Opinion Magazine
Number of visits: 9685001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શોષિતોનાં શૂળનું મૂળ શોધનાર મનીષી : કાર્લ માર્કસ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2019

જગતના કરોડો મહેનતકશોના મુક્તિદાતા અને યુગપ્રવર્તક મહામાનવ કાર્લ માર્કસના જન્મને આ પાંચમી મેના રોજ બસોએક વરસ થશે. એક સમયે જેમના વિચારોના પ્રભાવ તળે સ્થપાયેલી રાજવ્યવસ્થા હેઠળ દુનિયાની અડધોઅડધ માનવ વસ્તી શ્વસતી હતી, તે કાર્લ માર્કસે, જિંદગીના ત્રણ દાયકા પણ પૂરા કર્યા નહોતા, ત્યારે વિખ્યાત ‘કમ્યુનિસ્ટ મેનિફેસ્ટૉ’ ઘડીને ખળભળાટ મચાવી મૂક્યો હતો.

ઈ.સ. ૧૮૧૮ની પાંચમી મેના રોજ જન્મેલા કાર્લ માર્કસે શાળાંત અભ્યાસના અંતે “વ્યવસાયની પસંદગી અંગેના એક યુવાનના વિચારો” એ વિશેના નિબંધમાં “માનવજાતના કલ્યાણ માટે જાતને સમર્પિત કરવાની” ઈચ્છા પ્રદર્શિત કરીને, પોતાના ભાવિના એંધાણ આપ્યા હતા. ૧૭ વરસના કાર્લ માર્ક્સ બોન યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કરવા જોડાયા હતા. ૧૮૩૬માં માર્કસે બર્લિન યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ છોડીને તત્ત્વજ્ઞાન અને ઇતિહાસનો અભ્યાસ કર્યો. ન્યાયશાસ્ત્ર, સાહિત્ય અને કળાઓનો પણ અભ્યાસ કરી ચૂકેલો આ યુવાન ૧૮૩૭ સુધીમાં તો જર્મન વિચારક હેગેલના વિચારોથી પૂરેપૂરો આકર્ષાઈ ચૂક્યો હતો. મિત્રો પર એક સારા ચર્ચક તરીકેનો પ્રભાવ ઊભો કરનાર માર્કસને નાસ્તિકતાનો પણ પાશ લાગી ચૂક્યો હતો. હેગેલનું તત્ત્વજ્ઞાન એમને “અટકળિયા સ્વરૂપ”નું કે “વિચિત્ર બરછટ ગીત” જેવું લાગેલું. એમાંથી જ પ્રેરણા મેળવીને તત્ત્વજ્ઞાનના દરિયામાંથી સાચાં મોતી મેળવવા એ પ્રેરાયા હતા.  “તત્ત્વજ્ઞાન વિના આગળ વધવાનો કોઈ જ માર્ગ નથી” એમ પિતા પરના પત્રમાં લખનાર માર્ક્સના, બે ગ્રીક તત્ત્વચિંતકો પર લખાયેલા – “નેચરલ ફિલોસોફી ઓફ ડેમોક્રિટસ એન્ડ એપિક્યુરસ” એ મહાનિબંધને, ૧૮૪૧માં જેના યુનિવર્સિટીમાંથી, ૨૩ વરસની વયે, ડોકટરેટ મળી હતી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણાં નેતાઓને વાચન અને અભ્યાસની તક જેલવાસમાં મળેલી. માર્કસને એ તક લાંબી માંદગીમાં મળી હતી. માંદગી દરમિયાન એમણે હેગેલિયન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. “પ્રિયજનના વિયોગની અંગત પીડા કરતાં સમગ્ર માનવજાતના પીડનનું મૂળ શોધવા ગમે તે સહન કરવા” તત્પર, કાર્લ માર્કસ હેગેલના વિચારોથી પ્રભાવિત યંગ હેગિલિયનોના જૂથના નેતા પણ બન્યા હતા. ડોકટરેટ મેળવીને તેમણે અધ્યાપક થવાનું નક્કી કરેલું પણ પ્રુશિયન યુનિવર્સિટીઓમાં વાણી અને વિચાર સ્વાતંત્ર્ય પર એ જમાનામાં  ભારે દાબ હતો. એટલે માર્કસ પત્રકારત્વ તરફ વળ્યા. આરંભના અખબારી  કટારચી માર્કસ, ૨૪ વરસની વયે, અખબારના તંત્રી બન્યા. એમણે સામાજિક આર્થિક પ્રશ્નોની નિર્ભીકતાથી અને ક્રાંતિકારી દ્રષ્ટિકોણથી ચર્ચાઓ કરતાં લેખો લખવા માંડ્યા. માર્કસના તેજાબી લખાણોથી દાઝેલા પ્રુશિયન સત્તાવાળાઓની કરડી નજર આ અખબાર પર પડી, ને કડક સેન્સરશિપ લાદવામાં આવી. ડોકટરેટ મેળવી માદરે વતન પરત આવેલા માર્કસને પોતાની પ્યારી માતૃભૂમિ છોડવી પડી. ક્રુઝનાકમાં જેની સાથે લગ્નથી જોડાઈને રાજકીય હિજરતી તરીકે પેરિસ આવ્યા.

પેરિસમાં આવીને માર્કસે અભ્યાસમાં અને જર્મન કામદારોના સંગઠનમાં દિલ પરોવ્યું. “લીગ ઓફ જસ્ટ” નામની સંસ્થામાં જોડાયા.ઈ.સ. ૧૮૪૩માં, “જર્મન-ફ્રેન્ચ ઈયર બુક્સ’નું સંપાદન કર્યું. એ નિમિત્તે એન્જલ્સનો પરિચય થયો. માર્કસ-એન્જલ્સની દોસ્તી કાયમી અને ગાઢ બની. પેરિસનિવાસમાં જ એમના મનમાં ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન અને વર્ગ સિદ્ધાંતના બીજ વવાયાં – અંકુરિત થયાં. “ઈકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રીપ્ટસ” અને એન્જલ્સ સાથે “જર્મન આઈડિયોલોજી” જેવા બે મહત્ત્વના ગ્રંથો લખ્યા. ઈયર બુક્ની નકલો પ્રુશિયન સરકારે જપ્ત કરી, માર્કસ સામે નોટિસ કાઢી ને આખરે પેરિસ છોડવું પડ્યું.

રઝળપાટનું એક વધુ ચરણ શરૂ થયું ને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહિ લેવાની શરતે બ્રસેલ્સમાં આશ્રય લીધો. પણ ત્યાં ય માર્કસ પ્રવૃત્તિ વિના રહી શકે? “કમ્યુનિસ્ટ કોરસપોન્ડસ કમિટી” રચીને એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. “લીગ ઓફ જસ્ટ”ના સભ્યો સાથેનો નાતો ગાઢ બનતાં, ૧૮૪૭માં, લંડનમાં એનું પ્રથમ અધિવેશન મળ્યું. જ્યાં એન્જલ્સના મંત્રીપદે “કમ્યુનિસ્ટ લીગ’ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનો મુસદ્દો ઘડવાનું કામ માર્કસ અને એન્જલ્સને સોંપવામાં આવ્યું. “કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો” તરીકે જાણીતો, ૪૦ પાનાંનો આ મહાન ઐતિહાસિક દસ્તાવેજ, ઈ.સ. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં લંડનથી પ્રગટ થયો. “બધી જ સત્તાઓ હવે સામ્યવાદને ખુદને એક સત્તા તરીકે સ્વીકારે છે. તેથી, તેને વિશેના કપોળકલ્પિત ગપાટાંઓને ખતમ કરવા અહીં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.” એવા શબ્દોથી શરૂ થતો આ મેનિફેસ્ટો આજે જગતની તમામ ભાષાઓમાં અનુદિત થઈ ચૂક્યો છે. 

”સામ્યવાદી ક્રાંતિથી શાસક વર્ગો ભલે ધ્રૂજે – કામદારવર્ગોએ તો પોતાની જંજીરો સિવાય કશું જ ગુમાવવાનું નથી અને આખું જગત જીતવાનું છે.” એવી ઘોષણા કરતાં માર્ક્સવાદના પ્રથમ કાર્યક્રમ દસ્તાવેજ જેવા આ જાહેરનામાથી યુરોપભરમાં ખળભળાટ મચી ગયો. કામદારો અને શાસકો સામસામે આવી ગયા તથા ભારે ખૂનખરાબો થયો. જો કે ગણતરીના મહિનાઓમાં જ આ ક્રાંતિ નિષ્ફળ ગઈ હતી. માર્ક્સને દેશનિકાલની સજા થઈ એટલે તે  રઝળપાટ કરતાં કરતાં ૧૮૪૯માં લંડન આવ્યા અને મૃત્યુ પર્યંત ત્યાં જ રહ્યા. માર્કસનો આ લંડનવાસ અત્યંત કારમી ગરીબીમાં વીત્યો.

માર્ક્સનો જીવનકાળ એટલે મૂડીવાદનો મધ્યાન્હ. જેમાં શ્રમિકોનું બે-રહેમ શોષણ થતું હતું. અને તેમનું મૂલ્ય પશુ જેવું હતું. ઔદ્યોગિક ક્રાંતિના એ આરંભકાળમાં મજૂરોનું શોષણ વધતું અને વકરતું રહ્યું. ગુલામો તથા વેઠિયાઓ વધતા રહ્યા અને અમીરોની અમીરી અને શોષણ હદ વટાવી ગયા. આ અસમાનતાના મૂળ શોધી, માર્ક્સે એનું નિદાન કર્યું હતું. “અમારે મન ખાનગી માલિકીને બદલવાનો નહીં પણ તેને મીટાવવાનો સવાલ છે. વર્ગ વિરોધોને ઢાંકી રાખવાનો નહીં, પણ વર્ગોને નાબૂદ કરવાનો સવાલ છે. આજની સમાજરચનાને સુધારવાનો નહીં પણ નવી સમાજરચના શોધવાનો સવાલ છે.” એમ કહેનાર માર્ક્સે પોતે શું નવું શોધ્યું છે તે વિશે કહ્યું છે, “ઉત્પાદન પ્રક્રિયાના વિકાસના અમુક ચોક્કસ તબક્કાઓ સાથે જ વર્ગવિગ્રહ અનિવાર્ય રીતે શ્રમજીવી વર્ગની રાજસત્તામાં પરિણમે છે અને આ રાજસત્તા પણ વર્ગોની નાબૂદી અને વર્ગવિહીન સમાજની રચના તરફના પ્રયાણમાં એક વચગાળાનો સંક્રાંતિકાળ જ છે, કાયમની નથી.”

મૂડીવાદને ઉથલાવી પાડવા માટે કામદાર વર્ગની સરમુખત્યારી ઝંખતા માર્કસનો મૂડીવાદી ઉત્પાદનનું આલોચનાત્મક વિષ્લેષણ કરતો મહાગ્રંથ “મૂડી”નો પ્રથમ ભાગ ૧૮૬૭માં પ્રસિદ્ધ થયો હતો. ઈ.સ. ૧૮૮૩ની ૧૪મી માર્ચે , ચોસઠ વરસની વયે, લંડનમાં માર્કસનું અવસાન થયું ત્યારે એમને અંજલિ આપતાં ફેડરિક એન્જલ્સે કહ્યું હતું, “માણસો રાજકારણ, વિજ્ઞાન, કલા, ધર્મ કે એવી બીજી બાબત પ્રત્યે ધ્યાન આપે તે પહેલાં તેમને ખાવાને ખોરાક, પીવાને પાણી, પહેરવાને વસ્ત્ર અને માથે છાપરું – આટલાં વાનાં તો હોવાં જ જોઈએ, એ હકીકત બહાર આણવાનું મહત્ત્વનું કાર્ય આ મહાપુરુષે કર્યું છે.” કાર્લ માર્કસ જગતના કામદારોના, શોષિતોના દુ:ખદર્દનું ખરું કારણ શોધનાર પ્રથમ સમાજવિજ્ઞાની હતા. જ્યાં સુધી જગતમાં ગરીબી, અભાવો, શોષણ અને અસમાનતા રહેશે અને તેની સામેનો આમ આદમીનો સંઘર્ષ જારી રહેશે ત્યાં સુધી માર્કસ અને તેમના વિચારો જીવંત રહેવાનાં જ.

e.mail : maheriyachandu@gmail.com

[તા.૦૧-૦૫-૨૦૧૯ ના “સંદેશ” દૈનિકની ‘ચોતરફ’ કોલમમાં પ્રકટ]

Loading

એળે જતાં લોકતંત્ર-સ્વાતંત્ર્ય

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|3 May 2019

આજના સમયમાં લોકતંત્ર અને સ્વાતંત્ર્ય – આ બંને જોડિયાં મૂલ્ય છે. પણ લોકતંત્રનો ઉદય નહોતો થયો, ત્યારે પણ આ સ્વાતંત્ર્ય નામનું મૂલ્ય તો હતું જ. અભિવ્યક્ત થવાની અને મનગમતી રીતે જીવવાની સ્વતંત્રતાનો મહિમા હતો જ. એ માટે જ તો મીરાં મેવાડ છોડે છે અને જ્યાંનું મરણ સ્વર્ગ આપે છે એવું કાશી કબીર ત્યાગે છે. આ જ તો એ મૂલ્ય છે જેમને અનુસરી નરસિંહ છેવાડે જઈ અધ્યાત્મનો અજવાસ ફેલાવે છે અને નાગરોની નાતબહાર મુકાઈ ‘એવારે એ વારે અમે, તમે કહો છે તેવા રે …’ કહે છે. તુલસીદાસે પણ કહ્યું છેઃ ‘પરાધીન સપનેહુ સુખ નાહિ’. આ અભિવ્યક્તિ અને જીવવાની સ્વતંત્રતાને આધારે સૉક્રેટિસ અઢીહજાર વર્ષ પહેલાંના ગ્રીસમાં વૈચારિક આંદોલન જગવે છે, અને સ્થાપિત સત્તાનો ખોફ વહોરી મોત વહાલું કરે છે. આ જ તો એ મૂલ્ય છે, જેનો રાજસત્તાને સતત ભય સતાવે છે અને સૉક્રેટિસના જ શિષ્ય એવા પ્લેટોના સમયથી (અઢી હજાર વર્ષ પહેલાં) શાસક અને ફિલસૂફોની યુતિ આ મૂલ્ય ઉપર પાબંદી લગાવવાની પેરવી પણ શરૂ કરે છે.

ઉપર જણાવ્યા એ લોકોને સ્વાતંત્ર્ય માટે જેટલું વેઠવું પડે છે, એથી થોડું ઓછું આપણા સમયમાં જૉસેફ બ્રોડસ્કી, સલમાન રશદી, એડવર્ડ સઇદ, તસ્લિમા  નસરીન આદિને વેઠવું પડે છે. લોકતંત્રનાં ઉદય પછી વ્યક્તિનાં સ્વાતંત્ર્યને એક સુરક્ષાકવચ મળ્યું છે. એ આપણને આપણી સ્પેસ છોડ્યા વિના અભિવ્યક્ત થવાનું અને જીવવાનું સ્વાતંત્ર્ય બક્ષે છે. પણ આ સ્વાતંત્ર્યને જાળવી રાખવા આપણે સંઘર્ષ તો કરવો જ પડે છે. આજે પણ આપણી વચ્ચે એવાં વરવાં ઉદાહરણો તો મોજૂદ જ છે જેમાં વ્યક્તિએ પોતાના આ સ્વાતંત્ર્યનો સાહસભેર ઉપયોગ કર્યો હોય અને બદલામાં જીવ ગુમાવવો પડ્યો હોય. દાભોલકર, પાનસરે કે ગૌરી લંકેશ આનાં દૂઝતા ઘા જેવાં ઉદાહરણ છે. એમની પહેલાં પણ પંજાબી કવિ પાશ અને ગોરખ પાંડે આવે છે. ક્રાંતિકારી કવિ ગોરખની આત્મહત્યા આપણી લોકતાંત્રિક વ્યવસ્થા સામો કોયડો બની ઊભી છે. એક સંશોધન પ્રમાણે ૧૯૯૬થી ૨૦૧૮ સુધીમાં સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ કરનારા લગભગ ૫૪ લોકોની હત્યા કરાઈ છે અને એમાંના મોટાભાગના મુકદ્‌માઓનો હજુ કોઈ નિવેડો નથી આવ્યો. આ તો ચોપડે ચડેલી વિગત છે. પણ છતાં આજે લોકતંત્ર સ્વાતંત્ર્યનું સુરક્ષાકવચ બનવામાં કારગત નીવડ્યું છે. કોઈ પણ ભોગે કે કિંમતે આ સુરક્ષાકવચ કોઈને ય ન સોંપી શકાય. અને તેમ છતાં આપણે જોઈ રહ્યા છીએ કે આજે આપણા સાંપ્રત સત્તાકારણે લોકતંત્ર નામના આ સુરક્ષાકવચને ધર્મ-જાતિ-વર્ગ-પ્રાંત-ભાષા-રાષ્ટ્રવાદ-લઘુમતીવાદ આદિ આદિ શસ્ત્રોના ઉપયોગથી ભેદ્યું છે, અને એને ભેદ્યા પછી એમનું આધિપત્ય આપણા સ્વાતંત્ર્યને પડકારી જ નથી રહ્યું પણ ધમકાવી રહ્યું છે. એમની ધમકીની અસર પણ ચારે તરફ જોવા મળી રહી છે, અચ્છા અચ્છા બુદ્ધિજીવીઓ-કલાકારો પણ કાં તો સત્તાકારણનાં શસ્ત્રોના પ્રભાવમાં વર્તી રહ્યા છે અથવા તો ડરીને મૂંગામંતર બની બેઠા છે. અને સત્તાકારણને વશ વર્તતો આ વર્ગ નાનોસૂનો નથી. મુક્તિબોધની ‘અંધેરેમેં’ કવિતાના ભયાવહ સરઘસ જેવો છે :

उनमें कई प्रकाण्ड आलोचक, विचारक जगमगाते कवि-गण
मंत्री भी, उद्योगपति और विद्वान
यहाँ तक कि शहर का हत्यारा कुख्यात
डोमाची उस्ताद
बनता है बलवान
यहाँ ये दिखते हैं भूत-पिशाच-काय ।
भीतर का राक्षसी स्वार्थ अब
साफ उभर आया है,
छिपे हुए उद्देश्य
यहाँ निखर आये हैं,
यह शोभायात्रा है किसी मृत-दल की ।

મેં આગળ લોકશાહીને ભેદવાની પ્રવૃત્તિ સત્તાકારણ કરે છે એમ કહ્યું. રાજનીતિના બે છેડા છે, એક છેડો દિલ્લી-ગાંધીનગર બાજુ ચાલતા સત્તાકારણ તરફ જાય છે, તો બીજો  પ્રજાકારણનાં એ વિસ્તારોમાં નીકળે છે જ્યાં આઝાદીના આઠ આઠ દાયકા પછી પણ સામાજિક ન્યાયનો નાનો સરખો દીવડો ય નથી પ્રકટ્યો. સત્તાકારણના છેડામાં ચુંબકીય તાકાત હોય છે. એ છેડે ઘણા બૈાદ્ધિકો-કવિઓ વિદ્વાનો કાર્યરત છે, એમની સંખ્યા સરહદે રહેલા સૈન્ય કરતાં ય મોટી હોય છે, અલબત એ દેખાતી નથી પણ એનો પ્રભાવ અને એનાં પરિણામો આપણને સતત દેખાય છે. પ્રજા સમસ્તને સત્તાકારણને અનુકૂળ એવા આચાર-વિચારમાં ડૂબાડી રાખવાનું, એ રસ્તે દોરવાનું, એની જરૂર પ્રમાણે જગાડવા-ઉંઘાડવાનું કલા-કર્તવ્ય એમનાં શિરે છે. સત્તાકારણને ટકાવે એવી ઔષધિ તેઓ ગળચટ્ટી અને નશીલી બનાવીને પ્રજાને પિરસે છે.

ગયા અંકમાં આપણે અરુણ શૌરિ સાહેબનો લેખ વાંચી ગયા, જેમાં એમણે પોતાનાં જીવનની બે મોટી ભૂલ કબૂલી; પહેલી મંડલ-કમંડલ પૂર્વે વી.પી. સિંહને વડાપ્રધાન બનવામાં મદદગાર થવાની; બીજી, નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે ચિત્રિત કરવાની. આપણે માની લઈએ કે આ એમનો શુદ્ધ પશ્ચાત્તાપ છે, સત્તાકારણે હાંસિયામાં ધકેલી  દીધેલા પદપિપાસુ વ્યક્તિનો પ્રલાપ નથી. આપણે ત્યાં આવા અનેક ‘પદમસી’ છે, બાકીના ઢગલો હાથ જોડી ‘પદમસી’ થવાની લાઈનમાં  ઊભા છે. પ્રજાકારણનો  છેડો પણ સૂનકારમાં નથી ડૂબ્યો. ત્યાં પણ બૈાદ્ધિકો-કવિઓ વિદ્વાનો છે. હા, સંખ્યા ઓછી છે, વળી સત્તાકારણનું ચુંબક ક્યારે કોને અરુણ શૌરીની જેમ ખેંચી જાય એનું કાંઈ નક્કી નથી હોતું. અહીંનું કલા કર્તવ્ય જરા જુદું છે. અહીં રહેલાઓને શિરે પ્રજા સમસ્ત પર સત્તાકારણે કરેલાં સંમોહનને તોડવાની અને સત્તાકારણનો અસલ ચહેરો સામે લાવવાની જવાબદારી છે. અહીં રહેલાઓએ ભૂખ્યાં પેટ અને મૂગા આત્માઓનો અવાજ બનવાનું હોય છે.

લોકતંત્ર અને સ્વાતંત્ર્ય વિશેની બંનેની સમજણ પોતાપોતાનાં સ્થાન-કામ પ્રમાણે ઘડાયેલી છે. પ્રજાકારણના છેડે ઊભેલા માટે લોકતંત્ર અને સ્વાતંત્ર્ય એમને અને પ્રજાને સત્તાની અસીમિત શક્તિ સામે રક્ષણ આપતાં ઓજાર છે. આ જ લોકતંત્ર અને સ્વાતંત્ર્ય સત્તાકારણ સાથે સંકળાયેલા લોકો માટે ભિન્ન અર્થ ધરાવે છે. એમના માટે લોકતંત્ર કેવળ સત્તા પ્રપ્તિનું ઓજાર છે. અને સ્વાતંત્ર્ય નાહકની તકરાર!  આપણને સહુને યાદ છે કે ગૌરી લંકેશ અને દાભોલકરની હત્યા કરવામાં આવી ત્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની હત્યા થઈ રહી છે એવો સ્વર પ્રજાકારણના છેડેથી સ્ફૂર્યો હતો અને એના જવાબમાં સત્તાકારણના ઉકરડેથી ઘોંઘાટ ઉઠ્યો હતો કે ‘તેઓ ધર્મભાવના વિરૂદ્ધ કે બહુમતીની લાગણી દુભાય એવું ન બોલ્યા હોત તો ન હણાયા હોત …..’ સરકારો સ્થાપતા-ઉખાડતા લોકતંત્ર અને બંધારણે આપેલા સ્વાત્ર્યના યુગમાં આવાં વલણ કેમ ફૂલે-ફાલે? સત્તાકારણનાં બળે જ. આ બળ જે ઘોંઘાટ જન્માવે છે તેનું કામ લોકતંત્ર અને સ્વાતંત્ર્યના અવાજને ઠેકાણે પાડવાનું છે. આ ઘોંઘાટ અને અવાજ વચ્ચે યુદ્ધ ચાલતું રહે છે. આ ઘોંઘાટ સામે લડનારા એકલવાયા અવાજોને આપણે ઓળખવા જોઈએ. આપણે આ ઘોંઘાટ અને અવાજનો તફાવત જાણવો જોઈએ. મુક્તિબોધનું કવિ-કર્તવ્ય આનું ઉદાહરણ પૂરું પાડે છે. ‘અંધેરમેં’ કવિતામાં મુક્તિબોધ સત્તાકારણના આવાં કાર્યકલાપને વર્ણવતા કહે છે :

गहन मृतात्माएँ इसी नगर की
हर रात जूलूस में चलतीं,
परंतु दिन में
बैठती हैं मिलकर करती हुई षड्‌यंत्र
विभिन्न दफ्तरों-कार्यालयों, केन्द्रों में, घरों में ।
हाय, हाय ! मैंने उन्हें दैख लिया नंगा,
इसकी मुज्ञे और सजा मिलेगी ।

આ ચૂંટણીના માહોલમાં જે મુદ્દાઓ તારસ્વરે ઉછાળવામાં આવી રહ્યા છે, એમાંના એક પણ મુદ્દાને લોકતંત્ર સાથે ભાગ્યે જ કોઈ લેવાદેવા છે. બે હજાર ચૌદની ચૂંટણીમાં જો ભૂત પેદા થયાં છે તો ત્યાર પછી એને ભગાડવા જાણે પલિત પેદા કરવામાં આવ્યા છે. જાતિગત આધારે ભીડ ભેગી કરી, સાર્વજનિક મિલકતો અને મૂલ્યોને નુકસાન પહોંચાડી, લોકતંત્રને ભીડ-તંત્રમાં બદલી  રાજકીય મંચ પર પદાર્પણ કરનારા ગુજરાતના બે યુવાનેતા એનું ઉદાહરણ છે. આ બંનેનેે પોતપોતાના પક્ષે કરવા માટે મુખ્ય રાજકીય પક્ષોમાં જાણે હોડ મચી છે. ધર્મ-જાતિ-વર્ગ-પ્રાંત-ભાષા-રાષ્ટ્રવાદ-લઘુમતીવાદ … આ બધાથી પ્રજામાં વિભાજનો ઊભાં થાય છે, અને આવાં વિભાજનો લોકતંત્રને દુબળી ગાય જેવું બનાવી દે છે.

લોકતંત્ર તો એ પદ્ધતિપૂર્ણ પર્વ છે જેમાં આ બધાથી હટીને પ્રજા નિષ્પક્ષતાથી, સહુને સમાન ગણી, પ્રજા સમસ્તનાં હિત માટે કામ કરતી સરકાર ચૂટે અને ચૂટાયા પછી એ સરકાર જે હેતુ માટે ચૂટાઈ છે તે હેતુ માટે જ કામ કરે. પણ આમ બને છે ખરું? બોલો આમ બને છે ખરું? હું પૂછું છું આમ બને છે ખરું? સામે જન-સભામાંથી ‘હા’ અથવા ‘ના’-નો જે ગગનભેદી સ્વર સંભળાવો જોઈએ તે આપણને એટલે નથી સંભળાતો કેમ કે સભા મંત્ર-મુગ્ધ છે. અને એ ધર્મ-જાતિ-વર્ગ-પ્રાંત-ભાષા-રાષ્ટ્રવાદ-લઘુમતીવાદ જેવા તદ્દન લોકતંત્ર વિરોધી મુદ્દાઓથી મંત્ર-મુગ્ધ છે. અને પ્રજાને અર્ધ બેભાન બનાવી રાખવાનાં સત્તાકારણમાં મુક્તિબોધ કહે છે એમ …. उनमें कई प्रकाण्ड आलोचक, विचारक जगमगाते कवि-गण मंत्री भी, उद्योगपति और विद्वान ઘણા સામેલ છે. આ બેશરમી જાહેરમાં કપડાં બદલવા જેવી હોય છે. અને આ પ્રવૃત્તિને પણ તેઓ પેલા લોકતંત્ર વિરોધી મુદ્દાઓથી ઢાંકે છે અથવા તો મૂલ્ય-હ્રાસ તરફ આંખ-મિચામણાં કરે છે. દાખલા આપવાની જરૂર નથી છતાં આપું છું; આપણા હાલનાં અકાદમીના સરકારનિમ્યા પ્રમુખે કટોકટી દરમિયાન સંસ્થાઓની સ્વાયત્તતા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ખાતર જેલવાસ વેઠેલો, પણ હવે જ્યારે પોતાના જ પક્ષ દ્વારા અકાદમીની સ્વાયત્તતા અને લોકતંત્રનો છેદ ઉડાડી પ્રમુખ બન્યા છે, તો જ્યાં ઔચિત્ય ન હોય ત્યાં પણ બોલ્યા કરે છે, ‘સ્વાયત્તતા અકારણ વિવાદનો મુદ્દો છે.’

આવી જ સ્થિતિ અમારા એક અભ્યાસુ પ્રોફેસર મિત્રની છે; તેમની બિન સાંપ્રદાયિકતા માટેની આક્રમક નિસબત આંખ-માથા પર. પણ એમના એક શ્રદ્ધેયનાં અનેક ધાર્મિક અસહિષ્ણુતાભર્યા લખાણોની વાત આવે તો આંખ મિચામણા કરતા  કહે : ‘એમ, મેં એ નથી વાચ્યું.’ ત્રીજા એક સર્જક સ્વાયત્તતા અને લોકતંત્ર જેવાં મૂલ્યના મુદ્દે તદ્દન મૌલિક અભિપ્રાય ફેલાવે છે; ‘અકાદમીના મુદ્દે હું ફલાણાભાઈની સામે છું અને પરિષદના મુદ્દે હું ફલાણાભાઈની સાથે છું!’ ભાઈ મારા, અકાદમી હોય કે પરિષદ, મુદ્દો લોકતંત્ર અને સ્વાયત્તતા જેવાં મૂલ્યનો છે. એમાં ફલાણાભાઈ ક્યાં આડે આવ્યા? આ સત્તાકારણ અને પ્રજાકારણની લડાઈમાં આવા ફલાણાભાઈઓની ભરમાર પણ કાંઈ ઓછી નથી. જેમ ચક્રવાત ધૂળનું શક્તિશાળી વર્તુળ લઈને ચાલે એમ આ ફલાણાભાઈઓ ચાલતા હોય છે ધૂળ ઉછાળતા; ક્યારેક આ પા’ તો ક્યારેક પેલી પા’.

એમનાં આ કાર્યકલાપ ઉપર પાછા ‘ખદ્યોત’ સતત પોતાનો પ્રકાશ પાથરતા હોય છે. એમની ધૂળ  ક્યારેક અકાદમીમાં તો ક્યારેક પરિષદમાં તો વળી ક્યારેક ચંદ્રકોમાં ચમકતી હોય છે ઠાઠથી. આ ફલાણાભાઈઓ અને એમની ‘ધૂળ’ કે એમના ‘ખદ્યોત’ વ્યક્તિનિષ્ઠ લોકતંત્રની આડ પેદાશ છે જેણે નાનામાં નાની સંસ્થાથી માંડીને દેશની સંસદ સુધી મૂલ્યનિષ્ઠ લોકતંત્ર પાંગરવા જ નથી દીધું. પ્રજાકારણમાં ભળીને સત્તાકારણનાં હિતોની ચિંતા કરવી અને લડાઈ અંતિમ તબક્કે હોય ત્યારે પોતાની ‘રાજ-લીલા’ સત્તા પક્ષે સંકેલી લેવી એ જ ફલાણાભાઈઓનું અવતાર-કૃત્ય હોય છે. એમના માટે પોતાનું હિત, પોતાની ધૂળનું હિત – જૂથનું હિત, જાતિનું હિત આ બધું મહત્ત્વપૂર્ણ હોય છે. આવા અનેક ફલાણાભાઈઓ પોતપોતાનાં ‘ધૂળ-વલયો’ સાથે આ લોકતંત્રની ખાનાખરાબી કરતા ફર્યા કરે છે. આ સ્થિતિમાં લોકતંત્ર, સ્વાતંત્ર્ય કે સ્વાયત્તતાનાં આંદોલનોનો ક્યાં મેળ પડે? મુક્તિબોધ આ સ્થિતિને સ્પષ્ટ કરતા કહે છે :

उदरम्भरि बन अनात्म बन गये,
भूतों की शादी में कनात-से तन  गये,
किसी व्यभिचारी के बन गये बिस्तर,

લોકતંત્ર, સ્વાતંત્ર્ય કે સ્વાયત્તતાની બાબતે આપણે આ હદે પક્ષનિષ્ઠ કે વ્યક્તિનિષ્ઠ ન બની  શકીએ. અને જો બનીએ તો આપણે લોકતંત્ર જેવા સ્વાતંત્ર્યનાં કવચ-કુંડળ ગુમાવીને નાનાં નાનાં પદ-પ્રતિષ્ઠા કે પુરસ્કાર રળી આપતી એક રૂપાળી ગુલામી સ્વીકારી જ નથી રહ્યા પણ એ રૂપાળી ગમતીલી ગુલામીનો મહિમા પણ કરી રહ્યા છીએ. અને જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે લોકતંત્ર અને સ્વાતંત્ર્ય બંને તો એળે જાય જ છે, પણ સાથોસાથ જેને આપણે સ્વતંત્ર ભારત કહીએ છીએ એ પણ પ્રજા સમસ્તનું સ્વતંત્ર રાષ્ટ્ર મટી જાણે મુઠ્ઠીભર બળીયાઓની જાગીર બની જાય છે. આ લોકતંત્ર, સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રને જાળવવાની આપણી જવાબદારીને મુક્તિબોધે આ રીતે આપણી સામે મૂકી છે :

एकाएक उठ पडा आत्मा का पिंजर
मूर्ति की ठठरी ।
नाक पर चश्मा, हाथ में डण्डा,
कन्धे पर बोरा बाँह में बच्चा ।
आश्चर्य !! अद्दभुत ! यह शिशु कैसे !!
मुसकरा उस द्दयुति-पुरुष ने कहा तब …
“मेरे पास चुपचाप सोया हुआ यह था ।
सँभालना उसको, सुरक्षित रखना”

(સંદર્ભઃ મુક્તિબોધ, ‘અંધેરે મેં’ કવિતાની પંક્તિઓ)

તારીખઃ ૦૯-૦૪-૨૦૧૯       

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 13, 14 તેમ જ 08

Loading

ગઝલ

સાહિલ|Opinion - Opinion|3 May 2019

વ્યર્થ સઘળી સલામ થઈ જાશે,
કાયદો તોડ-કામ થઈ જાશે.

ધર્મના નામ પર ધુતારાનાં
ધર્મસ્થાનો મુકામ થઈ જાશે.

લોકસેવાના કોઈ પણ મુદ્દે
મોરચા કાઢ-નામ થઈ જાશે.

લોકશાહીમાં લોકના નામે,
લોકશાહી લિલામ થઈ જાશે.

સત્ય કહેવાની ભૂલ ના કરશો,
જીવવું પણ હરામ થઈ જાશે.

હોય તે ઓળખાણ વર્દીની,
તો બધો ઇન્તેઝામ થઈ જશે.

શું ખબર લોકશાહીમાં લોકો,
સેવકોના ગુલામ થઈ જાશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 20

Loading

...102030...2,8412,8422,8432,844...2,8502,8602,870...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved