Opinion Magazine
Number of visits: 10,229,698
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ડૉક્ટર વિનોબા’નું સચોટ નિદાન

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2019

અહીં એક હળવી યાદ અપાવવી જરૂરી છે કે આ શ્રેણીનો ઉદ્દેશ ભારતીય દર્શનશાસ્ત્રોનો કે દાર્શનિક પરંપરાઓનો પરિચય આપવાનો નથી, પરંતુ આપણો પીંડ કેવા કેવા વિચારોથી ઘડાયો છે એ તપાસવાનો છે.

દાર્શનિક ચિંતન કરવાનું આ લખનારનું ગજું પણ નથી, પરંતુ જે કોઈ વાચકોને આમાં ઊંડા ઉતરવામાં રસ હોય તેમને માટે કળશીએક ગ્રંથો આપણી ભાષામાં ઉપલબ્ધ છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, પંડિત સુખલાલજી સંઘવી, નંદશંકર દેવશંકર મહેતા, ગાંધીજી, વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી અને બીજા અનેક લોકોએ આપણી પરંપરાનું અન્વેષણ કર્યું છે. સ્વામી વિવેકાનંદ, ડૉ. રાધાકૃષ્ણન્, પંડિત સાતવળેકર, સ્વામી અખંડાનંદ સરસ્વતી જેવા બીજા અનેક લોકોનું ચિંતન અનુવાદિત થઈને આપણી ભાષામાં ઉપલબ્ધ છે.

ગુજરાતીઓ અનુવાદ કરીને બીજાના વિચાર પોતાના કરવામાં સંકુચિતતા ધરાવતા નથી, એ ગુજરાતી પ્રજાની મોટાઈ છે. ગુજરાતીઓએ જેટલું બહારથી આણીને પોતાનું કર્યું છે એટલું ભારતની કોઈ ભગિની ભાષા બોલનારા લોકોએ નહીં કર્યું હોય એમ હું ખોટો પડવાના ડર વિના કહી શકું એમ છું. સાત્ત્વિકતાની ખોજ કરીને આપણી ભાષામાં તેને લઈ આવવાની તેમ જ અપનાવવાની પ્રવૃત્તિ કમનસીબે હમણાંથી ઝાંખી પડવા લાગી છે. આ પણ યુગપ્રભાવ છે. ‘આપણામાં શું ખૂટે છે કે બીજા પાસે માગવા જઈએ કે બીજાનું અપનાવીએ?’ આપણે શ્રેષ્ઠ જ છીએ, શ્રેષ્ઠ નહીં, શ્રેષ્ઠતમ્‌ છીએ એવી ભાવના દૃઢ થતી જાય છે એટલે આપણે સામે ચાલીને બારી-બારણાં બંધ કરી રહ્યાં છીએ. જે પ્રજા પોતાને સર્વગુણસંપન્ન સંપૂર્ણ માની લે તેનો વિકાસ રૂંધાઈ જાય છે. પતનની શરૂઆત સંપૂર્ણતાને કારણે નથી થતી, સંપૂર્ણ હોવાના ભ્રમના કારણે થાય છે. અને બીજું સંપૂર્ણ કોઈ હોતું પણ નથી.

આગળના હપ્તામાં કહ્યું એમ વેદ પોતે જ અવેદ થવા માગે છે, એટલે કે વેદમાં જે કહ્યું છે એ પોતાનું કરી લો પછી વેદની શી જરૂર છે? સુજ્ઞ વાચક, જ્યારે આપનાર અને પાલનહાર આપવાના કે પાલન કરવાના ઉપકારનો દાવો કરતા નથી ત્યારે મેળવનાર આવો દાવો કરે? પણ આપણો વ્યવહારજગતનો અનુભવ છે કે વારસદારો જ વારસા માટે ઝઘડતા હોય છે, રળનારા ઝઘડતા નથી. રળનારા હંમેશાં નમ્ર હોવાના અને વારસદારો તારું-મારું કરતા રહે છે. ઝઘડનારાઓને ચડાવનારા પણ મળી રહે છે અને તેમાં તેમનો સ્વાર્થ હોય છે. આજકાલ આપણા દેશમાં આવું જ બની રહ્યું છે. શ્રેષ્ઠત્વની ભાવનાથી આપણે ગ્રસ્ત છીએ અને તેને હવા નાખનારા લોકો તેમનો રોટલો શેકે છે.

આજકાલ ભારતના લોકો કાં શ્રેષ્ઠ છે અને કાં રાંક, બાપડા બીજાના દ્વારા સતાવાયેલા છે. એક જ સમયે યોદ્ધા અને પરાજીત! અંગ્રેજીમાં કહીએ તો વૉરિયર અને વિકટીમ! આવું ક્યારે ય બને? બને જો ગર્જવાથી કે રડવાથી હેતુ સરતો હોય તો. પાછા આપણે એ વિચારતા નથી કે હેતુ કોનો સરે છે; આપણો કે આપણી પાસે ગર્જના કરાવનારા કે ડરાવીને રડાવનારાઓનો? વિચારી જુઓ કોનો હેતુ સરે છે? વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે દેશમાં ગર્જનાતંત્ર અને રુદનતંત્ર વિકસાવવામાં આવ્યું છે. અર્ણવ ગોસ્વામીઓની ચેનલો પર આંટો મારી આવો. તેમાં તમને એક જ સમયે ગર્જના અને રુદન એમ બન્ને જોવા મળશે. આમ છતાં આપણા મનમાં સવાલ જાગતો નથી કે આવું તે કાંઈ એક જ સમયે અને એક સાથે થતું હશે?

મહાભારતના યુદ્ધ વખતે વિષાદગ્રસ્ત તો અર્જુન પણ બની ગયો હતો; પરંતુ કલ્પના કરો કે તે રડતો પણ જાય, કૌરવોને ગાળો દેતો પણ જાય અને મારતો પણ જાય તો અર્જુન અર્જુન તરીકે અમર થયો હોત ખરો? આવા માણસને ભગવાન કૃષ્ણે ગીતા સંભળાવીને વખત ગુમાવ્યો હોત ખરો? ભગવાન કૃષ્ણ આવા માણસના સારથિ બન્યા હોત ખરા? આપણે અભિમાન અર્જુન માટે લઈએ અને તેની દૃષ્ટિ સાફ કરી આપનારા ભગવાન કૃષ્ણ માટે લઈએ અને વર્તન એક નાસમજ માયકાંગલા જેવું કરીએ તો જરૂર આપણામાં કાંઈક ખામી છે.

તમે બાળપણમાં આવા એક જ સમયે રડનારા, ગાળો ભાંડનારા અને મોકો મળે તો મારી લેનારા છોકરાઓ સાથે ગલીમાં રમ્યા હશો અને ઝઘડ્યા હશો. એક નજર પોતાના મિત્રો પર કરી જુઓ; આવા બાળપણના માયકાંગલા મિત્રોમાંથી કેટલા જિંદગીમાં સફળ થઈને આગળ આવ્યા છે? તમે તમારા સંતાનને નમાલા અને માયકાંગલા જોવા માગો છો? ખાસ ઊભું કરવામાં આવેલું ગર્જનાતંત્ર અને રુદનતંત્ર વાસ્તવમાં તમને અને તમારા સંતાનને નમાલા અને માયકાંગલા બનાવવા માટેનું છે. કોઈકના લાભ માટે આ તંત્ર વિકસાવવામાં આવ્યું છે જેની તમને જાણ પણ નથી. ભયભીત નમાલાઓ ઝાલેલી આંગળી જલદી છોડતા નથી એ આવું વિસંગત તંત્ર વિકસાવનારાઓ જાણે છે.

ભાષાવાર પ્રાંતરચનાની માગણી ઊઠી ત્યારે લોકો ભાષાભિમાની અને પ્રાંતવાદી બની ગયા હતા. એ પણ યુગપ્રભાવ હતો. એ માગણી સાવ ખોટી હતી એવું નથી, ગાંધીજીએ તેને અનુમોદન આપ્યું હતું; પરંતુ આઝાદી પછી જ્યારે ભાષાવાર પ્રાંતરચનાની માગણી ઊઠી ત્યારે  ધુણાવનારાઓએ તેનો કબજો લઈ લીધો હતો. એ જ; આજે જેમ બની રહ્યું છે એમ ધુણાવનારાઓની પ્રેરણાથી ધુણનારાઓ રડતા જાય, પરપ્રાંતિઓને ગાળો આપતા જાય અને મોકો મળે તો મારતા જાય.

આમ ભાષાવાર પ્રાંતરચનાની માગણી જ્યારે ઊઠી ત્યારે મરાઠીઓ માટે મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રની માગણી સાથે આંદોલન શરૂ થયું હતું. આચાર્ય પ્રહલાદ કેશવ અત્રે નામના મોટા ગજાના મરાઠી સાહિત્યકાર ધુણાવવાનું કામ કરતા હતા. કહો કે તેમાં તેઓ અગ્રેસર હતા જેમ અત્યારે કેટલાક લોકો હિંદુઓને ધુણાવી રહ્યા છે. આચાર્ય અત્રે સમાજવાદી નેતા એસ.એમ. જોશી અને સામ્યવાદી નેતા એસ.એ. ડાંગેને લઈને વિનોબા ભાવે પાસે તેમનું સમર્થન મેળવવા ગયા. વિનોબાએ ઘસીને સમર્થન આપવાની ના પાડી દીધી અને તેની પાછળનાં ચાર કારણો આપ્યાં. એ ચાર કારણો સમજવાં જેવાં છે.

તેમણે પહેલું કારણ આપ્યું કે જો મરાઠી અસ્મિતાને નામે મહારાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવશે તો મરાઠાઓનો તેમ જ મહારાષ્ટ્રની મહાનતાનો મધ્યકાલીન પોકળ ઇતિહાસ ઘૂંટીઘૂંટીને સાચો ઠેરવવામાં આવશે. એક દિવસ એવો આવશે કે સત્ય તરફ આંગળી ચિંધનારાની આંગળી તોડી નાખવામાં આવશે અને અસત્યને સત્ય માની લેવામાં આવશે. તેમણે બીજું કારણ એવું આપ્યું કે પરપ્રાંતીય પરત્વેની દ્વેષયુક્ત હિંસાને શૌર્ય તરીકે ખપાવવામાં આવશે. તેમણે ત્રીજું કારણ એવું આપ્યું કે એ પછી જ્ઞાતિકીય પેટા-અસ્મિતાઓ પ્રબળ બનશે અને તેમણે ચોથું કારણ એવું આપ્યું કે મરાઠી મિથ્યાભિમાન પ્રબળ બનશે. આ ચાર મહારાષ્ટ્રની અત્યારે જ જોવા મળતી બીમારી છે મહારાષ્ટ્ર રાજ્ય બનતા વકરશે.

આ ફરક છે ધુણાવનારાઓમાં અને આવેલો ઓતાર ઉતારનારાઓમાં. આ સંદર્ભમાં આપણે આપણી ચિંતન પરંપરાને ચકાસી રહ્યા છીએ. આપણી ચિંતનપરંપરામાં ધુણાવનારા તત્ત્વો ઝડે છે કે પછી ઓતાર ચડે નહીં એવાં કે ઉતારનારાં તત્ત્વો વધુ છે? આમ હેતુ સમાજશાસ્ત્રીય છે; શુદ્ધ દાર્શનિક વિવેચન કરવાનો હેતુ નથી અને એવું મારું ગજું પણ નથી. કેટલાક વાચક મિત્રોની પ્રતિક્રિયા જોતા તેઓ મારી પાસેથી દાર્શનિક ચિંતનની અપેક્ષા રાખે છે એ જોઇને ખુલાસારૂપે આટલું લખવું પડ્યું છે.

[પ્રગટ :’દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 મે 2019]

Loading

મસૂદ અઝહરનું બ્લેકલિસ્ટીંગઃ સ્વાર્થ, કૂટનીતિ, સત્તા પ્રદર્શન અને વિક્ટરી ટ્રોફી, વગેરે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 May 2019

ભૂતકાળમાં યુ.એન. દ્વારા હાઇફઝ સઇદ, લશ્કર-એ-તોયબાના અબ્દુર રહેમાન, ઝાકી ઉર રહેમાન લખવી અને દાઉદ ઇબ્રાહિમને પણ આતંકવાદી જાહેર કરાયા છે પણ કંઇ ફેર પડ્યો નથી.

૧૯૯૪ની શરૂઆતમાં ખોટી ઓળખાણ સાથે ભારતમાં ઘુસેલા મસૂદને આતંકી પ્રવૃત્તિઓ બદલ જેલભેગો કરાયો. ૧૯૯૯ની સાલમાં જ્યારે ફ્લાઇટ 814નું અપહરણ કરીને કંધાર, અફઘાનિસ્તાન લઇ જવાઇ, ત્યારે આતંકીઓએ જાપ્તામાં રાખેલા માણસોને છોડવા માટે જે માંગણીઓ મૂકી હતી તેમાંની એક હતી મસૂદ અઝહરની મુક્તિ. ભારત સરકારે ત્યારે આતંકીઓનાં સંકજામાં સપડાયેલાઓનો જાન બચાવવા મસૂદ અઝહર સહિત ત્રણ આતંકીઓને છોડ્યા, ત્યારે આપણાં અખબારોમાં મસૂદ અઝહરનું નામ મથાળામાં ઝળક્યું હતું. આ અઠવાડિયે મસૂદ અઝહર ફરી એકવાર સમાચારોનો મુખ્ય વિષય બન્યો. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરને બુધવારની સાંજે વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો એ સાથે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જે ચર્ચાઓ છેડાવી જોઇએ એ તો છેડાઇ, પણ આપણે ત્યાં ભક્તિનો ઘોંઘાટ બમણો થઇ ગયો. ભારત માટે મસૂદનું યુ.એન. દ્વારા બ્લેક લિસ્ટીંગ બહુ મોટો ‘ડિપ્લોમેટિક વિન’ ગણાય છે. પરંતુ આ આખી ય ઘટના પાછળ એક માત્ર આપણા વડાપ્રધાન કારણભૂત છે, એમ માની લેવું એ તદ્દન ખોટું છે. યુ.એન.નાં આ નિર્ણય પાછળનાં તમામ કારણોને વિસ્તારથી સમજીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવો જરૂરી છે.

જૈશ-એ-મોહંમદનાં કારનામાં

સૌથી પહેલાં તો આ જૈશ-એ-મોહંમદે કરેલા નોંધપાત્ર આતંકી હુમલા પર એક નજર નાખીએ. લશ્કર-એ-તોયબા સાથે મળીને ૨૦૦૧માં આ જૂથે આપણી સંસદ પર હુમલો કર્યો હતો. ડેનિયલ પર્લ નામના અમેરિકી પત્રકારની હત્યામાં પણ આ જૂથનો હાથ હોવાની શક્યતા છે. તેમણે રાજકીય મહત્તા ધરાવનારા ભારતીયનું અપહરણ કરીને ૪૨ આતંકીઓને છોડાવવાની નિષ્ફળ યોજના કરી હતી (કોનું અપહરણ કરવાનું વિચાર્યું હતું એ નથી કહેવું નહીંતર ભક્તોને જલસા પડશે.). ૨૦૦૩માં પાકિસ્તાની પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ અઝહરનાં નેતૃત્વ હેઠળ કરાયો હતો. ૨૦૦૮માં મુંબઇમાં થયેલા બોમ્બબ્લાસ્ટ માટે પણ આ જૂથ જવાબદાર હોવાનો દાવો ભારત સરકારે કર્યો હતો. ૨૦૦૯માં ન્યુ યૉર્કનાં સિનેગૉગમાં તથા મિલિટરી એરક્રાફ્રટ પર મિસાઇલ્સથી હુમલો કરવા માગતા ચાર જણ જ્યારે ઝડપાયા, ત્યારે તેમાંના એકે પોતે જૈશ-એ-મોહંમદમાં જોડાવા માગે છે તેવું કબુલ્યું હતું. ૨૦૧૬નાં પઠાણકોટમાં થયેલા આતંકી હુમલામાં આ જ સંગઠનનો હાથ હતો તો સપ્ટેમ્બર ૨૦૧૬માં ઊરી આર્મી કેમ્પ પર થયેલો હુમલો પણ આ જૂથે કર્યો હતો. કાશ્મીરમાં પુલવામા સી.આર.પી.એફ.નાં ચાળીસ જવાનોનો જીવ લેનાર હુમલો પણ આ જ સંગઠને કર્યો હતો.

ચીનની ‘ના’ કેમ હતી?

આવા આતંકી હુમલાઓનાં માસ્ટરમાઇન્ડ તરીકે કુખ્યાત મસૂદને વૈશ્વિક આતંકવાદીનું લેબલ મળે તેમાં પાકિસ્તાનને બહુ મોટું નુકસાન હતું. પાકિસ્તાનમાં ‘વૈશ્વિક આતંકવાદી’ કહેવાયો હોય એ માણસ છૂટથી ફરે તો તેમની રહીસહ્યી વૈશ્વિક ‘છાપ’ પણ ખરડાઇ જાય. એમાં ય પાછું બેઇજિંગ અને પાકિસ્તાન વચ્ચે આર્થિક વ્યૂહાત્મક સંબંધો ગાઢ છે. ચીન દ્વારા પાકિસ્તાનમાં કરોડો ડૉલર્સનું રોકાણ થઇ રહ્યું છે, કારણ કે ચીન ‘ઇકોનોમિક કૉરીડોર’ બનાવવા માગે છે. પાકિસ્તાનની છાપ કથળે એ સાથે ચીનની છાપ પણ ધૂળ ભેગી થાય કારણ કે એનાથી સિદ્ધ થાય કે તેઓ એવા રાષ્ટ્ર સાથે ‘દોસ્તી’ રાખે છે જ્યાં આંતકવાદીઓને આશરો મળે છે. ચીન માટે ભારત બહુ મોટો સ્પર્ધક છે અને મસૂદના મામલે કાંકરીચાળો ચાલુ રહે તો ભારત એ ભાંજગડમાં વ્યસ્ત રહે અને ચીનને તગડી સ્પર્ધા આપવા સિવાયનાં કામોમાં પરોવાયેલો રહે. આ કારણોસર મસૂદને ‘વૈશ્વિક આતંકવાદી’નું લેબલ મળે એ માટે ચાલતા ભારતના દસ વર્ષથી પ્રયાસ ચાલુ હોવા છતાં પણ ચીન મચક નહોતું આપતું. આ ઉપરાંત ભારત અને અમેરિકાનાં સંબંધો મજબૂત બને એ પણ ચીન માટે મોટો પડકાર બની શકે છે. ૨૦૦૮માં થયેલી ન્યુક ડિલ પુરાવો છે કે ચીનનાં જડબાતોડ જવાબ તરીકે અમેરિકા ભારતને તૈયાર કરવા માટે તત્પર છે. ભારત મજબૂત ન થાય એ માટે ચીનના બધા પ્રયત્નો ચાલુ હતા. આટલું ઓછું હોય એમ દલાઇ લામા અને તિબેટને ભારતનો ટેકો ચીનને જરા ય માફક નથી આવતો. ભારતને ગમતું ન કરવું એ ચીને નક્કી કર્યું હતું.

સિક્યોરિટી કાઉન્સિલે ચીનનું નાક દબાવ્યું

આ આખી ઘટનામાં ચીન, પાકિસ્તાન, ભારતની સ્થિતિ સમજી લીધા પછી યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલનો રોલ સમજવો જરૂરી છે. યુ.એન.ની સિક્યુરિટી કાઉન્સિલ ૧૫ સભ્યોની એક એવી સમિતિ છે જેનું કામ છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતિ જાળવવાનું. ચીન સહિત અન્ય સભ્યો જે તે પ્રસ્તાવને વોટ આપે તે આધારે સમિતિ પોતાનાં નિર્ણય જાહેર કરે. વળી ચીન પાસે સિક્યુરિટી કાઉન્સિલનો વીટો પાવર પણ છે. ભારત આ સમિતિનો હિસ્સો નથી પણ એક રાષ્ટ્ર તરીકે તે પોતાની વાત રજૂ કરી જ શકે.  યુ.કે., યુ.એસ. અને ફ્રાંસ એ સિક્યુરિટી કાઉન્સિલનાં P3 એટલે કે ગ્રુપ ઑફ થ્રી પરમિનેન્ટ મેમ્બર્સ છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેની ભારતની રજૂઆતને યુ.એસ.એ., યુ.કે. અને ફ્રાંસનો ટેકો મળ્યો અને અંતે ચીનને નમતું જોખવું પડ્યું. ખાસ કરીને પુલવામાનાં હુમલા પછી જ્યારે મોદી સરકારે યુ.એન. સમક્ષ પ્રસ્તાવ મૂક્યો પછી બાકીનાં ત્રણ રાષ્ટ્રોએ પણ એ માંગ સ્વીકારવા માટે ચીનને દબાણ કર્યું. માત્ર દબાણ જ નહીં પણ એમ કહ્યું કે સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચીનનાં ‘નન્ના’ને ‘પબ્લિક વૉટિંગ’ દ્વારા દુનિયા સમક્ષ મૂકી દેવામાં આવશે. જો કે ચીનને ઇચ્છા હતી કે આ મુદ્દો ૧૨૬૭ કમિટીમાં ચર્ચાવો જોઇએ કારણ કે તેની પ્રક્રિયાઓ જાહેર નથી કરાતી. બાકીનાં ત્રણ રાષ્ટ્રોએ ચીનને દબાણ કર્યું એ પાછળ ભારત પ્રેમ નહીં પરંતુ આર્થિક કારણો જવાબદાર છે.

બ્લેકલિસ્ટીંગથી કોનું, શું થશે?

બ્લેકલિસ્ટ થવાથી મસૂદ હવે આતંકી હુમલા નહીં કરે એવું માનવાની કોઇ જરૂર નથી. તેના જૂથને કે તેને વ્યક્તિગત રીતે ટેકો આપતા તમામ આર્થિક એસેટ્સ ફ્રિઝ કરાશે, તે મુસાફરી નહીં કરી શકે અને તેને મળતા અને વેચાતા હથિયારો પર બંધી મુકાશે. પાકિસ્તાન માટે આ બહુ મોટો ફટકો છે કારણ કે ઇમરાન ખાને પુલવામા હુમલામાં જૈઇશનો રોલ હોવા અંગે પુરાવા માગ્યા હતા અને હવે તે કંઇ બોલી શકે તેમ નથી. ભા.જ.પા.ને ચૂંટણીનાં ખેલની વચ્ચોવચ આ ‘લાભ’ મળ્યો છે જેનો ઉપયોગ કરીને મતદારો સમક્ષ તેઓ પોતાનું ‘શક્તિ પ્રદર્શન’ કરવાની એકેય તક જતી નહીં કરે.

આતંકવાદી જૂથનું શું થશે એમ વાત કરીએ તો, હાફિઝ સઇદ અને તેનાં સંગઠને આવા લિસ્ટીંગ પછી પાકિસ્તાનમાં પોતાનાં રજિસ્ટર્ડ નામો બદલી નાખવામાં જરા ય વાર નહોતી કરી. વળી ભૂતકાળમાં યુ.એન. દ્વારા લશ્કર-એ-તોયબાનાં અબ્દુર રહેમાન, ઝાકી ઉર રહેમાન લખવી અને દાઉદ ઇબ્રાહિમને પણ આતંકવાદી જાહેર કરાયા છે, પણ કંઇ ફેર પડ્યો નથી. પાકિસ્તાન ખરેખર આતંકીઓની વિરુદ્ધમાં કંઇ પગલાં લે એવું જરૂરી નથી. જે આટલાં વર્ષોમાં નથી થયું એ હવે થાય એવું માનવામાં કોઇ સાર નથી. પાકિસ્તાન માટે મસૂદ એક સ્રોત છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા આવતા મહિનાની મિટીંગમાં ઇસ્લામાબાદનું બ્લેકલિસ્ટીંગ થઇ જાય એના ડરમાં પાકિસ્તાને બાલાકોટ પછી માંડ એક વાર આતંકીજૂથ સામે ‘કહેવા પૂરતાં’ પગલાં લીધા છે અને આ જ કારણે મસૂદનાં બ્લેકલિસ્ટીંગ સામે પણ તે વાંધો નહીં ઊઠાવે. જો કે એવું કહેવાય છે કે પાકિસ્તાન કદાચ મસૂદને અટકમાં લે પણ જેમ હાફિઝ સઇદની ધરપકડ ‘લિપ સર્વિસ’થી વધારે કંઇ નહોતી તેવું જ આ કિસ્સામાં પણ થઇ શકે છે.

મુત્સદ્દીગીરીનો ખેલ

થોડા સમય પહેલાં ઇમરાન ખાને ચીનની મુલાકાત લીધી હતી, સ્વાભાવિક છે કે ત્યારે બન્ને રાષ્ટ્રના વડા વચ્ચે ‘મસૂદનું શું કરવું છે?’ પ્રકારની ચર્ચા થઇ હશે. મસૂદનાં સંગઠન જૈશ-એ-મોહંમદને ૨૦૧૧માં જ યુ.એન. દ્વારા આતંકી સંગઠન જાહેર કરી દેવાયું હતું માત્ર તેના લિડરનું નામ બ્લેક લિસ્ટ કરવાનું બાકી હતું. પાકિસ્તાન સરકારના દાવા અનુસાર મસૂદ બહુ જ બિમાર છે. બિમાર આતંકીનો હવે પાકિસ્તાનને કોઇ ઉપયોગ નથી. વળી ચીનનું માર્કેટ ભારતમાં બહુ મોટું છે જે ગુમાવવામાં ચીનને રસ ન હોય. ભારતને યુ.કે., યુ.એસ. અને ફ્રાંસનો ટેકો મળ્યો તેની પાછળનાં કારણોમાં પણ સ્વાર્થ છે. યુ.એસ.એ. દ્વારા ચીન અને ભારતને કહેવાયું હતું કે તેઓ ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ ન ખરીદે. ચીને તો અમેરિકાની વાત ન સાંભળી પણ ભારતે નુકસાન વેઠીને પણ ઇરાન પાસેથી આ ખરીદી બંધ કરી દીધી કારણ કે ભારતને મસૂદને મામલે અમેરિકાની મદદ જોઇતી હતી. વળી ફ્રાંસ અને યુ.કે. બન્ને પાસેથી ભારત મોટી સંખ્યામાં શસ્ત્રો ખરીદે છે. ભારતને ટેકો ન આપે તો એ ‘ઘરાકી’માં વાંધા પડે એમ હતું. પાકિસ્તાનને ગળે છછુંદર અટક્યો છે કારણ કે એ ચીનના આ નિર્ણય અંગે કોઇ પણ પ્રકારનો વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે ચીનની રહેમ નજર વિના પાકિસ્તાનનું કશું ય ભલું નથી થવાનું. આમે ય, અત્યાર સુધી યુ.એન.માં પાકિસ્તાનને ચીન સિવાય કોઇનો ય ટેકો નથી મળ્યો. આઇ.એસ.આઇ.એસ.ની ચિંતા વધી એ ચોક્કસ. ચીનનાં આ પગલાં પાછળનો બીજો સ્વાર્થ છે દિલ્હી સરકાર સાથે સંબંધ સુધારવા! યુ.એસ.એ.ની આંખમાં કણાની જેમ ખૂંચતા ચીન અને રશિયા સાથે ભારતનાં સંબધ સુધરે તો ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી તરફ ન વળતા યુરેશિયાને વધુ મહત્ત્વ આપે. ચીનના આ હકારની કિંમત ભારતે કોઇને કોઇ રીતે ચુકવવી જ પડશે. રાજકારણમાં પણ ‘નો લંચ ઇઝ ફ્રી લંચ’નો નિયમ લાગુ પડે જ છે. આ એક નિર્ણયની કોણ કેટલી કિંમત ચુકવશે એ તો વખત આવ્યે જ ખબર પડશે.

બાય ધી વેઃ

જે દિવસે મસૂદ અઝહરનાં બ્લેક લિસ્ટ થવાના સમાચાર આવ્યા ત્યારે જયપુરનાં ભાષણમાં સાહેબે ‘ટીમ’ને મહત્ત્વ આપતા નેતાની માફક આ ‘ડિપ્લોમેટિક વિન’ને ૧૩૦ કરોડ લોકોની સફળતામાં ગણાવી. પરંતુ ભક્તોનો ઘોંઘાટ જે રીતે વધ્યો એ જોતાં તે એવું લાગતું થતું હતું કે સાહેબે જાતે યુ.એન.માં જઇને મસૂદને ધરી દીધો હોય. આ આખી વાત પાછળ કોઇ એક વ્યક્તિ કે એક રાષ્ટ્રની વાત નથી. મોદીની વાક્ છટા અંગે કોઇ બે-મત નથી એટલે મસૂદનો મામલો ચૂંટણીનાં બાકીનાં ફેઝીસમાં કેટલો વપરાશે એ જોવું રહ્યું. જે લોકોને રાજકારણનાં પેચીદા ઊંડા ખેલનો ખ્યાલ નથી, એ બધો જ જશ એક માણસના પ્રયત્નને આપવા તત્પર જ હોય. બાકી સૈનિકોને નામે વોટની માંગણી આમ પણ થઇ ચૂકી છે. જો કે બ્લેકલિસ્ટીંગ અંગે જાહેર થયેલા સ્ટેટમેન્ટમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ સુદ્ધાં નથી કારણ કે આ નિર્ણય તાજેતરમાં થયેલા આતંકી હુમલાને પગલે નહીં પણ અગાઉનાં કારનામાંનાં પુરાવાને આધારે લેવાયો છે. કોઇ એક રાષ્ટ્ર માટે આવા નિર્ણયો ન લેવાય. જો કે એમ પણ કહેવાય છે કે મસૂદનાં બ્લેકલિસ્ટીંગ માટે ભારતે આટલું ‘સમાધાન’ કરવું પડ્યું હતું. સાહેબ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘સમાધાન’ ભલે કરે પણ એનાથી રાષ્ટ્રીય સ્તરે તેમને ‘ધનાધન’ પ્રચાર-પ્રચાર રમતા કોઇ નહીં રોકી શકે. પણ માળું એક પ્રશ્ન થવાનો, ‘એક આતંકી મુસલમાને જીતાડી દીધા, એમ?’

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 05 મે 2019

Loading

હિમમાનવ ‘યેતિ’નું તૂત, વિજ્ઞાનની તાસીર

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|5 May 2019

ગયા સપ્તાહે ભારતીય સૈન્યે ટ્વિટર થકી જાહેર કર્યું કે તેની ‘એક પર્વતારોહક સૈન્ય ટુકડીને રહસ્યમય પ્રાણી યેતિનાં રહસ્યમય પદચિહ્નો (ફૂટપ્રિન્ટ્સ) મળ્યાં છે. ૩૨ ઈંચ લાંબા અને ૧૫ ઈંચ પહોળા આ પગનાં નિશાન મકાલુ બેઝ કેમ્પ પાસેનાં છે. અગાઉ પણ આ ભેદી હિમમાનવ મકાલુ-બરુન નેશનલ પાર્ક નજીક જ દેખાયો હતો.’ સૈન્યે ભારપૂર્વક કહ્યું કે આ બાબતને તેની પાસે તસવીરી અને વીડિયો પુરાવા છે, જે તે નિષ્ણાતોને આપશે.

વિજ્ઞાનમાં, અને ખરેખર તો સૈન્યમાં પણ, નકરા હોંશીલા દાવાથી નથી ચાલતું. સૈન્ય તરફ્થી ફ્ક્ત પગલાંની તસવીર મૂકીને તે કહેવાતા હિમમાનવની હોવા વિશે અટકળ કરાઈ હોત, તો તે કંઇક વાજબી ગણાત. એને બદલે સીધેસીધું જાહેર જ કરી દેવાયું કે આ પદચિહ્નો યેતિનાં છે. એટલું જ નહીં, તેના પણ પુરાવા છે.

રહસ્યમય અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓમાં હિમમાનવ મોસ્ટ વોન્ટેડ છે. પ્રચલિત માન્યતા પ્રમાણે યેતિ અર્ધમાનવ-અર્ધવાનર છે. વિશ્વભરના વિજ્ઞાનવાળા ને બીજા લોકોને તેની તલાશ છે અને તેના હોવા વિશે ગળા સુધીની શંકા છે. એવા સંજોગોમાં યેતિ ઉર્ફે હિમમાનવના અસ્તિત્વની છડી પોકારીને સૈન્યપ્રવક્તાએ જશ ખાટી લેવાની નેતાસહજ ઉતાવળનો પરચો આપ્યો છે. આખી વાતને હળવાશને બદલે કંઈક ગૌરવની છાંટ સાથે રજૂ કરવામાં નથી ઔચિત્ય કે નથી વિજ્ઞાન. એવો દાવો હાસ્યાસ્પદ ન બને તો જ નવાઈ.

યેતિ અને એ પ્રકારનાં બીજાં રહસ્યમય પ્રાણીઓનું અસ્તિત્વ અટકળો ને દાવાઓથી આગળ, હજુ સુધી કદી પુરવાર થયું નથી. માટે, તેમને પ્રાણીશાસ્ત્ર(ઝૂલોજી)માં સ્થાન મળતું નથી. ગઈ સદીમાં તેના માટે ચલણી બનેલો શબ્દ છેઃ cryptid (રહસ્યમય કે સંદેહાસ્પદ પ્રાણીઓ) પરથી cryptozoolgy. તેમાં બર્ફીલા પહાડી વિસ્તારોમાં વસતા મનાતા હિમમાનવોથી માંડીને રાક્ષસી કદનાં જળચરોનો સમાવેશ થઈ શકે. ઊડતી રકાબીની જેમ આવા જીવોનો પણ હજુ સુધી નિર્ણાયક કહેવાય એવો આમનોસામનો થયો નથી. કોઈ તેનાં પગલાં જોયાં, તો કોઈએ વાળ ને દાંત ને એવી ચીજો ભેગી કરી. આવી કથાઓમાંથી વાર્તારસ આવે એ જુદી વાત છે, પણ વાત ગંભીર, વિજ્ઞાનલક્ષી ચર્ચાની આવે ત્યારે માપદંડ અને ધારાધોરણ બદલાઈ જાય છે.

વિજ્ઞાનીઓ-સંશોધકો સાબિતી અને પુરાવા માગે છે, શોધે છે અને મળે નહીં ત્યાં સુધી આવા વરઘોડામાં જોડાઈ જતા નથી. (કેટલાક ઉત્સાહીઓ દરેક ક્ષેત્રમાં હોય છે, તે અપવાદ) યેતિ સંશોધકો માટે પણ પ્રિય વિષય રહ્યો છે. તેને શોધવા માટેની સાહસયાત્રાઓ થઈ છે, પ્રતિષ્ઠિત વિજ્ઞાનસામયિકોમાં તેના વિશે લેખ લખાયા છે, તેના વિશે મળેલા કહેવાતા પુરાવાની ચર્ચા અને તાવણી થઈ છે, તેના કહેવાતા અવશેષોની ચકાસણી માટે જિનેટિક્સની આધુનિક ટેક્નોલોજી ખપમાં લેવાઈ છે. પણ યેતિનું અસ્તિત્વ પુરવાર કરવાના મામલે, અત્યાર લગીની બધી કવાયતનું પરિણામ શૂન્ય આવ્યું છે.

તેમ છતાં હિમમાનવની કલ્પનાનો રોમાંચ ઓછો થયો નથી. બરફ્માં એક તોતિંગ પગલું અને તેનું કદ દર્શાવવા માટે તેની બાજુમાં મુકાયેલી પર્વતારોહણમાં વપરાતી કુહાડી–આવી એક તસવીર ૧૯૫૧માં લેવાઈ હતી, જે હજુ સુધી યેતિની કથા સાથે સંકળાયેલી સૌથી જાણીતી તસવીર છે. અગોચર સૃષ્ટિ વિશેનાં પુસ્તકોથી માંડીને, યેતિને નકાર્યા કે સ્વીકાર્યા વિના કેવળ માહિતી એકઠી કરતાં પુસ્તકો-લેખોમાં યેતિના ત્રણ મુખ્ય પ્રકારો પણ પાડવામાં આવ્યા છે. તેમાં એક વામન, એક મધ્યમ કદનો અને એક વિરાટ હોવાનું કહેવાય છે. વિરાટ યેતિ હિમાલયમાં નેપાળ અને ચીનની આસપાસના વિસ્તારોમાં વસતો હોવાની માન્યતા છે. એવી જ રીતે બીજા બર્ફીલા પહાડોમાં તેની વિવિધ આવૃત્તિઓ વસતી હોવાની અટકળ છે. પ્રદેશ પ્રમાણે તે સ્નોમેન, બિગ ફૂટ જેવાં વિવિધ નામે ઓળખાય છે.

ટિનટિનની કથાઓથી માંડીને નેપાળની લોકસંસ્કૃતિમાં યેતિ લોકપ્રિય છે. નેપાળમાં તો ‘યેતિની ખોપરી’નું ઘણું મહત્ત્વ છે. કેટલીક વિધિઓમાં અમુક પ્રાણીની ખોપરીને ‘યેતિની ખોપરી’ ગણીને તેનો ઉપયોગ થાય છે. કેટલાક પરદેશી સંશોધકો આ વાત સમજ્યા વિના, ખોપરીને લઈ જઈને તેનાં પરીક્ષણ કરાવે અને તે કોઈ પ્રાણીની નીકળે, એટલે ‘વૈજ્ઞાનિક આધાર સાથે’ યેતિની માન્યતા નકારે છે. નેપાળમાં યેતિ દંતકથા અને પરંપરાનો મામલો છે. તેનાથી યેતિની કથાનું મહત્ત્વ પુરવાર થાય છે, તેનું અસ્તિત્વ નહીં. તેમ છતાં એવરેસ્ટખ્યાત એડમંડ હિલેરીથી માંડીને બીજા ઘણા સાહસિકો યેતિની શોધમાં હિમાલયના પ્રવાસ ખેડી ચૂક્યા છે. ૧૯૬૦માં ખેડેલી આવી એક સાહસયાત્રામાં હિલેરીને એક બૌદ્ધ મઠમાંથી યેતિની ખોપરી મળી આવી હતી. તેની વૈજ્ઞાનિક તપાસ માટે ખાસ પરવાનગી મેળવીને હિલેરી તેને સાથે લઈ ગયા. પણ તે હિમાલયમાં વસતા એક પ્રકારના હરણની નીકળી.

યેતિની અત્યાર લગીની તપાસનું પરિણામ એ દંતકથાને પુરવાર કરવામાં ભલે શૂન્ય રહ્યું હોય, પણ પદ્ધતિસર થતી વૈજ્ઞાનિક તપાસ સાવ વ્યર્થ કદી જતી નથી. ‘સાયન્ટિફ્કિ અમેરિકન’ માસિકના અહેવાલ પ્રમાણે, દસ્તાવેજી ફ્લ્મિો બનાવતી એક કંપનીએ વર્ષ ૨૦૧૩માં ન્યૂયોર્કની યુનિવર્સિટી ઓફ બફેલોનાં જનીનશાસ્ત્રી શાર્લોટ લિન્ડક્વિસ્ટનો સંપર્ક કર્યો. યેતિની શોધમાં ગયેલી કંપની પાસે બરફ્માંથી મળેલા અને યેતિના હોઈ શકતા એવા કેટલાક નમૂના હતા. (વાળ, દાંત વગેરે). લિન્ડક્વિસ્ટે આધુનિક પદ્ધતિથી તેની તપાસ કરતાં માલુમ પડયું કે એ હિમાલયમાં થતાં વિવિધ પ્રકારનાં રીંછના અવશેષ હતા. તેમાંથી એકાદ પ્રકારનું રીંછ તો હવે લુપ્ત થવાના આરે હતું. પણ એકેયનું અસ્તિત્વ રહસ્યમય ન હતું. તેમના વિશે વિજ્ઞાનીઓ બધું જાણતા હતા.

યેતિના અસ્તિત્વ પર એ નમૂના પૂરતી ચોકડી મુકાઈ, પણ નમૂનાની ડી.એન.એ. તપાસ પરથી લિન્ડક્વિસ્ટને બીજી કેટલીક ઉપયોગી માહિતી મળી. સામાન્ય રીતે કોષના કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોમાંથી ડી.એન.એ.ની તપાસ થતી હોય છે. પણ લિન્ડક્વિસ્ટે કોષના પાવરહાઉસ જેવા કણાભસૂત્ર(માઇટોકોન્ડ્રિયા)માં રહેલા ડી.એન.એ.ની પણ તપાસ કરી. પ્રાણીની વિવિધ જાતિઓને એકબીજાથી જુદી તારવવામાં આ પ્રકારનાં ડી.એન.એ. ઉપયોગી હોય છે. બંને પ્રકારનાં ડી.એન.એ.ની તપાસ પરથી તેમણે તારવ્યું કે લગભગ સાડા છ લાખ વર્ષ પહેલાં હિમનદીઓની હલચલના પ્રતાપે એક જ પ્રકારનાં રીંછ બે ભાગમાં અને પછી બે પ્રકારમાં વહેંચાયાં. તેમાંથી ઉત્ક્રાંતિના પ્રતાપે જતે દિવસે હિમાલયન બ્રાઉન બેર અને તિબેટિયન બ્રાઉન બેર એમ બે જાત અસ્તિત્વમાં આવી. અગાઉ ૨૦૧૩માં આવી જ રીતે યેતિના નામે ગપગોળા ચગ્યા હતા, ત્યારે તેના ડી.એન.એ.નો અભ્યાસ કરતાં, પ્રાચીન કાળમાં ધ્રુવપ્રદેશમાં વસતા એક પ્રાણીનો પત્તો મળ્યો હતો.

તુક્કાને તીર તરીકે રજૂ કરતા ‘તીરંદાજો’ને બદલે તુક્કામાંથી તીર નીપજાવતા વિજ્ઞાનને અને વૈજ્ઞાનિક અભિગમને સલામ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય :  ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 મે 2019

Loading

...102030...2,9732,9742,9752,976...2,9802,9903,000...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved