Opinion Magazine
Number of visits: 9577081
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેલનું અર્થશાસ્ત્ર

ગાંધીજી|Gandhiana|21 June 2019

જેલનો થોડો પણ અનુભવ જેને છે એવો કોઈ પણ માણસ જાણે છે કે બધાં ખાતાઓમાં જેલખાતું જ નાણાંની વધારેમાં વધારે તંગી ભોગવે છે. ઇસ્પિતાલો પ્રમાણમાં વધારેમાં વધારે ખર્ચાળ જાહેર સંસ્થા કહેવાય. જેલમાં દરેક વસ્તુ સાદામાં સાદી અને કાચામાં કાચી જાતની હોય છે. જેલમાં મનુષ્યશ્રમના વ્યયની છાકમછોળ છે, જ્યારે પૈસા અને સાધનના વપરાશની બાબતમાં પૂરું દળદર છે. ઇસ્પિતાલોમાં આથી ઊલટું જ ચાલે છે. છતાં બંને સંસ્થાઓ માનવવ્યાધિના ઇલાજને સારુ યોજવામાં આવેલ છે— જેલ માનસિક અને ઇસ્પિતાલો શારીરિક વ્યાધિઓને સારુ. માનસિક વ્યાધિ અપરાધ તરીકે મનાય છે એટલે સજાને પાત્ર લેખાય છે; શારીરિક વ્યાધિ કુદરતની અણધારી આપત્તિ તરીકે મનાય છે અને તેથી તેની કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. વાસ્તવિક રીતે આવો કશો ભેદ કરવાનું કારણ નથી. માનસિક તેમ જ શારીરિક બંને વ્યાધિ સરખાં જ કારણોથી નીપજે છે. હું ચોરી કરું છું તો નીરોગી સમાજને માટેના નિયમોનો ભંગ કરું છું. જો મને પેટશૂળ થાય છે તો પણ નીરોગી સમાજને માટેના નિયમોનો ભંગ કરું છું. શારીરિક વ્યાધિને સારુ હળવા ઉપાય લેવામાં આવે છે એનું એક કારણ એ છે કે કહેવાતા ઉપલા વર્ગોના લોકો નીચલા વર્ગના લોકો કરતાં કદાચ વધારે વારંવાર આરોગ્યના નિયમો તોડે છે. આ ઉપલા વર્ગોને સામાન્ય ચોરી કરવાનો અવકાશ નથી, અને જો સામાન્ય ચોરી ચાલુ રહે તો તેમના જીવનક્રમને ખલેલ પહોંચે તેથી સામાન્ય રીતે પોતે જ કાયદા બનાવનારા હોઈ તેઓ સ્થૂળ ચોરીને દંડે છે. જો કે, તેમને પ્રતિક્ષણ એ વાતનું તો ભાન હોય જ છે કે તેમનાં પોતાનાં ભોપાળાં જેને વિશે કંઈ બોલતું નથી તે સ્થૂળ ચોરીઓના કરતાં સમાજને ઘણાં વધારે હાનિકર્તા હોય છે.

એ પણ જોવા જેવું છે કે જેલો અને ઇસ્પિતાલો ખોટી ચિકિત્સાને લીધે જ વધે છે. ઇસ્પિતાલો ઉભરાય છે કારણ દરદીઓને પંપાળવામાં આવે છે. જેલ ઉભરાય છે કારણ કેદીઓ સુધરવાને નાલાયક જ હોય એમ માનીને તેમને સજા કરવામાં આવે છે. જો દરેક માનસિક અને શારીરિક રોગ ભૂલ જ ગણવામાં આવે અને દરેક દરદી અથવા કેદીની નઠોરપણે પણ નહીં તેમ લાડ કરાવીને પણ નહીં પણ માયા અને સમભાવપૂર્વક માવજત કરવામાં આવે તો જેલ અને ઇસ્પિતાલ બંને ઓછાં થવા પામે.

જેલના કરતાં ઇસ્પિતાલ નીરોગી સમાજને માટે વધારે જરૂરની વસ્તુ નથી. બંનેની સરખી જરૂર છે. દરેક દરદી અને દરેક કેદી ઇસ્પિતાલ અને જેલમાંથી નીકળે ત્યારે માનસિક તેમ જ શારીરિક આરોગ્યના નિયમોનો પ્રચારક બનીને જ નીકળવો જોઈએ.

પણ અહીં આ સરખામણી હું બંધ કરીશ. વાચકને જાણીને નવાઈ લાગશે કે જેલોમાં ચાલતું કંજૂસપણું કરકસરને બહાને ચલાવવામાં આવે છે. પાણી ખેંચવાનું, આટાને સારુ ચક્કીઓ ચલાવવાનું, રસ્તા અને પાયખાનાં સાફ કરવાનું, રાંધવાનું, ઇ. બધાં કામો કેદીઓ પાસે જ લેવામાં આવે છે, છતાં તેઓ સ્વાશ્રયી નથી એટલું જ નહીં પણ તેમની મહેનતમાંથી તેમનું પેટીઉં પણ નીકળતું નથી. વળી તેમની આટલી બધી મહેનત છતાં તેમને રુચે તેવાં અથવા તેમને ભાવે તેવો પકાવેલો ખોરાક તેમને મળતો નથી અને આનું કારણ એટલું જ કે જે કેદીઓ રસોઈ વગેરે કરે છે તેમને સામાન્ય રીતે તેમના કામમાં કશો જ રસ હોતો નથી. પોતાના કામને દયા વિનાના દેખરેખ નીચે કરવાની એક જાતની વેઠ જ તેઓ લેખે છે. એ તો સહેજે સમજી શકાશે કે જો કેદીઓ સમાજ સેવક હોત અને પોતાના ભાઈબંધોના કલ્યાણમાં રસ લેનારા હોત તો તેઓ કદી કેદમાં જ ન પડત. મતલબ કે જો વધારે વિવેકભર્યો અને નીતિવાળો વહીવટ ચલાવવામાં આવે તો જેલો આજે જેવી ખરચાળ સજાની વસાહતો છે તેને બદલે સહેજે સ્વાશ્રયી સુધારાગૃહો બની જાય. હું તો પાણી ખેંચવામાં, આટાની ચક્કીઓ ચલાવવામાં અને એવાં જ બીજાં કામોમાં કેદીઓની અંગમહેનત જે ભયંકર પ્રમાણમાં વેડફાય છે તેનો બચાવ કરવા ઇચ્છું. જો જેલવહીવટ મારા હાથમાં હોય તો હું તો આટો બહારથી લાવું, પાણી પંપવતી ખેંચાવું અને બીજાં અનેક કામો અનેક કેદીઓને વળગાડવાને બદલે જેલોને ખેતી, હાથકંતામણ અને હાથવણાટનાં કારખાનાં કરી મૂકું. નાની જેલોમાં માત્ર રેંટિયા અને સાળો જ રાખવામાં આવે. હાલ પણ ઘણીખરી સેન્ટ્રલ જેલોમાં સાળો તો ચાલે જ છે. વધારામાં માત્ર પીંજણ અને રેંટિયા દાખલ કરવાની જરૂર રહે. ઘણી જેલોમાં તો જેટલું જોઈએ તેટલું રૂ સહેલાઈથી ઉગાડી શકાય. આથી રાષ્ટ્રીય ગૃહઉદ્યોગો લોકપ્રિય થઈ પડશે, અને કેદખાનાં સ્વાશ્રયી બનશે. બધા કેદીઓની મહેનતનું વળતર મળી રહેશે, અને તેમ છતાં હાલ ચાલે છે તેમ તેનાથી હરીફાઈને ઉત્તેજન નહીં મળે.

યેરવડા જેલને અંગે એક છાપખાનું ચાલે છે. આ છાપખાનું ઘણુંખરું કેદીઓની મહેનતથી જ ચલાવવામાં આવે છે. આવાં છાપખાનાં જો બહારનું છાપકામ લેતાં હોય તો તે સામાન્ય છાપખાનાંઓ જોડે અયોગ્ય હરીફાઈમાં ઊતરે છે એમ હું કહું. જો કેદખાનાં ઉદ્યોગસંસ્થાઓ સાથે હરીફાઈમાં ઊતરે તો તે સહેલાઈથી નફો કરે એ દેખીતું છે પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આવી હરીફાઈમાં ઊતર્યા વગર કેદખાનાં સ્વાશ્રયી બની શકે છે અને કામ કરનારા માણસોને સાથે સાથે એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી જાય કે જે કેદીને જેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરૂદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે.

વળી વસ્તીની શાંતિને ખલેલ ન પહોંચે એટલે અંશે કેદીઓની આસપાસ હું ઘરના જેવું વાતાવરણ કરી મૂકું. મતલબ કે તેમનાં સગાંવહાલાંને જોઈએ ત્યારે મળવાની, ચોપડીઓ મગાવવાની અને શિક્ષણ લેવાની પણ હું તો તેમને વ્યવસ્થા કરી આપું. કેદીઓને વિશે જે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થાપું. તેઓ જે કંઈ કામ કરી શકે તેવું કામ હું તેમને સોંપું અને તેમને પોતાનો ખોરાક કાચો અથવા પાકો મગાવી લેવા દઉં.

ઘણીખરી સજાઓની મુદ્દત મુકરર હોય છે તેને બદલે હું તેમને અનિયમિત કરું. તે એ રીતે કે સમાજના રક્ષણ માટે અને તેના પોતાના સુધારા માટે જેટલી મુદ્દત કેદીને જેલમાં રાખવાની જરૂર જ હોય તેથી એક ઘડી પણ વધુ તેને જેલમાં ન રાખું.

હું જાણું છું કે આ બધું કરવાને આખી સંસ્થા નવેસરથી રચવી જોઈએ, અને હાલ જેમ ઘણાખરા જેલરો લશ્કરી નોકરીમાંથી ફારગ થએલા માણસો હોય છે તેમ ન કરતાં જુદા જ માણસો જેલોમાં નીમવા જોઈએ. મને એવી પણ ખાતરી છે કે આવો સુધારો કરવામાં નવો ખરચ પણ ભાગ્યે જ ઝાઝો કરવો પડે.

હાલ તો કેદખાનાંઓ એ લફંગાઓને માટે આરામ ગૃહો અને સામાન્ય સીધા કેદીઓને માટે જુલમખાનાં છે. અને ઘણાખરા કેદીઓ તો સીધા જ હોય છે. લફંગાઓ જોઈએ તે મેળવવામાં ફાવી જાય છે અને બિચારા સીધી લીટીના કેદીઓને જે વિના ચાલે એવી ચીજો પણ મળતી નથી. મેં ઉપર જે યોજનાની આછી રૂપરેખા દોરી છે તે યોજના પ્રમાણે તે લફંગાઓ સુખની આશા રાખે તે પહેલાં તેમને સીધાદોર થવું પડશે અને સીધા નિર્દોષ કેદીઓને જેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહેશે. પ્રમાણિક્તાનું વળતર મળશે અને દોંગાઈ દંડાશે.

કેદીઓની પાસે ખોરાકના બદલામાં કામ લેવાથી આળસનું નામ નહીં રહે અને જેલોમાં ખેતી તથા વણાટ એ બે ઉદ્યોગ તથા તેના અંગેના પેટા ઉદ્યોગો રાખવાથી અત્યારે દેખરેખને અંગે જે ભારે ખરચ રાખવું પડે છે તે ઘણું ઓછું થઈ જશે.

[‘યેરવડાના અનુભવ’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 149-151

Loading

જેલમાં લેખનકાર્ય

રાજેન્દ્ર પ્રસાદ, રાજેન્દ્ર પ્રસાદ|Gandhiana|21 June 2019

આ વખતે જેલમાં મેં થોડું લેખનકાર્ય પણ કર્યું. એમ તો ૧૯૩૦ની સાલમાં પણ મેં થોડુંક લખવાનો પ્રયાસ કરેલો, પણ એ પૂરો થઈ શક્યો નહોતો. અને જે થોડું ઘણું લખેલું એ પાછળથી ખોવાઈ ગયું. પાકિસ્તાન સંબંધી મેં થોડો અભ્યાસ કર્યો હતો. જેલમાં જઈને મને એનો વધારે અભ્યાસ કરવાનું મન થયું. પાકિસ્તાનના પક્ષમાં લખાયેલી કેટલીક ચોપડીઓ મેં મગાવી લીધી. એ વાંચ્યા પછી મને વિચાર આવ્યો કે પાકિસ્તાનની માગણી જેને આધારે કરવામાં આવે છે તે આધાર કેટલે સુધી સાચો છે એ જોવું જોઈએ. ત્યાર પછી વિચાર આવ્યો કે મુસ્લિમ લીગ પાકિસ્તાન શેને કહે છે; એ માગણી સ્વીકારવા જો કોઈ તૈયાર થાય તો એને શું આપવું પડે અને મુસ્લિમ લીગને શું મળે; તથા પાકિસ્તાન પોતાના પગ ઉપર ઊભું રહી શકે કે કેમ તે બધું તપાસવું જોઈએ. છેવટે મને થયું કે આ બાબત વિશે કંઈક લખી શકાય એમ છે ખરું. જો કે, અમે બધા જેલની બહાર ક્યારે નીકળી શકશું અને હું જે કાંઈ લખીશ એ કોઈ દહાડે છપાશે કે કેમ એ વાતની કંઈ ખબર ન હતી, પણ બીજા સમજી શકે એવી રીતે મારા પોતાના વિચારોને સ્પષ્ટપણે લિપિબદ્ધ કરી દેવાનું મને યોગ્ય લાગ્યું. એટલે મેં થોડું લખી નાખવાનું નક્કી કર્યું. મને એમ લાગ્યું કે જો દેશની સમક્ષ, ખાસ કરીને મુસલમાન સમક્ષ આ બધી વાત આવે તો વધારે ઊંડું અધ્યયન કર્યા પછી જેમ મને થયું છે તેમ એમને પણ એના વહેવારુપણા વિશે શંકા થશે. એટલે મેં એનું અવહેવારુપણું દર્શાવવા એ બધી માહિતી લિપિબદ્ધ કરી લેવાનું નક્કી કર્યું. જ્યારે પાકિસ્તાનનું અવહેવારુપણું સિદ્ધ કરનારો ભાગ લખાઈ ગયો ત્યારે એ કયે આધારે માગવામાં આવે છે એ પણ લખવું યોગ્ય લાગ્યું. એટલે હિંદુસ્તાનમાં, હિંદુ-મુસલમાનનાં બે રાષ્ટ્રો છે, તેથી એના વિભાગ પાડીને બે સ્વતંત્ર દેશ અથવા રાષ્ટ્ર સ્થાપિત કરવાં જોઈએ, એ મુદ્દા પર લખવું પડ્યું. આમ, જેમ જેમ લખતો ગયો તેમ તેમ ચોપડીનું કદ વધતું ગયું. કામ બહુ ઝડપથી થતું નહોતું. એક તો એટલો સાજો ન હતો કે ઝાઝી મહેનત કરી શકું. જ્યારે માંદો પડતો ત્યારે મહિનાઓ લગી કશું વાંચી પણ શકતો નહોતો. જ્યારે તબિયત સારી રહેતી ત્યારે વાંચતો લખતો. ઉતાવળ કરવાની કાંઈ જરૂર જણાતી ન હતી, કેમ કે જેલમાં હોઈએ ત્યાં સુધી કોઈ પુસ્તક બહાર પાડવાની રજા મળશે એવી તો આશા નહોતી, વળી છૂટવાનો પણ કોઈ ઉપાય જણાતો ન હતો. એટલે થોડું થોડું લખતો હતો.

એટલામાં એક સાથી જેલમાંથી છૂટીને બહાર ગયો. એણે છાપાંવાળાઓને ખબર આપી કે હું પાકિસ્તાન વિશે એક ચોપડી લખી રહ્યો છું. એ વાત જાહેર થઈ ગઈ. સરકારી અમલદાર ક્યારેક ક્યારેક જેલમાં આંટો મારતા હોય છે. કમિશનર આવ્યા. એમણે મને પૂછ્યું કે એ ચોપડી ક્યાં સુધી લખાઈ રહી છે? મેં કહ્યું કે લગભગ પૂરી થઈ છે. એમણે એ જોવા માગી. મેં હાથે લખેલી નોટબુક તેના હાથમાં મૂકી દીધી. એક તો મને કંઈક ઝીણા નાના અક્ષરે લખવાની ટેવ છે, અને બીજું કાગળની તંગીને લીધે મેં પાનાંની બેઉ બાજુએ લખ્યું હતું. ચોપડી કટકે કટકે લખાઈ હતી એટલે જ્યાં કંઈ નવી વાત સૂઝી જતી અથવા કોઈ નવી ચોપડીમાંથી મળી આવતી તો એને સરખી રીતે ગોઠવી દેતો; આમ એની અંદર થોડા ઘણા હાંસિયા મૂક્યા હતા એ પણ સાવ ભરચક થઈ ગયા હતા અને ક્યાંક તો અક્ષર ઉકેલવાની સગવડને ખાતર જુદા રંગની શાહી પણ વાપરવી પડી હતી. એટલે કોઈ બીજા માણસને માટે હાથનું લખેલું એ પુસ્તક વાંચવું સારી પેઠે મુશ્કેલ હતું. કમિશનરે સવાલ કર્યો કે આ ચોપડી છપાવવાનો ઇરાદો છે કે? મેં જવાબમાં કહ્યું કે જો સરકાર છૂટ આપશે તો છપાવવામાં આવશે. એટલે એમણે કહ્યું કે પુસ્તક તપાસ્યા વિના સરકાર રજા નહીં આપે અને આ હાથનું લખાણ જે હાલતમાં છે એ હાલતમાં સરકારને સારુ એ ચોપડી તપાસવી મુશ્કેલ છે. સરકાર તો ટાઇપ કરાવેલી નકલ જ તપાસી શકશે. એટલે પછી મેં કહ્યું કે ટાઇપ કરાવવાનું સાધન મારી પાસે નથી, જો સરકાર એ સગવડ આપશે તો હું ટાઇપ કરાવી લઈશ.

આ વાતચીત થયા પછી સરકારને મેં લખ્યું કે મને ટાઇપ કરાવવાની સગવડ આપવામાં આવે અને સરકાર એને માટે ત્રણમાંથી ગમે તે એક રીતની છૂટ આપે. પહેલી રીત એ કે મારા સહાયક શ્રી ચક્રધરશરણ જેઓ મારા અક્ષર સારી રીતે ઓળખે છે તેમને ટાઇપ કરવાની તક આપે. તેઓ એ વખતે છૂટી ગયા હતા એટલે તેઓ જેલમાં આવી શકે તેમ નહોતું અને એમની જોડે મને મુલાકાત પણ મળી શકે તેમ નહોતું. સરકારની પરવાનગી ન મળે ત્યાં સુધી ચોપડીને પણ બહાર મોકલી શકાય તેમ નહોતું. બીજી રીત એ હતી કે સરકાર પોતાના કોઈ નોકરને આ કામ માટે નીમે અને એનો જે ખર્ચ થાય તે હું આપું. ત્રીજી રીત એ હતી કે જો ટાઇપ જાણનાર કોઈ કેદી હોય તો એને બાંકીપુરની જેલમાં તેડાવી લેવામાં આવે અને એ ટાઇપ કરી આપે. વિચાર કરતાં મને યાદ આવ્યું કે એક કૉંગ્રેસ કાર્યકર્તા અને જમશેદપુર લેબર યુનિયનના મંત્રી શ્રી માઇકલ જૉન ટાઇપ કરવાનું જાણે છે અને તેઓ હિલચાલને અંગે આ વખતે બીજી વાર પકડાઈને અને સજા પામીને હજારીબાગ જેલમાં આવ્યા છે. મેં લખ્યું કે જો એમને બાંકીપુર લાવવામાં આવે તો તેઓ આ કામ કરી શકશે. મેં જણાવ્યું કે આ ત્રીજી રીત જ વધુ સગવડભરી છે, કેમ કે એટલું બધું ઝીણું ને ખીચોખીચ લખાયું હતું કે ટાઇપ કરનારને એ વાંચવામાં બહુ મુશ્કેલી નડે ને એને વારેઘડીએ મને પૂછવું પડે. તેથી જો એ મારી પાસે રહે તો સગવડ થાય. એ ઉપરાંત એક ફાયદો એ પણ થાય કે સરકારની મંજૂરી મળ્યા પહેલાં કોઈ પણ માણસને એ પુસ્તક જોવાની તક ન મળે.

સરકારે મારી વાત માન્ય રાખી અને શ્રી જૉનને બાંકીપુર જેલમાં મોકલી આપ્યા. એમણે ઘણી મહેનત લઈને મેં લખ્યું હતું તેટલું ટાઇપ કરી આપ્યું. જોગાનુજોગ એવો બન્યો કે ૧૯૪૫ના જૂનની ૧૪મીની સાંજે એ કામ પૂરું થયું, અને એ જ દિવસે રાત્રે ખબર મળી કે કાલે એટલે પંદરમી જૂનની સવારે મને છોડી દેવામાં આવશે. હવે એ પ્રશ્ન ઊભો થયો કે હાથની લખેલી અને ટાઇપ કરેલી નકલોનું શું કરવું? એ બંને પુસ્તકને મારી સાથે બહાર લઈ જવા દેશે કે સરકાર એને તપાસી લીધા પછી બહાર લઈ જવા દેશે? સરકારની રજા વિના સુપરિન્ટેન્ડેન્ટ પોતાની જવાબદારી ઉપર એ ચોપડીને બહાર લઈ જવા દેવાની છૂટ આપવા તૈયાર નહોતો, પણ સરકારને પુછાવતાં એના તરફથી લઈ જવાની રજા મળી. આમ જ્યારે બહાર આવ્યો ત્યારે તૈયાર ચોપડી લઈને બહાર આવ્યો.

… જેલમાં મેં એક વસ્તુ બીજી પણ લખી. સને ૧૯૪૦માં હવાફેર માટે સીકર (જયપુર રાજ્ય) ગયેલો ત્યારે મને એક દિવસે મારાં “સંસ્મરણો” લખવાનું સૂઝ્યું અને લખવાનું શરૂ પણ કરી દીધું. કોઈને મેં એ વાત જણાવી નહીં. મારી સાથે રાતદિવસ રહેનારા મથુરાબાબુને પણ કેટલાક દિવસ સુધી ખબર ન પડી કે હું કંઈક લખી રહ્યો છું. મને ટેવ છે કે પરોઢિયે ચાર સાડાચાર વાગ્યે જાગી જાઉં છું. એ જ વખતે ઊઠીને રોજ કંઈક ને કંઈક લખી કાઢું છું, અને બીજા જાગે એ પહેલાં લખવાનું પૂરું કરી દઉં છું. સીકરમાં થોડું લખાયું, ત્યાંથી પાછા ફર્યા પછી વખત ન મળ્યો. બે વરસ પછી જેલમાં મારી તબિયત સુધરી ત્યારે મારા ત્યાંના સાથીઓએ મને એ લખાણ પૂરું કરવાનું કહ્યું. મેં ક્યાં લગી લખેલું એ મને બરાબર યાદ નહોતું. ઘેરથી હસ્તલિખિત પ્રત મગાવવી ઠીક ન લાગી, કેમ કે છૂપી પોલીસના તપાસ્યા વિના મને કોઈ પણ ચીજ મળી શકતી ન હતી, અને એ વાંચી જાય તોયે એને અંદર લાવવાની રજા સરકાર આપે કે નહીં તે એક સવાલ હતો. એટલે મને સીકરનું લખાણ જ્યાં સુધી લખાયાનું યાદ હતું ત્યાંથી મેં આગળ લખવા માંડ્યું. ધીમે ધીમે કરીને એ ઘણુંખરું લખાઈ ગયું. ઘણેભાગે પૂરુંયે થઈ જાત, પણ પછી મારે બધો સમય इन्डिया डिवाइडेडમાં જવા લાગ્યો, એટલે સંસ્મરણનું કામ રહેવા દીધું.

[‘મારી જીવનકથા : રાજેન્દ્રપ્રસાદ’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 152-154

Loading

જેલમાં મનુષ્યેતર પ્રાણીઓ

જવાહરલાલ નેહરુ|Gandhiana|21 June 2019

દહેરાદૂન જેલમાં મારી નાની કોટડી અથવા ઓરડીમાં હું સાડા ચૌદ મહિના રહ્યો. મને એમ લાગવા માંડ્યું કે એ ઓરડીનું હું એક અંગ બની ગયો છું. તેના ખૂણેખૂણાથી હું પરિચિત થઈ ગયો હતો. તેની ચૂનાથી ધોળેલી દીવાલો પરના, તેની ખડબચડી ભોંય પરના, તથા જીવડાંએ ખાધેલી વળીઓવાળા છાપરાના એકેએક ડાઘ અને ખાડાને હું ઓળખતો થઈ ગયો હતો. બહાર નાના વાડામાં ઘાસનાં નાનાં જડિયાંને તથા અહીંતહીં પડેલા નાના નાના પથરાને હું જૂના મિત્રો તરીકે સત્કારતો થયો હતો. મારી કોટડીમાં હું એકલો નહોતો. મોટા ભમરા અને નાની ભમરીઓની ત્યાં ઘણી વસાહતો હતી, અને વળીઓની પાછળ ઘણી ગરોળીઓએ ઘર કર્યાં હતાં, તેમાંથી તે સાંજે શિકારની શોધમાં બહાર ફરવા નીકળી પડતી. જો વિચારો અને લાગણીઓ આસપાસના સ્થૂળ પદાર્થો ઉપર પોતાના સંસ્કાર રાખી જતાં હોય તો તો એ કોટડીની આખી હવા તેથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી, અને એ સાંકડી જગ્યાના એકેએક પદાર્થને એ સંસ્કારો વળગી રહ્યા હતા.

કોટડીઓ તો બીજી જેલોમાં મને વધારે સારી મળેલી, પરંતુ દહેરાદૂનમાં મને એક ખાસ લાભ હતો અને તે મારે મન બહુ મૂલ્યવાન હતો. ત્યાંની જેલ મૂળે બહુ નાની હતી, તેમાં ય વળી અમને તો જેલના જ કમ્પાઉન્ડમાં પણ જેલની દીવાલોની બહાર જૂની હવાલાતમાં રાખ્યા હતા. એ હવાલાત એટલી સાંકડી હતી કે ત્યાં હરવા-ફરવાની જગ્યા જ નહોતી. તેથી સવારસાંજ અમને બહાર કાઢવામાં આવતા. જેલના દરવાજા આગળ સો વાર જેટલી જગ્યામાં આંટા મારવાની અમને રજા મળી હતી. અમારે રહેવું પડતું તો એ જેલના કમ્પાઉન્ડમાં જ, પરંતુ તે જેલની મુખ્ય દીવાલોની બહાર હોઈ પહાડો અને ખેતરો તથા થોડે છેટે આવેલી એક મોટી સડક અમને જોવાને મળતાં. આ કાંઈ મને ખાસ આપેલી છૂટ નહોતી; દહેરાદૂનની જેલમાં રાખેલા બધા ‘એ’ અને ‘બી’ વર્ગના કેદીઓને આ છૂટ હતી. કમ્પાઉન્ડની અંદર જ પરંતુ જેલની દીવાલોની બહાર એક બીજું મકાન હતું. તેને ‘યુરોપિયન લૉકઅપ’ કહેતા. તેની આસપાસ વંડી કે એવું કાંઈ નહોતું એટલે કોટડીમાં રહ્યે રહ્યે પણ કેદી પહાડો તથા બહારનું જીવન બહુ સુંદર રીતે જોઈ શકતો. અહીં રાખવામાં આવતા યુરોપિયન કેદીઓ તથા બીજાઓને પણ જેલના દરવાજા આગળ સવારસાંજ આંટા મારવાની રજા હતી.

ઊંચી દીવાલોની પાછળ બહુ લાંબા વખત સુધી જે કેદી પુરાઈ રહ્યો હોય તેને જ આ બહાર આંટા મારવાનું તથા ખુલ્લા દેખાવોનું અસાધારણ માનસિક મૂલ્ય સમજાય. મને આમ બહાર ફરવાનું બહુ જ ગમતું, અને ચોમાસામાં દિવસો સુધી ધોધમાર વરસાદ પડતો હોય અને ઘૂંટણપૂર પાણીમાં ફરવાનું હોય ત્યારે પણ હું બહાર ફરવાનું જતું કરતો નહીં. કોઈ પણ જગ્યાએ હોઉં ત્યાં બહાર નીકળવાનું મને ગમે જ, પણ અહીં તો ઉત્તુંગ હિમાલયનાં દર્શન એ એક વધારાનો આનંદ હતો અને તેને લીધે મારો જેલજીવનનો કંટાળો ઘણો ઓછો થતો. લાંબા વખત સુધી મેં મુલાકાત ન લીધી અને લાંબા વખત સુધી મારે તદ્દન એકલા રહેવાનું થયું ત્યારે આ જ એક મારું સદ્ભાગ્ય હતું કે આ મારા માનીતા ગિરિરાજને હું નિહાળી શકતો. મારી કોટડીમાંથી હું એ પર્વતોને જોઈ શકતો નહીં. પરંતુ મારું મન તેમનાથી ભરેલું રહેતું, અને તેમના સાંનિધ્યનું મને હંમેશાં ભાન રહેતું અને જાણે અમારી વચ્ચે ગૂઢ મૈત્રી વધતી જતી.

પંખી ટોળું ઊડી ગયું ઊંચે દૂર આકાશમાં રે;


ને ઊડી ગઈ રડીખડી હતી વાદળી એકલી જે;


સાથી મારો ગિરિ થઈ રહ્યો એક ઉત્તુંગ દૂર,


હું થાકું ના ગિરિથી કદીયે, કે ગિરિ હું થકી ના.

મને ભય છે કે, ચીનના આ પ્રાચીન કવિ લી તાઈ પોની માફક હું ન કહી શકું કે હું પર્વતથી કદી થાકતો નહોતો, પરંતુ એવો કંટાળો ક્વચિત જ આવતો. એકંદરે તો તેના સાંનિધ્યથી મને વિરલ એવો આરામ જ મળતો. તેની ઘનતા અને તેની અક્ષુબ્ધતા લાખો વર્ષોના જ્ઞાનવાળી દૃષ્ટિથી નીચે ઊભેલા મને જોતી અને મારી પલટાતી જતી મનોવૃત્તિઓનો ઉપહાસ કરતી તથા મારા તપ્ત ચિત્તને શાંતિ આપતી.

દહેરાદૂનમાં વસંત બહુ આહ્લાદક હોય છે, અને મેદાનો કરતાં બહુ લાંબો વખત તે રહે છે. પાનખરે લગભગ બધાં જ ઝાડનાં પાંદડાં ખેરવી નાંખ્યાં હતાં, અને તે બધાં ખુલ્લાં અને નગ્ન દેખાતાં હતાં. જેલના દરવાજા સામે ઊભેલાં ચાર ભવ્ય પીપળાનાં ઝાડ પણ લગભગ પોતાનાં બધાં જ પાંદડાં ગુમાવી બેઠાં તે જોઈ મને બહુ અજાયબી થઈ. બિચારા પીપળા ચીમળાઈ ગયેલા અને ગમગીન દીસતા હતા, પણ વસંત આવતાં હવાએ તેમનામાં ઉત્સાહ પ્રેર્યો અને તેમના અન્તરતમ કોષને જીવનનો સંદેશ આપ્યો. પીપળામાં તેમ જ બીજાં ઝાડમાં એકાએક પ્રાણનો સંચાર થયો, અને પડદાની પાછળ છૂપી ક્રિયાઓ ચાલી રહી હોય તેમ તેમની આસપાસ કાંઈક ગૂઢતાનું વાતાવરણ છવાયું. દરેક ઝાડ ઉપર લીલી નાની નાની કૂંપળોને ફૂટતી જતી જોઈ હું ચકિત થઈ ગયો. એ બહુ હર્ષપ્રદ અને પ્રસન્ન દૃશ્ય હતું. જોતજોતામાં તો લાખો નવાં પાંદડાં આવી ગયાં અને સૂર્યના પ્રકાશમાં તે ચળકવા લાગ્યાં. અને હવાની લહેરી આવતાં તેમાં ખેલવા લાગ્યાં. કૂંપળમાંથી પાંદડાંમાં એકાએક થતું રૂપાન્તર કેવું અજબ છે! પહેલાં કદી મારા ધ્યાન પર નહીં આવેલું કે આંબાનાં તાજાં પાંદડાં લાલાશપડતા તપખીરિયા રંગનાં હોય છે — કાશ્મીરની ટેકરીઓમાં શરદઋતુમાં જે રંગ દેખાય છે તેવાં, પરંતુ તેમનો રંગ જલદી બદલાઈને લીલો થઈ જાય છે.

ચોમાસાનો વરસાદ તો હંમેશાં આવકાર લાયક લાગતો. કારણ, ઉનાળાની ગરમી તે આવતાંવેંત ખતમ થાય છે. પણ સારી વસ્તુ પણ વધારે પડતી હોય તો અકારી થાય છે તેમ દહેરાદૂનમાં થતું. ત્યાં તો મેઘરાજા ધરાઈ ધરાઈને પડે છે. ચોમાસું શરૂ થાય ને પાંચછ અઠવાડિયાંમાં તો ૫૦થી ૬૦ ઇંચ જેટલો વરસાદ પડી જાય. છાપરામાંથી પાણી ચૂતું હોય અથવા બારીમાંથી વાછંટ આવતી હોય તે નિવારવા ફાંફાં મારતાં એક સાંકડી જગ્યામાં ભરાઈ રહેવું પડે એ તે કોને ગમે?

શરદ પણ આહ્લાદક હતી અને શિયાળો પણ. પણ શિયાળામાં વરસાદ આવે ત્યારે ન ગમે. ગાજવીજ થતી હોય, વરસાદ પડતો હોય અને ઠંડો પવન શરીરમાં સોંસરો પેસી જતો હોય ત્યારે કાંઈક સારા રહેઠાણની તથા કાંઈક ગરમી અને સગવડની ઇચ્છા થઈ આવતી. ઘણી વાર કરા પડતા. લખોટીઓ કરતાં મોટા કરા પતરાંના છાપરા ઉપર ભયંકર અવાજ કરતા પડતા હોય ત્યારે દારૂગોળો ફૂટતો હોય એવું લાગતું.

મને એક દિવસનું ખાસ સ્મરણ છે. ૧૯૩૨ની ૨૪મી ડિસેમ્બરનો એ દિવસ હતો. ગાજવીજનું તોફાન હતું. વરસાદ આખો દિવસ પડ્યો હતો અને કડકડતી ઠંડી હતી. જેલમાંના મારા બધા દિવસોમાં શરીરની દૃષ્ટિએ એ દિવસ મારો સૌથી ખરાબ નીવડેલો. પણ સાંજે એકાએક આકાશ સ્વચ્છ થઈ ગયું અને મારી પડોશના બધા પહાડો અને ટેકરીઓને બરફના ગાઢ આચ્છાદનથી છવાયેલા જોઈ મારું બધું દુ:ખ ભાગી ગયું. બીજો દિવસ એટલે નાતાલનો દિવસ, એ તો સ્વચ્છ અને સુંદર હતો; હિમાચ્છાદિત ગિરિમાળાનું સુંદર દૃશ્ય નીકળ્યું હતું.

જેલે અમારી રોજની સ્વાભાવિક પ્રવૃત્તિઓ કરતા અમને અટકાવ્યા એટલે કુદરતનું અમે વધુ નિરીક્ષણ કરતા થયા. અમારા જોવામાં આવતાં જુદી જુદી જાતનાં પશુઓ તથા જીવજંતુઓનું પણ અમે નિરીક્ષણ કરવા લાગ્યા. મારું નિરીક્ષણ જેમ વધતું ગયું તેમ તેમ મારી કોટડીમાં અથવા તેની આગળના નાના વાડામાં રહેતાં જાતજાતનાં જંતુઓ મને નજરે પડવા લાગ્યાં. મને સમજાયું કે હું જો કે એકાંતની ફરિયાદ કરતો હતો છતાં એ નાનો વાડો જે ખાલી અને સૂનો લાગતો હતો તે તો જીવસૃષ્ટિથી ઊભરાઈ રહ્યો હતો. આ બધાં પેટે ચાલતાં, પગે ચાલતાં કે ઊડતાં જંતુઓ કોઈ પણ રીતે મારી આડે આવ્યા વિના પોતપોતાનાં જીવન ગુજારતાં હતાં. મારે પણ તેમની આડે આવવાનું કશું કારણ નહોતું. પરંતુ માંકડ, મચ્છર તથા કાંઈક અંશે માખીઓ સાથે તો મારે સતત યુદ્ધ ચાલતું. ભમરા તથા ભમરીઓની તો હું દરકાર કરતો નહીં. મારી કોટડીમાં એ સેંકડો હતાં. એક વખત એક ભમરીએ, હું ધારું છું અજાણતાં, મને ડંખ માર્યો, ત્યારે અમારી વચ્ચે એક નાનો ઝઘડો થયેલો. ક્રોધે ભરાઈને મેં એ તમામને નાબૂદ કરી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ તેમણે તો પોતાનાં ઘરોના બચાવમાં, (કદાચ તેમાં તેમનાં ઈંડાં હશે.) બહાદુરીથી લડત ચલાવી અને હું પાછો પડ્યો. મેં નક્કી કર્યું કે જો ફરી તેઓ મને દખલ ન કરે તો ભલે શાંતિથી રહે. ત્યાર પછી તો આ ભમરાઓ તથા ભમરીઓથી વીંટળાયેલો એ કોટડીમાં હું એક વરસ રહ્યો. પણ તેમણે મારી ઉપર કદી હુમલો ન કર્યો, અને અમે પરસ્પર આદર કેળવ્યો.

ચામાચીડિયાં મને બિલકુલ ગમતાં નહોતાં પણ મારે તેમને વેઠી લેવાં પડ્યાં. સાંજે અંધારું થતાં અવાજ કર્યા વિના ઊડવા માંડે. અંધકારથી છવાતા આકાશમાં તેઓ ઝાંખાં દેખાય. એ ભમરાળાં પ્રાણીઓને જોતાં મને ભારે ત્રાસ થતો. મોઢા પાસેથી એક જ ઇંચ છેટે રહી પસાર થઈ જાય. મને હંમેશાં ડર રહ્યાં કરે કે રખેને હું તેમની અડફેટમાં આવી જાઉં. મોટાં ચામચીડિયાં અથવા વનવાગોળો હવામાં ઊંચે ઊડતાં.

કીડીઓ, ઊધઈ તથા બીજાં જંતુઓની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તો હું કલાકો સુધી કરતો. તે જ પ્રમાણે રાતે ફરતી ગરોળીઓને શિકાર પકડતી જોવાની તથા એકબીજાની પાછળ પડતી અને આપણને બહુ હસવું આવે એવી રીતે પોતાની પૂંછડી હલાવતી જોવાની મજા આવતી. સાધારણ રીતે તેઓ ભમરીને પકડતી નહીં પણ બે વાર અતિશય કાળજીથી તેનો પણ શિકાર કરતાં અને બરાબર આગળથી પકડતાં મેં જોઈ. ભમરીના ડંખથી તે બચી ગઈ તે બુદ્ધિપૂર્વક હતું કે અકસ્માત હતું તે હું જાણતો નથી.

ત્યાં ખિસકોલીઓ પણ હતી — પાસે ઝાડ હોય ત્યાં તો ટોળેટોળાં. તેઓ ઘણી ધૃષ્ટ થઈને અમારી છેક નજીક આવતી. લખનૌ જેલમાં બહુ વાર સુધી બિલકુલ હાલ્યાચાલ્યા વિના હું વાંચતો બેસતો. ખિસકોલી મારા પગ ઉપર ચડતી અને મારા ઘૂંટણ ઉપર બેસીને આમતેમ જોતી. પણ તે મારી આંખ સામે તાકતી ત્યારે તેને ભાન થતું કે હું કોઈ ઝાડ અથવા તો તેણે બીજું જે કાંઈ ધાર્યું હોય તે નહોતો. ક્ષણભર ભયથી તે ગભરાઈ જતી અને પછી ભાગતી. ખિસકોલીનાં બચ્ચાં કોઈ વાર ઝાડ ઉપરથી પડી જતાં. તેમની પાછળ મા આવે. બચ્ચાંને વાળી નાનો દડો બનાવે અને તેને સહીસલામત ઉપાડી જાય. કોઈ વાર બચ્ચું ભૂલું પડી જતું. આવાં ભૂલાં પડેલાં ત્રણ બચ્ચાંને મારા એક સાથીએ સંભાળ્યાં હતાં. તે એટલાં નાનાં હતાં કે તેમને ખવડાવવું શી રીતે એ સવાલ થઈ પડ્યો. તેનો ઉકેલ કાઢવા અમે એક યુક્તિ રચી. પેનમાં શાહી પૂરવાની નળી આગળ થોડુંક રૂ લગાડ્યું એટલે તે એક દૂધ પાવાની સુંદર શીશી બની ગઈ.

અલ્મોડાની પહાડી જેલ સિવાય બીજી જે જે જેલોમાં હું ગયો ત્યાં કબૂતર ખૂબ હતાં. હજારો કબૂતર. એટલે સાંજે તો આકાશ તેમનાથી છવાઈ જાય. કેટલીક વાર જેલના અમલદારો તેમનો શિકાર કરી તે આરોગતા.

મેનાઓ તો દરેક સ્થળે જોવામાં આવતી. દહેરાદૂનમાં મારી કોટડીના બારણા ઉપર તેમનાં એક જોડાંએ માળો બાંધેલો, અને હું તેમને ખવડાવતો. બંને બહુ હળી ગયાં હતાં અને સવારના કે સાંજના ખાણામાં જરા પણ વિલંબ થાય તો મારી છેક નજીક બેસીને મોટેથી ખાવાનું માગતાં. તેમના સંકેતો જોવાની અને તેમની અધીરી બૂમો સાંભળવાની મજા પડતી.

નૈનીમાં હજારો પોપટ હતા. મારી બરાકની ભીંતની બખોલોમાં ઘણા રહેતા. તેમના સંવનનનું અને પ્રેમારાધનનું દૃશ્ય અતિશય ચિત્તાકર્ષક હોય છે. કોઈ વાર એક માદા પોપટ માટે બે નર પોપટ વચ્ચે ઝનૂની લડાઈ થાય, પેલી માદા પોપટ લડાઈના પરિણામની શાંતિથી રાહ જુએ, અને વિજયી વીરને પોતાના પ્રેમથી સત્કારવા તત્પર રહે.

દહેરાદૂનમાં અનેક જાતનાં પક્ષીઓ હતાં. તેમનાં ગાયન અને કૂજનનું તાલ અને મેળ વિનાનું છતાં મધુર વૃંદસંગીત ચાલતું. તે બધામાંથી કોયલના દર્દભર્યા ટહુકા અલગ તરી આવતા. ચોમાસામાં તથા તેના થોડા વખત જ આગમચ દેવતરસ્યો અથવા પપૈયો આવી ચડતો. તેનું આવું નામ કેમ પડ્યું હશે તે મને ત્યાં સમજાયું. દિવસે અને રાતે, તડકામાં અને ધોધમાર વરસાદમાં એ ‘દેવ-તરસ્યો,’ અથવા ‘પીઉ, પીઉ’ક લગાતાર પોકાર્યા જ કરતો. આમાંનાં ઘણાંખરાં પક્ષીઓને અમે જોઈ શકતા નહીં, અમે તેમનો અવાજ જ સાંભળી શકતા. અમારા નાના વાડામાં એક્કે ઝાડ નહોતું જેના ઉપર આવીને પક્ષીઓ બેસે. પરંતુ આકાશમાં ઊંચે છટાથી ઊડતાં, કેટલીક વાર નીચે ઝડપ મારીને આવતાં તથા વળી પાછાં હવાના સપાટા સાથે ઊંચે ચડી જતાં સમડીઓ અને ગરુડો હું નિહાળતો. કેટલીક વાર જંગલી બતકોનાં ટોળેટોળાં અમારા માથા ઉપર થઈને ઊડી જતાં.

બરેલી જેલમાં વાંદરાની મોટી વસાહત હતી. તેમનાં દાંતિયાં અને ચાળા જોવાની હંમેશાં મજા પડતી. એક પ્રસંગની છાપ મારી ઉપર ખાસ રહી ગઈ છે. એક વાંદરાનું બચ્ચું અમારી બરાકના કમ્પાઉન્ડમાં આવી ચડ્યું. તે દીવાલ ઉપર પાછું ચડી શકતું નહોતું. સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો અને કેદીઓએ તેને પકડ્યું અને તેને ગળે દોરી બાંધી દીધી. દીવાલ ઉપર ઊંચે બેઠેલાં તેનાં માબાપે — માબાપ જ હશે તો — આ જોયું અને તેમને ગુસ્સો ચડ્યો, એકાએક તેમાંથી એક મોટો ઘરડિયો ઘડચ કૂદી પડ્યો અને પેલાં બચ્ચાંને વીંટળાઈ વળેલાં ટોળામાં ધસી ગયો. આ કામ અસાધારણ બહાદુરીનું હતું. કારણ, સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો પાસે લાકડીઓ અને લાઠીઓ હતી, અને તેઓ તે આમતેમ વીંઝતા હતા, અને વળી તેમની સંખ્યા ઘણી મોટી હતી. પરંતુ તેની આ બેપરવા હિંમતનો વિજય થયો. નરોનું ટોળું, પોતાની લાકડીઓ અને લાઠીઓ છતાં, વાનરથી બીને ભાગ્યું! નાના બચ્ચાનો છુટકારો થયો.

એવાં પ્રાણીઓ પણ અમારી મુલાકાત લેતાં, જેમનો સત્કાર કરવા અમે તૈયાર નહોતા. અમારી કોટડીઓમાં વીંછી ઘણી વાર નીકળતા. ખાસ કરીને ગાજવીજના તોફાન પછી વીંછીના ડંખમાંથી હું બચી ગયો તે આશ્ચર્ય જ કહેવાય. કારણ, ન ધારેલી જગ્યાઓએથી, કોઈ વાર પથારીમાંથી, તો કોઈ વાર હાથમાં લીધેલી ચોપડી ઉપરથી ઘણી વાર વીંછી નીકળ્યા હતા. એક ખાસ કાળો અને ઝેરી દેખાતો વીંછી પકડીને મેં થોડાક દિવસ એક શીશીમાં ભરી રાખ્યો હતો, અને તેને હું માખીઓ વગેરે ખવડાવતો. પછી એક દોરીથી બાંધીને મેં તેને ભીંતે ટીંગાડી રાખ્યો પણ ત્યાંથી એ નાસી છૂટ્યો. છૂટી સ્થિતિમાં ફરી પાછો મને એ મળી આવે એવી મારી ઇચ્છા નહોતી એટલે આખી કોટડી મેં સાફ કરી અને તેની બધે શોધ ચલાવી પણ ભાઈસાહેબ અદૃશ્ય થઈ ગયા હતા.

મારી કોટડીમાં અથવા તેની નજીક ત્રણચાર વખત સાપોએ પણ દર્શન દીધેલાં. એક વખત એ સર્પના ખબર બહાર પહોંચ્યા અને છાપામાં મોટા અક્ષરવાળાં મથાળાં છપાયાં. વસ્તુત: મને તો એનું દર્શન મનોરંજક થઈ પડેલું. જેલજીવન મૂળ તો નીરસ હોય છે, એટલે તેના એકધારા જીવનમાં જે કોઈ કારણથી ફેર પડે તે ગમે છે. તેનો અર્થ એ નથી કે મને સર્પનો શોખ છે અથવા તેમને હું સત્કારવા તૈયાર છું. પરંતુ કેટલાક લોકો તેમને જોઈ જેટલા ડરી જાય છે તેટલો હું ડરી જતો નથી. સર્પ કરડવાનો તો મને જરૂર ડર છે, અને હું સર્પને જોઉં તો મારું રક્ષણ કરવાની સંભાળ જરૂર રાખું. પરંતુ તેને જોતાં કમકમાટી છૂટે કે ગાત્રેગાત્ર ઢીલાં થઈ જાય એવું મને નથી થતું. કાનખજૂરાથી હું વધારે ત્રાસ પામું છું. તેમાં પણ ભય કરતાં તેના પ્રત્યેનો સહજ અણગમો એ કારણ વધારે છે. કલકત્તામાં અલિપુર જેલમાં એક વાર હું મધરાતે જાગી ઊઠ્યો અને મારા પગ ઉપર કંઈક સળવળતું મને લાગ્યું. મારી પાસે ‘ટૉર્ચ’ (ખીસાબત્તી) હતી તે મેં સળગાવી તો મારી પથારીમાં કાનખજૂરો હતો. સહસા જ અજબ ઉતાવળથી હું પથારીમાંથી બહાર કૂદી પડ્યો અને કોટડીની દીવાલ સાથે અથડાતો રહી ગયો. પાવલોવનો માનસિક પ્રતિક્રિયાનો સિદ્ધાંત તે વખતે હું પૂરેપૂરો સમજ્યો.

દહેરાદૂનમાં મેં એક નવું જ પ્રાણી જોયું. અથવા તો એ પ્રાણી મારે માટે નવું હતું. જેલરની સાથે વાતો કરતો જેલના દરવાજા આગળ હું ઊભો હતો, તેટલામાં એક માણસ કોઈ વિચિત્ર પ્રાણીને લઈને જતો અમારા જોવામાં આવ્યો. જેલરે એને બોલાવ્યો. ગરોળી અને મગરના કાંઈક વચલા બાંધાનું એ પ્રાણી હતું. બે ફૂટ લાંબી એ ઘો હતી, તેને મોટા નહોર હતા અને તેની પીઠ ભીંગડાંભીંગડાંવાળી જાડી હતી. આ કઢંગું પ્રાણી જીવતું હતું છતાં તેને કંઈક વિચિત્ર રીતે બેવડું કરી ગાંઠની જેમ વાળી નાખ્યું હતું અને એ ગાંઠના વચલા ભાગમાં લાકડી ભેરવી પેલો માણસ તેને ઉપાડીને મોજથી ચાલ્યો જતો હતો. તેણે એનું નામ ‘બો’ કહ્યું. તેનું શું કરીશ એમ જેલરે પેલાને પૂછ્યું ત્યારે ખડખડાટ હસીને તેણે જવાબ આપ્યો ‘એની બનાવશું ભજ્જી અથવા સાલન’. એ વનવાસી હતો. પાછળથી એફ. ડબ્લ્યુ. ચૅમ્પિયનની ‘જંગલ, ધૂપમાં અને છાયામાં’ (ધી જંગલ ઇન સનલાઇટ ઍન્ડ શૅડો) એ નામની ચોપડીમાંથી મેં શોધી કાઢ્યું કે આ પ્રાણી ‘પૅન્ગોલિન’ હતું.

કેદીઓમાં, ખાસ કરીને લાંબી સજાવાળા કેદીઓમાં, લાગણીની અથવા પ્રેમની ભૂખ અણસંતોષાયેલી બહુ રહે છે. તેઓ આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન જાનવરો પાળીને કરે છે. સામાન્ય કેદી તો જાનવર ન રાખી શકે, પરંતુ કેદી મુકાદમોને વધારે સ્વાતંત્ર્ય હોય છે અને જેલ અમલદારો આ બાબતમાં વાંધો ઉઠાવતા નથી. પાળવામાં આવતાં જાનવરોમાં મોટે ભાગે ખિસકોલીઓ અને, વિચિત્ર લાગે છે પણ, નોળિયા હોય છે. કૂતરાને જેલમાં આવવા દેતા નથી, પણ બિલાડીઓને ઉત્તેજન મળતું હોય એમ લાગે છે. બિલાડીનું એક નાનું બચ્ચું એક વાર મારી સાથે હળી ગયું હતું. જેલના એક અમલદારનું એ હતું અને તેની બદલી થઈ ત્યારે એને પોતાની સાથે એ લઈ ગયો. મને એનો વિયોગ સાલ્યો. કૂતરાની પરવાનગી નથી, છતાં દહેરાદૂનમાં અકસ્માત થોડાંક કૂતરાં સાથે મારે દોસ્તી થઈ ગઈ હતી. જેલનો અમલદાર એક કૂતરી લાવેલો. તેની બદલી થઈ ત્યારે તેને એ છોડી ગયો. ગરીબ બિચારી કૂતરી ઘરબાર વિનાની ભટકતી થઈ ગઈ. ગમે ત્યાં પડી રહે, વૉર્ડરોને ત્યાંથી કટકો બટકું મળે તે વીણી ખાય, પરંતુ મોટે ભાગે ભૂખે મરે. હું મુખ્ય જેલની બહાર કાચી જેલની ખોલીઓમાં રહેતો એટલે તે મારી પાસે ખોરાકની ભીખ માગતી આવતી. મેં તેને નિયમિત ખવડાવવા માંડ્યું. પછી તો પાણી જવાના એક ગરનાળા નીચે તેણે કુરકુરિયાંને જન્મ આપ્યો. આમાંથી ઘણાં તો બીજાઓ લઈ ગયા પણ ત્રણ રહી ગયાં અને તેમને હું ખવડાવતો. એક કુરકુરિયું ખૂબ માંદું પડ્યું અને તેણે મને ઠીક તકલીફ આપી. મેં તેની કાળજીથી સારવાર કરવા માંડી અને કોઈ કોઈ વાર તો રાતે મારે તેને જોવા દસબાર વખત ઊઠવું પડતું. છેવટે તે બચ્ચું અને મારી મહેનત કારગત આવ્યાનો મને આનંદ થયો.

બહાર કરતાં જેલમાં હું જાનવરોની સાથે વધુ સંબંધમાં આવ્યો. મને કૂતરાંનો શોખ છે અને મેં કૂતરાં પાળેલાં પણ છે પણ બીજાં કામની આડે હું તેમની જોઈએ તેવી સંભાળ રાખી શક્યો નથી. જેલમાં તેમણે મને સાથ આપ્યો તે માટે હું તેમનો ઋણી છું. સાધારણ રીતે હિંદીઓને ઘરમાં જાનવર રાખવાં ગમતાં નથી. પ્રાણીઓ પ્રતિ અહિંસાની તેમની ફિલસૂફી હોવા છતાં તેમના પ્રત્યે તેઓ તદ્દન બેદરકાર અને માયા વિનાના હોય છે એ નોંધવા જેવું છે. ગાય તો એમનું માનીતું જાનવર ગણાય. ઘણા હિંદુઓ તેના પ્રત્યે બહુ આદર રાખે છે અને તેની પૂજા પણ કરે છે. ઘણી વાર એ હુલ્લડનું કારણ પણ બની છે. છતાં હિંદુઓ ગાયને સારી રીતે રાખતા નથી. પૂજા અને દયા હંમેશાં કાંઈ સાથે જોવામાં આવતાં નથી.

જુદા જુદા દેશોએ પોતાની મહત્ત્વાકાંક્ષા અથવા ચારિત્ર્યના પ્રતીક તરીકે જુદાં જુદાં પ્રાણીઓ પસંદ કર્યાં છે. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ તથા જર્મનીએ ગરુડ પસંદ કર્યું છે. ઇંગ્લંડે સિંહ તથા ડાઘિયો કૂતરો (બુલડૉગ) પસંદ કર્યા છે, ફ્રાન્સે લડાયક કૂકડો પસંદ કર્યો છે અને જૂના રશિયાએ રીંછ પસંદ કર્યું હતું. આવાં રાષ્ટ્રમાન્ય પશુઓ રાષ્ટ્રના ચારિત્ર્યના ઘડતરમાં કેટલો ફાળો આપે છે! તેમાંનાં ઘણાં તો આક્રમણકારી, લડાયક અને શિકારી પ્રાણીઓ છે. પોતાની નજર સામે આવાં દૃષ્ટાન્તો રાખીને જે પ્રજા ઊછરે તેનું ઘડતર જ્ઞાનપૂર્વક એ જાનવરોના સ્વભાવને અનુસરતું થાય અને આક્રમણકારી વૃત્તિઓ ધારણ કરે, તથા મોટી મોટી ગર્જનાઓ કરે અને બીજાઓનો શિકાર કરે એમાં કશી નવાઈ નથી. હિંદુ લોકોનું આરાધ્ય પશુ ગાય છે એટલે તેઓ નરમ અને અહિંસક થાય એમાં પણ નવાઈ નથી.

[‘મારી જીવનકથા : જવાહરલાલ નેહરુ’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 154-161

Loading

...102030...2,7622,7632,7642,765...2,7702,7802,790...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved