Opinion Magazine
Number of visits: 9579133
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સઈદ અખ્તર મિર્ઝાને ગુસ્સો કેમ આવે છે?

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|18 October 2018

ગત રવિવારે એટલે કે તારીખ 10 ઓક્ટોબર, 2018ના રોજ શહેરની જાણીતી ‘દર્પણ એકેડમી’ ખાતે ડી ટોક (દર્પણ ટોક) હેઠળ દેશના જાણીતા લેખક અને ફિલ્મ દિગ્દર્શક સઈદ અખ્તર મિર્ઝા સાથેની ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચા હેઠળ મલ્લિકાબહેન સારાભાઈની સાથે સઈદ અખ્તર મિર્ઝાએ દેશના વિવિધ પ્રશ્નોથી લઈને તેમના હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક Memory in the Age of Amnesia: A personal history of our Timesની ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પ્રેક્ષકોની વચ્ચે દર્પણ એકેડમીમાં ફોરમ થિયેટર(ફોરમ થિયેટર કે જેમાં નાટ્ય કલાકારો પ્રેક્ષકોની વચ્ચે જઈને નાટકના જે-તે વિષયને પરફોર્મ કરે છે)નું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તે ફોરમ થિયેટરના ભાગરૂપે તેના કલાકારોએ પ્રેક્ષકોની વચ્ચે જઈને દેશની ગરીબી, સ્ત્રીઓ સાથે થતા અન્યાય, વધી રહેલી ગુંડાગીરી, મજૂરોના વેતન અને બેરોજગારીના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ સાથે જ સઈદ અખ્તર મિર્ઝાનો પ્રવેશ થતા જ સૌ પ્રથમ તેમની વર્ષ 1978માં આવેલી ફિલ્મ 'અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન'ના કેટલાક અંશો પડદા પર દેખાડવામાં આવ્યા હતા અને સઈદ મિર્ઝા સાહબની ફિલ્મ નસીમનો કૈફી આઝમીનો જાણીતો સંવાદ પણ રજૂ કરાયો હતો. આ પ્રોગ્રામની શરૂઆત સઈદ અખ્તર મિર્ઝાએ વિશ્વના જાણીતા સાહિત્યકાર મિલાન કુંદેરાનો જાણીતો ક્વોટ કોઈ પણ માણસનો પાવર સામેનો સંઘર્ષ એ ભૂલવાની સામે યાદશક્તિના સંઘર્ષ જેવો છે ટાંકીને કરી હતી. આ ચર્ચામાં સઈદ અખ્તર મિર્ઝાએ જો કોઈ વ્યક્તિ લેખક બનવા માંગતુ હોય તો તેને સલાહ આપવાના ભાગરૂપે કહ્યું હતું કે લેખક બનવા માટે પ્રથમ તો વાંચો અને પછી જે કંઈ પણ મનમાં આવે તે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વિના લખી નાખો, જેટલું વધુ લખશો તેટલા વધુ સારા લેખક બનશો.

સઈદ અખ્તર મિર્ઝા દેશના જાણીતા લેખક અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક છે. દેશમાં જ્યારે સિનેમાનાં માધ્યમમાં સમાંતર એટલે કે ન્યૂ વેવ સિનેમાનો વાયરો ફૂંકાયો હતો ત્યારે તેમણે ઘણી અર્થપૂર્ણ ફિલ્મ્સની રચના કરી હતી. તેઓ સલીમ લંગડે પે મત રો, અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન, મોહન જોષી હાઝિર હો, આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા કયોં આતા હે અને નસીમ જેવી સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડતી ફિલ્મ્સ અને દૂરદર્શન પર આવતી ક્લાસિક ટેલિવિઝન સિરિયલ નુક્કડ બનાવી ચૂક્યા છે. આ સિવાય સઈદ અખ્તર મિર્ઝા નોવેલ, નિબંધો અને પોતાના ઇતિહાસની વાત રજૂ કરતાં પુસ્તકો પણ લખી ચૂક્યા છે.

હવે સઈદ મિર્ઝાએ ફિલ્મ્સ બનાવવાનું છોડી દીધુ છે અને તેમના પ્રખર સુધારણાવાદી અને વિક્ષેપકારક વિચારોને પુસ્તકનાં માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. સઈદ અખ્તર મિર્ઝાનો જન્મ તારીખ 30 જૂન 1943ના રોજ મુંબઈમાં થયો અને તેઓ બોલિવૂડના જાણીતા ફિલ્મ લેખક અખ્તર મિર્ઝાના પુત્ર છે. સઈદ મિર્ઝાએ તેમની કારકિર્દીની શરૂઆતના થોડાં વર્ષો એડવર્ટાઈઝિંગના ક્ષેત્રે કાર્ય કર્યું અને ત્યાર બાદ ફિલ્મમેકર બનવા માટે દેશની જાણીતી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂના તરફ પ્રયાણ કર્યું. તેઓ વર્ષ 2011થી 2014 દરમિયાન આ ઇન્સ્ટિટ્યૂટના ચેયરમેન પણ રહી ચૂક્યા છે. વર્ષ 1976માં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે પ્રથમ તો કેટલીક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ તૈયાર કરી અને ત્યારબાદ પોતાની પહેલી ફિચર ફિલ્મ અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન બનાવી.

એક ઇન્ટરવ્યૂમાં સઈદ મિર્ઝા બોલિવૂડના પ્રચલિત અને વ્યવસાયિક સિનેમાથી અલગ પોતાના સિનેમા વિશે વાત કરતાં જણાવે છે કે હું કોઈ અસાધારણ જ્ઞાન ધરાવતી વ્યક્તિ નથી, મારી ફિલ્મો મારી આસપાસનાં વાતાવરણનું પ્રતિબિંબ છે. આપણે એક એવી રાજકીય અને અર્થવ્યવસ્થાનો સ્વીકાર કરી લીધો છે કે જે આપણને કોઈ પણ વસ્તુની ખાતરી નથી આપતી, મેં થોડાં વર્ષો પહેલાં દૂરદર્શન માટે નુક્કડ નામની સિલિયલ બનાવી હતી કે જેમાં દેશના મોટા શહેરોમાં રહેતા કંટાળી ગયેલા અને હતાશ યુવાનોની વ્યથા રજૂ કરી હતી, ત્યારે આટલાં વર્ષો બાદ પણ હું જોઉં છું કે યુવાનોની સ્થિતિ હજુ ત્યાંની ત્યાં જ છે. પરંતુ, હવે અત્યારની ફિલ્મ્સમાં ભાગ્યે જ ગંભીર વિષયોના મુદ્દે ચર્ચા થતી જોવા મળે છે, વૈશ્વિકીકરણે વ્યક્તિને વધારે પડતો સ્વાર્થી બનાવી દીધો છે.

સઈદ મિર્ઝાની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નસીમમાં જાણીતા કવિ અને ગીતકાર કૈફી આઝમીએ અભિનય કર્યો હતો, આ વિશે વાત કરતાં મિર્ઝા સાહબ જણાવે છે કે કૈફી આઝમી મારા મિત્ર હતા અને તે સમયે હું મારી ફિલ્મ નસીમમાં માંદગીમાં સરી પડેલા એક દાદાજીના પાત્ર માટે અભિનેતા શોધી રહ્યો હતો અને એક દિવસ મેં કૈફી આઝમીને પૂછ્યું કે શું તેઓ મારી આગામી ફિલ્મ નસીમમાં દાદાજીનું પાત્ર ભજવશે? અને તેમણે કહ્યું કે તેઓ ચોક્કસ આ પાત્રને ન્યાય આપશે.

આ સિવાય પણ સઈદ મિર્ઝાની દેશની ન્યાય વ્યવસ્થા પર કટાક્ષ કરતી મોહન જોષી હાઝિર હો ફિલ્મમાં જાણીતા સાહિત્યકાર ભીષ્મ સહાની એક્ટિંગ કરી ચૂક્યા છે. મિર્ઝા સાહબની અન્ય બે ફિલ્મ 'સલિમ લંગડે પે મત રો' અને 'આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હે'માં દેશની હાંસિયામાં ધકેલવામાં આવેલ લઘુમતિ કોમના પ્રશ્નોની વાત છે. આ વિષયોની પસંદગીને લઈને મિર્ઝા સાહબ કહે છે કે હું જ્યારે યુવાન હતો ત્યારે મુંબઈની ગલીઓમાં ખૂબ જ રખડતો હતો અને બસ કંડક્ટર, ઈરાની હોટેલના વેઈટર્સ વગેરે સામાન્ય લોકો સાથે ખૂબ જ વાતો કરતો હતો, અને મારી ફિલ્મના પાત્રો પણ મુંબઈના સામાન્ય લોકો પૈકીના જ એક છે. હું આજે પણ દેશના વિવિધ સ્થળોએ ફરવા માટે જાઉ છું અને જે-તે વિસ્તારના સ્થાનિક લોકોની સાથે તેમના પોતાના અને દેશના વિવિધ મુદ્દે ચર્ચાઓ અને તેનું નિરીક્ષણ કરું છું.

સઈદ અખ્તર મિર્ઝા તેમની ફિલ્મ્સના લાંબા અને જુદા જ પ્રકારના નામ વિશે કહે છે કે ફિલ્મરસિકોને આ પ્રકારનાં નામ હંમેશાં આકર્ષિત કરે છે અને આ પ્રકારનાં નામ સાથે હું મારી ફિલ્મ્સને લોકશાહી સાથે જોડી શકું છું. કારણ કે જ્યારે તમે મારી ફિલ્મ જોશો ત્યારે તેના નામ થકી તમને ફિલ્મના વિષયની વધુ સ્પષ્ટતા થશે. જેમ કે મારી પ્રથમ ફિલ્મનું નામ અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન છે તો તમે એવું જાણી શકો કે આ ફિલ્મમાં અરવિંદ દેસાઈની આસપાસની જ વાર્તા હશે. કારણ કે પ્રેક્ષકો જ્યારે સિનેમાઘરમાં પ્રવેશે છે ત્યારે તેઓ જાગૃત હોય છે અને હું તેઓને મારી ફિલ્મ વિશે વધુ જાણવા માટેની પસંદગી આપુ છું. એક એવી લોકશાહીઢબની પસંદગી કે જેના થકી તમે મારી સાથે ચર્ચા કરી શકો. હું મારી ફિલ્મ્સને નિબંધની જેમ જોઉં છું કે જેનો તમે સ્વીકાર કરશો અથવા તેને નકારી દેશો.

હવે સઈદ મિર્ઝા તેમના સ્વર્ગસ્થ મિત્ર અને જાણીતા દિગ્દર્શક કુંદન શાહ (જાને ભી દો યારો ફિલ્મથી પ્રખ્યાત) વિશેનું એક પુસ્તક લખવાનું વિચારી રહ્યા છે, કારણ કે તેઓ પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે ભણી ચૂક્યા છે અને સાથે જ નુક્કડ નામની ક્લાસિક સિરિયલ પણ બનાવી ચૂક્યા છે. આ સિવાય તેઓ યે હે ઇન્ડિયા મેરી જાન નામનો એક ટ્રાવેલિંગ શો પણ બનાવી ચૂક્યા છે કે જેમાં દેશના વિવિધ સ્થળોના વિવિધ લોકો સાથેના તેમના અનુભવો દર્શાવવામાં આવ્યા હતા. હાલ સઈદ અખ્તર મિર્ઝા પોતાનો મોટાભાગનો સમય ગોવામાં પસાર કરી રહ્યા છે કે જ્યાં તેઓ દેશ-વિદેશનું સાહિત્ય વાંચે છે અને સિનેમા જુએ છે અને તેમનું લેખન કાર્ય કરે છે.

સઈદ અખ્તર મિર્ઝાનું કળા ક્ષેત્રે યોગદાનની યાદી:

ફિલ્મ્સ:

અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન (1978)
આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હે (1980)
મોહન જોષી હાઝિર હો (1984)
સલિમ લંગડે પે મત રો (1989)
નસીમ (1995)

સિરિયલ:

નુક્કડ (1986)

પુસ્તકો:

Ammi: Letter to a Democratic Mother (2008)
The Monk, The Moor & Moses Ben Jalloun (2012)
Memory in the Age of Amnesia: A personal history of our Times (2018)

સમાંતર અથવા ન્યૂવેવ સિનેમાની ચળવળમાં યોગદાન આપનાર અન્ય દિગ્દર્શકોની યાદી:

શ્યામ બેનેગલ
ગોવિંદ નિહાલાની
સાંઈ પરાંજપે
મણિ કૌલ
કુમાર સહાની
કેતન મહેતા
અડૂર ગોપાલકૃષ્ણન્‌
બુદ્ધદેબ દાસગુપ્તા
મૃણાલ સેન
સત્યજીત રાય
ઋત્વિક ઘટક
કુંદન શાહ
સુધીર મિશ્રા

—————————————————————————————- 

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

ગુજરાત વિધાનસભામાં દલિતોના સવાલો અને દલિત પ્રતિનિધિઓ

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|17 October 2018

ગુજરાત વિધાનસભાનું બે દિવસનું વર્ષાસત્ર ૧૮-૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ મળ્યું હતું. પ્રથમ દિવસની કાર્યવાહી પૂર્વવડાપ્રધાન અટલબિહારી વાજપાઈને અંજલિ આપીને મોકૂફ રખાઈ. એટલે છ મહિને મળેલી આ વિધાનસભાએ પ્રજાના પ્રશ્નો માટે માત્ર એક જ દિવસ કામ કર્યું. ૧૯મી સપ્ટેમ્બરે વિધાનસભાની બે બેઠકો મળી હતી. આ બંને બેઠકોની તારાંકિત પ્રશ્નોત્તરીની  પુસ્તિકા અને આ સત્રમાં ગૃહમાં મુકાયેલી અતારાંકિત પ્રશ્નોની પુસ્તિકાના આધારે ગુજરાત વિધાનસભાના દલિત ધારાસભ્યોની કામગીરી આલેખવાનો અને તેની સમીક્ષા કરવાનો અહીં પ્રયાસ કરાયો છે.

ગુજરાત વિધાનસભાની દલિતો માટેની ૧૩ અનામત બેઠકો પૈકી સાત બેઠકો પર ભારતીય જનતાપક્ષના, પાંચ બેઠકો પર કૉંગ્રેસના અને એક બેઠક પર કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર વિધાનસભ્ય છે. ભારતીય જનતા પક્ષના બારડોલી દલિત અનામત બેઠક પરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર વર્તમાન સરકારના પ્રધાનમંડળમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી હોઈ અહીં છ શાસકપક્ષના અને છ વિરોધપક્ષના ધારાસભ્યોની, વિધાનસભા પ્રશ્નોત્તરીને આધારે,  ધારાસભાકીય કામગીરી મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.છેલ્લે ગુજરાત વિધાનસભાની બેઠક ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં બજેટસત્ર રૂપે મળી હતી. તે પછી છ મહિને મળેલી વિધાનસભામાં વીત્યા છ મહિનામાં ગુજરાતના દલિતોના સવાલો, તેમનાં આંદોલનો આ પ્રશ્નોત્તરીમાં જોવા મળે છે કે કેમ તે પણ નાણવાનો અહીં પ્રયત્ન કરીશું.

ચૌદમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રની પહેલી બેઠકમાં કુલ ૩૭૫ તારાંકિત પ્રશ્નો રજૂ થયા હતા. તેમાં દલિત અનામત બેઠકો પર ચૂંટાયેલા ધારાસભ્યોએ ૩૨ પ્રશ્નો રજૂ કર્યા હતા. છ કૅબિનેટ અને ત્રણ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓના વિભાગને લગતા ૩૭૫ સવાલજવાબ રજૂ થયા છે. બીજી બેઠકમાં પાંચ કૅબિનેટ અને એક રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી, એમ કુલ છ, મંત્રીઓના વિભાગોના ૩૪૩ પ્રશ્નો અને જવાબો રજૂ થયા હતા. તેમાં દલિત ધારાસભ્યોના ૩૦ સવાલો હતા. બંને બેઠકોના તારાંકિત પ્રશ્નોની કુલ સંખ્યા ૭૧૮ હતી. તેમાં દલિત ધારાસભ્યોના પ્રશ્નો ૬૨ હતા. તેનો અર્થ એ થયો કે દલિત  ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ લગભગ ૧૧ ટકા જેટલું હતું. ૫૦ અતારાંકિત પ્રશ્નોમાં બે જ દલિત ધારાસભોના પ્રશ્નો હતા. એટલે કે ચાર ટકા પ્રતિનિધિત્વ હતું.

જે ૧૨ ધારાસભ્યોએ ૬૨ તારાંકિત પ્રશ્નો પૂછ્યા, તેમાં પાંચ ધારાસભ્યો(પ્રદીપ પરમાર, શૈલેષ પરમાર,મોહનભાઈ વાળા, કરસનભાઈ સોલંકી અને હિતુ કનોડિયા)એ છ-છ, ચાર ધારાસભ્યો (જિજ્ઞેશ મેવાણી, પ્રવીણ મુસડિયા, મનીષા વકીલ અને લાખાભાઈ સાગઠિયા)એ પાંચ-પાંચ, ત્રણ ધારાસભ્યો (પ્રવીણ મારુ, માલતી મહેશ્વરી અને નૌશાદ સોલંકી)એ ચારચાર પ્રશ્નો પૂછ્યા હતા.સૌથી વધુ છ છ પ્રશ્નો પૂછનારમાં ત્રણ બી.જે.પી.ના અને બે કૉંગ્રેસના હતા. તો સૌથી ઓછા ચાર-ચાર પ્રશ્નો પૂછનાર ધારાસભ્યોમાં બે કૉંગ્રેસના અને એક ભા.જ.પ. હતા.

એક જ દિવસની બે બેઠકોની તારાંકિત પ્રશ્નોત્તરીમાં  ૧૫ મંત્રીઓના ૬૦ વિભાગોના પ્રશ્નો હતા, પરંતુ દલિત ધારાસભ્યોએ ૨૪ વિભાગોને લગતા જ પ્રશ્નો પૂછ્યા છે. અર્થાત્‌ અડધા કરતાં વધુ વિભાગોને દલિત ધારાસભ્યોના પ્રશ્નોનો લાભ મળ્યો નથી!! જે વિભાગને લગતો એક પણ પ્રશ્ન દલિત ધારાસભ્યોએ વિધાનસભામાં પૂછ્યો નથી તે વિભાગો છે : આદિજાતિ વિકાસ, માર્ગ અને મકાન, નર્મદા, પાટનગરયોજના, ગ્રામવિકાસ, મત્સ્યોદ્યોગ, કુટિરઉદ્યોગ, ગ્રામ ગૃહનિર્માણ, વાહનવ્યવહાર, પોલીસ-હાઉસિંગ, નશાબંધી અને આબકારી, કલ્પસર, પર્યાવરણ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ, ગોસંવર્ધન, નાગરિક-ઉડ્ડયન, વૈધાનિક અને સંસદીય બાબતો, બંદરો, પેટ્રોકૅમિકલ્સ, ક્લાયમેન્ટ ચૅન્જ, આયોજન, સાયન્સ ઍન્ડ ટૅક્‌નોલૉજી અને અન્ય. રાજ્યના મુખ્યમંત્રી મત્રીમંડળમાં ૧૧ વિભાગોનો હવાલો ધરાવે છે. એટલે સ્વાભાવિક રીતે દલિત ધારાસભ્યોના ૬૨ પ્રશ્નોમાં સૌથી વધુ ૧૦ પ્રશ્નો મુખ્યમંત્રી હસ્તકના પાંચ વિભાગોના હતા. તેમાં ગૃહવિભાગના છ પ્રશ્નો હતા. જેની સાથે દલિત ધારાસભ્યોને સીધો સંબંધ છે, તેવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને લગતા નવ પ્રશ્નો પુછાયા હતા. તેમાં નોંધપાત્ર બાબત એ છે કે ભા.જ.પ.નાં બંને મહિલા ધારાસભ્યો મનીષા વકીલ (વડોદરા શહેર) અને માલતી મહેશ્વરી(ગાંધીધામ)એ એક પણ પ્રશ્ન સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને લગતો પૂછ્યો નથી! એ જ રીતે કૉંગ્રેસના મોહનભાઈ વાળા (કોડિનાર), પ્રવીણ મારુ (ગઢડા) અને પ્રવીણ મુસડિયા(કાલાવાડ)એ પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને લગતો એક પણ પ્રશ્ન પૂછ્યો નથી! સત્તાપક્ષના કાલાવાડના ધારાસભ્ય લાખાબાઈ સાગઠિયા અને કડીના કરસનભાઈ સોલંકીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીને બે-બે, જ્યારે એ જ પક્ષના પ્રદીપ પરમાર (અસારવા અમદાવાદ) અને હિતુ કનોડિયા(ઈડર)એ એક એક સવાલ પૂછ્યો હતો. કૉંગ્રેસના શૈલેષ પરમાર (શહેરકોટડા, અમદાવાદ), નૌશાદ સોલંકી (દસાડા) અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીએ પણ આ વિભાગને લગતો એક-એક પ્રશ્ન પૂછ્યો હતો.

દલિત ધારાસભ્યોના પ્રશ્નોમાં અને મંત્રીઓના જવાબોમાં દલિત પ્રશ્નો વિશેની નિસબત છતી થાય છે. વીત્યા છ-બાર મહિનામાં દલિત – અત્યાચારો, દલિત-અત્યાચાર પ્રતિબંધક ધારાનો વિવાદ, અનામત અને શિક્ષણના સવાલો, જમીનનો પ્રશ્ન, બજેટ-ફાળવણી અને તે માટેનો જુદો કાયદો, સફાઈ-કામદારો અને બેરોજગારો જેવા સવાલો દલિત – આંદોલનોમાં પડઘાતા રહ્યા છે, પણ તેનું પ્રતિબિંબ દલિત ધારાસભ્યોની ધારાસભાની કામગીરી પડઘાય છે કે કેમ તેવા સવાલનો જવાબ બહુ નિરાશાજનક છે. બી.જે.પી.ના દલિત ધારાસભ્યોએ સરકારની દલિતોને લગતી યોજનાઓની બહુ નબળી માહિતી આ પ્રશ્નોત્તરી દ્વારા ઉજાગર કરી છે તો વિપક્ષના સભ્યોએ સરકારને સકંજામાં લેવાનો થોડો પ્રયત્ન કર્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ પાટણ દલિત આત્મવિલોપનનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમના તારાંકિત પ્રશ્નક્રમાંક ૧૧,૩૩૫માં ગ્રૃહવિભાગ સંભાળતા મુખ્યમંત્રીએ કબૂલ્યું હતું કે ભાનુભાઈ વણકર આત્મવિલોપનના બનાવની તપાસ માટે રચાયેલ સીટે તા.૩૧મી માર્ચ, ૨૦૧૮ સુધીમાં તેની તપાસ પૂર્ણ કરવાની હતી, પરંતુ તેની  મુદ્દત સરકારે તા.૩૦-૦૯-૨૦૧૮ સુધી લંબાવી છે. (અત્રે એ પણ નોંધવું જોઈએ કે ઊંઝાના કૉંગ્રેસનાં ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલના પ્રશ્નના જવાબમાં પણ સરકારે કબૂલ્યું છે કે નલિયા સેક્સકાંડની તપાસ માટેના જસ્ટિસ દવે કમિશનની રચના તા. ૧૬-૩-૨૦૧૭ના રોજ કરવામાં આવી હતી, તેની પાછળ કુલ રૂ.૪૦,૭૨,૯૮૦નો ખર્ચ થયો છે. આ કમિશને પણ ૩૦-૯-૨૦૧૮ સુધીમાં તેનો અહેવાલ આપવાનો હતો). કૉંગ્રેસના સિનિયર દલિત ધારાસભ્ય શૈલેશભાઈ પરમારના, રાજ્યમાં અનુસૂચિત જાતિ આયોગની રચના બાબતના તારાંકિત પ્રશ્નક્રમાંક ૧૧,૧૮૦ના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનુસૂચિત જાતિઆયોગની રચના કરવામાં આવી નથી, પરંતુ આવા આયોગની રચના કરવાનો મુદ્દો રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ છે. પાંચેક બિનદલિત ધારાસભ્યોના પ્રશ્ન જવાબમાં વિધાનસભામાં સરકારે બિનઅનામત આયોગની રચના કે તે માટેના કોઈ ખર્ચની બાબત નકારી હતી. પણ વાસ્તવિકતા એ છે કે સરકારે આવા આયોગની રચના પણ કરી છે અને તેને નાણાં ફાળવણી કરી કાર્યાન્વિત પણ કરી દીધું છે. જે સરકાર બંધારણ અમલમાં આવ્યું, ત્યારથી જ અસ્તિત્વમાં આવેલી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાજ્યમાં કોઈ આયોગની રચના કરતી નથી, તે બિનઅનામત આયોગની ઝટપટ રચના કરી દે છે. આ બાબતમાં ગુજરાતમાં કૉંગ્રેસ અને ભા.જ.પ. બંને સરખા છે, તે પણ નોંધવું રહ્યું.

ભા.જ.પ.ના દલિત ધારાસભ્યોના પ્રશ્નો જોઈએ, તો મનીષા વકીલે કુલ પાંચ પ્રશ્નો પૂછ્યા હતા.  તેમાં ચાર પ્રશ્નો વડોદરા શહેર અને જિલ્લાને લગતા (નવું કોર્ટ-બિલ્ડિંગ, હકપત્રકની નોંધો, જર્જરિત પંચાયતઘરો અને વડોદરા શહેરમાં કામગીરી દરમિયાન ખસેડેલ વીજવાયરો અને થાંભલા) હતા. રમતગમતમંત્રીને વડોદરાના આ ધારાસભ્યે, જૂનાગઢ જિલ્લામાં સ્પર્ધામાં ભાગ લીધેલ યુવક-યુવતીઓ સંબંધે સવાલ પૂછ્યો હતો. માલતીબહેન મહેશ્વરીએ મહેસૂલ, પંચાયત, જળસંપત્તિ અને કૃષિ વિભાગને લગતા ચાર સવાલો પૂછ્યા હતા. તે તમામ કચ્છને લગતા હતા. કચ્છનાં જર્જરિત પંચાયતઘરો, તળાવો ઊંડા કરવા કે ખેડૂત તાલીમ શિબિરોને લગતા પ્રશ્નો તો હતા પણ મહેસૂલમંત્રીને તેમણે કચ્છ જિલ્લામાં ખેતીની જમીન બિનખેતીમાં કરવાની કુલ મળેલી દરખાસ્તો, પડતર દરખાસ્તો અને તેનો ક્યારે નિકાલ આવશે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારે કચ્છના દલિતો સરકારી પડતર જમીન અંગે આક્રમક આંદોલન કરતા હોય અને વહીવટીતંત્ર પણ તે દિશામાં પ્રયત્નશીલ હોય ત્યારે તે વિસ્તારના દલિત પ્રતિનિધિ બિનખેતીની જમીનની પરવાનગીની ચિંતા કરે તે અકળાવે છે.

અમદાવાદની અસારવા બેઠકના બી.જે.પી.ના ધારાસભ્ય પ્રદીપ પરમારે કુલ છ સવાલો રજૂ કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં હકપત્રકની નોંધો અને અમદાવાદ જિલ્લામાં દસ્તાવેજોની નોંધોની ફિકર આ ધારાસભ્યના મહેસૂલ વિભાગના પ્રશ્નમાં જોવા મળે છે. સહકારમંત્રીને તેઓ પાટણબજાર સમિતિને આધુનિક બજારો સ્થાપવાની યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરી અને કેટલી ચૂકવી તે પૂછે છે, રાજ્યમાં છેલ્લા બે વરસમાં માહિતી ખાતા દ્વારા કોઈ ટી.વી. શ્રેણીનું નિર્માણ અને તેનાં નામો પૂછે છે (જવાબ-પ્રગતિશીલ ગુજરાત અને વિકાસવિશેષ), તો ઘનિષ્ઠ પશુસુધારણા યોજના અન્વયે અમદાવાદ જિલ્લામાં પશુઓના કેટલા જાતીય આરોગ્ય સારવારકૅમ્પ થયા અને કેટલાં પશુઓને સારવાર મળી તે પણ જાણવા માંગે છે. (જવાબ કૅમ્પો – ૧૩૯, પશુઓ ૧૭,૩૩૮) પ્રદીપભાઈ વિધાનસભા પ્રશ્નોત્તરી દ્વારા તેમની સરકારે પાલક માતાપિતા યોજનાની ૨૨૬માંથી ૧૫૪ અરજીઓ (આશરે ૬૦ ટકા) મંજૂર કરી અને તે માટે અધધ રૂ. ૩૪,૦૮,૦૦૦/- સહાય ચૂકવી હોવાની મોટી સિદ્ધિ ઉજાગર કરવામાં સફળ રહે છે.

ફિલ્મી તખ્તેથી રાજકારણમાં પ્રવેશેલા હિતુભાઈ કનોડિયાએ કાયદા, સામાજિક ન્યાય, શિક્ષણ, ઊર્જા, જળસંપત્તિ, અન્ન અને નાગરિક પુરવઠા એમ ૬ વિભાગના મંત્રીઓને ૬ પ્રશ્નો કરીને પોતાની સક્રિયતા દર્શાવી હતી. જો કે તેમાં દલિતોને સંલગ્ન એક જ પ્રશ્ન હતો તો પોતાના મતવિસ્તાર કે મતવિસ્તારના જિલ્લા કરતાં અન્યના પ્રશ્નો વધુ હતા. અરવલ્લી જિલ્લામાં દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓ અને તે માટેના ખર્ચ, સાબરકાંઠા જિલ્લામાં અનાજના જથ્થાનું વિતરણ તથા અરવલ્લી જિલ્લામાં ડ્રૉપઆઉટ રેટ ઘટાડવા સંબંધી પ્રશ્ન કરી તેમણે સરકારની વાહવાહી કરાવવામાં સફળતા મેળવી છે. તો છેક વંથલી અને થરાદ તાલુકામાં જિલ્લા ન્યાયાધીશ કોર્ટની સ્થાપનાની મંજૂરી અંગે પણ તેમણે સવાલ કર્યો છે, બનાસકાંઠામાં નવાં ખેતીવાડી વીજજોડાણો અને તે માટે ખર્ચનો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

કડીના બી.જે.પી.ના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ મહેસાણા જિલ્લામાં સરકારે ગત વરસે પ્રિ-મૅટ્રિક સ્કૉલરશિપ કેટલા વિદ્યાર્થીઓને કુલ કેટલી ચૂકવી (જવાબ – લાભાર્થી વિદ્યાર્થીઓ ૨,૬૧,૨૩૪ અને રકમ રૂ. ૧૭,૭૨,૬૭,૧૦૦/-) તે તથા સરસ્વતી સાધનાયોજનાનો કેટલી કન્યાઓને લાભ મળ્યો, તે જાણવા માંગ્યું હતું. પ્રદીપભાઈની જેમ કરશનભાઈને પણ સહકારમંત્રીને મહેસાણા જિલ્લાના ખેરાલુની બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ કેટલી રકમ મંજૂર કરી અને ચુકવાઈ તે સવાલ કેમ પૂછવાનું થયું હશે, તે સમજાતું નથી. રાજકોટ ગ્રામના બી.જે.પી. એમ.એલ.એ. લાખાભાઈ સાગઠિયાના પાંચ પ્રશ્નોમાં ૨ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના, તો એક-એક ઊર્જા, કૃષિ અને પશુપાલન વિભાગના હતા. સાત ફેરા સમૂહલગ્ન અને નિરાધાર વૃદ્ધ સહાયની રાજકોટની માહિતી તેમણે માગી હતી. રાજકોટની ઝૂંપડપટ્ટીના વીજળીકરણના લાભાર્થીની વિગતો માંગનાર આ ધારાસભ્યસાહેબ ટ્રૅક્ટરસહાયની માહિતી તો માંગે છે રાજકોટમાં પશુઓની જાતીય આરોગ્ય સારવારની પણ માહિતી માંગતો પ્રશ્ન કરે છે.

વિપક્ષના સભ્યોમાં શૈલેષ પરમારના છએ છ પ્રશ્નોમાં તેમના ધારાસભ્ય તરીકેના અનુભવ જોવા મળે છે. તેમણે ખૂબ જ સાર્થક માહિતી માંગતા અને સરકારની નીતિ ખુલ્લી પાડતા પ્રશ્નો પૂછ્યા છે. રાજ્યના નાણામંત્રીને તે રાજ્યનું જાહેર દેવું અને તે પરના વ્યાજનો પ્રશ્ન પૂછી રાજ્યની આર્થિક સ્થિતિ ઠીકઠાક નથી, તે હકીકત લોકો સમક્ષ લઈ આવે છે. ઇજનેરી શિક્ષણના આજકાલ વળતા પાણી છે, તે માન્યતાને ઇજનેરી કૉલેજોમાં છેલ્લાં બે વરસોથી કેટલી જગ્યાઓ ખાલી રહે છે, તેવો સવાલ કરીને તેનો જવાબ મેળવી માન્યતાને હકીકતમાં બદલે છે.(છાપેલો જવાબ – ૨૦૧૭-૧૮માં સરકારી ઇજનેરી કૉલેજોમાં ૬૫૨ અને ખાનગી/સ્વનિર્ભર કૉલેજોમાં ૩૩,૦૩૩ જગ્યાઓ ખાલી હતી.) અદાણી, એસ્સાર અને બીજી ત્રણ ખાનગી કંપનીઓ પાસેથી સરકારે ૨૦૧૬-૧૭માં રૂ. ૩૮૭ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૂ. ૩૮૨ કરોડની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી હોવાની વિગતો તારાંકિત પ્રશ્નક્રમાંક ૧૦,૯૯૪ના જવાબમાં મેળવે છે. આ ધારાસભ્ય બેરોજગારીની અને ગુનાઓની પણ બહુ જ ઉપયોગી માહિતી પોતાના સવાલોના જવાબોમાં મેળવી શક્યા છે. નૌશાદ સોલંકીના ચાર પ્રશ્નોમાં બે મુખ્યમંત્રી હસ્તકના ઉદ્યોગ અને ખાણખનિજ વિભાગના હતા. એક સામાજિક ન્યાય વિભાગના પ્રશ્નમાં તેઓ રાજ્યમાં સફાઈ-કામદારો માટે તા.૨૦-૮-૧૬ની સ્થિતિએ કેટલા આવાસો બનાવવામાં આવ્યા તેની માહિતી માંગીને જવાબ મેળવે છે કે માત્ર ૩,૩૬૦ આવાસો બે વરસમાં ૧૦ કરોડના ખર્ચે બનાવ્યા છે. પોતાના મતવિસ્તારના જિલ્લામાં ખનિજ ચોરીના બનાવોની માહિતી એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે માંગી હતી. ગુજરાત મૉડેલની પોલ ખોલતી હકીકતો પણ આ ધારાસભ્યશ્રી તેમના પ્રશ્નોના જવાબમાં મેળવી શક્યા છે. તારાંકિત પ્રશ્નક્રમાંક ૧,૧૦,૦૦૨ના જવાબમાં સરકારે જણાવ્યું છે કે ૨૦૧૪માં ચીનના રાષ્ટ્રપ્રમુખની બહુચર્ચિત અમદાવાદ મુલાકાત  વખતે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક સ્થાપવાનો કરાર થયો હતો, પણ આજે ચાર વરસે આ કરાર જમીન મેળવવાના તબક્કે જ ચાલે છે. રાજ્યમાં રણોત્સવ, પતંગોત્સવ અને નવરાત્રિ-મહોત્સવ પાછળ થયેલા ધૂમ ખર્ચાની વિગતો પણ આ ધારાસભ્ય કઢાવી શક્યા છે. કાશ! આ બધી વિગતો માધ્યમોમાં ઉજાગર કરવાનું કામ તેમણે અને તેમના પક્ષે કર્યું હોત!

કોડિનારના કૉંગ્રેસી ધારાસભ્ય મોહનભાઈ વાળાએ ૬ પ્રશ્નો પૂછ્યા પણ સામાજિક ન્યાય વિભાગનો એક પણ ન પૂછ્યો. તેમના બધા જ પ્રશ્નો તેમના વિસ્તારને સંબંધિત છે. તેમણે ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાનાં કુપોષિત બાળકોની સારી વિગતો માંગી હતી. વીજ-ઉત્પાદનમાં કોલસાની જરૂરિયાતની માહિતીમાં તેમણે સરકાર પાસે એ હકીકત કઢાવી છે કે ૨૦૧૭-૧૮ અને ૧૮-૧૯માં કેન્દ્રએ રાજ્યની માંગણી કરતાં ઓછો કોલસો ફાળવ્યો છે. ૨૦૧૪ પૂર્વે જે સરકાર ગુજરાતને કેન્દ્રના અન્યાયની બુમરાણ કરતી હતી. તે હવે પોતાના પક્ષની કેન્દ્ર સરકારે માંગણી કરતાં ઓછો કોલસો ફાળવવા અંગે કેમ મૌન છે ? તેવો સવાલ આ જાણીને કોઈ પણ મતદારને થઈ શકે. કાલાવાડના પ્રવીણ મુસડિયા અને ગઢડાના પ્રવીણ મારુ બંનેએ સામાજિક ન્યાય વિભાગના મંત્રીને કોઈ સવાલ પૂછ્યો નથી. પણ પોતાના મતવિસ્તાર અને જિલ્લાના પ્રશ્નો પૂછ્યા છે. જો કે મોટા ભાગના પ્રશ્નો રૂટિન લાગે તેવા છે. વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જે પાંચ પ્રશ્નો પૂછ્યા, તેમાં અમદાવાદ અને સુરતના શહેરી ગરીબોને માત્ર ૨૩,૨૯૬ મકાનો ફાળવાયાની માહિતી મેળવી છે. બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં આંતરજ્ઞાતીય લગ્નોની વિગતો માંગતા સવાલના જવાબમાં જે જાણવા મળે છે, તે હકીકતો જાતિનિર્મૂલન માટે આંતરજ્ઞાતીય લગ્નોનો ઉકેલ કેટલો મુશ્કેલ છે, તે જણાઈ આવે છે. નવા તાલુકા અને જિલ્લા તો રચી દીધા, ગુજરાત મૉડૅલની દુહાઈ દેતાં ગુજરાતના આંતરમાળખાકીય વિકાસના ઢોલ પણ બહુ પિટાય છે. પણ જિજ્ઞેશ મેવાણીના તારંકિત પ્રશ્ન ક્રમાંક ૧૧,૩૧૬ના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે બનાસકાંઠાના સુઈ ગામ અને લાખણી તાલુકાપંચાયતોને પોતાનું કોઈ મકાન નથી. હજુ આટલાં વરસે તે માટેના અનુદાનની વહીવટી મંજૂરી મળી છે.

આ નાનકડી હકીકતો એ પુરવાર કરે છે કે સત્તાપક્ષના અને વિપક્ષના દલિત ધારાસભ્યોએ તેમના દલિત પ્રતિનિધિ હોવાની હકીકત ભૂલ્યા વિના તેમના મતવિસ્તાર અને સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવવાના છે. તેમનું યોગદાન અને સક્રિયતા વિસ્તારવાની છે. આ વખતે તો કદાચ તેમનો દેખાવ સરેરાશ છે, પણ ભવિષ્યમાં વધુ મહેનત કરશે, તેવી આશા રાખી શકાય.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 13-15

Loading

MeToo

નીરવ પટેલ|Poetry|17 October 2018

વહેલી પરોઢે પાયખાનું પખાળવા આવું છું
ને રોજ કોઈ ઓળો
મને ઉપાડી જાય છે અવાવરુ ખૂણે,

મને જકડી લે છે જમીન સટોસટ,
મારા ઉપર સવાર થઈ જાય છે સૂવ્વરની જેમ,
મને કોચ્યા કરે છે,
હું બેશુદ્ધ ના થઈ જાઉં ત્યાં લગી!

મને કંઈ યાદ નથી, સાહેબ …

કદાચ થોડું યાદ છે તો બસ એટલું જ કે
એના શરીરે સૂતરનાં ત્રણ તાંંતણા જેવું હતું,
એના ગળે તુલસીની માળા જેવું હતું,
એના મોઢે વીંછીના આંકડા જેવી વાંકડિયા મૂછો જેવું હતું,
એનો વાન ઉજળિયાત હતો,
એ હરે .. હરે … જેવું કશું બબડતો હતો.

ઊતરીને એણે સીધી ગંગા ભણી દોટ મૂકી હતી …

E-mail : neerav1950@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2018; પૃ. 15

Loading

...102030...2,9652,9662,9672,968...2,9802,9903,000...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved