Opinion Magazine
Number of visits: 9577282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ર૦૧૪નાં ચૂંટણીવચનોથી આથમણે

પી. સાંઈનાથ|Opinion - Opinion|18 April 2019

વર્ષ ૨૦૧૪માં સ્વામિનાથન કમિશનના અહેવાલની ભલામણોનો આવતાની સાથે જ અમલ કરીશું એવા વચન સાથે મોદી સરકાર સત્તા પર આવી. આ વચન મુજબ સરકારે ખેડૂતોને ટેકાના ભાવ આપવાની સ્થિતિમાં પાકની પડતરમાં ઓછામાં ઓછા પચાસ ટકા પોતાના તરફથી ઉમેરીને આપવાના થાય. પણ થયું એનાથી તદ્દન ઊલટું. વર્ષ ૨૦૧૫માં સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને એક આર.ટી.આઈ.માં જવાબ આપ્યો કે આ શક્ય નથી કેમ કે તેનાથી બજારમાં ફુગાવો વધવા સંભવ છે. મતલબ કે સરકારને માર્કેટની પડી છે, ખેડૂતોની નહીં. આ મોદી સરકારની પ્રાથમિકતા છે, માત્ર નફો રળવો અને એ પણ જ્યાં સરકારનું વિશિષ્ટ હિત જળવાતું હોય એમના માટે.

અને તમે જુઓ, વર્ષ ૨૦૧૪થી જે શ્રેણીબંધ ને હડહડતાં જૂઠાણાં ચાલી રહ્યાં છે …. વર્ષ ૨૦૧૬માં કૃષિમંત્રી રાધા મોહન કહે છે કે આવાં કોઈ વચનો આપવામાં આવ્યા નથી. અને વર્ષ ૨૦૧૭માં મોદી સરકાર અને તેમના કેટલાક મંત્રીઓ, સાથે મધ્યપ્રદેશના ત્યારના મુખ્યમંત્રી પણ દૃઢતાપૂર્વક એમ કહેતા જણાય છે કે તેમણે ખેડૂતોને સ્વામિનાથન રિપોર્ટની ભલામણોથીયે કંઈ વધારે અને બહેતર આપવાની યોજનાનો અમલ શરૂ કરી દીધો છે. હકીકતે અત્યારે દેશમાં કૃષિ ક્ષેત્રે ભારે કટોકટી ચાલી રહી છે, અને એ એટલી ઘેરી છે કે તેને રાષ્ટ્રીય કટોકટી કહેવામાં ય અતિશયોક્તિ નથી. અને બીજી બાજુ મોદી સરકાર દેશ આખાને મૂર્ખ બનાવવા મચી પડી છે. લાજશરમ નેવે મુકીને જૂઠાણાં ચલાવી રહી છે. કૃષિ અને તેને સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં ખેડૂતો, બજાર, કંપની, સરકાર … આ બધાંની સ્થિતિ તરફ થોડી નજર ફેરવતા આ હકીકતનો વધારે ખ્યાલ આવશે.

ખેતી : ખેડૂતો નહીં,

કોર્પોરેટને લાભ કરાવવાનો સોદો

આપણા દેશમાં ઉદારીકરણ બાદ બીજ, ખાતર, કીટનાશક અને ખેતીનાં યંત્રોની કિંમત ઝડપથી વધી છે. ગત ત્રણ વર્ષમાં ખેતીની આવકમાં જબરજસ્ત ઘટાડો થયો છે અને તેની પડતર-કિંમત આસમાને પહોંચી છે. ૨૦૦૩માં વિદર્ભમાં એક એકરમાં સિંચાઈ વિનાની જમીન પર કપાસની ખેતી કરવાનો ખર્ચ અંદાજે રૂપિયા ચાર હજાર આવતો હતો, જ્યારે સિંચાઈની જમીનમાં તેનો ખર્ચ દસથી બાર હજારનો હતો. હવે તે ખર્ચ સિંચાઈ વિનાની જમીનમાં બારથી પંદર હજારનો થયો છે, જ્યારે સિંચાઈ આધારિત જમીનમાં તે ખર્ચ ચાળીસ હજાર રૂપિયે પહોંચ્યો છે! સરકારી આંકડા મુજબ પાંચ સભ્યોના ખેડૂત પરિવારની મહિનાની સરેરાશ આવક અંદાજે છ હજાર રૂપિયા સુધીની છે.

પોતાનાં જ ખેતરોમાં ખેડૂતો આજે મજૂર થઈને કામ કરી રહ્યા છે, આ બધું કામ કૉર્પોરેટને નફો કરાવવા માટે મજબૂર થઈને કરી રહ્યા છે. ખેતીની પડતર વધી છે, આવક ઘટી છે અને તેમ છતાં, સરકાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે. આ રીતે ખેતીને નુકસાનીનો સોદો બનાવી દેવામાં આવ્યો છે, જેથી ખેડૂતો ખેતી છોડી દે અને ત્યાર બાદ કૉર્પોરેટગૃહો માટે ખેતી બેસુમાર લાભ લેવાનો સોદો બની જાય.

માત્ર દેવાંમાફી પૂરતી નથી

આપણને લાખો ખેડૂતોને આપવામાં આવેલા ચાળીસ હજાર કરોડની ચિંતા થાય છે, પણ એકલદોકલ અદાણી જેવાઓને જ અરબો ડોલરની લહાણી થાય છે, તે વિશે કોઈ ચર્ચા થતી નથી. પરંતુ આ જ સરકારો દર વર્ષે લાખોકરોડો કૉર્પોરેટની લોન માફી કરે છે. ૨૦૧૫માં સરકારે ૭૮ હજાર કરોડનો કૉર્પોરેટ ટેક્સ માફ કર્યો હતો. સરકાર પાસે વિજય માલ્યાને આપવા માટે નવ હજાર કરોડ રૂપિયા છે. મતલબ કે સરકાર પાસે પૈસા તો છે, પણ તે કોને મળી રહ્યા છે તે પ્રશ્ન અગત્યનો છે! એ અલગ વાત છે કે દેવાંમાફી ખેડૂતોને રાહત આપે છે, પરંતુ એ સમસ્યાનો કાયમી ઉકેલ નથી.

૨૦૦૮માં યુ.પી.એ. સરકારે દેવાં માફીની જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ ખેડૂતો સુધી ન પહોંચ્યો. મોટા ભાગના ખેડૂતોએ વ્યક્તિગત કે શાહુકારો પાસેથી લોન લીધી છે. આવા કિસ્સામાં દેવાંમાફીથી તેમને કોઈ લાભ થતો નથી. દેશમાં કોઈ રાજ્યમાં પ્રથમવાર ખેડૂતોનું દેવું માફ કરનારા ચૌધરી દેવીલાલ હતા, ત્યારે તેઓ હરિયાણાના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ ૨૦૦૮માં યુ.પી.એ. સરકારે ખેડૂતોના દેવાં માફ કર્યાં હતાં. જો ખરેખર દેવાંમાફી એ ઉપાય હોય તો એક વાર કોઈ ચોક્કસ રાજ્યમાં દેવું માફ કર્યા પછી કોઈ સરકારે દેવાં માફ કરવાની જરૂર ન પડી હોત, આ વર્ષે કૉંગ્રેસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોનાં દેવાં માફ કર્યાં, એ નોબત જ ન આવી હોત.

‘એન.સી.આર.બી.’ રિપોર્ટ અને સરકારની ભૂમિકા

ખેતીનો પડકાર ખરેખર તો સમાજનો અને આપણી સભ્યતાના અસ્તિત્વ સામેનો પડકાર છે. આ જ કારણે વિશ્વમાં નાના ખેડૂતો અને મજૂરોનો એક મોટો વર્ગ પોતાની આજીવિકા બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. ખેતીનું સંકટ હવે માત્ર જમીનના નુકસાન પૂરતું નથી; ન તો એ માત્ર માનવજીવન, રોજગારી કે ઉત્પાદનનું નુકસાન છે; પરંતુ તે આપણાં માનવીય મૂલ્યોનું નુકસાન છે. આપણી માનવતા સંકુચિત થઈ રહી છે. આપણે ચૂપ બેસીને, શોષિતોની મુશ્કેલીને એકીટસે જોઈ રહ્યા છીએ. પાછલા બે દાયકાની જ વાત કરીએ તો આ ગાળામાં ત્રણ લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ સ્થિતિને કેટલાક ‘અગ્રણી અર્થશાસ્ત્રી’ ગંભીર હોવાનું નકારે છે ને આ કોઈ સંકટ જ નથી, તેવું ય સ્થાપિત કરે છે!!

‘નૅશનલ ક્રાઈમ રેકોડ્‌ર્સ બ્યુરો’(એન.સી.આર.બી.)એ પાછલાં બે વર્ષમાં આત્મહત્યાનો ડેટા જાહેર કર્યો નથી. થોડાં વર્ષ પૂર્વે ઘણાં મોટાં રાજ્યોએ ખોટો ડેટા જાહેર કર્યો હતો. દાખલા તરીકે, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોએ પોતાના રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો ડેટા‘શૂન્ય’ દર્શાવ્યો હતો!! વર્ષ ૨૦૧૪-૧૫માં ‘એન.સી.આર.બી.’ રિપોર્ટની પ્રક્રિયાઓમાં ગંભીર ક્ષતિઓ રહી હતી, જેનો ઉદ્દેશ્ય આત્મહત્યાની ઓછામાં ઓછી સંખ્યા દર્શાવવાનો હતો. જો કે વાસ્તવિકતા તેનાથી વિપરીત હતી.

કેમ કે, આ દરમિયાન ખેડૂતો અને મજૂરોના વિરોધ પ્રદર્શન સતત વધ્યાં છે. ખેડૂતોની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાઓ પણ વધી છે – જે મધ્યપ્રદેશમાં થયું. સરકાર સાથે સમજૂતીઓને લઈને ખેડૂતોની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે – જે મહારાષ્ટ્રમાં થયું. એ પછી નોટબંધીને કારણે આખા દેશમાં આક્રોશ અને અરાજકતા જોવા મળ્યાં. આમાં માત્ર ખેડૂતો નથી પિસાયા, બલકે મજૂરોની પણ બૂરી હાલત થઈ. આ જ કારણે માછીમારો, આદિવાસીઓ, કારીગર વર્ગ, આંગણવાડી કાર્યકર્તાઓનો આક્રોશ પણ બહાર આવી રહ્યો છે.

હવે એ માંગ કરવી જોઈએ કે આ સંકટ અને તેને સંલગ્ન મુદ્દાઓ પર ત્રણ અઠવાડિયાંનું વિશેષ સંસદનું સત્ર બોલાવવામાં આવે. સંસદનાં બંને ગૃહોનું એક સામાન્ય સત્ર થાય. સંસદનું આ સત્ર કયા સિદ્ધાંત પર આધારિત હશે? ભારતીય બંધારણ પર. વિશેષ રીતે તેના સૌથી મહત્ત્વના ભાગ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પર. બંધારણનો આ અધ્યાય ‘આવકની અસમાનતા ઘટાડવામાં’ અને ‘રાજ્ય, પાયાની સુવિધાઓ અને તકની અસમાનતાને નાબૂદ કરવાનો પ્રયાસ’ની વાત કરે છે.

પાક વીમા યોજના : રાફેલથી પણ મોટું કૌભાંડ

વર્તમાન સરકારની નીતિ ખેડૂતવિરોધી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના જ એક મોટું કૌભાંડ છે, જેમાં ૬૫ હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. સરકારે અનેક ખાનગી કંપનીઓને પાક વીમા યોજના આપવાનું કામ સોંપ્યું છે. સરકારે આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં આ જાળ બિછાવવાની નવા પ્રકારે ગોઠવણ કરી છે. દાખલા તરીકે ચાર તાલુકા કોઈ એક કંપનીના હવાલે, અન્ય ચાર તાલુકા કોઈ અન્ય કંપનીના હવાલે … આ રીતે કંપનીઓને ગ્રામીણ ક્ષેત્ર મુજબ વહેંચણી કરી છે. આ પૂરી યોજનામાં ૧૮ કંપનીઓ સામેલ છે. તેમાં ચાર સરકારી વીમા કંપનીઓ છે, જે ‘ટ્રોજન હોર્સ’ છે. એટલે કે તેમને પ્રથમ વર્ષે વીમાનું ઘણું બધું કામ આપવામાં આવશે અને ત્યાર બાદ તેમની પાસેથી આ વીમા લઈને ખાનગી કંપનીના હવાલે કરવામાં આવશે. સરકારે એવા નિયમો બનાવ્યા કે કોઈ પણ તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થાય તો જ વળતરનો દાવો માંડી શકાય. મહારાષ્ટ્રના એવાં ઘણાં ક્ષેત્ર હતાં જ્યાં કેટલાક ભાગોમાં જ દુકાળ પડ્યો છે. હવે કંપનીઓ એ વાતને સ્વીકારવા તૈયાર નથી કે આ ક્ષેત્ર દુકાળગ્રસ્ત છે! બીજું કે મહારાષ્ટ્રમાં રિલાયન્સની વીમા કંપનીએ ૧૭૩ કરોડ રૂપિયા પ્રીમિયમ તરીકે વસૂલ્યા જ્યારે તેમણે ખેડૂતોને માંડ ત્રીસ કરોડ જેટલું જ વળતર આપ્યું. રિલાયન્સે પાક વીમામાં ૧૪૩ કરોડનો જંગી નફો કર્યો છે. આ તો માત્ર એક જ દાખલો છે. આ વાત તાલુકે તાલુકે લાગુ પાડી શકીએ. અહીંયાં ખેડૂતોની વાત કરવા કોઈ તૈયાર નથી. પાક વીમા યોજનામાં કંપનીઓએ ખેડૂતોને જેટલું વળતર નથી આપ્યું તેનાથી અનેકગણું પ્રીમિયમ વસૂલવામાં આવ્યું છે.

દેશમાં ખેડૂતોની આ દયનીય સ્થિતિ જોતાં એવા તારણ પર આવ્યા સિવાય છૂટકો નથી કે પાક વીમા યોજના એ રાફેલથી પણ મોટું કૌભાંડ છે. રાફેલમાં છેવટે એક એ સાત્વંના તો ખરી કે હવાઈજહાજ તો મળે છે, પાક વીમા યોજનામાં તો ખેડૂતોને ગરમ લૂ સિવાય બીજું કશું મળ્યું નથી.

સ્વામિનાથન રિપોર્ટ લાગુ કરવામાં ગલ્લાંતલ્લાં

રાજકીય નેતાઓનો બહોળો વર્ગ ખેડૂતોની પરવા કરતો નથી અને તેમની સાથે દુશ્મન જેવો વ્યવહાર રાખે છે. ચૂંટણી અગાઉ કેવા વાયદા કરવામાં આવે છે, તે જરા જોઈએ.

‘ટેકાના ભાવ’ પર સ્વામિનાથન રિપોર્ટનો અમલ કરવા ખેડૂતોએ ભા.જ.પ.ને વોટ આપ્યા હતા. ૨૦૧૪માં ભા.જ.પે. આ રિપોર્ટને લાગુ કરવાનો વાયદો કર્યો હતો. તેમને સત્તા પર આવ્યા ત્યારે એક વર્ષ પણ નહોતું વીત્યું અને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું જમા કરાવ્યું અને આર.ટી.આઈ.નો જવાબ આપ્યો કે આ રિપોર્ટની ભલામણ લાગુ કરી શકાશે નહીં! સ્વામિનાથન રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી કે ઉત્પાદનની પડતરથી ૫૦ ટકા વધુ ખેડૂતને આપવામાં આવે, જેને ‘સી૨’ કહેવામાં આવે છે. આર.ટી.આઈ.ના જવાબમાં સવાલ પૂછનારને સરકારે લખ્યું કે, સ્વામિનાથન રિપોર્ટના અમલથી બજારમાં અસંતુલન સર્જાશે. સરકારના આ વલણથી કરોડો ખેડૂતોની સ્થિતિ બદતર થઈ રહી છે, પણ હવે વર્તમાન સરકાર માટે તે પ્રશ્ન અસ્થાને છે.

૨૦૧૬માં કૃષિમંત્રી રાધામોહન સિંહે એવી જાહેરાત કરી હતી કે તેમણે આવું કોઈ વચન જ આપ્યું નહોતું. ૨૦૧૭માં તેમણે કહ્યું કે અમે સ્વામિનાથન રિપોર્ટથી ઘણા આગળ નીકળી ચૂક્યા છીએ અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચવાણના મૉડેલ પર આગળ વધી રહ્યા છીએ. બે જાણીતા અર્થશાસ્ત્રીઓને સામે લાવીને મધ્ય પ્રદેશના મૉડેલને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ પણ થવા લાગ્યો.

૨૦૧૮માં નાણાં મંત્રી અરુણ જેટલીએ પોતાના બજેટના વક્તવ્યમાં કહ્યું હતું કે હા. અમે વાયદો કર્યો હતો અને તેને લાગુ પણ કર્યો છે. ૨૦૧૮માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે અમે બધા જ પ્રકારના વાયદા કર્યા હતા પણ અમને આશા નહોતી કે અમે ચૂંટણી જીતીશું!

૨૦૧૪, ’૧૫, ’૧૬, ’૧૭ અને ૨૦૧૮માં ભા.જ.પ.ની સરકારે આ મુદ્દે અલગ અલગ મત દર્શાવ્યા છે. અરુણ જેટલીએ કહ્યું છે કે આ રિપોર્ટની ભલામણ લાગુ કરી દેવામાં આવી છે. તે બિલકુલ જુઠ્ઠાણું છે. કારણ કે ‘ટેકાના ભાવ’ની ગણતરી અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેઓ એ પ્રકારે ગણતરી કરે છે જે સ્વામિનાથન આયોગની ભલામણના આધારે કરવામાં આવેલી વાસ્તવિક ગણતરીથી ૪૦ ટકા ઓછી આવે છે.

‘એન.ડી.એ.’ના સો દિવસ : નિષ્ફળતાની ઉજવણી?

મોદી સરકારના સો દિવસની ઉજવણી મીડિયા દ્વારા કરવામાં આવી હતી. હું એ પૂછવા માંગુ છું કે આ સો દિવસમાં ગ્રામીણ ભારતમાં શું બદલાયું હતું? અને આ સો દિવસના સત્તાવાર જે આંકડા મોજૂદ છે અને તે તમને જણાવું. સો દિવસમાં ગ્રામીણ ભારતમાં ૪૦૦૬ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ચાળીસ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વીસ હજાર લોકો આ સો દિવસમાં કાયમ માટે ખેતી છોડી ચૂક્યા હતા. આ રીતે ખેતી છોડવાનો સરેરાશ દિવસનો ક્રમ છેલ્લાં વીસ વર્ષથી ચાલ્યો આવે છે, જે આ સરકારમાં પણ બરકરાર રહ્યો છે. પૂર્ણકાલીન ખેડૂત તરીકે ઓછામાં ઓછા છ મહિના ખેતી કરવાનો નિયમ છે, જ્યારે તેનાથી ઓછા સમય ખેતી કરનારને સીમાંત ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતોની આ સંખ્યા સતત ઘટી રહી છે. ૧૯૯૧ સુધી આ સંખ્યા વધતી રહી હતી, પરંતુ ૧૯૯૧ની અને ૨૦૦૧ની વસતીગણતરીની સરખામણી કરીએ તો તેમાં ૭૨ લાખ ખેડૂતો ઘટ્યા છે અને એ જ રીતે ૨૦૦૧ અને ૨૦૧૧ની આ ઘટી રહેલાં ખેડૂતોની સંખ્યા જોઈએ તો તે વધીને ૭૭ લાખ સુધી પહોંચી છે. મતલબ કે છેલ્લા બે દાયકામાં દોઢ કરોડ ખેડૂતોએ હંમેશ માટે ખેતી છોડી દીધી છે! ભૂખમરા અને કુપોષણથી મૃત્યુ પામેલાં બાળકોના આંકડા પણ લાખોમાં છે.

આ સો દિવસમાં ગ્રામીણ ક્ષેત્રમાં જે બન્યું, તેની સામે એન.ડી.એ. સરકારે દેશના બે ટકા સૌથી માલેતુજારોને આપેલું ટેક્સમાં કન્સેશન ૧,૪૫,૭૫૩ કરોડ રૂપિયા હતું. આ તમામ આંકડા નેટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ જ રીતે છેલ્લાં છ વર્ષમાં શ્રીમંતોને ટેક્સમાંથી ઘણી માફી આપવામાં આવી રહી છે, આ માફી બજેટની ખાધ જેટલી કે તેથી વધુ રહી છે.

ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ – પશુધનની અવદશા

ગાયની હત્યા પરના પ્રતિબંધનું સામાજિક-રાજકીય ગણિત તો સૌ જાણે જ છે. પણ તેનું આર્થિક ગણિત શું છે તે વિશેષ રીતે તપાસવું જોઈએ. જે ન થયું. મહારાષ્ટ્રમાં અત્યારે ગાયની હત્યા પરનો પ્રતિબંધ વ્યાપક પ્રમાણમાં લાગુ કરવામાં આવ્યો છે, અને તેમાં માત્ર ગાયની જ હત્યાનો નહીં, બલકે તમામ ઢોરોની હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ખરેખર તો મુસ્લિમો પર આર્થિક હુમલો કરવા માટે મૂકવામાં આવ્યો છે. પણ તેની અસર દલિતો પર પણ ખૂબ થઈ. કોલ્હાપુર ચપ્પલ ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી છે, તેનું કારણ આ પ્રતિબંધ જ છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં મહદંશે રોજગારી મેળવનારા દલિતો હતા. આ ગ્લોબલ બ્રાન્ડ હતી, આપણા વડા પ્રધાને ‘મેક ઇન ઇન્ડિયા’ શબ્દ કૉઈન કર્યો એના પરાપૂર્વથી! હવે આ ‘બ્રેક ઇન ઇન્ડિયા’ થઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ઢોરોનું આખું માર્કેટ પડી ભાંગ્યું છે. આ માર્કેટને કોણ ચલાવે છે? મોટા ભાગના મહારાષ્ટ્રિયન ઓ.બી.સી.. કોઈ પણ ખેડૂત હવે નવી ગાય-ભેંસ ખરીદવા તૈયાર નથી, કારણ કે જ્યારે તેનું કામ પૂરું થઈ જાય તે પછી તેનું કોઈ ખરીદનાર નથી. ઢોરોની કિંમત પણ અનેકગણી ઘટી ચૂકી છે. ગ્રામીણ ક્ષેત્રની આ ગંભીર સ્થિતિ છે. એવું કહેવાય છે કે જ્યારે ઢોરોની કિંમત ત્રીસ ટકા ઘટે ત્યારે તેને કૃષિ સંકટ ગણવામાં આવે છે. ઢોર એ ખેડૂત માટે ઇન્સ્યોરન્સ જેવું કામ કરે છે અને આ માત્ર વર્તમાન સરકારમાં જ નહીં, અગાઉ કૉંગ્રેસનું શાસન હતું ત્યારે પણ પશુધનની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે, વિશેષ રીતે દેશી પશુધનમાં. ગ્રામીણ અર્થતંત્રની તે કરોડરજ્જુ છે. આ દેશી ઢોર અતિજોખમી સ્થિતિમાં છે અને જે લોકો આ માટે જવાબદાર છે તેમને તમે ખરેખર દેશદ્રોહી કહી શકો છો.

લોકશાહી પ્રક્રિયામાંથી લાખો લોકોની બાદબાકી

ગત ત્રણ વર્ષમાં લાખો લોકોને લોકશાહી પ્રક્રિયામાંથી બે-દખલ કરી દેવામાં આવ્યાં છે; બે-દખલ થવાનું કારણ છે રાજસ્થાન અને હરિયાણામાં લાગુ થયેલો પંચાયત ચૂંટણી લડવા માટેનો વટહુકમ. આ વટહુકમની અસર વિશેષ કરીને ગરીબ, આદિવાસી, દલિત, લઘુમતી અને મહિલાઓ પર થઈ છે. ડિસેમ્બર, ૨૦૧૪માં રાજસ્થાન સરકારે અને ૨૦૧૫માં હરિયાણા સરકારે પંચાયતની ચૂંટણી માટે દાખલ કરેલી ન્યૂનતમ આવશ્યક શૈક્ષણિક લાયકાતની જોગવાઈ અંતર્ગત પંચાયતની ચૂંટણી લડવા માટે અલગ અલગ પદ માટે ધોરણ આઠથી દસ સુધીની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી બની રહેલ છે. આ વટહુકમ લોકશાહી પ્રક્રિયામાં નાગરિકોના પાયાના બે અધિકારો પર તરાપ મારે છે. એક, નાગરિકનો જાહેરજીવનમાં ઝંપલાવવાનો અધિકાર અને બીજો, લોકોનો પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર. દેશમાં જ્યારે ગરીબો, દલિતો અને આદિવાસીઓને શિક્ષણ મેળવવાની કોઈ નિશ્ચિત વ્યવસ્થા નથી ત્યારે આ પ્રકારનો વટહુકમ કેવી રીતે પસાર કરી શકાય? નૅશનલ કમિશન ફોર શિડ્‌યૂલ્ડ કાસ્ટ્‌સે પણ આ અંગે વિરોધ દર્શાવીને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. આ વટહુકમ રાષ્ટ્ર અને બંધારણીય વિરોધી છે. આ જ વટહુકમ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં અમલમાં આવવા વકી છે. આ સિવાય પણ જ્યાં જ્યાં આ ‘દેશપ્રેમી’ લોકો છે ત્યાં આ લાગુ થનાર છે!

આમ, ર૦૧૪નાં ચૂંટણીવચનો નિભાવવામાં મોદીસરકાર બધાં જ ક્ષેત્રે નિષ્ફળ પુરવાર થઈ છે.

[છેલ્લાં પાંચ વર્ષમાં પી. સાંઈનાથે કરેલી લેખિત-મૌખિક અભિવ્યક્તિનું સંકલન-શબ્દાંકન : કિરણ કાપૂરે]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 12-14

Loading

પ્રજાસત્તાક, પૂર્ણ સ્વરાજ અને આપણે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 April 2019

એક ઓર પ્રજાસત્તાક પર્વ આંગણે આવીને ઊભું છે. આજની સુભાષ જયંતીએ પ્રજાસત્તાકનું સ્મરણ અનેરું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનો આજે ૧૨૨મો જન્મ દિન છે તો ત્રણ દિવસ પછી ૭૦મો પ્રજાસત્તાક દિન ઉજવાશે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણે પ્રજાસત્તાક કહેવાયા. આ ૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિન તરીકેની પસંદગી પણ ખાસ કારણસરની છે. પંડિત નહેરુના પ્રમુખસ્થાને ડિસેમ્બર ૧૯૨૯માં લાહોરમાં રાવી તટે કૉન્ગ્રેસનું અધિવેશન ભરાયેલું. તેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયેલો. અંગ્રેજોને ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ સુધીની મહેતલ પૂર્ણ સ્વરાજ માટે આપવામાં આવેલી હતી .. ગુલામ ભારતની ૨૬મી જાન્યુઆરીની પૂર્ણ સ્વરાજની ઘોષણા પછી તો આઝાદ ભારતનો પ્રજાસત્તાક દિન જ બની રહે ને ? ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે સત્તાનું  હસ્તાંતરણ થયું હતું તે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ  પૂર્ણ સ્વરાજમાં પરિણમ્યું.

ભારતની બંધારણસભાએ ૨ વરસ ૧૧ માસ અને ૧૮ દિવસની જહેમત પછી હાલનું બંધારણ ઘડ્યું છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષના નાતે ડો. બાબાસાહેબ આંબેડકરનો બંધારણના ઘડતરમાં સિંહફાળો છે. ૨૫મી નવેમ્બર ૧૯૪૯ના દિવસે બંધારણસભા સમક્ષના પોતાના અંતિમ પ્રવચનમાં ડો. આંબેડકરે કહ્યું હતું, “૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું પ્રજાસત્તાક રાજ્ય સ્થપાતાં આપણે વિરોધાભાસોથી ભરેલી જીવનવ્યવસ્થામાં પ્રવેશીશું. રાજકીય દ્રષ્ટિએ આપણે સમાનતા આણીશું પરંતુ સામાજિક અને આર્થિક અસમાનતા ચાલુ જ છે. રાજકીય રીતે ‘એક વ્યક્તિ, એક મતનું’ મૂલ્ય સ્વીકાર્યું છે. પણ સામાજિક – આર્થિક જીવનમાં આપણા વર્તમાન માળખાને લઈને ‘એક વ્યક્તિ, એક મૂલ્ય’ના સિદ્ધાન્તનો ઈન્કાર ચાલુ જ છે. આ અસમાનતા અને વિરોધાભાસ ક્યાં સુધી ચાલુ રાખીશું ?” ભારતમાં પ્રવર્તતી સામાજિક આર્થિક ગેરબરાબરીથી ચિંતિત બાબાસાહેબે એવી ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, “સામાજિક આર્થિક અસમાનતા જો લાંબો સમય ચાલુ રહેશે તો તેનાથી પીડાતા લોકો બંધારણસભાએ જહેમતપૂર્વક તૈયાર કરેલ રાજકીય લોકશાહીની ઈમારતને ધ્વસ્ત કરતાં અચકાશે નહીં.” મજબૂત સરકારની દુહાઈ અને મહાગઠબંધનના હાકોટા વચ્ચે દેશ  લોકસભાની ચૂંટણીના માહોલમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ વરસના પ્રજાસતાક પર્વે બંધારણ નિર્માતાઓના શબ્દો કાળજે ધરવા જેવા છે.

તાજેતરમાં સંસદે પસાર કરેલા આર્થિક અનામતના ૧૨૪મા બંધારણ સુધારા સાથે ભારતનું સંવિધાન એના મૂળભૂત માળખાને અકબંધ રાખીને બદલાતું રહ્યું છે. એક તરફ  ‘બંધારણ બચાવો’ની તો બીજી તરફ “બંધારણ બદલો”ની માંગણીઓ પણ થતી રહી છે. બંધારણની હોળી થાય છે તો એને હાથીની અંબાડી પર રાખી શોભાયત્રાઓ પણ નીકળે છે. બંધારણના અનુચ્છેદ ૩૬૮ અન્વયે સવાસો જેટલા સંશોધનો કે સુધારા સહી ચૂકેલા ભારતના બંધારણની સમીક્ષા માટેના પ્રયત્નો પણ થયા છે. જસ્ટિસ વૈકટચૈલ્લેયાહના અધ્યક્ષપદે બંધારણના સુવર્ણજયંતી વરસે રચાયેલા બંધારણ સમીક્ષા પંચે ૩૧મી માર્ચ ૨૦૦૨ના રોજ પોતાનો અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો હતો.

બંધારણ સમીક્ષા પંચે “સામાજિક-આર્થિક પરિવર્તન અને વિકાસનો માર્ગ” શીર્ષક હેઠળના અહેવાલના દસમા પ્રકરણમાં દલિતો, આદિવાસીઓ, પછાતવર્ગો, લઘુમતીઓ, સ્ત્રીઓ અને કામદારો સંદર્ભે જે મહત્ત્વની ભલામણો કરી હતી તે તત્કાલીન સરકારને (અને કદાચ તે પછીની અને આજની સરકારને પણ) માફક આવે તેવી નહોતી. તેથી તે અહેવાલ અભરાઈએ ચઢાવી દેવાયો હતો. ચૂંટણીની વૈતરણી તરવા કે દેશમાં ચાલતા બિનઅનામત જ્ઞાતિઓના અનામત આંદોલનોથી છૂટકારો મેળવવા કેન્દ્ર સરકારે આર્થિક અનામતનો માર્ગ બંધારણ સુધારા મારફત લીધો છે. લગભગ સઘળા વિપક્ષે (દલિતોના કહેવાતા પક્ષોએ સુધ્ધાં) સરકારના ઈરાદા અંગે થોડા વાંધાવચકા સાથે તેનું સમર્થન કરવું પડ્યું છે. આજે દલિતો-આદિવાસીઓ  માટેની વર્તમાન અનામત વ્યવસ્થા અપર્યાપ્ત બની છે. વળી નવી આર્થિક નીતિ અને ખાનગીકરણના વધતા પ્રભાવમાં જ્યારે સરકારી કે જાહેર ક્ષેત્રની નોકરીઓ સંકોચાઈ રહી છે ત્યારે દોઢ દાયકા પૂર્વે બંધારણ સમીક્ષા પંચે દલિતો-આદિવાસીઓ માટે ખાનગીક્ષેત્રોમાં અનમતની નીતિ લાગુ પાડવાની જે ક્રાંતિકારી ભલામણ કરી હતી, તે વિસારે પાડી દેવાઈ છે. અંગઠિત ક્ષેત્રોમાં વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને જમીનવિહોણા ખેડૂતો એવા ખેતકામદારોના લઘુતમ વેતન માટેના સર્વગ્રાહી કાનૂનની બંધારણમાં જોગવાઈ કરવાની પંચની ભલામણ હતી. સમગ્ર દેશમાં એકસરખા ધોરણે લઘુતમ વેતનના દરો ઠરાવવા અને વરસમાં અમુક દિવસની ફરજિયાત રોજી આપવા પણ પંચે ભલામણ કરી હતી.

ઓલ ઈન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન દ્વારા ડો. આંબેડકરે ઘડેલ અને બંધારણસભાને આપવામાં આવેલ આવેદનપત્ર ”સ્ટેટસ એન્ડ માઈનોરિટી”માં, જમીન, ઉદ્યોગો અને વીમાના રાષ્ટ્રીયકરણની તથા કૃષિને રાજ્ય ઉદ્યોગ ગણવાની માગણીઓ કરી હતી. બંધારણના ઘડવૈયા આંબેડકરની અનુસૂચિત જાતિઓની સલામતી માટેની એ માગણીઓ બંધારણમાં આમેજ થઈ શકી નહોતી અને આજે પણ તે આંબેડકરના બાકી એજન્ડા તરીકે સૌ સંઘર્ષશીલોને પડકારી રહી છે. બંધારણ સમીક્ષા પંચે જમીન સુધારા કાયદાના કડક અમલ તથા તમામ સરકારી પડતર જમીનો દેશના ભૂમિહીનોને આપવાની અને રાજ્યની વિશેષ સવલતો સાથે ખેતી કરવાની વ્યવસ્થા કરવાની ભલામણ કરી હતી.

આઝાદ ભારતની શરમ એવી હાથથી થતી મળ સફાઈની સદંતર નાબૂદીની અને તે કામમાં જોતરાયેલા સફાઈ કામદારોના પુનર્વસનની જોગવાઈઓ કરવાની પણ પંચની ભલામણ હતી. મહિલા અનામતના વરસોથી લટકતા બિલ સંદર્ભે પણ સ્ત્રીઓના તમામ ક્ષેત્રોમાં યોગ્ય પ્રતિનિધિત્વ માટેની કાયદાની જરૂરિયાત પંચે ચીંધી હતી. બાળ મજૂરી કે વેઠિયા મજૂરી નાબૂદ કરવા તથા સામાજિક-ધાર્મિક લઘુમતીઓને પર્યાપ્ત રક્ષણ આપવા તથા વિકાસની તકો પૂરી પાડવા પણ પંચે બંધારણીય સોઈનો આગ્રહ સેવ્યો હતો.

વર્તમાન શાસકો ગાંધીની તુલનાએ સુભાષ તરફ વધુ ઢળેલા છે, ત્યારે આજની સુભાષ જયંતીએ ગાંધી-સુભાષ મતભેદો પણ સંભારાશે. ‘તુમ મુઝે ખુન દો”ની તર્જ પર વિકાસ વાર્તાઓ પણ કહેવાશે. દિલ્હીના ઇન્ડિયા ગેટ અને રાજપથ પર દક્ષિણ આફિકી રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાની વિશેષ ઉપસ્થિતિમાં લશ્કરી પરેડ સાથે ભવ્ય રીતે પ્રજાસતાક દિન ઉજવાશે તો ખરો પણ એ વાત સગવડપૂર્વક વિસારે પાડી દેવાશે કે આઝાદી આંદોલનના સૌ તારકો ગાંધી-નહેરુ-સરદાર-સુભાષ-આંબેડકર અને મૌલાના જનજનના પ્રજાસત્તાક અને પૂર્ણસ્વરાજ માટે મથનારા હતા. સમાજના સૌથી “આઘામાં આઘા અને પાછામાં પાછા” એવા અંતિમજન કે છેવાડાના જન સુધી પ્રજાસતાકનાં પગલાં પડે એવી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ તે જ સાચું પ્રજાસત્તાક છે, તે વાત ક્યારે ય ન ભૂલાય તે જ પ્રજાસત્તાક પર્વની સાચી ઉજવણી ગણાશે.

e.mail : maheriyachandu@gmail.com

‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, સંદેશ”, 23 જાન્યુઆરી 2019

Loading

‘ચાયવાલા પ્રધાનમંત્રી’થી ‘ચોકીદાર પ્રધાનમંત્રી’નું શાસન

અરુણ શૌરિ, અરુણ શૌરિ|Opinion - Opinion|17 April 2019

ચોક્કસ, તમે મારાથી નારાજ હશો. મેં કદાચ તમને ગેરમાર્ગે દોર્યા હોવાનો અહેસાસ થતો હશે. મારા પર ગુસ્સો પણ આવતો હશે. હું એ જ વ્યક્તિ છું, જેણે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન ‘ચાયવાલા મુખ્યમંત્રી’ અને ‘વર્તમાન ચોકીદાર’ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે ભા.જ.પ.ને મત આપવા લોકોને અપીલ કરી હતી. પણ મારે કબૂલ કરવું જોઈએ કે, એ મારા જીવનની બીજી સૌથી મોટી ભૂલ હતી. મેં સૌ પ્રથમ મોટી ભૂલ મંડલ-કમંડલના પ્રણેતા અને દેશને જ્ઞાતિજાતિના રાજકારણના અવળા માર્ગે દોરનાર વી.પી. સિંહને ટેકો આપીને કરી હતી. એ સમયે મને મારા મિત્ર અને ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરે ચેતવણી આપી હતી. તેમણે મને સમજાવ્યો હતો કે આ માણસ દેશ માટે કશું સારું નહીં કરે, એનો એકમાત્ર આશય કૉંગ્રેસને હરાવવાનો અને તમને સીડી બનાવીને પ્રધાનમંત્રી બની જવાનો છે. પણ મને વી.પી. સિંહમાં આશાનું કિરણ દેખાયું હતું અને મારા સહિત તેમને સમર્થન આપનાર બધાને ધોબીપછાડ મળી હતી. વી.પી. સિંહે સત્તામાં આવીને જે કર્યું એ બધું અમારી અપેક્ષાથી વિપરીત હતું અને અમે અવાક થઈ ગયા હતા.

મારી બીજી સૌથી મોટી ભૂલ – તમે એને ‘હિમાલય જેવી મોટી ભૂલ’ પણ કહી શકો – નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની હતી. અમે બધા યુ.પી.એ.-૨ સરકારની નીતિઓથી એટલા બધા નારાજ થઈ ગયા હતા કે એના વિકલ્પરૂપે કોની સાથે ઊભા હતા, એનું વિશ્લેષણ જ કર્યું નહોતું. મેં ગુજરાત મૉડેલને બરાબર વાંચ્યું-સમજ્યું જ નહીં, પ્રોપેગેન્ડામાં જ વહી ગયો. હું એકરાર કરું છું કે મેં અર્થતંત્ર અને સરકારી તંત્રને ફેસ વેલ્યુ તરીકે લીધા હતા. અમે ગુજરાતના વિકાસથી અંજાઈ ગયા હતા અને અંગ્રેજી અખબારો જે કહેતાં હતાં એને જ સાચું માનતા હતા. પણ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી એમની કાર્યશૈલી પરથી સમજાયું છે કે, એજન્સીઓ અને સંસ્થાઓનો દુરુપયોગ કરવો એ જ સાચું ગુજરાત મૉડેલ હતું. સંસદ કામ જ કરતી નથી અને મોટા બિલને એમ જ મની બિલ કહીને મંજૂર કરવામાં આવે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું. છેલ્લાં પાંચ વર્ષ આપણે જોયું છે કે, મોદી સરકારે બધી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. આ શાસનમાં ‘અઘોષિત કટોકટી’ જેવું વાતાવરણ ઊભું થયું છે. સરકારે તમામ સંસ્થાઓને ટટ્ટુ બનાવી દીધી છે, અને વિરોધપક્ષોને મૂળિયાં સહિત ઊખાડી ફેંકવાની વાત કરે છે. એ જ તો ગુજરાત મૉડેલ હતું, જે આપણે કોઈએ બરાબર રીતે ચકાસ્યું જ નહીં. હકીકતમાં વિરોધ પક્ષ જ લોકશાહીનું હાર્દ છે. જો એ ન રહે તો … આ હવે તમારે વિચારવાનું છે.

અહીં મારે ભારતની લોકશાહી સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને એના પર મોદી સરકાર વિશે વાત કરવી છે. ભક્તજનો (અત્યારે તો ભક્તજનો કહો એટલે મોદીભક્તો જ માનવામાં આવે છે) મારા પર આરોપ મૂકે છે કે મને સરકારમાં મંત્રી બનાવવામાં ન આવ્યો એટલે હું મોદી અને મોદી સરકારની ટીકા કરું છું. ચાલો, એમનો આરોપ સાચો માની લઈએ તો પણ જે હકીકત છે એ કંઈ થોડી બદલાઈ જાય છે?!

આપણે મોદી સરકારની કામગીરીના કાર્યકાળને ત્રણ ખંડમાં વહેંચી શકીએ : એક, વર્ષ ૨૦૧૪થી નવેમ્બર ૨૦૧૬ એટલે કે સત્તામાં આવ્યા ત્યારથી નોટબંધી જાહેર થઈ ત્યાં સુધી. બે, નોટબંધીથી રાફેલ કૌભાંડના પર્દાફાશ સુધી અને ત્રણ, રાફેલ કૌભાંડના પર્દાફાશથી સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યાં સુધી.

વાતની શરૂઆત મે, ૨૦૧૪માં દિલ્હીની ગાદી પર નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેકથી કરીએ. લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ ભા.જ.પ.ને સંપૂર્ણ બહુમતી એટલે ૨૮૨ બેઠકો આપી હતી. તમે વિચારો કે એની પાછળનું કારણ શું હતું? એક, યુ.પી.એ.-૨ સરકારના ભ્રષ્ટાચારો અને ગોટાળાથી મુક્ત પારદર્શક અને લોકપાલની નિમણૂક કરે એવી સરકારને સત્તાનશીન કરવી. બે, યુ.પી.એ. સરકારે સી.બી.આઈ. જેવી બંધારણીય સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી હતી. આ સંસ્થાઓને ફરી સ્વતંત્ર અને નિષ્પક્ષ બનાવી શકે એવી સરકારને દિલ્હીમાં લાવવી, જેથી આ સંસ્થાઓ તટસ્થ રહીને રાષ્ટ્રહિત માટે કામ કરી શકે. ત્રણ, યુ.પી.એ. સરકારના છેલ્લાં બે વર્ષમાં નીતિગત નિષ્ક્રિયતા આવી ગઈ હતી, જેના પરિણામે દેશના આર્થિક વિકાસની ગાડી ઊંધા પાડે ચઢી ગઈ હતી, જેને સીધા પાટે ચઢાવી દેશને ફરી આર્થિક વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરે એવી વ્યક્તિને દેશનું સુકાન સોંપવું. ચોથું, યુ.પી.એ.-૨ સરકારના ગાળામાં કૉંગ્રેસને સત્તાનો મદ આવી ગયો હતો. એટલે કૉંગ્રેસને લોકશાહીનું મહત્ત્વ સમજાવવું અને લોકશાહી પુનઃસ્થાપિત કરી બધાને સાથે લઈને ચાલી શકે એવા વાજપેયી જેવી કાર્યશૈલી ધરાવતું નેતૃત્વ પુનઃસ્થાપિત કરવું. પાંચ, યુ.પી.એ.-૨માં દેશમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી અને યુવા પેઢી સહિત તમામ વર્ગોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. એટલે દેશમાં આશાનો સંચાર કરે એવી સરકાર માટે જનતાએ પોતાનો પવિત્ર અને કિંમતી મત આપ્યો હતો.

હવે તમે જ વિચારો કે મોદી વડા પ્રધાન બન્યા પછી ખરેખર જનતાએ જે આશા સાથે ભા.જ.પ.ને મતોની લહાણી કરી હતી એમાંથી એક પણ આશા ફળીભૂત થઈ છે? મોદી સરકારે સુકાન સંભાળ્યા પછી નોટબંધી સુધી આ સરકારે બે કામ કર્યાં : એક, કટ્ટર હિંદુત્વને મજબૂત કર્યું અને બે, મોદીએ શક્ય હોય એટલા દેશોનો પ્રવાસ કર્યો. ઇમેજ મૅનેજિંગ અને હેડલાઇન મૅનેજ કરતી આ સરકાર શરૂઆતના ગાળામાં ‘કૉંગ્રેસ વત્તા ગાય’ માત્ર બની ગઈ હતી. ઉત્તરનાં રાજ્યોમાં ગૌમાંસના ફાલતુ મુદ્દાઓ ઉઠાવીને ભા.જ.પ. હિંદુઓની સરકાર છે એવી ઇમેજ ઊભી કરી. બીજી તરફ, મોદીએ ચીન, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, જાપાન જેવા દેશોનો પ્રવાસ કર્યો.

અહીં સવાલ હિંદુ કે મુસ્લિમનો નહોતો. સવાલ ફક્ત ઇમેજ બિલ્ડિંગનો હતો. ઉત્તરપ્રદેશની ચૂંટણી વર્ષ ૨૦૧૭માં આવતી હતી અને એને ધ્યાનમાં રાખીને હિંદુત્વનો જુવાળ ઊભો કરવામાં આવ્યો હતો. એ સમયે પ્રધાનમંત્રી તરીકે મોદી પાસે અપેક્ષા હતી કે તેઓ તેમના કાર્યકર્તાઓને નિયંત્રણમાં રાખે અને દેશની છાપ ન ખરડાય એ માટે સમયસર કાર્યવાહી કરે. પણ સેલિબ્રિટીઓને જન્મદિવસે ટિ્‌વટર પર કાળજીપૂર્વક શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રી પાસે ગૌરક્ષકોને સલાહ આપવાનો સમય નહોતો. ‘મન કી બાત’માં ભારતની સંસ્કૃતિની વાત કરતાં પ્રધાનમંત્રી ગૌમાંસ પર દરરોજ થઈ રહેલી હિંસા પર એક હરફ પણ ઉચ્ચારતા નહોતા. તમે જુઓ, જ્યારે પણ મોડે મોડે એમણે વાત કરી ત્યારે શું કહ્યું? ‘ગાંધીજી પણ ગૌહત્યાના વિરોધી હતા.’ આમ કહીએ તો, તેમણે પરોક્ષરૂપે ગૌરક્ષકોની પીઠ થાબડી હતી.

મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી તરત જ વિદેશપ્રવાસોનો અનંત સિલસિલો શરૂ કરી દીધો હતો. શરૂઆતમાં મને મોદીના પ્રવાસથી આશા જન્મી હતી અને તેમની વિદેશનીતિ ઉચિત લાગતી હતી. મને લાગ્યું હતું કે ભારતીય ઉપખંડના પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત થવાથી આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક સંબંધો વધારે ગાઢ બનશે અને તેનાં સારાં પરિણામો મળશે. નરસિંહરાવે પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો સ્થાપિત કરવાની નીતિની શરૂઆત કરી હતી અને મોદી એને આગળ વધારી રહ્યા હતા. ચીન હિંદ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરી રહ્યું છે અને મોદી તેની સામે આક્રમક નીતિ અપનાવી રહ્યા છે એવું મને લાગતું હતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, એક વર્ષ પછી વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારી સાથે મારી વાત થઈ હતી. તેમણે મને જે કહ્યું એનાથી મને બહુ મોટો આંચકો લાગ્યો હતો. તેમણે મને નિરાશા સાથે કહ્યું હતું કે, “આપણી વિદેશનીતિ હવે ‘સેલ્ફી ઇવેન્ટ’ બની ગઈ છે. વિદેશમાં ચક્કર મારો અને ફોટા પડાવો. આજે તમે પાકિસ્તાનને ગળે મળો. એના ઘરમાં જઈ ખાઓ-પીઓ, બીજે દિવસે કહો કે આપણી લડાઈ ઓર તેજ થશે. પછી આ ફોટા અને વીડિયો ભારતના ‘બિકાઉ અને પકાઉ’ મીડિયામાં વહેંચો અને ઘરઆંગણે મજબૂત નેતા હોવાની છાપ ઊભી કરો. એનાથી વિશેષ કશું જ નથી.” હકીકતમાં મોદી જે દેશોમાં જતા અને ત્યાં જે સમજૂતીઓ અને કરારો થતાં એનું ફોલો અપ લેવાતું જ નથી. મોદીએ શ્રીલંકા સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પણ શ્રીલંકાને એનું જ એક બંદર ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં ભારત સરકાર સદંતર નિષ્ફળ નીવડી. ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે ગુજરાતમાં ઝૂલા ઝૂલ્યા અને પછી ચીને દોકલામમાં પગપેસરો કરી લીધો. તમે પ્રવીણ સ્વામી જેવા સુરક્ષા નિષ્ણાતોને વાંચો. તમને સમજાશે કે દોકલામમાં તમામ અધિકારો ચીને પડાવી લીધા છે. મીડિયા ભારતમાં એવી છાપ ઊભું કરી રહ્યું છે કે દોકલામમાં ચીનને રોકવામાં મોદી સફળ રહ્યા, પણ હકીકત એ છે કે ચીને દોકલામ સુધી પહોંચવાના બે હાઈવેનું નિર્માણ કર્યું છે, બૅરકો બનાવી દીધી છે. દુનિયાના દેશો પણ સમજી ગયા છે કે મોદીનો વિદેશપ્રવાસ એક ઇવેન્ટથી વિશેષ કશું જ નથી. આપણી વિદેશનીતિ હવે સેલ્ફી ઇવેન્ટના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. મને આપણા પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પણ જણાવ્યું છે કે મોદી સરકારનાં પાંચ વર્ષના શાસનકાળની વિદેશનીતિનું પરિણામ એક લાઇનમાં કહેવું હોય તો – દુનિયાનો કોઈ દેશ હવે ભારતને ગંભીરતાપૂર્વક લેતો નથી.

આ જ કાળખંડમાં મોદી સરકારે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. અહીં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે મેં ક્યારે ય સર્જિકલ સ્ટ્રાઇક પર શંકા કરી નહોતી. મારો પ્રશ્ન એ હતો અને અત્યારે પણ છે કે તમારે સર્જિકલ સ્ટ્રાઇકને ‘ફર્જિકલ સ્ટ્રાઇક’ બનાવવાની શું જરૂર હતી? આવી સ્ટ્રાઇક તો અગાઉની સરકારોએ પણ કરી હતી. જ્યારે અટલજીના નેતૃત્વમાં જશવંત સિંહ અને જ્યોર્જ ફર્નાન્ડિસ સંરક્ષણ મંત્રીઓ હતા, ત્યારે પણ થઈ હતી. પણ કોઈએ ૫૬ ઈંચની છાતી હોવાનો દેખાડો કર્યો નહોતો કે એના પુરાવા જાહેર કર્યા નહોતા. સરકારે પુરાવા જાહેર કરીને પોતે જ એ બતાવી આપ્યું કે દેશની જનતાને તેમની વાતોમાં ભરોસો નથી. તમે વિચારો કે મોદી અને મોદી સરકાર પોતે પોતાની વિશ્વસનીયતા પર કેવો અભિગમ ધરાવે છે. વાજપેયીને પુરાવા જાહેર કરવાની જરૂર નહોતી પડી. સૌને તેમની કાર્યશૈલીમાં ભરોસો હતો.

જ્યારે વિપક્ષે આ તમામ મુદ્દા ગંભીરતાપૂર્વક ઉઠાવ્યા અને મોદી સરકારને સૂટબૂટની સરકાર પણ ગણાવી ત્યારે મોદી સરકાર બીજા જ એજન્ડા પર કામ કરતી હતી. આ બીજો એજન્ડા એટલે મોદી સરકારનો બીજો ખંડ : નોટબંધી, ઉત્તરપ્રદેશની ચૂંટણી અને જી.એસ.ટી.ના નિર્ણયોનો. સૌપ્રથમ વાત નોટબંધીથી કરીએ. દેશની જનતાને આજે પણ નોટબંધી પાછળનું સાચું કારણ ખબર નથી. કેટલાક પત્રકારો એને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા માટેનો માસ્ટરસ્ટ્રોક ગણે છે. પણ હું આ વાત માનવા તૈયાર નથી. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ મૃતપ્રાયઃ સ્થિતિમાં હતી, સમાજવાદી પક્ષનું શાસન હતું એટલે સરકારવિરોધી લહેર હતી અને બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતી અગાઉ જેટલાં મજબૂત રહ્યાં નહોતાં. એટલે ત્યાં તો મોદીલહેર અને સર્જિકલ સ્ટ્રાઇક જ કાફી હતી. મોદીએ નોટબંધીને શરૂઆતમાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ ગણાવી હતી. પણ તમે જ વિચારો કે, આખા દેશને બૅંકની બહાર લાઇનમાં ઊભો રાખીને કેટલું કાળું નાણું બહાર આવ્યું?

રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયાના આંકડા જ બયાન કરે છે કે, જે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાનો રાતોરાત નિર્ણય લેવાયો એમાંથી ૯૯ ટકા નોટો તો બૅંકમાં પરત આવી ગઈ. તો સરકારનાં કાળાં નાણાં પરની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ના દાવામાં કેટલો દમ છે? મારું દૃઢપણે માનવું છે કે, નોટબંધી હકીકતમાં દેશમાં ‘બ્લેક મની’ને ‘વ્હાઇટ મની’ કરવાનું આયોજનબદ્ધ ષડ્‌યંત્ર હતું. આઝાદ ભારતનાં છેલ્લાં ૭૦ વર્ષમાં નોટબંધી આર્થિક ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ હતું. આ કૌભાંડમાં ભારતીય રિઝર્વ બૅંકનાં તત્કાલીન ગર્વનરે નાણાં મંત્રાલયના અન્ડર સેક્રેટરીની જેમ કામ કર્યું હતું. સરકારે નોટબંધીથી ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે. પણ હકીકત એવી છે જ નહીં. જે લોકો પાસે કાળું નાણું હોય છે તેઓ રોકડમાં રાખતા નથી. ફિલ્મોમાં બતાવે છે તેમ તેમના પલંગમાં ગાદલાં નીચે રૂપિયાની થપ્પીઓ હોતી નથી. આવી થપ્પીઓ નાના ચોર કરે છે. મોટા ચોરોનું કાળું નાણું રિયલ એસ્ટેટ, જ્વેલરી વગેરે સ્વરૂપે હોય છે. નોટબંધી અર્થતંત્રને ‘તઘલખી તમાચો’ હતો. એનાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક ક્ષેત્ર (એમ.એસ.એમ.ઈ.)ને મરણતોલ ફટકો પડ્યો છે. આ ઉદ્યોગો આજે પણ તેમાંથી બહાર આવવા માટે મથામણ કરી રહ્યા છે. ગ્રામીણ અર્થતંત્ર વેરવિખેર થઈ ગયું છે. એનાથી ચીજવસ્તુઓની માગમાં ઘટાડો થયો છે અને ઉપભોક્તા ક્ષેત્ર હજુ પણ બેઠું થઈ શક્યું નથી. કન્સ્ટ્રક્શન અને ટેક્સટાઇલ ક્ષેત્રની કમર તૂટી ગઈ છે. મોદીએ શરૂઆતમાં એને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું, પણ મારે કહેવું છે કે આત્મહત્યા કરવી એ પણ ક્રાંતિકારી પગલું જ છે. જો કે મોદીને તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ભૂલ ‘નોટબંધી’ સમજાઈ તો હશે, પણ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાનો શું અર્થ!

આ જ ખંડમાં ભારતીય વેપારીઓ નોટબંધીથી પેદા થયેલી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા એવામાં મોદીએ ઉતાવળમાં જી.એસ.ટી.નો અમલ આખા દેશ પર લાદી દીધો. તમે કલ્પના કરો કે જી.એસ.ટી.નો અમલ કેટલી ઉતાવળથી કરવામાં આવ્યો. શું ઉતાવળથી જી.એસ.ટી.નો નિર્ણય લઈને સરકાર નોટબંધીના મુદ્દાને ભૂલાવવા ઇચ્છતી હતી? જી.એસ.ટી.ના અમલના ત્રણ મહિનાની અંદર જ એમાં સાત વાર ફેરફાર કરવામાં આવ્યા. કેટલી વાર? સાત વાર. એ પછી પણ જી.એસ.ટી.માં સુધારા ચાલુ જ છે. ચોક્કસ, કોઈ પણ આર્થિક સુધારા લાગુ કરવામાં આવે પછી એમાં સુધારાવધારા થાય. પણ આટલી ઝડપથી! એનો અર્થ એ છે કે તમે જી.એસ.ટી.નો અમલ લાંબા ગાળાનો વિચાર કર્યા વિના કર્યો હતો અને ‘જેવા પડશે એવા દેવાશે’ એવી નીતિ અપનાવી હતી. 

આ દરમિયાન મોદીના શાસનકાળનો અંતિમ ત્રીજો તબક્કો શરૂ થયો, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો રહ્યો રાફેલકાંડ. દેશનાં સૈન્ય દળોને સક્ષમ બનાવવા માટેનો દાવો કરવાની આડમાં થયેલો આ સોદો મોદીની એડવર્ટાઇઝિંગ એજન્સીઓએ કુશળતાપૂર્વક ઊભી કરેલી પ્રામાણિક હોવાની છાપ ભૂંસવા માટે પૂરતો છે. તમે જુઓ, છેલ્લાં એકથી દોઢ વર્ષથી આ સોદાએ મોદીને પહેલીવાર બૅકફૂટ પર લાવી દીધા છે. શરૂઆતમાં રાફેલના સોદામાં કૉંગ્રેસના આક્ષેપોમાં કોઈ દમ લાગતો નહોતો. પણ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદેના ખુલાસાથી મોદી સરકારનાં કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો છે. જ્યારથી સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો છે ત્યારથી સરકાર દર અઠવાડિયે નવાં જૂઠ્ઠાણાં ફેલાવી રહી છે, અને બીજા જ દિવસે એને પોતાનાં જૂઠ્ઠાણાંમાં પંક્ચર પાડવાની ફરજ પડે છે. આ કૌભાંડમાં તમારે ફક્ત તમારી ‘કૉમનસેન્સ’નો જ ઉપયોગ કરવાનો છે. હું જાણું છું કૉમનસેન્સ કૉમન નથી એવું આઇન્સ્ટાઇન કહેતા હતા. પણ ચાલો હું તમારી કૉમનસેન્સને બહાર લાવવા મદદ કરું. તમે નાનામાં નાનો ધંધો કરવાનું વિચારશો, તો પણ તમારા ભાગીદાર તરીકે અનુભવી હોય એને પસંદ કરશો કે બિનઅનુભવીને? અત્યંત ઓછી સમજણ ધરાવતી વ્યક્તિ પણ કહેશે કે અનુભવીને જ પસંદ કરીશું. તો પછી વર્ષોથી યુદ્ધ માટેના વિમાન બનાવતી ફ્રાંસની કંપની દ્‌સૉલ્ટે અનિલ અંબાણીને પાર્ટનર તરીકે શા માટે પસંદ કર્યા? અનિલ અંબાણી પાસે તો રમકડાંનાં પ્લેન બનાવવાનો પણ અનુભવ નથી. અહીં ઓલાંદેની વાત આપણે સાચી માનવી પડશે કે ભારત સરકારે ઑફસેટ પાર્ટનર તરીકે એક જ માણસને રજૂ કર્યો હતો અને અમારી પાસે એની સાથે જોડાણ કર્યા વિના કોઈ વિકલ્પ નહોતો. બીજી વાત, અનિલ અંબાણીના ગ્રૂપ પર રૂ. ૧,૨૧,૦૦૦ કરોડનું દેવું છે. તો શું દ્‌સૉલ્ટ જેવી કંપની આટલું મોટું દેવું ધરાવતી કંપનીને પાર્ટનર તરીકે પસંદ કરે? તો પછી અનિલ અંબાણીને પાર્ટનર બનાવવા માટે દ્‌સૉલ્ટ પર દબાણ કોણે કર્યું હતું?

અને, રાફેલ સોદામાં નિર્મળા સીતારામન્‌ પણ ખોટું બોલી રહ્યાં છે. યુ.પી.એ. સરકારે ૧૨૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો, જેને ઘટાડીને મોદી સરકારે ૩૬ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. આ માટે સીતારામન્‌ કહે છે કે ઍરફોર્સ પાસે આટલી મોટી સંખ્યામાં વિમાનનું નિર્માણ કરવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મારે તેમને પૂછવું છે કે જે સરકાર અમદાવાદથી મુંબઈ વચ્ચે રૂ. ૧,૨૦,૦૦૦ કરોડના ખર્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે કામ કરી શકે, જે સરકાર સરદાર પટેલની મૂર્તિ બનાવવા માટે રૂ. ૩,૫૦૦ કરોડનો ખર્ચ કરી શકે છે, જે પ્રધાનમંત્રી પોતાની જાહેરાતો પાછળ રૂ. ૪,૦૦૦ કરોડનો ખર્ચ કરી શકે, એ જ સરકાર દેશની સુરક્ષાને મજબૂત કરવા પાંચથી છ વર્ષમાં ઍરફોર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ન કરી શકે? આ અંગે મારે, તમારે અને આપણે સૌ ભારતવાસીઓએ વિચારવાનું છે.

છેલ્લે, મારે એટલું જ કહેવું છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે સી.બી.આ.ઈ, ચૂંટણીપંચ, સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જેવી સંસ્થાઓને ‘પાંજરામાં પુરાયેલા પોપટ’ જેવી બનાવી દીધી છે. શ્રીમતી [ઇન્દિરા] ગાંધીએ પણ પાકિસ્તાન સામેનું યુદ્ધ જીત્યા પછી લોકશાહી સંસ્થાઓને દગો દેવાનું શરૂ કર્યું હતું. તેઓ સહન નહોતાં કરી શકતાં કે એમના ઉપર કોઈ હોય એટલે જેમાં પણ એ પાયો દેખતાં એને કાપતાં. મેં એ સમયે પણ લખ્યું હતું, “અંતમાં કોઈની પાસે એટલી શક્તિ નહીં હોય કે તમને નુકસાન પહોંચાડી શકે, તો કોઈની પાસે એટલી તાકાત પણ નહીં હોય કે તમારી મદદ કરી શકે.” અત્યારે શું બની રહ્યું છે?!  તમામ સંસ્થાઓ સરકારના ઇશારે નાચી રહી છે. વિરોધીઓને નિશાન બનાવી રહી છે. એટલું જ નહીં આ સરકારનો વિરોધ કરતાં નાગરિકો, સામાજિક કાર્યકર્તાઓને ઠેકાણે પાડવા માટે પણ ટ્રોલસેના બનાવવામાં આવી છે, જે તમને માનસિક રીતે હતાશ કરવા ગમે એટલા નીચા સ્તરે ઊતરવા તૈયાર છે. મીડિયા તો સરકારી જાહેરાતો મેળવવાની લાલચમાં ધૃતરાષ્ટ્ર બની ગયું છે, સરકારના ટટ્ટુની જેમ કામ કરી રહ્યું છે. તમે સંસદમાં હોય તો તમારું આચરણ કેવું હોય? પ્રધાનમંત્રી કે મંત્રી કોઈ ખોટી વાત કહે તો એનું પરિણામ શું આવે? જુઓને, ઇંગ્લૅન્ડમાં ગૃહમંત્રીએ એક નાની ખોટી વાત કહી અને એમણે સંસદમાંથી રાજીનામું આપવું પડ્યું. અને આપણે ત્યાં રોજ જે મનમાં આવે તે કહી દે છે! બાકી રહ્યું હતું તો આપણા દેશની ન્યાયિક વ્યવસ્થાની સ્વતંત્રતા પણ જોખમમાં મુકાઈ છે એની ચેતવણી સર્વોચ્ચ ન્યાયાલયના ચાર ન્યાયાધીશોએ આપી દીધી છે. એટલે મને સામાન્ય નાગરિકની સ્વતંત્રતા અને તેમના મૂળભૂત અધિકારો પર હવે જોખમ તોળાઈ રહ્યું હોય એવું પ્રતીત થાય છે. પણ મારે જતાં જતાં ‘ચોકીદાર’ મોદીને એક સંદેશ આપવો છે :

તુમ સે પહેલે વો જો ઇક શખ્સ યહાં તખ્ત-નશીં થા,
ઉસ કો ભી અપને ખુદા હોને પે ઇતના હી યકીં થા; …
અબ વો ફિરતે હૈ ઇસી શહર મેં તન્હા લિયે દિલ કો,
ઇક જમાને મેં મિજાજ ઉન કા સર-એ-અર્શ-એ-બરીં થા

                                                                           (હબીબ જાલિબ)

[છેલ્લાં પાંચ વર્ષમાં અરુણ શૌરિએ કરેલી લેખિત-મૌખિક અભિવ્યક્તિનું સંકલન-શબ્દાંકન : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 06-09

Loading

...102030...2,8182,8192,8202,821...2,8302,8402,850...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved