Opinion Magazine
Number of visits: 9685623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જી.એસ.ટી.ને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કર્યો હોત તો વખતોવખત સુધારાઓ ન કરવા પડ્યા હોત

રમેશ ઓઝા|Opinion - Opinion|20 December 2018

ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં થયેલા પરાજય પછી શાસક પક્ષ દરેક દિશા ફંફોળી રહ્યો છે. આકરું હિન્દુત્વ, કોમી ધ્રુવીકરણ અને અયોધ્યા? એક વિકલ્પ છે, ચૂંટણી પહેલાં અપનાવ્યો પણ હતો; પરંતુ પરિણામો પછી જરા વિશ્વાસ ડગમગી ગયો છે. આ ઉપરાંત સંઘપરિવારે રામજન્મભૂમિ માટે દેશભરમાં જે યાત્રા કાઢી હતી તેને મળેલા અત્યંત મોળા પ્રતિસાદે પણ બી.જે.પી.ના નેતાઓને વિચારતા કરી મુક્યા છે. મંગળવારે દિલ્હીમાં બી.જે.પી.ની સંસદીય પક્ષની બેઠક મળી હતી જેમાં છેક છેલ્લે ત્રણ સભ્યોએ અયોધ્યામાં મંદિર બાંધવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ બેઠકમાં કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સભ્યોએ ધીરજ ધરવી જોઈએ. બી.જે.પી.ના દરેક સભ્યના હ્રદયમાં ભગવાન રામ અને રામમંદિર છે જ.

રાજનાથ સિંહે મંદિર બાંધવા માટે વટહુકમ કાઢવાનું કે ખરડો લાવવાનું કોઈ વચન આપ્યું નહોતું. જો ત્રણ રાજ્યોમાંથી બે રાજ્યોમાં અને કમસેકમ એક રાજ્યમાં બી.જે.પી.ને વિજય મળ્યો હોત અને મંદિર માટેની યાત્રાઓને સારો પ્રતિસાદ મળ્યો હોત તો બી.જે.પી.એ છીંડે ઊભેલા હિંદુને કોમી હિંદુ બનાવવામાં અને વાડામાં લેવામાં કોઈ કસર ન છોડી હોત. બી.જે.પી.ને ડર છે કે કોમી ધ્રુવીકરણ કરવામાં ક્યાં ય વિકાસલક્ષી હિન્દુઓના મત પણ ન ગુમાવવા પડે. હજુ સુધી એ ભરોસો રાખીને બેઠો છે કે નરેન્દ્ર મોદી અનુકૂળતા મળ્યે વિકાસના મોરચે બનતું કરી છૂટશે. આમ હિન્દુત્વ એ એક વિકલ્પ છે, પરંતુ નિ:શંક થઈને આંખ વિંચીને શરણે જવાય એવો ભરોસાપાત્ર વિકલ્પ નથી લાગતો.

બીજો વિકલ્પ વિકાસના મોરચે કાંઈક કરી છૂટવાનો છે અને એમાં પણ ખાસ કરીને ગ્રામીણ ભારત માટે, ખેડૂતો માટે અને શહેરમાંના નાના વેપારીઓ માટે. અત્યારની સરકારની ઈમેજ અને બી.જે.પી.ની ઈમેજ ઉદ્યોગપતિઓ માટેની સરકાર અને ઉદ્યોગપતિઓ માટેના પક્ષ તરીકેની બની ગઈ છે. આ ઈમેજ તોડવી જરૂરી છે. ખેડૂતોનાં દેવાં માફ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારે નહીં ભરાયેલા વીજળીના બીલમાં માફી આપી છે. આસામની બી.જે.પી.ની સરકારે ખેડૂતોનાં દેવાં માફ કર્યા છે. એમ પણ કહેવાય છે કે કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતોના સામૂહિક દેવાં માફ કરશે જે રીતે ૨૦૦૮માં ડો. મનમોહન સિંહની સરકારે કર્યા હતાં. કેન્દ્રના ટેલિકોમ્યુનિકેશન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને પડકાર્ય હતા કે કૉન્ગ્રેસે કેમ ક્યારે ય ૬૦ વરસમાં દેવાં માફ નહોતાં કર્યાં? રવિશંકર પ્રસાદ માત્ર દાયકા જૂની ઘટના ભૂલી ગયા લાગે છે. હકીકતોની ચકાસણી કર્યા વિના બોલવું એ બી.જે.પી.ની સામૂહિક બીમારી બની ગઈ લાગે છે.

વડા પ્રધાને શહેરી વેપારીઓને રાહત આપતા કહ્યું છે કે જી.એસ.ટી.માં ૨૮ ટકાના સ્લેબમાં જેટલી આઈટમો આવે છે એમાંથી ૯૯ ટકા આઈટમોને તેમાંથી ખસેડીને ૧૮ ટકા કે એનાથી નીચેના સ્લેબમાં મુકવામાં આવશે. આ સારો નિર્ણય છે અને ઘણો વહેલો લેવાવો જોઈતો હતો. જી.એસ.ટી. હેઠળ જેટલી ચીજો આવે છે એને ૧,૨૧૧ વર્ગોમાં વહેંચવામાં આવી છે અને તેને જુદાજુદા સ્લેબમાં મુકવામાં આવી છે. આ ૧,૨૧૧ વર્ગોમાંથી ૩૭ વર્ગની ચીજો ૨૮ ટકામાં છે. હવે એમાંથી ૯૯ ટકા હટાવવામાં આવશે એટલે બહુ ગણીગાંઠી ચીજો ૨૮ ટકામાં રહેશે.

સાચી વાત તો એ છે કે કેન્દ્ર સરકારે જી.એસ.ટી.નાં મૂળ સ્વરૂપ સાથે માત્ર અલગ પડવા માટે કારણ વગર ફેરફાર કર્યા એ તેને મોંઘા પડી રહ્યા છે. જી.એસ.ટી.ની પ્રક્રિયા ૨૦૦૩થી શરૂ થઈ હતી. ૧૪ વરસમાં સેંકડો બેઠકો અને હજારો લેખિત સૂચનો પછી જી.એસ.ટી.ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ તો જો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને લોકસભામાં બી.જે.પી.એ વિરોધ ન કર્યો હોત તો જી.એસ.ટી. ૨૦૧૧-૨૦૧૨માં લાગુ થઈ ગયો હોત. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી જી.એસ.ટી.ને લાગુ તો કર્યો હતો, પરંતુ કારણ વિના ફેરફાર કરીને. સેંકડો બેઠકો અને હજારો સૂચનો સાંભળ્યા પછી જેની બાબતે ઠીકઠીક પ્રમાણમાં સર્વસ્વીકૃતિ બની હતી એમાં વિચાર્યા વિના ઉતાવળે ફેરફારો કરાયા હતા. શા માટે? આગલી સરકાર કરતાં અમે અનોખા છીએ એ બતાવવા માટે. વિચાર્યા વિનાનું, ઉતાવળિયું અને એક કૂદકાવાળું અનોખાપણું હવે ભારી પડી રહ્યું છે. રાતના બાર વાગે સંસદની બેઠક બોલાવીને દેશને જાણે કે આઝાદી મળી હોય એવો જે તમાશો યોજ્યો હતો એની વાત જવા દઈએ.

હવે બી.જે.પી.ના નેતાઓ અને મુખ્ય પ્રધાનો દેશભરમાં પત્રકાર પરિષદો યોજી રહ્યા છે. થોડા મહિના પહેલાં અમિત શાહે દેશના પ્રતિષ્ઠિત લોકોને મળવાનું શરૂ કર્યું હતું એ અભિયાનનું શું થયું એ આપણે જાણતા નથી. એમ લાગે છે કે એને સમેટી લેવામાં આવ્યું છે. આવતા વરસે નરેન્દ્ર મોદી પાછા સત્તામાં આવશે કે કેમ એની જ્યારે ખાતરી ન હોય ત્યારે દરેક જણ બહુ નજીક જવામાં ડર અનુભવતા હશે. જે પ્રકારની સેલેબ્રિટીઝને અમિત શાહ મળતા હતા એમાંના બહુ ઓછાં મૂલ્યોની ખેવના કરનારાં છે અને હિંમત તો બહુ દૂરની વાત છે. હવે દેશભરમાં પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે.

ચારેકોરથી માગણી થઈ રહી છે કે વડા પ્રધાને પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ અને પત્રકારોના પ્રશ્નો સામી છાતીએ લેવા જોઈએ. રાહુલ ગાંધી રોજ ટોણા મારે છે, પરંતુ મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ટોણો માર્યો. તેમણે તેમનાં પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમને મૂંગા વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ પત્રકારોથી દૂર ભાગનારા ડરપોક વડા પ્રધાન નહોતા. તેમણે પત્રકાર પરિષદો સંબોધી છે, વિદેશ પ્રવાસમાં પત્રકારોને સાથે લઈ ગયા છે, વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરી છે વગેરે, અને પછી ઉમેર્યું હતું કે જે પુસ્તકનું વિમોચન થયું છે એમાં તેની વિગતો મળશે. દેશમાં ખૂણેખૂણે સિપાઈઓ પત્રકારોનો મુકાબલો કરશે, પણ સેનાપતિ નહીં કરે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 ડિસેમ્બર 2018

Loading

જેના ખીસામાં નાણાં છે તે આ દુન્યામાં શ્યાણાં છે પૈસા હોય નહીં પાસે તે ડાહ્યા ભી દીવાના છે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 December 2018

હૈયાને દરબાર

ગુજરાતી રંગભૂમિનાં અમર ગીત, સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની વિશે એક અઠવાડિયા પૂર્વે આપણે વાત કરી. પરંતુ, તમે જાણો છો કે ગુજરાતી રંગભૂમિની જનેતા કોણ છે? ૧૯મી સદીના પાંચમા દાયકા પહેલાં, ગુજરાત પાસે પોતાની રંગભૂમિ નહોતી. એ વખતે અન્ય જાહેર ક્ષેત્રોની જેમ પારસીઓએ રંગભૂમિને વ્યવસ્થિત આકાર આપવા માટે આગેવાની લીધી હતી. એ રીતે ગુજરાતી રંગભૂમિને જન્મ આપવાનો યશ પારસીઓને જાય છે.

પારસી રંગભૂમિનાં ગીતો એટલે ખડખડાટ હાસ્ય, રમૂજવૃત્તિ અને નિખાલસતા. એમાં ઠઠ્ઠા-મશ્કરી પણ ભળે. પારસી રંગભૂમિના જ્ઞાતા ડૉ. રતન માર્શલ નોંધે છે એમ પારસીઓની રમૂજવૃત્તિનું કારણ એમના ધર્મમાં પલાયનવાદ(એસ્કેપિઝમ)નો અભાવ. એમનો ધર્મ સંસારનો ત્યાગ ન કરતા સંસારમાં જ રહીને સીધા માર્ગે, મર્યાદામાં રહી જીવનનો આનંદ માણવાનું કહે છે. તેઓ માને છે કે જે જીવ યોગ્ય માર્ગે જીવન જીવે એ ઈશ્વર-અહુરમઝદની સૃષ્ટિ રચના અને એના સંચાલન કાર્યમાં સહાય કરે છે. કદાચ આથી જ પારસીઓમાં જીવનનો સાચો આનંદ અને પોતાના આનંદ તેમ જ સુખસાધન સંપત્તિમાં બીજાને ભાગીદાર બનાવીને માણવાની વૃત્તિ સવિશેષ જોવા મળે છે.

રંગભૂમિ પરત્વેની નિષ્ઠાને કારણે દાદાભાઈ નવરોજીના આશીર્વાદથી ઈ.સ. ૧૮૫૩ના ઓક્ટોબરમાં પારસીઓ દ્વારા નાટ્ય મંડળી ક્લબ ખોલવામાં આવી, જે ‘પારસી નાટક મંડળી’ નામે પ્રસિદ્ધ થઈ હતી. આ નાટ્ય મંડળીનું સંચાલન વર્ષો સુધી ફરામજી ગુસ્તાદજી દલાલે કર્યું હતું. આ નાટક મંડળીએ ‘રૂસ્તમ અને સોરાબ’ નામનું પહેલું ગુજરાતી નાટક રજૂ કરી ગુજરાતી રંગભૂમિનું મંગલાચરણ કર્યું હતું . ‘રુસ્તમ સોરાબ’માં રુસ્તમના પાત્રે અસલી ઘોડા પર એન્ટ્રી મારીને પહેલા જ પ્રયોગમાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં. જૂની પારસી રંગભૂમિના ભીષ્મ પિતામહ કેખશરૂ કાબરાજી હતા. તેઓ નાટ્યકાર, પત્રકાર, સાહિત્યકાર, એકટર હતા. તેમના હરીશચંદ્ર નાટકના ૧,૧૦૦ શો થયા હતા. નવી રંગભૂમિના પિતામહ અદી મર્ઝબાન હતા. તેમણે ૧-૨ સેટમાં ૨, ૫-૩ કલાકમાં નાટક ભજવાય તેવાં નાટકો તૈયાર કર્યાં હતાં.

૧૮૫૩થી ૧૮૬૯ વચ્ચે લગભગ વીસ અવેતન નાટક મંડળીઓની સ્થાપના થઈ જેના વ્યવસ્થાપકો, દિગ્દર્શકો અને અભિનેતાઓ પારસી હતા. એ સમયે અંગ્રેજી નાટકોનું રૂપાંતર કરીને પારસી-ગુજરાતી નાટકો ભજવવાની શરૂઆત થઇ હતી. ‘રૂસ્તમ અને સોરાબ’ પછી સુરતની એક ક્લબે શેક્સપિયરના નાટક ‘ધ ટેમિન્ગ ઑફ શ્રુ’નું ગુજરાતી રૂપાંતર ‘નઠારી ફિરંગણ ઠેકાણે આવી’ કરીને ભજવ્યું હતું. કેખશરૂ કાબરાજીએ ૧૮૬૭માં ‘વિક્ટોરિયા નાટક મંડળી’ સ્થાપી. પારસી રંગભૂમિના ઇતિહાસમાં સૌથી દીર્ઘ આયુષ્ય ભોગવનારી બે મહાન નાટક મંડળીઓ ‘વિક્ટોરિયા નાટક મંડળી’ અને ‘આલ્ફ્રેડ નાટક મંડળી’નું પારસી રંગભૂમિ ક્ષેત્રે ઘણું મહત્ત્વ રહ્યું. નાટકમાં સ્ત્રીપાત્રને ઉતારવાનો પ્રથમ અખતરો પારસી શખસ દાદી પટેલે કર્યો હતો.

અત્યારની પારસી રંગભૂમિના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને રમૂજના રાજા એવા સુરતસ્થિત યઝદી કરંજિયા જૂની પારસી રંગભૂમિનાં એ દિવસો યાદ કરતાં કહે છે, "પારસી રંગભૂમિ એટલે હાસ્યનો ધોધ. આટલાં વર્ષોમાં માંડ એકાદ બે સિરિયસ નાટકો થયાં હશે! મેં પોતે કેટલાં બધાં ગીતો પારસી રંગભૂમિ પર ગાયાં છે. બધાં ગીતો કોમેડી. તમને બે-ત્રણ ઉદાહરણ આપું. એક ગીત એવું હતું જેમાં કહે છે કે જમાનો બદલાયો છે તે લોકો તમે ચેતો.

ફેરવાયો છે આજ જમાનો કોણ સૂણે ફરિયાદ
ઘરમાં ધણીઓને નહીં દાદ…!

બીજું એક ગીત છે :

પપ્પા બૈરી અપાવો રે, પ્રોમીસ આપ્યું છે મને પુરીએ
એના વગર નહીં હું જીવી શકસ, ઝૂરી ઝૂરી મરી જવસ

ત્યારે બાપ કહે :

દીકરા ઉતાવળ ના કર, તું સબૂરી પકડ
બૈરી તને અપાવસ, ધાંધલ ધરપત તું ના કર…!

આવાં તો કંઈ કેટલાં ય ગાયનો અમે ગાયાં છે.

યઝદીભાઈએ પારસી રંગભૂમિને અઢળક નાટકો આપ્યાં છે. ૮૨ વર્ષની વયે પણ નાટ્ય ક્ષેત્રે કાર્યરત યઝદીભાઈ ૬૦-૭૦ વર્ષ પહેલાંના જમાનાની વાત કરતાં કહે છે, "એ વખતે મનોરંજનના કોઈ સાધનો ન હોવાથી લોકો નાટક-ચેટક પ્રત્યે ખૂબ આકર્ષાતા. નાટ્યક્ષેત્રે મારો પ્રવેશ પણ બહુ નાટકીય હતો. મારા પિતા કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ નામની વાણિજ્ય સંસ્થા ચલાવે, જેમાં એકાઉન્ટ્સ, ટાઈપ રાઇટિંગ બધું શીખવાડે. એનું વાર્ષિક સ્નેહ સંમેલન એકવાર યોજાયું હતું, જેમાં એમણે એક નાટક કરવાનું હતું. રિહર્સલ તો ઘરમાં જ ચાલે. એ જોવા અમે બધા બેસીએ. પિતાજીએ એમના ફાધર એટલે કે મારા દાદાને આ સ્નેહ સંમેલનમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. દાદાને મારા ઉપર ખૂબ પ્રેમ એટલે એમણે કહ્યું કે આ નાલ્લા યઝદીને નાટકમાં ઊતારો તો હું જોવા આવીશ. પપ્પાને હવે છૂટકો નહોતો એટલે નાટકમાં આવતા રાસલીલાના એક દૃશ્યમાં મને કૃષ્ણ તરીકે ઊભો રાખી દીધો. મારે બીજું કંઈ કરવાનું નહોતું. કૃષ્ણની જેમ ફક્ત પગ ક્રોસ કરીને ઊભા રહેવાનું અને હાથમાં વાંસળી ઝાલી રાખવાની. રાસલીલામાં બધા હૃષ્ટપુષ્ટ છોકરાઓ હતા. છોકરીઓનો વેશ પણ છોકરાઓ જ ભજવે ને એવી ધમધમાટી બોલાવે કે દાંડિયા તૂટી જાય. એટલે એમને બાવળના દાંડિયા પકડાવવામાં આવ્યા હતા. બસ પછી તો એ બધા એવા ધમ ધમ પગ પછાડી ગોલ ગોલ ફરીને રાસલીલા કરવા માંડ્યા કે મારા તો ક્રોસ કરેલા પગ ખૂલી ગયા અને હું તો વાંસળી પકડીને ઊભો જ રહી ગયો. રાસ પૂરો થયો ને બધાં સ્ટેજ પરથી જતાં હતાં ત્યારે એમના પગ ભીના થયા. બધા સમજી ગયા અને મશ્કરી કરી બોલવા લાગ્યા કે આ કૃષ્ણે જ ‘લીલા’ કરી લાગે છે. ખરે જ હું એવો ડરી ગયો હતો કે પૂછો નહિ! આવો હતો મારો પહેલો પરફોર્મન્સ!

જો કે હજુ એમને કોઈ ગંભીરતાપૂર્વક અદાકાર બનાવવા તૈયાર નહોતું. "એક તો હું બટકો અને ઉંમરમાં નાનો. પણ એક વાર મારા પપ્પાની શાળાની શતાબ્દીની ઉજવણી હતી. એમાં જે છોકરો સ્ત્રીપાત્ર કરતો હતો એને કાર્યક્રમના આગલા જ દિવસે અછબડા થયા. હવે છેલ્લી ઘડીએ કોને રાખવો એટલે પિતાજીએ મને પૂછ્યું કે દીકરા, તું આ રોલ કરશે? ઘરમાં જ રિહર્સલ ચાલે એટલે પાત્રના ડાયલોગ મને મોઢે જ હતા, એટલે મેં હા પાડી. પણ તકલીફ એ હતી કે સ્ત્રીપાત્રમાં મારાથી પ્રવેશાય નહીં. "હું આવી કહેવાનું હોય ત્યાં "હું આવ્યો એવું જ બોલાઈ જાય. બાપાએ બે-ચાર વખત ધોલ-ધપાટ કરી એટલે પછી યાદ રહી ગયું. એ નાટક તો એવું ઊપડ્યું કે મને તો એમ થયું કે આપણે બહુ મોટા કલાકાર થઈ ગયા. નાટક પૂરો થયા પછી મને પાંચ રૂપિયાનો સરપાવ અને કેટકેટલી ગિફ્ટ મળી હતી! આપણે તો ધરતીથી ઉપર ચાલવા લાગ્યા હતા. ત્યાર બાદ દિલ્હીના નેશનલ ફેસ્ટિવલમાં અમે ચં.ચી. મહેતાનું નાટક ‘મૂગી સ્ત્રી’ કર્યું. એ પણ ખૂબ સરસ ગયું અને મને બેસ્ટ એક્ટરનું પ્રાઈઝ મળ્યું. બસ, ત્યાર પછી પાછું વાળીને જોયું નથી. આજે અમારું આખું કુટુંબ નાટ્ય જગત સાથે સંકળાયેલું છે.

એ જમાનામાં લેખકો, દિગ્દર્શકો, કલાકારો પણ નાટ્ય પ્રત્યે સમર્પિત હતા. હંમેશાં એકબીજાને મદદ કરવા તત્પર રહેતા. મુંબઈના ફિરોઝ આંટિયાએ મારું નાટક ‘મૂગી સ્ત્રી’ જોયું અને એમને ઘણું ગમ્યું હતું. એમણે કરેલું એક નાટક ‘વાહ રે બહેરામ’ પણ બહુ સરસ હતું. મને એ નાટક સુરતમાં કરવાની ઈચ્છા હતી એટલે મેં એમને પૂછ્યું કે આ તમારું નાટક હું સુરતમાં કરું અમારી ટીમ સાથે? તો એ કહે કે ભલે, કર. પણ મારી રોયલ્ટીનું શું? હવે મને તો રોયલ્ટી ફોયલ્ટી શું એ કંઈ ખબર જ નહોતી. તે મને કહે, "ગધેરા, અમારી પાસેથી નાટક લેવું હોય તો લેખકને પૈસા આપવા પડે. ૨૫ રૂપિયા આપવા પડશે! એ જમાનામાં ૨૫ રૂપિયા એટલે અધધધ! જેમ તેમ કરીને મારી પાસેથી ૧૮ રૂપિયા નીકળ્યા. હું આપવા માંડ્યો એટલે મને કહે કે જા જા દીકરા, તું નાટક કર. જો સફળ અને સરસ થાય તો એ જ મારું મહેનતાણું! આવા કદરદાન લોકો હતા એ વખતે.

કેટલાં ય પારસી નાટકોનાં પાંચસોથી વધુ શો કરી ચૂકેલા તથા ૩૦૦થી વધુ રેડિયો નાટક કરનાર યઝદીભાઈને મોરારિબાપુને હસ્તે પ્રતિષ્ઠિત નટરાજ એવૉર્ડ મળી ચૂક્યો છે. એ પોતે કેટલા ઉદાર છે એ કથા પણ સાંભળવા લાયક છે. "નાટ્યક્ષેત્રે મારી સફળતા અને નિષ્ઠા જોયા પછી પપ્પાએ મારી પાસે એક વચન માંગ્યું હતું કે દીકરા, તારો શોખ પૂરો કરજે પણ નાટકમાંથી કમાણી કરતો નહીં. કલાકાર માટે કલા એ ઈશ્વરની ઈબાદત છે. અને એ વચન મેં આજ દિન પર્યંત નિભાવ્યું છે. હું મારી પ્રશસ્તિ નથી કરતો પરંતુ મારે કહેવું જોઈએ કે અત્યાર સુધી અમારા નાટકોમાંથી લગભગ ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા દાનમાં આપવા અમે સહાયભૂત થયાં છીએ. નાટકનો ખર્ચ પૂરો લઈ લઉં પણ બાકીના રૂપિયા આયોજકોના. ૨૦૦૧ની સાલમાં કચ્છ-ગુજરાતમાં ભયાનક ધરતીકંપ થયો એ વખતે અમે બેંગલોર નાટક કરવા માટે ગયા હતા. જલારામ મંદિરના લાભાર્થે શો હતો. એ વખતે મેં આયોજકોને વિનંતી કરી કે નાટકના ઇન્ટરવલ વખતે અમે ઝોળી લઈને ફરીશું અને એમાંથી જે રૂપિયા મળશે તે અમને કચ્છ મોકલવાની ઈચ્છા છે. મારો દીકરો શેહઝાદ સુંદર ગાઇ શકે છે. દીકરી વક્તા છે. એણે દર્શકોને અપીલ કરી. મારા દીકરાએ વૈષ્ણવજનની ધૂન શરૂ કરી ને ઝોળી છલકાવા લાગી. આયોજકોએ પણ પૂરો સહકાર આપી અમને એકને બદલે ચાર નાટકના શો આપ્યા. તમે માનશો, આ ચાર શોમાંથી રૂપિયા ૪૬ લાખ ઊભા કરી અમે કચ્છ મોકલી આપ્યા હતા.

આવી તો કેટકેટલી વાતો પારસી રંગભૂમિ સાથે સંકળાયેલી છે. હજુ થોડાં ગીતો અને પારસીઓના સંગીત ક્ષેત્રે પ્રદાનની રસપ્રદ વાતો બાકી છે. આવતા અંકે એ પૂરી કરીશું. જૂની પારસી રંગભૂમિનાં ગીતો તો તમને એ પેઢી પાસે એમના મોઢેથી જ સાંભળવા મળી શકે. ઇન્ટરનેટ પર આધુનિક પારસી ગીતો સાંભળવાની મજા આવશે, ટ્રાય કરજો. ક્રિસમસ કેરલ્સ જેવા ટ્યુનમાં ઘણાં ગીતો છે. એ રીતે ક્રિસમસની ઉજવણી પણ થઇ જશે.

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ડિસેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=455518

Loading

કાયદો સજ્જન કુમારને કોલરથી પકડી શક્યો એનું કારણ અપવાદરૂપ જજોની ફરજપરસ્તી અને લાજશરમ છે, વ્યવસ્થા નથી. અત્યારે જે અપવાદ છે એ નિયમ બનવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|19 December 2018

મેં મારી કોલમમાં એકાદ-બે વાર લખ્યું છે કે આઝાદ ભારતનાં કપાળ પર પાંચ કલંક લાગેલાં છે એમાં એક ૧૯૮૪માં મુખ્યત્વે દિલ્હી શહેરમાં અને ઉત્તર ભારતમાં સિખોનો કરવામાં આવેલો નરસંહાર છે. એ નરસંહારમાં એકલા દિલ્હી શહેરમાં ૨,૭૩૩ સિખોની હત્યા કરવામાં આવી હતી અને ઉત્તર ભારતમાં કુલ મળીને ૩,૩૫૦ સિખોની હત્યા કરવામાં આવી હતી. બીજાં ચાર કલંકો છે; મહાત્મા ગાંધીની હત્યા, ઈમરજન્સી, બાબરી મસ્જિદને તોડી પાડવી અને ૨૦૦૨માં ગુજરાતમાં કરવામાં આવેલો મુસલમાનોનો નરસંહાર. ત્રણ કલંક હિન્દુત્વવાદીઓએ દેશના કપાળે લગાડયાં છે અને બે કૉન્ગ્રેસે.

અહીં ગણાવવામાં આવેલાં પાંચ કલંક ભૂંસી શકાય એમ નથી, પણ એક કલંક એવું છે જે ભૂંસી શકાય એમ છે, પણ જાણીબૂજીને ભૂંસવામાં આવતું નથી અને એ છે; બિસ્માર ન્યાયતંત્ર. બિસ્માર કાનૂની પ્રક્રિયા (ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ. દિલ્હીમાં સિખોનો નરસંહાર ૧૯૮૪માં થયો હતો અને આજે ૩૪ વરસ પછી ન્યાય મળ્યો છે અને એ પણ આંશિક. દિલ્હીના કૉન્ગ્રેસી નેતા સજ્જન કુમારને દિલ્હીની વડી અદાલતે આજીવન કારાવાસની સજા કરી છે. હજુ તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ બાકી છે. આંશિક એ અર્થમાં પણ ખરો કે નરસંહારનું નેતૃત્વ કરવાનો જેના ઉપર આરોપ હતા અને જેની સંડોવણી વિષે લોકો ખાતરીથી કહે છે એવા કેટલાક લોકો સત્તા ભોગવીને ઉપર પણ જતા રહ્યા છે. પદ અને પ્રતિષ્ઠા ભોગવીને તેઓ ઉપર જતા રહ્યા ત્યાં સુધી લકવાગ્રસ્ત ન્યાયતંત્ર તેમની ગરદન સુધી પહોંચી શક્યું નહોતું. તમને યાદ હશે કે એ જ વરસમાં, ઇન્દિરા ગાંધીની હત્યા પછી તરત ભોપાળમાં ગેસગળતરની ઘટના બની હતી જેમાં ૩,૭૦૦ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોના સગાંઓને હજુ આજે પણ ન્યાય નથી મળ્યો.

દિલ્હીની વડી અદાલતના ચુકાદાનું સ્વાગત કરતાં કેન્દ્રના કાયદા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે કૉન્ગ્રેસને તેના પાપની સજા મળી છે. તેઓ બીજા કોઈ ખાતાના પ્રધાન હોત તો પ્રતિવાદ કરવાની જરૂર નહોતી, પરંતુ અરુણ જેટલી કાયદા પ્રધાન છે ત્યારે પૂછવું જોઈએ કે ૩૪ વરસે એક માણસને સજા થાય અને બાકીના બીજા આરોપીઓ પદ અને પ્રતિષ્ઠા ભોગવીને સજા પામ્યા વિના કુદરતી મૃત્યુ પામીને જતા રહે એને પાપની સજા કહેવાય? બીજું દેશને પાપની સજાની જરૂર નથી, ગુનાની સજા જોઈએ છે અને એ પણ બાંધી મુદ્દતમાં કાયદા દ્વારા ખટલો ચાલ્યા પછી કસુરવાર હોય તો જ. આ દેશના કાયદા પ્રધાન – જે પોતે ખ્યાતનામ વકીલ છે – તે કાયદાની, કાયદાના પહોંચની અને કાયદાના રાજની વાત કરવાની જગ્યાએ પાપ-પુણ્યની વાતો કરતા હોય ત્યાં તમે ન્યાયની શું અપેક્ષા રાખો?

આજકાલ અરુણ જેટલી બ્લોગ ઉપર જેટલા સક્રિય છે એટલા તેમના મંત્રાલયમાં સક્રિય નથી. એમ લાગે છે કે તેમણે દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓનો ચુકાદો વાંચ્યા પહેલાં ઉતાવળે પ્રતિક્રિયા આપી છે. ન્યાયમૂર્તિઓએ તેમના ચુકાદામાં કહ્યું છે કે દેશ આઝાદ થયો એ પછીથી રાજકીય લાભો માટે ગણતરીપૂર્વકનું કોમી ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે અને એમાં જીનોસાઈડ (ગણતરીપૂર્વકનો એક જ કોમનો નરસંહાર) કરવાની ઘટનાઓ પણ બનતી આવી છે જે શરમજનક છે. જજસાહેબોએ આવી ઘટનાઓને ક્રાઈમ્સ અગેન્સ્ટ હ્યુમેનિટી તરીકે ઓળખાવી છે. આવી ઘટનાઓમાં ન્યાયમૂર્તિઓએ ૧૯૯૩ની મુંબઈની ઘટના, ૨૦૦૨ની ગુજરાતની ઘટના, ૨૦૦૮ની ઓડીશામાં બનેલી કંધમાલની ઘટના અને ૨૦૧૩માં ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરમાં બનેલી ઘટનાઓને ઓળખાવી છે. આ બધી ઘટનાઓમાં લઘુમતી કોમને ટાર્ગેટ કરવામાં આવી હતી અને ગુનેગારો હિન્દુત્વવાદીઓ હતા. આમાંની કોઈ ઘટનામાં એકેએક ગુનેગારોને હજુ સુધી સજા થઈ નથી અને જે થઈ છે એ નાના ગુનેગારોને થઈ છે.

દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓએ આપેલો ચુકાદો મનનીય છે. તેમણે કહ્યું છે કે રાજકીય ઈરાદાથી કરવામાં આવતા સામૂહિક નરસંહારને કોમી હુલ્લડ તરીકે ખપાવીને જે રીતે ઉપલબ્ધ ફોઝદારી કાયદાઓ હેઠળ ખટલા ચલાવવામાં આવે છે એ પર્યાપ્ત નથી. આમાં ગુનાનો શિકાર બનેલાઓને ન્યાય મળતો નથી અને મળે તો પણ એ કલંક મિટાવી શકે એમ નથી. હજાર-બે હજાર માણસોની પ્રતિક્રિયાને નામે હત્યા કરવામાં આવે એ સભ્ય દેશમાં કેમ ચલાવી લેવાય? દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓએ સામૂહિક નરસંહાર માટે અલગ અને આકરા કાયદા ઘડવાની ભલામણ કરી છે. ખાસ અદાલત પણ હોઈ શકે. કેન્દ્રના કાયદા પ્રધાને આ વિષે પણ પોતાનો મત આપવો જોઈએ.

૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી નવી રચાયેલી રાજીવ ગાંધીની સરકારે કૉન્ગ્રેસીઓને ત્રણ દિવસ આપ્યા હતા. ત્રણ દિવસમાં વેર વાળવું હોય એટલું વાળી લો. પોલીસ આંખ આડા કાન કરશે અને લશ્કરને મોડેથી મુકવામાં આવશે. ન્યાયમૂર્તિ સીકરીના લોકપંચમાં આ હકીકત સાબિત થઈ ગઈ છે. આવું જ ૨૦૦૨માં ગુજરાતમાં થયું હતું. ત્રણ દિવસ. કાયદો હાથમાં લો અને વેર વાળો. એવી ઊભી કોમી તિરાડ પાડો કે આપોઆપ મત ઝોળીમાં આવી જાય. ત્રણ દિવસ પછી વડા પ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે એ તો વડલો જ્યારે ધરાશયી થાય ત્યારે થોડી ધરતી તો ધ્રુજે, જેમ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ક્રિયા સામે પ્રતિક્રિયા તો પેદા થાય એમાં નવું શું છે? વિજ્ઞાનનો નિયમ છે. આ બન્ને નિવેદનો અસંવેદનશીલતાની ચરમસીમારૂપ હતાં.

એટલે તો દિલ્હીની વડી અદાલતના ન્યાયમૂર્તિઓએ સજ્જન કુમારના બચાવમાં કરવામાં આવેલી દલીલો ફગાવી દેતા સવાલ કર્યો છે કે પ્રતિક્રિયા આવી હોય? એક જ કોમને ટાર્ગેટ બનાવવામાં આવે, વીણીવીણીને મારવામાં આવે, ત્રણ ત્રણ દિવસ સુધી સ્થિતિ કાબૂમાં લેવામાં ન આવે, પોલીસ આંખ આડા કાન કરે અથવા ગુનામાં ભાગીદાર હોય અને એ પછી ક્યારે ય અંત ન આવે એવી તપાસોની વણઝાર શરૂ થાય. આને ગુસ્સે ભરાયેલા લોકોની પ્રતિક્રિયા કહેવાય કે નરસંહાર કહેવાય? ન્યાયમૂર્તિઓએ કહ્યું છે કે દસ જેટલી કમિટીઓ અને તપાસપંચોએ તપાસ કર્યા પછી છેક ૨૧ વરસે સજ્જન કુમાર સામે તપાસ થઈ હતી અને આરોપનામું નોંધાયું હતું. એમાં પણ નીચલી અદાલતે તો સજ્જન કુમારને નિર્દોષ છોડી મુક્યા હતા. વડી અદાલતે કાચો ચુકાદો આપવા માટે નીચલી અદાલતની ટીકા કરી છે અને ભોગ બનેલાઓને ન્યાય મળતાં ૩૪ વરસ લાગ્યાં એ માટે ખેદ પણ પ્રગટ કર્યો છે.

કાયદાના હાથ લાંબા હોય છે, સત્યનો વિજય થઈને જ રહે છે, પાપની સજા મળતી જ હોય છે, દેર હોય છે પણ અંધેર નહીં વગેરે વાતો કરીને આશ્વાસન મેળવવાનો કોઈ અર્થ નથી. કાયદાની પ્રક્રિયા અને ન્યાયતંત્ર સક્ષમ હોવાં જોઈએ અને એ માટે નાગરિક સમાજે ઊહાપોહ કરતા રહેવું જોઈએ. કાયદો સજ્જન કુમારને કોલરથી પકડી શક્યો એનું કારણ જજોની ફરજપરસ્તી અને લાજશરમ છે. હિંસક રાજકારણનો શિકાર બનેલા નિર્દોષ વિક્ટિમને ન્યાય પણ ન આપી શકીએ તો આપણે શેના ન્યાયાધીશ અને આ ખુરશી પર બેસવાનો શો અર્થ એવું વિચારનારા જજો દેશને હજુ સુધી તો મળતા રહે છે. આવા જજોના કારણે રાહત મળે, કહો કે નિરાશામાં કળ વળે એવી સુખદ ઘટનાઓ અદાલતોમાં સર્જાતી રહે છે. અત્યારે જે અપવાદ છે એ નિયમ બનવો જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 ડિસેમ્બર 2018

Loading

...102030...2,9412,9422,9432,944...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved