
courtesy : "The Times of India", 24 December 2018
![]()

courtesy : "The Times of India", 24 December 2018
![]()
સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા છે, જેમાં બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ચુકાદો અપેક્ષિત હતો એટલે કોઈને ય એમાં આંચકો લાગ્યો નથી કે આશ્ચર્ય થયું નથી. હવે અમિત શાહે અને બીજા આરોપીઓએ ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ કે દિલ્હીની વડી અદાલતમાં સજ્જન કુમારના કેસનો ખટલો સાંભળનારા ન્યાયમૂર્તિઓ જેવા કોઈ ન્યાયમૂર્તિઓ સાથે પનારો ન પડે અને બાકીની જિંદગી હેમખેમ પૂરી થઈ જાય.
આમ કહેવા પાછળ કારણ છે. ભારતમાં ન્યાયતંત્ર અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ન્યાય નથી કરતાં, વ્યક્તિગત રીતે પ્રામાણિક અને ખુદ્દાર અધિકારીઓ અને જજો ન્યાય કરે છે. વ્યવસ્થામાં એવા કેટલાક લોકો આવી જાય છે જે હાર્યા વિના, વેચાયા વિના કે ડર્યા વિના નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઝઝૂમે છે. તેમનો અંતરાત્મા તેમને જંપવા દેતો નથી. સામે પક્ષે રાજકીય પરિસ્થિતિ બદલાય છે ત્યારે ડરીને મૂંગા થઈ ગયેલા લોકો બોલવા લાગે છે. એટલા માટે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એ માટે પ્રાર્થના કરતા રહેવું જરૂરી છે.

અદાલતોમાં કોઈ નિર્દોષ છૂટી જાય એનો અર્થ એવો નથી કે આરોપીઓ સો ટકા નિર્દોષ હતા. આપણે કાયદાના રાજ્યમાં શ્રદ્ધા રાખીને જીવવાનું છે અને ન્યાયતંત્ર તેની કરોડરજ્જુ છે એટલે અદાલત જે ફેંસલો આપે એ આપણે એક વફાદાર નાગરિક તરીકે કબૂલ કરવું રહ્યું. માત્ર પેલી શંકાની સોય મનમાં સળવળે છે. શંકા કરવા માટે કેટલાં ઉદાહરણો આપવાં? ૧૯૮૪ના દિલ્હીના સિખોનો નરસંહાર, ૧૯૮૯માં થયેલો ભાગલપુરનો હત્યાકાંડ, ભોપાલ ગેસગળતર, ૧૯૯૩માં મુંબઈમાં થયેલાં કોમી હુલ્લડો, કંધમાલ, ગુજરાત, મુઝફ્ફરનગર, માલેગાંવ, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ કેટકેટલા ઘૃણાસ્પદ અને શરમજનક બનાવો બન્યાં છે જેમાં નિર્દોષ લોકોને નથી ન્યાય મળ્યો અને ગુનેગારોને સજા થઈ નથી. સરકાર કોઈની પણ હોય, ન્યાય થતો નથી. મહારાષ્ટ્રમાં ડૉ. નરેન્દ્ર દાભોલકર નામના રેશનાલિસ્ટની હત્યા ૨૦૧૩માં થઈ હતી, જ્યારે રાજ્યમાં કૉન્ગ્રેસની સરકાર હતી. એ પછી કૉન્ગ્રેસે એક વરસ શાસન કર્યું હતું, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા. આવી જ રીતે ગોવિંદ પાનસરે, કુલ્બુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ થઈ ત્યારે પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકારો હતી.
માટે કહેવું પડે છે કે આવા રાજકીય લાભાલાભથી પ્રેરાઈને થતા ગુનાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય, એનો અર્થ એવો નથી કે તેઓ નિર્દોષ હતા. નસીબ સારા હોય તો હેમખેમ જિંદગી પૂરી કરીને ઉપર જતા રહે અને સજ્જન કુમારની જેમ નસીબ ફૂટેલા હોય તો દિલ્હીની વડી અદાલતના જજો જેવા જજો ભટકાઈ જાય અને જતી જિંદગીએ જેલમાં પણ જવું પડે. એટલા માટે નિર્દોષ છૂટેલા મહામાનવોએ કમસેકમ આજીવન પ્રાર્થના કરતી રહેવી.
એમ લાગે કે સોહરાબુદ્દીન એનકાઉન્ટરનો ચુકાદો આપનારા જજ એસ.જે. શર્મા સંવેદનશીલ માણસ છે. તેમણે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓનાં પરિવારજનોની ન્યાય નહીં કરી શકવા બદલ માફી માગી છે. તેમણે કહ્યું છે કે સી.બી.આઈ. આરોપીઓ સામે કેસ જ સ્થાપિત કરી શકી નથી. અધ્ધર પુરાવાઓ વિનાના આરોપોમાં સજા કેવી રીતે કરવી અને કોને કરવી? સરકારી વકીલે ૨૧૦ સાક્ષીઓની જુબાની લીધી હતી જેમાંથી ૯૨ સાક્ષીઓ પાછળથી ફરી ગયા હતા. જે સાક્ષીઓ ફરી ગયા એ ગુનો સાબિત કરવા માટે ચાવીરૂપ સાક્ષીઓ હતા. એ સાક્ષીઓ શેને કારણે ફરી ગયા એ સમજવા માટે આઇન્સ્ટાઇનના દિમાગની જરૂર નથી. જજે સરકારી વકીલના વખાણ કર્યા છે અને કહ્યું છે કે જ્યારે સાક્ષીઓ ફરી જાય અને સી.બી.આઈ. મજબૂત તપાસ કરીને કેસ સ્થાપિત કરીને ન આપે ત્યાં બિચારા વકીલ શું કરે?
ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં અદાલતો છેલ્લે આવે છે. એ પહેલાં જ તપાસકર્તાઓ કેસનું કાસળ કાઢી નાખે છે. સરખી તપાસ કરે નહીં, સમયસર તપાસ કરે નહીં, પુરાવાઓનો નાશ થવા દે, સાક્ષીઓ ફરાર થઈ જાય, કોઈનાં રહસ્યમય મૃત્યુ થાય, સાક્ષીઓ ફરી જાય, કાચા આરોપનામાં હોય અને એ પછી પણ જો કોઈ જજ સક્રિયતા અને સ્વતંત્રતા બતાવે તો જજોની બદલીઓ થાય અને જરૂર પડે તો જજોનું પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય, જેમ સોહરાબુદ્દીન કેસનો ખટલો સાંભળનારા જજ લોયાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આટઆટલાં ગાબડાં પછી ખટલો અદાલતમાં ચાલે ત્યારે જજ શું ચુકાદો આપે? જજ જો મહત્ત્વાકાંક્ષી હોય તો અનુકૂળ ચુકાદો આપીને પ્રમોશન મેળવી લે અને જો સંવેદનશીલ હોય તો માફી માગી લે. સજ્જન કુમાર જેવા ચમત્કાર તો ત્યારે બને જ્યારે રાજકીય તખતો પલટાયો હોય અને બીજી બાજુ જજ અને તપાસકર્તા અધિકારીઓની કુંડળી મેચ થઈ જાય. હજુ એક વાત. તપાસકર્તા અધિકારીઓ પુરાવાઓને રફેદફે કરે છે તેનો નાશ નથી કરતા. તેઓ તેની લાંબા ગાળાની કિંમત જાણે છે.
આમ પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો આવ્યો છે એનાથી કોઈને ય આંચકો નથી લાગ્યો કે નથી આશ્ચર્ય થયું. બધું જ અપેક્ષા મુજબ બન્યું છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાનુભાવોએ કરતા રહેવું જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 ડિસેમ્બર 2018
![]()
આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિરોધીઓને ઈર્ષ્યા થાય એવી અલભ્ય તક નરેન્દ્ર મોદીએ વેડફી કેમ નાખી? આવી તક ભાગ્યશાળી માણસને જ મળે છે અને રાજીવ ગાંધી પછી નરેન્દ્ર મોદી બીજા ભાગ્યશાળી હતા. રાજીવ ગાંધીએ પણ અનેક બાબતે મેળવેલી તક વેડફી નાખી હતી. જો કે આસામ સમજૂતી અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ તેમનાં નામે જમા બોલાય છે. નરેન્દ્ર મોદીની બાબતમાં ઇતિહાસ ભૂલે નહીં એવું જમા પક્ષે હજુ સુધી તો કાંઈ નથી, ઊલટું ઉધાર પક્ષે નોટબંધી અને ઉતાવળા જી.એસ.ટી.ના દુ:સાહસો છે.
સવાલ એ છે કે આવું કેમ બન્યું? તેમણે પોતે આવું થવા દીધું કે પરિસ્થિતિ હાથમાંથી સરકી ગઈ? ત્રણ ખુલાસા આપવામાં આવી રહ્યા છે.

એક. સંઘપરિવાર અને હિન્દુત્વવાદીઓ એજન્ડા આંચકી ગયા અને નરેન્દ્ર મોદી તેમને રોકી ન શક્યા. ગુજરાતમાં નરેન્દ્ર મોદી તેમને રોકી શક્યા હતા અને તેઓ રોકાયા પણ હતા, કારણ કે તેઓ દિલ્હી પહોંચવા માગતા હતા. જો ગુજરાતમાં તેમણે ઊભી-આડી સામાજિક તિરાડો પાડી હોત તો લોકો સબ કા સાથ સબ કા વિકાસની વાત પર ભરોસો કરત નહીં અને તેમને સ્પષ્ટ બહુમતી સાથ દિલ્હી સુધી પહોંચાડત નહીં. દિલ્હી પહોંચ્યા પછી તેઓ રોકાવા તૈયાર નહોતા. તેમને સ્પષ્ટ બહુમતી પછી બે-તૃતિયાંશ બહુમતી સુધી પહોંચવું હતું એટલે બને એટલું જલદી હિંદુ ધ્રુવીકરણ તેઓ કરવા માગતા હતા. ખબર નહીં આવી તક બીજીવાર મળે કે નહીં અને મળે તો ક્યારે મળે?
આ ઉપરાંત, પ્રતિક્રિયાવાદી માનસિકતા અને અસ્મિતાવાદનો જુવાળ આખા જગતમાં જોવા મળી રહ્યો છે, એટલે તેના પ્રભાવથી ભારતના હિંદુઓ પણ મુક્ત ન હોઈ શકે. ભારતના હિંદુઓ જાગતિક જુવાળથી પ્રભાવિત છે એટલે તેનો લાભ લઈ લેવો જોઈએ. તેમણે એવી ગણતરી માંડી હશે કે થોડા સેક્યુલર લિબરલ હિંદુ ગોકીરો કરશે, પરંતુ તેમના વિરોધની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પ્રવાહ તેમની વિરુદ્ધ વહી રહ્યો છે. આમ પણ તેઓ મુઠ્ઠીભર છે, તેમનો ખાસ પ્રભાવ નથી અને પર્યાપ્ત પ્રમાણમાં તેમને બદનામ પણ કરવામાં આવ્યા છે. ટૂંકમાં ધીસ ઈઝ ધ રાઈટ મોમેન્ટ ટુ કાસ્ટ ધ ડાય. હવે વધારે લાંબુ દોરડું આપવાની જરૂર નથી.
ધરખમ બંધારણીય ફેરફારો કરીને ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં ફેરવવા જેટલી સંખ્યાની અનુકૂળતા અત્યારે નથી તો શું કરવું? આનો જવાબ હતો : ગાય, લવ-જેહાદ,ટિૃપલ તલાક, કાશ્મીર, કબ્રસ્તાન વિરુદ્ધ સ્મશાન, નામબદલી, અયોધ્યા, ગંગાઆરતી વગેરે. જુઓ તો ખરાં આ બધા સપાટી પરના હિન્દુત્વવાદી મુદ્દાઓ કેટલું ધ્રુવીકરણ કરી આપે છે? જો ધારી સફળતા મળે અને મોટાભાગના હિંદુઓ ૨૦૧૪નાં વિકાસનાં વચનો ભૂલીને હિંદુ થવા લાગે તો ગંગા નાહ્યા. નરેન્દ્રભાઈએ હિંદુઓને વિકાસની આંગળી પકડાવી હતી હવે આપણે તેમને ખબર પણ ન પડે એમ સિફતથી ભાવનાનો લાભ લઈને હિન્દુત્વની આંગળીએ લઈ લેવાના છે. ઘણા હિંદુઓએ વિકાસનાં વચનો ભૂલીને હિન્દુત્વની આંગળી પકડી પણ લીધી છે, જેને આજકાલ ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. ફાસીવાદી સંગઠનો માટે દરેક વ્યક્તિ સાધન હોય છે અને તેમાં નરેન્દ્ર મોદી અપવાદ ન હોઈ શકે. અટલ બિહારી વાજપેયીનો પણ તેમણે આ રીતે લિબરલ મોહરા તરીકે ઉપયોગ કર્યો હતો.
બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે વિકાસનો એજન્ડા નરેન્દ્ર મોદીના હાથમાંથી હિન્દુત્વવાદીઓ આંચકી નથી ગયા, નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગીદાર છે. ઇવેન્ટો, જાહેરાતો, શબ્દરમતો, નરેન્દ્ર મોદીનાં ભવ્ય સ્વાગત કરનારી વિદેશયાત્રાઓ, સ્માર્ટ સિટીઝ, બુલેટ ટ્રેન, ઇવન નોટબંધી, રાતના બાર વાગે સંસદ બોલાવીને જી.એસ.ટી. લાગુ કરવો, વગેરે મોરચો નરેન્દ્રભાઈએ સંભાળ્યો હતો. વિકાસને વરેલા હિન્દુને એમ લાગવું જોઈએ કે દેશમાં કશુંક બની રહ્યું છે. આજ સુધી જોવા નથી મળ્યું એવું અનોખું બની રહ્યું છે. સંઘપરિવાર ભોળા હિંદુઓને હિન્દુત્વવાદી બનાવશે અને કેન્દ્ર સરકાર વિકાસલક્ષી હિન્દુને વિકાસનાં મોરચે કશુંક અનોખું થઈ રહ્યું છે એવા ભ્રમમાં રાખશે. ૨૦૧૯ની ચૂંટણીમાં; દાયકાઓ દરમ્યાન શાખાઓમાં કસાયેલો હિંદુ, નવો વટલાયેલો હિંદુ અને શું અદ્દભુત વિકાસ થઈ રહ્યો છે એમ માનનારો ભ્રમિત હિંદુ એમ ત્રણેયના વોટ મળવાના છે. સેક્યુલર લિબરલ હિન્દુની ઐસીતૈસી.
તમે જોયું હશે કે મીડિયા પણ આ બન્ને મોરચે સાથ આપે છે. સમયનાં એક સ્લોટમાં દેશપ્રેમનો દેકારો અને બીજા સ્લોટમાં ઇવેન્ટોને વિકાસ તરીકે ઓળખાવી તેની આરતી ઉતારવાની અને જો કોઈ આલોચના કરે તો તેના પર તૂટી પડી તેના અવાજને દબાવી દેવાનો.
ત્રીજો ખુલાસો એવો છે કે નરેન્દ્ર મોદી તેમની અંદર રહેલી લઘુતાગ્રંથિનો પોતે જ શિકાર બની ગયા છે. શાસન અને એ પણ ભારત જેવા સંકુલ દેશમાં શાસન એ જગન્નાથનો રસ ખેંચવા જેવું અઘરું કામ છે. એક માણસ જગન્નાથનો રથ ન ખેંચી શકે. ભારત એ ગુજરાત નથી. ભારતનું એક એક રાજ્ય યુરોપના એક દેશ સમાન છે. ભાષા જુદી, સંસ્કાર જુદા, આદતો જુદી, વિચારવાની રીત જુદી, પ્રશ્નો જુદા, પ્રશ્નોના ઉકેલ જુદા વગેરે. આ દેશમાં સો પ્રકારનાં હિંદુઓ છે અને ડઝન પ્રકારનાં મુસલમાનો છે. સંઘ ૯૫ વરસથી સંઘેડાઉતાર હિંદુ અને તબલીગી જમાત સો વરસથી સંઘેડાઉતાર મુસલમાન બનાવવાના કામમાં લાગ્યા હોવા છતાં તેમને તેમાં સફળતા નથી મળી.
જેવી અને જેટલી સંકુલતા ભારતીય સમાજમાં છે એવી અને એટલી સંકુલતા વિશ્વદેશોમાં છે. પાકિસ્તાન અને બંગ્લાદેશ ભારતમાંથી જ વિભાજીત થઈને બન્યાં છે, બન્ને દેશમાં એક જ ધર્મ છે અને છતાં તે સાથે ન રહી શક્યાં. જો એક જ થડની બે ડાળો સાથે ન રહી શકે અને વિરુદ્ધ દિશામાં જતી હોય તો કલ્પના કરો આ જગતમાં કેટલી બધી ડાળો છે? ભારત એક વટવૃક્ષ છે અને જગત એનાં કરતાં પણ અનેકગણું મોટું વટવૃક્ષ છે. નિદા ફાઝલીએ તેમના એક મશહૂર શેરમાં કહ્યું છે તેમ એક માણસમાં વીસ માણસ વસતા હોય છે એમ એક ભારતીય વૃક્ષમાં સેંકડો વૃક્ષ અને એક વૈશ્વિક વૃક્ષમાં હજારો વૃક્ષ વસતાં હોય છે.
શાસક તરીકે અને એ પણ ભારતીય શાસક તરીકે અનેક જટિલતાઓ સાથે કામ પાડવું પડતું હોય છે. ભારત નામના અડાબીડ અરણ્ય સામે ગુજરાત તો એક બગીચો હતો. આને માટે અભિગમમાં સમગ્રતાની જરૂર પડે છે. જે તે પ્રદેશના, પેટા-પ્રદેશના, પ્રજા વિશેષના, તેમના અનોખા પ્રશ્નોના જાણકારોની જરૂર પડે છે. અર્થતંત્ર, વિદેશનીતિ, સંરક્ષણથી લઈને બીજી એકેએક બાબતે નિષ્ણાતોની જરૂર પડતી હોય છે. માત્ર કુટુંબ નિયોજનની વાત લો. એનું બિહાર અને ઉત્તર પ્રદેશમાં એક પરિણામ મળશે અને કેરળ અને તામિલનાડુમાં જુદું પરિણામ મળશે. જે માર્ગ કાશ્મીર માટે છે એ મણિપુર માટે નથી. અરે, જેવી સ્થિતિ કાશ્મીરની ખીણમાં છે એનાથી લડાખમાં જુદી છે.
પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અને એ પછી બ્રિટિશ સરકારે ભારતમાં જે વહીવટીતંત્ર વિકસાવ્યું હતું એનો ઇતિહાસ રોચક છે. તેમને સમજાઈ ગયું હતું કે ભારતમાં એક લાકડીએ વહીવટ કરવો શક્ય નથી. તેમણે વહીવટીતંત્રને અનેક વિભાગોમાં અને પેટા-વિભાગોમાં વહેંચ્યું હતું. દરેક વિભાગ અને પેટા-વિભાગ માટે નિષ્ણાતો પેદા કરવામાં આવે છે. આને કારણે જે માણસ આસામના બોડોનું ડેસ્ક સંભાળતો હોય એ આખી જિંદગી એમાં જ અપડેટ રહેતો હોય છે. આવું જ અર્થતંત્રનું, સંરક્ષણનું, વિદેશવ્યવહારનું.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ એક હજાર નિષ્ણાતોના પીરામીડનું નેતૃત્વ કરતાં હોય છે. તમે જ્યારે સુષ્મા સ્વરાજની ઉપેક્ષા કરો ત્યારે એક હજાર નિષ્ણાતોની સલાહથી વંચિત રહો છો. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ એક હજાર નિષ્ણાતોના પીરામીડનું નેતૃત્વ કરે છે અને તમે જ્યારે રાજનાથ સિંહની ઉપેક્ષા કરો છો ત્યારે એક હજાર નિષ્ણાતોની સલાહથી વંચિત રહો છો. તમે જ્યારે નાણા ખાતમાં કે કૃષિ ખાતામાં ખોટા માણસને બેસાડો છો ત્યારે તે એક હજાર નિષ્ણાતોની ઉપલબ્ધ સલાહોનો ઉપયોગ જ નથી કરી શકતો. એ સમજવા જેટલી તેનામાં ક્ષમતા જ નથી અને એ રીતે મૂલ્યવાન ઈનપુટ વેડફાય છે.
એટલે આગળ કહ્યું એમ ભારતમાં શાસન કરવું એ જગન્નાથના રથને ખેંચવા જેવું છે. એક માણસ ન કરી શકે. એમાં તેજસ્વી લોકોની જરૂર પડે છે જે નિષ્ણાતોની સેવા લઈ શકે અને નીરક્ષીર વિવેક કરીને નિર્ણય લઈ શકે. દુર્ભાગ્યે નરેન્દ્ર મોદી મેધાવી માણસોથી દૂર ભાગે છે. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે, લઘુતાગ્રંથિ છે અને તેને છુપાવવા તેઓ હાકલાપડકારા કરે છે. એટલે તો તેઓ પત્રકાર પરિષદ યોજતા નથી. મેધાવી નિષ્ણાત યસ મેન ન હોય અને આપણા વડા પ્રધાન અહંકારી પણ છે.
આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જે ટીમ છે એ નાના માણસોની ટીમ છે. જે થોડું કૌવત ધરાવે છે તેમને દબાવી રાખવામાં આવે છે. આને પરિણામે તેમની મુદ્દત વેડફાઈ ગઈ છે. આવું થોડુંક રાજીવ ગાંધીની સાથે પણ બન્યું હતું. તેમણે દૂન સ્કૂલના ગોઠિયાઓની કૉર ટીમ બનાવી હતી જેમને ભારતની અને જગતની જમીની વાસ્તવિકતાની સમજ નહોતી. એ સમયે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના દંતકથારૂપ ગણાતા તંત્રી ગિરિલાલ જૈને રાજીવ ગાંધીની સરકારને ‘બાબા લોગો કી સરકાર’ તરીકે ઓળખાવી હતી. આની સામે પી.વી. નરસિંહ રાવની સિદ્ધિ જુઓ! સંસદમાં બહુમતી નહીં હોવા છતાં લઘુમતી સરકારે ભારતની નિયતિ બદલી નાખી હતી. કારણ? કારણ કે તેમનામાં લઘુતાગ્રંથિ નહોતી અને અભિમાન નહોતું. વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ સાથે બેસવા જેટલો આત્મવિશ્વાસ હતો અને તેમને સાંભળવા જેટલી નમ્રતા હતી. નમ્રતા તેમ જ આત્મવિશ્વાસ દ્વારા તેઓ મેધાવીઓને, વિરોધીઓને અને નકામાઓને સંભાળી લેતા હતા અને સાથે પણ રાખતા હતા.
તો વડા પ્રધાનનાં વર્ષો વેડફાયાં એની પાછળનાં ત્રણ ખુલાસા અહીં આપ્યા છે. તમને કયો ખુલાસો ગળે ઊતરે છે? એક પણ ન ઊતરે તો પણ વાંધો નહીં, થોડાં વરસ પછી ઇતિહાસ તેનો ચુકાદો આપશે. મારી વાત કરું તો હું કન્ફયુઝ્ડ છું. હા, ત્રીજો ખુલાસો એ નક્કર હકીકત છે, પહેલા બે સંભાવના છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 23 ડિસેમ્બર 2018
![]()

