Opinion Magazine
Number of visits: 9685793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગિરીશ ફિનોમિના

મકરન્દ મહેતા|Samantar Gujarat - Samantar|4 November 2018

આજના ધોધમાર પાણીના પ્રવાહની જેમ ઊછળી રહેલા વૈશ્વિકીકરણ અને ખાનગીકરણના માહોલમાં, ‘સ્વરાજની બાકીની લડાઈ’ માટે સદ્‌ગત ગિરીશભાઈ ઉપરાંત તેમને ઘડનાર બૌદ્ધિક અને નૈતિક મૂલ્યોને, એટલે કે ‘ગિરીશ ફિનોમિના’ને શોધવો જરૂરી છે. ગિરીશભાઈ, અક્ષુભાઈ (એ.આર. દેસાઈ), મગનભાઈ દેસાઈ કે રાવજીભાઈ પટેલ (મોટા) અને ચંદ્રકાન્ત દરુ જેવા વિવિધ વિચારસરણીઓ ધરાવતા હોવા છતાં સમાનતા અને માનવતાવાદી ઉપરાંત વૈજ્ઞાનિક, સેક્યુલર અને રેશનલ અભિગમને વરેલા ‘ક્રાંતિકારી બંડખોરો’ હવે ક્યાં બહુ નજરે ચડે છે?! વળી, જ્યાં આજે ધર્મ અને અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને પૈસો ઊછળી રહ્યો છે અને ભૂખ્યાંજનોને અવગણીને વિકાસ થઈ રહ્યો છે, તેનો સામનો કરીને ન્યાયી વ્યવસ્થા સ્થાપવા માટે તો એકલદોકલ ગિરીશભાઈ, મગનભાઈ અક્ષુભાઈ, મોટા કે દરુ જેવા નેતાઓની જ નહીં, પણ લાખો લોકોના બનેલા પ્રચંડ સંઘબળની જરૂર પડવાની છે. તેને માટે ગિરીશ ફિનોમિનાને પુનર્જીવિત કરવાની જરૂર છે, આપણે જ આપણને શોધવાની આ વાત છે.

આ સંદર્ભમાં ‘નિરીક્ષક’ના તા. ૧૬-૧૦-૨૦૧૮ના અંકમાં, પહેલા પાન પર, પ્રકાશ ન. શાહે  ‘આપણા સૌના ગિરીશભાઈ : સ્વરાજની બાકી લડાઈ’માં ગિરીશભાઈની કામગીરીના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની વાત કરી છે. તેમણે લખ્યું છે : ‘ચૂંટણીઓ તો આવશે ને જશે. સરકારો રચાશે, વળી બદલાશે : કેટલાંક કાલચક્ર ફર્યાં કરશે. ગાંધીયુગમાં જે એક મેળ પડી શકતો હતો, તે રચનાત્મક રાજનીતિનો : એવું કંઈક જો નહીં બને, તો જનતાના વાસ્તવિક પ્રશ્નોથી આપણું રાજકારણ ઉત્તરોત્તર વધુ દૂર, વિમુખ થતું જશે.’ ત્યાર પછી પ્રસિદ્ધ થયેલો ગિરીશભાઈનો લેખ (જે તેમના જુલાઈ ૨૦૦૯ના વ્યાખ્યાન ઉપર આધારિત છે.) ‘વો સુબહ કભી તો આયેગી’ વાંચવા તેમ જ મનન કરવાલાયક છે. તેમાં ગિરીશભાઈએ એમનાં ‘બે અરસપરસ વિરોધી સ્વજનો’ની વાત કરી છે; એક સ્વજન ગાંધીજીની ગરીબો અને વંચિતોનાં આંસુ લૂછવાની ઝંખના અને બીજું સ્વજન કોકાકોલા, પેપ્સી અને બિસલેરીના પાણીને બદલે ગરીબો માટે ‘અનાજપાણી’, બાજરી કે જુવારનો રોટલો ખડું કરવાની તમન્ના. ગિરીશભાઈને એ વાતનું દુઃખ છે કે તેમને ભાગે સમાજના મૂઠીભર વર્ગ દ્વારા લાખો-કરોડો વંચિતોનું શોષણ જોવાનો વારો આવ્યો. પણ ‘હું સાથે-સાથે એ આશા સાથે જીવીશ કે નવા ભારત, સમાજ અને માનવી માટેનો સંઘર્ષ અને આગેકૂચ ઓર મજબૂત બને અને તે સંઘર્ષ અને આગેકૂચમાં હું હંમેશાં સાથે રહીશ. ગિરીશભાઈનો આવા આશાવાદ ‘વો સુબહ કભી તો આયેગી’ જેવા ઉદ્‌ગારો સાથે સંકળાયો છે. તેને માટે તેમણે સતત અને જલદ લોક-આંદોલનો ઉપાડવાની વાત કરી છે.’

તા. ૧૮મી ઑક્ટોબરના રોજ જ્યારે સેક્યુલર લોકશાહી આંદોલનના ઉપક્રમે, ગિરીશભાઈ સાથેનાં સ્મરણોની વાતો કરવા મિત્રો ભેગા થયા, તે સમયે મેં મારા અનુભવો કહ્યા હતા કે આજનાં માહોલમાં ગિરીશભાઈને સમજવામાં તેમને ઘડનારાં રાજકીય, બૌદ્ધિક, આર્થિક, સામાજિક અને નૈતિક પરિબળોને સમજવા અત્યંત જરૂરી છે. હું જ્યારે ૧૯૫૫માં સર એલ.એ. શાહ લૉ કૉલેજમાં આટ્‌ર્સ સેકશનમાં ઇતિહાસના લેકચરર તરીકે જોડાયો, ત્યારે હું તદ્દન નવો નિશાળિયો હતો અને લેકચર આપતાં – આપતાં ધ્રૂજી જતો હતો. તે વખતે ગિરીશ પટેલ, સત્યમ્‌ પટેલ, બિપિન  પરીખ, નિરંજના પરીખ અને મધુકર ધ્રુવ લૉ કૉલેજનાં વિદ્યાર્થીઓ હતાં અને હું લૉ કૉલેજની હૉસ્ટેલમાં રહેતો હોવાથી બધાને સહેલાઈથી મળી શકતો. જયેશ દેસાઈ, નિરંજન ભગત, જાફરહુસેન લાલીવાલા, એસ.આર. ભટ્ટ વગેરે તે સમયે આટ્‌ર્સ કૉલેજના અધ્યાપકો હતા. લૉ કૉલેજના પ્રિન્સિપાલ એમ.એમ. ઠાકોર હતા. એમ.એમ. પઠાણ વાઇસ પ્રિન્સિપાલ. ચંદ્રાકાન્ત દરુ, ઇન્દ્રવદન નાણાવટી જેવા લૉ કૉલેજના પ્રોફેસરોનો વટ પડી જતો. તે સમયે થતાં વ્યાખ્યાનોમાં (જેમ કે મોતીલાલ સેતલવાડનું અને આચાર્ય જે.બી. કૃપાલાનીનું) વિદ્યાર્થી ગિરીશ જરૂર હાજર હોય. તે સમયે રાષ્ટ્રીય સ્તર પર ભારતની આઝાદીની ચળવળ ઉપરાંત ગાંધીજી, જવાહરલાલ નેહરુ, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ, ડૉ. આંબેડકર ઉપરાંત કાર્લ માર્ક્સ અને ‘નેહરુવિયન સોશિયાલિઝમ’ની વાતો અને ચર્ચાઓ ઉગ્ર રીતે થતી. અમદાવાદ જેવા ધનિક નગરમાં જે ગંભીર રીતે ઉપયોગી વિષયો પર ચર્ચાઓ થતી, તેમાં મેં કેટલીક વખત સત્યમ્ ‌પટેલ, ગિરીશ પટેલ, લાલીવાલા, જેવા નવયુવાનોને એસ.આર. ભટ્ટ, ઇન્દ્રવદન નાણાવટી, યશવંત શુક્લ, પુરુષોત્તમ માવલંકર અને સી.ટી. દરુ જેવા પ્રોફેસરો સાથે ચર્ચામાં ભાગ લેતા પ્રશ્નો પૂછતા અને વ્યાખ્યાનો આપતા જોયા હતા. મુદ્દો એ છે કે ગિરીશભાઈએ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓની પ્રગતિશીલ આબોહવા મળી હતી.

અમદાવાદની પોળમાં ૧૯૩૨માં જન્મેલા ગિરીશભાઈ તે સમયે બ્રાઇટ સ્ટુડન્ટ હોવા છતાં પ્રકૃતિથી શરમાળ જણાતા હતા. જો કે ફાફડા, જલેબી અને ભજિયાં ખાવામાં કોઈનાથી પણ પાછળ પડતા ન હતા. અમે ઘણા મિત્રો ‘બડાશ’ હાંકતા. ગિરીશભાઈ ફાફડા ખાતાં ખાતાં અને સત્યમ્‌ સાથે મરકમરક હસતા હતા. મિત્રો સાથે અટ્ટહાસ્ય કરતા મેં તેમને જોયા છે. શુષ્ક નહીં ઝિંદાદિલ હતા! ફિલ્મો અને ફિલ્મીસંગીતના રસિયા! સત્યમ્‌ પટેલ જો જીવતા હોત, તો તેઓ આ વાત ‘મસ્તી’થી કહી શકત. બંને વિદ્યાર્થીઓ નેહરુ ઉપરાંત જયપ્રકાશ અને અશોક મહેતાથી પ્રભાવિત હોવાથી તેમને વિશે વાતો કરતા. લૉ કૉલેજની હૉસ્ટેલમાં પણ થાય.

૧૯૬૩ના અંતમાં હું અમેરિકા ગયો અને ત્યારથી મારો ગિરીશભાઈ સાથેનો સંબંધ લુપ્ત થયો. ત્યાર પછી જાહેર મિટિંગો અને વ્યાખ્યાનોમાં મળવાનું થતું. તેઓ વંચિતો તરફની ફિલસૂફી અને તેની પ્રૅક્ટિસ દ્વારા લોકહૃદયમાં છવાતા જ ગયા. હું ઇતિહાસ લખતો રહ્યો અને ગિરીશભાઈ ઇતિહાસ રચતા રહ્યા, લડતો લડ્યા અને જનતાના હૃદયમાં વસી ગયા. ત્યાર પછી વર્ષો બાદ જ્યારે મેં અમદાવાદની પોળોનો ઇતિહાસ લખવો શરૂ કર્યો ત્યારે મારી મેમરીમાં ગિરીશભાઈ એકદમ સાજા થયા. મેં એમને ફોન કરતાં જ તેમણે તેમના ઘરનું ઍડ્રેસ આપ્યું. હું તેમને અને તેમનાં કુટુંબીજનોને તા. ૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ મળ્યો, અને મેં ગુજરાત સમાચારમાં ૨૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ લેખ છાપ્યો. ગિરીશભાઈએ વાત માંડતાં મને કહ્યું.

‘હું ૧૯૩૨માં જન્મથી ૧૯૬૪ સુધી બત્રીસ વર્ષ લાખિયાની પોળમાં રહ્યો. અમારી પોળમાં મધ્યમવર્ગના વિવિધ વ્યવસાયો ધરાવતા માણસો હોવાથી અમારી જ્ઞાતિઓ અલગ હોવા છતાં અમારામાં એકસૂત્રતા હતી. વળી, અમારું ખાડિયા એટલે તો રાજકીય દૃષ્ટિએ એકદમ ઉદ્દામવાદી પ્રવૃત્તિઓનો ગઢ! અંગ્રેજો સામેની લડતમાં ગુજરાતમાં ખાડિયાનું સ્થાન મોખરાનું હતું. મારા શરૂઆતના જીવનમાં માતાપિતા ઉપરાંત ખાડિયાનું મોટું પ્રદાન છે.’

ગિરીશભાઈ મારા કરતાં ઉંમરના દોઢ વર્ષ નાના હતા. મેં ગિરીશભાઈને પૂછ્યું : ‘આજના વિદ્યાર્થીઓ વિશે તમે શું માનો છો? તેમણે કહ્યું : ‘આપણા વખતમાં હતું એવું હવે નથી રહ્યું. આજનું કલ્ચર કમ્પ્યૂટરનું છે અને કમ્પ્યૂટર તથા મોબાઇલધારીઓ સાથે ખૂબ સમભાવ અને મિત્રાચારીભરી રીતે વાતો કરવાની જરૂર છે. જો કે અસંખ્ય ગરીબો તેમનાં બાળકોને પ્રાયમરી અને સેકન્ડરી ધોરણો સુધી માંડ ભણાવી શકે છે. તેમણે ઉમેર્યું : ‘મારા સમયમાં લાખિયાની પોળમાં ઇલેક્ટ્રિક લાઇટો ન હોવાથી ગોપાળકૃષ્ણ ગોખલેની જેમ હું કેરોસીનથી ચાલતાં ફાનસ તથા દિવેલનાં કોડિયાના પ્રકાશથી વાંચતો હતો. પણ મારી મહત્ત્વાકાંક્ષા અને ધગશ તીવ્ર હોવાથી હું ૧૯૪૯માં મેટ્રિકમાં અમદાવાદ સેન્ટરમાં પહેલે નંબરે, ત્યાર પછી એલ.એલ.બી. અને ૧૯૬૨માં હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી એલ.એલ.એમ. કર્યું. મારી પાસે પૈસા ક્યાંથી હોય? પણ યુનિવર્સિટીને સાદો કાગળ લખીને મારી લાયકાતો અને જીવનની ઇચ્છાઓ જણાવી. મને ફેલોશિપ મળી અને હું ભણવા ગયો. મારામાં હવે ગરીબો અને વંચિતોના શિક્ષણ અને તેમના અધિકારો માટે લડવાની શક્તિ આવી. પણ તેનો ખરો યશ તો ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં અમદાવાદ નગરમાં ખીલેલા ઉદ્દામવાદી વિચારો તેમ જ મેં કેળવેલા રેફરન્સગ્રુપને જાય છે. આજે આવું ક્યાં રહ્યું છે ? આવાં મૂલ્યો આજે આપણને શું દેખાય છે?’

મેં છેવટે ગિરીશભાઈને પ્રશ્ન પૂછ્યો : “આજનો માહોલ તમને કેવો લાગે છે?”

ગિરીશભાઈ : આજે અમદાવાદ અને ગુજરાતમાં શું નથી?! ગગનચુંબી ઇમારતો, મંદિરો, મિનારા અને ઝુમ્મરો, કમ્પ્યુટર્સ અને મોબાઇલ એમ બધું જ છે. અમારા સમયમાં તો રેડિયો પણ લક્‌ઝરી ગણાતો. આમ છતાં તે સમયના મધ્યમવર્ગ ઉપર ગાંધી, નેહરુ, પટેલ, મૌલાના, જયપ્રકાશ, લોહિયા અને રવિશંકર મહારાજથી માંડીને કાર્લ માર્ક્સ જેવા ક્રાંતિકારી વિચારકોનો પ્રભાવ હતો. કાર્લ માર્ક્સ અને ગાંધીજીની ફિલોસોફી વચ્ચે ઘણું બધું સામ્ય, પણ મને માર્ક્સની લોહિયાળ હિંસા ના ગમે, તેથી હું ડેમોક્રેટિક સોશિયાલિઝમમાં અનન્ય શ્રદ્ધા ધરાવતો થયો.

ગિરીશભાઈએ ઉમેર્યું : ‘મધ્યમવર્ગની એક ચોક્કસ જીવનશૈલી હતી, તેની ફિલોસૉફી હતી. સુખદુઃખમાં સહુ સાથે હતા, કૉમન શેરિંગ હતું. આજે વાઇબ્રન્ટ ગુજરાત ઝળાંહળાં થઈ રહ્યું છે અને મધ્યમવર્ગ ફૂલીફાલીને સમૃદ્ધ થયો છે. પણ હવે પહેલાંની જેમ મધ્યમવર્ગના બૌદ્ધિકો ગરીબોના ભણતર, તેમના રહેઠાણ અને આરોગ્યની ચર્ચા નથી કરતા. પહેલાંનો મધ્યમવર્ગ વંચિતો તરફ હતો અને તેને માટે સંગઠિત સ્વરૂપમાં લોકલડતો પણ થતી હતી. જરા વિચારી જુઓ. આજે મધ્યમવર્ગ (જેને માર્ક્સે ક્રાંતિનો ઉત્પાદક કહ્યો છે.)’ ક્યાં ઊભો છે ? આજે શું છે ?

આટલું કહ્યા પછી ગિરીશભાઈએ અંગ્રેજીમાં મને એક પ્રશ્ન પૂછ્યો. તે રજૂ કરીને આ લેખ સમાપ્ત કરીશું. ગિરીશભાઈનો પ્રશ્ન વિચારવા જેવો છે : “We have certainly grown richer today But are we really happier than we were yesterday during the Gandhian and the Nehruvian era? There were noble values to live upon yesterday. Where are they now?”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 13-14

Loading

તમે જાણો છો, સ્ત્રીના માનવીય અધિકારનો સ્વીકાર કરનારો પહેલો ભારતીય હિન્દુ કોણ હતો? એક શુદ્ર હતો; નામે જ્યોતિબા ફુલે. જન્મે માળી

રમેશ ઓઝા|Opinion - Opinion|4 November 2018

પરમ પૂજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઓનરેબલોએ જે નહોતું કહ્યું અને કર્યું, એ એક શુદ્રએ પહેલી વાર કહ્યું અને કર્યું. કોઈનાં પણ પૂતળાં ન હોવાં જોઈએ, પણ ભારતમાં જો કોઈનું વિરાટ પૂતળું બાંધવું જ હોય તો એ જ્યોતિબા ફૂલેનું બાંધવું જોઈએ. એ પહેલો માણસ હતો જેણે મૂંગી વેદનાને વાચા આપી હતી અને એ પણ અધિકારની ભાષામાં. દયા-કરુણાની ભાષામાં તો મધ્યકાલીન સંતોએ પણ આપી છે. અને હા, મધ્યકાલીન સંતોએ પણ સ્ત્રીઓની વેદનાને ખાસ વાચા નથી આપી.

૧૯૩૫ના ડિસેમ્બર મહિનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને લાહોરની ‘જાત-પાત તોડક મંડલ’  નામની સંસ્થાએ જાતિનિર્મૂલન વિશે બોલવા આમંત્રણ મોકલ્યું. ડૉ. આંબેડકરે તેમને લખ્યું કે તમે હિન્દુ હોવા માટે ગર્વ લેનારા માણસો છો, એટલે તમને મારા વિચારો માફક નહીં આવે. માણસ હોવાની જવાબદારી અને હિન્દુ હોવાના ગર્વમાં ફેર છે. ગર્વ લેનારાઓ માનવતાના ત્રાજવે જે વાતે ગર્વ લે છે, એને તોળતા નથી એટલે સરવાળે તેઓ સુધારાનો પ્રતિકાર કરે છે. સુધરવા માટે આપણામાં કાંઈક ખામી છે એનો પહેલાં સ્વીકાર કરવો પડતો હોય છે. માણસ બનવાની સફર અહીંથી શરુ થાય છે.

આ તો હિન્દુધર્માભિમાની જમાત! તેમણે ડૉ. આંબેડકર સામે પ્રતિવાદ કર્યો. એવું તો કાંઈ હોતું હશે? અમે હિન્દુ છીએ અને એમાં પણ આર્ય સમાજી. હિન્દુ તો જન્મજાત માનવતાવાદી જ  હોય  અને આર્ય સમાજી સમાનતાવાદી. અમે જાત-પાતમાં માનતા નથી અને અમારા મંડળનું નામ પણ અમે જાત-પાત તોડક મંડલ રાખ્યું છે. આવો, તમે મુક્તપણે તમારા વિચારો વ્યક્ત કરી શકો છો.

ડૉ. આંબેડકરે આમંત્રણનો સ્વીકાર તો કરી લીધો, પણ ભરોસો બેસતો નહોતો કે કોઈ દલિત  કાન આમળે અને સવર્ણો તેને ખમી લે. કારણ વિના વિવાદ ન થાય એ માટે ડૉ. આંબેડકરે પોતાનું લેખિત ભાષણ સભાના આયોજકોને મોકલી આપ્યું, અને લખ્યું કે જોઈ જુઓ; હજુ પણ વખત છે, ખમી શકો એમ હોય તો બોલાવજો. તેમની ધારણા મુજબ આયોજકોનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં અને ભાષણ રદ્દ કરવામાં આવ્યું. આશ્ચર્ય ડૉ. આંબેડકરને નહોતું થયું, આશ્ચર્ય આર્યસમાજીઓને થયું હતું કે ધર્મને જોવા – પારખવાનો આવો પણ એક દૃષ્ટિકોણ છે જે આપણા ગુરુદેવ દયાનંદ સરસ્વતીએ નહોતો શીખવ્યો.

શું છે એ દૃષ્ટિકોણ? માનવતા. આ જગતમાં કોઈ ચીજ મહાન નથી, માણસાઈ મહાન છે. આ જગતમાં કોઈ ચીજ પવિત્ર નથી, માણસાઈ પવિત્ર છે. આ જગતમાં કોઈ વાક્ય અંતિમ નથી, માણસાઈ અંતિમ છે. આ જગતમાં કોઈ ઈશ્વર, કોઈ ધર્મ, કોઈ ધર્મગ્રન્થ, કોઈ ધર્મગુરુ સનાતન નથી; માણસાઈ સનાતન છે. બિચારા આર્યસમાજીઓને તો તેમના ગુરુએ એમ શીખવ્યું હતું કે આપણે હિન્દુ છીએ એટલે જન્મ-જાત મહાન છીએ. એ તો એમાં કેટલીક બદીઓ પ્રવેશી ગઈ છે એટલે આપણે ઝાંખા પડ્યા છે અને એ બદીઓ દૂર કરતાંની સાથે જ આપણે મહાન પ્રજા બની જઈશું. એ બદીઓનાં આકરાં નિદાનો અને થોડા વ્યવહારુ અને વધુ અવ્યવહારુ ઈલાજો દયાનંદ સરસ્વતીએ સૂચવ્યા છે. એમાં એક ઈલાજ હતો જ્ઞાતિપ્રથાનો અંત. બિચારા આર્યસમાજીઓએ પહેલી વાર જોયું કે માનવતાની એરણે ધર્મને ચકાસી શકાય અને એમાં તે ઊણો પણ ઊતરે. છેવટે તો હિન્દુ ધર્માભિમાનીઓ ને! એક દલિત માનવતાની એરણે આપણા મહાન ધર્મને ચકાસે એ કેમ ચલાવી લેવાય?

અહીં એક સવાલ પૂછવો જોઈએ. દલિતોની માફક સમાનતાની હકદાર મહિલાઓ ખરી કે નહીં? દયાનંદ સરસ્વતી એ બાબતે ચૂપ છે. શા માટે દયાનંદ સરસ્વતીને જ્ઞાતિગત ભેદભાવ કઠ્યા અને લૈંગિક ભેદભાવો ન કઠ્યા? કારણ બહુ સ્પષ્ટ છે. સ્ત્રી પરિવારનું અવિભાજ્ય અંગ છે. તે મા છે, પત્ની છે, દીકરી છે, બહેન છે એટલે તે પરિવારના બંધનોથી મુક્ત થઈ શકે એમ નથી. ખરું પૂછો તો તે પુરુષથી મુક્ત થઈ શકે એમ નથી. જઈ જઇને ક્યાં જશે? રોટલા અને વસ્ત્ર માટે પુરુષ પરનું અવલંબન સ્ત્રીને વિવશ કરીને રાખે છે. તેને માટે ઉંબરો ઓળંગવા કોઈ જગ્યા જ નથી. જેનો ઊંહકારો કાને ન પડતો હોય અને પડતો હોય તો તેની ઉપેક્ષા થઈ શકતી હોય તો તેની વેદનાની ચિંતા કરવાની જરૂર જ શું છે? એ ક્યાં જવાની છે કે વિદ્રોહ કરવાની છે?

આમ દયાનંદ સરસ્વતીએ સ્ત્રીની વેદનાને વાચા આપી નથી કે તેને ન્યાય મળવો જોઈએ એમ કહ્યું નથી, માત્ર જાત-પાતનો અંત આવવો જોઈએ એમ કહ્યું હતું. કારણ? કારણ એ કે સ્ત્રી પરિવારનું અવિભાજ્ય અંગ છે, પણ દલિત હિન્દુ સમાજનું અવિભાજ્ય અંગ નથી. એ જઈ શકે છે. ગામ છોડીને શહેર જઈ શકે છે અને મોકો મળે તો ધર્મ છોડીને પણ જઈ શકે છે. બીજું, સ્ત્રી પેટ અને વસ્ત્ર માટે પુરુષ પર જેટલી નિર્ભર હતી એટલા દલિતો સવર્ણ હિન્દુઓ પર નિર્ભર નહોતા. ખાસ કરીને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના ભારતપ્રવેશ પછી અને અંગ્રેજો આવ્યા પછી થયેલાં શહેરીકરણનાં પરિણામે દલિતો માટે બહાર જવાના રસ્તાઓ ખૂલી ગયા હતા. ટૂંકમાં દલિત જતો ન રહે એ માટેની ચિંતા હતી, જે જઈ શકે એમ જ ન હોય, તો તેની ચિંતા શું કામ કરવાની? દલિત જતો રહે તો ઇસ્લામ અને ખ્રિસ્તીઓ સામે આપણી સંખ્યા ઘટે અને સંખ્યા ન ઘટવી જોઈએ. ધર્મની સબળતા અને નિર્બળતા તેમણે સંખ્યામાં જોઈ હતી. હિન્દુ માનસમાં સંખ્યાની સભાનતા દાખલ કરનારા દયાનંદ સરસ્વતી પહેલા હતા.

તો જાત-પાત તોડક મંડલની દલિતો સાથેના સમાન વ્યવહારની ભાવના પાછળની પ્રેરણા સંખ્યા હતી, માણસાઈ અને માનવીય અધિકાર નહીં. હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે જ, એ શ્રેષ્ઠ ધર્મની સંખ્યા ન ઘટે એ માટેનો સદ્વ્યવહાર હતો. ડૉ. આંબેડકર આ જાણતા હતા એટલે તેમણે પહેલા જ કહી દીધું હતું કે તમને મારા વિચારો નહીં પચે. દલિતોને તમારી ભલમનસાઈની જરૂર નથી. આ જગતમાં દરેક માણસ સમાન છે, દરેક માણસ સમાન અધિકાર ધરાવે છે અને દરેક માણસ સમાન તક(ઓપોર્ચ્યુનિટી)નો હકદાર છે. કોઈ આપનાર નથી કે કોઈ લેનાર નથી. એરણ માનવતાની છે અને માનવતાની એરણને ધર્મ, ભાષા, વંશ, જાતિ કોઈ ચીજ સાથે લેવાદેવા નથી. માનવતાનો ગજ અંતિમ ગજ છે અને તેનાથી મોટો કોઈ ગજ નથી. પોતાને શ્રેષ્ઠ અને કરુણાવાન સમજનારા આર્યસમાજીઓ માટે આ ક્યારે ય નહીં વિચારેલો કે સાંભળેલો દૃષ્ટિકોણ હતો.

તમે જાણો છો, સ્ત્રીના માનવીય અધિકારનો સ્વીકાર કરનારો પહેલો ભારતીય હિન્દુ કોણ હતો? એક શુદ્ર હતો; નામે જ્યોતિબા ફૂલે. જન્મે માળી. તેમના પહેલાં કોઈ બ્રાહ્મણે સ્ત્રીના માનવીય અધિકારની વકીલાત નહોતી કરી. આ વિશે પણ થોડું વિચારવું જોઈએ. દરેક જ્ઞાનશાખામાં પહેલી હરોળમાં રહેનારા બ્રાહ્મણો માનવતાના વિમર્શમાં કેમ પાછળ રહ્યા? ભારતમાં આ વિમર્શ નીચેથી શરૂ થાય છે, ઉપરથી એટલે કે બ્રાહ્મણો તરફથી નહીં. કોઈ કહેતા કોઈ નહીં. સમાનતાનો દાવો કરનારા આર્ય સમાજીઓ નહીં, બીજા હિન્દુ ધર્માભિમાનીઓ નહીં, પાશ્ચાત્ય શિક્ષણ મેળવેલા અને પોતાને પ્રગતિશીલ સુધારક ગણાવનારાઓ પણ નહીં. હિન્દુ ધર્માભિમાનીઓનું સમાનતા પાછળનું કારણ સંખ્યા હતું અને સુધારકોની સુધારાની વકીલાત પાછળનું મુખ્ય કારણ અંગ્રેજો સામે ભૂંડા લાગવાની શરમ હતું અને ભવિષ્યમાં સત્તા ભોગવવાની લાયકાત મેળવવા માટે જરૂરી સજ્જતા હતું.

૧૯મી સદીમાં દયાનંદ સરસ્વતી, સહિત કોઈ હિન્દુ ધર્માભિમાનીએ સ્ત્રીઓના માનવીય અધિકારોની વકીલાત નથી કરી, વીસમી સદીમાં સાવરકર કે ગોલવલકર સહિત કોઈએ સ્ત્રીઓના માનવીય અધિકારોની વકીલાત નથી કરી અને અત્યારે ૨૧મી સદીમાં પણ કોઈ નથી કરી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્ત્રીઓને પ્રવેશ નથી. ઊલટું સ્ત્રી વિરોધી વિપરીત દિશાનાં નિવેદનો થઈ રહ્યાં છે. અરુણ જેટલી, અમિત શાહ અને સંઘના નેતાઓનાં નિવેદનો આનાં પ્રમાણ છે. તો માનવીય અધિકારનો વિમર્શ ભારતમાં ઉપરથી શરૂ નથી થતો નીચેથી શરૂ થાય છે. આગળ કહ્યું એમ એક શુદ્ર જ્યોતિબા ફૂલે પહેલા હિન્દુ હતા જેમણે કહ્યું હતું કે સ્ત્રી પણ માનવીય અધિકારોની એટલી જ હકદાર છે જેટલો પુરુષ. પરમ પૂજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઓનરેબલોએ જે નહોતું કહ્યું એ એક શુદ્રે કહ્યું.

જોડાના ડંખની પીડાની એને ખબર પડે જેને એ વાગતો હોય. જ્યોતિબા ફુલે આમાં એક ડગલું આગળ વધ્યા, અને માટે તેઓ મહાત્મા જ્યોતિબા ફુલે તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું હતું કે દરેક સમાજિક પીડાનું મૂળ માણસાઈના અભાવમાં છે. એક માણસ બીજા માણસ સાથે માણસ જેવો વ્યવહાર ન કરે ત્યારે અન્યાયજનક પીડા પેદા થતી હોય છે. એમાં જે સબળ હોય એ પોતાની સબળતા કાયમ માટે જળવાઈ રહે એ માટે ધર્મ, સંસ્કાર, પરંપરા વગેરેનો આશ્રય લઈને તેને કાયમી સ્વરૂપ (ઇન્સ્ટિટ્યુશનલાઈઝ્ડ) કરવાનો પ્રયાસ કરે છે અને એ રીતે અન્યાયી વ્યવસ્થા સ્થાપિત થાય છે. આનાં મૂળમાં સ્વાર્થજન્ય અમાનવીય અન્યાય છે અને એનો ઉકેલ માનવીય ન્યાય છે. દરેકને અપવાદ વિના એક સમાન માનવીય ન્યાય મળવો જોઈએ પછી તે સવર્ણ હોય કે દલિત, સ્ત્રી હોય કે પુરુષ, ગોરા હોય કે કાળા. સમાજનો પાયો માનવીય મૂલ્યો આધારિત હોવો જોઈએ. મહાત્મા ફૂલેએ તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને સ્ત્રીઓ માટેની સાર્વજનિક શાળા શરૂ કરી હતી. સ્ત્રી માટેની, પણ સાવર્જનિક. પીડા બંનેની એક સરખી છે, પછી સ્ત્રી દલિત હોય કે બ્રાહ્મણ.   

હમણાં કહ્યું એમ પરમ પૂજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઓનરેબલોએ જે નહોતું કહ્યું અને કર્યું એ એક શુદ્રએ પહેલી વાર કહ્યું અને કર્યું. કોઈનાં પણ પૂતળાં ન હોવાં જોઈએ, પણ ભારતમાં જો કોઈનું વિરાટ પૂતળું બાંધવું જ હોય તો એ જ્યોતિબા ફુલેનું બાંધવું જોઈએ. એ પહેલો માણસ હતો જેણે મૂંગી વેદનાને વાચા આપી હતી અને એ પણ અધિકારની ભાષામાં. દયા-કરુણાની ભાષામાં તો મધ્યકાલીન સંતોએ પણ આપી છે. અને હા, મધ્યકાલીન સંતોએ પણ સ્ત્રીઓની વેદનાને ખાસ વાચા નથી આપી.

માનવતાનો ગજ અંતિમ ગજ છે અને તેનાથી મોટો કોઈ ગજ નથી. હિન્દુ હોવાને નાતે પોતાને શ્રેષ્ઠ અને કરુણાવાન સમજનારા આર્યસમાજીઓ માટે આ ક્યારે ય નહીં વિચારેલો કે સાંભળેલો દૃષ્ટિકોણ હતો. તેઓ ડૉ. આંબેડકરનું વ્યાખ્યાન રદ્દ કરી નાખે છે. ગાંધીજીએ કહ્યું હતું એમ ડૉ. આંબેડકર ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે સ્વ-ખર્ચે એ વ્યાખ્યાન છપાવ્યું અને એ વ્યાખ્યાનની પુસ્તિકા ગાંધીજીને મોકલી. ગાંધીજીએ ૧૯૩૬ના જુલાઈ મહિનામાં ‘હરિજન’માં તેમની પત્રિકામાં પુસ્તિકાની સમીક્ષા કરતા લખ્યું કે સૌ પહેલાં તો આ વ્યાખ્યાન પ્રત્યેક હિન્દુએ વાંચવું જોઈએ, અને દરેક હિન્દુ સુધી પુસ્તિકા પહોંચી શકે એ માટે તેની કિંમત બે આના કે ચાર આના જેવી નજીવી રાખવી જોઈએ. કોઈકે એ પુસ્તિકા સ્પોન્સર કરવી જોઈએ, એવી પણ ગાંધીજીએ ભલામણ કરી હતી. શા માટે? કારણ કે ધર્મનિરપેક્ષ શુદ્ધ માનવીય ભૂમિકાએથી ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મની અને સમાજની ચિકિત્સા કરી છે અને એ દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે એમ ગાંધીજીએ કહ્યું હતું. 

એ પછી તેઓ ડૉ. આંબેડકર સાથે ચર્ચામાં ઊતરે છે અને એ ચર્ચા લાંબી ચાલે છે. એમાં ડૉ. આંબેડકરના પક્ષે કડવાશ વ્યક્ત થાય છે તો ગાંધીજી પણ વર્ણવ્યવસ્થાની મૂળ કલ્પના નિર્દોષ હતી જેવી કેટલીક ગળે ઊતરે નહીં એવી દલીલો કરે છે. એ ચર્ચામાં ડૉ. આંબેડકર ઠીકઠીક પ્રમાણમાં ગાંધીજીની ધુલાઈ કરે છે અને આગળ જતાં ગાંધીજી ચાતુરવર્ણ્ય વિશેના પોતાના વિચારો બદલે પણ છે. ૧૯૩૬માં ગાંધીજીએ આંબેડકરની સામે બે દલીલ કરી હતી જે અત્યારે પણ પ્રાસંગિક છે. એક તો એ કે ધર્મનો પ્રાણ અને ધર્મનું કલેવર બે અલગ ચીજ છે. અહં બ્રહ્માસ્મિ અને એવાં વચનો અને તેના પર આધારિત દર્શન હિન્દુ ધર્મનો પ્રાણ છે અને કર્મકાંડ, જે તે પરંપરા એનું કલેવર છે. ૧૯૩૬માં વર્ણવ્યવસ્થાને હિન્દુ ધર્મનો પ્રાણ ગણવાની તેમણે જે ભૂલ કરી હતી, એ પાછળથી સુધારી લીધી હતી. પ્રાણ અપ્રાસંગિક બનતો નથી, કલેવર અપ્રાસંગિક બને છે અને એ બદલી શકાય છે. બીજી દલીલ તેમણે એ કરી હતી કે અન્ય ધર્મીઓની તુલનામાં હિન્દુ ધર્માનુયાયી કલેવરમાં પરિવર્તન કરવાની વધુ ક્ષમતા ધરાવે છે. જે બીમારી છે એ શરીરમાં છે, આત્મામાં તો નથી અને હિન્દુ શરીરને સુધારી શકે છે.

અહીં સબરીમાલાના સંદર્ભમાં પાંચ સવાલ કરવા છે:

એક. ગાંધીજી કહે છે એમ શું અહં બ્રહ્માસ્મિ જેવું દર્શન હિન્દુ ધર્મનો પ્રાણ છે એમ તમે માનો છો?

બે. જો એમ માનતા હો તો અફાટ સાગર જેવું વ્યાપક દર્શન માનવીયતાની વિરુદ્ધ હોઈ શકે?

ત્રણ. સમય જતાં ધર્મના બાહ્ય કલેવરમાં (બૉડી રિલિજિયન) વ્યવહાર, રીતિરિવાજ, કર્મકાંડ, પરંપરાને નામે કેટલાંક અમાનવીય અને અન્યાય કરનારાં તત્ત્વો દાખલ થઈ ગયાં હોય એ વાતનો સ્વીકાર કરવા તમે રાજી છો?

ચાર. બીજા કોઈ પણ ધર્માનુયાયીની તુલનામાં હિન્દુ બદલવાની, અપનાવવાની અને છોડવાની વધુ ક્ષમતા ધરાવે છે એવી ગાંધીજીની દલીલ સાથે સંમત છો?   

અને પાંચ. જો હા, તો તમે બદલાવા રાજી છો? સબરીમાલા મંદિરમાં દરેક વયની સ્ત્રીઓને પ્રવેશ મળવો જોઈએ એનું સમર્થન કરશો? 

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 04 નવેમ્બર 2018

Loading

‘યૂ આર માય ન્યૂ ફૅમિલી’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|4 November 2018

મહમ્મદ ગઝનવી સત્તર વાર ગુજરાત પર ચડી આવ્યો. જો એ હકીકત હોય તો આ યુગમાં સત્તર વર્ષમાં એક દિવસની મુસાફરીનો મામલો હોવા છતાં આપણે અમેરિકાથી ભારત સત્તર વાર નથી જઈ શક્યા તો તે જમાનામાં લાખનું સૈન્ય લઈ પગપાળા હજાર માઈલ આવતાંજતાં મહિનાઓ લાગે તેમ સત્તર વાર કરવું. મન ગણગણે છે, ‘ઇઝ ઇટ સો ? ઇઝ ઇટ પોસિબલ ? ઇઝ નોટ સમથિંગ રોંગ ?’ મન માનતું નથી, પરંતુ ઇતિહાસ ખોટો ન હોઈ શકે.

મહમ્મદે સેનાપતિને બોલાવ્યો. કહ્યું, ‘ચડાઈ કરવાની તૈયારી કરો.’

સેનાપતિ કહે, ‘આ વરસે ક્યાં જઈએ છીએ ?’

મહમ્મદ કહે, ‘સોમનાથ લૂંટવા.’

સેનાપતિ કહે, ‘અગેઈન ? આપણા સૈનિકો ગુજરાતથી હવે કંટાળ્યા હશે. આ વખતે મથુરા જઈએ તો કેવું ?’

મહમ્મદ કહે, ‘જે લોકો ગુજરાતથી થાક્યા હોય તેમને મથુરા મોકલો અને બાકીનાને સાથે ગુજરાત આવવા દો.’

સેનાપતિ થોડી વારમાં પાછો આવે છે. ‘જહાંપનાહ, સૈનિકો બધા ગુજરાત જવા રાજી છે, કારણ કે ત્યાં મોટી લડાઈ નહીં થાય તેની ગેરંટી છે. ઘણાને પોતાની પત્નીઓ માટે, માશૂકાઓ માટે પાટણનાં પટોળાં અને વાસણોની ખરીદી કરવી છે.’

મહમ્મદનું લાખ માણસનું લશ્કર રાજસ્થાનમાંથી પસાર થાય. રાજસ્થાનના લોકોએ નોંધ્યું કે મુલતાનના દરેક સૈનિકે લાંબા લાંબા બ્લૅન્કેટ ઓઢ્યાં છે.

‘ઓ અફઘાનભાઈ, તમારે બ્લૅન્કેટ વેચવાં છે ?’

અફઘાન સૈનિકોને લાગ્યું કે વેપારની સારી શક્યતા છે. હવે તો રાજસ્થાનના લોકો પણ મહમ્મદભાઈનું લશ્કર પોતાના ઘર પાસેથી કૂચ કરે તો સારું એવું ઇચ્છતા હતા.

(‘ફ્રીક્વન્ટ રાઈડર’)

••••••

‘સુશીલા’નો સર્વોત્તમ નિબંધ ‘ફ્રીક્વન્ટ રાઈડર’ છે, તેમ પ્રાદ્યાપક મધુસૂદન કાપડિયા માને છે, તેમાં ભારોભાર સત્ય છે. હરનિશ જાનીના નિબંધોમાં તેનું પહેલી હરોળે સ્થાન છે, તેમ સતતપણે લાગ્યા કર્યું છે.

દલીલ પુરવાર કરવા મધુસૂદનભાઈનું નિરીક્ષણ’ ટાંક્યા વિના ચાલે એમ નથી. એમણે લખ્યું છે :

‘આનું શીર્ષક જ લાજવાબ છે. મહમ્મદ ગિઝનીએ પ્રભાસપાટણના સોમનાથમંદિર પર 17 વાર ચઢાઈ કરી હતી, તેથી લેખક ભીમદેવ બાણાવળી અને મહમ્મદ ગિઝનીની મુલાકાત પણ ગોઠવે છે. આ મુલાકાત હાસ્યરસથી છલોછલ છે. ભીમદેવ મહમ્મદ ગિઝનીને કહે છે, ‘આ મારો ભાઈ ભરુચ રહે છે, પણ આ આઠ વરસમાં એક જ વાર મળ્યો; જ્યારે તમે સેંકડો જોજન દૂર રહેવા છતાં દર વર્ષે મળવા આવો છો. યૂ આર માય ન્યૂ ફૅમિલી.’ ભીમદેવ એમ પણ કહે છે, ‘મહમ્મદભાઈ, ભારતમાં ઘણાંબધાં મંદિરો છે. ત્યાં પણ જવાનું રાખો અને એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દ્યો. દ્વારકા જવાનું રાખો. તે પણ સોનાની નગરી છે.’ મહમ્મદે નવમી વાર નહીં આવવાનું વચન આપવા છતાં તે તો પ્રભાસપાટણના પાદરે આવીને ઊભો રહે છે અને લેખક મહમ્મદ ગિઝનીના મુખમાં ભીમદેવને ઉદ્દેશીને આ શબ્દો મૂકે છે, ‘માફ કરજો, વચનભંગ કરવા બદલ. જવું હતું તો દ્વારકા, પણ જૂનાગઢથી બંને મંદિર જતાં રસ્તા ફંટાણા હતા. પણ ઘોડા એટલા તો ટેવાઈ ગયેલા.’ [‘સુશીલા’, પૃ. 69]

હરનિશ જાનીએ 20 અૉગસ્ટ 2018ની સાંજે વિદાય લીધી. આ સમાચારે જબ્બર આઘાત પહોંચાડ્યો છે. ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય જગતને, હકીકતે, પહેલી હરોળે ગૌરવભેર સોહે તેવા સાહિત્યકારની ખોટ હવે પછી વેઠવાની રહી. એમણે નવલિકાઓ આપી, નિબંધો આપ્યા, ચરિત્રચિત્રણો આપ્યા અને લેખો પણ કર્યા. એમના નામે ચારેક પુસ્તકો બોલે છે : હાસ્યવાર્તાઓનું પુસ્તક “સુધન”, હાસ્યનિબંધોનું સંકલન “સુશીલા”, લેખોનું પુસ્તક “તીરછી નજરે અમેરિકા” તેમ જ બળવંત જાની સંકલિત “હરનિશ જાનીનું હાસ્યરચના વિશ્વ”.

ઇન્ટરનેટ પર હરતીફરતી માહિતી મુજબ, અંદાજે, 1992માં તેમણે અમેરિકામાં પહેલો ગુજરાતી ટી.વી. કાર્યક્રમ ચાલુ કર્યો હતો અને 1994 સુધી ડાયરેક્ટર, રાઈટર અને પ્રેઝન્ટર તરીકે કામ કર્યું હતું. 1961માં તેમની પ્રથમ વાર્તા 'ચાંદની' સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની વાર્તાને ચિત્રલેખાનો વાર્તા પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપરાંત તેમના લેખો 'કુમાર', 'નવનીત સમર્પણ', ‘ઓપિનિયન’ 'ગુર્જરી', 'ગુજરાત દર્પણ' અને 'ગુજરાત મિત્ર' જેવાં સમસામયિકોમાં પ્રસિદ્ધ થયા છે.

એમના પુસ્તક "સુધન"ને ‘ગુજરાત સાહિત્ય અકાદમી' દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2007નો) દ્વિતીય પુરસ્કાર, “સુશીલા” પુસ્તકને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2009નો) પ્રથમ પુરસ્કાર અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા (ઇ.સ. 2009નું) શ્રી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત તેમને ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી (ઇ.સ. 2013નો) વેલજી મહેતા પુરસ્કાર પણ એનાયત થયો છે.

હરનિશભાઈનો જન્મ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં રાજપીપળામાં 05 એપ્રિલ 1941ના થયો હતો. 1962માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી અને ટેક્સટાઈલનો ડિપ્લોમા મેળવીને, 1969માં વધુ અભ્યાસ માટે હરનિશભાઈ અમેરિકા ગયા. ત્યાં પ્લાસ્ટિક ટેકનોલોજીનો અભ્યાસ કરી, ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક કલર કંપનીઓમાં ત્રીસ વરસ રિસર્ચ સાયન્ટિસ્ટ અને ટેકનિકલ ડાયરેકટર તરીકે કામ કરીને નિવૃત્ત થયા પછી લેખન કાર્ય ચાલુ કર્યું. આમ એ 1969થી અમેરિકા ખાતે વસવાટ કરતા હતા, અને હળુહળુ અમેરિકાના સાહિત્ય આકાશના એ અગત્યના તારક બનીને રહ્યા. કેટલાય અવસરોનું સુપેરે સંચાલન કરતા રહ્યા અને સભાખંડે સભાખંડે શ્રોતાઓને જકડી રાખતા રહ્યા. આનો જોટો હવે જડવો સહેલો નથી.

મધુ રાયને સન્માનવાના 1996ના એક અવસરે એક મહેમાનરૂપે જવાની તક સાંપડી ત્યારે હંસાબહેન – હરનિશભાઈ જાની મારા યજમાન હતાં. આ દંપતીને મળવાનો, જાણવાનો અને ચાહવાનો આમ એક ધોરી માર્ગ કંડારાયો.

મધુ રાયે “સુધન”માં લખ્યું છે, ‘બાય ગૉડ, જાનીની બાનીને માણવાની સાચી રીત છે એમની સાથે બાય રોડ ફરવા જવામાં. રસ્તાનો વળાંક, રેડિયોનું ગીત, રાહદારીનો ડગલો, કોફીનો સ્વાદ કંઈ પણ એમને કશાકની યાદ દેવડાવે અને અધધધધ વરસતા એમના કથાપ્રપાતમાં હક્કાબક્કા આપણે નહાઈ ઊઠીએ. એમની વાતો સાંભળતાં સાંભળતાં હસ્યા જ કરીએ.’ (પૃ. 12) આવા અનેક અનુભવો એમની જોડે માણવાનો મોકો મને ય મળ્યો છે. અમેરિકાની મારી એ ત્રણ મુલાકાતો વેળા એ જ મારા મેજબાન. એમની સંગાથે અમેરિકાના ઊગમણા કાંઠા વિસ્તારે પથરાયા ન્યૂ યોર્ક, ન્યુ જર્‌સી અને પેન્સિલવેનિયા રાજ્યોના અનેક પ્રવાસો માણ્યા છે. પ્રિન્સટન યુનિવર્સિટીનાં પ્રાંગણનો જેમ ચક્ષુભોગ કર્યો તેમ જ્યોર્જ વૉશિંગ્ટને જે નદી કિનારે બ્રિટિશ હકુમત સામે જુદ્ધ આદરેલું તે વિસ્તારે લટાર મારેલી તે ય સાંભરે છે. એમની આંગળીએ મહાલતા મહાલતા અમેિરકા વસ્યા ગુજરાતી સાહિત્ય જગતના અનેક તારલાઓની મૈત્રી બંધાઈ.

હરનિશ જાની હંસાબહેન જોડે વળતાં વિલાયતના ત્રણેક વખત પ્રવાસે આવી ગયા. પહેલી કહેતી અનુસાર, હરનિશભાઈ માટે કહી શકાય : ‘he came, he saw, he conquered’. જ્યાં જ્યાં એમના કાર્યક્રમો થયા ત્યાં ત્યાં એમણે મિત્રોનું, ચાહકોનું એક વર્તુળ મજબૂતાઈથી જમાવ્યું જાણ્યું. “ઓપિનિયન”ના દશવાર્ષિક અવસરે પધારેલાં મહેમાનોમાં એ અગ્રેસર હતા, તો વળી, અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાતમી ભાષા-સાહિત્ય પરિષદમાં ય એમણે ગૌરવભેર જમાવટ કરી હતી. બૃહદ્દ લંડનમાં વિવિધ સ્થળોએ એમની નિજી બેઠકો જેમ થઈ, તેમ પાટનગરની બહાર પણ કાર્યક્રમો પાર પડ્યા.

અમે સાથે રહ્યાં, આનંદ પણ કર્યો. ‘ગુર્જરી’માં હરનિશ જાનીનું લખાણ પ્રગટ થતું. જોતો. માણતો. એમની કલમે આકર્ષણ ઊભું કર્યું. અમેિરકાના વસવાટ દરમિયાન, એમનાં અપ્રગટ લખાણો જોયાં. એની પકડ જાણી અને ‘ઓપિનિયન’ માટે શ્રેણીબદ્ધ આપતા રહેવાનું બીડું ઝડપ્યું. “સુધન” માંહેના થોડાક લેખો, “સુશીલા”માંના મહદ્દ લેખોનું વાયા ‘ઓપિનિયન’ અવતરણ થયું તેનું સુખદ ગૌરવ પણ છે. આ સામિયકના હરનિશ જાની પહેલી હરોળે અગત્યના કલમકશ બનીને રહ્યા.

વારુ, ’ગુર્જરી’ ડાયજેસ્ટના તંત્રી કિશોરભાઈ દેસાઈ લખે છે તેમ, ‘હરનિશ જાની આપણી અંદર વસી ગયેલું એક યાદગાર પાત્ર છે. તેમની સાથે આપણો કેટલાં ય વર્ષોનો સહવાસ છે.’ તો બીજી પાસ, ’સૂરસાધના’ નામક બ્લૉગ પર ડૉ. કનક રાવળ લખે છે, ‘પ્યારો હરનિશ જાની તાળી દઈને રવાના થઈ ગયો પણ તેનો હસતો ચહેરો, નામ, વાક્પટ્ટુતા અને અજોડ વિનોદ વાતો અને લખાણો કાયમ આપણી પાસે જમા રાખી ગયો. નામ જાની પણ રહ્યો દિલોજાન જાની. ઉપરવાળાને પણ હસાવીને પેટ દુખાડતો હશે. પણ તે સારી કંપનીમાં હશે જેવા કે બકુલ ત્રિપાઠી, કિશોર રાવળ, વિનોદ ભટ્ટ વગેરે, આપણને યાદ કરતો હશે. આ વાંચતા હેડકી આવે તો માનજો કે, તે આપણને અને કુટુંબીજનોને યાદ કરતો હશે. વર્ષો પહેલાં પહેલી મુલાકાતમાં પાંચ જ મિનિટમાં  લાગ્યું કે આ તો જૂનો ગોઠિયો મળ્યો.’

પાનબીડું :

“હાસ્યની ઝીણી સૂઝ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને વક્ર દૃષ્ટિ, પ્રથમ પેઢીના ‘અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ’ ગુજરાતી વસાહતીઓનું વિનોદી આલેખન, કોઈ પણ જાતના અભિનિવેશ વિના દંભી ધર્માચરણીઓ અને તેનાથી વધારે દંભી ધર્મગુરુઓનું નિર્મમ છતાં માર્મિક નિરૂપણ હરનિશ જાનીની હાસ્યરસની કૃતિઓની ગુણસંપત્તિ છે.”

− મધુસૂદન કાપડિયા

(‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’, પૃ. 53)

હૅરો, 17- 21 સપ્ટેમ્બર 2018

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[1,178]

(પ્રગટ : "ગુર્જરી" ડાયજેસ્ટ; અૉક્ટોબર 2018)

Loading

...102030...2,9832,9842,9852,986...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved