Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉકળતી હિમનદી

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|22 January 2025

સીમાએ અમરના શબ્દો સાંભળ્યા હતા, પણ સીમા ચૂપ રહી. અમરે ફરી કહ્યું, “સીમા, કંઈક તો બોલ! બસ આજે આપણે ખૂબ મોજ મસ્તીને વાતો જ કરવી છે. સીમા, તું ચૂપ કેમ છો? તબિયત તો સારી છે ને?”

અમરે ઘીમેથી હળવા પગે સીમા પાસે જઈ મોઢા ઉપરથી પાનેતરનો છેડો દૂર કરી એકદમ પોતાની બાહોમાં જકડી લીધી. બે પળ પછી સીમા ચીસ પાડીને અમરથી અળગી થઈ, દોડીને ધ્રૂજતી ધ્રૂજતી ખુરશીમાં બેસી ગઈ. અમર હતપ્રત થઈ ગયો. તેને સમજાયું નહીં કે સીમાને એકાએક શું થયું. અમરે સીમાને પાણી આપ્યું. થોડેક દૂર બેસી પ્રેમથી ધીમા અવાજે પૂછ્યું, “હવે કેમ છે?”

“મને સારું છે પણ બહુ ઊંઘ આવે છે. હું થાકી ગઈ છું. મારે સૂઈ જવું છે.”

અમર મેચ્યોર અને સમજુ હતો. “સારું તું આરામ કર. આપણે કાલ વાત કરીશું. આપણી પાસે આખી જિંદગી વાતો અને પ્રેમ કરવા માટે પડી છે. હું પણ થાકી ગયો છું. હું તને આ વાત કહેવાનો જ હતો.”

અમર વિચારમાં પડી ગયો. કારણ કે તે સીમાને ઘણાં વર્ષોથી જાણતો હતો. બંને ખૂબ સાથે ફર્યાં હતાં. પણ કદી સંયમની રેખા ઓળંગી નહોતી. અમરને વિચાર આવ્યો કે જેમ મને આજે મારા પરણિત મિત્રોએ જાત જાતની વાતો કરીને, સલાહ સૂચનો આપીને મુંઝવ્યો હતો. તેવું સીમા સાથે તો નહીં બન્યું હોય ને? સીમાના મનમાં તેની સહેલીઓએ કલ્પિત ભય તો ઊભો કરી દીધો નહીં હોય ને? અને સીમાની પ્રતિક્રિયા તેનું પરિણામ હોય. આજનો બનાવ તેના માટે આશ્ચર્યજનક હતો. કારણ કે, ભૂતકાળમાં આવું વર્તન સીમાએ ક્યારે ય કર્યું નહોતું. ક્યારેક અમરે આવેશમાં આવીને સીમાને બાથમાં ભીડી દીધી હતી. હળવું ચુંબન પણ કર્યું હતું. ત્યારે સીમાએ પણ એ જ પ્રતિક્રિયા આપી હતી. અમર વિચારમાં પડી ગયો, ‘કંઈક તો ગરબડ છે. મારે સીમા સાથે સરળતાથી અને સહાનુભૂતિથી આગળ વધવું પડશે.’ અમરે, તેના સાઇક્રેટિક્સ ડૉક્ટર મિત્રને બનાવની વાત કરી.

“તું એમ કર કાલે ભાભીને લઈને આવ. તારે ભાભીને આવી કોઈ વાત કરવાની નથી. ફક્ત મને મળવા સિવાય કંઈજ ન કહેતો. હું તને લીલી ઝંડી ન આપું ત્યાં સુધી તું શાંતિ રાખજે. હું ભાભી સાથે મારી રીતે વાત કરી લઈશ, તું ચિંતા ન કરતો.”

“અમર, ભાભી એકદમ નોર્મલ છે. ચિંતાજનક કોઈ વાત નથી. પણ તેં જે વાત કરી એ પ્રમાણે મારા મતે ભૂતકાળમાં કોઈક ખરાબ બનાવ ભાભી સાથે બન્યો હશે અને તેનો ડર ભાભીના મનમાં બેસી ગયો છે. જે, તેને તારી પ્રતિક્રિયાથી યાદ આવી ગયો. એટલે આંતરિક છૂપા ડરથી ડરીને ભયભીત થઇ ગયાં હતાં. તું એમ કર કોઈક હિલ સ્ટેશન ઉપર હનીમૂનનો પ્રોગ્રામ બનાવ અને ધીમેધીમે તારી કોઈ ચેષ્ટા કે પ્રતિક્રિયા સિવાય તેના મનમાં બેસી ગયેલા ડરનું કારણ જાણ. બીજી એક મહત્ત્વની વાત, તું ભાભી સાથે વાતચીતનો દોર શરૂ રાખજે પણ તને એમ લાગે કે હવે અહીંયાં અટકી જવું પડશે, તો વાતની બીજી તરફ વાળી દેજે. તું શારીરિક સંબંધમાં આગળ વધવા માટે તારા તરફથી કોઈ ચેષ્ટા ન કરતો. ભાભીને ધીમેધીમે આગળ વધવા દેજે એટલે મારું જે અનુમાન છે, એવું જો ભૂતકાળમાં ભાભી સાથે બન્યું હશે તો એ ડર ભાભીના મનમાંથી નીકળી જશે. WISH YOU ALL THE BEST.”

અમરે, માઉન્ટ આબુમાં સારી હોટલમાં રૂમ બુક કરાવીને હોટલવાળાને સૂચના આપી હતી કે ‘અમે હનીમૂન માટે આવીએ છીએ એટલે તે પ્રમાણે રૂમની સજાવટ કરજે.’ હોટલવાળાએ હનીમૂન સ્વીટને અનુરૂપ રૂમમાં વ્યવસ્થા ગોઠવી દીધી હતી. રૂમમાં ઝાંખી પણ રોમેન્ટીક મૂડ વધારતી રંગબેરંગી લાઈટ હતી. રૂમમાં માદક અત્તરની સુગંધ ફેલાયેલી હતી. સીમા રૂમમાં દાખલ થઇ, રૂમની સજાવટ જોઈને ખુશ થઈ ગઈ.

અમરે સીમાનો રોમેન્ટીક મૂડ જોઈને પૂછ્યું, “સીમા, એક વાત પૂછું! આપણી પ્રથમ રાત્રિ પછીથી તું મૂંઝાયેલી, ડરેલી અને કંઈક ભયભીત લાગે છે. વાત શું છે? આપણા પ્રેમ લગ્ન છે. પણ, તું આપણા લગ્નથી ખુશ તો છો ને?”

“અમર એવી કોઈ વાત નથી. હું તો આપણા લગ્નથી ખૂબ ખુશ છું, હા! પણ …”

“કેમ અટકી ગઈ? તારી જે કંઈ તકલીફ હોય, મનમાં કોઈ બાબતનો ડર હોય, જે હોય તે. તું મને નિશ્ચિંત થઈને કહે. હું અત્યારે પણ તારી સાથે છું અને ભવિષ્યમાં પણ તારી સાથે જ રહીશ.”

“અમર, અમારું સંયુક્ત કુટુંબ છે. એટલે ઘરમાં કેટલા ય મહેમાનો અને સંબંધીઓનો આવરો-જાવરો રહે. અમારા ઘરે ક્યારે ય કોઈને એકલા રહેવાનો પ્રસંગ ન બને. કારણ કે, કોઈક ને કોઈક તો ઘરમાં સાથે હોય જ પણ એક વખત એવું બન્યું કે ખૂબ જ નજીકના સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે બધાંને જ જવાનું હતું. સાથે ધાર્મિક પ્રસંગ પણ હતો. મને અડચણ આવી ગઈ. ધાર્મિક પ્રસંગ હોવાથી હું જઈ શકું તેમ નહોતી; એટલે હું ઘરે એકલી રહી. સવાલ ફક્ત સવારથી સાંજ સુધીનો હતો એટલે કંઈ ચિંતા જેવું નહોતું.

હું, ઘરે એકલી હતી. એક પરિચિત સંબંધી આવ્યા. એ વારંવાર અમારે ઘરે આવતા હતા. હું તેને ઓળખતી હતી. ચિંતાનું કે બીજું કંઈ વિચારવાનું કોઈ કારણ નહોતું એટલે હું તેમને આવકાર આપી, ડ્રોઇંગ રૂમમાં બેસાડી, અંદર તેમના માટે ચા બનાવા ગઈ. તેમણે અચાનક મારી પાછળ આવી મને એકદમ બાથ ભીડી દીધી. મેં છૂટવા ખૂબ પ્રયત્ન કર્યા પણ એ મારી કરતાં મજબૂત હતા. મારે તેની સાથે બહુ ઝપાઝપી થઈ, અંતે મેં ચીસાચીસ કરી મૂકી એટલે બીકથી મને છોડી એ ભાગી ગયા. હું બારણું બંધ કરીને ક્યાં ય સુધી ખૂબ રડી. ઘરનાને વાત કરી. તેની સાથે ખૂબ મોટો ઝઘડો થયો. એ આવીને મારી માફી માગી ગયા પણ એ બનાવ પછી મારા મનમાં છૂપો ડર પેસી ગયો હતો. હું રૂમમાં આવતાં પણ ડરતી હતી. તે પ્રેમથી મને તારી બાહોમાં જકડી, પણ ભૂતકાળના બનાવથી મનમાં ઘુસી ગયેલા કલ્પિત ભય અને ડરથી હું ચીસ પાડી તારાથી અળગી થઈ ગઈ.”

વાત કરતાં કરતાં સીમા રડવા લાગી. અમરે તેને રડવા દીધી અને સીમા રડતાં રડતાં સૂઈ ગઈ. અમરને સીમાના મુખ પરથી કલ્પિત ભયની છાયા હટી ગઈ હોય એવું લાગ્યું.

બીજે દિવસે સવારે સીમા ઊઠી ત્યારે ફ્રેશ હતી. સીમાએ રૂમ સર્વિસમાં સર્વ કરવામાં આવેલી ચામાંથી અમરની પસંદગીની ચા બનાવી કપ લઈને અમર પાસે આવી.

“અમર તારો ખૂબ ખૂબ આભાર. જો તું મને ન સમજ્યો હોત તો મારું શું થાત? તું મારા માટે શું વિચારત?”

“સીમા, મેં કંઈ નથી કર્યું. મારો મિત્ર સાઇક્રેટિક્સ છે. તેની પાસે તારી જેવા ભૂતકાળમાં કોઈની સાજિશ કે અનિચ્છનીય બનાવોના ભોગ બન્યા હોય એવા કેસ આવતા હોય છે. મેં તેને આપણી પ્રથમ રાતના બનાવની વાત કરી એટલે એ સમજી ગયો અને તેના કહેવાથી અહીંયાં આવવાનો, તારી સાથે મુક્ત મને વાત કરવાનો પ્રોગ્રામ બનાવ્યો. સીમા આપણા સમાજમાં આ એક ખામી છે. જે પીડિત છે તેને સહાનુભૂતિ, સહકાર કે આશ્વાસન આપવાના બદલે આપણે તે ઘટના માટે તે જ વ્યક્તિ કારણભૂત હોય એવું વર્તન કરીએ છીએ. પરિણામે પીડિત વ્યક્તિ વધારે તૂટી જાય છે અને જે અસામાજિક તત્ત્વો છે, એ તેનો લાભ લઈને છૂટી જાય છે. તને જેમ તારા ઘરનાએ આ ઘટના માટે દોષિત ન માની અને તરત જ એક્શન લીધી એમ જો બધાં જ વિચારીને કરે, તો દુષ્ટ માણસોને સજા આપવા માટે કાયદો તો પૂરેપૂરો સક્ષમ છે.”

સીમા પ્રેમભર્યા નયનથી અમર સામે જોઈ રહી. સીમાને આજે અમર પૂરેપૂરો સમજાઈ ગયો હતો. હવે તેના મનમાં કોઈ પ્રકારનો ભય રહ્યો નહોતો.

સીમાનો મૂડ જોઈને અમરે નખ્ખી લેકમાં બોટિંગનો પ્રોગામ બનાવ્યો. સીમાએ બધી જ વાત અમરને કરી દીધી એટલે મનથી હળવી થઇ ગઈ હતી. તેમ જ અમરે જે વાત કરીએ સાંભળીને સીમાએ બધું ભૂલી, ખૂબ મજા માણી. રાત્રે ડિનર પછી અમરે કહ્યું,

“સીમા મને જરા તારા ખોળામાં માથું રાખી માથું દાબી દે ને. તારા મૃદુ હાથના સ્પર્શથી મારુ માથું જલદી ઉતરી જશે.”

સીમા, અમરનું માથું દબાવતાં દબાવતાં ધીમેધીમે કલ્પિત ડરમાંથી બહાર આવતી ગઈ અને અમરમય બનતી ગઈ. અમર પણ ધીમેધીમે પ્રતિભાવ આપતો હતો. અંતે અંદરથી પ્રેમથી ઉકળતી પણ લાગણીથી થીજેલી હિમનદી અમરમય બનીને અમરમાં ઓગળી ગઈ….

(ભાવનગર, ગુજરાત)
e.mail : nkt7848@gmail.com

Loading

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી

સુમન શાહ|Poetry|22 January 2025

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૧)

Tyranny — જુલમ 

રે હૃદયહીન નારી, 

દોષ ભૂલી જનારી તારી જુલમી બુદ્ધિ, 

સુસજ્જ ચોખ્ખી બેપરવાઈ, 

હે આકાશપુત્રી, 

એ વડે 

મારા આ નિ:સંગ સમયમાં

મારી વ્હારે ધા. 

સાગર સમો સભર કાળ,

નવી ચીજ સમો વ્યગ્ર વ્રણ,

મારી ભાવનાની જિદ્દી જડને આવરીને

મારા સલામતી-કેન્દ્રને

કરકોલી રહ્મા છે.

ઊછળે છે હૃદયના ધબકાર,

અનેક મોજાં ભેગું જાણે એક મોજું.

ઊંચકાયેલું છે

કૂદીને મરી જવા નિરાશ 

મારું આ મસ્તક …

મારી અચળતામાં વિપરીત કશુંક 

ધ્રૂજે છે,

આંસુ ઊમટે એ તળિયેથી  

ઊગે છે,

અણિયાળા પાનવાળું 

સૂકું એક ઝાંખરું …

= = =

(2 March 99 – 19 Jan 25 USA)

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૨) 

Slaw Lament — મન્દ વિલાપ

સભર નિશામાં ધીમેશથી 

સરે છે નામ તારું …

જળ એનાં વહે છે અને 

પડીને તૂટે છે અને 

તૂટીને પ્રસરે છે 

શાન્તતામાં …

આછી ઇજા સારુ

પથ ભૂલેલા પથિકના 

સંભળાઇ જતા પદરવ સમું

પોતાના અપાર પણ 

ક્ષણિક સન્માનને સારુ …

અચાનક સમજાયેલું 

કશુંક ખિન્ન મનથી 

પ્રસરેલું 

ઉભરાય છે હૃદયમાં

ક્રૂર પાનખરના 

શમણા સમું …

પૃથ્વીનું જાડું મોટું પૈંડું, 

ટાયર એનું વિસ્મૃતિ-ભીનું 

ગબડે છે અને

કાપે છે સમયને 

ન મપાય એવાં અડધિયાંમાં. 

વરસાદી સરસરાટીમાં ફૅંકાતા 

કમજોર તેજ-તણખા.

એનાં કઠિન જળપાત્ર.

તારા સ્થાનભ્રષ્ટ હૃદયને 

આ ઠંડી ધરામાં 

ઢાંકે છે.

= = =

(3 March 99 -21 Jan 25 USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિંદુ ધર્મનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 January 2025

‘આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું’

પ્રકાશ ન. શાહ

જાહેર અવસરોએ શાસન તરફથી પ્રબંધન અલબત્ત અપેક્ષિત છે. પણ હમણાં જેને વરસ થયું તે રામ મંદિર નિર્માણ અને હાલ ચાલી રહેલ કુંભ પર્વ એક પ્રકારે સ્ટેટ સ્પોન્સર્ડ રૂપ પ્રગટ કરી રહ્યાં છે એ આપણા ધ્યાન બહાર ન જવું જોઈએ: વડા પ્રધાન વાજપેયીએ 2002માં જે અર્થમાં રાજધર્મની યાદ આપી હતી તે આ તો નથી.

વચ્ચે અહીં સાધ્વી ઋતંભરાની સાથે વાજપેયીનો ઉલ્લેખ ‘આધા કાઁગ્રેસી’ તરીકે (અને એથી પં. અટલ બિહારી નેહરુ તરીકે) કર્યો હતો. થાય છે, ધર્મ અને રાજધર્મ એ બધી ચર્ચા નિમિત્તે જવાહરલાલ વાસ્તવમાં ક્યાં ઊભા હશે?

કનૈયાલાલ મુનશી

આ પ્રશ્નના ઉત્તરની શોધમાં મને અલાહાબાદમાં 1954માં મળેલા કુંભ મેળા સંદર્ભે ક.મા. મુનશીએ કુલપતિના પત્રોમાં ટાંકેલ એક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે :

‘… 1954માં અલાહાબાદમાં કુંભ મેળો હતો. મેળાના બે દિવસ અગાઉ પંડિતજી અને હું બધો પ્રબંધ યોગ્ય છે કે નહીં તે જોવા ત્યાં ગયા હતા. અમે સંગમ પર પહોંચ્યા ત્યારે પંડિતજી જીપ અટકાવી નીચે ઊતર્યા. તેમણે અને મેં ગંગાના પવિત્ર જળથી પોતાનું મોં ધોયું. એક ખબરપત્રી અમારી જીપની જોડાજોડ આવતો હતો તેણે એવો અહેવાલ આપ્યો હતો કે પંડિતજીએ સંધ્યા કરી અને જનોઈ ધોઈ હતી. આ અહેવાલ એણે કલ્પનામાંથી ઊભો કર્યો હતો. સત્ય એ હતું કે પંડિતજી ગંગા નદી પ્રત્યે ભાવિક હિન્દુ જેટલાં જ આદર અને ભક્તિ ધરાવતા હતા. માત્ર એમના ‘વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ’ને કારણે તેઓ આ ભક્તિભાવને બીજું નામ આપતા હતા.’

આ પ્રસંગ સંભાર્યા પછી મુનશી નેહરુના વસિયતનામાને ટાંકે છે :

‘ભારતની જગજૂની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રતીક બની રહેલી ગંગા હંમેશાં નવતર રૂપ ધરતી રહી છે અને છતાં ય એ એની એ જ ગંગા છે. ગંગા મારે મન વર્તમાનમાં વહેતા અને ભાવિના મહાસાગરમાં ભળી જતા ભારતના ભૂતકાળના પ્રતીક અને સ્મૃતિ સમી બની રહી છે … આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું. હું એ સાંકળ છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતો નથી, કારણ કે હું એને મૂલ્યવાન લેખું છું અને એમાંથી પ્રેરણા મેળવું છું. મારી આ ઝંખનાના સાક્ષી તરીકે ભારતના સાંસ્કૃતિક વારસાને મારી અંતિમ અંજલિ તરીકે હું આ વિનંતી કરું છું કે મારા મૃતદેહના થોડા અવશેષો અલાહાબાદ પાસે વહેતા આ ગંગાના પ્રવાહમાં પધરાવજો – આ મહાનદી તેને ભારતના કિનારાઓને પખાળતા મહાસાગરમાં લઈ જશે.’

આ અવતરણ આપ્યા પછી મુનશી સટીક પૂછે છે : ‘જો આને ધર્મભાવના ન કહેવાય તો પછી કોને કહેવાય?’

1967ની આઠમી જાન્યુઆરીએ લખાયેલ ‘કુલપતિનો પત્ર’માંથી આ એક અંશ ટાંકી હું એના અનુસંધાનમાં 1967ની પહેલી ઓક્ટોબરના એમના પત્રમાંથી ટાંકવા માગું છું.

કોઈકે મુનશીને ‘વેદ, હિંદુઓ અને હિંદુ ધર્મ’ વિશે મોકલેલી પ્રશ્નાવલિ માંહેલો એક પ્રશ્ન આ છે :

‘એ (હિંદુ ધર્મ) રાષ્ટ્રીય છે કે સાર્વત્રિક ધર્મ છે?’

મુનશી એ સજ્જનને લખે છે :

‘હિંદુ ધર્મ એ સાર્વત્રિક ધર્મ છે, એનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે. બૌદ્ધ ધર્મ પણ સનાતન ધર્મમાંથી જ ઉદય પામ્યો છે.’

આ ઉત્તરમાંથી જે બે વાનાં ફલિત થાય છે એ નોંધ્યાં તમે? એક તો, સનાતન ને બિનસનાતન એવો જે વિવાદ યોગી આદિત્યનાથ વગેરે છેડી રહ્યા છે એનો અહીં છેદ ઊડી જાય છે. બીજું, હિંદુ ધર્મ ‘સાર્વત્રિક’ છે, નહીં કે ‘રાષ્ટ્રીય’ – આ ભૂમિકા સાથે રાષ્ટ્રને હિંદુ ઓળખમાં બદ્ધ કરવાપણું રહેતું નથી. એમાં હિંદુ અંશ બલકે સત્ત્વ અવશ્ય છે, પણ તે એમાં અને એથી સીમિત નથી.

જવાહરલાલ નેહરુ

વારુ, નેહરુને અભિમત શું હતું તે તરફ વળીએ જરી? 1948ના જાન્યુઆરી મહિનામાં એ અલીગઢ ગયા છે, ચહીને ગયા છે, દીક્ષાન્ત અભિભાષણ વાસ્તે. જે સમયગાળામાં એ ગયા છે તે પણ અક્ષરશ: ઐતિહાસિક એવાં મનોવૈજ્ઞાનિક પરિમાણોનો ગાળો છે. 17મી જાન્યુઆરીએ ગાંધીજીએ એમના અંતિમ અનશન પૂરા કર્યા અને 30મી જાન્યુઆરીએ ‘ગાંધીવધ’ થાય છે : એના વચગાળામાં નેહરુ અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા છે.

એમના સંબોધનના પૂર્વાર્ધનો આ અંશ સાંભળો :

‘હું અલીગઢ યુનિવર્સિટીમાં લાંબા સમય પછી આવ્યો છું … આપણે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે તમે બલકે આપણામાંથી મોટાભાગના ક્યાં ઊભા છીએ તે હું ચોક્કસ જાણતો નથી. ગમે તેમ પણ, આપણે ભાવિને સંવારવાનું છે અને વર્તમાનનો મુકાબલો પણ કરવાનો છે. શ્રદ્ધાના મજબૂત લંગર વગર આપણે અમથા જ ઢસડાયા કરીશું … આપણો ઉદ્દેશ્ય ઉચ્ચ આદર્શ અને ઉદાત્ત પુરુષાર્થને વરેલા મુક્ત ભારતના નિર્માણનો છે. એક એવું ભારત જેમાં વિચાર અને સંસ્કૃતિના નાનાવિધ પ્રવાહો મળીને પ્રગતિ ને આગેકૂચ શક્ય બનાવે. હું ભારત માટે ગૌરવ અનુભવું છું તે એના પ્રાચીન ભવ્ય વારસા માટે જ નહીં, પણ દિલોદિમાગનાં બારીબારણાં ખુલ્લાં રાખીને સુદૂરનાં તાજગીભર્યાં વહેણ ને વાયરા આત્મસાત કરવાની ક્ષમતા બદલ. હમણાં મેં કહ્યું કે ભારતને બૌદ્ધિક ને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ આણનાર વારસા ને પૂર્વજો વિશે મને ગૌરવ છે. તમે આ ભૂતકાળને કઈ રીતે જુઓ છો? તમને પણ લાગે છે ને કે તે જેટલો મારો તેટલો જ તમારોયે છે? તમે મુસ્લિમ છો, ને હું હિંદુ – પણ તેથી જે મારો એટલો જ તમારો પણ વારસો છે તે કંઈ હતો ન હતો થઈ જતો નથી.’

સ્ટેટ સ્પોન્સર્ડ શોર વચાળે આ એક સાંસ્કૃતિક પિછવાઈ, જરી હટકે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 જાન્યુઆરી 2025

Loading

...102030...278279280281...290300310...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved