સોળમી લોકસભાના છેલ્લા દિવસે, હવે ગમે તે ક્ષણે ચૂંટણીજાહેરાત સાથે આચારસંહિતા અમલી બનવામાં છે એવી ગાભણી ને ગોરંભાયેલી પરિસ્થિતિમાં, સ્પષ્ટ બહુમતીની તાકીદ ચર્ચતી સત્તાવાર તકરીર અને સામસામે છતાં સાથે હોવાની વિપક્ષી કવાયત : શું કહીશું, સિવાય કે ધ ડાઈ ઈઝ કાસ્ટ.
મે ૨૦૧૪ની વચનલહાણ સામે ફેબ્રુઆરી ૨૦૧૯ની વિપરીત વાસ્તવિકતા સબબ નમો ભા.જ.પ. સવાલિયા દાયરામાં ઘેરાયેલ છે. પ્રાદેશિક પક્ષો અને ભાજપેતર રાષ્ટ્રીય પક્ષ (કૉંગ્રેસ) પોતપોતાનાં પ્રભાવક્ષેત્રમાં જે તે સાથી પક્ષ પરત્વે સરસાઈ જાળવવા સાથે રાષ્ટ્રીય સ્તરે પ્રમાણમાં પરસ્પર પૂરક ચિત્ર ઉપસાવી નમો ભા.જ.પ. સામે અસરકારક પડકાર ઊભો કરવાની કોશિશમાં છે. તેરમી ફેબ્રુઆરીની જંતરમંતર રેલી અને શરદ પવારને ત્યાંની ભોજન બેઠક આ સંદર્ભમાં સૂચક પુરવાર થઈ શકે છે.
પવારને ત્યાં મળેલી બેઠકમાં ઊપસી રહેલો એક મહત્ત્વનો મુદ્દો એ હતો કે લોકસભાની ચૂંટણીપૂર્વે સહિયારો કાર્યક્રમ જાહેર થઈ જવો જોઈએ, જેથી પરિણામો પછી વૈકલ્પિક કાર્યક્રમ વિશે કોઈ અસમંજસ ન રહે. આ મુદ્દાનું જમા પાસું એ છે કે એક માત્ર મોદીવિરોધ જ કેમ જાણે એજન્ડા હોય એવી આમ છાપને બદલે કાર્યક્રમની ચર્ચા કેન્દ્રમાં આવે.
જોવાનું એ પણ છે કે નમો ભા.જ.પ.નાં એકંદર શાસનવલણો સામેની વિરોધલાગણી કેવળ રાજકીય પ્રતિસ્પર્ધી વર્તુળોમાં જ છે એવું નથી. સ્વતંત્ર બૌદ્ધિકોના એક મોટા વર્ગે, એમાં પણ કેટલાકે તો ઇંદિરાઈ કટોકટી (૨૬ જૂન ૧૯૭૫) અને હાલના દોર (૬ ડિસેમ્બર ૧૯૯૨) પરત્વે એકસરખી તીવ્રતાથી મોદી ભા.જ.પ.ના વજૂદને પડકારવાપણું જોયું છે. રાજદ્રોહ, દેશદ્રોહ, અર્બન નક્સલ તરીકેની શત્રુખોજના રાજકારણ સામે નાગરિક સમાજ તરીકેની બંધારણીય ભૂમિકાનું એક દર્શન, કંઈક પરિભાષિત – કંઈક અપરિભાષિત, આકાર લઈ રહ્યું છે.
નવા ચૂંટણીચુકાદાનો અવસર તરતમાં આવી મળવાનો છે ત્યારે સમતા અને ન્યાય યુક્ત પરિવર્તનનાં બળો તેમ જ યથાશક્તિનાં બળો વચ્ચે વિવેકની ઇન્દ્રિય સાબદી રાખવી રહેશે.
આજે બને કે આ સ્વતંત્ર જેવાં બળો કૉંગ્રેસ / વિપક્ષ તરફી ખાનામાં ખતવાતાં લાગે પણ એમણે જે વલણો દાખવ્યાં છે તે આવતી કાલે જે નવા સત્તાધીશો આવશે એમને પણ તાવશે અને મૂલવશે જરૂર. એમની નિયતિ (અને સદ્ભાગ્ય) એ છે કે જતીઆવતી સરકારોની પેઠે એમની નોકરી હંગામી નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 01
![]()



સામાજિક નિસબતવાળા નાટક એચ.કે.ની ખાસિયત રહી છે. સૌમ્ય જોશી કૉલેજના પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ અધ્યાપક. તેમના લેખન-દિગ્દર્શન હેઠળ કૉલેજના કલાકારોએ ૧૯૯૬થી દસેક વર્ષમાં ભજવેલાં સાત એકાંકી નાટકોમાં છેવાડાનો માણસ કેન્દ્રસ્થાને હતો. એચ.કે.ની રંગમંચ પ્રવૃત્તિના શિરમોર સમું પૂરા કદનું નાટક એટલે સૌમ્યનું ‘દોસ્ત, ચોક્કસ અહીં નગર વસતું હતું’. ધર્મઝનૂની શાસકના કિમીયામાં આવી જતા લોકો માત્ર પોતાનાં નગરનો જ નહીં સિવિલાઇઝેશનનો નાશ કરી દે છે એવી ચેતવણી આ નાટકમાં હતી. તે સાંપ્રદાયિકતા સામેનું એક સ્ટેટમેન્ટ હતું. અત્યારે સૌમ્યનો વારસો પૂર્વ વિદ્યાર્થી મૌલિકરાજ શ્રીમાળી ચલાવી રહ્યા છે. તેમણે એચ.કે.ના કલાકારો પાસે ગયાં વર્ષે જે ‘ઉર્ફે આલો’ નાટક કરાવ્યું તે ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટતા સફાઈ કામદાર વિશે હતું, અને સ્કિટ કરાવી તે મહિલાઓના માસિકધર્મને સમજપૂર્વક સ્વીકારી લેવાના સંદેશ સાથેની હતી. થોડા દિવસ પહેલાં ઇનામ મેળવી ચૂકેલું તેમનું ‘નાચ’ એકાંકી પૂતળાંના રાજકારણથી થતાં આદિવાસીઓના વિસ્થાપન વિશે, સ્કિટ એલ.જી.બી.ટી. અને શેરી નાટક લિન્ચિન્ગ વિષેનું હતું. મૌલિકના જ કલાકાર સાથી અને એચ.કે.ના જ વિદ્યાર્થી એવા બાવળાના નિલેશે બે વર્ષ પહેલાં, આગ લાગેલી એસ.ટી. બસમાંથી મુસાફરોને બચાવ્યા હતા અને પોતે ખૂબ દાઝ્યા હતા. એચ.કે.ના બધાં નાટકોની પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થી કલાકારોની સામાજિક ચેતના સંકોરાતી રહી છે.