Opinion Magazine
Number of visits: 9967808
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષાપ્રેમી સંગીતકાર ખુસરોઃ એક વતનપ્રેમી ભક્ત!

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2019

સંતોના પ્રદેશમાં પ્રવેશતા પહેલાં જો આમીર ખુસરોની મહાનતા તેના પૂરા સંદર્ભમાં રેખાંકિત કરવામાં ન આવે તો એ તેમને કરેલો અન્યાય કહેવાય. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે ભારતમાં ભક્તિઆંદોલનનો પાયો રોપ્યો. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે હિંદુ અને મુસલમાન એમ બંને માટે વતનપરસ્તીના સંસ્કાર દ્રઢ કરી આપ્યા. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેને આપણે ખડી હિન્દવી-હિન્દુસ્તાની બોલી/હિન્દી/ઉર્દૂના પિતામહ કહી શકાય. જી હા, આ ભાષામાં સાહિત્યસર્જન સૌ પહેલાં ખુસરોએ શરૂ કર્યું હતું.

‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના લેખક રામધારી સિંહ દિનકરે આમીર ખુસરો માટે કહ્યું છે કે આ દેશે ભારતમાં મુસલમાનોના રાજ્યના આરંભ પછી માત્ર ૬૧ વરસમાં એક એવા મુસલમાનને પેદા કર્યો જે હિંદુસ્તાનના રાષ્ટ્રવાદી મુસલમાનોનો અગ્રણી મહાપુરુષ હતો. આ અંજલિ થોડી ટૂંકી છે. મારા મતે ખુસરો માત્ર રાષ્ટ્રવાદી મુસલમાનોના નહીં, ભારતીય ભાવવિશ્વનો પિતામહ હતો. ખુસરો પછી સહિયારી ઈબાદત વિકસી. ખુસરો પછી ભારતમાં ગંગા-જમની સંસ્કૃતિ વિકસી જેને અંગ્રેજીમાં સિન્ક્રેટીક કલ્ચર કહેવામાં આવે છે. ખુસરો પછી ભારતીય ઈસ્લામે એક અનોખો ચહેરો ધારણ કર્યો. ખુસરોના કારણે ભારતીય મુસલમાન મુસલમાન બન્યા પછી પણ ભારતીયતાથી બહુ દૂર ન ગયો. ખુસરોએ હિંદુ અને મુસલમાન એમ બંનેને વતનપરસ્તી શીખવી અને ખુસરો પછી અત્યારની ભારતીય ભાષાઓ વિકસી અને તેમાં સાહિત્ય ખેડાણ થવા લાગ્યું. ખુસરો પહેલાં મુસલમાનો ફારસી ભાષામાં લખતા હતા અને હિંદુ સર્જકો અપભ્રંશ અથવા ડિંગલ ભાષામાં લખતા હતા.

ભારતમાં હિંદુ મુસ્લિમ એકતાના ચાર મોટા પુરસ્કર્તા થયા એમાં પહેલા હતા આમીર ખુસરો. બીજા અકબર, ત્રીજા કબીર અને ચોથા ગાંધીજી. દુર્ભાગ્યે આપણે ખુસરોની મહાનતા જે રીતે ઓળખવી જોઈએ એ રીતે ઓળખતા નથી. અંગ્રેજોએ આપેલી આંખે ઇતિહાસ જોવાની જગ્યાએ જો આપણે આપણી પોતાની આંખે ઇતિહાસ જોતા શીખીએ તો ઘણા અનર્થો ટાળી શકાય એમ છે. અંગ્રેજોને હિંદુ અને મુસલમાનો વચ્ચે ઝઘડો પેદા કરવો હતો એટલે અમુક રીતે ઇતિહાસ લખ્યો હતો, જે થોડો સાચો છે અને ઘણો ખોટો છે. જેને આઝાદી પછી પણ ધરાર લડવું છે અને પોતાની શરતે રાષ્ટ્રીય એકતાનો દુરાગ્રહ ધરાવે છે એ લોકોને અંગ્રેજોનો ઇતિહાસ માફક આવે છે. આમાં આમીર ખુસરોનો ખો નીકળી ગયો છે અને તેમને જેવો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી. માટે અહીં આમીર ખુસરોની વાત કરવા થોભવું પડે એમ છે.

આમીર ખુસરોનો જન્મ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પતિયાલી નામના ગામમાં ઈ.સ. ૧૨૫૩માં થયો હતો એમ માનવામાં આવે છે. અમીર ખુસરોના પિતા તુર્ક હતા અને તેઓ સુલતાન નસિરુદ્દીનના શાસનકાળમાં ભારત આવ્યા હતા. આમીર ખુસરો શેખ નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. જ્યારે નિઝામુદ્દીન ઓલિયાનું અવસાન થયું અને તેના દેહને કબરમાં પધરાવવામાં આવ્યો ત્યારે ખુસરોએ તેમની ઊંડી પીડા આવા શબ્દોમાં વ્યક્ત કરી હતી:

ગોરી સોવત સેજ પર, મુખ પર ડાલે કેસ,
ચલ ખુસરો ઘર આપનો, રૈન ભઈ સબ દેસ.

આ પંક્તિઓમાં બે ચીજ પ્રગટ થતી જોવા મળશે. એક તો પ્રેમની ઉત્કટતા. જો ગુરુ કે મુરશિદ માટે આટલી ઉત્કટતા હોય તો ઈશ્વર માટે કેટલી હશે! બીજું દિલ્હી, મથુરા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વપરાતી ખડી બોલી સાથેની ખુસરોની ભાષાની નજદીકી અને અત્યારની હિન્દી/ઉર્દૂ ભાષાનાં બીજ. બારમી-તેરમી સદીમાં ભારતમાં લોકવ્યવહારની ભાષા અપભ્રંશથી આગળ જઇને વિવિધ બોલીઓમાં પરિવર્તિત થવા લાગી હતી. એ પૂર્ણરૂપે વિકસી નહોતી, પણ વિકસતી જતી હતી.

હિંદુ પ્રજા પકડી રાખનારી અને બીજાને કે નવાને પ્રવેશ નહીં આપવા દેવાની કે નહીં સ્વીકારવાની માનસિકતા ધરાવતી પ્રજા છે. આને કારણે બુદ્ધ અને મહાવીરે અનુક્રમે પાલી અને પ્રાકૃત જેવી લોકભાષાનો આગ્રહ રાખ્યો હોવા છતાં એ બંને ધર્મના અનુવર્તી પંડિતોએ કે સાધુઓએ લોકભાષા છોડીને સંસ્કૃતમાં જ ગ્રંથો લખ્યા હતા. એ પછી જ્યારે પ્રાકૃત-પાલીમાંથી અપભ્રંશ વિકસી ત્યારે સર્જકો અપભ્રંશનો સ્વીકાર કરતા નહોતા અને પાલી-પ્રાકૃતને ચડિયાતી ભાષા માનતા હતા. જ્યારે અપભ્રંશમાંથી ગુજરાતી, મરાઠી, અવધી, બ્રજ, મૈથિલી, બંગાળી જેવી લોકભાષાઓ વિકસી ત્યારે પંડિતો અપભ્રંશનો આગ્રહ રાખતા હતા અને લોકભાષાઓને નકારતા હતા. ભારતમાં મુસલમાનોની તો કોઈ ભાષા જ નહોતી, કારણ કે વિદેશી મુસલમાનોની ભાષા વિદેશી હતી અને ધર્મપરિવર્તિત ભારતીય મુસલમાનોની ભાષા એ જ હતી જે પાડોશી હિંદુની હતી.

આમ હિંદુ ભદ્રવર્ગ અપભ્રંશનો આગ્રહ રાખતો હતો, વિદેશી મુસલમાન ફારસીમાં લખતા હતા અને સાધારણ હિંદુસ્તાની (જેમાં હિંદુ અને મુસલમાન બંનેનો સમાવેશ થાય છે) લોકભાષામાં વ્યવહાર કરતા હતા ત્યારે આમીર ખુસરોએ લોકભાષામાં સાહિત્યસર્જન કર્યું હતું અને એ પણ કેટલા ઊંચા દરજ્જાનું એ ઉપરની પંક્તિમાં જોઈ શકાશે. આટલી ભૂમિકા પછી એટલું તો સ્પષ્ટ થઈ જ ગયું હશે કે આમીર ખુસરો હિન્દી/ઉર્દૂ ભાષાના પિતામહ છે.

ખુસરોના દેશપ્રેમનું પ્રમાણ તેમના મસનવી ‘નુહે-સિપહ્ર’(નવ આકાશ)માં કહેલા આ કથનથી મળશે: “સંભવ છે કે કોઈ મને પૂછશે કે, ખુસરો હિંદુસ્તાન માટે આટલી શ્રદ્ધા કેમ રાખે છે? મારો જવાબ એવો છે કે હિંદુસ્તાન મારી જન્મભૂમિ છે, મારું વતન છે. ખુદ નબીએ કહ્યું છે કે વતનપ્રેમ માણસના ધર્મપ્રેમમાં સમાહિત છે, તેમાં આવી જાય છે.” બીજી એક જગ્યાએ દિલ્હીની મહાનતા ગાતા ખુસરો કહે છે: “આ દિલ્હી નામના ચમનની કહાની જો મક્કા સાંભળે તો મક્કા પણ શ્રદ્ધાપૂર્વક દિલ્હીની પરિક્રમા કરવા આવે.” આ મસનવી ‘નુહે-સિપહ્ર’ આખેઆખો ભારત અને ભારતીય સંસ્કૃતિની મહાનતાની ગાથા ગાનારો છે. ભારતની સામે તેણે સમરકંદ, બુખારા, બસરા, તુર્કી, રશિયા, ચીન, ખુરાસાન, ઈજીપ્ત જેવા દેશોને તુચ્છ ગણાવ્યા છે. ખુસરોએ ભારતની જેટલી પ્રશસ્તિ કરી છે એટલી કોઈ હિંદુએ પણ નહીં કરી હોય. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આત્મગ્રહણ કર્યો હોવાથી બિચારા હિન્દુત્વવાદી દેશપ્રેમીને ખુસરોની અને ખુસરોના યોગદાનની તેમ જ તેની દેશભક્તિની જાણ પણ નથી.

ખુસરોએ હિંદુઓની ધાર્મિક આસ્થાની પણ પ્રસંશા કરી છે અને મુસલમાનોને તેમાંથી બોધ લેવાનું કહ્યું છે. ઈશ્વરની મૂર્તિ સમક્ષ ગદગદિત હિંદુ માટે તેણે કહ્યું છે કે, “તીરનું નિશાન ભલે ખોટું હોય, પણ ગતિ કેવી તેજ છે!” અર્થાત્ એક મુસલમાન તરીકે ખુસરો મૂર્તિપૂજાની તો પ્રસંશા ન કરી શકે, પણ તીવ્રતાની તો કરી જ છે. આડકતરી રીતે તેણે સગુણ બ્રહ્મની પ્રાસંગિકતા માન્ય રાખી છે.

ખુસરોનું હજુ એક મોટું યોગદાન ભારતીય સંગીતના ક્ષેત્રે છે. કવ્વાલી, તરાના અને હિંદુસ્તાની ખયાલ સંગીત ખુસરોના કારણે વિકસ્યું છે એમ સંગીતજ્ઞો કહે છે.

ભારતમાં ઇસ્લામના આગમન પછી આમીર ખુસરો ભારતીય મુસલમાનોનો પહેલો અવાજ હતો. અત્યંત સ્વસ્થ, સર્વ સમાવેશક અને સર્વગ્રાહી. એ અવાજ ભારતીય મુસલમાનોનો અવાજ કેમ નહીં બન્યો? એ અવાજને હિંદુઓએ કેમ નહીં ઝીલ્યો અને પડઘો નહીં પાડ્યો? નહોતો ઝીલ્યો અને નહોતો પડઘો પાડ્યો એવું નથી. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ એ અવાજ ઝીલ્યો હતો અને પડઘો પાડ્યો હતો. પણ પછી વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે એ અવાજને શાંત કરવામાં આવી રહ્યો છે.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019

Loading

માટી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|18 October 2019

દિવાળીનાં કોડિયાં માટીનાં, રંગોળી ખરી શોભે માટીથી લીંપેલાં-ગૂંપેલાં આંગણામાં, દિવાળી ટાણે આવતો મોલ ઊભો હોય ખેતરની માટીમાં. નોરતાના ગરબા અને મલ્લામા માટીનાં, ગણપતિની મૂર્તિ માટીની. આમ તો આપણા તહેવારો અને માટીનું જોડાણ તો એક નિમિત્ત. બાકી તો સમગ્ર જીવસૃષ્ટિનું મૂળભૂત અસ્તિત્વ જ માટીને લીધે છે. તેમાં જ પાણી સંઘરાય, તેમાં વનસ્પતિસૃષ્ટિ થાય, તેને લીધે જ ધરતીપટે માનવ અને પ્રાણી ટકે. આવી માટીથી દુનિયાભરના મોટા ભાગના શહેરીજનો તો બહુ દૂર જઈ જ ચૂક્યા છે. આપણા પગને માટી છેલ્લે ક્યારે અડી હતી ? આપણે છેલ્લે ખોબો ભરીને માટી ક્યારે ઊપાડી હતી ? આપણે છેલ્લે ધૂળમાં ક્યારે બેઠા હતા સૂતા હતા, રગદોળાયા હતા? ભીની માટીની મહેક આપણે છેલ્લે ક્યારે માણી હતી ? – આ સવાલોના જવાબ મોટા ભાગના લોકોએ ખૂબ યાદ કરીને આપવો પડે એમ છે. તેરમી સદીના પંજાબી સૂફી સંત બાબા ફરીદ ચેતવે છે ‘फरीदा खाक न निंदीए’ એટલે કે માટીની નિંદા ન કરીએ કારણ કે માટી જેવું  કોઈ નથી – ’खाकु जेडु न कोइ’ તે આગળ કહે છે ‘जीवादिआ पैरा तले / मुइआ उपरि होइ’ એટલે કે મૃત્યુ બાદ તમારા ઉપર નાખવામાં આવતી આ માટી જિંદગી દરમિયાન તમારા પગની નીચે હોય છે.

ઘણાં બધા માટે માટી એટલે તબીયતને બગાડતી, ચોખ્ખાઈને નડતી ધૂળ. ઘણા માટે માટી એટલે ચકચકાટ કાર પર ઊડતો કાદવ, કારનાં પાર્કિંગમાં નડતો કીચડ, આપણાં બાળબચ્ચાં માટે જોખમરૂપ ગંદકી. ધૂળ-મુક્ત, ડસ્ટ ફ્રી જગત એ આધુનિક દુનિયાનો એક આદર્શ. ‘ગર્દાબાદ’ અમદાવાદમાં ડસ્ટને લગતી રોજની ચાળીસથી વધુ ફરિયાદો ગયા મહિને કૉર્પોરેશનને મળી છે. તેને કૉર્પોરેશન પાંત્રીસ ડસ્ટ સ્વીપિન્ગ મશીનથી હલ કરવાની કોશિશ કરી રહી છે. તેમાં ડામર ને પેવર આપણા સેવિયર છે, કૉન્ક્રિટ આપણી કિસ્મત. પછી સ્વાભાવિક રીતે માટીને આપણે સિમેન્ટનાં પડોનાં પડો હેઠળ ધરબી દીધી છે. ખરેખર તો કોઈ પણ જાતની માટી એટલે ધરતીમાની ગોદ. માટી એટલે હૂંફ અને ઠંડક, કઠણતા અને કોમળતાનું કંઈક અનેરું મેળવણ. માટી એટલે ધરતી, પૃથ્વી, ભૂમિ, મૃત્તિકા, ભોમકા. માટી માટેનાં અથવા તેની સાથે  જોડાયેલા લગભગ બધા શબ્દો સ્ત્રીલિંગી છે. કારણ કે માટી એટલે માતા, મરાઠીમાં ‘માયમાતી’, ‘માતીમાય’, ‘કાળી આઈ’ જેવા શબ્દો વારંવાર વપરાય છે. મહારાષ્ટ્રનાં જળગાવની અભણ કિસાનકન્યા એવાં મરાઠી કવયિત્રી બહિણાબાઈએ સરસ લખ્યું છે :

अशी धरित्रीची माया,
अरे तिले नाही सीमा,
दुनियाचे सर्वे पोटं.
तिच्या मधी झाले जमा.

(ધરતીનું હેત અપાર છે. દુનિયાની અંદરનાં દરેક પેટ માટે તેની પાસે પૂરતું ધાન છે).

આ રીતે માટીની મોટાઈ લગભગ બધી ભાષાઓના કવિઓએ ગાઈ જ હોય. તેમાંથી બાર ભારતીય ભાષાઓનાં ચાર-છ લીટીનાં ચૂંટેલાં મુક્તકો ‘લોકનાદ’ નામના સાંસ્કૃતિક મંચના 2011ના વાર્ષિક કૅલેન્ડરમાં મળે છે. કર્મશીલ યુગલ ચારુલ અને વિનય ‘લોકનાદ’ ચલાવે છે. તેના થકી સામાજિક સરોકારના અત્યંત હૃદયસ્પર્શી ગીતો લખી, સંગીતમાં ઢાળી તેના ગાયનનો ભીંજાવી દેનારો કાર્યક્રમ ‘ઇન્સાન હૈ હમ’ દેશભરમાં સેંકડો જગ્યાએ રજૂ થઈ ચૂક્યો છે. વિનય-ચારુલ ગયાં દસેક વર્ષથી દર વર્ષે જાન્યુઆરીમાં ‘સાંઝી વિરાસત’ નામનું મોટે ભાગે સંતકવિઓનાં મુક્તકો સાથેનું તારીખિયું પણ બહાર પાડે છે. તેમાં તેમણે ધર્મ, સંસ્કૃતિ, એખલાસ, પાણી, આકાશ જેવા વિષયોને લઈને કૅલેંડર બનાવ્યાં છે. માટી પરનાં કૅલેન્ડરની શરૂઆતની નોંધ એકદમ સચોટ  છે :

माटी यानि जीवन, हमारा मूल, कूदरत,
माटी यानि इन्सानियत, विनम्रता, धरती से जुडाव।
हम सबको, इन्सान व अन्य जीवों को, जोडती एक कडी।
और सबसे अहम – जीवन के पश्चात हमारा घर।

यह माटी आज बेचैन है, दुखी है,
और इसकी संतान भी।

मानवता का, सृष्टि का पतन;
प्रदूषित और सूखी नदियां;
कुदरती संसाधनों का निरंतर हनन; भूख व असहायता।
खुद की जिंदगी का अंत लाते धरतीपुत्र।

यह माटी आज विद्रोह कर रही है,
और उसके संतान भी।

इस माटी का अपमान ना हो,
जो हमें जीवन देती है, सजाती-संवारती है,
जिसकी हम जीती जागती मिसाल है।
क्या हम इस माटी की, उसकी संतान की गरिमा
पुन:स्थापित करा पायेंगे ? कायम रख पायेंगे?

વિનય-ચારુલની આ નોંધમાં જે લાગણી છે તે ‘વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ’ના ભાવથી જુદી છે. તેમાં વ્યક્તિની સમષ્ટિ કરતાં પોતાનાં  મૂળિયાં માટેની મમતા છે, જે સાહજિક છે. પણ ‘ભારતપુત્ર’ મનોજકુમારની (કે એના જે કોઈ સિનેમૅટિક અને રાજકીય અનુગામી હોય)ની  ઇસ્ટાઇલમાં  પડતી  ‘जमीं का जर्रा जर्रा …, ‘इस मिट्टी की सौगंध …’ કે ‘धरती माँ की कसम …’ની ત્રાડોના ત્રાગડાની અસરમાં ઘણા બધા આવી જાય છે. પણ એ દેકારા-પડકારામાં માટી નથી પ્રકૃતિનું રૂપ કે નથી જીવનનો સ્રોત. અહીં માટી એ એક માલિકી અને સત્તાના ભાવ સાથેનો સોશ્યો-પૉલિટિકો-ઇકોનૉમિકલ-મિલિટરી કન્સ્ટ્રક્ટ બને છે.

મા અને માટી બંને સરખાં. બંનેમાં નવાંને જન્મ આપવાની, તેનાં લાલન-પાલન-ધારણની તો અપાર ક્ષમતા છે જ; સાથે પોતાનાં વંઠેલાં સંતાનોનાં ત્રાસ વેઠ્યાં જ કરવાની  તેની તાકાત  પણ અગાધ છે. માણસો માટી પર થૂકે છે. માટી પર થૂકવું એ માત્ર અનારોગ્યતા જ નહીં, છેલ્લી હદની અહેસાનફરામોશી છે. તો પછી મળ-મૂત્ર માટીમાં નથી જતું ? એ તો કેટલું મોટું અપમાન ? – એવો સામો સવાલ થાય. માટીમાં થૂકવું અનિવાર્ય ક્રિયા નથી. પેશાબ અને શૌચ ટાળી ન શકાય તેવી બાબતો છે. ઉત્સર્જન-નિકાલની વ્યવસ્થા અનિવાર્ય જરૂરિયાત છે. પણ તેમાં ય માટીનો કેવો પ્રચંડ આરોગ્યકારક ફાળો હોઈ શકે એ સોપાન જોશીનાં અસાધારણ હિન્દી પુસ્તક ‘जल, थल, मल’(2016)માંથી જાણવા મળે છે. આપણા વિચારોને લગભગ દરેક પાને એ ઝાટકો આપનાર આ પુસ્તકમાં પોતાનું નામ એક જ વખત, લગભગ ન દેખાય તેમ ‘આલેખ ઔર શોધ : સોપાન જોશી’ એ  રીતે મૂકનાર લેખકે નોંધ્યું છે :

शौचालय का होना या न होना भर इस किताब का विषय नहीं है. यह तो केवल एक छोटीसी कडी है, शुचिता के तिकोने विचार में। इस त्रिकोण का अगर एक कोना है पानी, तो दूसरा है मिट्टि, और तीसरा है हमारा शरीर। जल, थल और मल।

શૌચક્રિયા, શૌચદ્રવ્ય અને શૌચનિકાલ એ ત્રણને માટી સાથેનો વિધાયક સંબંધ પુસ્તકનો એક વિષય છે. સાથે તે માટીનું મહિમાગાન પણ કરતું રહે છે. જેમ કે :

कई संस्कृतियोंने हमारे और मिट्टी के इस संबंध को सुंदर रूपों में याद किया है। आदमी शब्द बना है पुराने यहूदी शब्द ‘अदामा’ से, जिसका अर्थ है मिट्टी. अंग्रेजी का ‘ह्यूमन’ भी लैटिन के ‘ह्यूमस’ से बना है। इसका अर्थ है मिट्टीमें पडी हुई खाद। जिस मिट्टी से हम बनें हैं, उसके प्रति केवल शोध का भाव रखना हमारा उथलापन होगा। इसमें थोडी सी खाद श्रद्धा की भी डालनी होगी। तभी हम कुछ गहरे जा पाएंगे, कुछ ऊंचे उठ पाएंगे।

માણસ માટીને  ખોતરે છે, એને ઊતરડે છે, ખોદે છે, ઉલેચે છે. દુનિયાની અનિવાર્ય જરૂરિયાત એવાં બાંધકામોના પાયા ખોદાતાં હોય ત્યારે વિકરાળ મશીનોનાં લાંબા નહોરથી ખોદાતી જમીન અને પછી કૉન્ક્રિટ હેઠળ ધરબાતી જતી માટીનું દૃશ્ય પીડાકારક હોય છે. મનુ કોઠારી અને લોપા મહેતાએ ‘નાભિશ્વાસ લેતી ધરતીમાતાનું વસિયતનામું’ (1996) નામે પુસ્તકમાં લખ્યું છે : ‘હું ધરતીમાતા તરીકે તમારા બધાં માટે અન્ન પકવું છું. પણ તમે તો મૂર્ખ વાંદરાની જેમ મારી આંતર-ત્વચાને જ ઉખેડી નાખી છે. માટી દ્વારા હું જળ, ક્ષારો અને અન્ય કાર્બનયુક્ત પદાર્થો  શોષું છું. જીવાણુઓ દ્વારા નાઇટ્રોજનનો સંગ્રહ કરું છું. આ બધાંને ભેગાં કરી પ્રોટીન બનાવું છું. મારું રહસ્ય, મારું સૌંદર્ય, મારી વિપુલતા એ મારી સોડમભરી કૂણી માટીમાં સમાયેલ છે. આ માટીને તમે ઉખેડી નાખો એટલે અન્ય ગ્રહોની જેમ હું પણ  જીવજગત-શૂન્ય, પથ્થરોનો બનેલ નિર્જીવ પ્રદેશ બની જાઉં. મારાં માતૃસ્વરૂપને અને મારી કૂણી માટીને એકબીજાંથી અળગાં ન કરી શકાય.’ વિનોબા ભાવેએ લખ્યું છે : जमीन तो हमारी माता है, मा की कभी कीमत हो सकती है ? 

વિકાસને માત્ર શહેરીકરણ અને તેમાં રહેતા થોડા લાખ માણસોની સુખાકારી ગણાવતા લોકો માટે આ કદાચ વેવલાપણું લાગે. પણ ખરેખર તો માટીની અનિવાર્યતા સનાતન વાસ્તવિકતા છે. ‘માટી નહીં સાચવી શકનારો દેશ જીવી શકતો નથી’ – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિન્ગટનનાં આ શબ્દોથી ભારતને પર્યાવરણીય સ્થિતિની સમીક્ષાના પહેલવહેલા નાગરિક અહેવાલની શરૂઆત થાય છે. તે 1982માં પર્યાવરણ બચાવવા માટે ભારતમાં નક્કર અસરકારક કામ કરનાર સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એનવાર્નમેન્ટે બહાર પાડ્યો હતો. આ માહિતી મહારાષ્ટ્રના જાણીતા પર્યાવરણવિદ અતુલ દેઊળગાવકરનાં ‘बखर पर्यावरणाची’ (2006) નામનાં મરાઠી પુસ્તકમાં મળે છે.

વૉશિન્ગટને બસ્સો વર્ષ પહેલાં કરેલી વાત સાચી પડતી રહી છે. દુનિયાના દેશોની જમીન ખરાબ થતી રહી છે એટલે કે તેની અંદરનાં પોષક તત્ત્વોનું પ્રમાણ ઘટતાં તેની ફળદ્રૂપતા ઓછી થતી ગઈ છે અથવા તો તે રણપ્રદેશમાં ફેરવાતી ગઈ છે. આવી હાલત દુનિયાની પચીસથી ચાળીસ ટકા જમીનની થઈ હોવાનું અને જમીનની ખરાબીને જળવાયુ પરિવર્તનની આપત્તિ સાથે ગાઢ સંબંધ હોવાનું આંતરરાષ્ટ્રીય અભ્યાસો જણાવે છે. એટલે ગયાં ત્રીસેક વર્ષથી જમીન સાચવવા માટે સંગઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવું પડી રહ્યું છે. તેના ભાગ રૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ 1992થી દર બે વર્ષે યુનાઇટેટ નેશન્સ કન્વેન્શન ટુ કૉમ્બૅટ ડેઝર્ટિફિકેશન યોજે છે.

આવી ચૌદમી પરિષદ સપ્ટેમ્બરમાં ગ્રેટર નોઇડા ખાતે યોજવામાં આવી હતી. તેમાં આપણાં વડા પ્રધાને આવતાં દસ વર્ષમાં ભારત 260 લાખ હેક્ટર જમીનને સારી બનાવવાનો ભારતનો નિર્ધાર જાહેર કર્યો હતો. આ આંકડો નવેમ્બર 2015ના પેરિસની ક્લાઇમેટ ચેઇન્જ કૉન્ફરન્સમાં ભારતે જાહેર કરેલાં આંકડા કરતાં પચાસ લાખ એકર વધારે હતો ! તેના છ મહિના પહેલાં અને નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકેના પહેલવહેલા વર્ષને આખરે મે 2015માં  ભારતની હરિત ક્રાન્તિના અગ્રદૂત એવા કૃષિવિજ્ઞાની એમ.એસ. સ્વામિનાથને ‘વન યર ઑફ મોદી ગવર્નમેન્ટ : ફાર્મર્સ અવેઇટ અચ્છે દિન’ લેખમાં ચેતવણી આપી હતી : ‘જમીન એ સંકોડાતું જતું સંસાધન છે. આપણે ઓછામાં ઓછી જમીનમાં વધુમાં વધુ પાક લેવાનો છે.’ તેમણે સ્પેશ્યલ ઍગ્રિકલ્ચરલ ઝોન(સાઝ)ની રચના અને સૉઇલ હેલ્થ એટલે કે માટીનું આરોગ્ય જાળવવા માટેનાં ઉપક્રમો પણ સરકાર સામે મૂક્યા હતા. યાદ રહે કે ફળદ્રૂપતા માટે જમીનની જાળવણીને કેન્દ્રમાં રાખતા આ ‘સાઝ’ એ ખેડૂતની જમીન સહિત તેના સર્વસ્વનો નાશ કરનાર ‘સેઝ’ (સ્પેશ્યલ ઇકોનૉમિક  ઝોન) નામની ઘાતકી સરકારી નીતિ  કરતાં અલગ છે.

ઘણા લોકોને એ વાત સુદ્ધાં પકડાતી જ નથી  કે જમીન ગુમાવવાની સાથે આપણે પાણી ય ગુમાવીએ છીએ. પાણીની વધતી જતી અછતની વચ્ચે આપણે દર ચોમાસે લાખો ગૅલન પાણી ગુમાવીએ છીએ. જમીન પર માણસે ચઢાવેલાં અનેક પડોને  કારણે પાણી જમીનમાં ઊતરવાને બદલે વહી જાય છે. પાણી જમીનમાં ઊતરે તો કુદરત તે આપણને જ ભૂગર્ભજળરૂપે પાછું આપે છે. પણ ન ઊતરે તો ભૂગર્ભજળ નીચાં જાય. જો કે વરસાદી પાણીના સંગ્રહની કે તેને જમીનમાં ઊતારવાની પદ્ધતિઓ દાખલ કરનાર સોસાયટીઓ કે સંસ્થાઓ વિશે વાંચતાં હરખ થાય. એના કરતાં ય વધુ હરખ હમણાં હમણાં સુધી તો ભરપૂર માટી જળવાયેલી હોય તેવી સણોસરાની લોકભારતી, વેડછીની સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, અમદાવાદની સી.એન. વિદ્યાવિહાર, કસબાની શિક્ષણસંસ્થાઓનાં કે નાના ગામોની આશ્રમશાળાઓનાં પરિસરોમાં ફરતાં થાય છે. જ્યાં સિમેન્ટકરણ અનિવાર્ય ન હોય ત્યાં પણ તે કરવામાં બીજો એક અપરાધ થઈ જાય છે. માટી સિમેન્ટ હેઠળ ડટાય એટલે તેની કૂખમાંથી જન્મતું અત્યંત સમૃદ્ધ જીવનચક્ર ખતમ થઈ જાય. તમામ જાતની વનસ્પતિ, જીવસૃષ્ટિ, વાયુઓ અને ખનિજો બધુ જ નષ્ટ થઈ જાય. કહેવું ન ગમે પણ માતા વસુંધરા વાંઝણી બને, એમાં કેટલા ય માણસોનો ફાળો હોય.

તો પછી શું માણસોએ જંગલમાં રહેવું જોઈએ ? સંસ્કૃતિ એટલે વિકૃતિ, અને વિજ્ઞાન એટલે વિનાશ ? ભૂમિનાં ભજન ગાવાનું પોષાતું હોય તેમણે પાકા ઘરોમાં રહેવાનું અને બાકીના ધૂળમાં રગદોળાય ? પથ્થરો ફોડવા-ઘસવા જેવાં કામોમાં રજનો ભોગ બનતાં મહેનતકશો માટે માટીનું એ રૂપ તો મોત લાવતું હોય છે. ધૂળની સાથે સંકળાયેલી વ્યાધિઓ જાણીતી છે. પણ તેને ટાળી-નિવારી શકાય તેવી જીવનશૈલી માટે ય પાછા જમીન પાસે જ જવું પડશે. આર્થિક અસમાનતા અને કુદરતી અસંતુલનના ઉકેલો પણ જમીનમાં જ છે એ આપણને માર્ક્સ, ગાંધી અને  વિનોબા બતાવી ગયા છે. આંગણું વાળવાનું, પાણી છાંટવાનું, તુલસીક્યારો સીંચવાનો, ક્યારીઓમાં ફૂલછોડ અને શાકભાજી ઉછેરવાનાં, મેંદીની વાડ કરવાની, એકાદ આંબા-લીમડાનો છાંયડો માણવાનો – આ બધું લગભગ સ્મૃતિશેષ થઈ ગયું. તેની પાછળ મોટે ભાગે અનિવાર્ય આવશ્યકતા હોય એ સમજી શકાય. પણ જ્યાં એમ નથી ત્યાં આંગણા માટેનો અનાવશ્યક અણગમો અકળાવનારો હોય છે. આપણે જ્યાં છીએ ત્યાં, માટી માટેનાં બહુ છીછરા અણગમા છોડી, જમીનના ટુકડા સાચવીએ, આપણા પરિસરોને દિવાલથી દિવાલ સુધી કૉન્ક્રિટથી મઢી દેવાને બદલે બને એટલી માટી રાખીએ. આપણા નગર-આયોજકો રસ્તાની બંને બાજુ માટીના પટ્ટા ન છોડી શકે? જમીન પર પાથરવા માટેનાં સિમેન્ટ કૉક્રિટનાં ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલિ વિકલ્પો ન અપનાવી શકાય ? જમીન બચશે તો જ આપણા પછીની પેઢીઓની જિંદગી બચશે. કબીરજીની માટી જે કુંભારને કહી રહી છે તે ખરેખર તો દરેક માણસ માટે છે :

‘माटी कहे कुम्हार से,
तू क्या रौंदे मोहे ।
इक दिन ऐसा आएगा,
मैं रौंदूंगी तोहे।

********

17 ઑક્ટોબર 2019

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 18 ઑક્ટોબર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

 

Loading

જીવનમૂલ્ય શ્રેણી – ૩ = પ્રાર્થના

સુમન શાહ|Opinion - Opinion|18 October 2019

વિચરતા વિચારો 

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં.

મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

: પ્રાર્થના :

પ્રાર્થના એક જીવનમૂલ્ય છે.

મોટા ભાગની માનવજાત માને છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. માણસ પોતાના ઇષ્ટદેવને વહેલી સવારે કે રાતે સૂતી વખતે યાદ કરે છે. મન્દિરે કે મસ્જિદે જાય છે, ચર્ચમાં જાય છે. ભારતીય પરમ્પરામાં, ઘંટ વગાડીને પ્રભુને જણાવાય છે કે – હું આવી ગયો છું; બે હાથ જોડીને પ્રણામ કરાય છે. એક જમાનામાં સાષ્ટાન્ગ દણ્ડવત પ્રણામ કરાતા હતા પણ હવે ઓછા થઇ ગયા છે. કેમ કે લોકને કપડાં બગડી જવાની બીક હોય છે. અને ન બગડે એટલી સ્વચ્છતા મન્દિરોમાં પણ હવે લગભગ નથી હોતી. આરસપહાણની ફ્લોર ને એવાં છત-શિખરમઢ્યાં વિશાળ ભવ્ય મન્દિરોની વાત જુદી છે, ત્યાં તો પ્રસાદમાં પિઝ્ઝા પણ મળે છે, આઈ મીન, ખરીદી શકાય છે…

જે લોકો પ્રાર્થના નથી કરતા તેઓ પોતાને આધુનિક સમજે છે – મૉડર્ન. તેમ છતાં, રીપીટ તેમછતાં, ૨૪ કલાક દરમ્યાન એકાદ વખત તો તેઓ – ઓ માય ગૉડ; ઓહ્ જિસસ; યા અલ્લાહ; ઓ ખુદા; યા પરવરદિગાર; હે ભગવાન, તું કરે તે ખરું; ઓ ભગવાન; હે રામ; હે કૃષ્ણ; ઓ મારા રામ, આ શું થઈ ગયું; બજરંગ બલી, કર સબ કી ભલી; વગેરે બોલે જ છે.

'ગૉડ ઇઝ ડેડ' કહેનારા નિત્શેએ પણ એ પહેલાં 'ગૉડ વૉઝ ઍલાઇવ' એમ મનોમન તો સ્વીકાર્યું જ હશે. પણ નિત્શેએ પૂરું જે કહ્યું છે તેને ધ્યાનમાં લીધા વિના જ અબુધો નિત્શેને વગોવે છે. નિત્શેએ એમના 'ગે સાયન્સ' પુસ્તકમાં પૂરું જે કહ્યું છે તે આ છે : ઈશ્વરનું મૃત્યુ થયું છે. ઈશ્વર મૃત રહેવાનો છે. એને આપણે મારી નાખ્યો છે, આપણે હત્યારા છીએ. આપણને કેમની સાતા વળવાની – આપણને – હત્યારાઓને – હત્યારાના હત્યારાઓને …? : આ વિધાનનો એક ધ્વનિ સ્પષ્ટ છે કે આપણે ઈશ્વરને વીસરી ગયા છીએ, પ્રાર્થના ભૂલી ગયા છીએ; ઉપરાન્ત ઈશ્વરને મંજૂર ન હોય એવાં અનેક કામોમાં મચી પડ્યા છીએ. એટલે તો પછી ઈશ્વર મરી ગયો કે બીજું કંઈ …?

મૉડર્નિટીનો અને 'મૉડર્ન એરા'-નો પ્રારમ્ભ 'રૅનેસાંસ' દરમ્યાન થયો છે. માનવજાતના પુનર્જાગરણનો સમય. માનવજાત ૧૭-મી સદીમાં 'એજ ઑફ રીઝન' અને 'સાયન્ટિફિક રીવૉલ્યુએશન'-માંથી તેમ જ ૧૮મી સદીમાં 'ઍન્લાઈટન્મૅન્ટ'-ના સમયોમાંથી ગુજરી છે. એ વારાફેરામાં, હૃદયને સ્થાને ચિત્તનો તેમ જ ભાવને બદલે તર્કનો મહિમા વધ્યો છે. આજે, ખાસ તો, પોતાને મૉડર્નિસ્ટમાં ખપાવતા લોકો પોતાની દલીલ જીતવા માટે થાય એટલી જકાજકી કે જીભાજોડી કરીને રહે છે. એમની વિજિગીષા અને એમની જિજીવિષા વચ્ચે કશો ફર્ક નથી બચ્યો હોતો. પણ તર્ક એમ કહે છે કે દરેક દલીલને તોડી શકાય છે બલકે દરેક બૌધ્ધિક જીતને બીજી જ ઘડીએ પછાડી શકાય છે. કેમ કે તર્કશક્તિ જન્મજાત વિજયી ચીજ છે.

આમ્સ્ટર્ડામમાં મારી છ વર્ષની પૌત્રીએ મને હનુમાનજીની મૂર્તિ પાસે હાથ જોડીને બેસેલો ઘણી વાર જોયેલો. એક દિવસ મારી જેમ એણે હથેળીઓ જોડી અને મારી આંખો જેવી બંધ હતી એવી જ એણે પણ કરી. મેં એને કહ્યું ધિસ ઇસ અ પ્રેઅર ટુ ગૉડ. એણે કહ્યું ઓકે, આઈ વિલ્લ, ને ચાલી ગઈ. હમણાં દેશમાં એક વયસ્ક પણ બેફિકર દીકરીને મેં કહેલું કે હું તને 'મનોજવમ્ મારુતતુલ્ય વેગમ્ … શીખવાડીશ. પછી એ વાત મારાથી ભુલાઈ ગયેલી. એણે પણ મને યાદ નહીં કરાવેલું. મને આ બન્ને ઘટનાઓનો આનન્દ છે એટલો અફસોસ નથી. કેમ કે મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

નાનપણમાં ગાતા – ઓ ઈશ્વર ભજીએ તને / મોટું છે તુજ નામ / ગુણ તારા નિત ગાઈએ / થાય અમારાં કામ / હેત લાવી હસાવ તું / સદા રાખ દિલ સાફ / ભૂલ કદી કરીએ અમે / તો પ્રભુ કરજે માફ. એક બીજી પ્રાર્થનામાં કહેતા – હે પ્રભુ આનન્દદાતા / જ્ઞાન હમ કો દીજિયે / લિજીયે હમ કો શરણ મેં / હમ સદાચારી બને. બન્ને પ્રાર્થનાઓ મતલબી હતી. કામ થઈ ગયાં, ભૂલો માફ થઈ ગઈ, સદાચારી પણ બની ગયા. આનન્દ પણ મળી ગયો. પણ પછી શું? જીવનમાં પ્રશ્નો તો આવે છે ને જાય છે; કાયમ માટે ચાલી નથી જતા. મતલબ, એક વારની પ્રાર્થના પૂરતી નથી થતી. પ્રાર્થના નિત્ય કરવાની વસ્તુ છે.

નિત્શેએ ઈશ્વરના મૃત્યુની સાંકેતિક વાત કરી એ પછી સાર્ત્ર કામૂ કે સિમૉં દ બુવા જેવાં અનેક મહાન ચિન્તકો આપણને નિરીશ્વરવાદી જોવા મળ્યાં છે. સામાન્ય બૌધ્ધિકો પણ પોતાને નિરીશ્વરવાદી ગણતા-ગણાવતા હોય છે. અસ્તિત્વવાદીઓએ મુખ્યત્વે, મુક્ત ઈચ્છા, ચિન્તા કે આતુરતા કે વ્યાકુળતા, નૈરાશ્ય તેમ જ ઍબ્સર્ડિટી અને તેની સામે જીવનના અર્થની શોધ અને અધિકૃત વ્યક્તિતા જેવા ગહન પ્રશ્નો વિશે ઘણું ગહન ચિન્તન પીરસ્યું છે. પરન્તુ વાત એમ છે કે આ બધા પ્રશ્નો બીજાં અનેકાનેક મનુષ્યો પણ અનુભવે છે. વળી મોટા ભાગની માનવજાત અસ્તિત્વવાદી નથી બલકે ઈશ્વરમાં માને છે. અથવા એમ કહો કે ઈશ્વરનું મૃત્યુ થયું છે એ વાત એમના ગળે નથી ઊતરતી. તો તેનું શું?

તેનો એક ઉત્તર છે, ડૅનિશ ફિલસૂફ કિર્કેગાર્ડ. કિર્કેગાર્ડ આદિ (પહેલા) અસ્તિત્વવાદી છે. પણ તેઓ ઈશ્વરવાદી હતા, આસ્તિક હતા. એમના પછી થઈ ગયેલા નિત્શે વગેરેએ ચર્ચ્યા એ બધા જ પ્રશ્નો એમણે પણ હાથ ધરેલા. પરન્તુ એમના ચિન્તનમાં એમણે શ્રદ્ધાને – ફેઈથને – કેન્દ્રવર્તી મૂલ્ય આપ્યું છે. 'ઈશ્વર નથી' એ જો ચાવીરૂપ સંજ્ઞા છે તો કિર્કેગાર્ડમાં 'ઈશ્વર છે' એ ચાવી રૂપ સંજ્ઞા છે. એમનો 'નાઈટ ઑફ ફેઈથ' શ્રદ્ધાપુરુષ છે. એમણે કરેલી 'પૅશનેટ પૅગન'-ની વાત આ પ્રાર્થનાવિષયક જીવનમૂલ્ય પરત્વે ખૂબ સ્મરણીય છે.

પૅગન એટલે બૂતપરસ્ત અને બહુ-ઈશ્વરવાદી ભગત. જો કે આજકાલ, જે વ્યક્તિ મન્દિર મસ્જિદ નથી જતી તેને પૅગન કહેવાય છે. કિર્કેગાર્ડ પૅશનેટ પૅગન એને કહે છે જે ભલે અમસ્તી મૂર્તિને -ફૉલ્સ આઈડોલને- ભજતો હોય, પણ, એક ટેવને કારણે ચર્ચમાં પ્હૉંચી જતા પેલા કર્મકાણ્ડી ખ્રિસ્તી કરતાં તો એ બંદો જીવન વધારે સારું જીવે છે. એમણે સાગ્રહ કહ્યું હતું કે ઈશ્વરને અભિમુખ રહો અને એ માટે 'લીપ ઑફ ફેઈથ' લો – એટલે કે ખરા-ખોટાની ભાંજગડ છોડો, સફળ થવાય, ન થવાય, ચિન્તા છોડો, ઝંપલાવો.

હું એ ભૂમિકાએ પ્રાર્થનાને સાભિપ્રાય – બરાબર, સમુચિત, યોગ્ય – ગણું છું. પ્રાર્થના ઈશ્વર પાસે કશું માગવા માટે કે કશી ફરિયાદ કરવા માટે નથી. એ તો જાત સાથે બે-ઘડી વાત કરવા માટે છે. એથી ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થવાનો પણ આત્મસાક્ષાત્કાર જરૂર થવાનો છે. પ્રાર્થનાથી માણસને પોતાના ઇષ્ટમાં શ્રદ્ધા બેસે છે એ સાચું છે પણ એથી આત્મશ્રદ્ધા ખાસ વિકસે છે. પ્રાર્થનાકારો એટલું જ કહે છે કે એથી ઊંઘ સારી આવે છે. એથી બીજો દિવસ સારો ઊગે છે. ને સારી ઊંઘ અને સારા દિવસથી વધારે આપણને કશુંક અદકેરું મળી જાય એવું અહીં કશું છે નહીં.

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં. એટલે કોઈ મને દિલોદિમાગથી ચાહે એ જ ગમે ને હું પણ એને એમ ચાહું તો જ ગમે. એવા નગદ પ્રેમભાવની પાર્શ્વભૂ વિના મારાથી કશી કલા સરજાય નહીં. બીજા બધા સ્થાયી ભાવો પ્રેમની આસપાસ આપોઆપ ગોઠવાઈ જવાના. ને એટલે એમાં ઈશ્વરને કે ન-ઈશ્વરને જગ્યા નથી. હું એવા કોઈ ટ્રાન્સન્ડેન્ટલ ગૉડને ભજતો રહું તો મારી આગવી સૃષ્ટિ સરજી શકું નહીં. મને સર્જકજીવને ઈશ્વર જેવું પારગામી કશું પણ પરવડે નહીં. અને મારી કલાને મારા પોતાના મૂળાધાર સિવાયનું કશું ખપે નહીં. ઈશ્વર કે કોઈપણ ગ્રાન્ડ નૅરેટિવ શુદ્ધ સર્જન માટે અનિવાર્ય નથી; ઘણી વાર તો એ જ મોટી અડચણ હોય છે.

પણ, એ સમજો કે મારી ચોપાસનું જગત મને ભીડીને બેઠું હોય છે. પેલું ટ્રાન્સેન્ડેન્ટ છે, તો આ મન્ડેન છે. નર્યું વ્યવહારગ્રસ્ત, સાંસારિક. એ એટલું જ ક્રૂર પણ છે. વળી મારી પાસે મારા હું સિવાયનું કશું છે નથી. ઉપરાન્ત મારા હું-ને હું કદી પૂરેપૂરું પુરવાર કરી શકતો નથી. મારું સત્ય મારી પાસે જ રહી જાય છે. મારી કલા મારી તિજોરીમાં કે મારા આર્કાઇવમાં કે મારા રેઝર્વૉરમાં જ પડી રહે છે. એ મહામૂલા સંચય સાથે જીવી જવાનો આનન્દ હોઈ શકે છે. એના સત પર ખડા રહીને, સ્વશરણે રહીને, જીવી જવાય છે, એની ના નથી.

તેમ છતાં, મને ચૅન ન પણ પડે, બધું અક્કારું થઈ પડે; ઍબ્સર્ડિટી મારો પીછો ન છોડે, નૈરાશ્ય મને ચૉંટેલું રહે; નાસીપાસી વળગેલી રહે, કશી સાતા ન પણ વળે. કશો કરાર ન પણ વળે. તો હું કશા અમૂર્તને પ્રાર્થું તો એથી મારો કશો મહા ક્ષય નથી થઈ જતો. ને ત્યારે મને રવીન્દ્રનાથ-સરજિત પ્રાર્થના ગાવાનું મન થઈ જાય છે :

અંતર મમ વિકસિત કરો અંતરતર હે
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુન્દર કરો હે
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે
મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બન્ધ
સંચાર કરો સકલ કર્મે શાન્ત તોમાર છન્દ
ચરણપદ્મે મમ ચિત્ત નિસ્પન્દિત કરો હે
નન્દિત કરો, નન્દિત કરો, નન્દિત કરો હે

= = =

(૧૫ ઑક્ટોબર ૨૦૧૯)

Loading

...102030...2,7612,7622,7632,764...2,7702,7802,790...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved