Opinion Magazine
Number of visits: 9685315
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શુધા મઝુમદારની આત્મકથાઃ ‘અ પેટર્ન ઓફ લાઈફ’

રંજના હરીશ|Opinion - Opinion|16 January 2019

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-6

'ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધી' લેખમાળાના ગયા વખતના પાંચમા મણકામાં શુધા મઝુમદારની વર્ષ 1930 આસપાસ લખાયેલ તથા 1977માં પ્રકાશિત આત્મકથા 'અ પેટર્ન ઓફ લાઈફ'ના સંપાદક અમેરિકન ઇતિહાસકાર જેરાલ્ડીન એચ. ફોર્બના પ્રાક્કથનની ચર્ચા કરી. જેરાલ્ડીન આ આત્મકથાને ગાંધીએ ભારતીય સ્ત્રીજીવનના ઉત્કર્ષમાં કરેલ પ્રદાનની એક 'કેસ સ્ટડી' તરીકે બિરદાવી છે. પ્રકાશનના કોઈ જ હેતુ વગર લખાયેલ શુધા મઝુમદારની આ આત્મકથાનું સો ટચના સોના સમું મૂલ્ય પારખીને જેરાલ્ડિન ફોર્બે ચાળીસ વર્ષથી લેખિકા પાસે પડી રહેલ આ આત્મકથાની હસ્તપ્રતને જહેમતપૂર્વક સંપાદિત કરીને પ્રકાશિત કરી તે વાત આ પુસ્તકનું મૂલ્ય સાબિત કરવા માટે પૂરતી છે.

આજે મૂળ પુસ્તકનાં લેખિકાની કલમે કંડારાયેલ સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીજીના સંદર્ભની સ્મૃતિઓની વાત આપણે કરીશું. વર્ષ 1899માં જન્મેલ શુધા મઝુમદારની આ આત્મકથા એક અનુઠી આત્મકથા છે. કેમ કે તે 20મી સદીના પ્રારંભકાળના દસકામાં ભારતમાં જીવાયેલ સ્ત્રી જીવનનું સાચું ચિત્ર લઈને આવે છે. આ લેખનો હાલનો સંદર્ભ અન્ય હોવા છતાં એટલું તો લખવું જ જોઈએ કે પરંપરાવાદી સ્ત્રીજીવનમાં તે વખતના રીતરિવાજ, પડદાપ્રથા, વ્રત, ઉપવાસ, સ્ત્રી માટે અગણિત નિષેધ જેવી કેટકેટલી સામાજિક બાબતોનું દસ્તાવેજીકરણ લેખિકા પોતાની આત્મકથામાં કરે છે.

પ્રસ્તુત પુસ્તકની એક વિશેષતા તેના રમૂજપ્રેરક કિસ્સાઓ પણ છે. જેમાંનો એક કિસ્સો અહીં પ્રસ્તૂત છે. પાશ્ચાત્ય રંગે રંગાયેલ, જમીનદાર પિતા તારાપદ ઘોષ અને પરદાનશીન પરંપરાવાદી માતા ગિરિબાલાની સંતાન શુધાનું બાળપણ સૂડી વચ્ચે સોપારીસમું હતું. પિતા જમવાના ટેબલ પર પોતાના મુસ્લિમ બાવરચીએ રાંધેલ માંસાહારી ભોજન જમતા. જમતા જમતા દીકરીના મોંમાં પિતા માંસાહારી ભોજનનો ટુકડો મૂકી દેતા. પેલી નાનકડી દીકરી તરત ના પાડી ઊઠતી. 'કેમ ?' પિતા પૂછતા. બાળકી ગોખીલો જવાબ આપતી, 'પૂજારીજીએ સમજાવ્યું છે કે છોકરી માંસાહાર કરે તો તેનો થનાર પતિ મરી જાય.' પોતાના પતિને ખુશ રાખવા માતા દીકરીને સમજાવતી, 'બેટા પૂજારીજીની વાત સાચી છે કે છોકરીઓએ માંસ ન ખવાય. એમ કરે તો દેવ રિસાય, અને પતિ મરી જાય. પણ પિતાને દુ:ખી કરવા જેટલું મોટું પાપ બીજું કોઈ નથી. હું તને એક મંત્ર શીખવું છું. એ બોલ્યા બાદ માંસ ખાય તો પાપ નહીં લાગે.' એ રામબાણ મંત્ર નીચે પ્રમાણે હતો.

પિતા બ્રહ્મા, પિતા વિષ્ણુ, પિતા જ પરમેશ્વર
પિતાને પ્રસન્ન કરવાથી સર્વ પાપ થાય મુક્ત. (પૃ.75)]

વિધિની વિચિત્રતા જુઓ કે આજ્ઞાકારી દીકરી શુધાએ આ મંત્ર ભણતા ભણતા અંગ્રેજી સ્કૂલમાં બે-પાંચ વર્ષ અભ્યાસ કર્યો ! ચર્ચમાં ગઈ ! લગ્ન પછી સાસરે આવ્યા બાદ મંત્રમાં 'પિતા'ની જગ્યાએ તેણે 'પતિ' શબ્દ મૂકી દીધો અને તે જમાનામાં સ્ત્રીજાત માટે જે કાંઈ નિશિદ્ધ હતું તેણે તે બધું કર્યું. એટલું જ નહીં બ્રિટિશ સરકારમાં સિવિલ સર્વન્ટ એવા પતિના નોકરીના નિયમ વિરુદ્ધ સ્વતંત્રતા આંદોલન તથા ગાંધી વિચારને પણ તેણે મનોમન અપનાવી લીધા. અલબત્ત પોતે કરેલ આવા અતિક્રમણનું પાપ પિતા કે પતિને ન લાગે માટે શુધા પોતાની માતાએ શીખવેલ મંત્ર ભણતી રહી. અને એમ કરતાં કરતાં એ મંત્રની જગ્યાએ ગાંધીજીના ચરખાના ગુણગાન કરતું તત્કાલીન લોકપ્રિય ગીત ગાવાનું પણ ના ચૂકી.

'ચરખો મારો પતિ ને પુત્ર 
ને ચરખો મારો પૌત્ર,
મારો ચરખો ZULAVE આંગણે સમૃદ્ધિ ના KUNJAR' (પૃ.183-184).

એક સિવિલ સર્વન્ટ પતિની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા આંદોલન, કે ગાંધીવિચારનું સમર્થન આપે તે TENE TENE MATE બરાબર નહોતું, પરંતુ આ હિંમતબાજ નવોઢા પતિની નોકરીની શરતો મંજૂર રાખીને દેશદ્રોહ કરે તેવી બિકણ નહોતી. પોતાની આત્મકથામાં તે સ્મરે છે કે 1922ના અંતિમ મહિનાઓ દરમિયાન ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની જાહેરાત કરેલી. પરદેશી કાપડની હોળી નજર પડે ત્યાં જોવા મળતી. માન્ચેસ્ટરમાં વણાયેલ કાપડનો બહિષ્કાર જાણે ચોરેચૌટે થતી ચર્ચાનો વિષય બની ગયો હતો. સામા પક્ષવાળા એવો તર્ક પણ કરતા કે ભારત જેવા દેશને કાપડની આવી હોળી ક્યાંથી પાલવે ?

ગાંધીજીએ ચરખાને પ્રોત્સાહન આપ્યું તે દરમિયાન સુધારાવાદીઓએ તેમનો વિરોધ કરીને એમ પણ કહેલું કે ગાંધી પ્રગતિના ચક્રને ઊંધી દિશામાં ફેરવી રહ્યા હતા. તેમ છતાં ચરખો અને તકલી જાણે ફેશન બની ગયા હતા. આખું ગામ અરસપરસ પૂછતું, 'તમારે ત્યાં ચરખો ખરો ?' 'હા છે ને.' ગૌરવભર્યો જવાબ મળતો. અને જેની પાસે ચરખો ન હોય તેની પાસે કશું ય નથી તેવો ભાવ તેને થતો. દરેકને પોતાનો હાથ ચરખા પર અજમાવવો હતો. રસ્તે કોઈ પણ મળે તો કાંતણની જ વાત થાય. 'કાંતવાનું કેમ ચાલે છે ? કાંતું તો છું પણ તાંતણો તૂટી જાય છે. મારે ય એવું થાય છે. તાર લાંબો થતો નથી. મારી તકલી પર તાર લપેટવામાં તકલીફ પડે છે.' આ પ્રકારના વાર્તાલાપો સંભળાતા. (પૃ. 100) યુવા પેઢીમાં ચરખા પ્રત્યે અગમ્ય ઉત્સાહ હતો. હાથે વણેલ સૂતરમાંથી બરછટ ખાદી વણીને પહેરવી તે જાણે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ગયેલું. આ બધો ગાંધીજીનો પ્રભાવ હતો. લેખિકા લખે છે, 'ગાંધીજીના સમર્થન સાથે ખાદી જાણે સઘળા દેશનો 'ડ્રેસકોડ' બની ગયેલી. ભલભલાઓ પોતાના ફેશનેબલ કપડાં છોડીને બરછટ ખાદી પહેરતા થઈ ગયેલા. ખાદીની ધોતી અને ગાંધીટોપી હવે મોસ્ટ ફેશનેબલ ગણાતા. પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં ખાદી અને ચરખાની ચર્ચાઓએ મોટું જોર પકડેલું. મને એક મેગેઝિનની જેકેટ આજે ય પણ યાદ છે. આ જેકેટ પર એક સુંદર ફેશનેબલ યુવતી લાલચટક બનારસી સાડી પહેરીને ચરખો ચલાવતી બતાવેલી ! તેના અંગ પરના સોનાના આભૂષણોની ચમક મને આજે પણ યાદ છે … ખાદીના પ્રચારમાં આ તે કેવો વિરોધાભાસ ! આજે ય મને તે સમજાતું નથી. અને લાલચટક બનારસી સાડીવાળી એ સ્ત્રીના ફોટાની નીચે 'ચરખો મારો પતિ ને પ્રેમી' ગીત લખેલ હતું.' (પૃ.184) જે શુધા જેવી અનેક સ્ત્રીઓ ઉમળકાથી ગાતી, જેની વાત આગળ થઈ ગઈ છે

'અ પેટર્ન ઓફ લાઈફ'  પુસ્તકમાંથી ગાંધીજી સાથે સંકળાયેલ નીચેના સંસ્મરણ વાંચવા લાયક છે.

'અમારા ઘરથી થોડે દૂર રોડ પરથી આવતા વંદેમાતરમ્‌ના સામૂહિક ઘોષ સાંભળવાની અમને ટેવ પડી ગયેલી. હવે અમારા માટે એ રોજબરોજની ઘટનાસમાન હતું. એક વખતની વાત છે. મારો નાનકડો પુત્ર રોમુ ઉત્સાહપૂર્વક દોડતો આવીને મારી સોડમાં લપાયો અને રડમસ સ્વરે મને કહે 'મા વંદેમાતરમ્‌ એટલે શું ? બધા આ ગાયન કેમ ગાય છે ? અને તું મને કહે આ ગાંધી કોણ છે ? શું એ કોઈ સંત છે ? મને કોઈએ કહ્યું કે બ્રિટિશ સરકારે ગાંધીને જેલમાં મોકલ્યા છે ! ધોળી પોલીસ તેને ભાલા ભોંકીને મારી નાખવાની છે ! જો ગાંધી સંત હોય તો ધોળિયાઓ તેને પજવે છે કેમ ? મા, મને બહુ ચિંતા થાય છે. હવે શું થશે ? અને મા મને ભૂખ પણ સખત લાગી છે.' એક જ શ્વાસમાં મારો નાનકડો રોમુ આ બધી વાત બોલી ગયો. (પૃ. 185) સ્વતંત્રતા આંદોલનના એ જમાનામાં ગાંધીજીના નામની બોલબાલા હતી. મારા પતિ બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા. તેમના હોદ્દાની રૂએ સ્વતંત્રતાસેનાનીઓની ગતિવિધિનો રિપોર્ટ તેમણે ટાઈપ કરીને સરકારને મોકલવાનો રહેતો. પરંતુ એ જમાનાના ગાંધીમય માહોલમાં તેમનો એ સરકારી રિપોર્ટ ગુપ્ત રાખી શકે તેવો ટાઈપિસ્ટ ક્યાંથી મળે ? છેવટે હું ટાઈપ કરતાં શીખી. મારા દેશબાંધવોની ગતિવિધિને લગતો બ્રિટિશ સરકાર માટેનો રિપોર્ટ મારે બે આંગળીથી ટાઈપ કરવાનો આવ્યો. મારા આંગળા રિપોર્ટ ટાઈપ કરતા અને મારું મન આંદોલનકારીઓ માટે કકળતું. (પૃ.195)

તે જમાનામાં સ્વતંત્રતા માટે હિંસાનો છોછ ન રાખનાર સુભાષચંદ્ર બોઝ તથા તેમના અનુયાયીઓને લોકો 'સ્વદેશી ડાકુઓ' નામે બોલાવતા. (પૃ. 199) … વળી પ્રત્યેક સ્વતંત્રતાસેનાની માટે એક જ નામ હતું 'ગાંધી'. એકવાર અમારા ઘરની સામે થોડા જુવાનિયાઓએ ભેગા થઈને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જાણ થતાંની સાથે જ બ્રિટિશ પોલીસ ઓફિસરે આવીને એ ધ્વજને નાનકડા ડંડા પરથી ફૂલને ચૂંટી લે તેમ ચૂંટી લઈને ગડી કરીને પોતાના ગજવામાં મૂકી દીધો ! ધ્વજ લહેરાવનાર જુવાનિયાઓને પોલીસ પકડી ગઈ. આ ઘટનાના બીજે જ દિવસે કંઈક બન્યું અને પોલીસ ફરીવાર જુવાનિયાઓને પકડી ગઈ. મેં કામવાળીને પૂછ્યું, 'શું થયું ?' પેલી બોલી, 'પેલા ગાંધીઓને ધોળિયા પકડી ગયા.' (પૃ. 226)

કેવો એ જમાનો હશે ? કે જ્યારે પ્રત્યેક સ્વતંત્રતાસેનાની 'ગાંધી' કહેવાતો હશે ? અને દરેકને ચરખો કાંતવાની હોંશ હશે ? દેશ માટે ફના થવાની તૈયારી હશે ? લેખિકા પોતાના પુસ્તકના અંતિમ ભાગમાં જણાવે છે કે વર્ષ 1926ના જૂન મહિનાના 'ઇલસ્ટ્રેટેડ વિકલી' મેગેઝિનમાં તેમની ટૂંકી વાર્તા પ્રકાશિત થયેલી અને તે જ અંકમાં ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદનું અગિયારમું પ્રકરણ પણ પ્રકાશિત થયેલું. સિવિલ સર્વન્ટ એવા પતિની દેશપ્રેમી પત્ની લખે છે, 'કેવા ગૌરવની વાત ! મારું કેવું ધનભાગ્ય કે એક જ અંકમાં મારું અને ગાંધીજીનું લેખન પ્રકાશિત થયેલું !' (પૃ.200) આવા નાનામોટા અત્યંત સૂચક પ્રસંગો દ્વારા ગાંધીજી તથા તેમના સમયને સુપેરે વ્યક્ત કરતી શુધા મઝુમદારની આત્મકથા વ્યક્તિગત જીવનનાં સંભારણાં ઉપરાંત સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીના નેતૃત્વનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરે છે. બાપુના પ્રભાવ તળે ભારતીય સ્ત્રીજીવનની ઉઘડતી જતી ક્ષિતિજોનો દસ્તાવેજ પણ આ પુસ્તક રચે છે. પરંતુ આ સઘળું લેખિકા એક 'આઉટસાઈડર-ઈનસાઈડર'ની ભૂમિકામાં લખે છે. પોતે બ્રિટિશ સરકારના એક વફાદાર ઓફિસરની પત્ની છે તે વાત તેઓ ક્યારે વિસરતા નથી.

તા.ક. ગાંધી સ્મૃતિના આ રમૂજભર્યા અમૂલ્ય દસ્તાવેજને વાંચ્યા વગર સુયોગ્યપણે બિરદાવી શકાય તેમ નથી.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની કોલમ, “નવગુજરાત સમય”, 16 જાન્યુઆરી 2019

Loading

Winter is Coming

Patrick Blower|Opinion - Cartoon|16 January 2019

courtesy : "The Daily Telegraph", 16 January 2019

Loading

અહીં પણ એવું થઈ શકે

જ્યોતિભાઈ દેસાઈ|Opinion - Opinion|15 January 2019

અમેરિકાના My Book Reviewના ૨૮ જૂન, ૨૦૧૮ના અંકમાં હિટલરના સમયનાં ત્રણ જર્મન પુસ્તકોના અંગ્રેજી અનુવાદની સમાલોચના આપવામાં આવી છે. તેમાનાં મિલટન મેયરના They Thought they were free : The Germans, 1933-45 પુસ્તક વિશેની નોંધનો અનુવાદ રજૂ કર્યો છે. એ વર્ષોમાં અમે મુક્ત જ હતા ને!

મેયર જર્મન વંશના અમેરિકન પત્રકાર છે. તેમણે તો ૧૯૫૩માં હિટલરને મળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે મુલાકાત થઈ શકી નહોતી. મેયરને હિટલર વિશે વધુ જાણવામાં રસ એટલો નહોતો, જેટલો સામાન્ય નાગરિકો જે કાંઈ પરિસ્થિતિ હતી, તે વિશે શું વિચારતા કે સમજતા હતા તે જાણવું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી છ વર્ષે ૧૯૫૧માં તેઓ ફરી જર્મની ગયા અને તેમણે ધારેલી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો હતો.

સામાન્ય નાગરિક, રોજ-બ-રોજ જીવી જનારાઓની દૃષ્ટિએ ત્યારે, એટલે કે ૧૯૩૩ની સાલથી ૧૯૩૯ની સાલ દરમિયાન જે બધું જર્મનીમાં થઈ રહ્યું તે વિશે શો અભિપ્રાય કે સમજણ ધરાવતા હતા તે તેમને જાણવું હતું. પહેલો તો એક જ જબરો આંચકો જે મેયરે અનુભવ્યો – ‘જર્મનીમાં દેખીતો કોઈ ‘વિરોધ’ ક્યાં ય હતો જ નહીં. ત્યારની સરકાર વિશે વિરોધ તો બહુ કાંઈ હતો જ નહીં. અમે, કોઈ એવા વિરોધ કરનારા હતા, એવું ક્યાંથી જાણીએ? કોઈ કરતા હોય તે કાંઈ જણાવે, પોતે વિચારે ને ભોગવે! જેના જેવા સંજોગ! એવા કોઈ હોય તો તે શા માટે તેમ કરે છે, તે જાહેર જ હતું ને! આપણે તો સમજી જ જઈએ ને!’ આવું તેમને કહેવાયું હતું. એક શિક્ષક ભાઈ સિવાય નવ મિત્રોએ ૧૯૩૩-૧૯૩૯ની સાલનો ગાળો એક સુવર્ણકાળ જેવો જ ભાસ્યો હતો!

૧૯૫૧માં તેમણે નાઝી પાર્ટીના દસ સભ્યો સાથે એક વર્ષ વિતાવીને,  આત્મીયતા કેળવીને સૌને શું સમજાતું હતું, કેવા કેવા વિચારો ધરાવતા રહ્યા છે વગેરે જાણવાનો જે પ્રયત્ન કર્યો, તેની વાતો પુસ્તકમાં કરી છે.

કોઈ મોટી ઇમારતના રખેવાળ ભાઈ; એક સૈનિક; એક સુથાર દફતરમાં કામ કરતો મૅનેજર; બૅકરી ચલાવનારો; ઉઘરાણી કરનાર, બિલની રકમ મેળવનાર; એક ઇન્સ્પેક્ટર; એક હાઈસ્કૂલનો શિક્ષક, એક વિદ્યાર્થી બધી જ વ્યક્તિઓ સાથેના સંપર્કથી જે વાત સ્પષ્ટ થઈ, તેની રજૂઆત મેયરે કરી છે. તેઓ તમામ અલબત્ત, પોતાને એક સામાન્ય જન જણાવતા હતા, ફ્રેન્કફર્ટ શહેરથી થોડાક અંતરે આવેલા ‘મારબર્ગ’ નામના એક યુનિવર્સિટી ધરાવતા ગામના એઓ નાગરિકો હતા.

મેયર, આ મિત્રો સાથે હળીમળી ગયા. ક્યારેક કૉફી પીવા કે શહેરના કોઈ કાર્યક્રમમાં એવા મુક્ત ને સહજા કે આયોજન કરેલી બેઠકો, મિલનો, ભોજનો, ગપ્પાં મારવાં જેવા કાર્યક્રમો દ્વારા એ મિત્રોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. એ વાત એણે જરૂર સમજાવી હતી કે એનો ઉદ્દેશ દુનિયાના લોકોને સામાન્ય જર્મન નાગરિક ત્યારની જે ઘટનાઓ હતી તે વિશેનો તમારો સાચો મત જાણે તો ગેરઅર્થભરી વાતો થતી અટકાવી શકાય. એક જ વાત મેયરે નહીં જણાવેલી કે મૂળે યહૂદી હતા, અને પોતાના દાદા બહુ વહેલા અમેરિકા જઈને વસેલા હતા.

‘મારી સાથે સહજભાવે – મૈત્રીભાવે એટલી સારી રીતે તેઓ બધાએ વાતો કરી કે મને એમ જ લાગે છે કે તે વર્ષોમાં જો હું જર્મનીમાં હોત, તો હું તેમના જેવા જ વિચારો ધરાવતો હોત! સાચું કહું, માણસને બધી વાતોની શી જરૂર? જીવતા રહીએ અને રોટલો રળી ખાઈએ’ – આ ભાવ મેયર અમેરિકા પાછો ફર્યો ત્યારેય અનુભવતો રહ્યો. ‘હું કેવળ જર્મનોને નહોતો મળ્યો, જગતભરના માણસોને જે રીતે જીવે જાય છે, તે જોઈને આવ્યો હતો.’

જ્યારે જ્યારે આપખુદ સરકારો જોહુકમી એવાં કૃત્યો કરે ત્યારે તે દેશની બહારના, ત્યાંની વાતોને ચગાવીને જ જોવાનું કરતા હોય છે. ત્યાં જાતે રહેનારા તો રોજિંદા જીવનને નભાવતા રહેવામાં વ્યસ્ત રહી શકે છે. નાઝી સત્તાએ અલબત્ત, એ ૧૯૩૩થી ૧૯૩૯ સુધીનાં વર્ષોમાં સામાન્યજનનું જીવન સરળતાથી ચાલતું રહે તે પ્રયોજતા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. ક્યાંક ગર્વ કરી શકાય એવી વાતો પણ ફેલાવાઈ રહી હતી. નોકરી કે કામ સહજ મળી રહેતાં, રહેણાકની પણ તકલીફ રહી નહીં. ‘નૉર્વે કે સ્પેન જેવા દેશની સહેલાણી તરીકે ફરવા જવાની પણ સગવડ અમને મળી હતી.’ આ જર્મનીનો ‘નવો યુગ’ નાગરિક માત્રને પ્રોત્સાહિત કરવા માટે જ ચાલી રહ્યો છે એ વિચાર પૂરો, પકડાયેલો હતો.

દસેદસ જણાંને હિટલર વિશે ઘણી સદ્‌ભાવભરી લાગણી હતી. કારણ? ‘એ તો! જનસામાન્ય માટે જ જીવનારો અમારો આગેવાન હતો. પહેલા વિશ્વયુદ્ધના શાંતિ-સમાધાનમાં જે આકરાં બંધનો જર્મની ઉપર બંધાયાં હતાં. તે તો એણે ક્યારનાયે નકારી કાઢ્યાં! અને રાષ્ટ્રને નવજીવન આપ્યું હતું. અહીંની પાર્લામેન્ટના નઠારા અને સ્વાર્થી સભ્યોને ક્યાં ય ભગાડી દીધા હતા. આખી સરકાર સ્વચ્છતાથી અને જનહિત માટે ચાલી રહી હતી. હિટલરે જે જાહેરજીવનની સફાઈ કરી એ તો ગર્વ કરવા જેવી જ સિદ્ધિ હતી!’

એક બૅંકના ક્લાર્કે કહ્યું હતું, “એમનાં વ્યાખ્યાનો અમને પૂરેપૂરાં જચી જતાં હતાં. તેઓને કુદરતની જે દેણ હતી તે સહજ વ્યક્ત થતી રહેતી હતી. એવું ક્યારેક બને કે તે સત્યથી વેગળી વાત કરી દેવાય. અરે સત્ય ‘ના’ પણ હોય! પરંતુ એક વાત પાકી, તેઓ જે કાંઈ કહેતા, તે બધી વાતો જાતે માનતા હતા તે જ કહેતા હતા!”

એક વાર આ મિત્રોને ૧૯૩૮ના છાપાંની એક કતરણ બતાવીને મેયરે પૂછ્યું હતું. નવેમ્બર, ૧૯૩૮ એક યહૂદીઓનું દેવળ નષ્ટ કર્યાના સમાચાર તેમાં છપાયેલા હતા. ‘ના ભાઈ ના ! અમે કોઈએ આવી વાત ત્યારે જાણી જ નથી. કેટલા ય યહૂદીઓને તેમની સલામતી માટે ક્યાં ય દૂર મોકલી દેવાયા હતા એ વાત હતી ખરી. અરે જેમને દૂર મોકલ્યાને તેમની મિલકતની વ્યાજબી કિંમત આપીને તેમનું ભવિષ્ય જળવાય એવી રીતે વિદાય કરવામાં આવ્યા હતા!’

જ્યારે મેયરે ૬૦ લાખ યહૂદીઓની હત્યાની વાત મૂકી, ત્યારે તે વાત તો એકેયને માન્યમાં આવતી જ ન હતી.

‘જુઓ ! દેશના કોઈ દુશ્મન હોય, તો તેને સહન કરવાનું આવે એ બન્યું હશે. બાકી ખોપરીઓનાં હાડપિંજરોના ફોટાઓ વગર જે આવે છે તેવું કાંઈ જ સાચું નથી’. બિલઉઘરાણી કરનારા મિત્રે ‘હિટલરને, પોતાને, તો તેની સાથે કશી લેવાદેવા હોઈ જ ના શકે. જેણે કહ્યું હોય કે ન હોય! થયું હોય તો ખોટું છે જ. પણ થયું નથી.’ દરજીએ કહ્યું, ‘એવું થયું હોય તો તે ખોટું છે પણ એ વાત હું તો માનતો જ નથી.’ બૅકરીવાળા ભાઈએ કહ્યું, ‘ત્યારે તો રોજ એટલી બધી વાતો આવતી રહેતી કે તેવી બધી વાતો વિશે વિચારવાનો અમારી પાસે સમય જ રહેતો નહોતો.’

જર્મનીમાં કોઈ ષડ્‌યંત્ર કરીને ‘નાઝીવાદ’ થોડો સર્જ્યો હતો. લોકોએ હોંશે હોંશે અપનાવ્યો હતો અને આનંદ-ઉત્સાહથી આવકાર્યો હતો. આપણે એવું વિચારીએ છીએ કે નાઝીવાદ ક્રૂરતાભર્યાં કદમોથી આગળ વધીને સ્થપાયો હતો, પરંતુ મેયરે જે સામાન્ય જનની ધરતી સમજવાનો પ્રયત્ન કર્યો. તેમને નાઝીવાદ કુદૃષ્ટિવાળો માન્યો જ નહોતો. આજે પણ તેઓ તે દુષ્કૃત્યો કરનારો વિચાર ગણવા તેઓ તૈયાર નથી.

મેયરને ત્યાંના એક ભાષાશાસ્ત્રીએ સમજાવ્યું હતું કે ‘જેમ જેમ દેશ આતંક તરફ ઢળતો ગયો અને તે બધું સાથે ચાલતું પણ જતું હોય છતાં તેને વિશે વિચાર કરવાને સવિનય કરવાનો સમય મળે જ નહીં તો એટલી ઝડપથી નવું નવતર કાંઈ આવીને ઊભું જ કરી દેવાનું રહેતું નથી. સત્તાધારીઓ કાંઈક નવાં નવાં નાટકો ને તમાશાઓ યોજતા રહેતા હતા. અને સાચા કે ખોટા દુશ્મનો વિશેની વાતો ફેલાવવાનું ચાલ્યા જ કરતું હતું. આવું આવું કરીને સમગ્ર પ્રજાને ધીમી ગતિએ પરંતુ ચોક્કસ દિશાની સમજણો પીરસાતી રહેતી હતી. દરેકે દરેક પગલું, નાનું કે મોટું સુનિશ્ચિત દિશાનું જ ભરાતું ગયું હતું. ખેડૂત મકાઈ વાવે, છોડ ક્યારે મોટો થયો, ક્યારે ડૂંડાં બેઠાં અને ક્યારે એને રોગ લાગ્યો એ જુએ ક્યારે ? એ તો ક્યારનો ય એને માથેથી ઉપર નીકળી જ ગયો હોયને !’ 

વેડછી / વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 10 તેમ જ 14

Loading

...102030...2,9102,9112,9122,913...2,9202,9302,940...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved