Opinion Magazine
Number of visits: 9685623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજબૂત સરકાર, મજબૂર સરકાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 December 2018

બી.જે.પી. અધ્યક્ષ અમિત શાહે એક ટી.વી.ચેનલ સાથેની મુલાકાતમાં બ.સ.પા. સુપ્રિમો માયાવતી ૨૦૧૯માં મજબૂર કેન્દ્ર સરકાર ઈચ્છે છે, તે અંગે કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેમ મૌન છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તાજેતરમાં નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોવાલે પણ આગામી દસ વરસ સુધી દેશમાં મજબૂત સરકાર જરૂરી છે, તેમ જણાવ્યું તે પછી દેશમાં મજબૂત સરકાર અને મજબૂર સરકાર અંગે ચર્ચા છેડાઈ છે.

અજિત ડોવાલ અને અમિત શાહ સંપૂર્ણ બહુમતીવાળી, એક જ પક્ષની સરકારને સ્થિર અને મજબૂત સરકાર માને છે. જો કોઈ પક્ષને પૂર્ણ બહુમતી ન મળી હોય અને એક કરતાં વધુ પક્ષોની મોરચા સરકાર કે જે સહયોગી પક્ષો પર નિર્ભર હોય તેવી સરકારને મજબૂત ન ગણતાં મજબૂર સરકાર કહેવામાં આવે છે. આવી સરકાર રાષ્ટ્રનો ઝડપી વિકાસ ન કરી શકે તેમ માનવામાં આવે છે.

આઝાદી પછીની પ્રથમ પાંચ ચૂંટણીઓમાં કૉન્ગ્રેસ પક્ષ ભારે બહુમતી મેળવીને સત્તામાં આવ્યો હતો. રાજ્યશાસ્ત્રના પંડિતોની ભાષામાં ૧૯૭૭ સુધી ભારતના રાજકારણમાં  એક પક્ષ પ્રભાવ પ્રથા જોવા મળતી હતી. આજે જેને એક પક્ષી મજબૂત સરકાર કહી તરફેણ થઈ રહી છે તેવી તે સરકારો હતી. આ સમયમાં વિપક્ષમાં અનેક તેજસ્વી નેતાઓ હતા. પણ તેમની પાસે સંખ્યાબળ નહોતું. આ સમયમાં પહેલાં નહેરુનો અને પછી ઇંદિરા ગાંધીનો દબદબો હતો.

ઇંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી ૧૯૭૭માં થયેલી ચૂંટણીઓમાં પ્રથમવાર દેશમાં બિનકૉન્ગ્રેસી સરકાર બની હતી. અનેક રાજકીય પક્ષોના શંભુ મેળાથી આ સરકાર રચાઈ હતી. મોરારજી દેસાઈના વડપણ હેઠળની આ સરકાર લાંબુ ન ટકી અને શ્રીમતી ગાંધી ફરી સત્તામાં આવ્યાં.

ભારતીય મતદારે કેન્દ્રમાં અને રાજ્યોમાં મજબૂત અને મજબૂર એમ બેઉ પ્રકારની સરકારોના અનુભવો કર્યા છે. આજે કેન્દ્રમાં એકમાત્ર ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતી સાથેની  સરકાર સત્તામાં છે. પરંતુ ભૂતકાળમાં આ જ પક્ષની અટલબિહારી વાજપાઈના નેતૃત્વમાં સહયોગી પક્ષોના ટેકે સરકારો રચાઈ હતી અને તે ઠીક ઠીક ચાલી હતી. આવું જ નરસિંહરાવ સરકારની બાબતમાં પણ બન્યું છે. એટલે પાંચ વરસની મુદ્દત એક જ પક્ષની સરકાર પૂર્ણ કરે તેવું બન્યું નથી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ મજબૂત સરકારના સમર્થનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઝડપી આર્થિક વિકાસને ગણાવે છે. પરંતુ અહીં એ હકીકતોથી આખંમિચામણાં થઈ શકે તેમ નથી કે ૧૯૬૨નું ચીન સાથેનું યુદ્ધ કે તે પછીના પાકિસ્તાન સાથેના બંને યુદ્ધ સ્પષ્ટ બહુમતીવાળી એક જ પક્ષની મજબૂત સરકારોના વખતમાં થયાં હતાં. એટલે મજબૂત સરકાર હશે તો જ રાષ્ટૃીય સુરક્ષા જળવાય એમ બન્યું નથી. મોરચા સરકારોની કે અલ્પ બહુમતીની કેન્દ્રીય રાજવટમાં પણ રાષ્ટ્રીય સલામતી જળવાઈ રહી હતી. જ્યાં સુધી આર્થિક વિકાસને સંબંધ છે તે પણ મજબૂત સરકારોનો ઈજારો નથી. આરંભની ભારે બહુમતી ધરાવતી કૉન્ગ્રેસી સરકારોના ગાળાનો આર્થિક વિકાસ ધીમો હતો તે હકીકત છે. એટલે આર્થિક વિકાસ, પ્રગતિ અને સલામતી માટે સરકારોનું સ્થિર અને મજબૂત હોવું જરૂરી નથી.

બહુપક્ષીય અને સહયોગી પક્ષોના ટેકે ચાલતી સરકારો તેમની મુદ્દત પૂર્ણ કરી શકતી નથી અને અને સ્થિર નથી હોતી પણ તે આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સલામતી અને નીતિ વિષયક બદલાવ સાધી શકતી નથી એ બાબત ખરી નથી. ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર એક અર્થમાં મજબૂત સરકાર નહોતી પણ તેણે ઇંદિરાઈ કટોકટીકાળના અનેક બંધારણીય સુધારા ઊલટાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા પછી ૧૯૯૬ના ગાળાની દસમી લોકસભામાં નહેરુ ગાંધી ખાનદાન સિવાયના કૉન્ગ્રેસી વડાપ્રધાન નરસિંહરાવ પાસે પૂર્ણ બહુમતી નહોતી. પણ તેમણે ધરખમ આર્થિક સુધારા કર્યા જ હતા ને ? નરસિંહરાવ સરકારે જ  નવી આર્થિક નીતિનો માર્ગ કંડાર્યો હતો, જેને દેશના અર્થતંત્રને નવો વળાંક આપ્યો હતો.

મજબૂત સરકારની વકીલાત કરનારાઓના મનમાં કદાચ એ બાબત પણ હશે જ અટલબિહારી વાજપાઈને માત્ર એક મત ન મળતાં તે સરકાર ટકાવી શક્યા નહોતા. તાજેતરમાં કર્ણાટકની વિધાનસભામાં બી.જે.પી. સૌથી મોટો પક્ષ છે પણ તેને અન્ય પક્ષોનો ટેકો ન મળતાં તેની સરકાર રચી શકાઈ નથી. એટલે પણ એક પક્ષની બહુમતી ધરાવતી મજબૂત સરકારની માંગ ઊઠી છે.

કેન્દ્રમાં જ્યારે જ્યારે સહયોગી પક્ષોનાં સમર્થનથી સરકારો રચાઈ છે ત્યારે તેમાં પૂરતું પ્રાદેશિક અને ભાષાકીય વૈવિધ્ય જોવાં મળ્યું છે. પ્રાદેશિક પક્ષોનાં સમર્થનના બદલામાં પ્રદેશના હિતનું વધુ ધ્યાન રાખવું પડે છે. વર્તમાન લોકસભામાં ભા.જ.પ.ને પૂર્ણ બહુમતી મળી છે. તેણે સાથી પક્ષોને સરકારમાં સામેલ તો કર્યા છે. પરંતુ શિવસેના અને અકાલી દળનું મોદી સરકાર અને વાજપાઈ સરકારમાં શું સ્થાન છે તેના આકલન પરથી જ મજબૂત સરકારની સાથી પક્ષો પ્રત્યેની દાનત જોઈ શકાય છે.

મજબૂત કરતાં મજબૂર સરકારો પાસે ગરીબો તરફી પગલાં વધારે સારી રીતે લેવડાવી શકાય છે એવો પણ અનુભવ છે. વી.પી. સિંઘની સરકાર ડાબેરી પક્ષો અને ભા.જ.પ. એમ પરસ્પર વિરોધી વિચારોના પક્ષોના સમર્થનથી અગિયાર જ મહિના શાસન કરી શકી હતી. પરંતુ આ જ સરકારે દેશમાં મંડલ કમિશન લાગુ પાડી અન્ય પછાત વર્ગોને અનામત આપવાનો અતિ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. યુ.પી.એ. સરકાર પાસે પૂર્ણ બહુમતી નહોતી એટલે સાથી પક્ષોના દબાણથી જ તેણે મનરેગા, શિક્ષણ અને માહિતીના અધિકારના કાયદા કર્યા હતા.

કેરળમાં બહુપક્ષીય મોરચા સરકારોનો લાંબો ઇતિહાસ છે. જેણે ઘણાં સારાં કામો કર્યાં છે. ગુજરાતમાં અન્ય પછાતવર્ગોને અનામત આપવાનો નિર્ણય બાબુભાઈ પટેલની અલ્પ બહુમતીની એકપક્ષી નહીં એવી મજબૂર  સરકારે કર્યો હતો. માર્ચ ૧૯૮૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માધવસિહ સોલંકીના નેતૃત્વમાં કૉન્ગ્રેસને વિક્રમી એવી ૧૮૨માંથી ૧૪૯ બેઠકો મળી હતી. ગુજરાતના રાજકીય ઇતિહાસની આ સૌથી મજબૂત સરકારના મુખ્યમંત્રીને ઓ.બી.સી. અનામત વધારાના પ્રશ્ને છ જ મહિનામાં સત્તા છોડવી પડી હતી. આ મજબૂત સરકાર પછી જ ગુજરાતમાં કૉન્ગ્રેસનાં વળતાં પાણી થયાં હતાં.

દેશને એકપક્ષની મજબૂત એવી આપખુદ સરકાર જોઈએ છીએ કે લોકો પ્રત્યે વફાદાર અને જવાબદાર એવી લોકતંત્રને મજબૂત કરનારી સરકાર જોઈએ છે, તે ખરો સવાલ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

Just Like That

Ajit Ninan|Opinion - Cartoon|24 December 2018

courtesy : "The Times of India", 24 December 2018

Loading

સોહરાબુદ્દીન ચુકાદો અપેક્ષિત છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાનુભાવોએ કરતા રહેવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 December 2018

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા છે, જેમાં બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ચુકાદો અપેક્ષિત હતો એટલે કોઈને ય એમાં આંચકો લાગ્યો નથી કે આશ્ચર્ય થયું નથી. હવે અમિત શાહે અને બીજા આરોપીઓએ ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ કે દિલ્હીની વડી અદાલતમાં સજ્જન કુમારના કેસનો ખટલો સાંભળનારા ન્યાયમૂર્તિઓ જેવા કોઈ ન્યાયમૂર્તિઓ સાથે પનારો ન પડે અને બાકીની જિંદગી હેમખેમ પૂરી થઈ જાય.

આમ કહેવા પાછળ કારણ છે. ભારતમાં ન્યાયતંત્ર અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ન્યાય નથી કરતાં, વ્યક્તિગત રીતે પ્રામાણિક અને ખુદ્દાર અધિકારીઓ અને જજો ન્યાય કરે છે. વ્યવસ્થામાં એવા કેટલાક લોકો આવી જાય છે જે હાર્યા વિના, વેચાયા વિના કે ડર્યા વિના નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઝઝૂમે છે. તેમનો અંતરાત્મા તેમને જંપવા દેતો નથી. સામે પક્ષે રાજકીય પરિસ્થિતિ બદલાય છે ત્યારે ડરીને મૂંગા થઈ ગયેલા લોકો બોલવા લાગે છે. એટલા માટે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એ માટે પ્રાર્થના કરતા રહેવું જરૂરી છે.

અદાલતોમાં કોઈ નિર્દોષ છૂટી જાય એનો અર્થ એવો નથી કે આરોપીઓ સો ટકા નિર્દોષ હતા. આપણે કાયદાના રાજ્યમાં શ્રદ્ધા રાખીને જીવવાનું છે અને ન્યાયતંત્ર તેની કરોડરજ્જુ છે એટલે અદાલત જે ફેંસલો આપે એ આપણે એક વફાદાર નાગરિક તરીકે કબૂલ કરવું રહ્યું. માત્ર પેલી શંકાની સોય મનમાં સળવળે છે. શંકા કરવા માટે કેટલાં ઉદાહરણો આપવાં? ૧૯૮૪ના દિલ્હીના સિખોનો નરસંહાર, ૧૯૮૯માં થયેલો ભાગલપુરનો હત્યાકાંડ, ભોપાલ ગેસગળતર, ૧૯૯૩માં મુંબઈમાં થયેલાં કોમી હુલ્લડો, કંધમાલ, ગુજરાત, મુઝફ્ફરનગર, માલેગાંવ, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ કેટકેટલા ઘૃણાસ્પદ અને શરમજનક બનાવો બન્યાં છે જેમાં નિર્દોષ લોકોને નથી ન્યાય મળ્યો અને ગુનેગારોને સજા થઈ નથી. સરકાર કોઈની પણ હોય, ન્યાય થતો નથી. મહારાષ્ટ્રમાં ડૉ. નરેન્દ્ર દાભોલકર નામના રેશનાલિસ્ટની હત્યા ૨૦૧૩માં થઈ હતી, જ્યારે રાજ્યમાં કૉન્ગ્રેસની સરકાર હતી. એ પછી કૉન્ગ્રેસે એક વરસ શાસન કર્યું હતું, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા. આવી જ રીતે ગોવિંદ પાનસરે, કુલ્બુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ થઈ ત્યારે પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકારો હતી.

માટે કહેવું પડે છે કે આવા રાજકીય લાભાલાભથી પ્રેરાઈને થતા ગુનાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય, એનો અર્થ એવો નથી કે તેઓ નિર્દોષ હતા. નસીબ સારા હોય તો હેમખેમ જિંદગી પૂરી કરીને ઉપર જતા રહે અને સજ્જન કુમારની જેમ નસીબ ફૂટેલા હોય તો દિલ્હીની વડી અદાલતના જજો જેવા જજો ભટકાઈ જાય અને જતી જિંદગીએ જેલમાં પણ જવું પડે. એટલા માટે નિર્દોષ છૂટેલા મહામાનવોએ કમસેકમ આજીવન પ્રાર્થના કરતી રહેવી.

એમ લાગે કે સોહરાબુદ્દીન એનકાઉન્ટરનો ચુકાદો આપનારા જજ એસ.જે. શર્મા સંવેદનશીલ માણસ છે. તેમણે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓનાં પરિવારજનોની ન્યાય નહીં કરી શકવા બદલ માફી માગી છે. તેમણે કહ્યું છે કે સી.બી.આઈ. આરોપીઓ સામે કેસ જ સ્થાપિત કરી શકી નથી. અધ્ધર પુરાવાઓ વિનાના આરોપોમાં સજા કેવી રીતે કરવી અને કોને કરવી? સરકારી વકીલે ૨૧૦ સાક્ષીઓની જુબાની લીધી હતી જેમાંથી ૯૨ સાક્ષીઓ પાછળથી ફરી ગયા હતા. જે સાક્ષીઓ ફરી ગયા એ ગુનો સાબિત કરવા માટે ચાવીરૂપ સાક્ષીઓ હતા. એ સાક્ષીઓ શેને કારણે ફરી ગયા એ સમજવા માટે આઇન્સ્ટાઇનના દિમાગની જરૂર નથી. જજે સરકારી વકીલના વખાણ કર્યા છે અને કહ્યું છે કે જ્યારે સાક્ષીઓ ફરી જાય અને સી.બી.આઈ. મજબૂત તપાસ કરીને કેસ સ્થાપિત કરીને ન આપે ત્યાં બિચારા વકીલ શું કરે?

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં અદાલતો છેલ્લે આવે છે. એ પહેલાં જ તપાસકર્તાઓ કેસનું કાસળ કાઢી નાખે છે. સરખી તપાસ કરે નહીં, સમયસર તપાસ કરે નહીં, પુરાવાઓનો નાશ થવા દે, સાક્ષીઓ ફરાર થઈ જાય, કોઈનાં રહસ્યમય મૃત્યુ થાય, સાક્ષીઓ ફરી જાય, કાચા આરોપનામાં હોય અને એ પછી પણ જો કોઈ જજ સક્રિયતા અને સ્વતંત્રતા બતાવે તો જજોની બદલીઓ થાય અને જરૂર પડે તો જજોનું પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય, જેમ સોહરાબુદ્દીન કેસનો ખટલો સાંભળનારા જજ લોયાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આટઆટલાં ગાબડાં પછી ખટલો અદાલતમાં ચાલે ત્યારે જજ શું ચુકાદો આપે? જજ જો મહત્ત્વાકાંક્ષી હોય તો અનુકૂળ ચુકાદો આપીને પ્રમોશન મેળવી લે અને જો સંવેદનશીલ હોય તો માફી માગી લે. સજ્જન કુમાર જેવા ચમત્કાર તો ત્યારે બને જ્યારે રાજકીય તખતો પલટાયો હોય અને બીજી બાજુ જજ અને તપાસકર્તા અધિકારીઓની કુંડળી મેચ થઈ જાય. હજુ એક વાત. તપાસકર્તા અધિકારીઓ પુરાવાઓને રફેદફે કરે છે તેનો નાશ નથી કરતા. તેઓ તેની લાંબા ગાળાની કિંમત જાણે છે.

આમ પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો આવ્યો છે એનાથી કોઈને ય આંચકો નથી લાગ્યો કે નથી આશ્ચર્ય થયું. બધું જ અપેક્ષા મુજબ બન્યું છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાનુભાવોએ કરતા રહેવું જોઈએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 ડિસેમ્બર 2018

Loading

...102030...2,9372,9382,9392,940...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved