારશે.
આજે આપણે મીડિયાના કૉર્પોરેટાઇઝેશન સામે લડવાનું છે. ફાસીવાદીઓ સત્તા પર આવે, ત્યારે કૉર્પોરેટ્સ શું કરતા હોય છે, તે જાણવા માટે તમારે દૂરના ઇતિહાસમાં જવાની જરૂર નથી. આજે મીડિયાને ચાબૂક ફટકારી હાંકવા માટે કોઈ ગૉબેલ્સની જરૂર નથી. એ કામ કૉર્પોરેટ્સે કરી નાખ્યું છે. આઝાદીનો રોમાન્સ પૂરો થયા પછી, લોકોને ઉત્તમ શિક્ષણ આપવા માટેના સિદ્ધાન્તને આપણે ભૂલી ગયા. પછીનાં વર્ષોમાં ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (આઇ.એમ.એફ.) અને વિશ્વબૅન્કે આપણા પર ખાનગીકરણ ખરેખર લાદીને નવા રૂપમાં બ્રાહ્મણવાદ ઊભો કર્યો.
આઇકોનોગ્રાફી એટલે સાંસ્કૃિતક અને જાહેરજીવનની પ્રતીમાઓ તેમ જ પ્રતીકોનાં અર્થઘટન બદલાઈ શકે છે. ભગવા ઝંડા હેઠળ તિરંગો હંગામી ધોરણે ઢંકાઈ શકે. હિન્દુત્વ કૅન બિકમ અ ન્યુ નૅશનલ – હિન્દુત્વ એ નવું રાષ્ટ્રીયત્વ બની શકે. પણ બ્રાહ્મણવાદ હંમેશાં ત્યારે જ શાસન કરી શકતો હોય છે કે જ્યારે તેની સામે તિરસ્કાર માટેનું એક નિશાન હોય. બ્રાહ્મણવાદ એક વર્ગ કે વર્ણમાં બંધાયેલો નથી. એ લોકોને બાકાત કરનારું એવું માનસ (ઍક્સ્કલઝિવિસ્ટ માઇન્ડસેટ) છે. આ માનસ હંમેશાં કોઈને તિરસ્કારવા ઇચ્છે છે, જેના માટે એને દુશ્મનની જરૂર હોય છે. સોશિયલ મીડિયાના સ્વરૂપે આવેલી નવી ટેક્નોલૉજિ તિરસ્કારને ટોળાંની અંદરના દરેક હત્યારાના ખિસ્સામાંના મોબાઇલ થકી સર્વત્ર લઈ જાય છે. તિરસ્કારનું માનસ ધરાવતા લોકો બીજાને બંદૂક ચલાવતા શીખવે છે અને તેમને કારણે આપણે માનવ-અધિકાર માટેના અનેક લડવૈયા ગુમાવ્યા છે. આવાં દુઃખદ મૃત્યુની યાદ આપણને અત્યારે કવિતા લંકેશની ઉપસ્થિતિને કારણે પણ આવે છે.
આપણે કઈ રીતે લડી શકીએ ? આપણે હિંસાની સામે હિંસા ન કરી શકીએ. આપણે એ માત્ર લાગણી અને વિચાર સાથે કામ પાડીને કરી શકીએ. એક સાંસ્કૃિતક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. આપણે પ્રદેશ, પક્ષ ,સામાજિક વર્ગ અને વર્ણથી ઉપર ઊઠીને એવી સંસ્કૃિતનું સર્જન કરવું પડશે. જે જાતિવિહીન, વર્ગવિહીન, લોકશાહી, ન્યાયપૂર્ણ અને કરુણાપૂર્ણ હોય. આપણે સાંસ્કૃિતક લડવૈયા છીએ. આપણાં શસ્ત્રો એ વિવેક અને સંવેદનાં છે.
આપ સહુનો ફરીથી આભાર માનું છું અને તેને મારા આગામી કામ માટેના સહયોગ તરીકે સ્વીકારું છું.
૦૫ ઑગસ્ટ, ૨૦૧૮
[અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે]
સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 10
![]()


નોટબંધીનાં પગલાંની યાદ આપતી એક માહિતી સમાચાર રૂપે અખબારોમાં જુલાઈના આરંભમાં પ્રગટ થઈ. પ્રજામાં ફરતી ચલણી નોટો જૂનના આરંભે રૂ. ૧૯.૩૨ લાખ કરોડની થઈ. આ આંકડો સમાચારનો વિષય બન્યો, તેનું કારણ સમજીએ. ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે વડાપ્રધાને લોકો માટે સાવ અણધારી રીતે રૂ. ૫૦૦ અને હજારની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી, ત્યારે પ્રજામાં ફરતી ચલણી નોટો રૂ. ૧૭.૧૭ લાખ કરોડની હતી. નોટબંધીનાં પરિણામે ૬-૧-૧૭ના રોજ પ્રજામાં ફરતી ચલણી નોટો ઘટીને ૮.૭૮ લાખ કરોડની થઈ હતી. ૨૦૧૭માં પ્રજામાં ફરતી ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ૯.૫ ટકા થઈ ગયું હતું, જે ૨૦૧૫માં ૧૨ ટકા હતું, ત્યારે વડાપ્રધાનશ્રીએ નોટબંધીની સફળતા વર્ણવતાં સગર્વ જાહેરાત કરી હતી કે ચલણી નોટોનું પ્રમાણ જી.ડી.પી.ના ટકા રૂપે ઘટીને નવ ટકા થઈ ગયું છે. હવે ચલણી નોટો મૂલ્યમાં રૂ. ૨.૧૫ લાખ કરોડ વધીને ૧૯.૩૨ લાખ કરોડ પર પહોંચી છે અને જી.ડી.પી.ના ટકા રૂપે ૧૧.૨૭ ટકા પર પહોંચી છે. આમ, ચલણી નોટો ઘટાડી નાખવાનો નોટબંધીનો ઉદ્દેશ જો હોય, તો પાર પડ્યો નથી. તેેથી પ્રજામાં ફરતી ચલણી નોટોનો આ આંકડો સમાચારોનો વિષય બન્યો.