Opinion Magazine
Number of visits: 9685620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૂલિંગ પીરિયડ અને વોર્મઅપ પીરિયડ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 October 2018

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં નિવૃત્ત અધ્યક્ષા અરુંધતી ભટ્ટાચાર્ય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે જોડાયાં છે. અરુંધતી ભટ્ટાચાર્ય હોનહાર અને કર્તબગાર મહિલા છે, એટલે તેમની માંગ હોય એ સ્વાભાવિક છે. વળી, તબિયત પણ સાથ આપી રહી છે, એટલે અરુંધતી ભટ્ટાચાર્ય પણ હજુ કેટલાંક વરસ કામ કરી શકે એમ છે.

આધુનિક આયુર્વિજ્ઞાને માણસની જિંદગીની આયુષરેખા વધારી આપીને કેટલીક સમસ્યાઓ પેદા કરી છે. પહેલાં માણસ ૬૦ વરસ માંડ જીવતો, એટલે કામ કરનારી વ્યક્તિ ૬૦ની આસપાસ કાં પ્રભુને પ્યારી થઈ જતી, અને કાં નિવૃત્ત થઈને બાકીની નાનકડી જિંદગી ગુજારતી. આજે માણસ ૮૦-૮૫ વરસ તો સહેજે જીવે છે, એટલે સરકારી નિવૃત્તિ વય પછી ૨૦થી ૨૫ વરસ ગાળવાનાં હોય છે અને તે તે વ્યક્તિ માટે અને પરિવાર માટે એમ બન્નેને માટે વસમાં નીવડે છે.

નિવૃત્તિવય વધારી ન શકાય, કારણ કે નવી પેઢી માટે જગ્યા કરવાની હોય છે. આને કારણે પેલા નિવૃત્ત માણસને બે દાયકા વિતાવવા આકરા પડે છે. ઘરમાં ખટરાગ થાય છે અને જો વ્યવસાયિક હોય, તો વ્યવસાયમાં પિતા-પુત્ર વચ્ચે ધંધાના અભિગમની બાબતે મતભેદ થાય છે. આજે જનરેશન ગેપ એક જનરેશન જેટલો પહોળો થઈ ગયો છે. સરકાર નિવૃત્ત કર્મચારીઓને પેન્શન ચૂકવતાં લાંબી થઈ જાય છે. જેટલાં વરસ કામ કર્યું હોય લગભગ એટલી જ લાંબી અવધિ માટે પેન્શન આપવું પડે છે. જ્યારે પેન્શન સ્કિમ દાખલ થઈ ત્યારે આયુષ્યરેખા આટલી લાંબી નહોતી. આમાં લશ્કરી જવાનોની સમસ્યા વધારે પેચીદી છે. જવાનો માટેની નિવૃત્તિ વય વહેલી હોય છે, એટલે વીસ વરસની નોકરી સામે ૪૦ વરસ પેન્શન આપવું પડે છે. એટલે તો ઇન્દિરા ગાંધીએ સમજાવી બુજાવીને ૧૯૭૨માં વન રૅન્ક વન પેન્શન બંધ કર્યું હતું. પેન્શન ચૂકવીને સરકારની કમર તૂટી જતી હતી. જેનાથી ડાહ્યાઓ દૂર રહે ત્યાં સાહેબો કૂદી પડતા હોય છે, પણ જવા દો એ વાત. 

અરુંધતી ભટ્ટાચાર્યને મુકેશ અંબાણીએ કર્તબગારીની કદર તરીકે લીધાં છે કે કોઈ બીજાં કારણે એવો સવાલ થવો સ્વાભાવિક છે. સવાલ ઉપસ્થિત થવા માટે કારણો છે. દરેક વખતે પુરાવાઓ નથી હોતાં, પણ સાદી સમજ કેટલાક સવાલો તો ઉપસ્થિત કરે જ છે. થોડા મહિના પહેલાં ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની તટસ્થતા વિશે સવાલો થતા હતા અને શંકાઓ પેદા કરવામાં આવતી હતી, ત્યારે જાણીતા ધારાશાસ્ત્રી ફલી નરીમાને દીપક મિશ્રાને સલાહ આપી હતી કે તેમણે નિવૃત્તિ પછી કોઈ સરકારી કે અર્ધ-સરકારી પદ નહીં લે એવી જાહેરાત કરી દેવી જોઈએ. જાહેરાતની સાથે એક ચપટી વગાડતા વિવાદ શમી જશે. તમારી પ્રામાણિકતા વિશે કોઈ શંકા નહીં કરે. કહેવાની જરૂર નથી કે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ આવી જાહેરાત કરી નહોતી.

પાંચ વરસ પહેલાં અરુણ જેટલી જ્યારે વિરોધ પક્ષો માટેની બેંચ પર બેસતા હતા, ત્યારે તેઓ ખૂબ ડાહ્યા હતા. એવા એવા અમૃત વચનો તેમના મોઢેથી ત્યારે ઝરતાં હતાં કે ન પૂછો વાત. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારની ગંગોત્રીના જે મુખ્ય મુખ્ય સ્રોત છે, એમાં એક નિવૃત્તિ પછીની સક્રિયતાની છે. અર્થાત્‌ આવકના સાધનોની અને પદ તેમ જ પ્રતિષ્ઠાની છે. આને કારણે ભારત સરકારના ચીફ સેક્રેટરી, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને લશ્કરી વડાથી લઈને પંચાયતના પટ્ટાવાળા સુધી નિવૃત્તિ પછીની તજવીજ કરવા લાગે છે. એ ક્યાં થઈ શકે? ત્યાં જ્યાં નિવૃત્તિ ફરજિયાત ન હોય અર્થાત્ ખાનગી કંપનીઓમાં. એ કેવી રીતે બની શકે? અમીદૃષ્ટિ રળીને અને સરકારી નોકરીના દિવસોમાં ખાનગી શેઠની અમીદૃષ્ટિ કેવી રીતે મળી શકે એ કહેવાની જરૂર નથી. અરુણ જેટલીએ તેમના દેશપ્રેમના દિવસોમાં આવું નિદાન કર્યું હતું અને આગ્રહ કર્યો હતો કે એક સ્તરથી ઉપરના સરકારી કર્મચારીઓ (એમાં લશ્કરી વડા કે મુખ્ય ન્યાયમૂર્તિ સહિત બધા જ આવી ગયા) માટે ઓછામાં ઓછા પાંચ વરસનો કૂલિંગ પીરિયડ ફરજિયાત કરવામાં આવે. નિવૃત્તિ પછીનાં પાંચ વરસ સરકારી કર્મચારી કોઈ જગ્યાએ નોકરી નહીં કરે, સરકારી નિમણૂકો નહીં મેળવે, રાજ્યપાલ કે જે તે પંચોના વડા જેવાં પદો નહીં ભોગવે, વગેરે. રસ્તા બંધ કરી દો તો આપોઆપ તજવીજ કરતા બંધ થઈ જશે. આ એ દિવસોના ઈલાજ છે જ્યારે અરુણ જેટલી વિરોધ પક્ષમાં હતા અને શાસકોએ શું કરવું જોઈએ એનું બ્રહ્મજ્ઞાન ધરાવતા હતા.

ખબર નહીં કેમ, ભારતમાં સત્તામાં આવતાની સાથે જ નેતાઓ બ્રહ્મજ્ઞાન ભૂલી જાય છે. પોતાનું આપેલું જ્ઞાન પોતે જ ભૂલી જાય છે. અરુણ જેટલીએ અને કેન્દ્ર સરકારે પાંચ વરસનો કૂલિંગ પીરિયડ લાગુ કરવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી અને કરવાના પણ નથી. આવતા વરસે જો કોઈ બીજા પક્ષોની સરકાર આવશે તો એ પણ નથી કરવાના એ લખી રાખજો. બહુ મોટી ગેમ છે સરકારી તિજોરી ખાલી કરવાની. આજની જાગતિક મંદીના યુગમાં કમાવાનું સૌથી સદ્ધર અને નુકસાન નહીં થવાની ખાતરીવાળું સાધન સરકારી અર્થાત્ દેશના સંસાધનોની કરવામાં આવતી લૂંટ છે. એ ખાણ હોઈ શકે છે, સ્પેક્ટ્રમ હોઈ શકે છે, રાફેલ જેવો લશ્કરી કોન્ટ્રાક્ટ હોઈ શકે છે, વિકાસલક્ષી પ્રોજેક્ટના નામે જમીન હોઈ શકે છે કે પછી બેંકોની હજારો કરોડની લોન હોઈ શકે છે.

એક રૂપિયાનું નુકસાન નહીં અને અબજો રૂપિયાની બેઠી કમાણી. શાસકોને કહી દેવાનું કે પાંચ વરસનો કૂલિંગ પીરિયડ લાગુ કરવાનો નથી. ચૂંટણી જીતવી છે ને? સરકારી સાહેબોને કહી દેવાનું કે પાંચ વરસ પહેલાંથી વોર્મઅપ પીરિયડ લાગુ કરીને લાયકાત સાબિત કરો. પાંચ વરસનો વોર્મઅપ પીરિયડ કમ્પલસરી. જો એ પહેલાથી ક્યાં જવું છે એ નક્કી કરીને જ્યાં જવું હોય એને માટે હુંફ આપવાનું શરૂ કરી દો તો તમારી લાયકાતમાં વધારો થશે. વળતર લાયકાત મુજબ એ તો જગતનો સિદ્ધાંત છે.

પ્રારંભમાં શંકા જાય એવા સવાલોની વાત કરી હતી. પહેલો અને સૌથી મોટો સવાલ સરકારી કર્મચારીને નિવૃત્તિ પછી નોકરીએ રાખનાર અને લેનારને એ પૂછવો જોઈએ કે હોનહાર કર્તબગાર સરકારી સેવક પૂરો સમય (નિવૃત્તિ સુધી) સરકારી નોકરી શા માટે કરે છે? વધારાની મુદત (એક્સ્ટેન્શન) પણ છોડતા નથી? જ્યારે સરકારની અંદર એક દિવસ પણ વધુ રહેવું શક્ય ન હોય, ત્યારે અને માત્ર ત્યારે જ કર્તુત્વવાનોના કદરદારો કદર કરવા દોડી જાય છે. એક દિવસ માટે પણ વહેલી કદર કરવા તેઓ આગળ નથી આવતા. કર્તુત્વવાનોને ખબર છે કે તેઓ કેવા હોનહાર છે. તેમને એ પણ ખબર છે કે સરકારી પગાર કરતાં મોટી કોર્પોરેટ કંપનીઓમાં દસ ગણો વધારે પગાર મળે છે. શા માટે તેઓ પોતાનું કૌવત લઈને દસ ગણો પગાર કમાવા નથી જતા? દેશપ્રેમ એ જો તમારો જવાબ હોય તો તમે દેશઘેલા મૂર્ખ છો. હોનહાર સરકારી સેવકોની હોનહારી જોઇને શેઠિયાઓના મોંમાં પાણી આવતું હોવા છતાં તેઓ સંયમ જાળવે છે, અને હોનહારને છેક છેલ્લી ઘડી સુધી સરકારની સેવા કરવા દે છે. કર્તબગાર અને કદરદાન બન્ને સંયમ જાળવે છે. ઊલટું કદરદાનો કર્તબગારને સરકારી સેવામાં એક્સ્ટેન્શન મળે એ માટે પણ પ્રયાસ કરે છે.

તો પછી, તેઓ સરકારની અંદર છેલ્લી ઘડી સુધી રહીને કોની સેવા કરતા હતા? તેમનો બોસ સાથેનો વોર્મઅપ પીરિયડ કેટલો લાંબો હતો? દરેક અનૈતિક વ્યવહાર કૌભાંડના સ્વરૂપનો નથી હોતો, પરંતુ એનો અર્થ એવો પણ નથી હોતો કે શંકા કરવા માટે કોઈ જગ્યા નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 અૉક્ટોબર 2018

Loading

નાસિર કાઝમી

દીપક બારડોલીકર|Opinion - Literature|23 October 2018

 

ઢુંઢેંગે લોગ મુઝ કો હર મહફિલે-સુખન મેં
હર દૌરે કી ગઝલ મેં મેરા નિશાં મિલેગા

આ શેર છે, જીવાતા સાથે તાલ મિલાવી ચાલનારા અને સમયના કણેકણની ધબક ઝીલવાનો પ્રયાસ કરનારા અને પોતાના અનોખા રંગે ગઝલને સજાવનારા એક મુર્ઘન્ય શાયર નાસિર કાઝમીનો. તેમણે સાચું કહ્યું છે અને અધિકારપૂર્વક કહ્યું છે કે ગઝલના પ્રત્યેક દૌરમાં તેમની તલાશ જારી રહેશે. લોકો તેમની કમી અનુભવશે, કહેશે ‘કાશ આજ નાસિર હોતા !’

કેમ નહીં ! લોકો તેને કેમ ન સંભારે કે જે જનારાઓની સારાઈ, તેમના ગુણ ગાવાનું, તેમને સંભારીને આંખો ભીની કરવાનું ચુક્યો નથી !

રોનકેં થીં જહાં મેં કયા-કયા કુછ
લોગ થે રફ્તગાં મેં કયા-કયા કુછ

યાને રફ્તગાંમાં − જનારા, મૃતકોમાં કેવા કેવા ગજાના માણસ હતા ! તેમના હોવાથી વિશ્વમાં એવી રોનક હતી કે જે વર્ણવી શકાતી નથી. તેમના દમથી એક ભરપૂર વસંત હતી અને તે ગયા તે પતઝડ ઘેરી વળી છે. માળો ય બળી ગયો છે. નાસિરના શબ્દોમાં કહીએ તો :

ક્યા કહૂં અબ તુમ્હેં ખિંઝાવાલે
જલ ગયા આશિયાં મેં ક્યા−ક્યા કુછ

માળો તો બળી ગયો.  પણ માળા ભેગું અન્ય શું શું બળી ગયું તે હું કેમ સમજાવું ! ઇચ્છા બળી ગઈ, આશા બળી ગઈ. સીટનાં બળી ગયાં, બધું જ રાખ થઈ ગયું ! કંઈ બચ્યું નથી ! જેમને જોઈને અમે જીવતા હતા તે પણ નથી.

જિન્હેં હમ દેખ કર જીતે થે ‘નાસિર’
વહ લોગ આંખોં સે ઓઝલ હો ગયે હૈં

આ શાયર નાસિર કાઝમીની જન્મભૂમિ અંબાલા (પંજાબ). તેઓ રોયલ ઇન્ડિયન આર્મીના એક સૂબેદાર મેજર મુહમ્મદ સુલતાનના સુપુત્ર હતા. અંબાલામાં એમનો જન્મ 1925માં થયેલો. પિતા લશ્કરી અધિકારી હતા. અને રેજિમેન્ટોનું સ્થળાંતર થતું રહેતું હોવાથી, તેમનો વિદ્યાભ્યાસ અંબાલા, લાહોર, પેશાવર વગેરે શહેરોની નિશાળોમાં થયો હતો બી.એ. સુધીનો અભ્યાસ ઘણું કરીને લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં કર્યો હતો. પણ કહે છે કે પરીક્ષા આપી શક્યા ન હતા.

કોલેજમાંથી નીકળ્યા તો એક સામયિક ‘અવારાકે નવ’નું તંત્રીપદ મળી ગયું. બાદમાં 1952થી 57 સુધી એક બીજા સામયિક ‘હુમાયું’ના તંત્રીપદે રહ્યા. ‘હમ લોગ’ નામે એક પત્રિકાના નાયબ તંત્રીની હેસિયતે પણ સેવા બજાવી હતી.

એમના મિત્રો ઘણા હતા. હનીફ રામે, મુનીર નિયાઝી, શેખ સલાહુદ્દીન, કતીલ શિફાઈ વગેરે તેમના ભાઈબંધ હતા. પરંતુ જિગરજાન દોસ્ત, એક શ્રેષ્ઠ વાર્તાકાર ઈન્તેઝાર હુસૈન હતા. કહે છે કે લાહોરના કોફી હાઉસોમાં જામતી મહેફિલોમાં નાસિરને ઘડાવાની સારી તક મળી હતી. અહીં એવા એવા જાજ્વલ્યમાન ચહેરાઓનો સંપર્ક થયો હશે કે આમ કહ્યા વિના રહી શકાય જ નહીં :

ઉસ પયકરે નાઝ કા ફસાના
દિલ હોશ મેં આયે, તો સુનાયે

પયકરે નાઝ એટલે મોટાઈમાં મસ્ત રહેનાર, સૌંદર્યનું ગુમાન રાખનાર વ્યક્તિ. હા, એમની કથા હું તમને કહું, પણ હૃદય ભાનમાં આવે તો ને ! એ સૌંદર્યઝરતા ચહેરા નિહાળીને હૃદય ઊલટપૂલટ થઈ ગયું છે !

સુંદરીની ઝુલ્ફ જોતાં સામાન્ય રીતે ઘટાનો ખયાલ આવે છે. કોઈ એની અંદર કાળી રાતને તો વળી કોઈ કાળોતરાને જુએ છે. પરંતુ આ કવિ નાસિર કાઝમી કંઈક જુદી જ વાત કરે છે :

ઉડતી હુઈ ઝુલ્ફ યું પરીશાં
જૈ સે કોઈ રાહ ભૂલ જાયે

અને જ્યારે ઝુલ્ફ, સુવાસિત ફરફરતી ઝુલ્ફ આવે ત્યારે આવું યે થાય :

ઝુલ્ફોં કે ધ્યાન મેં લગી આંખ
યૂં કૈફ હવામેં સો ગયે હમ

ઝુલ્ફ સુંવાળી હોય છે, જાણે રેશમ. આ ઝુલ્ફ હૃદયને ચલિત કરે છે, જકડે છે. અને એનો જાદુ એવો કે માણસ એક દિશામાંથી બીજી દિશામાં ચાલતો થઈ જાય છે. નાસિર સાહેબે એને જંગલની રાત પણ કહી છે :

રંગ ખુલે સહરા કી ધૂપ
ઝુલ્ફ ઘને જંગલ કી રાત

કેટલીક વાર એમ બને છે કે તોરીલા યુવાનનું હૃદય પુષ્પની માફક કોઈક સુંદરીની લટમાં બંધાઈ જાય છે. અંબોડલે બેસી જાય છે પણ ત્યાર પછી આમ પણ થાય છે કે યુવાન પ્રીત તજી દે છે. તે સુંદરીથી વેગળો થઈ જાય છે. પરંતુ શું તે સાચેસાચ વેગળો થતો હોય છે ? જુઓ નાસિર સાહેબ શું કહે છે:

ઐ દોસ્ત હમને તર્કે મુહબ્બત કે બાવજૂદ
મહસૂસ કી હૈ તેરી ઝરૂરત કભી – કભી

આ કરીબ રહેવાનો અને મનગમતા પાત્રથી વેગળા થવાનો અને પુન: તેની જરૂરત મહેસૂસ કરવાનો ખેલ એ માનવપ્રકૃતિની તાસીરો છે. આ ફિલસૂફી સમજાવતાં કવિ કહે છે :

મેરે બિસ્તર પે સો રહા હૈ કોઈ
મેરી આંખોમેં જાગતા હૈ કોઈ

હા, આવું થાય છે. માણસ ન ઇચ્છે તો પણ મન ભટકે છે. પણ પરિસ્થિતિ હંમેશાં એક સારે રહેતી નથી. ગ્રાફ ઊંચો નીચો થતો રહે છે. ક્યારેક એકદમ ઊલટ પણ થઈ જાય છે. સ્નેસંગમ હોય ત્યાં જુદાઈની ચટ્ટાન ખડકાઈ જાય છે અને એ વિરહની, જુદાઈની રાતો ? જુઓ નાસિર સાહેબ શું કહે છે :

યે શબ, યે ખયાલો – ખાબ તેરે
ક્યા ફૂલ ખિલે હૈં મુંહઅંધેરે !

શુઅલે મેં હૈ એક રંગ તેરા
બાકી હૈં તમામ રંગ મેરે

આંખો મેં છુપાયે ફિર રહા હું
યાદોં કે બુઝે હુએ સવેર

વિરહ એટલે વિરહ. આગની પથારી. દિવસે ચેન નહીં ન રાત્રે આરામ ! પ્રેયસીની કમી એવી મહેસૂસ થાય કે જીવ ફફડે અને કંઈક આવો સૂર ઊઠે છે :

કિતને બીતે દિનોં કી યાદ આઈ
આજ તેરી કમી મેં ક્યા કુછ થા

રાતભર હમ ન સો સકેં ‘નાસિર’
પરદએ ખામૂશી મેં ક્યા કુછ થા

નાસિર કાઝમી એક એવો શાયર છે જેણે દેશની ખૂનખરડી આઝાદી અને એ સમયની માનવ હેવાનિયત સગી આંખે જોઈ હતી. આશરા માટે ભટકતા કાફલા, ખૂનરેજી, વસ્તીઓની પાયમાલી અને ભભૂકતી જ્વાળાઓનું બહુ નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ એવી ભયાનકતા હતી, જેની અસરો હંમેશાં તેમનો પીછો કરતી રહી હતી. એ તાસીર હેઠળ તેમણે ઘણું લખ્યું છે. સાચું લખ્યું છે. થોડા અશઆર જોઈએ :

શહર દર શહર, ઘર જલાયે ગયે
યૂં ભી જશને-તરબ મનાયે ગયે

ક્યા કહૂં કિસ તરહ સરે બાઝાર
ઈસ્મતોં કે દિયે બુઝાયે ગયે

વક્ત કે સાથ હમ ભી ઐ ‘નાસિર’
ખરો-ખસ કી તરહ બહાયે ગયે !

***

ઝમીં લોગોં સે ખાલી હો રહી હૈ
યે રંગે આસમાં દેખા ન જાયે
***
ગલી ગલી આબાદ થી જિન સે
                           કહાં ગયે વહ લોગ
દિલ્લી અબ કે ઐસી ઉજડી
                           ઘર ઘર ફૈલા સોગ

***

તુ હી બતા તેરા બે ખનુમા કિધર જાયેં
કિ રાહ મેં શજરે સાયાદદાર ભી તો નહીં

***

મેં ભટકતા ફિરતા હું દેર સે
        યું હી શહર-શહર, નગર-નગર
કહાં ખો ગયા મેરા કાફિલા
        કહાં રહ ગયે મેરે હમસફર

આવા તો બીજા અનેક અશઆર છે, જેમાં નાસિર સાહેબે તેમની રવરવતી અનુભૂતિઓ સચ્ચાઈપૂર્વક અભિવ્યક્ત કરી છે. આ જ રીતે તેમણે સૌંદર્ય અને સ્નેહને ગાયાં છે. સામાજિક, રાજકીય, સાંસ્કૃિતક પ્રવાહો − પ્રશ્નો ઉપર પણ એમની દૃષ્ટિ રહી છે. એમની ગઝલ બંધિયાર જળાશય નથી. વહેતી સરિતા છે. જુઓ આ અશાઆર :

ચમન મેં ફિર રસનો-તૌકો-દાર કે દિન હૈં
કહાં પડે હો અસીરોં ! બહાર કે દિન હૈં

***

કુછ યાદગારે શહરે-સિતમગર હી લે ચલેં
આયે હૈં ઈસ ગલી મેં, તો પત્થર હી લે ચલેં

***

બાગ તેરા હી સહી ગુલચીં
ફૂલ મેરે હૈં, સબા મેરી હૈ

***

નાસિર કાઝમી, માથે પોતાનું આકાશ રાખીને પોતાની ધરતી પર ચાલનારા કવિ છે. તે પોતાની ધરતી ઉપર મક્કમ કદમ જમાવે છે. લોકોમાં ભળે છે. તેમના સુખદુ:ખના સાથી બને છે. તેમના વિશે વિચારે, કલમ ચલાવે છે. તેમની કવિતા માનવજીવનને સ્પર્શતી કવિતા છે.

તેમણે સરકારી નોકરી કરી હતી. 1958માં સમાજ કલ્યાણ ખાતામાં અને ત્યાર પછી રેડિયો પાકિસ્તાનના સ્ટાફ આસિસ્ટન્ટ તરીકે સેવા બજાવી હતી. 1972માં લાહોરમાં અવસાન થયું હતું. રેડિયો માટે તેમણે પુષ્કળ લખ્યું અને લેખનમાં એવા ખૂંપી ગયા હતા કે યાદ રાખવા જેવું ય ઘણું ભૂલી ગયા હતા :

રિશ્તએ-જાં થા કભી જિસ કા ખયાલ
ઉસ કી સૂરત ભી તો અબ યાદ નહીં

***

કૈસી વૈરાં હૈ ગુઝરગાહે – ખયાલ
જબ સે વહ આરિઝો-લબ યાદ નહીં

નાસિરનો પ્રથમ કાવ્યસંગ્રહ બર્ગે નૈ, 1952માં પ્રગટ થયો હતો અને ત્યાર પછી દીવાન 1972માં, પહલી બારીશ 1975માં અને નિશાતે ખાબ 1977માં પ્રગટ થયા હતા. અન્ય પુસ્તકોમાં સુર કી છાયા (પદ્યનાટક), ખુશ્ક ચશ્મે કે કિનારે (લેખો), ઈન્તેખાબે મીર, ઈન્તિખાબે નઝીર, ઈન્તિખાબે વલી, ઈન્તિખાબે ઈન્શા અને નાસિર કાઝમી કી ડાયરીનો સમાવેશ થાય છે.

હમ ને રોશન કિયા મઅમૂરએ ગમ
વર્ના હર સિમ્ત ધુવાં થા પહલે

મઅમૂરએ-ગમ એટલે ગમની વસ્તી, ગમની આબાદી. કવિ કહે છે કે અમે ગમની વસ્તીને રોશન કરી છે. નહિતર અગાઉ તો ચોમેર માત્ર ધૂમાડો હતો.

ધુમ્રગોટાઓમાં ઢંકાયેલી ગમની વસ્તીઓને રોશન કરનારા, માનવજીવનને અશઆરનો વિષય બનાવનારા અને સૃષ્ટિમાં ચાલી રહેલા રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક પ્રવાહોની ધબક ઝીલનારા, કુશાગ્રદૃષ્ટિ ધરાવનારા આ શાયરને પ્રેમ અને વિષાદનું લેબલ લગાડનારા કોલમિયા વિવેચકોને જવાબ આપતાં તેઓ કહે છે :

ઉરૂજ પર હૈ મેરા દર્દ ઈન દિનોં ‘નાસિર’
મેરી ગઝલ મેં ધડકતી હૈ વક્ત કી આવાઝ

અને અંતે અગર આ શેર ન નોંધું તો નાઈન્સાફી કરી ગણાશે :

મૈંને જબ લિખના સિખા થા
પહલે તેરા નામ લિખા થા

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

કેનેડાની કુદરતનું કામણ : ચરણ બીજું

આશા બૂચ|Opinion - Opinion|22 October 2018

ચરણ બીજું : વાનકુંવર, વિસલર અને બુશાર્ટ ગાર્ડન્સ

કેનેડાને આભને આંબતા પર્વતો, તેની ખીણોમાં શાંત નિદ્રામાં પોઢતાં સરોવરો અને વિવિધ પ્રકારના ગગનચુંબી વૃક્ષોનું વરદાન મળ્યું છે, અને એ બધાંની જાળવણી કેમ કરવી તે કેનેડિયન્સ સુપેરે જાણે છે. આવું અવર્ણીય સૌંદર્ય ઠેકઠેકાણે વેરેલું જોવાં મળ્યું. બે એક અઠવાડિયા જેટલો સમય અમારે વડીલ પરિવારજન સાથે રહેવાનો અને નાનેરાં કુટુંબીઓની આંગળી પકડીને વાનકુંવરની આસપાસનાં જોવાલાયક સ્થળોની યાત્રા કરવાનો લ્હાવ મળ્યો. આમ તો એકાંતરે બે દિવસે જેટલી જગ્યાઓ જોઈ તેની યાદી અને વર્ણ કરું તો ખાસ્સું મોટું પ્રવાસ વર્ણન થાય, તેથી નોંધપાત્ર સ્થળોનો માત્ર ઉલ્લેખ કરીશ. એક દિવસ Buntzen lake ગયાં, જ્યાં હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ પણ છે, જો કે અમે તો તેની પ્રાકૃતિક શોભા જ નિહાળી. Alluoette lake ઊંચા-નીચા પર્વતો અને લીલાં છમ્મ શંકુ આકારનાં વૃક્ષો વચ્ચે ઢબુરાઇને સૂતું છે, તેને ય સલામ કરી. તે ઉપરાંત, બેલકારા અને લાફાર્જ તળાવો જોયાં અને થયું કે રોજ રોજ જુદાં જુદાં સ્થળે ઉજાણી કરવાં જઈએ તો પણ ખૂટે નહીં તેટલાં ફરવાનાં સ્થળો છે, અહીં તો. એક દિવસ અમે ઉત્તર વાનકુંવરમાં આવેલ Lynn canyonમાં ગાળ્યો, જ્યાં લિન નદી પર ઝૂલતો પૂલ અને તોતિંગ વૃક્ષરાજી પ્રવાસીઓને ખુશ કરી દેતી નિહાળી. કેટલાંક ઝાડ તો બસો – પાંચ સો વર્ષથી ત્યાંના ત્યાં જ ઊભાં છે. ઝરણાં અને વનરાજી સંતાકૂકડી રમે અને સહેલાણીઓ નાનાં બાળકોની માફક નિર્ભેળ આનંદ માણે, તે જોઈને ધન્ય થયાં. બીજો એક નેશનલ ફોરેસ્ટ રિઝર્વ પાર્ક – સ્ટેનલી પાર્ક, જે 8 કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલો છે તે જોયો. તેનો એક છેડો છેક પ્રશાંત મહાસાગરને અડે છે.

એક દિવસ યુનિવર્સિટી ઓફ કોલંબિયાના ભૂતપૂર્વ પ્રોફેસર મિ. જ્હોન વુડ – કે જે અમારા પરિવારના છેલ્લાં પચાસ વર્ષથી પરમ મિત્ર રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરવામાં ગાળ્યો. તેમણે પોતાની કર્મભૂમિનાં દર્શન કરાવ્યાં અને જ્યાં એશિયન પોલિટિકલ સાયન્સના અભ્યાસના પાયા નંખાયા, તે અને બીજી અનેક વિદ્યાશાખાઓનો વિગતવાર પરિચય આપ્યો. ત્યાંથી વળતાં કેનેડાનો એક ધનિક વિસ્તાર પોઇન્ટ ગ્રે તરીકે પ્રખ્યાત છે, તે અને જેરીકો બીચ પણ જોયાં. તેમણે આપેલ માહિતી મુજબ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન અને અન્ય દેશોના ધનિકોએ આ વિસ્તારમાં મિલકતો ખરીદી છે, જેથી તેમના જેવા લોકોના સંતાનોને પોતાનું ઘર ખરીદવું પોસાય તેવું નથી રહ્યું. મને કેનેડાની પરિસ્થિતિમાં અને બ્રિટનની સાંપ્રત હાલતમાં આ બાબત થોડું સામ્ય લાગ્યું.      

Whistlerમાં 2010ની સાલમાં શિયાળુ ઓલિમ્પિક્સ રમતો રમાઈ હતી. ત્યાં જતાં માર્ગમાં Shannon falls જોવા રોકાયાં. શાનન ધોધનું મૂળ Habrich અને Sky Pilot નામના પર્વતોમાં.335 મીટરની ઊંચાઇએથી ધરતીને મળવા આવતો પાણીનો ધોધ જોયો. ત્યાં સહેલાણીઓ માટે એ ધોધની શોભા નિરાંતે માણવા એક પાર્ક પણ છે. ત્યાંથી અમારી સફર આગળ ચાલી. Whistler ગામની તળેટીથી અમે એક ગોન્ડોલા રાઈડ લીધી, જે અમને Whistler પહાડની ચોટી પર લઇ ગઈ, જ્યાંથી જાણે બ્રિટિશ કોલંબિયાના છાપરે ચડીને 360 ડિગ્રીનું દ્રશ્ય જોતાં હોઈએ તેવું લાગતું હતું. એ મજબૂત દોરડાંઓ પર સરકતી કેબિનમાંથી સેંકડો ફૂટ નીચે જોતાં 50 કિલોમીટર જેટલી પહોળી પગદંડી અને હાઈકિન્ગનો માર્ગ એ આલ્પાઈન પર્વત પર દેખાયો. ત્યાંના વ્યૂઇંગ ડેક પર આસપાસના પર્વતો જે હજુ જૂનમાં પણ આછા બરફ છવાયેલા હતા, તે અને ખીણો, વૃક્ષો અને કેડીઓ મન ભરીને જોયાં.

વન એટલું તો ગીચ, પર્વતો એટલા તો ઊંચા અને એ પર્વતમાળાનો ઘેરાવો એટલો વિશાળ કે તે વિશેના આંકડાઓ વાંચીને તેનું માપ કાઢવાને બદલે બસ, કુદરતની એ લીલા અને માનવ સાથેનો તેનો નાતો જોવાનો લ્હાવ લીધો. 2010માં ઓલિમ્પિક રમતો યોજાઈ, તે પહેલાં સ્કી કરનારાઓ પહેલી  ટુક પર ગોન્ડોલામાં જાય, ત્યાંથી સ્કી કરીને તળેટીમાં આવે અને પછી બીજી ટુક પર એ જ રીતે બીજી ગોન્ડોલામાં ચડીને તેના પરથી સ્કી કરતા, જેમાં સમય અને શક્તિનો વ્યય ઠીક ઠીક પ્રમાણમાં થતો. આથી peak2peakની એક ઝૂલતી રોપ વે – ગોન્ડોલા રાઈડ શરૂ કરી, જેથી ઓલિમ્પિકમાં ભાગ લેનારાઓને સુવિધા રહે. Whistler પહાડ પરથી Blackcombe-2440 મીટર અથવા 8,000 ફૂટ ઊંચા પહાડ સુધી જતી ગોંડોલા લીધી. પહાડોની તળેટીથી 436 મીટર ઊંચે એ ગોંડોલા ઝૂલતી જાય અને 4.4 કિલોમીટરની સફર દરમ્યાન આશરે 8,171 એકરમાં પથરાયેલ પર્વતો, ખીણો અને મહાકાય વૃક્ષોનો ભૂ-પ્રદેશ આંખ આગળથી સરકતો જાય. વહેતાં ઝરણાં અને ગાઢ જંગલની શોભા જોઈ. કુદરતની મહાનતાથી મહાત થઇ, આંખોને પોતાનું કામ કરવા દીધું, વાણીને આરામ આપ્યો. ત્યાંથી હજુ એક ટુક પર જવાનું હતું જે વધુ રોમાંચક સાબિત થયું. અત્યાર સુધી કાચની બંધ બારણાં વાળી ગોન્ડોલામાં સફર કરી, જ્યારે આ હતી ખુલ્લી ગોન્ડોલા, જે પવનમાં હિલ્લોળા લેતી ખૂબ ઝડપે સીધાં ચઢાણ ચડીને સાતમા આસમાને લઇ ગઈ.

આમ તો એબ્રાહમિક ફેઈથ – એટલે  જ્યુડાઇઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામમાં સેવન હેવનની કલ્પના કરાઈ છે, એવી જ વાતો હિન્દુ અને જૈન   ધર્મમાં પણ છે. ઇસ્લામના શાસ્ત્રોમાં તેની વ્યાખ્યા કઇંક આવી છે: Jannatul Naeem જેનો અર્થ થાય છે, garden of bliss. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, જ્યાં સચ્ચિદાનંદનો અનુભવ થાય તેવું સ્થળ. હિન્દુ ધર્મમાં પણ એવી વાર્તા છે કે ભગવાન વિષ્ણુ એક મૃતાત્માને સાતમા આસમાને લઇ ગયા, જ્યાં એક અસ્તિત્વનું ચક્ર હતું કે જેના પર સમગ્ર સૃષ્ટિ ફરતી હતી, અને તેની પાર કઇં જ નહોતું; એ અંતિમ આસમાન હતું જાણે કે બ્રહ્મ શિખર. વિસલર પર્વત પરના Seventh Heavenની ચોટી પર ઉતર્યાં, ત્યારે કૈંક અંશે એવો જ અનુભવ  થયો. ચારે તરફ આંખ પહોંચે ત્યાં સુધી બસ વાદળ સાથે વાત કરતાં બરફાચ્છાદિત પર્વતો, ગાઢા હરિયાળા જંગલો સિવાય કશું ન દેખાય. ત્યાં વિશુદ્ધ હવાને શ્વાસમાં ભરીને પરમ શાંતિનો અનુભવ કર્યો. માણસને સ્વર્ગની કલ્પના કોઈ આવા સ્થાને ગયાં પછી જ આવી હશે.

ઓલિમ્પિક રમતોનો લોગો પથ્થરનો બનેલ Ilannaq the Inukshuk અહીં અડગ ઊભો બધાંને પ્રભાવિત કરે છે.

વિસલરનો કેફ હજુ ઊતર્યો નહોતો, તેવામાં વાનકુંવરથી કાર ફેરીની પોણા કલાકની સફર કરી વિક્ટોરિયા ટાપુ પર આવેલ Butchart gardensની મુલાકાત લીધી. ચૂનાના પથ્થરોની 55 એકરમાં પથરાયેલી ખાણ ધણીધોરી વિનાની નકામી પડી હતી. તેને જેનિન બુશાર્ટ નામની મહિલાએ 1904માં એક અદ્દભુત વનસ્પતિ સૃષ્ટિમાં પરિવર્તિત કરવાનું આરંભ્યું. તેમણે વિશ્વનો પ્રવાસ ખેડીને દુર્લભ એવા છોડ અને ફળ-ફૂલનાં રોપા એકઠા કર્યાં. તળેટીમાં વિશ્રામ લેતું Sunken ગાર્ડન, જાપાનીઝ, રોઝ, ઇટાલિયન અને ભૂમધ્ય પ્રદેશના ગાર્ડન્સ જોતાં, લગભગ ત્રણેક કલાક થયા. કુદરતે વનસ્પતિમાં ઠાંસી ઠાંસીને વૈવિધ્ય ભર્યું છે, તો વળી માનવે તેના પર અવનવા પ્રયોગો કરીને તેને વધુ લોભામણું બનાવ્યું. કોઈ રાજા મહારાજા કે દેવ-દેવીઓના નસીબમાં હોય તેવાં નજાકત ભર્યાં પુષ્પો અને વેલીઓના મંડપ નીચેથી પસાર થઈને ‘અધધધ!’ ઉદ્ગાર સરી પડે. ગણ્યાં ગણાય નહીં તેવાં અસંખ્ય પ્રકારનાં ગુલાબના બાગમાં પ્રવેશ કરવાની તક આપણાં જેવાં સહુ પ્રવાસીઓને મળે એ કેવું  સદ્ભાગ્ય!

Canada place જોયા વિના જાણે વાનકુંવરની સફર અધૂરી ગણાય. કેનેડા પ્લેસ વોટર ફ્રન્ટ પર આવેલ એક જબરદસ્ત બારું છે, જ્યાંથી અલાસ્કા જતી ક્રુઝ રવાના થાય છે. તેના ગુંબજ અને કન્વેનશન સેન્ટરનો વિભાગ અત્યંત કલાત્મક છે, જે દૂર દૂરથી જોતાં ય મનભાવન લાગે. અહીં મોટી હોટેલ અને વર્લ્ડ ટ્રેઇડ સેન્ટર છે. અહીંથી સી-પ્લેઇન ચડે-ઊતરે તે જોવાનો આનંદ લીધો. બાજુના નાના ટાપુઓ પર પાણીમાંના રનવે પરથી નાનકડું પ્લેઇન ઊડે અને બીજું એ જ રીતે હવામાંથી ઊડતું આવીને પાણીની સપાટી પર અટકે.

કેનેડા પ્લેસમાં જ એક બીજું આકર્ષણ છે. Flyover Canada. એ શૉ ખૂબ રસપ્રદ નીવડ્યો. પ્રવાસીઓ પોતાની ખુરશીમાં આરામ ફરમાવે અને નજર સામે સારાયે કેનેડાની સંપદા સમાન ગગનચુંબી પર્વતોની ટોચ, ગગનવિહારી પંખીઓની ઉડાન, પાણીના ધોધ, જગ વિખ્યાત નોર્ધન લાઇટ્સ અને રાજાશાહી ઠાઠવાળા આઇસબર્ગ પસાર થાય. 20 મીટર પહોળા અને ચાર માળના  મકાન જેટલા ઊંચા પડદા પર આખું દ્રશ્ય દેખાય અને સાથે સાથે ઝાકળની શિકરો ઊડે, પવનની લહેરી આવે, સુગંધનો અનુભવ થાય એ રીતે ધ્વનિ-પ્રકાશનો પાંચ પરિમાણીય ઉપયોગ કરીને એક અદ્વિતીય શૉ લોકોને ભેટ ધર્યો છે. ટેક્નોલોજીનો ઉત્તમ વિનિયોગ કરીને જ્ઞાન સાથે ગમ્મતનો અનુભવ પાંચ વર્ષનાથી માંડીને પંચાણું વર્ષનાં સહુ માણી શકે એની ઝાંખી ફ્લાયઓવર કેનેડા શૉમાં કરી. અહીં એક અંગત વાત ઉમેરું, આ આકર્ષણ વિશેની વિગતો દુનિયાની અન્ય  ભાષાઓમાં અપાયેલ જેમાં હિન્દીમાં લખેલ સૂચનાપત્ર જોઈ દિલ ખુશ થયું, અને તેમાં ય તેમાં વપરાયેલ શુદ્ધ હિન્દી ભાષાના પ્રયોગથી તો છાતી ગજ ગજ ફૂલી.

e.mail : 71abuch@gmail.com

•••••

Loading

...102030...2,9993,0003,0013,002...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved