Opinion Magazine
Number of visits: 9685456
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રતિનિધિગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીના વિજયના પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પની મુસીબતો વધશે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 November 2018

અમેરિકામાં પ્રમુખ તેની અડધી મુદ્દત પણ પૂરી ન કરે ત્યાં પ્રતિનિધિ ગૃહમાં કે સેનેટમાં શાસક પક્ષ બહુમતી ગુમાવે એ કોઈ નવી વાત નથી. અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેિટવ (પ્રતિનિધિ ગૃહ) એટલે આપણી લોકસભા અને સેનેટ એટલે આપણી રાજ્યસભા. ફરક એ છે કે આપણે ત્યાં જેમ લોકસભાનું વિસર્જન કરીને નવી લોકસભા ચૂંટવામાં આવે છે એવું અમેરિકામાં બનતું નથી. પ્રતિનિધિ ગૃહ અને સેનેટ બન્ને આપણી રાજ્યસભાની માફક કાયમી સંસ્થા છે, માત્ર બબ્બે વર્ષે સભ્યો બદલાતા રહે છે અને બન્ને ગૃહોની ચૂંટણીનો દિવસ પણ નક્કી હોય છે. બેકી (૧૨-૧૪-૧૮ એમ) વરસમાં નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારે. જો મહિનો મંગળવારે બેસતો હોય તો પછીના મંગળવારે. પ્રતિનિધિ ગૃહના સભ્યોની સીધી ચૂંટણી થતી હોવાથી જે તે રાજ્યોમાં લોકોનો મૂડ કેવો છે એની જાણકારી મળે છે.

પ્રતિનિધિ ગૃહ અને સેનેટની આ વખતની ચૂંટણીમાં આઠ વરસ પછી પ્રતિનિધિ ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીએ બહુમતી મેળવી છે, એટલે રિપબ્લિકન પાર્ટીમાંથી આવતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલીઓ વધશે. બીજી બાજુ સેનેટમાં રિપબ્લિકન પાર્ટીને બહુમતી મળી છે, એટલે પ્રમુખને થોડી રાહત પણ મળશે. અમેરિકન બંધારણ મુજબ બન્ને ગૃહોના કેટલાક અધિકાર અલગ અલગ છે અને કેટલાક સંયુક્ત છે. આમાં પ્રતિનિધિ ગૃહ મહેસૂલ અને ખર્ચને લગતા અધિકારો ધરાવતું હોવાથી, અમેરિકન વહીવટીતંત્રના ચક્કાજામ કેઈ શકે છે. ચાર વરસ પહેલાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને આનો અનુભવ થયો હતો. ચક્કાજામ એટલે એક રૂપિયાનો પણ ખર્ચો વહીવટીતંત્ર ન કરી શકે. જે અનુભવો ઓબામાને થયા હતા એ હવે ટ્રમ્પને થઈ શકે છે.

ટ્રમ્પ એ ટ્રમ્પ છે. આખી દુનિયામાં અજોડ. જે દિવસે સેનેટ અને પ્રતિનિધિ ગૃહોની ચૂંટણીનાં પરિણામ આવતાં હતાં એ જ દિવસે તેમણે એક નિવેદન બહાર પાડીને દેશને જણાવ્યું હતું કે મેથ્યુ વ્હાઈટકેરની અમેરિકાના એટર્ની જનરલ તરીકે જેફ્ફ સેશનની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. એ પહેલાં જેફ્ફ શેસનનું રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાંથી રાજીનામું આપનારા કે તગેડી મુકવામાં આવ્યા હોય એવા સેશન ૧૨૯માં અધિકારી છે. પોણા બે વરસમાં ૧૨૯! કોઈ તેમની સાથે કામ જ નથી કરી શકતું. જેફ્ફે રાજીનામું આપ્યું એનું કારણ પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાએ કરેલો હસ્તક્ષેપ હતો, અને એમાં જેફ્ફનું વલણ ટ્રમ્પને અનુકૂળ નહોતું. દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને પવિત્રતાના દાવો કરીને ખુરશીમાં ગોઠવાઈ ગયેલાઓ કેટલા દેશભક્ત અને પવિત્ર છે એનો હવે દરેકને પરિચય થઈ રહ્યો છે. રશિયાએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટની હારે અને તેમની જગ્યાએ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે અમેરિકન મતદાતાઓને પ્રભાવિત કરવાનું કામ કર્યું હતું એવો રશિયા સામે આરોપ છે.

આરોપ એવો છે કે અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાએ રસ લીધો હતો અને ડેમોક્રેટિક પાર્ટીના મતદાતાઓના ડેટા ધરાવતા કોમ્પ્યુટરમાં હેકિંગ કર્યું હતું. થોડા મહિના પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રશિયાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે માત્ર દેખાવ ખાતર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સમક્ષ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાના હાથ વિષે પુતિને ઘસીને રદિયો આપ્યો હતો અને ટ્રમ્પે પુતિનના ખુલાસાને માન્ય રાખ્યો હતો. બધું જ નાટકની પટકથા જેવું હતું. જ્યારે કેટલાક અમેરિકન અધિકારીઓએ આ પ્રશ્ને આગ્રહ રાખ્યો ત્યારે ટ્રમ્પે લગભગ અપમાન કરનારા સ્વરમાં કહ્યું હતું કે મને તમારા આરોપ કરતાં પુતિનના રદિયામાં વધારે સચ્ચાઈ નજરે પડે છે. જોતા નથી તેમનો અવાજ કેટલો બુલંદ છે? અમેરિકન પ્રમુખને અમેરિકાના સાર્વભૌમત્વ માટે કેટલી ખેવના છે એ એમાં જોવા મળ્યું હતું.

પ્રતિનિધિગૃહના જે કેટલાક અધિકારો છે એમાં એક અધિકાર ઈમ્પીચમેન્ટનો પણ છે અને એમાં કટ્ટર ટ્રમ્પ વિરોધી નેન્સી પલોસીને ગૃહનું અધ્યક્ષપદ મળશે. ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટની નોટિસ લાવવાની તૈયારી ચાલી રહી છે, એટલે પ્રતિનિધિગૃહમાં રિપબ્લિકન પાર્ટીએ ગુમાવેલી બહુમતી તેમની મુસીબતોમાં વધારો કરી શકે એમ છે. એક ખાસ નોંધવા લાયક વાત એ છે કે પ્રતિનિધિગૃહમાં આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓ ચૂંટાઈને આવી છે. ૪૩૫ સભ્યોના ગૃહમાં ૪૨૮ સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવે છે. હવે ગૃહમાં ૨૨૩ સભ્યો ડેમોક્રેટિક પાર્ટીના છે અને તેમાં સો મહિલાઓ છે. ટ્રમ્પના સ્ત્રીઓ વિષયક અભદ્ર ટિપ્પણોને કારણે મહિલાઓ નારાજ છે અને તેનો લાભ લઈને આ વખતે ડેમોક્રેટિક પાર્ટીએ મોટા પ્રમાણમાં મહિલાઓને ઉમેદવારી આપી હતી. રિપબ્લિકન પાર્ટીના પરાજયમાં સ્ત્રીઓ અને યુવાન મતદાતાઓનો મોટો હાથ છે. તેમને ટ્રમ્પનું સંકુચિત વલણ સ્વીકાર્ય નથી. મહિલાઓ અને યુવાનોનો ટ્રમ્પ વિરોધી મૂડ જોતાં તેઓ અમેરિકન પ્રમુખ તરીકે બીજી મુદ્દત માટે ચૂંટાય એ લગભગ અશક્ય છે. તેઓ મુદ્દત પૂરી કરી શકશે કે કેમ એ વિષે પણ શંકા છે.

ધારણા તો એવી હતી કે પ્રતિનિધિગૃહની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી મેદાન મારી જશે, પણ એવું બન્યું નથી. આનું મુખ્ય કારણ એ છે કે આ યુગ ધાર્મિક, અતિરેકી, અંતિમવાદી અને અસહિષ્ણુ રાજકારણનો છે. ચારે બાજુ ગાંડપણ જોવા મળી રહ્યું છે અને ગાંડાઓનો જયજયકાર થઈ રહ્યો છે. એટલે તો અમેરિકા જેવા પરિપક્વ લોકતાંત્રિક દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવો માણસ ચૂંટાઈ આવ્યો હતો. આ સ્થિતિમાં હજુ ટ્રમ્પના સમર્થકો મોટી સંખ્યામાં છે. આની વચ્ચે કાળાં વાદળમાં રૂપેરી કોર જેવાં આ પરિણામ છે. આવા ગાંડપણના જુવાળમાં કમસેકમ અમેરિકામાં ધીરેધીરે ઓટ આવી રહી હોય તો રાજી થવું જોઈએ. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોએ રૂઢિચુસ્તોની સાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપી લીધું છે. 

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 નવેમ્બર 2018

Loading

જીવન નિર્વાહની વીરપસલી

રક્ષા ભટ્ટ|Opinion - Opinion|10 November 2018

‘રક્ષા, તું પણ મારી જેમ અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ કર, અને પછી, એમ.એ. કરી બી.એડ. પણ કર.’ એવું કહી જેણે મારા જીવનને જીવનની અને જીવન નિર્વાહની વીરપસલી આપી એ મારો ભાઈ સુભાષ મારી સમૃદ્ધિ.

નાની હતી ત્યારે એક વખત, ગાંધી સ્મૃિત અને બાર્ટન ગ્રંથાલયમાં સભ્ય થવા લઈ ગયેલો ને ગ્રંથપાલ સાથે મારી ઓળખાણ કરાવી કહ્યું કે આ મારી નાનીબહેન રક્ષાને તેને જોવે તે પુસ્તકો શોધી આપવામાં મદદ કરજો. એ પછીનાં આ પચ્ચીસથી વધુ વર્ષોમાં ભાવનગરના ગ્રંથાયલોના ગ્રંથપાલો બદલાયા, પરંતુ મારો પરિચય સુભાષભાઈની નાનીબહેન તરીકેનો કાયમ રહ્યો.

અંગ્રેજી સાહિત્યના પ્રથમ વર્ષે ને સત્તર-અઢારની મારી વયે, સુભાષે જે. કૃષ્ણમૂર્તિનું દળદાર પુસ્તક ‘The Awakening Of The Intelligence’ આપ્યું અને એ પછી પસાર થયેલાં વર્ષો, કેટલાંક વર્ષોની પીડા, દુ:ખ અને પ્રિયજન સાથેનાં કોઈ નમણાં સંબંધની તૂટેલી દોરીના તાણાવાણા સુભાષે સ્થાપેલી મારી જે. કૃષ્ણમૂર્તિ, ઓશો ને રમણ મહર્ષિ સાથેની અતૂટ અને દિવ્ય સંભાળથી સ્વસ્થ થતા રહ્યા.

આજની તારીખે સુભાષ મને મારા જન્મ દિવસ અને વીરપસલીમાં આપતો રહે છે નરસિંહ મહેતાનું ‘શબ્દવેદ’, સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ, ઓશોની અષ્ટાવક્ર મહાગીતા, ઓશપેંશ્કીનું ‘The Forth Way’, ‘Krishnamoorti To Himself, કબીર અને Outlook Travellerના genuine પ્રકાશનો. વર્ષપર્યંત પુસ્તકોની નદી મારા અભ્યાસ ખંડ તરફ વહ્યાં કરે, અને એમાં મોટા ભાઈની સંભાળ અને દરકાર પણ એટલી જ વહે.

હીચકે બેઠા-બેઠા સુભાષે ભણાવેલા હરમન હેશનું ‘સિદ્ધાર્થ’ કે કોલરિજ અને મેથ્યુ આર્નોલ્ડની સાહિત્યની વ્યાખ્યાઓની સમજનાં સ્મરણો આજે પણ ટોળે વળી આંખમાં સજળ થાય છે. રસ્કિન બોન્ડની હિમાલય પ્રેમની વાતો, Seven Years In Tibet કે પોલો કોયેલોના The Alchemistના અર્થઘટનોની અઢળક વાતો અને ચર્ચાઓ મારી આંખોમાં સુભાષે આપેલા ચમકારા છે અને છે આધ્યાત્મના આત્મવાન ઓટલા, જેના પર બેસી હવે અનેક વખત હું મારી નિસ્ફળતાઓ અને સંબંધોના આખાય illusory જગતે મને આપેલી એકાંતની ભેટને, નામ વગરના gift packમાં વિંટાળીને મારી જાત સાથે બેસું છું ને લગભગ રોજ કશુંક લખું છું અને સરાયની અગાસીમાં ચાલું છું.

‘રક્ષા, ક્યાં જવું છે આ ઉનાળાની રજાઓમાં?’-થી પ્રારંભાતો સુભાષનો પ્રશ્ન છેલ્લાં ત્રીસ વર્ષના ઉનાળા અને શિયાળાના લાંબા પ્રવાસો અને નાની-મોટી ઉજાણીઓના આનંદમાં સુભાષનો સાથ લઈને હજી પણ અકબંધ બેઠો છે. કેરલ-કર્ણાટકના ઘટાટોપ જંગલો, ઘૂઘવતા દરિયા અને મને અતિ પ્રિય પુરાતત્વિય પ્રાચીન મંદિરો સુભાષ ન હોત તો મેં આ જન્મે ન જોયાં હોત. બૃહદ્દ હિમાલયના બરફાચ્છાદિત પર્વતો અને અલકનંદા, મંદાકિની, બીયાસ, સતલજ અને સિંધુનાં દર્શન અને હિમાલયન કેડીઓ પરના અગણિત પડાવોની આખી ય મૂડી સુભાષ ન હોત તો આ જન્મે મને ન મળી હોત.

પ્રવાસોમાં સુભાષ પાસે અનેકો દિક્ષિત થયા હશે, થાય છે અને થશે પરંતુ મને મળેલા initiationને પકડ્યો છે કોઈ ઠોસ રંગ જીવનનો અને તે છે મારી છબિકલા જે કોઈ અર્થોપાર્જનની ગુલામ નહીં પરંતુ નિજાનંદનું બીજું નામ અને મારી identity પણ. આ identity કે જાતને ક્યાંક સાબિત કરવાનું બળ અને સંસ્કાર આપતા-આપતા સુભાષે આપ્યું મને એનું મિત્ર વર્તુળ. કેટલાક મિત્રો સાથે અનેક પ્રવાસો, તો કેટલાક મિત્રો સાથે આખી રાત ચાલેલા અમારા ડાયરા, સત્સંગ, ગીતો અને અલગારી રખડપટ્ટીનાં તોફાની સ્મરણો.

જૂના ઘરના હીચકે, દાદરે ને ઓસરીમાં ચાલેલા શિશુવિહારથી શામળદાસ અને શામળદાસથી સરાય સુધીના, ચાલીસથી વધુ વર્ષોમાં એક માત્ર અવિરત અખંડ એવું bond જે ક્યારેક ક્યારેક થપ્પાની રમત માફક સંતાઈને ફરી એ જ સ્થળે થપ્પો કરવા પાછું આવે છે તે છે સુભાષનું, સુભાષ સાથેના genuine પ્રવાસો, વાતો-વિચારોનું, સુભાષની મારા માટેની સંભાળનું, સુભાષે આપેલાં પુસ્તકો, પ્રવાસો અને એક સરખી રીતે ઉછરેલી કોઈ સમજ, હું ક્યારે ય કેળવી શકી ન હોત એવી મૈત્રીનું અને એકાંતને સ્મૃદ્ધ કરવાના સંસ્કારનું.

આ જબરદસ્ત ને જીવન બક્ષતી કેટલીક સમજના ચમકારાને આજે સલામો કરું છું ને સુભાષને પણ ..

સૌજન્ય : https://www.facebook.com/raksha.bhatt/posts/2901859013173006

Loading

કર્ણાટકનાં પરિણામો અને વિરોધ પક્ષોની એકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|8 November 2018

ભારતીય રાજકારણના સિનિયર મોસ્ટ નેતા શરદ પવાર, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુ અને જમ્મુ અને કાશીરના પૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુખ અબ્દુલ્લા ભા.જ.પ.ની સામે રાષ્ટ્રીય મોરચો તૈયાર કરવા મેદાને પડ્યા છે. તેઓ ડૉ. લોહિયાએ ગેર-કૉન્ગ્રેસવાદની થિસીસ વિકસાવી હતી, એમ ગેર-ભા.જ.પ.વાદની થિસીસ વિકસાવવાની ભાંજગડમાં પડવા માંગતા નથી. ગઈકાલના લેખમાં કહ્યું હતું એમ ત્યારે ગેર કૉન્ગ્રેસી પક્ષો અને નેતાઓ અજમાયેલા નહોતા, એટલે પવિત્ર હતા. આજે સ્થિતિ જુદી છે. ફારુક અબ્દુલ્લા અને ચન્દ્રબાબુ નાયડુ ભા.જ.પ. સાથે ભગીદારી કરી ચુક્યા છે. એમ તો શરદ પવાર પણ ગેર કૉન્ગ્રેસવાદના યુગમાં મહારાષ્ટ્રમાં પુરોગામી લોકશાહી દળની રચના કરીને ભા.જ.પ .સાથે ભાગીદારી કરી ચુક્યા છે.

આ બધા પક્ષો અને નેતાઓ આવતીકાલે ભાગીદારી નહીં કરે એની કોઈ ખાતરી નથી. એટલે તેમનો વિરોધ નરેન્દ્ર મોદી-અમિત શાહ પ્રકારના રાજકારણ સામે છે, સીધો બી.જે.પી. સામે નથી. ગેર કૉન્ગ્રેસવાદમાં કૉન્ગ્રેસ ટાર્ગેટ હતી. અટલ બિહારી વાજપેયી કે તેમના જેવો બીજો કોઈ નેતા હોય, તો તેઓ બી.જે.પી. સાથે ભાગીદારી કરી પણ શકે છે, અત્યારે એન.ડી.એ.માં એવા ઘણા પક્ષો છે જેઓ બી.જે.પી.ની વિચારધારા સાથે સંમત નથી.

કેવું છે નરેન્દ્ર મોદી-અમિત શાહ બ્રેન્ડનું રાજકારણ? યેનકેન પ્રકારેણ બીજાની જગ્યા આંચકી જનારું. અરુણાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં, ગોવામાં અને કર્ણાટકમાં જે ઘટનાઓ બની એ તેનું પ્રમાણ છે. ગવર્નરોની મદદથી આ રાજ્યોમાં બહુમતી નહીં હોવા છતાં ગેરબંધારણીય રીતે ધરાર સરકારો રચવામાં આવી હતી. બીજું લક્ષણ છે વિશ્વાસઘાત કરવાનું. મહારાષ્ટ્રમાં શિવસેનાને, પંજાબમાં અકાલી દળને, જમ્મુ અને કાશ્મીરમાં પી.ડી.પી.ને અને આંધ્રપ્રદેશમાં ટી.ડી.પી.ને આનો અનુભવ થઈ ચૂક્યો છે. ત્રીજું લક્ષણ છે બોલવામાં કે પ્રહાર કરવામાં કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં પાળવાનું. રાજકારણમાં અત્યાર સુધી રાજકીય પક્ષો અમુક રીતની લક્ષ્મણ રેખા પાળતાં આવ્યા છે, પરંતુ બી.જે.પી.નું અત્યારનું નેતૃત્વ આમાં માનતું નથી. ચોથું, બી.જે.પી. પાસે કુલ રાજકીય પક્ષોને મળેલા ડોનેશનનું ૮૦ ટકા ફંડ છે. બી.જે.પી. (મોદી-શાહ) કોઈ પણ માર્ગ અપનાવીને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો સામે અસ્તિત્વનું પેદા કરે એ પહેલાં સચેત થઈ જવું જોઈએ એ વિરોધ પક્ષોની તાત્કાલિક રણનીતિ છે.

શું છે રણનીતિ? એવો મોરચો રચવો જેમાં કૉન્ગ્રેસ સાથે હોય, સત્તામાં ભાગીદાર હોય; પણ વડા પ્રધાનપદ કૉન્ગ્રેસનું ન હોય. બીજી બાજુ જે રાજ્યોમાં કૉન્ગ્રેસ અગ્રેસર હોય એ રાજ્યોમાં કૉન્ગ્રેસની આણ માન્ય રાખવી. કૉન્ગ્રેસે પણ આ વખતે પ્રધાનપદનો આગ્રહ રાખ્યા વિના મોરચામાં જોડાવાની સંમતિ આપી દીધી છે. આનો અર્થ એ થયો કે કૉન્ગ્રેસના નેતૃત્વમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની રચના કરવામાં નહીં આવે, પરંતુ જે કોઈ નામનો મોરચો બનશે એમાં કૉન્ગ્રેસ એક ઘટક પક્ષ તરીકે ભાગીદાર હશે. આનો બીજો અર્થ એ થયો કે ત્રીજો મોરચો રચવામાં નહીં આવે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી દીધી છે કે કૉન્ગ્રેસને જો વડા પ્રધાનપદનો દાવો કરી શકાય એવી ગણનાપાત્ર બેઠકો મળશે તો જ કૉન્ગ્રેસ વડા પ્રધાનપદનો દાવો કરશે. કૉન્ગ્રેસ સૌથી મોટો પક્ષ હશે એમાં તો કોઈ શંકા જ નથી, પરંતુ અત્યારે એમ લાગે છે કે કૉન્ગ્રેસની બેઠકો સો-સવાસોની આસપાસ હશે તો કૉન્ગ્રેસ વડા પ્રધાનપદનો દાવો જતો કરશે. અત્યાર સુધી ત્રીજો મોરચો રચાતો હતો જેમાં કૉન્ગ્રેસ કે બી.જે.પી. ત્રીજા મોરચાને બહારથી ટેકો આપતા હતા અને પછી મોકો જોઇને ટેકો પાછો ખેંચીને સરકાર તોડતા હતા. આને કારણે ત્રીજા મોરચાને ખીચડા તરીકે ઓળખવામાં આવે છે. આમ કૉન્ગ્રેસે પોતાનું કદ સામે ચાલીને ઘટાડી દીધું છે.

ગણતરી આગળ કહી એવી જ છે. કોઈ પણ પ્રકારની લાજ-શરમ વિનાના અનૈતિક અને આક્રમક રાજકારણ કરનારાઓથી પોતાને બચાવવાનું. શરદ પવાર, ચન્દ્રબાબુ નાયડુ અને ફારુક અબ્દુલ્લા આ રણનીતિ વિરોધ પક્ષોના નેતાઓને સમજાવી રહ્યા છે. આ રણનીતિ તેમની પોલિટિકલ સ્પેસ બચાવવા માટેની છે, દેશની સેક્યુલર સ્પેસ બચાવવા માટેની નથી એ આ રણનીતિની મર્યાદા છે.

આની વચ્ચે કર્ણાટકમાં ત્રણ લોકસભાની અને બે વિધાનસભાઓની પેટા-ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે. બી.જે.પી.નો બેલારીમાં લોકસભાની ચૂંટણીમાં અને જામખંડીમાં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો છે. ખાસ નોંધવા લાયક વાત એ છે કે બેલારીમાં કૉન્ગ્રેસે ઊભો રાખેલો ઉમેદવાર બહારનો હોવા છતાં ૨૦૧૪ની તુલનામાં વધારે સરસાઈ સાથે બેલારીની બેઠક જીતી લીધી હતી. બેલારી અને જામખંડી ઉત્તર પૂર્વ કર્ણાટકમાં આવ્યાં છે, જે બી,જે,પી,નો ગઢ ગણાય છે. ૨૦૦૪ પછી પહેલીવાર બી.જે.પી.નો બેલારીમાં પરાજય થયો છે. બી.જે.પી.નો બીજો ગઢ છે ઉત્તર પશ્ચિમ કર્ણાટક જ્યાંથી બી.જે.પી.ના નેતા યેદિયુરપ્પા આવે છે. તેમણે શિમોગાની લોકસભાની બેઠક ખાલી કરતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમણે પોતાના સગા દીકરાને ઉમેદવારી આપી હતી. શિમોગામાં બી.જે.પી.નો અર્થાત્ બી.જે.પી.ના સર્વેસર્વા યેદિયુરપ્પાનો વિજય તો થયો છે, પરંતુ સરસાઈમાં ત્રણ લાખ કરતાં વધુ મતનો ઘટાડો થયો છે. ૨૦૧૪માં યેદિયુરપ્પા ત્રણ લાખ ૬૬ હજાર મતની સરસાઈથી જીત્યા હતા, જે આ વખતે તેમના પુત્રને માત્ર બાવન હજાર મતની સરસાઈ મળી છે. ટૂંકમાં, પાંચ બેઠકોમાંની પેટા ચૂટણીઓ યોજાઈ એમાંથી ચાર બેઠકો પર કૉન્ગ્રેસ-જે.ડી.યુ.નો વિજય થયો છે અને એ પણ ગયા વખતની ચૂંટણી કરતાં વધારે સરસાઈ સાથે અને માત્ર એક બેઠક પર બી.જે.પી.નો વિજય થયો છે પ્રચંડ પ્રમાણમાં ઘટેલી સરસાઈ સાથે.

રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હવે કર્ણાટકની પેટા ચૂંટણીઓનાં પરિણામો પછી મેસેજ બધા માટે છે. વિપક્ષોને સમજાઈ ગયું છે કે જો સમજૂતી કરવામાં આવે તો ગમે એવી નાગાઈનું રાજકારણ કરવામાં આવતું હોય, લોકોની સામે મેદાનમાં બી.જે.પી.ને હરાવી શકાય એમ છે. અમિત શાહને પણ સમજાઈ ગયું છે કે માત્ર નાગાઈ અને ધન દ્વારા ચૂંટણી જીતી શકાય એમ નથી. તેમને એ પણ સમજાઈ ગયું છે કે વિરોધ પક્ષો વચ્ચે સંપૂર્ણ નહીં તો પણ ઠીકઠીક પ્રમાણમાં ચૂંટણી સમજૂતી થવાની છે. તેમણે પટણા જઇને નીતીશકુમાર સાથે સમજૂતી કરી છે જેમાં લોકસભામાં માત્ર બે બેઠકો ધરાવનારા જનતા દળ(યુ)ને અડધોઅડધ બેઠકો આપી છે. એન.ડી.એ.માં બિહારના હજુ બીજા બે પક્ષો છે તેને કોના હિસ્સામાંથી બેઠક આપવામાં આવશે એ પ્રશ્નનો ખુલાસો કરવામાં આવતો નથી. નીતીશકુમાર પણ અમિત શાહની મજબૂરી જાણે છે એટલે આવતા વરસે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. કરતાં જે.ડી.યુ.નો ભાગ મોટો હશે એમાં કોઈ શંકા નથી.

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે પણ આવી જ મનામણાવાળી સમજૂતી થવાની છે. શિવસેનાના નેતાઓએ શસ્ત્રો મ્યાન કરી દીધાં છે એનું આ કારણ છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૪ સુધી સેના-બી.જે.પી. વચ્ચેનો વહેવાર એવો હતો કે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને વધારે બેઠકો ફાળવવામાં આવે અને વિધાનસભામાં શિવસેનાને. ૨૦૧૪માં બી.જે.પી.એ વિધાનસભાની ચૂંટણી વખતે અંચાઈ કરી હતી. શિવસેના આ વખતે લોકસભાની વધારે બેઠકો માગીને અથવા લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવીને અને તેમાં વધારે બેઠકો મેળવીને બદલો લેશે. ૨૦૧૪ની અનુકૂળતા ઝડપથી પ્રતિકૂળતામાં ફેરવાઈ રહી છે અને તેનો વિરોધ પક્ષો લાભ લઈ રહ્યા છે. આ બાજુ બી.જે.પી.માં નીતિન ગડકરીની રાજકીય સક્રિયતા વધી રહી છે એની પણ નોંધ લેવી જોઈએ. અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ અને નિર્મલા સિતારામન સરકારનો બચાવ કરી રહ્યાં છે ત્યારે નીતિન ગડકરી મોકો મળે ત્યારે સરકારને મૂંઝવણમાં મૂકી રહ્યા છે.

રાજકારણ આનું નામ!

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 નવેમ્બર 2018

Loading

...102030...2,9792,9802,9812,982...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved