Opinion Magazine
Number of visits: 9685623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ડોસી ડોસાને હજી ‘સવાલ’ કરે છે

કલ્પના દેસાઈ|Opinion - Opinion|19 December 2018

ગુજરાતીના બહુ મોટા કવિ સુરેશ દલાલની બહુ જાણીતી રચના છે, ‘એક ડોસી ડોસાને હજી ‘વહાલ’ કરે છે.’ સાચી વાત છે. સ્ત્રીઓના સ્વભાવના મૂળમાં જ દયા, માયા, કરુણા, પ્રેમ ને લાગણીનો ધોધ વહેતો હોય છે. આખી જિન્દગી તો ઘરનાં સૌને એ ધોધનો લાભ એણે આપ્યો હોય; પણ પછી ઘડપણમાં બાકી કોણ રહે? તો ‘અલો’ કે ‘ડોસો’ જે ગણો તે એ જ. પછી ડોસીએ પેલા ‘પ્રેમ’ ને ‘લાગણી’ ઠાલવવાના ક્યાં? ઘરની બહાર પણ તો જવાય એવું ખાસ રહ્યું ન હોય, ત્યારે ડોસી ડોસાને વહાલ જ કરવાની ને? ડોસાને પણ નિવૃત્તિમાં ઘરમાં બેસીને માખી મારવાનું સૂઝે નહીં; એટલે એ પણ ડોસીને સાચવ્યા કરે. નહીં તો વળી એનાં નખરાં કોણ ઊઠાવે? લોકો કહે કે, ‘કેવાં એકબીજાંને સાચવીને રહે છે? એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે!’

હકીકત એ છે કે, પરિસ્થિતિ જેવી દેખાય છે, તેવી હોતી નથી. ડોસીનો સવાલ પૂછવાનો સ્વભાવ એમ કંઈ ઘડપણમાં બદલાઈ જતો હશે? ભલેને બધી વાતે ‘હા એ હા’ કરે ને બધાં કામે ય ડગુમગુ થતાં જ કરે; પણ સવાલ તો પૂછવાના જ. સવાલ વગર ખાવાનું હજમ ન થાય.

જો ડોસા મોડે સુધી ઊંઘે તો સવાલ, ‘કેમ આજે ઊઠવું નથી?’

ડોસા સવાર બગાડવા ન માગતા હોય એટલે હંમેશની જેમ ‘મનમાં’ જ બબડી લે, ‘ઊઠે છે, ભાઈ, ઊઠે છે, બે ઘડી સૂવા દે શાન્તિથી.’

ને જો વહેલા ઊઠી ગયા તો, ‘કેમ આજે કંઈ વહેલા ઊઠી ગયા?’

‘ભૂલ થઈ ગઈ, બાપા! તું કહેતી હોય તો સૂઈ રહું આખો દિવસ.’ આ તો બધું ‘મનમાં’ જ હોય ને? બાકી એ તોર–તમાશાના દિવસો તો ક્યારના ય ગયા.

વર્ષોથી ડોસા ઊઠીને પહેલાં ચા જ પીતા હોય તો ય સવાલ! ‘ચા મૂકી દઉં?’

‘હવે ભઈ, તેમાં પણ શું પૂછવાનું? ઊઠે એટલે ચા મૂકી જ દેવાની હોય ને? મરવાને દા’ડે પણ જતાં પહેલાં પૂછશે કે, ‘ચા મૂકી દઉં? કે જવાના જ?’ આ તો ‘મનમાં’ જ ને વળી!

અને સવારની પહેલી ચા ખાંડવાળી પીતા હોય તો ય સવાલ, ‘ચામાં ખાંડ નાંખું કે ટિકડી?’

‘આ આટલાં વરસોથી રોજ જ નવી કેમ થતી હશે?’ ઉંમર થતાં ‘મનમાં’ બબડવાની ટેવ ઘરમાં શાન્તિ રાખવામાં મદદ કરે, એ ડોસાને સારી રીતે ખબર; એટલે આ રમત ચાલ્યે રાખે. જવાબમાં ફક્ત ‘હા’ ને ‘ના’ના જવાબ અથવા ‘હું’કારા જવાબ આપ્યા કરવાના, બસ.

આખો દિવસ આમ જ, ‘હવે કેટલી વાર ચા પીશો? હમણાં તો પીધી!’ ને નાસ્તો મુક્યા પછી ‘નાસ્તો હમણાં કરવાના કે નાહીને?’ બેમાંથી જે જવાબ મળે તેનાથી ડોસીને સંતોષ કેમ થાય, ભલા? એ તો  એમ જ કહેવાનીને કે, ‘પહેલેથી કહેવું જોઈએ ને!’ વળી, જમવાનું બને એટલે જમી લેવાનું જ હોય ને? તો ય સવાલ વગર કેમ ચાલે? ‘જમવાનું ઠંડું પડે આ ક્યારનું. હવે મેચ પછી જોયા કરજો. ચાલો તો, પછી હું પણ પરવારીને ઘડીક આડી પડું. આવો છો ને?’ જવાબમાં ડોસા ‘મનમાં’ બબડતા બબડતા હાજર થઈ જાય. ‘બરાબર વિકેટ પડવાના ટાઈમે જ બૂમાબૂમ કરે! બોલાય નહીં પાછું; નહીં તો મારા ડાંડિયા ડૂલ કરી નાંખે.’ આમ જ, સવાલોથી ઘેરાયેલા કે ટેવાયેલા ડોસા ને ડોસી એકબીજાંને સાચવ્યા કરે ને એકબીજાંનું ધ્યાન રાખતાં રહે.

આ બધામાં વચ્ચે ક્યારેક ડોસાને એકાદ સવાલ પૂછવાનો ગભરાતા ગભરાતા મોકો મળી જાય ખરો ! ‘મારું ચોકઠું કશે જોયું?’ મનમાં ફફડાટ ચાલુ, ‘હવે આવી બન્યું; પણ ચોકઠા વગર ચાલશે નહીં ને પૂછ્યા વગર મળશે નહીં. ગુજારે જે શિરે તારે ‘ડોસીનો’ સાદ તે સહેજે.’

‘હાય હાય ! આજે પાછું ચોકઠું કશે મુકાઈ ગયું? કેટલી વાર કહ્યું કે, ચોકઠું ને ચશ્માં જ્યાં જાઓ ત્યાં સાથે ને સાથે રાખો પણ મારું સાંભળે છે કોણ? (ઘરમાં બીજું છે કોઈ?) હવે ક્યાં મૂકી દીધું ચોકઠું?’

‘મને ખબર હોત તો તને શું કામ પૂછત? બે સાંભળવા?’ ‘મનમાં’ રે ભાઈ, ‘મનમાં’ !

‘હવે શોધવા લાગો, એમ મારા ભરોસે શું બેસી ગયા? નાસ્તો કર્યા પછી ક્યાં મુકેલું? ક્યાંક ડિશ સાથે ધોવા તો નહોતું મૂકી દીધું ને? તો ગયું એંઠવાડમાં સમજી લો. હે ભગવાન! આટલાં વરસથી ચોકઠું પહેરે છે; પણ દિવસમાં દસ વાર એને શોધવાનું! મોઢામાં જ રાખી મૂકતા હો તો? ચાલો હવે, એમ મારી સામે શું જોયા કરો છો?’

‘એ તો, ‘ગુસ્સેમેં તુમ કિતની હસીન લગતી હો’ તે જોતો ’તો.’ આ તો ‘મોટેથી’ જ બોલાય ને?

‘હવે આ ઉંમરે ગાંડાં કાઢતાં શરમાઓ જરા.’

‘લે મળી ગયું, જો. ભૂલમાં તારા ચોકઠાની ડબ્બીમાં મૂકી દીધેલું; પછી ક્યાંથી મળે? ડબ્બી ખાલી જોઈ, તે હું સમજ્યો કે મારી છે. તારું ચોકઠું તો તારા મોંની ડાબડીમાં છે ને? નહીં તો પાછું એને શોધવાનું!’

‘બહુ મોટી જોક મારી, હં. તમારી ડબ્બી પર લાલ ચોકડી કરી છે એટલું યાદ નથી રહેતું?’

‘ચાલો હવે મળી ગયું ને? જમવાનું આપી દો, બહુ ભૂખ લાગી છે.’

આમ જ ક્યારેક ચોકઠું ને ક્યારેક ચશ્માં, ક્યારેક ચંપલ તો ક્યારેક લાકડી, ક્યારેક દવા તો ક્યારેક ચૂરણની ફાકીમાં દિવસો વહેતા રહે. ડોસાને ક્રિકેટ ને ન્યૂઝ જોવા હોય; પણ ડોસી રુમમાં દાખલ થાય કે, મહાભારત કે હનુમાનની સિરિયલ ચાલુ થઈ ગઈ હોય! ડોસી ટીવી જોતાં જોતાં ઝોકાં ય મારી લે કે નસકોરાં ય બોલાવી લે; તો ય ડોસાથી મોટેથી હસાય નહીં. ક્યાંથી હસે? સાથે હસવાવાળું પણ તો કોઈ જોઈએ ને?

ખેર, ડોસા–ડોસીનું જીવન તો આમ જ પૂરું થાય; પણ કેટલાક સવાલો આપણને પણ થાય કે, ડોસીને સવાલ પૂછવાનો પહેલેથી જ શોખ હશે? કે વારસામાં આવ્યો હશે? સવાલ પૂછવાનો એને કંટાળો નહીં આવતો હોય? ડોસાને તો બેથી વધારે સવાલના જવાબ આપતાં તો કંટાળો આવવા માંડે ને ગુસ્સો પણ આવું–આવું કરવા માંડે. ત્યારે ડોસીને શી મજા આવતી હશે? વિચાર એમ પણ આવે કે, ડોસો જો પોતાની વસ્તુનું પોતે જ ધ્યાન રાખતો હોત તો પોતાની આ સાહ્યબી કે ડોસીના નૉન–સ્ટૉપ સવાલનો, સવાલ જ ના ઊભો થાત ને? જો કે, આ તો ‘તો’નો સવાલ છે. એટલે જ ડોસી ડોસાને હજી ‘સવાલ’ કર્યે જ જાય છે, કર્યે જ જાય છે.

લેખિકા સમ્પર્ક : ‘ગુલમહોર’, ઉચ્છલ – 394 375, જિલ્લે–તાપી

eMail-kalpanadesai.in@gmail.com

Blog : http://kalpanadesai-in.blogspot.com/

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ: ચૌદમું – અંકઃ 416 –December 23, 2018

Loading

ક્વૉત્રોચી મામા સામે રાજીવ ગાંધીએ તપાસ થવા દીધી હતી તો અનિલભૈયા સામે પણ થઈ જાય! એમાં ડરવાનું શું છે જ્યારે દામન સાફ છે? રમેશ ઓઝા

રમેશ ઓઝા|Opinion - Opinion|18 December 2018

ગઈકાલે જોયું એમ સર્વોચ્ચ અદાલતે રાફેલના સોદાની તપાસ કરવામાં આવે એવી અરજી ફગાવી દેતાં દલીલ કરી હતી કે સોદાના ભાવતાલ અંગેની ચકાસણી કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ(કૅગ)એ કરી છે, કૅગનો અહેવાલ જાહેર હિસાબ સમિતિએ ચકાસ્યો છે અને તેની સુધારેલી આવૃત્તિ સંસદમાં રજૂ કરવામાં આવી છે, એટલે સોદાની આખી પ્રક્રિયા લોકો જોઈ – ચકાસી શકે એવી ખુલ્લી છે. જે ઉઘાડું છે એની તપાસ શું કરવાની? ચુકાદો આવ્યો એ જ દિવસે રાહુલ ગાંધીએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને પત્રકારો સમક્ષ ઉપસ્થિત કરીને જૂઠનો ભાંડો ફોડી નાખ્યો. સપડાઈ ગયેલી સરકારે તરત જ સર્વોચ્ચ અદાલતમાં જઇને કહ્યું કે બંધ પરબીડિયામાં આપવામાં આવેલી વિગતો ખોટી રીતે સમજવામાં આવી છે અને એને આ રીતે વાંચવી જોઈએ, વગેરે વગેરે.

પહેલી વાત તો એ કે આ બંધ પરબીડિયાનું નોનસેન્સ બંધ થવું જોઈએ. ન્યાય થવો પણ જોઈએ અને ન્યાય થતો નજરે પડવો પણ જોઈએ એમ ન્યાયશાસ્ત્ર કહે છે. એટલે તો ઓપન કૉર્ટ એવો શબ્દપ્રયોગ તમે સાંભળ્યો હશે. તમે ઈચ્છો તો દેશની કોઈ પણ અદાલતમાં બેસી શકો છો અને ન્યાયની પ્રક્રિયા નિહાળી શકો છો. તમને એની પણ જાણ હશે કે જ્યારે બંધ કમરામાં (ઇન કેમેરા) સુનાવણી જરૂરી લાગતી હોય ત્યારે ખાસ પરવાનગી લેવી પડતી હોય છે અને એવી પરવાનગી સ્ત્રી સાથે કરવામાં આવેલા બળાત્કાર જેવા અપવાદરૂપ ખટલામાં આપવામાં આવે છે. એ પણ કોઈ અંગત કુટુંબીએ કર્યો હોય ત્યારે, બહારની કોઈ વ્યક્તિએ કર્યો હોય તો નહીં.

આજકાલ કારણ વિના બંધ પરબીડિયાનું નોનસેન્સ વધી રહ્યું છે. રાફેલ સોદાની વિગતો સર્વોચ્ચ અદાલતે પોતે બંધ પરબીડિયામાં માગી હતી, કારણ કે સંરક્ષણ જેવી સંવેદનશીલ બાબત તેની સાથે સંકળાયેલી છે. સર્વોચ્ચ અદાલતની સંરક્ષણ અંગેની ચિંતા આપણે ઘડીભર સ્વીકારી પણ લઈએ, પરંતુ બૅન્કોને નવડાવી નાખનારાઓની યાદીનું બંધ પરબીડિયું શું કામ ખોલવામાં નથી આવતું? ડૉ. રઘુરામ રાજન રિઝર્વ બેન્કના ગવર્નર હતા, ત્યારથી પરબીડિયું સર્વોચ્ચ અદાલતમાં પડ્યું છે અને બંધનું બંધ છે. એ શા માટે ખોલવામાં નથી આવતું? એમાં  દેશની રક્ષાનો તો કોઈ તકાદો નથી! આઠ વરસ પહેલાં સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે ભ્રષ્ટ ન્યાયાધીશોની એક યાદી બંધ પરબીડિયામાં સર્વોચ્ચ અદાલતને આપી હતી. એ પરબીડિયું પણ હજુ સુધી બંધ છે. 

જો સર્વોચ્ચ અદાલતે બંધ પરબીડિયાની વિગતો અરજકર્તાઓને આપી હોત, તો સર્વોચ્ચ અદાલતની પ્રતિષ્ઠા ન ઝંખવાઈ હોત. અદાલત કહે છે એમ સરકારી દાવા મુજબ ખુલ્લી વિગતો જ ખુલ્લી કરવાની હતી, કોઈ ગોપિત રહસ્યો તો આપવાનાં નહોતાં. પણ મામલો જેવો દેખાય છે એવો સરળ નથી. અદાલતના ચુકાદામાં અસંખ્ય વિરોધાભાસો છે. અસંખ્ય એટલે અસંખ્ય. એટલે તો કોલકત્તાના ‘ધિ ટેલીગ્રાફ’ નામના અંગ્રેજી અખબારે તેના શનિવારના અંકમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અહેવાલનું મથાળું આપવાની જગ્યાએ સાત કૉલમમાં નવ પ્રશ્ન-ચિહ્ન મૂક્યાં છે. એક પણ શબ્દ નહીં, માત્ર પ્રશ્ન-ચિહ્ન. સર્વોચ્ચ અદાલતે ચુકાદો નથી આપ્યો, પ્રશ્નો પેદા કર્યા છે અને છે એને ગૂંચવ્યા છે.

અદાલતે બંધ પરબીડિયાનો આશરો લઈને કહ્યું છે કે બધું ઉઘાડું છે એટલે તપાસ કરવાની જરૂર નથી. અદાલતે બીજી જગ્યાએ કહ્યું છે કે અમે (જજોએ) નક્કી કરવામાં આવેલા ભાવ-તાલની ઝીણવટભરી તપાસ કરી છે અને બધું બરોબર છે. અદાલતે વળી ત્રીજી જગ્યાએ કહ્યું છે કે ડિફેન્સ ટેકનોલોજી, ઈક્વિપમેન્ટ્સ અને તેના ભાવની વિગતો એટલી ટેકનિકલ હોય છે કે તેની ચકાસણી કરવાની સજ્જતા અદાલત ધરાવતી નથી. અદાલતે ચોથી જગ્યાએ કહ્યું છે કે આપણા દુશ્મન પાડોશી દેશો પાસે ફોર્થ જનરેશન લડાકુ વિમાનો છે એટલે આપણે સજ્જ બનવું જ રહ્યું અને માટે વિઘ્નો નાખવાનાં ન હોય. અદાલતે પાંચમી જગ્યાએ ઍર ફોર્સના અધિકારીઓની જુબાની નોંધીને લડાકુ વિમાન મેળવવામાં ઘણો વિલંબ થયો છે એની નોંધ લીધી છે, પરંતુ ભારત ફોર એન્ડ એ હાફ જનરેશન સુખોઈ વિમાન ધરાવે છે એવી જુબાનીની નોંધ નથી લીધી. બાય ધ વે, આ વિમાનો હિન્દુસ્તાન ઍરોનોટિક લિમિટેડ બનાવે છે.

અદાલતે છઠ્ઠી જગ્યાએ સરકારનો અને રાફેલ વિમાન બનાવનારી કંપનીનો દાવો પડકાર્યા વિના કબૂલ રાખ્યો છે કે ૨૦૧૫માં રિલાયન્સનો અચાનક પ્રવેશ નથી થયો, પરંતુ ૨૦૧૨થી ડૅસ્સોલ્ટ અને રિલાયન્સ વચ્ચે ભાગીદારી છે. અચ્છા? એ કઈ રીતે? તો કે ડૅસ્સોલ્ટની મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ૨૦૧૨થી વ્યાવસાયિક ભાગીદારી છે અને અનિલ અંબાણીની કંપની તેની સબસિડિયરી કંપની છે. બે ભાઈઓ વચ્ચે ખાસ અંગત સંબંધ નથી ત્યાં વ્યાવસાયિક સંબંધ તો દૂરની વાત છે એ ભારતમાં નાનું છોકરું જાણે છે, પરંતુ અદાલતને જાણ નથી. બીજું મૂકેશ અંબાણીની કંપની અઢળક કમાય છે જ્યારે અનિલ અંબાણી દેવાદાર છે. ટૂંકમાં ઘઉં, કાંકરા અને ઈયળ એમ બધું જ આ ચુકાદામાં છે. સાતમી જગ્યાએ અદાલતે અરજદારોના વારંવારના આગ્રહ છતાં ભૂતપૂર્વ ફ્રેંચ પ્રમુખ હોલાંડેના નિવેદનને લક્ષમાં લીધું નથી અને આઠમી જગ્યાએ ફ્રેંચ સરકારની સોદામાં વળતી ગેરંટીના અભાવને પણ લક્ષમાં લીધો નથી. આગલા સોદામાં ફ્રેંચ સરકાર ગેરંટર હતી જે રિલાયન્સવાળા સોદામાં નથી. આ બધા ઉલ્લેખો ઉડાઉ પ્રકારના છે.

આ તો થોડા નમૂના માત્ર છે. આવાં વીસ કરતાં વધુ બાકોરાં છે.

એમ લાગે છે કે અદાલતે બહુ તર્કનો ઉપયોગ કર્યો નથી. નોન એપ્લિકેશન ઓફ માઈન્ડ જેવો ચુકાદો છે. જો ટેકનિકલ વિગતો બહુ સમજાતી ન હોય તો ઍમિકસ ક્યુરીની એટલે કે જાણકાર વ્યક્તિની મદદ લેવાની કાયદામાં જોગવાઈ છે. જજોને આ જગતના દરેક પ્રશ્નો સમજાતા હોય એવું જરૂરી નથી, પરંતુ ખટલા દરેક પ્રકારના આવતા હોય છે અને અદાલતે સાંભળવા પડતા હોય છે. ટેકનીનિકલ બાબત છે અથવા દેશના સંરક્ષણનો મામલો છે એમ કહીને અદાલત હાથ ઊંચા ન કરી શકે. એક શક્યતા એવી પણ છે કે અદાલત દબાવતંત્રનો શિકાર બની હોય. વર્તમાન સરકાર દરેક લોકતાંત્રિક સંસ્થાને દબાવવા દબાવતંત્રનો ઉપયોગ કરે છે.

ખેર હવે શું? ઉત્તમ એ છે કે સર્વોચ્ચ અદાલત પોતાના ચુકાદાને સામે ચાલીને રિવ્યુ કરે. મોકો પણ છે, કારણ કે કેન્દ્ર સરકારે બંધ પરબીડિયામાં ખોટી રજૂઆત કરી હતી. બીજો માર્ગ અરજદારો રિવ્યુ પિટિશન કરે જે પાંચ જજોની ખંડપીઠ સાંભળે. ત્રણ ચુકાદો આપનારા ન્યાયમૂર્તિઓ ઉપરાંત નવા બે. અદાલત આમાંથી કયો રસ્તો અપનાવે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ વિદેશથી પાછા ફરશે એ પછી જાણ થશે. અરુણ શૌરીએ કહ્યું છે કે જજની અદાલતમાં જ્યારે ખટલો ચાલતો હોય છે ત્યારે જજની ન્યાયનિષ્ઠા વિષે પણ સમાંતરે ખટલો ચાલતો હોય છે અને એમાં જજે ખરા ઊતરવું પડતું હોય છે. 

બીજી બાજુ કેન્દ્ર સરકાર જો સતી સાવિત્રી જેવી પવિત્ર હોય તો રાફેલની તપાસ કરવા સંયુક્ત સંસદીય સમિતિ રચવી જોઈએ. બોફોર્સ સોદાની તપાસ કરવા માટે રાજીવ ગાંધીની સરકારે રચી હતી. જી હાં, ક્વૉત્રોચી મામા સામે રાજીવ ગાંધીએ તપાસ થવા દીધી હતી તો અનિલભૈયા સામે પણ થઈ જાય! એમાં ડરવાનું શું છે જ્યારે દામન સાફ છે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 ડિસેમ્બર 2018

Loading

NDTV-ના પ્રણય રૉયને રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપેલા ઉત્તરોથી દેશના વર્તમાનનું જે ચિત્ર ઊપસે છે, તે ખૂબ ધ્યાનપાત્ર છે

સુમન શાહ|Opinion - Opinion|18 December 2018

માનો કે ન માનો ચૂંટણીઓનો મહિમા છે અને છે

ચૂંટણીઓથી ત્રણ હેતુઓ પાર પડે છે

૧૫ ડિસેમ્બરના લેખમાં મેં કહેલું કે સામાન્યજનની કારકિર્દીમાં એ અવસર આવતો જ નથી કે એ રાજકારણવિષયક અધ્યયનો કે સંશોધનો સુધી પ્હૉંચે. એ સંદર્ભમાં એક વાચકે મને લખ્યું કે એવું કોઇ તાજેતરમાં પ્રકાશિત અધ્યયન છે કે કેમ; હોય તો મને સૂચવો.

મેં એને કહ્યું કે મારા મતે NDTV-ના પ્રણય રૉયને રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપેલા ઉત્તરો એ પ્રકારના અધ્યયનનું ફળ છે. એમાંની કેટલીક બહુ જરૂરી વાતો હું ખાસ તમારા માટે મારા આગામી લેખમાં લખીશ, તમે વાંચી શકશો.

એમાંની કેટલીક બહુ જરૂરી વાતો સાદી રીતના સાર રૂપે મારા શબ્દોમાં આ પ્રમાણે છે :

રઘુરામે કહ્યું કે ભારતના વર્તમાન અર્થતન્ત્ર સામે અનેક પડકારો છે જેને નિસબતપૂર્વક સમજવા જરૂરી છે. ત્રણ મોટા પ્રશ્નો છે : ખેતી સંદર્ભે પ્રગટેલી પીડા-યાતના. પાવર સૅક્ટરમાં શરૂ થયેલો મંદવાડ. અને, બૅન્કિન્ગ સિસ્ટમમાં જોવા મળેલી મુશ્કેલીઓ. એમણે જણાવ્યું કે : સંસ્થાઓમાં સરકારની દખલગીરીને લીધે ગ્લોબલ અને ડોમેસ્ટિક ઈન્વેસ્ટમૅન્ટ પર – નિવેશ, થાપણો કે મૂડીરોકાણ પર – અસરો પડી શકે છે. માત્ર દેશના જ નહીં પણ વિદેશી થાપણકારોને પણ વિશ્વાસ પડવો જોઇએ કે કાયદાકાનૂન સચવાયા છે અને દેશ ઠીક પ્રકારે વિકાસોન્મુખ છે : આ વર્ષે વિકાસ વૈશ્વિક સ્તરે ધીમો પડી રહ્યો છે અને બને કે આવતા વર્ષે પણ ધીમો જ રહે : નોટબંધી વિશે ચોખ્ખી છાપ એ છે કે એણે આપણા વિકાસને અસર પ્હૉંચાડી છે. દુનિયા ફાસ્ટ સ્પીડે વિકાસ કરતી’તી પણ આપણે ધીમા પડી ગયા : GST-થી લાંબા ગાળે ફાયદો થઇ શકે છે, હાલ તો એની પ્રારમ્ભકાલીન તકલીફો છે – ટ્રીથિન્ગ પ્રૉબ્લેમ્સ : ભારતીય અને વિદેશી નિષ્ણાતોની એક સ્વતન્ત્ર સંસ્થાની જરૂર છે જે GDP – માપનની સમગ્ર પ્રક્રિયાની જાંચપડતાલ કરી શકે : ગામડાંના લોકો માટે ઢોરઢાંખર ઘરડાં થાય ત્યારે એમનું શું કરવું એ મહા પ્રશ્ન થઇ પડે છે. ગાયોના જતનપૂર્વકના સ્વાસ્થ્ય બાબતે કંઇક ઉપાય યોજીશું તો ગાયને માટે કંઇક કર્યું કહેવાશે. એ રીતે અને વધુ ને વધુ ગૌશાળાઓ ખોલીને ગાયોની કતલ પરના પ્રતિબન્ધને સંતુલિત કરી શકાય : કૃષિને ઉદ્યોગ ગણવાને બદલે વિકાસયન્ત્ર ગણવાની જરૂર છે – ગ્રોથ ઍન્જિન : બેરોજગારી ઘણો ગમ્ભીર મુદ્દો છે. રેલવેની ૯૦ હજાર નોકરીઓ માટે ૨ કરોડ ૫૦ લાખ લોકો ઍપ્લાય કરે છે ! : અર્થકારણમાં સ્ત્રીઓની ભાગીદારી માટે તકો નથી સરજી શકાઇ…

આ લખતો’તો ત્યારે મને થયું કે સામાન્ય નાગરિક પૂછી શકે કે – આ બધી બાબતો અર્થકારણ વિશે છે, રાજકારણ સાથે એનો શો સમ્બન્ધ? મતદાર પાસે ‘લિમિટેડ કૉગ્નિશન’ હોય છે એમાં આ પણ છે કે દેશની અર્થવ્યવસ્થા વિશે એ અણજાણ હોય છે. માત્ર રાજનેતાઓને જોયા કરે છે. એને રાહુલ કે મોદી અથવા કૉન્ગ્રેસ કે ભા.જ.પ. જેવાં દ્વન્દ્વ સિવાયનું ભાગ્યે જ કશું સૂઝે છે. સંગીન અર્થતન્ત્ર કોઇ પણ શાસનનો કે કોઈ પણ દેશના વિકાસનો પાયો છે. આપણે ઈસ્યુબેઝ્ડ પોલિટિક્સની વાતો કરતા હોઇએ તો, દેખીતું છે કે એમાં દેશના અર્થકારણનો મુદ્દો અગ્રિમ ગણાય.

પણ જુઓ, રઘુરામે રાજકારણ અંગે પણ એક ખૂબ વિચારણીય વાત રજૂ કરી છે : એમણે ઓછો જાણીતો શબ્દ પ્રયોજ્યો, ‘મૅજોરિટેરિયનિઝમ’. ‘મૅજોરિટી’ એટલે બહુમતિ. મૅજોરિટીમાં માનનાર ‘બહુમતિવાદી’. બહુમતિવાદીઓના આગ્રહોમાં માનનારાઓનો વાદ તે મૅજોરિટેરિયનિઝમ. આમ તો, બહુમતિ લોકશાહીનો પ્રાણ ગણાય. પણ રઘુરામ એમ કહે છે કે બહુમતિવાદીઓના આગ્રહને કારણે ભાગલા પડે છે – અમુકોને બાકાત કરી દેવાય છે – અમુકોને અંદર લઈ લેવાય છે. ઍક્સ્ક્લુઝન અને ઈન્ક્લુઝન. એમણે કહ્યું કે ભારતમાં આ ચર્ચા સુલભ છે : હિન્દુ મૅજોરિટેરિયનિઝમ સહજ કૅટેગરી છે. અને એમાંથી બાદ કરાયેલી કૅટેગરીઝ છે, ખ્રિસ્તી અને મુસ્લીમ, જે માઈનોરિટીઝ છે. એને પરિણામે, એક સૅટને સરખો ગ્રથિત કરવાને બદલે, દેશને big warring pieces-માં વહેંચી નાખવાનું બને છે. જૂથો પડી જાય અને એકબીજા સાથે સંઘર્ષ કરતાં થઇ જાય. એમની આ વાતમાં બહુમતિનો વિરોધ નથી પણ બહુમતિવાદીઓના આગ્રહોથી થનારા નુક્સાનનો સંકેત છે.

વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોથી ભા.જ.પ.માં માનનારાઓ ‘દુ:ખી’ થયા ને કૉન્ગ્રેસમાં માનનારા ‘સુખી’ થયા. એ પરિણામોની ભૂમિકાએ ૨૦૧૯ની ચૂંટણીઓ વિશે વરતારા ચાલુ થયા છે અને સંભવ છે કે સાચા પડે. પરન્તુ એ વરતારા વચ્ચે રઘુરામે આપેલા ઉત્તરોથી દેશના વર્તમાનનું જે ચિત્ર ઊપસે છે, મને લાગે છે, તે ખૂબ ધ્યાનપાત્ર છે. રઘુરામ રાજન કેટલા સાચા છે એ તો એ ક્ષેત્રના નિષ્ણાતો કહી શકે. એમના કેટલા અને કયા મુદ્દા કયા પક્ષને કેટલા સ્વીકાર્ય છે એ પણ, ન કહી શકાય. પણ કોઈ પણ ક્ષેત્રના એમની કોટિના વિદ્વાનમાં શ્રદ્ધા તો રાખી જ શકાય. અને એવી વ્યક્તિઓના જ્ઞાનને શક્ય એટલું, આમ, પ્રસરાવી શકાય. અને, મતદારના ‘લિમિટેડ કૉગ્નિશન’-નું જે બીજું કારણ આપણી ચર્ચામાં છે એ લિમિટને એ પ્રકારે ઘટાડી શકાય.

એ મૂળ લેખમાં આપણો છેલ્લો મુદ્દો આ હતો : ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર નીપજાવવામાં કામયાબ નથી નીવડતી. ભલે. તો એ કઇ રીતે સારી છે? એથી બીજા કયા હેતુઓ સિદ્ધ થાય છે?

ચૂંટણીઓ ત્રણ હેતુઓ પાર પાડે છે :

૧ : ચૂટણીઓથી કમ્યુનિટી, સમુદાય, કહો કે, એક અલગ પ્રકારની સામાજિકતા પ્રગટે છે. ચૂંટણીઓ આપણને સહભાગી કેમ બનાય એનો રસ્તો બતાવે છે. સૌ જોડાય છે અને સૌને લાગે છે કે પોતે સૌ સરખા છે. માણસને કશા સમૂહના સાથી થવું હંમેશાં ગમે છે. સૌ આપણને જાણે-સમજે અને એથી આપણો દરજ્જો નક્કી થાય, ગમે છે. અને, મનુષ્ય માટે એ બહુ જરૂરી પણ છે.

૨ : ચૂંટણીઓ આપણને મદદ કરે છે કે આપણે નાગરિક રૂપે નાગરિક સંસ્કૃતિમાં ભાગ લઇ શકીએ. એ સંસ્થાઓમાં જોડાઈ શકીએ. એનો સાર અથવા લાભ એ છે કે એમાં સંભવતી કોઇપણ પ્રવૃત્તિની આપણા વડે જિવાઈ રહેલા જીવન પર અસર પડે છે. ચૂંટણીઓથી આપણે વૅલ-બીઈન્ગ માટે જરૂરી એવી ચાવીરૂપ બાબતો સાથે જોડાઇએ છીએ. હક્કો અને ફરજો બાબતે  સુધારા ઈચ્છીએ કે એને સમુચિત ગણીને ચાલીએ, જે કરીએ એ; સમાજે ઘડેલી એ સંસ્થાઓ જ આપણી નાગરિકતાનો હિસ્સો છે.

૩ : ચૂંટણીઓ વૈયક્તિક અને સામુદાયિક અભિવ્યક્તિનું સાધન છે. અભિવ્યક્તિની સ્વતન્ત્રતા અમેરિકન સંસ્કૃતિ માં વણાઈ ગયેલી વસ્તુ છે. વાણી-સ્વાતન્ત્ર્ય તો આપણે ત્યાં પણ ક્યાં નથી? મુક્ત સમાજનો અર્થ જ એ છે કે માણસને વ્યક્ત થવાની મૉકળાશ હોય. માણસોને જો અંકુશો નીચે જીવવાનું હોય કે અવારનવાર સૅન્સરનો ભોગ બનવું પડતું હોય, તો એનો સમાજ મુક્ત નથી.

માનો કે ન માનો, ચૂંટણીઓનો મહિમા છે અને છે. ચૂંટણીઓ લોકશાહીના જેવું જ ટૅરિબલ મિકેનિઝમ છે જે સાધ્યો કે વચનો વિશે માણસને હંફાવે છે, દોડતા રાખે છે. તેમ છતાં ચૂંટણીઓ મૂલ્યવાન છે, મહત્તાપૂર્ણ છે. ચર્ચિલે એટલે જ કહેલું કે બીજા બધા વિકલ્પો નકામા છે…

= = =

[ચૂંટણીવિષયક કેટલીક વાતો : લેખ-ક્રમાંક : ૩ : તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૧૮]

આ એન.ડી.ટી.વી.વાળા ઇન્ટરવ્યૂની લિંક :

https://www.ndtv.com/video/exclusive/ndtv-special-ndtv-24×7/majoritarianism-divides-raghuram-rajan-tells-prannoy-roy-501586

 

Loading

...102030...2,9422,9432,9442,945...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved