Opinion Magazine
Number of visits: 9577334
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હ્યુમનોફોબિયા

આશા બૂચ|Opinion - Opinion|20 March 2019

એક ‘દિ જંગલી અને પાલતુ જાનવરને ભેગાં કરીને થોડાક ચાલાક જાનવર કેવા મંડ્યા  “અરે, તમે કાંઈ હાંભર્યું કે? આપડા ઓલા ગીરના સિંહ, બંગાળના વાઘ, કેરળના હાથી અને હિમાલયના કાળા રીંછને હ્યુમનોફોબિયા થઇ ગિયું છ.”

“એલા, ઈ વળી છે સું?”

“માણહને ઇસ્લામોફોબિયા થાય સે ને એવું આ સે.”

“પણ માણહને ઇસ્લામોફોબિયા થાય ત્યારે થાય સું ઈ તો કે.”

“જો, આંઈ બેહો બે ઘડી. હું તમને હમજાવું. કોક કોક માણહને મસલમાન મસ્જિદમાં જાય, એની પવિત્ર ચોપડી કુરાન વાંચે, એની મા અને દીકરિયું મોઢું ઢાંકે એવાં લૂગડાં પેરે, ડુક્કરનું માંસ નો ખાય અને અલ્લા હો અકબર બોલે ઈ નો ગમે અને આખે આખા બીવા માંડે.”

“પછી? પછી ઈવડા ઈ મસલમાનને હું કરે?”

“કોક મલકના મુખી અને ઈના મળતિયા આખી કોમને કીયે, ‘તમે આંઈ અમારા મલકમાંથી ઠામુકા હાલ્યા જ જાઓ. ઓલા એમ કે કે ભાઈ આ અમારો ય મલક સે, તો તમારી જેમ કાં નો રયીએ? તો ય ઓલા ભડકેલા આખલા જેવા લોક તો બસ એને હંકારી કાઢવાના પેતરા જ કઈરા કરે. અને કોઈ બીજા મલકના મુખી એમ કેવા મઈંડા છે જે આવી ગ્યા ઈ છો રિયા, પણ બીજાને નો આવવા દઇયેં અમે. અને પોતાની ભાગોળે બેસાડેલા ડાઘિયા ચોકીદારોને કઈ જ દીધું સે કે હંધાંયનું નામ અને ધરમ પુસવો. જો જવાબમાં મસલમાન કિયે તો એને ન્યાં ને ન્યાંથી પાછો ધકેલી દેવો. અને જો કોઈ મરદ કે ઓરત એમ કિયે કે ભાઈ ઈ બધાં ય આપડા જેવા બે પગાળાં માણહ સે, ઈને આંઈ રેવા દ્યો, ભગવાન સઉને બે મુઠ્ઠી ધાન દઈ દેશે, તો એને તો સીધા બંદૂકે દઈ દે છે મારા હાળા.”

“ઈ તો હંધુંય ઠીક પણ એમાં આપડા જાત ભાઈયુંનું સું થ્યું ઈ તો કે. આવડો મોટો સબદ હ્યુમનોફોબિયા મને તો બોલતાં ય નો આવડે, તે હમજું તો ક્યાંથી?”

“હવે આપડા ઈ જાત ભાયુંને આ માણહ લોકમાંથી કોક ધોળાં કપડાં પેરે, કોક લીલાં પેરે ને કોક ભગવાં પેરે તો બીક લાગવા માંડી છે. કે છે ઈવડા ઈ માણહે આપડા કિરતારને પોતાની માફક જ મકાનમાં પૂરી દીધો છ. કોકને મંદિરમાં તો કોકેને મસ્જિદમાં, કોકને ગિરજાઘરમાં, તો કોકને ગુરુદ્વારામાં. ને પાછા ઈ લાકડાનું મેરાયું કરીને આગ લગાવે અને ઘમસાણ મચાવે છ.

“તો હવે ઈવડા ઈ સું કરસે?”

“જેમ માણહ મસલમાનને જોઈને ભડકે અને એને ભડાકે દઈ દીયે સ ઇમ જ આપડા આ જાત ભાયું માણહને મારવાની રટ લઈને બેઠા સ.”

“પણ એમાં તું કાં મુંજાસ? મારવા દે ઈને જેને મારવા હોય ઈને, એમાં તારું સું  જાય?”

“એલા, સમજ તો ખરો, જેમ માણહની બીમારી આપડા વાળાને વળગી એમ ઈવડા ઈ આપડાં ટોળાંમાં ભળે ને એનાથી થાય ઈ આપડાં બચ્ચાંને એવો રોગ થાય તો સું થાય આપડું?”

એમાં થ્યું એવું કે બીજા જાનવર હાંભળતા’તા એને માણહની અળવીતરાઈ હાટુ એને ય પાટુ મારવી જોઇં એવું લાગ્યું તે જોર જોરથી રાડું પાડવા માઇંડા, ‘માણહ જાતને મારો, કાપો’ ને પછી તો હલ્લો એવો થિયો કે વાત ના પૂછો.

તેવામાં ઈ બધા ય જાનવરોનાં બચ્ચાં આવી પૂગ્યાં ને કે કે “એ બાપલિયાઓ, આમ  ઇસ્લામોફોબિયાની પેઠે  હ્યુમનોફોબિયાને વાંહે નો દોડાય, નકર આપડે માણાહ જેવા કેવાઈ. માણહમાંથી તો માણસાઈ જવા બેઠી સ, પણ આપડામાંથી જાનવરપણું જાય ઈ કેમ પોસાય? આપડે જો, સાપ જમીન પર લસરે તો હાથી એને કચડે નઇ, વાંદરો ઝાડ પર કૂદે તો જિરાફ એને હડફેટે નો લિયે, મગર પાણીમાં તરે તો આભમાં ઊડતી સમડી એને નો કનડે. આપડે કેવા સંપીને રઇયે છ? બસ એમ જ રેસું. તમને જો ઓલા ચાર જાતભાયુંને થયો એવો રોગ થાહે તો અમારું સું થાહે? લ્યો હવે હાલો, મેલો પડતી ઈ માણહોની ઇસ્લામોફોબિયાની વાતું, એને આપડામાંથી હારી હારી વાતું સીખવી હોય તો સીખે નકર આપડે તો ઈ જાત પાહેંથી હારું હારું સીખીને હારા રઇયે.  આપડે તો ઘણું કામ બાકી સ, ઓલા જે ચારને હ્યુમનોફોબિયા થયું સ એને હાજા નરવા કરવા સે.”

પસી તો હંધાય

“બોલો જાનવર જગતની જે” (સિવાય કે માણહ જાત) બોલતા વિખેરાવા લાગ્યા

હવે તો ઈ માણહ જાત ઝટ કરે તો હારું, નકર દુનિયામાંથી માણહનું નામ નઈ રે

હરિ કરે સો હોય. આપડાથી માણહની હદે નઈ ઊતરાય ઈ નક્કી.

e.mail : 71abuch@gmail.com

Loading

પરિવાર કોને કહીશું?

આશા બૂચ|Opinion - Opinion|19 March 2019

થોડા દિવસ પહેલાં બાળાઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારો વિષે લખેલું, જેમાં મોટા ભાગના અત્યાચારો કુટુંબીઓ કે નિકટના સ્વજનો-પરિચિતો દ્વારા કરવામાં આવે છે, એ હકીકત વિષે ધ્યાન દોરેલું. તો સવાલ એ થાય કે કુટુંબ કે પરિવાર કોને કહીશું?

આ સવાલ કોઈને પણ પૂછશો તો કહેશે, પરિવાર એટલે લોહીના સંબંધે જોડાયેલ વ્યક્તિઓ જેમ કે માતા-પિતા, સંતાનો, ભાઈ-બહેનો એક છત નીચે રહે તે. પૂર્વીય દેશના લોકોને પૂછીએ તો તેમાં પિતાના ભાઈના અને પોતાના ભાઈઓના પરિવારનો ય સમાવેશ થયો હશે. દરેક સંસ્કૃતિમાં પરિવાર વ્યક્તિ તે મજ સમાજ માટે અત્યંત મહત્ત્વનું એકમ બની રહ્યું છે. સંયુક્ત કુટુંબોની અસર વ્યક્તિની સ્વતંત્રતા અને સલામતી પર સકારાત્મક અને નકારાત્મક હોય છે; તો વળી વિભક્ત અને ભગ્ન કુટુંબોના પણ લાભાલાભ અનુભવાય છે. પરિવારને સમાજના એક સ્વાભાવિક અંગરૂપ મજબૂત એકમ તરીકે જોવામાં આવતું હતું. બ્રિટનમાં બીજા વિશ્વયુદ્ધ બાદ 1945માં બેવરેજના કલ્યાણ રાજ્યની યોજના શ્વેત પ્રજાના વિભક્ત પરિવારને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવી હતી.

જ્યારે પૂછવામાં આવે કે “તમારે પરિવાર છે?” ત્યારે સામાન્ય રીતે પતિ, પત્ની અને બે કે ત્રણ બાળકોના બનેલ એકમની વાત કરતા હોઈએ છીએ. શું દરેકને માટે એવો એક પરિવાર હોવો જરૂરી છે? કેટલાક લોકોને આવા પારંપરિક ઢાંચામાં જીવવું ગૂંગળાવનારું લાગતું હોય છે. જ્યારે મોટા ભાગના લોકોને વ્યક્તિ વયસ્ક થાય એટલે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે વિવાહ સંબંધથી જોડાય, બાળકો પેદા કરી તેમને ઉછેરીને સંસ્કારી નાગરિક બનાવે તે જીવનનો  સ્વાભાવિક ક્રમ લાગે છે. પરિવારના સભ્ય હોવાથી લોકો તમને આદરથી જુએ અને તમને પણ કુટુંબની હૂંફ મળે જે એક પ્રકારની સ્વમાન અને સલામતીની લાગણી બક્ષતી હોય છે. કુટુંબના સભ્યો એક લોહીથી  બંધાયેલા હોય, જેમનો સમાન  ઉછેર એક ઢબે થયો હોય, સરખા  વિચારો અને સમાન મૂલ્યો એ તેમની સમાન મૂડી હોય એટલે પરિવાર એક એવું જૂથ છે જેના સભ્યો સુખે-દુ:ખે એકબીજાને સહાય કરે.

કુટુંબ સમાજની ધરી છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગૃહસ્થાશ્રમ અન્ય ત્રણેય આશ્રમોને ધારનાર એક અત્યન્ત મહત્ત્વનું એકમ હોવાથી ઘણું માન ધરાવે છે. આ બધી જ વાતો પરિવાર નામના એકમની ઉજળી બાજુ દર્શાવે છે. પરિવારમાં રહેવું એ શા માટે આટલું મહત્ત્વનું ગણાય છે? માનવ કુળના સાતત્યની જાળવણી અને નૈતિક મૂલ્યોની સાચવણી હેતુ સદીઓથી પરિવાર નામની એક સંસ્થાને સમાજે ઘણું મહત્ત્વ આપ્યું છે અને તે યોગ્ય જ છે.

પરિવારનાં સ્વરૂપ અને કાર્યો વિષે વિચાર કરતાં ખ્યાલ આવશે કે તેમાં સત્તાની વહેંચણી થતી હોય છે અને તેનાથી અસમાનતા પણ ઉત્પન્ન થતી હોય છે; જેને પરિણામે પરિવારની વ્યાખ્યા બદલાતી જોવા મળે છે. જેમ કે એક સમયે લગભગ બધા સમાજોમાં સંયુક્ત કુટુંબનું અસ્તિત્વ સ્વાભાવિક અને એક માત્ર સ્વરૂપ માનવામાં આવતું હતું. કાળક્રમે વડીલોનું સત્તાધારી વલણ અને તેને પરિણામે બીજી પેઢીના છીનવતા અધિકારો દૂર કરવા વિભક્ત કુટુંબ પ્રથા પ્રચલિત થઇ જે હવે પરિવારની મુખ્ય વ્યાખ્યા બની રહી છે. પરિવાર સમાજનો અંતરંગ હિસ્સો છે અને બંને પરસ્પરને સારી અને બૂરી અસર કરનાર હોય છે. મોટા ભાગના લોકોને પોતાના પરિવાર પાસેથી અત્યંત સુખદ અનુભૂતિઓ સાંપડી હોય છે, તો કેટલાકનું જીવન દુઃખમાં રોળાઈ ગયું હોય છે. આવા પરિવારો વ્યક્તિમાં હતાશા અને સમસ્યાત્મક વર્તનભાત પેદા કરીને સમાજ માટે પ્રશ્નો ઊભા કરે છે. આથી જ તો વ્યક્તિગત તેમ જ સામાજિક સ્તરે જીવનના ઘટનાક્રમ સમજવા પરિવારનું જીવનમાં સ્થાન સમજવું જરૂરી છે.

પરિવાર એક એવો ખ્યાલ છે જે કેટલાંક મૂલ્યોની જાળથી ગૂંથાયેલ સંગઠન છે, કે જેમાં ઈચ્છાઓ અને કૈંક અંશે ભયનો પણ સમાવેશ થતો હોય છે. મોટા ભાગના લોકો પરિવારને એક શક્તિશાળી આદર્શ એકમ તરીકે જુએ અને તેથી જ તો પારિવારિક બાબતો વિષે કાજી થયા વિના વાત કરવી મુશ્કેલ બને છે. એક પરિવારના સભ્યોનો પરસ્પરનો વ્યવહાર સાચો છે કે ખોટો, ન્યાયી છે કે અન્યાયી તેની મુલવણી કરવી કઠિન હોય છે કેમ કે કુટુંબ એ અત્યન્ત નિકટની અને પરિચિત વ્યક્તિઓના સમૂહની એક એવી હસ્તી છે જેના વિષે લોકો સામાન્ય રીતે ચર્ચા નથી કરતા હોતા.

આજકાલ સમાજમાં વધતા જતા ગુનાઓ, માનસિક બીમારીઓ, યુવાનોમાં વધતું આત્મહત્યાનું પ્રમાણ વગેરે મુદ્દાઓની ચર્ચા દરમ્યાન ‘વિઘટિત કુટુંબ વ્યવસ્થા કારણભૂત છે’ એમ સતત સાંભળવા મળે છે. કેટલાક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે:

સમાજની સમતુલા જોખમાય ત્યારે અન્ય પરિબળોની સાથે સાથે કુટુંબ વ્યવસ્થાનો તેમાં શો ફાળો છે તે પણ જોવાય તે જરૂરી છે. પરિવારમાં કેટલાક સભ્યો દ્વારા ભોગવાતી સત્તા અને તેનું ચુસ્તપણે કરાવાતું પાલન અસમાનતા પેદા કરે, જેનાથી ઉપર ઉલ્લેખ કર્યો તેમાંના કોઈ પ્રશ્નો ઊભા થઇ શકે. સ્થાનિક કાઉન્સિલ અને દેશની નીતિ અને કાયદાઓ ઘડવામાં આ બાબતો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. જ્યારથી પરિવારની વ્યાખ્યામાં સંતાનો સાથે તેનાં વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થતો અટક્યો ત્યારથી તેમને માટે વૃદ્ધાશ્રમો અને નર્સિંગ હોમની વ્યવસ્થા કરવી સરકાર અને ખાનગી સંગઠનો માટે એક ફરજ બની ગઈ. નિકટ સંબંધોવાળા પરિવારો અને સમાજનો ઢાંચો બદલાયો ત્યારથી યુવાન પેઢીને નડતા કેટલાક પ્રશ્નો હલ કરવા વડીલો અને પાડોશીઓ મદદરૂપ થતા, તેને બદલે વિશિષ્ટ તાલીમ પામેલા કાઉન્સેલરોની મદદ ઊભી કરવી પડી છે. જાહેર માહિતીના-પ્રસારણના સાધનો મારફત પરિવારોનાં રોજિંદા જીવનમાં સહાયભૂત થનારા તેમ જ દખલગીરી કરનારા અનેક જૂથ ઊભરી આવ્યા છે.

મોટા ભાગના પરિવારોના વડીલો, સામાજિક કાર્યકરો અને વહીવટકર્તાઓ પાસેથી ‘હવે પરિવારની પરિભાષા જ બદલાઈ ગઈ છે’ એવું વિધાન વારંવાર સાંભળવા મળે છે. પણ  આવી ભાવનાત્મક સંસ્થાઓના અર્થ ગમે ત્યાંથી ટપકી નથી પડતા, આપણે જે રીતે જીવન જીવીએ છીએ તેના પરથી નવા નવા અર્થો ઊભરતા હોય છે. આપણે જે સંયોગોમાં રહીએ તેના સંદર્ભો બદલાય અને પરિણામે પરિવાર જેવી અત્યંત રોજિંદી અને સ્વાભાવિક લાગતી હસ્તીનો માયનો પણ બદલાય. વિકસિત સમાજોમાં કુટુંબના સભ્યોના એકબીજા સાથે અથવા દૂર રહેવાની પરિસ્થિતિ, કેટલાક ભૌતિક પરિબળો, સંદેશ અને વાહન વ્યવહારનાં સાધનો, જાહેર પ્રસારનાં માધ્યમો અને કાયદાકીય તથા સંસ્થાકીય માળખા પણ પરિવારના બંધારણ અને તેની ઉપયોગિતા પણ સારી કે બૂરી અસર કરતા હોય છે.

એક બીજી વાત પણ નોંધવા યોગ્ય છે. પરિવારોનું માળખું જ મૂળે એવું હતું અને છે કે તેમાં કેટલીક બાબતો ‘બહારના બીજા લોકો’થી ગોપનીય રાખવાની અપેક્ષા હોય છે, તેમને પારિવારિક બાબતોમાં દખલ કરવાની પરવાનગી નથી હોતી. એ રીતે જોઈએ તો દરેક પરિવારને પોતાનું અલગ વિશ્વ હોય છે. પરિણામે સુખી પરિવાર સમાજને આશીર્વાદરૂપ નીવડે, પરંતુ કોઈ કોઈ કિસ્સાઓમાં તેની સત્તા વ્યક્તિગત સલામતી અને સ્વતંત્રતાને જોખમમાં મૂકી દે અને તે વિષે બૃહદ્દ કુટુંબ, પાડોશ, અન્ય સામાજિક સંસ્થાઓ કે સરકારી સંગઠનો કઇં મદદ ન કરી શકે એ પણ સંભવ છે. પરિવારના લાભો અગણિત છે તે સર્વસ્વીકાર્ય બાબત છે, છતાં જીવનની કેટલીક કરુણ પરિસ્થિતિઓ અને ઘટનાઓ પણ ત્યાં જ બનવા પામે છે. પરંતુ પરિવાર હોવો એ કુદરતી છે, તે વ્યક્તિના ભલામાં જ અમુક નિયમોનું પાલન કરે-કરાવે છે એવી ધારણાઓ હજુ પણ જળવાઈ રહેવાને કારણે વ્યક્તિ કે સમાજને હાનિકારક હોય તેવા વલણને બદલવા વિશેષજ્ઞો અને નીતિ ઘડનારાઓ માટે એક પડકાર ઊભો થતો હોય છે.

પરિવાર સમાજનું એક અનિવાર્ય અને જરૂરી અંગ મનાતું આવ્યું છે, જે વ્યક્તિ અને સમાજને ઘડનારું અને તેથી લાભદાયી જ હોય તેવી માન્યતા રહી છે. આમ છતાં છેલ્લા કેટલાક દાયકાઓથી જાણે એ માન્યતામાં ધરખમ બદલાવ આવતો અનુભવાય છે. એક બાજુથી પરિવાર શબ્દ મધુર લાગણીઓ અને નૈતિક મૂલ્યો સાચવનાર સંગઠનનું દ્યોતક લાગે છે તો બીજી બાજુ એવા સવાલો પણ પુછાઈ રહ્યા છે કે પરિવારો સમાજ માટે કઈ રીતે લાભદાયી કાર્યો કરે છે? શું ઔદ્યોગિક ક્રાંતિ બાદ પરિવારોનું માળખું બદલાયું નથી? દુનિયા આખીમાં પરિવારોનું સરખું સ્વરૂપ ઉપસવા લાગ્યું છે? તેનું એક ઉદાહરણ લઈએ. પહેલાં પશ્ચિમના દેશોમાં વિભક્ત કુટુંબ પ્રથા વધુ પ્રચલિત હતી, હવે પૂર્વીય દેશોમાં પણ એ જ સ્થિતિ જોવા મળે છે. ઘરડાઘર એ પશ્ચિમી સમાજની ઊભી કરેલી વ્યવસ્થા હતી જે આજે ભારતમાં અનેક સ્થળોએ ફૂટી નીકળેલી જોવાં મળે છે. આથી જ તો કદાચ પરિવારની સ્પષ્ટ વ્યાખ્યા નિશ્ચિત કરવાની જરૂર ઊભી થઇ છે, જેથી સામાજિક નીતિઓ ઘડનારા અને અલગ અલગ વ્યવસાયના તજ્જ્ઞો તેને અનુરૂપ કાયદાઓ ઘડી શકે અને રાજ્ય પોતાના નાગરિકોને તેમની જરૂરિયાત મુજબની સવલતો પૂરી પાડી શકે.

પરિવારના સભ્યો વચ્ચેની વાતચીતમાં સામાન્ય સંજોગોમાં વ્યક્તિ પોતાના પરિવાર માટે શું લાગણી અનુભવે છે, તેના દરેક સભ્ય પ્રત્યે તેની શી ફરજો છે કે લગ્ન વગેરે જેવા પ્રસંગે કોને આમંત્રણ આપવું વગેરે મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે. જ્યારે સમાજના ધારાધોરણથી અલગ હઠીને કોઈ સભ્ય જુદું પગલું ભરે, ત્યારે પોતાના પરિવારમાં કોનો સમાવેશ કરવો, કોને બાતલ ગણવા, કોને વારસા હકમાંથી કાઢી મૂકવા વગેરે જેવા વિવાદ ઊભા કરે તેવા પ્રશ્નો ચર્ચાતા હોય છે, જે પરિવારને કાં તો એક સૂત્રે બાંધે અથવા છિન્નભિન્ન કરી નાખે. પરિવાર નામની સંસ્થા ઇતિહાસ અને સંસ્કૃતિ માટે ઘણી મહત્તા ધરાવે છે. એક ખાસ પ્રકારના સમૂહને આપણે પરિવાર તરીકે ઓળખીએ છીએ, જેના સભ્યોને આપણે જોઈ શકીએ છીએ પરંતુ, પરિવારને જોઈ નથી શકતા. ઘણા કિસ્સાઓમાં લોકો પોતાના પરિવારના સભ્યોમાં જન્મના બંધનથી બંધાયેલા કે કાયદેસરના સંબંધોમાં સમિવિષ્ટ ન હોય તેવા લોકોની ગણતરી પણ કરતા હોય છે. આમ જુઓ તો માનવ જાતે બનાવેલ આ એક એવું સંકુલ છે જે વડીલો અને સંતાનોનો સમુચ્ચય જ છે. ખરેખર તો પરિવાર એ કોઈ ઠોસ વસ્તુ કે હસ્તી નથી પણ પરસ્પરના સંબંધોને ખાસ અર્થ આપીને એકબીજા સાથે જોડાવાની એક પરંપરા છે.

ઔદ્યોગિક ક્રાંતિ બાદ શહેરીકરણ વધવાની સાથે વ્યવસાયને અંગે પોતાના મૂળ પરિવારથી દૂર રહેવાનું વધ્યું તેથી પરિવારની રચના અને તેનો અર્થ ઘણો બદલાયો. આમ છતાં પરિવારને લાગતા પ્રસંગો જેમ કે જન્મ, લગ્ન, માંદગી અને મૃત્યુ હજુ પણ દરેકના જીવનમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે. સામાન્ય રીતે માતાનું કામ ઘરને એક પરિવાર બનાવવાનું હોય છે. એક સુંદર પરિવાર બનાવવા બે મુખ્ય પ્રક્રિયા હોય છે : એક, પરસ્પર વચ્ચે સાથ સહકાર ભર્યા સંબંધ કેળવવા, સુમેળભર્યો વ્યવહાર કરવો, ઘરના સભ્યોને એક સાંકળે બાંધીને એક અર્થપૂર્ણ એકમ બનાવવું, અને બીજું, પરિવાર માટે એક સ્પષ્ટ સીમા રેખા દોરવી જે સમાજના અન્ય સંકુલો કરતાં તેને ભિન્ન રાખે અને તેની ઓળખ કાયમ રહે. કોઈ પરિવાના સભ્યો નિકટ છે અને એક છે તે શાના પરથી પારખી શકાય? એક ઘરમાં સાથે રહેવું, સાથે ભોજન લેવું, સાથે રમતો રમવી કે ફરવા જવું અને એ રીતે સાથે સમય વિતાવવો વગેરે લક્ષણો પારિવારિક ઐક્ય અને સુસંવાદિતાની સાબિતી આપતા હોય છે. બાળકોનો જન્મ અને તેમની હાજરી પરિવારના ગઠનને વધુ મજબૂત બનાવતું હોય છે. જે લોકોને આવા પારંપરિક ઢાંચામાં ઢળવાનું મંજૂર નથી હોતું તેઓને કુટુંબ અને સમાજથી અળગા પાડી દેવામાં આવે તેવું પણ બને.

પરિવારનાં સ્વરૂપમાં ચાહે ગમે તે બદલાવ આવે, તેની વ્યાખ્યાઓ ભલે બદલે, પણ વ્યક્તિ અને સમાજ માટે એ એકમ હંમેશ એક નવી પેઢીઓને જન્મ આપી, કેળવીને સંસ્કૃત નાગરિકો આપનાર એકમ કાયમ બની રહે એ જોવાનું રહેશે અને તો જ માનવ સંસ્કૃતિ ટકશે.

(મુખ્ય સ્ત્રોત: ઓપન યુનિવર્સીટીનો અભ્યાસક્રમ)

e.mail : 71abuch@gmail.com

Loading

એક હતો ‘ફિલ્મ-પત્રકાર’ સઆદત હસન મંટો

શુભમ ઉપાધ્યાય, શુભમ ઉપાધ્યાય|Opinion - Opinion|18 March 2019

મહાન વાર્તાકાર મન્ટો (૧૧ મે ૧૯૧૨ • ૧૮ જાન્યુઆરી, ૧૯૫૫) એક ફિલ્મ-પત્રકાર પણ હતા. તેઓ વર્ષ ૧૯૩૬માં ‘મુસવ્વર’નામની એક ફિલ્મ-પત્રિકામાં કામ કરવા માટે સૌપ્રથમ વખત બૉમ્બે આવ્યા હતા. ત્યાર બાદ મન્ટોએ ફિલ્મ ઇન્ડિયા મૅગેઝિનના માલિક અને તે સમયના પ્રખ્યાત ફિલ્મ-પત્રકાર બાબુરાવ પટેલ માટે પણ કામ કર્યું. મન્ટોએ ચાર-પાંચ વર્ષો સુધી ફિલ્મો પર લખ્યું અને ત્યાર બાદ તેઓ પોતે ફિલ્મો લખવા લાગ્યા. જેના કારણે અગાઉથી જ એક વાર્તાકાર તરીકે પ્રખ્યાત મન્ટો બાદમાં બૉમ્બે ફિલ્મઇન્ડસ્ટ્રીમાં એક સ્ક્રીન-પ્લે રાઇટર તરીકે પણ જાણીતા થયા. ૧૨ વર્ષ બૉમ્બેમાં પસાર કરનાર મન્ટોને આ શહેર પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેઓ પોતાની જાતને ‘હાલતું-ચાલતું બૉમ્બે’ કહીને સંબોધતા હતા અને એવું કહેવાય છે કે જ્યારે મન્ટો તેમના જીવનના અંતિમ દિવસો દરમિયાન લાહોરમાં હતા, ત્યારે પણ બૉમ્બે શહેરને યાદ કર્યા કરતા હતા.

વિભાજન બાદ બૉમ્બે છોડીને લાહોર જઈને વસેલા મન્ટોએ તેમના જીવનનો સૌથી કપરો સમય તે નવા દેશમાં પસાર કર્યો હતો અને તેમનું સૌથી સર્વાંગપૂર્ણ કાર્ય પણ તે સાત વર્ષો (૧૯૪૮-૧૯૫૪) દરમિયાનનું જ માનવામાં આવે છે. આ દરમિયાન મન્ટોએ આર્થિક તંગી દૂર કરવા માટે ફિલ્મ-પત્રકાર તરીકે ફરી વખત લખવાનું શરૂ કર્યું અને વર્ષ ૧૯૪૦ના દાયકાની જે બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેઓ ખૂબ પાછળ છોડીને આવ્યા હતા, તેની વાતો અખબાર-મૅગેઝિનમાં લખવા લાગ્યા. આ તેમના અંગત અનુભવો હતા, પણ તેઓ એક પત્રકારની નજરે આ અનુભવો લખતા હતા અને પોતાની નીડર લેખનશૈલીને કારણે પણ મન્ટોને ઘણા લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ‘સ્ટાર્સ ફ્રૉમ ધ અનધર સ્કાય’ નામે મન્ટોના લેખોનો ઉર્દૂમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનાર ખાલિદ હસન લખે છે કે એક તરફ બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મન્ટોની ભારે માંગ હતી, તેમની પટકથાઓ પરથી ફિલ્મો બની રહી હતી, સાથે તેઓ ફિલ્મોમાં અભિનય પણ કરી રહ્યા હતા, અને મોટા સ્ટાર્સ સાથે તેમના અંગત સંબંધો હતા. પણ જ્યારે મન્ટો પાકિસ્તાન પહોંચ્યા ત્યારે લાહોર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓને કોઈ કામ મળી રહ્યું નહોતું.

મન્ટોએ એક ફિલ્મની કથા-પટકથા લખી, પણ તે ફિલ્મ બૉક્સઑફિસ પર ભારે ફ્‌લૉપ સાબિત થઈ, મન્ટોની વાર્તાઓથી હતાશ સરકારી લોકોએ તેમના રેડિયોલેખનને પણ બંધ કરાવી દીધું અને ત્યારે ‘ઠંડા ગોશ્ત’ નામની તેમની વાર્તા પર કોર્ટકેસ પણ ચાલી રહ્યો હતો. મન્ટો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને શરાબના પણ આદી થઈ ગયા હતા, તેઓ પૈસા કમાવવાના હેતુથી ક્યારેક ક્યારેક સીધા અખબાર અથવા તો ફિલ્મ-મેગેઝિનની ઑફિસમાં પહોંચી જતા હતા. ત્યાં જઈને તેઓ એક કાગળ માંગતા અને પછી ઑફિસના કોઈ એક ખૂણામાં બેસીને એક-બે કલાકના સમયમાં એક ‘પીસ’ તૈયાર કરી નાખતા હતા. આ લેખનું વેતન પણ મન્ટો તે સમયે જ મેળવીને સીધા ઘોડાગાડીમાં બેસીને ઘરે પરત ફરતા હતા. આ પ્રકારના જ કોઈ એક લેખમાં મન્ટોએ તેમની અશોકકુમાર સાથેની મિત્રતા વિશે વિસ્તારમાં લખ્યું હતું, જેમાં અશોકકુમાર (દાદામુનિ) સ્ત્રીઓ માટે શું વિચારતા હતા, તે પ્રકારની અનેક ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળે છે. અશોકકુમાર માટે હિટ ફિલ્મ Eight Days (૧૯૪૬) લખ્યા બાદ મન્ટોએ તેમના માટે જ એક અન્ય ફિલ્મ લખવાનું શરૂ કર્યું હતું કે જેમાં અશોકકુમાર અભિનય કરવાની સાથે ફિલ્મનું નિર્માણ પણ કરવાના હતા. સાથે જ તેમણે એવો પણ નિર્ણય લીધો કે પોતાના માર્ગદર્શક એવા હિમાંશુ રાયના મૃત્યુ બાદ બૉમ્બે-સ્ટુડિયોને ફરી જીવંત કરશે. આ કામ વિભાજનના દિવસની સાંજે જ શરૂ થઈ ગયું અને હિમાંશુ રાયના જૂના મિત્ર અને સાઉન્ડ-ઍન્જિનિયર સાવિક વાચાએ આ સ્ટુડિયોને ફરી ઊભો કરવા માટેની જવાબદારી લીધી. આ કામ શરૂ કરતાની સાથે જ કંપની પર બોજારૂપ એવા આર્ટિસ્ટ્‌સ છટણી કરવામાં આવી, પણ કમનસીબી એવી કે બહાર કરવામાં આવેલા આ તમામ આર્ટિસ્ટ્‌સ હિન્દુ હતા અને તેમની જગ્યાએ જે આર્ટિસ્ટ્‌સની ભરતી કરવામાં આવી, તેઓ મુસલમાન હતા કે જેમાં ઇસ્મત ચુગતાઈ, કમાલ અમરોહી, સંગીત-નિર્દેશક ગુલામ હૈદર અને મન્ટોનો સમાવેશ થતો હતો. આ કારણે બૉમ્બે ટૉકીઝના અન્ય હિન્દુ કર્મચારીઓના મનમાં ‘હિન્દુ’ અશોકકુમાર અને સાવિક વાચા પ્રત્યે નફરત પેદા થઈ ગઈ. જ્યારે અશોકકુમાર અને સાવિક વાચાએ આ લોકોને ખખડાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો, તો સાવિક વાચાને અજ્ઞાત પત્રો મળવા લાગ્યા કે જેમાં એવું લખાણ જોવા મળ્યું કે જો સ્ટુડિયોમાંથી મુસલમાનોને બહાર કરવામાં નહીં આવે, તો સ્ટુડિયોને આગ લગાવી દેવામાં આવશે. આ કારણે અશોકકુમારને લાગ્યું કે જો હિમાંશુ રાય સ્થાપિત બોમ્બે ટૉકિઝમાં તેમના કારણે કોઈ દુર્ઘટના ઘટશે, તો તેઓ લોકોને શું જવાબ આપશે. તે સમયે શહેરમાં કોમી રમખાણોની ઘટનાઓ સતત વધવા લાગી અને આ દરમિયાન એક ફિલ્મની ચર્ચા વખતે તેના લેખક નઝીર અજમેરીએ અશોકકુમાર અને સાવિક વાચાની સાથે આવેલા મન્ટોનો કડક શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કર્યો. આ કારણે મન્ટોને લાગી આવ્યું અને કેટલાક દિવસો સુધી વિચાર કર્યા બાદ તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા. આ ઘટનાના ઘણા દિવસો બાદ મન્ટોએ લખ્યું કે ‘… અને હું ચૂપચાપ બાજુની ગલીમાંથી પાકિસ્તાન ચાલી આવ્યો, જ્યાં મારી વાર્તા ‘ઠંડા ગોશ્ત’ પર ખટલો ચલાવવામાં આવ્યો.’ 

શ્યામ નામે મન્ટોનો એક અંગત મિત્રો હતો. વર્ષ ૧૯૪૦ના દાયકામાં આ ઍક્ટર ભગવાનદાદાની ‘અલબેલા’ (૧૯૫૧) અને નરગિસની ‘મીના બાજાર’ (૧૯૫૦) જેવી ફિલ્મોમાં બૉમ્બેમાં મન્ટોએ ઍક્ટર શ્યામની સાથે આનંદદાયી દિવસો પસાર કર્યા હતા. એક ફિલ્મ- પત્રકાર તરીકે મન્ટોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કેટલીક મહિલાઓનાં સંસ્મરણો પણ લખ્યાં છે. ઍક્ટ્રેસ નગરિસને લઈને મન્ટોએ લખ્યું છે કે ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯) બાદ ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકેલી નરગિસની આંખોમાં તેઓને હંમેશાં ઉદાસી જોવા મળતી હતી. મન્ટોની પત્ની અને બે સાળીઓની સાથે નરગિસને મિત્રતા હતી, આ કારણે જ રૂપેરી પડદા પાછળનું જીવન જીવતી નરગિસને મન્ટો ખૂબ જ સારી રીતે જાણતા હતા કે જે નાની નાની ખુશીઓ મેળવવા માટે ઘણું બધું કરવા માટે તૈયાર હતી. મન્ટો કહેતા હતા કે નરગિસ તેના કામ પ્રત્યે ઈમાનદાર છે, માટે તે સફળ છે. નરગિસની માતાનું નામ જદ્દનબાઈ હતું, તેઓને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ મહિલા સંગીતકાર માનવામાં આવે છે. જદ્દનબાઈ ફિલ્મોમાં નામ કમાયાં તે પહેલાં તવાયફ હતાં અને મન્ટોએ તેમના લેખમાં જદ્દનબાઈના જીવન પર પુષ્કળ લખ્યું છે. મન્ટોએ લખ્યું છે કે નરગિસનાં જીવનના મોટા ભાગના નિર્ણયો જદ્દનબાઈએ લીધા હતાં, જેના કારણે નરગિસને સફળતા મળી, પણ આ સામે નરગિસના બાળપણ અને જવાનીની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ હતી.

જો સંગીતની વાત કરીએ તો નૂરજહાંને મન્ટો લતા મંગેશકરથી શ્રેષ્ઠ અને કે.એલ. સહગલના સમકક્ષ માનતા હતા, તેમણે મન્ટોના ઘરે જઈને ફૈઝનું ‘આજ કી રાત સાજ-એ-દર્દ ન છેડ’ ગાયું હતું. 

[સંપાદિત અનુવાદ : નિલય ભાવસાર, सत्याग्रहમાંથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 12

Loading

...102030...2,8402,8412,8422,843...2,8502,8602,870...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved