Opinion Magazine
Number of visits: 9967863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’નું સાહિત્ય સર્જન

ભદ્રા વડગામા|Diaspora - Features|15 October 2019

ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. 'દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી.

શરૂઆતમાં એમના જીવન વિષે થોડી માહિતી આપું. ડાહ્યાભાઈનો જન્મ 3/4/1920 તરીકે નોંધાયેલો છે, પણ એમની ખરી જન્મ તારીખ 3/4/1917 છે. સુણાવમાં એમનો જન્મ. તેમની એક વર્ષની કુમળી વયે તેમના પિતા મૃત્યુ પામ્યા, પછી તેમની માતાએ કરેલા ઘડતરની ડાહ્યાભાઈ પર ખૂબ અસર રહી હતી. તેમનો ગીતો પ્રત્યેનો, ગાંધીજી પ્રત્યેનો, તેમ જ તેમની વાર્તાઓમાં સ્ત્રી પાત્રોને મહત્ત્વ આપવાનો મહાવરો, એ બધું એ એમની માતા પાસેથી શીખ્યા હશે એવું લાગે છે. ભારતમાં નાની ઉંમરે જ રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લઈ એ 1938માં કમ્પાલા – યુગાન્ડા આવ્યા. બીજા વિશ્વ યુદ્ધને લીધે બેરિસ્ટર થવાની તેમની ઈચ્છા છેક 1946માં પૂરી થઈ. 1946-1948 સુધી ભણીને તેમણે લંડનમાંથી 'બેરિસ્ટર એટ લૉ'ની પદવી મેળવી, અને કમ્પાલા પરત થઈ, વકીલાતનો ધંધો આદર્યો. 

એમનું લગ્ન પુષ્પાવતીબહેન જોડે 1954માં થયું. ત્યાં સુધીમાં તેમની પ્રવૃત્તિઓ દ્વારા એક સમાજલક્ષી, સાહિત્યલક્ષી તથા રાજયલક્ષી ક્ષેત્રે તે જાણીતા થઈ ચૂક્યા હતા. એમણે યુવક સંઘ આફ્રિકા, ઇન્ડિયન એસોશિયેશન, સતનામ સાહિત્ય મંડળ, એશિયન વેલ્ફેર સોસાયટી, કમ્પાલા કલા કેન્દ્ર અને યુગાન્ડા લો સોસાયટીના પ્રમુખ પદે રહી યુગાન્ડાની એશિયન પ્રજાને તેમના હક મેળવવામાં સક્રિય યોગદાન આપ્યું હતું. આફ્રિકા નિવાસ દરમિયાન જ તેમના દશેક નવલિકાસંગ્રહો પ્રકટ થયા હતા. કવિતા, નાટક અને ‘મોહન ગાંધી મહાકાવ્ય’ની શરૂઆત પણ અહીંથી કરી હતી.

1971માં યુગાન્ડા સ્વતંત્ર થયું, જેના બંધારણ ઘડતરમાં પણ ડાહ્યાભાઈનો ફાળો હતો. એ કાબેલ 'પૉલિટિશ્યન' હતા અને  ત્યાંની પાર્લામેન્ટના સભ્ય રહ્યા હતા. તેમની સેવા બદલ યુગાન્ડા સરકારે તેમને મેડલ પણ આપેલો.

યુગાન્ડામાં હતા ત્યારે પણ એમનું સાહિત્યસેવન, લેખન, સાહિત્યકારોનું બહુમાન અને સાહિત્યિક કાર્યક્રમ માટે પ્રોત્સાહન એમના વ્યક્તિત્વનું હૃદયસ્પર્શી પાસું હતું. કમ્પાલામાં તેમણે 'જાગૃતિ’ નામનું માસિક શરૂ કર્યું અને ચલાવ્યું. એમની વાર્તાઓનો વિશેષાંક તૈયાર કરાવ્યો હતો, તેને કદાચ આપણે ગુજરાતી સાહિત્યનો પહેલો ડાયાસ્પોરિક વાર્તા વિશેષાંક ને સંગ્રહ ગણી શકીએ.

1972ની સાલમાં યુગાન્ડામાંથી એશિયન એકસોડ્સમાં એ લંડન આવ્યા, પછી અહીંના સાહિત્યક્ષેત્રે પણ બહુ કામ કર્યું અને 14/8/2008માં તેમનું નિધન થયું, ત્યાં સુધી આ ક્ષેત્રે એ સક્રિય રહ્યા. આજે આપણે તેમની નોંધાયેલી જન્મ તારીખના હિસાબે, તેમની શતાબ્દીની ઉજવણી કરવા એકઠાં થયાં છીએ. એમની શુક્રવારની બેઠકો વિષે વિપુલભાઈએ આરંબે અહેવાલ આપ્યો અને નિરંજનાબહેન દેસાઈએ પણ આ વિષે ડિસેમ્બર 2008ના 'ઓપિનિયન'માંના તેમના લેખમાં વિગતવાર લખ્યું છે.

અહીં આવ્યા પછી 1974માં તેમણે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ સ્થાપ્યું, જેમાંથી પરિવર્તન થઈને 1977માં સ્થપાઈ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’. અકાદમીના તેમના યોગદાન વિષે વિપુલભાઈએ આપણને માહિતી આપી. અકાદમીની સ્થાપનાની સાથેસાથે ગાંધીજી પ્રત્યેના તેમના પ્રેમને લીધે તેમણે ‘મહાત્મા ગાંધી ફાઉન્ડેશન’ પણ સ્થાપ્યું અને અને ગાંધી મહાકાવ્યના બે બૃહદ્‌ ગ્રંથો 'વિગ્રહ પર્વ’ અને 'વિજય પર્વ ' લખ્યા. આ બે ગ્રંથોના લોકાર્પણ સમયે મુરારિ બાપુએ તેમને 'ગુજરાતી ગીરાનાં અમૂલ્ય આભૂષણ' તરીકે બિરદાવ્યા હતા.

એમના સાહિત્ય સર્જન વિષે જે માહિતી આજે તમારી સમક્ષ રજૂ કરીશ તે બૃહદ્દ અંશે વંદનાબહેન છોટાલાલ રવૈયાએ ડાહ્યાભાઈ વિષે લખેલા એક મહા નિબંધમાંથી લીધેલી છે, કેમ કે તેમની બધી કૃતિઓ ઉપલબ્ધ ન હોઈ, તે મેળવવાની તેમ જ વાંચવાની મુશ્કેલી છે; અને ન વાંચી હોય તેવી કૃતિઓમાંથી ઉદાહરણો આપું તો કદાચ અરસિક બની જવાનો ભય રહે છે. એટલે  તેમના સાહિત્યમાં રહેલી વિવિધતા વિષે સમાવેશક માહિતી આપીશ અને એકાદ બે ઉદાહરણો પણ ક્યાંક ટાંકીશ.

ડાહ્યાભાઈને બધાં ભલે કવિ તરીકે વધારે ઓળખતાં હોય, પણ એમનું સાહિત્ય બહુવિધ હતું. એમની 1954થી 1996 સુધી પ્રકટ થયેલી 11 નવલકથાઓ છે : તેમાં દિલાવરી, વનની વાટે, અતીત આલિંગન, નવા કલેવર ધરો હંસલા, અનુરાગ અને ઉત્થાન, ઉષા અને અરુણ, વિભૂતિ, તિમિરનું તેજ, ઊર્જિત, ઉત્સવી, અને કંચન ભયો કથીરનો સમાવેશ થાય છે.

તેમના 10 નવલિકા સંગ્રહો છે : શાલિની, છેલ્લો અભિનય, પદ્માવતી, શર્મિષ્ઠા, પુન:મિલન, આગમન, અમરપ્રેમી, કલાવતી, કેતકી, અને મીનાક્ષી. આ 10માંથી 6 શીર્ષકો સ્ત્રીઓનાં નામો છે, જે પરથી એમનાં સ્ત્રીપાત્રો પ્રત્યે રહેલો આદર અને એમને ઉચ્ચ કક્ષાએ આલેખવાનું મહત્ત્વ આપણને સમજાય. તેમના 8 કાવ્યસંગ્રહોમાં છે : અંકુર, કાવ્ય પરિમલ, સ્ફુર્ણા, દર્દીલ ઝરણાં, મોહનભક્તિ પદાવલિ, સત્યેશ્વર સ્તવન સ્ત્રોતાવલી, વિક્રમાદિત્ય સરદાર પટેલ, સત્યાગ્રહી સંત ચાલીસા અને સત્યેશ્વર વચનામૃતો. એમનો 1 નાટ્ય-લેખ સંગ્રહ પણ છે. મોહન ગાંધી મહાકાવ્યના 1 થી 12 ગ્રંથો લખાઈ ગયા છે અને હજુ 3 ગ્રંથો અપૂર્ણ છે. એમના 4 સંપાદનો અંગ્રેજીમાં છે, જેમાંના 3 જેઠાલાલ ત્રિવેદી સાથે અને એક રશીદ મીર અને ગોપાલ શાસ્ત્રી સાથેના છે. વળી, એમની સોનેટ, ગઝલો, અને અન્ય કવિતાના છ સાત ગ્રંથો પણ પ્રકાશિત છે.

ડાહ્યાભાઈના પ્રિય વિષયો છે પ્રણય, ભક્તિ, માનવતા અને સાહસ. દેશભક્તિનાં બલિદાનો પ્રત્યે તેમની કૂણી લાગણી છે. એમની દ્રષ્ટિએ 'ભયંકર સ્થિતિમાંથી સાંગોપાંગ ઉતરતો વાર્તાનાયક વાચકને મન 'હીરો' બની ગયો છે. દુષ્ટતાને ડારતો, તન મન કે ધનની પરવા કર્યા સિવાય ઝઝૂમતો નાયક ખાસ કરીને કિશોર વયના વાચકોનો પ્રિય હોય છે.’ આ વિચારધારા તેમની વાર્તાઓમાં પડઘો પાડે છે.

વંદનાબહેન રવૈયા તેમના મહાનિબંધમાં કહે છે તેમ 'ડાહ્યાભાઈનું સાહિત્ય જેટલું વૈવિધ્યપૂર્ણ છે એટલું જ સત્ત્વશીલ પણ છે. તેમની નવલકથાઓમાંથી ભારતીય સમાજના પ્રશ્નો અને વિદેશમાં કેવા મુકાબલાનો સામનો કરવો પડે છે, તેનો પરિચય પ્રાપ્ત થાય છે, જ્યારે તેમની કવિતામાંથી તેમનું છન્દકૌશલ્ય દ્રષ્ટિગોચર થાય છે. ગાંધી મહાકાવ્યમાં એકાદ લાખ જેટલી છંદોબદ્ધ કડીઓ છે. ગાંધીજીના વ્યક્તિત્વ વિષે લખાયેલી આ કવિતા સાહિત્ય જગતની એક અદ્દભુત ઘટના છે.'

ડાહ્યાભાઈની નવલિકાઓનું ક્ષેત્ર મોટે ભાગે ભારતની બહારનું રહ્યું છે. એમની નવલિકાઓમાં નિયતિનું પ્રાબલ્ય જોવા મળે તેવી પ્રણય કથાઓ છે. બળવંતભાઈ જાનીએ તેમની પ્રણય કથાઓને 4 ભાગમાં વહેંચી છે : સુખાંત પ્રણય કથાઓ, 'લવ ટ્રાયેન્ગલ' અને વિફળ પ્રેમ કથાઓ, સંગીત કે પ્રાણીપ્રેમની પ્રણય કથાઓ અને પ્રેતયોનિની પ્રેમ કથાઓ. ભારતીય જીવનમૂલ્યો ધરાવતી કથાઓમાં માનવપ્રેમ પ્રગટાવતી અને સ્નેહસંબંધ પ્રગટાવતી સમાજકથાઓ છે. એમણે  એમની વાર્તાઓમાં ઘટનાક્રમ, પાત્રાલેખન અને પ્રસંગોની ગૂંથણી એવી સુંદર રીતે કરી છે કે તેમની વાર્તાઓ વાચકને રસિક લાગે છે.

વંદનાબહેન કહે છે તેમ ડાહ્યાભાઈનાં વાર્તા સર્જન પર ‘ધૂમકેતુ’ની ભાવનાશીલ અને સંવેદનપૂર્ણ  વાર્તાઓનો ભારે પ્રભાવ હતો. એમની વાર્તાઓ ગત શ્રદ્ધા, છેલ્લો અભિનય,  હરદ્વાર, અને સોનામહોરની નાયિકાઓ જાણે ‘ધૂમકેતુ’નાં એવાં પાત્રોની સ્પર્ધામાં ઉતરતી ન હોય એમ લાગે છે. વિખ્યાત વિવેચક અનંતરાય રાવળે ડાહ્યાભાઈની વાર્તાઓને "કૌતુકપ્રધાન" ગણાવી છે. શક્ય છે કે ગુજરાતી સાહિત્યમાં આફ્રિકન સમાજને વણેલી વાર્તાઓ ભારતીય વાંચકો માટે કૌતુક ઉપજાવે તેવી હોઈ શકે, તો વળી અમુક વાર્તાઓમાં પ્રેતસૃષ્ટિનો પણ અનુભવ વાચકને થાય છે.

યુગાન્ડાને પૂર્વ આફ્રિકાના 'emerald' તરીકે ઓળખવામાં આવે છે, એટલે કુદરતી છે કે ત્યાં લખાયેલી તેમની વાર્તાઓમાં પ્રકૃતિ વર્ણન કલાત્મક રીતે કરેલું હોય, જ્યારે બ્રિટનનું નૈસર્ગિક સૌંદર્ય પણ એટલું જ આનંદપ્રિય છે. તેનું વર્ણન પણ ડાહ્યાભાઈની વાર્તાઓમાં વાંચી શકાય છે.

(ડાબેથી) પુષ્પાબહેન ડાહ્યાભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલનાં પુત્રી ઇલાબહેન પંડ્યા, મુખ્ય વક્તા ભદ્રાબહેન વડગામા તથા અકાદમીપ્રમુખ વિપુલ કલ્યાણી

ડાહ્યાભાઈએ ગુજરાતી ઉપરાંત પાશ્ચાત્ય લેખકોને પણ વાંચ્યા છે, જેમના લેખનની અસર તેમની કૃતિઓ પર પડી છે. ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખક Balzac, ટૂંકી વાર્તાઓના સમ્રાટ Guy de Maupassant અને Prosper Merimeeને તેમણે વાંચ્યા અને વાગોળ્યા છે. પણ એ અન્ય લેખકોને ચેતવે છે કે પરદેશી classic સાહિત્યકારોની કૃતિઓની અસર નીચે આવી જઈ પોતાની મૌલિકતા ન ગુમાવવી જોઈએ. એમનું માનવું હતું કે વાર્તા એવી રીતે લખાવી જોઈએ કે એ વાંચવા માટે નહીં પણ માંડીને વાત કહેવાની હોય એ રીતે લખાઈ હોય. આ રીત એમણે એમની વાર્તાઓમાં અપનાવી છે, પણ વચ્ચે વચ્ચે એ ચિંતન કણિકાઓ પણ મૂકતાં આવ્યા છે. મારા મંતવ્ય સાથે સહમત થતાં વંદનાબહેન કહે છે તેમ, આ પ્રકારના લેખનથી ડાહ્યાભાઈની વાર્તાઓમાં ક્યારે કે એકવિધતા આવી જાય છે, જેથી તેમાં થોડી મર્યાદા આવી જાય છે, તો ક્યારેક વળી જ્યારે "હું" વાર્તા કહેવા માંડે છે ત્યારે એ ટૂંકી વાર્તામાંથી લાંબી વાર્તા બની જાય છે. અને ક્યારેક મૂળ વાર્તાના રસથી હઠીને અન્ય રસદાયક પ્રસંગોનું બયાન જોવા મળે છે. એ વળી, એમ પણ કહે છે કે ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ અને લાંબી વાર્તા વચ્ચેની તાત્ત્વિક અને સમીક્ષાત્મક વિવેચના ઘણી છે પણ ડાહ્યાભાઈને એનો ખ્યાલ નથી એનો ખેદ છે.

એમની ઘણી વાર્તાઓ સત્યઘટના પર આધારિત છે અને તેમાં તેમણે પોતાની કલ્પનાસૃષ્ટિમાંથી સર્જેલાં રંગો પૂરીને વધુ રસિક બનાવી છે.

બળવંત જાનીએ ડાહ્યાભાઈની 'ડાયસ્પોરિક વાર્તાઓ'ના પુરોવચનમાં આ તત્ત્વો તારવ્યાં છે:

1. બ્રિટિશ ગુજરાતી પ્રવાસી લેખક તરીકેની અનેક વિશિષ્ટતાઓ આ વાર્તાઓમાં છે

2. મોટા ભાગની વાર્તાઓ પ્રણય ભાવની અભિવ્યક્તિ છે

3. વિશ્વના કોઈ પણ ખંડમાં પ્રણયભાવના કેવી શાશ્વત-સનાતન છે તેનો પરિચય આપે છે

4. વાર્તાઓમાં ક્યારેક ક્યારેક પાત્રોની સાથેસાથે લેખકની હાજરી અનુભવાય છે, તો ક્યારેક અન્ય પાત્ર દ્વારા એમની અનુભૂતિ વાંચવા મળે છે. દા.ત. આ વાક્ય દ્વારા એ જોઈ શકાય છે : 'માણસ ધર્માંધ બને તો કેટલો પાગલ બની જાય છે'. ક્યારેક વાર્તાઓ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે, તો ક્યારેક સમૂહગોષ્ઠિમાં ઉપસ્થિત ચરિત્રો પણ તેમણે રચ્યાં  છે.

5. ક્યાંક સંવાદ અને વર્ણનો નાટ્યાત્મક કે ઊર્મિકાવ્યની સમીપ પહોંચાડે છે.

વંદનાબહેને ડાહ્યાભાઈના ડાયસ્પોરિક સાહિત્ય વિષે જે લખ્યું છે તે જોવાતપાસવા સમ છે :

"ડાહ્યાભાઇ પટેલનું ડાયસ્પોરિક કથા સાહિત્ય આસ્વાદીએ ત્યારે અવશ્ય અનુભવીએ છીએ કે તેઓ માનવીય સંવેદનાના હૃદયસ્પર્શી લેખક છે. જે અનુભવો, પ્રવાસ દરમિયાનની પ્રત્યક્ષ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હોય, એનો તેઓ વાર્તાલેખનમાં ઉપયોગ કરે છે. અનુભવોનું યથાતથ આલેખન નહીં પણ પ્રત્યક્ષીકરણ સંવેદનતંત્રમાંથી પસાર થઈને જે નીપજી આવે એનું હૃદયસ્પર્શી આલેખન, એમના કથા સર્જનનું એક આગવું પાસું છે."

હવે ડિસેમ્બર 2008ના 'ઑપિનિયન’ માસિકમાં નીરુબહેન દેસાઈએ ડાહ્યાભાઈને કવિના રૂપે નિહાળીને લખેલા લેખ 'સદાબહાર કવિ ડાહ્યાભાઈ પટેલ'માંથી અમુક નોંધો રજૂ કરું છું. નીરુબહેન કહે છે કે 'ડાહ્યાભાઈને યાદ કરવા હોય તો તેમનાં પ્રણયનાં, પ્રેમ-સૌંદર્યનાં ગીતોનો આનંદ માણવો'. આ ઉપરથી હું કહી શકું કે 'પ્રણય' વિષય પરનો તેમનો પ્રણય તેમના સાહિત્ય સર્જનમાં બહુ મહત્ત્વનો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એમના ગાંધીપ્રેમ વિષે નીરુબહેન કહે છે કે ‘ડાહ્યાભાઈ ગાંધીવિચારધારાના ઊંડા અભ્યાસુ હતા, એટલે જ ગાંધીજીના શબ્દોને 'ગાંધી મહાકાવ્ય' દ્વારા 15 ગ્રંથોમાં મઢી શક્યા છે’. ડાહ્યાભાઈ એક પદ બહુ ભાવવિભોર થઈ ગાતા જે નીરુબહેને એ લેખમાં ટાંક્યું છે:

'મોહન તારી નયન કટારી ઉરમાં એવી વાગી 
'દિનેશ' પ્યારી દરદની મારી ભર નીંદરથી જાગી રે.'

સૌંદર્ય અને પ્રણયના રસિક કવિનાં કાવ્યો, પછી ભલે તે ગાંધીજી વિષે હોય, પણ તેમાં ય શૃંગાર રસ છલકાતો દેખાય છે. પહેલાં કહ્યું તેમ પ્રણય વિશેની એમની ભાવના 'ત્યાગ’ વાર્તાના નાયક પ્રભાકરના મુખે તેઓ બોલે છે : "પ્રણય એ સ્વર્ગીય ઉજ્જવળ પ્રકાશ છે, જે જીવનને અજવાળી દે છે. પૃથ્વી પરથી મનુષ્યજાતને કોઈ વસ્તુએ સ્વર્ગ તરફ ઊર્ધ્વગમન કરાવ્યું હોય તો એ પ્રણય છે."

એ જ વાર્તામાં આપણે તેમના બ્રિટનના નૈસર્ગિક સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ પણ જોઈએ શકીએ છીએ : "શિયાળો ઊતરતાં, એટલે એપ્રિલની શરૂઆતમાં, સુવર્ણરંગી ડેફોડિલ્સ અને ટ્યૂલિપ્સ પુષ્પો હસિત મુખે આવકારતાં ધરતીનાં અંતરની શોભા સમાં ઊગી નીકળે."

ફરી એમનો શૃંગાર રસ અહીં ડોકિયું કરે છે: "ટ્યૂલિપ પુષ્પોનો આકર્ષક રંગ કોઈ રંગીલી યૌવનની કામણગારી આંખો સમો દિલને હચમચાવી મૂકે. શિયાળાની ઠંડીને લીધે પર્ણહીન બની ગયેલાં શોભાહીન લાગતાં વૃક્ષો ઉપર એકાએક નવપલ્લવોની રોશની રેલાય, ઊગતા સૂર્યનાં ચમકતાં કિરણો પ્રત્યેક નવપલ્લવને નાનો શો અરીસો બનાવી દે. દરેક અરીસામાં ભગવાન સવિતાદેવ આસન લઈ ઝૂલતાં ઝૂલતાં હસે.”

'આદિવાસીના આક્રન્દ'માં લેખક ગાંધીપ્રેમ આ પ્રમાણે વ્યક્ત કરે છે: ' …. મનુષ્ય પ્રત્યેનાં પ્રત્યેક માનવના પ્રેમ, સ્નેહ, બંધુત્વ અને આત્મીયતાથી દેવો રીઝશે. એ માનવતા માટે, એ વિશ્વબંધુત્વની ભાવના માટે, પ્યારા બાપુએ જે રાહ ચીંધ્યો છે તે સત્યના, અન્ય માટે સર્વસ્વ અર્પણ કરવાના, પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને સ્નેહથી વર્તવાના રાહ પર જવાથી જ દેવો સંતુષ્ટ બનશે.' 

માનવજીવનને ઊર્ધ્વગામી બનાવવાના ડાહ્યાભાઈના આ સંદેશથી એમની સાહિત્ય સર્જકતાને દાદ આપી એમને અંતરથી નીરુબહેનની આ પંક્તિઓ વડે અંજલિ આપું છું :

વાગોળીશું કવન-કવિતા હર્ષઉલ્લાસ સાથે,
સંભારીશું સુરભિત સ્મૃતિ અંતરે આવરી જે.
આવતા રે'જો, કોક દિ તમે હળવે ડગલે આવતા રે’જો.

સાચે જ સૂક્ષ્મરૂપે એ તેમ અઢળક સાહિત્ય ગ્રંથો થકી કવિ ડાહ્યાભાઈ પટેલ 'દિનેશ' આપણી વચ્ચે હરહંમેશ જીવંત રહેશે.

[‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, વેમ્બલીસ્થિત માંધાતા યૂથ એન્ડ કમ્યુનિટી એસોસિયેશન સભાખંડમાં, શનિવાર, 21 સપ્ટેમ્બર 2019ના દિવસે, ‘શતાબ્દી વર્ષ ઓચ્છવ’ નામે અવસરે રજૂ થયેલું વક્તવ્ય]

http://glauk.org/programmes/centennial-celebrations-sep-19/

Loading

વિદ્યાગુરુ ધીરુભાઈ ઠાકર

પ્રેમજી પટેલ, પ્રેમજી પટેલ|Opinion - Opinion|14 October 2019

ધીરુભાઈ ઠાકરે સમગ્ર જીવન કૉલેજ શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કર્યું. એક તેજસ્વી અધ્યાપક અને પછીથી કર્મઠ પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. નિવૃત્તિ કાળનાં પચ્ચીસેક વરસ ગુજરાતી ભાષામાં ‘વિશ્વકોશ’ તૈયાર કરવામાં ગાળ્યાં.

તેમના માર્ગદર્શનથી અનેક મેધાવી શિષ્યો તૈયાર થઈ ગુજરાત તેમ જ દેશમાં વિધવિધ ક્ષેત્રે પ્રકાશ પાથરી રહ્યા છે. અગાઉ પણ તેમના એક ખ્યાત વિદ્યાર્થી(ડૉ. પ્રવીણ દરજી)એ ‘શિક્ષણવિદ ધીરુભાઈ’ પ્રકાશિત કરેલું, જેમાં નાયકજીવનની આંશિક વાતો થઈ હશે, પણ તેમના પૂરેપૂરા જીવનનો આલેખ મળે તેવા શુભાશયથી આ કૃતિ તૈયાર કરી છે.

અહીં ધીરુભાઈના જન્મથી લઈ છેક મૃત્યુ લગી ક્રમશઃ જીવનરેખા આલેખવાનો સારો પ્રયાસ કર્યો છે. તે માટે અગિયાર પ્રકરણો પાડી તબક્કાવાર વ્યક્ત કર્યું છે, જેમાં ૧. શૈશવ, ૨. પ્રાથમિક શિક્ષણ, ૩. માધ્યમિક શિક્ષણ, ૪. કૉલેજનાં વર્ષો, ૫. ઘડતરકાળ, ૬. ગુજરાત કૉલેજ, અમદાવાદ (૧), ૭. ગુજરાત કૉલેજ, અમદાવાદ (૨), ૮. વિદ્યાયજ્ઞના આચાર્ય, મોડાસા-(૧), ૯. કારમો આઘાત : વિપથગામી પરિબળો, મોડાસા-(૨), ૧૦. જ્ઞાનયજ્ઞના પુરોહિત, ૧૦. વિશ્વકોશવિશેષ અને છેવટે એક પરિશિષ્ટ છે.

પ્રારંભના પ્રથમ પ્રકરણ ‘શૈશવ’માં નાયકના જન્મ સમય(ઈ.સ. ૧૯૧૮)ના ગુજરાતનું સાંસ્કૃતિક વાતાવરણ ઉપસાવ્યું છે. તે વખતે ગાંધીજીની પ્રવૃત્તિની શરૂઆત થઈ.

બીજા પ્રકરણમાં પ્રાથમિક શિક્ષણનો આલેખ આપ્યો છે. ખરું શિક્ષણ ચાણસ્મામાં થયું ત્યાં ચોથા ધોરણનો અભ્યાસ કરી અંગ્રેજી નિશાળમાં શિક્ષણ શરૂ થયું. તે ગાળામાં પરિવારનો સંસર્ગ છોટાલાલ જાની સાથે થતો રહ્યો. તેઓ કુટુંબના સલાહકાર જેવા અને નજીકના મિત્ર પણ હતા. નિષ્ઠાવાન શિક્ષકોએ જાત મહેનતથી-સ્વપ્રયત્નોથી ભણવાની ટેવ પાડી. અહીંનાં વરસો અગત્યનાં રહ્યાં. અહીં મોહન અને મણિલાલ ખાસ દોસ્તાર થયેલા. તે સમયના સહાધ્યાયીઓ અને મિત્રોનાં સંસ્મરણો આલેખ્યાં છે. બીજી તરફ સ્વાતંત્ર્યની લડતના વાતાવરણની ધીમી અસર લોકજાગૃતિ વધારતી જતી. પછીથી ચાણસ્માથી નજીક રૂપપુર રહેવા જવાનું થતાં સ્કૂલમાં ત્યાંથી ચાલીને આવ-જા કરતા. પિતા ઉનાળામાં ગિરધરકૃત રામાયણ વાંચે, તે માઢનાં સ્ત્રી-પુરુષો સાંભળવા આવતાં. બા ભજનકીર્તન કરતાં. આમ, ઘરમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાતું.

ઈ.સ. ૧૯૩૦-૩૧માં પિતાજીની સિદ્ધપુર બદલી થતાં પરિવાર ત્યાં રહેવા ગયો. બાળ ધીરુ ત્યાંના કર્મકાંડી વાતાવરણમાં મુકાય છે. અંગ્રેજી ધોરણ પાંચથી શરૂ થયું. મુલતાની માસ્તર લાભશંકર વકીલ પૂંજીરામ વગેરે સારા શિક્ષકોના પ્રતાપે ભણવામાં રસ પડ્યો. સારાં પુસ્તકો, શિક્ષકો અને મિત્રો મળ્યાં તેથી શિક્ષણકાર્ય સફળ રીતે આગળ વધ્યું. મૅટ્રિક આપી, સાઇઠ ટકા સાથે પાસ થયા. ભણવા માટે આર્થિક બાબતે બીજી જોગવાઈ ના થાય તો કૉલેજશિક્ષણ બંધ રાખવું પડે. લેખકે નોંધ્યું છે : “મૅટ્રિકની પરીક્ષામાં પાસ તો થઈ ગયા, પણ કૉલેજનો અભ્યાસ કરવા માટે છેક મુંબઈ, સુરત કે વડોદરા જવું પડે. પિતાજી પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે એ ધીરુભાઈને બહાર ભણવા મોકલી શકે.” તેમની સ્કૂલના કારકુનની ચિઠ્ઠીથી સુરતમાં કામ થઈ ગયું. એમ.ટી.બી. કૉલેજમાં ભણવા જોડાયા. મામાએ પુસ્તકો મોકલી આપેલાં. વૅકેશનમાં મુંબઈ ગયા. ત્યાં કૉન્ગ્રેસનું અધિવેશન હતું. તેમાં સેવાર્થી તરીકે જોડાયા, તેથી ઘણા બધા નેતાઓને નજીકથી જોયા, સાંભળ્યા, જેમ કે ગાંધીજી, નેહરુ, યુસુફ મહેરઅલી વગેરે. ત્યારથી તેમણે ખાદીનો પહેરવેશ પહેરવાનો સંકલ્પ કર્યો તે છેક આજીવન પાળ્યો. ઇન્ટર સાયન્સ કરવા ગુજરાત કૉલેજ-અમદાવાદ દાખલ થયા. કમનસીબે નાપાસ થયા. ત્યાંથી મુંબઈ આવ્યા અને ઇન્ટર આટ્‌ર્સમાં એલ્ફિસ્ટન કૉલેજમાં ફૉર્મ ભર્યું. ગુજરાતી વિષય સાથે ભણવાનું શરૂ કર્યું. દુર્ગેશ શુક્લ સાથે રહેવાનું થયું. તેમના સંસર્ગથી અંગ્રેજી પુસ્તકો વાંચવાનું શરૂ થયું. ત્યાંથી ઘડતરકાળ પ્રારંભાયો. ઉમાશંકર જોશી અને બ.ક. ઠાકોરનો સંપર્ક થયો. મધુસૂદન વ્યાસ, નંદુ ત્રિવેદી, ચંદ્રકાન્ત વોરા જેવા વિવિધ મિત્રો મળ્યા. અભ્યાસ પૂરો કરી નોકરીની શોધ શરૂ કરી.

“નોકરીનું ઠેકાણું પડતું નથી, એટલે ધીરુભાઈ જતિન્દ્ર જોડે શૅરબજારમાં દલાલની ઑફિસમાં જઈને બેસે છે.” વચ્ચે ગોકળીબાઈ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાંથી ચિલ્ડ્રન-એકૅડેમીમાં અને પાર્ટટાઇમ અધ્યાપક તરીકે એલ્ફિસ્ટન કૉલેજમાં જોડાયા છે. ત્યાં પ્રો. કે.બી. વ્યાસની સલાહથી અમદાવાદ ગુજરાત કૉલેજમાં પૂર્ણસમયના અધ્યાપક તરીકે અરજી કરે છે. ત્યાં ઇન્ટરવ્યૂ આપી હાજર થાય છે. નાટ્યવૃત્તિ ફરી શરૂ થાય છે. ઈ.સ. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ ચળવળના પ્રભાવથી વિદ્યાર્થીઓ અને પોલીસ સામસામે આવી જાય છે. વિદ્યાર્થીઓના બચાવ માટે પાંચ અધ્યાપકો નીચે આવી દોડ્યા … એમાં એક ધીરુભાઈ હતા. પોલીસને રોકવા જતાં. એ ઘાયલ થયા.

“પાસે ઊભેલા ડી.એસ.પી.એ. એના હાથમાં રહેલી બંદૂકના નાળચાના બે પ્રહાર ધીરુભાઈના માથામાં જોરથી કર્યા.”

હૉસ્પિટલ ખસેડાયા. એ જ ટોળીનો વિદ્યાર્થી વીર વિનોદ કિનારીવાલા શહીદ થયેલો. ફરી કૉલેજ શરૂ થતાં બે પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ કર્યો. તે તેમનાં પ્રથમ પ્રકાશન ગણાય. ત્યાર બાદ રા.વિ. પાઠકને મળી તેમના માર્ગદર્શન હેઠળ સ.ન. દ્વિવેદી (પંડિતયુગ) વિશે સંશોધન શરૂ કરે છે. ઈ.સ. ૧૯૫૯માં ગુજરાતી અને મરાઠી લેખકોને ટૂર ઉપર લઈ ગયેલા, તેમાં મોડાસાના રમણલાલ સોની સાથે પરિચય થયો. તે તેમણે પૂછ્યું કે અમે મોડાસામાં નવી કૉલેજ શરૂ કરવાના છીએ તો આચાર્ય તરીકે તમે જોડાશો ? પોતાને સરકારી નોકરી હોવાથી ડેપ્યુટેશન પર લઈ જવા પડે …

ઈ.સ. ૧૯૬૦થી આચાર્ય તરીકે જોડાયા. પછીનાં બે પ્રકરણો મોડાસાના કાર્યકાળનો યથોચિત આલેખ આપે છે. નવી કૉલેજમાં વિદ્યાર્થીઓ મેળવવા જીપ લઈ ગામડાંઓ ખૂંદી વળે છે. દોઢસો જેટલી સંખ્યાથી સંસ્થા સ્કૂલના મકાનમાં શરૂ થઈ. તેજસ્વી અધ્યાપકોને જરૂર પડે, તો સામેથી નોકરીનો લાભ આપી લઈ આવતા. ત્યાં તેમણે ઘણા બધા અભ્યાસી અધ્યાપકોને ભેગા કરેલા. ધીરુભાઈની પોતાની તેમ જ મેધાવી અધ્યાપકોની નિષ્ઠાથી કૉલેજ સ્થિરતા પ્રાપ્ત કરે છે. નવ જેટલા વિદ્વાન પ્રાધ્યાપકો ધીરુભાઈનાં ‘નવરત્નો’ તરીકે પ્રસિદ્ધ પામેલા. આ બધાથી સમગ્ર રાજ્યમાં મોડાસા કૉલેજની ઊંચી શાખ બંધાયેલી. બીજી તરફ ‘ગુજરાત સમાચાર’માં ‘સાહિત્ય અને સંસ્કાર’ કૉલમમાં સમકાલીન ગુજરાતી સાહિત્ય- કૃતિઓની સમીક્ષાઓ કરતા. તેનાથી સાહિત્ય-ઇતિહાસલેખનની જાણે કે તાલીમ વળવા લાગી.

એક વાર ગુલઝારીલાલ નંદા મોડાસા આવેલા, ત્યારે રેલવે લાઇનની માગણી બાબતે વિદ્યાર્થીઓએ તેમની જીપ સળગાવી. ધીરુભાઈને ફરી પોલિસ સામે મુકાવાનું થયું.

લેખક નવમા પ્રકરણ ‘કારમો આઘાત, વિપથગામી પરિબળો, મોડાસા’માં જુદી જ ઘટનાઓ નિરૂપે છે. નવનિર્માણની અસર હેઠળ કૉલેજમાં પથ્થરબાજી થઈ, હડતાલ પડી. એક વાર અધ્યાપકોની નિંદા કરતી પત્રિકાઓ ખાનગીમાં ફરતી થઈ. કૉલેજ સ્ટુડન્ટ્‌સે અધ્યાપકો સામે વિદ્રોહ કર્યો. એમાં મોડાસા બજારમાંથી કેટલાંક નકારાત્મક પરિબળોના દોરીસંચારથી ઘટનાઓએ જોર પકડ્યું. વાત વધારે વણસતી ગઈ. છેવટે મંડળનો સૂર પણ વિદ્યાર્થીઓ તરફ થયો. એક ફેરા તો ધીરુભાઈએ વૉકઆઉટ કર્યું. તેમને હૃદય પર ઊંડો આઘાત લાગ્યો. પેલા નવ તેજસ્વી અધ્યાપકોનાં રાજીનામાંની માગણી સામે બધાએ ઝૂક્વું પડ્યું. અંતે તે ‘નવરત્નો’ને છૂટાં કરાયાં. બીજી તરફ યુ.જી.સી.એ મોડાસા કૉલેજને શ્રેષ્ઠ કૉલેજ જાહેર કરી. ધીરુભાઈને એક વાર તો એમનું કર્યું કારવ્યું ધૂળ થઈ ગયું હોય તેમ લાગ્યું.

“ધીરુભાઈને થયા કરતું હતું કે મારું સ્વપ્ન રોળાઈ ગયું. મારી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે.” હવે મોડાસા રહેવાનો શો અર્થ ? છતાં ધીરુભાઈ હાજર થઈ મોડાસા મોકલવાનું નાવ પાછું ઠીકઠાક કરવા મથે છે. તા. ૩૦-૬-૧૯૭૮ના દિવસે તેઓ નિવૃત્ત થયા.

પ્રકરણ દસનું શીર્ષક ‘જ્ઞાનયજ્ઞના આચાર્ય’ રાખ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના માતૃભાષામાં શિક્ષણ આપવાની નીતિથી ગુજરાતીમાં વિશ્વકોશની ઊણપ સ્પષ્ટ વર્તાવા લાગી હતી. ડૉ. પી.સી. વૈદ્ય દિશામાં સક્રિય થયા. તેમણે રઘુવીર ચૌધરી અને ધીરુભાઈ તથા કેટલાક અધિકારીઓને લઈ સતારા (મહારાષ્ટ્ર) મોકલ્યા, ત્યાં વિશ્વકોશ વિષયક માહિતી જાણી લાવવા સરકારે તે કામ અંગે પચાસ લાખ રૂપિયા ફાળવી દીધા. સરકાર બદલાતાં ઠરાવ રદ થયો. કામ ખોરંભે પડ્યું. એક વાર ધીરુભાઈ વિસનગર વ્યાખ્યાન આપવા ગયા. ત્યાંના અગ્રણી કાર્યકર સાંકળચંદ પટેલને મળી ગુજરાતી વિશ્વકોશ અંગેની વાત સમજાવી. “એમણે સાંકળચંદભાઈને વિશ્વકોશની અનિવાર્યતા સમજાવી.”

તેઓ દાન આપવા સંમત થયા. પછી તો અમદાવાદ આવીને કુમારપાળ દેસાઈના સહયોગથી એક ટ્રસ્ટ રચ્યું. બીજી તરફ જૂનું મકાન રિપૅર કરી કામ શરૂ કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે પચાસ ટકા જેટલી રકમ મંજૂર કરી. તેવું જ શંકરસિંહ મુખ્ય મંત્રી બન્યા, ત્યારે પણ માતબર રકમ મંજૂર કરી. શ્રેષ્ઠીઓની સહાય મળતી રહેતી. દાનનો પ્રવાહ વહેતો રહ્યો. પૂજ્ય મોટા અને પ્રમુખસ્વામીએ પણ મોટી રકમનાં દાન આપ્યાં. સંસ્થાનું મકાન ઊભું કરવામાં આવ્યું. પ્રજા અને સરકારના સહયોગથી અવિરત કામ ચાલ્યું. વિશ્વકોશના એક પછી એક ગ્રંથો પ્રગટ થયા હતા. ગુજરાતી વિશ્વકોશનું કામ પૂર્ણ થતાં જીવનની એક પચ્ચીસી તેની પાછળ ખર્ચાઈ ગઈ. સંસ્થા સાથે સતત તાદાત્મ્ય અનુભવતા ધીરુભાઈ છેક સુધી જોડાયેલા રહ્યા.

પ્રકરણ ૧૧માં ગુજરાત વિશ્વકોશ સંસ્થાની કામગીરી અને વિશેષતાઓનો સચોટ પરિચય આપે છે. સંસ્થાના અઠ્ઠાવીસમા જન્મદિને (૨-૧૨-૧૯૧૩) તેમણે પ્રવચન આપ્યું. તે તેમનું છેલ્લું પ્રવચન બની રહ્યું. તેમણે કહ્યું : “વિશ્વકોશ એ સત્ય પામવાનું સાધન છે, તેથી જ આપણે કહીએ છીએ કે સંશોધનકાર્યમાં વિશ્વકોશ એ બહુ મોટું સહાયક સાધન છે.” તા. ૨૪-૧-૨૦૧૪ના રોજ તેમનું અવસાન થયું. તેના બીજા દિવસે (૨૫-૧-૧૪) ભારત સરકારે તેમને પદ્મશ્રીનું સન્માન જાહેર કર્યું. છેવટના પ્રકરણમાં આ યજ્ઞકાળમાં કોનો, કેટલો, કેવો સહયોગ મળ્યો – મળતો રહ્યો છે, તેની વાત પણ કરી છે. સાથોસાથ વિશ્વકોશ સંસ્થા દ્વારા ચાલી રહેલી કળાપ્રવૃત્તિઓ અને અન્ય વિશેષ કાર્યોનો સારો પરિચય આપ્યો છે. કૃતિના અંતે એક ‘પરિશિષ્ટ’માં ‘ડૉ. ધીરુભાઈ ઠાકરની કૃતિઓની સંપૂર્ણ સૂચિ’ પ્રગટ કરી છે.

“ધીરુભાઈના સમગ્ર જીવનના સાડા નવ દાયકા વિશે આ જીવનકથામાં માંડીને છતાં ટૂંકમાં પણ મહત્ત્વની ઘણી બધી વાતો-વિગતોને વર્ણવીને વણી લેવાનો પ્રયાસ કર્યો છે.”

પેલા તેજસ્વી અધ્યાપકોમાંથી એક પ્રાગજીભાઈ ભામ્ભીએ ‘એ વર્ષો, એ દિવસો’ (પ્ર.આ. ૨૦૧૩) સંસ્મરણ ગ્રંથ લખ્યો છે. એમાં કેટલીક ઘટનાઓનું ઝીણું વર્ણન થયું છે.

સમૃદ્ધ જીવનના અનેક પ્રસંગોમાંથી લેખકે પસંદ કરીને, જરૂરી જણાયા હોય તે જ મૂક્યા હશે. એ અર્થમાં લેખકનું ‘ટૂંકમાં’ સાચું જણાય છે. જેમ કે દામ્પત્યજીવનની તથા પરિવાર વિશેની વાતો નહીંવત્‌ થઈ છે. જોઈએ “… ધીરુભાઈના જીવનમાં મહત્ત્વનો પ્રસંગ ૧૯૩૯ના વર્ષમાં જ બન્યો હતો … ધીરુભાઈની સગાઈ થઈ હતી ને ધનલક્ષ્મીબહેન, હરિકૃષ્ણભાઈ સાથે મુંબઈ રહેતાં હતાં … એટલે લગ્ન પહેલાં ધીરુભાઈ ધનલક્ષ્મીબહેનને મળવા જતા . ….એમનું દામ્પત્યજીવન બહુધા પ્રસન્ન અને મધુર રહ્યાનું નોંધાયું છે. બી.એ. થાય પછી એમનાં લગન વતન વિરમગામમાં યોજાયાં હતાં.” આટલી ટૂંકી નોંધ લીધી છે. ગ્રંથમાં પૂરકસામગ્રી રૂપે કેટલીક ક્ષણોની છબીઓ મૂકી છે. પણ એમાં એકેય – પારિવારિક નથી. ત્યારે કહેવાનું મન થાય કે લેખકે – ગુરુમર્યાદા પાળી હશે ? જે હોય તે હજી થોડી પ્રસંગક્ષણો કથી હોત તો ! કંઈ પ્રસ્તારી નથી બની જવાનું.

આપણા માન્ય વિવેચક વિશ્વનાથ મ. ભટ્ટે જીવનકથા સંદર્ભે એક વાત કરી છે. ચરિત્રગ્રંથની સફળતાનો મુખ્ય આધાર લેખકને ચરિત્ર વિષયભૂત વ્યક્તિ પ્રત્યે જેટલો સમભાવ હોય, તેની સાથે અનાયાસે જેટલું તાદાત્મ્ય અનુભવી શકતો હોય તેના પર છે. (તેત્રીસનું ગ્રંથસ્થ વાઙ્‌મય પૃ. ૪૫). અહીં લેખકે તેમના પ્રિય ‘વિદ્યાગુરુ’નું ચરિત્ર લખવાનો ‘પડકાર ઉપાડી જોવાનું સાહસ’ કર્યું છે. અને સારી રીતે પાર પાડી શક્યા છે. તે નોંધી શકીએ.

મણિલાલે જીવનકથાસ્વરૂપ વિશે અગાઉ સરસ વિવેચનાત્મક ગ્રંથ પ્રગટ કરેલો છે, તેટલું જ નહીં, તેમણે એકાધિક જીવનકથાઓનું સર્જન કર્યું છે, એ રીતે તેમની ઘડાયેલી પરિપક્વ કલમ દ્વારા આ કૃતિ સર્જાઈ છે. આ કૃતિ ધીરુભાઈના જીવનકાર્યને જાણવા-સમજવાનો સચોટ દસ્તાવેજ બની રહે છે, તેમાં મીનમેખ નથી. એમના આ યોગ્ય પ્રયાસને અભિનંદન તથા કૃતિ લખાવી અને પ્રકાશિત કરી, તેથી વિશ્વકોશ ટ્રસ્ટને પણ અમારી સલામ.

(‘જ્ઞાનયજ્ઞના આચાર્ય’ : લેખક – મણિલાલ હ. પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, T-20, Shilp Park Rd, Bank Of India Staff Society, Shanti Nagar, Usmanpura, Ahmedabad, Gujarat 380 013, India : પ્રથમ આવૃત્તિ – ૨૦૧૯ પૃષ્ઠ સંખ્યા ૮+૧૨૪ કિંમત રૂ. ૧૨૦/-)

મુકામપોસ્ટ ખેરોલ, મહાદેવ વાસ, તાલુકા તલોદ, જિલ્લા સાબરકાંઠા

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 10-13

Loading

પ્રકૃતિના કવિ : મકરંદ દવે

રતિલાલ રાઠવા|Opinion - Literature|14 October 2019

ગુજરાતી સાહિત્યમાં મકરંદ દવેની કવિ તરીકેની નોંધાયેલી છે. તેમના વિવિધ કાવ્યસંગ્રહોમાં સંકલન ‘કોઈ ઘટમાં ગ્રહેકે ઘેરું’ ત્રણ ભાગમાં સંપાદિત થયેલ છે. સાહિત્યપ્રેમી ગુજરાતી સાહિત્યવિદોએ મકરંદ દવેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી પોંખેલા છે. અને ઈ.સ. ૨૦૦૦માં ગુજરાતી કવિતાનો શ્રેષ્ઠ ઍવૉર્ડ નરસિંહ મહેતા મકરંદભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. કવિની સાથે જ નવલકથાકાર, નાટ્યકાર અને અનુવાદક તરીકે તેમની સાહિત્યિક ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

મકરંદ દવેની કવિતાના સ્વરૂપની દૃષ્ટિએ મુખ્યત્વે ચાર સ્વરૂપ જોવા મળ્યાં છે. ગીત, ગઝલ, ભજન અને મુક્તક. આ બધાં કાવ્યરૂપોમાંથી પસાર થતાં તેમનું કાવ્યતત્ત્વ તો સ્પર્શી ગયું, પરંતુ તેમની કવિતાના આધ્યાત્મિક સૂરને પકડવાનું મારું ગજું નહીં. અધ્યાપક તરીકે તેમના કાવ્યમાં રહેલ પ્રકૃતિતત્ત્વ મને સ્પર્શી ગયું. તેમાંનું એક કાવ્ય તો મારે હૈયે અને હોઠે વસી ગયું છે.

“સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી રહે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે
લીલવરણાં, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.”

કવિ મકરંદ દવેનો પ્રવેશ પ્રકૃતિથી થાય છે. પ્રકૃતિનું એક રૂપ જે તરણા જેવું છે. સુકાયેલું છે. ઊડતું છે. તેને કોઈને પકડ્યું નથી. તેના સૌંદર્યને ૧૯૫૧માં મકરંદભાઈ ‘તરણાં’ રૂપે મૂકે છે –

“સૂકી જમીન પરનાં ઝૂકી રહેલ તરણાં
ક્ષણ એકનાં નિવાસી,
પણ પ્રેમનાં પ્રવાસી,
કોઈ હશે લીલાં, તો કોઈ સોનવરણાં”

કવિની એક ઝંખના વિશ્વના માંગલ્યની રહેલી છે. અને આ વિશ્વનું રૂપ પ્રકૃતિના માંગલ્ય સાથે જોડાયેલું છે. પ્રકૃતિ એ બીજું કાંઈ નથી, પરિબ્રહ્મની લીલાનું તે માત્ર પ્રત્યક્ષ દર્શન છે. એટલે જ તેમનું સૌંદર્યનું ગાણું પ્રભુના સ્વરૂપની સાથે જોડાયેલું જોવા મળે છે. તેમની એક ઝંખના એ જ રહી છે કે જ્યારે અંતિમ લોચન બિડાય, ત્યારે મારા મુખે ઉલ્લાસનું ગાન હોય અને સૌંદર્યનું ગાણું મુખે હોય.

મકરંદભાઈ મૂળભૂત રીતે તો પ્રકૃતિ અને ગ્રામ્યજીવન સાથે જોડાયેલા છે. એટલે જ એમણે ધૂળિયો મારગ પસંદ કર્યો છે. જેમ કે –

“ખુલ્લાં ખેતર અડખેપડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં આવો છે લાભ ?”

જ્યારે તેમને મુંબઈનગરીમાં રહેવાનું થયું, ત્યારે ઊંચી બિલ્ડિંગો વચ્ચે, ભૂંગળાંના ઘોંઘાટ વચ્ચે, ઝેરી ધુમાડા વચ્ચે જો “મુંબઈનગરીમાં આંબો મ્હોરે તો એની મંજરીને રામરામ કહેજો ! એનાં મીઠાં ઓવારણાં લેજો.”

અહીં મીઠાં ઓવારણાં કાઠિયાવાડી ધરતીનું પનોતું સંતાન હોવાનું મકરંદની ઓળખ આપી જાય છે.

મકરંદ દવેનાં પ્રકૃતિકાવ્યોનું કલ્પન સ્પર્શી જાય તેવું અનુભવાયું છે.

“ગુલમહોરનાં ઝીણાં-ઝીણાં પાન પરે
      જે પ્રભાતનાં મળમળિયાં કિરણો ભરત ભરે,”
તે ભરત કહો તો આપું.”

તળાવનાં લહેરાતાં નીરમાં વૃક્ષોની છાયા લહેરાતી જોઈને ચંદનભીનો અનુભવ થાય છે. ચોગમ હરિયાળી, ખુલ્લું આભ, ફેલાયેલી ખુશ્બૂ ખોળો ભરીને સૌંદર્યનું પાન કરાવી જાય છે. કવિની એક દોટ પ્રકૃતિને ખોળે સમાઈ જવાની રહી છે. એટલે તો એ કહે છે કે –

“હાલ્યને વાલમ, ક્યાંક જતાં રંઈ,

ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ.”

પ્રકૃતિનું વિકરાળ રૂપ પણ હોય છે. મકરંદભાઈ આસોના તડકાનો અનુભવ ઇન્દ્રના ઘોડા સાથે દર્શાવીને તડકાને ઘોડાના રૂપમાં પલટાવી શકે છે.

“આ સૂરજ ડૂબે, ચાંદો ઊગે, આભ ઝરે ઉન્માદો,
તૃણ તૃણમાં તો નિહારિકાના આ સંભળાર્થ નિનાદો,
ઘણી હતી પણ પલકમાં ભૂલ્યા સહુ ફરિયાદો,
              સૂતરને તોરણિયે કોઈ
              અડી ગયું સુખવાહી.”

સુંદરવરણી ધરતીમાં મકરંદ કહે છે કે તેમાં ધરતી સાથેનો માનવપ્રેમ દર્શાવ્યો છે. તરણાં જમીન પર ઝૂકે છે. તેનો અર્થ એમ પણ થાય કે અહંકારને છોડીને ધરતીના ખોળે નિવાસ કરવાનું સૂચવે છે. આ તરણાં લીલાં હતાં, પણ સુકાઈને અભિમાન ગાળીને સોનવરણાં થઈ ગયાં છે અને તેમાં જ તરણાંની ધરતી સાથેની પ્રીતિ દર્શાવી છે.

મકરંદભાઈનું તરણાં જેવું જ તેમનું બીજું ખેંચાણ પક્ષીના ટહુકા સાથે જોડાયેલું જોવા મળે છે.

“પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ,
           ઊગતી પરોઢને બારણે
આ તેજની સવારી કોને કારણે ?”

કવિને પ્રકૃતિનાં વિવિધ રૂપ સાથે વહેલી – સવારનું પરોઢ તેમને સ્પર્શી જાય છે. તેની સાથે પંખીનો ટહુકો જાણે કે તોરણ બાંધી જાય છે અને ચારે તરફ ફેલાતું તેજ કોની સવારી સૂચવે છે ? અને આ દર્શન પણ તેમને નાનકડા માળાની અંદરથી પક્ષીના કંઠમાંથી સંભળાયું છે. જાણે કે આકાશ સાથેના સંબંધને સૂરથી બાંધી આપે છે. ભાઈ ! આ તો એવું છે કે આકાશમાંથી એકાદ તારો ખરી પડે, તો જાણે આખું બ્રહ્માંડ ચૂર-ચૂર થઈ જાય, ત્યારે આ પંખીના ટહુકાની પ્યાલી ઊગતાં સૂરજની સાંખે પિતાની સાથે જ અંગે – અંગમાં તેની ખુશાલી, ખુમારી, છવાઈ જાય છે.

આમ કવિ મકરંદ દવેની કવિતા હોય, કથા કે ચિંતનાત્મક ગ્રંથ હોય, પરંતુ તેમનો માયલો પરમ સત્‌ તરફથી ગતિમાં વિહરતો જોવા મળે છે. પ્રકૃતિના સૌંદર્યમાંથી સરવાળે તો તેમને જવું છે આ પ્રકૃતિના રચયિતાના ધામ સુધી, એટલે જ મકરંદની મૂળ ઓળખ સાંઈ, સાધક અને ભજનના મરમમાં જોવા મળી છે. અને છતાં અંકે કહેવું હોય તો …

“ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
            ને ગમતાંનો કરીએ ગુલાલ.”

સંદર્ભ ગ્રંથો :

૧. ‘તરણાં’ – ૧૯૫૧

૨. ‘અમલપિયાલી’ – સં. સુરેશ દલાલ પ્ર.આ. ૧૯૮૦

૩. ‘ગુલાલ અને ગુંજાર’ – સં. ઇશા કુન્દનિકા પ્ર.આ. ૧૯૯૭

૪. ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’ ભાગ ૧થી ૩ પ્ર.આ. ૨૦૦૬ સં. ઇશા કુન્દનિકા

૫. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ડૉ. રમેશ એમ. ત્રિવેદી, પ્ર.આ. ૧૯૯૪

આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કેશોદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 15-16 

Loading

...102030...2,7682,7692,7702,771...2,7802,7902,800...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved