Opinion Magazine
Number of visits: 9456541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડોનાલ્ડ ટ્રમ્પઃ જૂઠાણાં, સ્વાર્થ, તુમાખી, અને વેરભાવનાં અભિગમનું કૉકટેલ તોફાની સાબિત થશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 January 2025

મોટા ભાગની વાતો ટ્રમ્પના ભક્તોને મજા કરાવનારી છે, તેમાં તર્ક શોધવા જવું એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ છે. “મેક અમેરિકા ગ્રેટ અગેઇન”-વાળા સૂત્ર અનુસાર ટ્રમ્પને બીજા દેશોનું શું થાય છે તેની સાથે કોઇ નિસ્બત નથી.

ચિરંતના ભટ્ટ

યુરોપિયન લેખક ફ્રાન્ઝ કાફકાની વાર્તા “મેટામોર્ફસિસ”માં એક માણસ સવારે ઊઠે છે અને જૂએ છે કે તે એક જંતુ – જીવડું બની ગયો છે. તે જે હતો એ હવે રહ્યો જ નથી. સમાજ તેને માણસ તરીકે જૂએ એવું હવે તેનામાં કંઇ રહ્યું જ નથી. અમેરિકામાં બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે કંઇક આવું જ કહ્યું છે – પણ અવળા પ્રવાહનું, તેમણે શપથ ગ્રહણ કર્યા પછી જે ભાષણ આપ્યું એમાં એમ કહ્યું કે LGBTQA+ જાતિઓને કોઈ માન્યતા નથી. તેમના મતે અમેરિકામાં માત્ર નર અને માદા – એમ બે જ જાતિઓ છે. એટલે કે હજારો લાખો લોકો જે પોતાના જેન્ડરને સ્ત્રી કે પુરુષના હાંસિયામાં નથી મુકતા એમની કોઇ ગણતરી જ નહીં ? તેને ‘વૉક’ વિચારધારા સામે સખત વાંધો છે. આ વિચારધારા અનુસાર સમાજની દૃષ્ટિએ જુદાં હોય તેમના પ્રત્યેની સંવેદનશીલતા મોખરે હોય. ટ્રમ્પને આવી સંવેદનશીલતાની સાડાબારી રાખવી જ નથી.

આ તો ટ્રમ્પે જાહેર કરેલા નિર્ણયોમાંનો એક છે. આવું તો તેમણે ઘણું કહ્યું છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકા ખસી ગયું છે કારણ કે પર્યાવરણને લગતી તમામ પહેલ અવૈજ્ઞાનિક છે એમ ટ્રમ્પનું માનવું છે. અમેરિકા – મેક્સિકોની સરહદે રાષ્ટ્રીય કટોકટી લાદવાની જાહેરાત કરાઇ છે, 2021માં કેપિટલ હિલમાં તોડફોડ કરનારા હુલ્લડખોરોને માફી આપવાની વાત પણ ટ્રમ્પે કરી છે તો રશિયા અને યુક્રેઇન વચ્ચેનો સંઘર્ષ બંધ કરાવી દેવાની વાતથી માંડીને અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન – WHOનો હિસ્સો પણ નથી એવું ય ફરી એકવાર સત્તાએ આવેલા ટ્રમ્પે જાહેર કરી દીધું છે.  કાલે જો ફરી વૈશ્વિક રોગચાળો આવશે તો WHOની સૂચના અનુસરીને અન્ય રાષ્ટ્રોને મદદ કરવાને મામલે અમેરિકા હાથ ખંખેરી નાખે એમ બની શકે છે. 

બાઇડનની ડેમોક્રેટિક સરકારે લીધેલા 78 જેટલા નિર્ણયો ટ્રમ્પે પાછા ખેંચી લેવાનો આદેશ આપી દીધો અને એને વધાવનારા લોકોની સંખ્યા પણ મોટી છે. આ તો કેટલીક હાઇલાઇટ્સ છે, પણ ટ્રમ્પે જે રીતે નિવેદનોના ફટકા માર્યા છે એ સાંભળીને દુનિયાના ઘણા દેશોની ઊંઘ ઊડી ગઈ છે. ટ્રમ્પ કંઇપણ કરી શકે છે, બોલી શકે છે અને બોલીને ફરી જઇ શકે છે. સત્તાના મદમાં ચૂર થયેલા ટ્રમ્પ બેફામ વાણી વિલાસ કરે છે પણ તે બહુ ગણતરીબાજ બિઝનેસમેન છે.

ટ્રમ્પે નિરંતર ચાલતા રહેલા યુદ્ધો અટકાવવાની માંગ કરી છે. નાટોને ગણતરીમાં ન લેનારા ટ્રમ્પ રશિયા અને યુક્રેઇન વચ્ચેના સંઘર્ષને અટકાવવા કોઈ પણ પગલું લેવા તૈયાર છે. આમ કરવામાં તે અમેરિકાનો સ્વાર્થ જૂએ છે, જેથી વૈશ્વિક સ્તરે અમેરિકાની સુરક્ષા અને સૈન્ય કામે ન વળગે અને પોતાના રાષ્ટ્ર માટે જ કામ કરે. તે માને છે કે નાટોના સાથીઓએ પોતાની સુરક્ષા માટે વધારે પૈસા ચૂકવવા જોઇએ જેથી અમેરિકાનો બોજ ઘટે. ટૂંકમાં બીજા લડે અને અમેરિકાના સ્રોત એમાં ખર્ચાય એમાં ટ્રમ્પને કોઇ રસ નથી. ટ્રમ્પ ધાક-ધમકી અને પ્રતિબંધની ભાષા વાપરે છે જેને લીધી વૈશ્વિક સ્તરે તણાવ વધી જ શકે છે.

ટ્રમ્પ અમેરિકામાં પોતે સુવર્ણકાળ લાવશે એમ કહી ચૂક્યા છે. તેમના આ જોશીલા, હોંશિલા ભાષણને કેટલું તાર્કિક ગણવું અને તેનો ભારત અને અન્ય સંવેદનશીલ વૈશ્વિક સ્થિતિ પર શું પ્રભાવ પડી શકે છે તે સમજવાનો પ્રયાસ કરીએ. જો કે ટ્રમ્પ જે બોલે એ શબ્દશઃ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

પનામા કેનાલને ચીન નિયંત્રણ કરે છે એવા ટ્રમ્પના દાવામાં લગીરેક દમ નથી. વળી દેશપ્રેમના દેકારામાં ગલ્ફ ઑફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઑફ અમેરિકા કરવાની વાત કરનારા ટ્રમ્પ પોતાના શાસનનું ક્ષેત્ર વધારવા માગે છે એ દેખાઈ આવે છે. આ પહેલાં ગ્રીનલેન્ડને હસ્તગત કરવાની વાત અને કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાનું પાયા વગરનું એલાન કર્યું તેમાં ય ટ્રમ્પનો સત્તામોહ અને અહમ્‌ વર્તાયા. ટ્રમ્પ અન્ય રાષ્ટ્રોને સાથી બનાવીને, સહકારથી કામ કરવામાં નથી માનતા. એકતાની વાતો કરવાનો ટ્રમ્પે પ્રયાસ તો કર્યો પણ તેમાં મોટે ભાગે અન્યોને દેખાડી દેવાનો મિજાજ વધારે હતો. ઇમિગ્રેશન, ઊર્જા, સરહદો પર સૈન્ય અને જન્મજાત નાગરિકતાના હકમાં ફેરબદલ કરવાની વાતમાં પણ કાયદા બંધારણને ગણતરીમાં લેવાની ટ્રમ્પે તસ્દી ન લીધી.

ટ્રમ્પ ભારત સાથે સારું રાખશે એમ માની ન લેવું જોઇએ. પહેલાં તો ટ્રમ્પ જો પ્રોટેક્શનિસ્ટ – સંરક્ષણવાદી નીતિ જાહેર કરી આયાતો પર ટેરિફ્સ લદાશે તો ભારતને ભારે પડવાનું છે. એમણે તો બિંધાસ્ત એમ કહેલું કે અમેરિકાની ચીજો પર ભારતે હાઇ ટેરિફ રાખ્યા છે તો અહીંની સરકાર પણ ભારતીય ઉત્પાદન પર ટેરિફ વધારી દેશે. ટૂંકમાં આપણા માલ પર ઓછું વળતર અને અને અમેરિકન તેલ, શસ્ત્રો અને કૃષિ લક્ષી ચીજો પર વધારે ટેરિફ ભરવાની નોબત આવી શકે છે. વળી ચીન સામે ટ્રમ્પનું ઉશ્કેરણીજનક વલણ ભારતને મદદરૂપ થઇ શકે પણ યુ.એસ.એ.ની વિદેશનીતિમાં કંઇપણ અણધાર્યા ફેરફાર આવે તો ભારતને સંતુલન કરવામાં તકલીફ પડશે. અધૂરામાં પૂરું અમેરિકા અને પાકિસ્તાન-વાળા સમીકરણનો બોજો તો હજી આપણે માથે છે જ. સૌથી મોટો મુદ્દો છે ઇમિગ્રેશનનો, ટ્રમ્પ માટે છે કે મેક્સિકો, અલ સાલ્વાડોર અને ભારતમાંથી સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રેશન થાય છે. એમાં વળી H1-B વિઝા પ્રોગ્રામનો પ્રશ્ન છે. આ પ્રોગ્રામ સામે MAGA – મેક અમેરિકા ગ્રેટ અગેઇન વાળા જૂથને વાંધો છે. પરંતુ અમેરિકામાં બાહોશ લોકોની જરૂર છે એમ કહી ટ્રમ્પે ઉમેર્યું કે એ લોકો આવીને અહીં ઓછી લાયકાત ધરાવતા અમેરિકનોને તાલીમ આપવામાં મદદ કરશે. આ સાબિત કરે છે કે H1-B વિઝા પ્રોગ્રામને ટેકો આપવામાં પણ ટ્રમ્પની રીત અલગાવવાદી અને ધ્રુવીકરણની માનસિકતા વાળી હતી. ઇમિગ્રેશનના વિરોધીઓને ટ્રમ્પની આ ગણતરી ગળે નથી ઉતરી જેમાં માત્ર પોતાના દેશના લોકોને આગળ કરવાની વાત પછી ઇમિગ્રેશનના વિઝા પ્રોગ્રામની પણ હિમાયત કરાઇ. આ જ બતાડે છે કે ટ્રમ્પ બેવડાં ધોરણો ધરાવે છે.

ટ્રમ્પ જાણે એમ માને છે કે “બોલવું એટલે બોલવું” એણે પોતાના નાટકીય અંદાજથી પોતાના ભક્તોને ગેલમાં લાવી દીધા તો પોતાના ટીકાકારોને પણ કામે લગાડી દીધા. ઇમિગ્રેશન, અર્થતંત્ર અને જેન્ડરના મુદ્દે ટ્રમ્પે જે વાત કરી અને તેમને દેકારા થકી જે ટેકો મળ્યો તે સાબિત કરે છે કે સામાજિક બંધારણમાં ટ્રમ્પ મન ધાર્યું અને અણધાર્યું કરવાના છે. અમેરિકન સમાજ કોઈ એક પ્રકારના લોકોથી નથી બનેલો પણ ટ્રમ્પના રાજકારણમાં ધ્રુવીકરણની શતરંજ ખેલાતી રહેશે. વળી ટ્રમ્પે પોતાનું શાસન સારું જ હશે એવું લોકોને ગળે ઉતારવા જો બાયડન – ડેમોક્રેટ્સના શાસનની સમસ્યાઓનું લિસ્ટ રજૂ કર્યું. પોતાની લીટી લાંબી કરતા પહેલાં બીજાની લીટી ભૂંસવી એ અમૂક પ્રકારના રાજકારણીઓની ખાસિયત હોય છે. આમે ય દોષારોપણ લોકોને રસપ્રદ જ લાગે છે અને ટ્રમ્પ એ સારી પેઠે જાણે છે. ટ્રમ્પે પોતાના પુરોગામી જો બાયડન અને અન્ય ડેમોક્રેટ્સની હાજરીમાં એવા અર્થની વાત કરી કે પોતાના પર ન્યાય તંત્રએ ભૂતકાળમાં આરોપો મૂક્યા, કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો એ બધાને કારણે તેમની સામે પ્રજાનો વિશ્વાસ કેળવવાનું સંકટ ઊભું છે.  તેમણે પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતને ઊલટાવી દેવા જનતાને અપીલ કરી. તેમના મતે અમેરિકાની હાલત કથળેલી છે, એક એવો દેશ જેને બચાવની જરૂર છે અને તે પોતે જ તેને બચાવશે. ટ્રમ્પે પોતાના પર થયેલા હુમલાનો સંદર્ભ આપી કહ્યું કે પોતે અમેરિકાને બચાવી શકે એટલે જ ભગવાને તેમને એ હુમલામાં બચાવી લીધા.

જેવા સાથે તેવા વાળો ભાવ રાખનારા ટ્રમ્પને કોઇની ય પરવા નથી. ‘અમેરિકા ફર્સ્ટ’ની વાત કરનારા ટ્રમ્પના ભાષણોમાં દેખાઈ આવ્યું કે ધનિકોની અમેરિકામાં બોલબાલા રહેશે. ગણતરીના તવંગરો દેશ કેવી રીતે ચલાવવાનો એ નક્કી કરશે અને આમ જનતા મ્હોં વકાસીને જોયા કરશે અને તેમની બેફામ નીતિઓના ફટકામાં ઝોલા ખાશે. અમેરિકન સમાજમાં આર્થિક ખાઇ વધતી જવાની છે. ટ્રમ્પને કોઈ રસ નથી કે ફ્રી વર્લ્ડ – મુક્ત વિશ્વના અગ્રણી તરીકે અમેરિકાની ઓળખ બને. અમેરિકા મહાસત્તા હોવા છતાં અન્ય દેશોને ટેકો આપવાનું બંધ કરી માત્ર પોતાના સ્વાર્થ સાધવા પર ધ્યાન આપવું જોઇએ તેવું ટ્રમ્પ દૃઢપણે માને છે. લોકશાહીનું પતન અને અસમાનતાનો પ્રસાર ટ્રમ્પના શાસનમાં સાહજિક રહેશે. અમેરિકાના રાજકીય પરિપ્રેક્ષ્યમાં ટ્રમ્પનો શાસનકાળ પરિવર્તનશીલ રહેશે પણ તેના પરિણામો અને પ્રભાવ ચિંતાજનક હોય તેવી પૂરી શક્યતાઓ છે. મોટાભાગની વાતો ટ્રમ્પના ભક્તોને મજા કરાવનારી છે, તેમાં તર્ક શોધવા જવું એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ છે. “મેક અમેરિકા ગ્રેટ અગેઇન”-વાળા સૂત્ર અનુસાર ટ્રમ્પને બીજા દેશોનું શું થાય છે તેની સાથે કોઇ નિસ્બત નથી. ટ્રમ્પ અમેરિકાના સ્વાર્થ માટે કોઇ પણ હદે જશે તેવું સ્પષ્ટ વર્તાય છે. તેમના ભાષણમાં સોથી વધારે વખત તો અમેરિકા, અમેરિકન, નેશન, સ્ટેટ અને કન્ટ્રી જેવા શબ્દો વપરાયા છે. ટ્રમ્પની વાતો દેશપ્રેમની હોવા છતાં તેમાં સરમુખત્યારશાહીની બૂ આવે છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

બાય ધી વેઃ 

એક ટુચકો ઘણા વખતથી ચાલતો આવે છે, આપણે તેને ટ્રમ્પ પર લાગુ કરીએ. ટ્રમ્પ એકવાર ભગવાનની ઑફિસે ગયા. ત્યાં એક રૂમમાં ઢગલો પંખા લાગેલા હતા, દરેકની ગતિ અલગ અલગ હતી. ટ્રમ્પે તેનો તર્ક પૂછ્યો. ભગવાને કહ્યું કે, “પૃથ્વી પરના દરેક મોટા માણસના અહીં પંખા છે, તે જેટલું જૂઠું બોલે તે પ્રમાણે પંખો ફરે. ટ્રમ્પે પૂછ્યું, મારો પંખો ક્યાં છે?” ભગવાને કહ્યું, “એ મોટા હૉલમાં રાખ્યો છે, ચાલો બતાડું”. એ હૉલમાં એક જ પંખો હતો જે ફરફરાટ, ખૂબ જ ઝડપથી અટક્યા વગર ચાલતો હતો. આ એ સંબંધે કે ટ્રમ્પે શપથ લીધાના પહેલા દિવસે 20 જૂઠાણાં ચલાવ્યાં અને પહેલી ટર્મમાં ૩૦ હજારથી વધુ વખત જૂઠું બોલ્યા હતા. અમેરિકામાં સત્તાધીશ કેટલાં જૂઠાણાં ચલાવે તેનો રેકોર્ડ મળી જાય છે, આપણે ત્યાં આવું થવું જોઇએ? શું માનવું છે તમારું?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2025

Loading

પ્રાર્થના 

બબલભાઈ મહેતા|Gandhiana|26 January 2025

બબલભાઈ મહેતા

સામૂહિક પ્રાર્થનામાં બેસવાનો રિવાજ નવો છે. પહેલાં લોકો રાત્રે ભેગા થતા અને ભજન કીર્તન કરતા; એ રીતે ભગવાનનું નામ લઈ કૃતાર્થ થતા. પ્રભુને યાદ કરવો છે એવા ભાવથી ભજનો ગવાતા. મીરાં, નરસિંહ, સૂરદાસે દિલ હાલી ઊઠે એવી રીતે ગીતો ગાયાં છે. ગાંધીજીએ એવા જ ભક્તોની માફક પ્રાર્થનાને નવું સ્વરૂપ આપ્યું. ગાંધીજીએ આશ્રમ સંસ્થા સ્થાપી. આશ્રમો વિશે રામાયણ મહાભારતમાં ઘણું વાચ્યું છે. એ આશ્રમ શબ્દ ગાંધીજીએ ઉપાડ્યો અને તેમાં નવાં તત્ત્વો ઉમેર્યાં. પ્રાચીન કાળના આશ્રમોમાં ઋષિ મુનિઓ રહેતા. અમુક વિશિષ્ટ સમાજના જ વિદ્યાર્થીઓને જ્ઞાન માટે આશ્રમમાં દાખલ કરાતા. જ્ઞાનની તૃષાવાળા ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ ત્યાં રહેતા, સાથે શ્રમ કરતા, અને ભિક્ષા માગી લાવતા. ગાંધીજીએ આશ્રમમાં નવો સમાજ રચવાનો વિચાર કર્યો. ગાંધીજીએ બધા વર્ગના લોકને અંદર દાખલ કર્યા. એક બંધન હતું, તે એ કે બધા શરીરશ્રમ કરનાર હોય અને પ્રમાણિકતા ને સાદાઈથી જીવન જીવવા માગતા હોય. તે અંગે કેટલાક નિયમો કર્યા, તેમાં સામુદાયિક પ્રાર્થનાનો પણ સમાવેશ કર્યો. 

એ પ્રાર્થના દશ-પંદર કે વીસ મિનિટ ચાલે. પછી આખો દિવસ આશ્રમ અંગેનાં કામો કરવાનાં હોય છે. એ બધાં કાર્યો અનાસક્તિપૂર્વક, ઈશ્વર પ્રીત્યર્થે કરવા જોઇએ. જેમ માળામાં સૂત્ર મણકાને સાથે રાખે તેમ પ્રાર્થના આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને હોય.

રામનામ લેવું એ ઠીક છે, પણ ખરેખર તો આપણું જીવન રામમય બનવું જોઇએ. દરેક કાર્ય રામ માટે કરું છું એ ભાવે તે કરવું. તેથી તે સારામાં સારી રીતે કરવું જોઈએ. પ્રાર્થના આખા દિવસનું બળ આપે છે. પ્રાર્થના એ આપણો આધ્યાત્મિક ખોરાક બની રહે. 

સામાન્ય રીતે પ્રાર્થનામાં સુખી કરજે એવો ભાવ હોય છે, કે ઈશ્વરની ગુણસ્તુતિ હોય છે.  પણ ગાંધીજીએ જે પ્રાર્થના તૈયાર કરી તેમાં માનવી કેવો બનવા માગે છે તે આદર્શ મૂકેલો છે. સાંજની પ્રાર્થનામાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો ગણાવેલા છે. આદર્શ વ્યક્તિ કેવી હોય તેનું તેમાં ચિત્ર છે. આ આદર્શ જીવન સમક્ષ રાખીને તેની પ્રાપ્તિ માટે મથવાનું હોય છે. આ આદર્શની દિન પ્રતિદિન નજીક જવું એ પ્રાર્થના રાખવાનો હેતુ છે.

પ્રાર્થના ગમે તેટલી મિનિટની કરો પણ તેમાં તદાકાર થઇ જાઓ. એવી પ્રાર્થના જીવનમાં આપણને વધુ બળ આપે છે. ગાંધીજી કહેતા કે ખોરાક વિના હું દિવસો સુધી ચલાવી શકું, પણ પ્રાર્થના વિના તો હું એક દિવસમાં મરી જાઉં. તે કહેતા કે નિરાશામાં પ્રાર્થના જ બળ આપે છે. આવું આપણા જીવનમાં થાય તો પ્રાર્થના પારસમણિ રૂપ થઈ જાય.

માણસનું જીવન સમજથી, પ્રેમથી ફરે છે. ગામડાંમાં બેસી કામ કરવું કપરું છે. કેટલીક વાર કામ ધોવાઈ જતું લાગે. ધારેલું પરિણામ ન આવે તો ઈશ્વરનિષ્ઠ માણસ જ ત્યારે ટકી શકે. મીર આલમે જેમ ગાંધીજીની કસોટી કરી અને તે છેવટે મિત્ર બન્યો તેમ ઈશ્વરમાં શ્રદ્ધા હોય તે જ આકરી કસોટીમાથી પસાર થાય છે. આવે પ્રસંગે પ્રાર્થના માનવીને બળ આપે છે.

ઈશ્વર વિષે પણ બાપુજીએ આપણને સાચો ખ્યાલ આપ્યો છે. ઈશ્વર એટલે શંખ-ચક્ર-પદ્મધારી વ્યક્તિ કે મૂર્તિ નહિ; રામ એટલે દશરથપુત્ર રામ નહિ; ઈશ્વર એટલે તો એ મહાન શક્તિ, જે આખા વિશ્વનું તંત્ર ચલાવે છે. તે શક્તિ સત્ય છે. સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વરને ભજવો એટલે સત્યના નિયમ સાથે જીવન જોડાઈ જાય એવું કરવું તે, સત્યનું આચરણ. આ જાતનો ક્રાંતિકારી વિચાર તેમણે આપણી સમક્ષ મૂકેલો છે.

ગાંધીજીના પ્રાર્થના, રામનામ, ભક્તિ વિષેના ખ્યાલો જુદા છે. આચાર-વિચારનો મેળ હોવો જોઈએ એમ તેઓ ભારપૂર્વક કહેતા. ‘હજાર મણ તર્ક કરતાં અધોળ આચરણ ચડે.’ આમ ગાંધીજીએ આપણને પ્રાર્થનાની નવી દૃષ્ટિ આપી છે. તે પકડીએ તો પ્રાર્થના આપણને નિત્ય નવીન બળ આપશે.

26 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 223

Loading

ટ્રમ્પ આપણા નથી, આપણા જેવા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 January 2025

રમેશ ઓઝા

હવે પછી અમેરિકામાં કોઈક અમેરિકન કંગના રનૌત જાહેરાત કરવાના છે કે અમેરિકાને આઝાદી ચોથી જુલાઈ ૧૭૭૬ના દિવસે નહોતી મળી, પરંતુ ૨૦મી જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે મળી હતી. હવે પછી વિવેક અગ્નિહોત્રી, અનુપમ ખેર, અક્ષય કુમાર જેવા હોલીવૂડના ફિલ્મ નિર્માતા અને અભિનેતાઓ જ્યોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન, થોમસ જેફરસન, જ્હોન આદમ, થિયોડોર રુઝવેલ્ટ, હર્બટ હૂવર, વૂડ્રો વિલ્સન, ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટ, જ્હોન એફ. કેનેડી અને બરાક ઓબામા જેવા વિશ્વવિખ્યાત અને નીવડેલા નેતાઓને, નવા વિશ્વગુરુ, નામે ડોનાલ્ડ ટ્રમ્પ મહાશય કરતાં ઉતરતા, ઠીંગણા, પીગ્મીઝ, દેશદ્રોહી, ડરપોક, નિર્ણયશક્તિ વિનાના, દિશાહીન સાબિત કરનારી ફિલ્મો બનાવશે. હવે પછી અમેરિકન અર્ણવ ગોસ્વામીઓ ડોનાલ્ડ ટ્રમ્પે અમસ્તી ખોંખારો ખાધો અને વિશ્વગરુ ટ્રમ્પના દુ:શ્મનનું પેન્ટ ભીનું થઈ ગયું એવા સમચાર આપશે. હવે પછી અમેરિકન ભક્તો ફિલ્મો અને સમાચારો સાંભળીને બારે મહિના દિવાળી ઉજવશે. તેમની એક ક્ષણ આનંદ અને ઉત્સાહ વિનાની નહીં હોય! અમેરિકામાં એલન મસ્ક અને બીજા ત્રણ શ્રીમંતોએ આપણા એ-વન અને એ-ટુની જગ્યા લઈ લીધી છે. એકલા એલન મસ્કે ૧૮ કરોડ ડોલર્સ ટ્રમ્પને જીતાડવા માટે ખર્ચ્યા હતા. અમેરિકામાં જે તે વ્યક્તિની તરફેણમાં કે વિરુદ્ધમાં લોબિંગ ઓફિશિયલ છે એટલે આ અધિકૃત આંકડો છે.

આ ઉપર જે કહ્યું છે એ ફીરકી લેવાના ઈરાદાથી નથી કહ્યું. ૨૦મી જાન્યુઆરીએ પ્રમુખ તરીકેના સોગંદ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે જે ભાષણ આપ્યું હતું તેમાં આમ કહેવામાં આવ્યું છે. અમેરિકાનો સુવર્ણકાળ આજથી શરૂ થઈ રહ્યો છે (જેમ આપણે ત્યાં અમૃતકાળ) એવી તેમણે જાહેરાત કરી હતી. અમેરિકનોને ખરી આઝાદી હવે મળી છે એમ પણ તેમણે પોતે પોતાના મુખારવિંદથી કહ્યું છે. વાંચવા જેટલી ધીરજ અને આવડત હોય એ લોકોએ એ પ્રવચન વાંચી જવું જોઈએ અથવા સાંભળવું જોઈએ. તમને લાગશે કે આ તો આપણા જ વિશ્વગુરુની ભાષા છે. અક્ષરસઃ એ જ વાત અને એ જ ભાષા. માટે અમેરિકામાં ઉપર કહ્યું એ બધું બનવાનું છે.

આપણા ભક્તો દુઃખી છે કે નવઘોષિત વિશ્વગુરુએ આપણા સ્વઘોષિત વિશ્વગુરુને સોગંદવિધિમાં બોલાવ્યા નહીં. વિદેશ પ્રધાને આમંત્રણ મેળવવા અમેરિકા જઇને ઘણી મહેનત કરી, પાંચ દિવસ ધામા નાખ્યા, પણ આમંત્રણ ન મળ્યું તે ન જ મળ્યું. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જે થઈ રહ્યું છે અને થવાનું છે એ અપેક્ષિત હતું. માત્ર ભક્તોને સમજાતું નથી અને જો કોઈ કાનમાં તેલ રેડીને સમજાવે તો સમજવા માગતા નથી. લોસ એન્જલસનો દાવાનળ હજુ બુઝાયો પણ નહોતો, જે આગ ચાલીસ હજાર એકરમાં ફેલાયેલી હતી, જેમાં ૧૨,૦૦૦ મકાનો બળી ગયાં, હોલીવૂડ ખાખ થઈ ગયું, ૫૦ અબજ અમેરિકન ડોલરનું નુકસાન થયું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા પેરીસ સમજૂતીમાંથી નીકળી જશે. પર્યાવરણ પરિવર્તન બોગસ છે અને જો કોઈને એમ લાગતું હોય કે પર્યાવરણનું સંતુલન જાળવવું જોઈએ તો એ દેશ પોતાના પૈસે જાળવે, અમેરિકા શું કામ ખર્ચો ભોગવે? આપણા વિશ્વગુરુએ પણ ૨૦૧૪માં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા કહ્યું હતું કે પર્યાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે એ ખોટી વાત છે. આપણી ઉંમર વધે તો ઠંડી વધારે લાગે કે નહીં? બસ એના જેવું. જે દેશ અગ્નિતાંડવના મુખ પર બેઠો છે અને તાંડવ નજર સામે ચાલી રહ્યું છે ત્યારે તેનો નવો નક્કોર વિશ્વગુરુ કહે છે કે પર્યાવરણ કોઈ પ્રશ્ન જ નથી.

એક સાથે બે વ્યક્તિ કે બે દેશ વિશ્વગુરુ કેવી રીતે હોઈ શકે? એક સાથે બે દેશમાં અમૃતકાળ કેવી રીતે હોઈ શકે? એક સાથે બે દેશ જગત પર રાજ કેવી રીતે કરે? ભારતના વસાહતીઓ અમેરિકામાં આવીને વસે, અમેરિકનોની રોજી છીનવી લે, અમેરિકામાં બાળકો પેદા કરીને કુદરતી નાગરિકત્વ મેળવે, અમેરિકન નાગરિક જેટલાં જ લાડ કરે અને અધિકારો માંગે આ બધું કેમ ચલાવી લેવાય? એશિયા અને આફ્રિકાનું પર્યાવરણ સંતુલન યુરોપ અને અમેરિકાના સમૃદ્ધ દેશોએ પોતાની સમૃદ્ધિ માટે બગાડ્યું છે, કુદરતી સંસાધનોની લૂટ ચલાવી છે માટે પર્યાવરણ સુધારવામાં જે ખર્ચ કરવો પડે એમાં શ્રીમંત દેશોનો હિસ્સો મોટો હોવો જોઈએ એવી દલીલ કેવી રીતે ચલાવી લેવાય? આવી બધી દલીલો માણસાઈ, વિવેક, મર્યાદા, ન્યાય વગેરેમાં માનનારા કાચાપોચા શાસકો પાસે કરવાની, મારા જેવા ભડવીર પાસે નહીં. ભૂતકાળમાં અમારા બાપદાદાઓએ લૂટ કરી તો કરી હવે એનું શું? અમે શું કામ દંડ ભોગવીએ? બ્રાહ્મણો દલિતોને અપાતા આરક્ષણનો આ જ ભાષામાં વિરોધ કરે છે ને? એવું જ વાણીજ્ય સંતુલનનું. અમારો હાથ બરાબરના સ્તરે નહીં, ઉપર હોવો જોઈએ.

અને આ બધું ટ્રમ્પે પહેલીવાર નથી કહ્યું, અનેક વાર કહ્યું છે અને છાપરે ચડીને કહ્યું છે. પણ છતાં ય ભારતના નેતાઓને અને ભક્તોને એમ લાગતું હતું કે ટ્રમ્પ તો આપણા છે. હકીકતમાં ટ્રમ્પ આપણા નથી, આપણા જેવા છે. આપણા હોવામાં અને આપણા જેવા હોવામાં જમીન આસમાનનો ફરક છે. ટ્રમ્પ સાથે એક વાતની સુવાણ હતી કે તે આપણા જેવા હોવાને કારણે આપણી ટીકા નહોતા કરતા અને નથી કરવાના. નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોનું હનન થઈ રહ્યું છે, ક્રોની કેપીટાલીઝમ તેની ચરમસીમાએ છે, વિરોધ પક્ષોની જગ્યા આંચકી લેવામાં આવી રહી છે, ભારતીય નાગરિકોના ચિત્ત પર કબજો કરવામાં આવી રહ્યો છે  એવી જે ટીકા જગતના કહેવાતા ડાહ્યા શાસકો કરે છે અને આખી મજા કિરકિરી કરી નાખે છે એવો ડર ટ્રમ્પ સાથે નથી. ટ્રમ્પ આવું નરેન્દ્ર મોદી માટે ક્યારે ય નહીં કહે કારણ કે આપણા જેવા છે. આપણા જેવા ક્યારે ય એકબીજાની ટીકા નથી કરતા, પણ તેઓ ક્યારે ય આપણા નથી થતા એ પણ એક હકીકત છે.

એમ તો ચીનના શી ઝિંગપીંગ અને ઈઝરાયેલના બેન્જામીન નેતાન્યાહુ પણ એ જ ટોપલાના ફરજંદ છે, પણ તેઓ આમંત્રણ હોવા છતાં વોશીંગ્ટન નહોતા ગયા. શી ઝિંગપીંગને એમાં દરબારીપણું લાગ્યું અને નેતાન્યાહુને ટ્રમ્પની ઈઝરાયેલનીતિ પસંદ નહીં પડી. ખરી તાકાત ના પાડવામાં છે અને ચીન અને ઇઝરાયેલ ના પાડી શકે એમ છે. જે સમયે ટ્રમ્પની શપથવિધિ થતી હતી ત્યારે રશિયાના વ્લાદિમીર પુતિન અને ચીનના શી ઝિંગપીંગ વચ્ચે ઓનલાઈન વાટાઘાટ ચાલતી હતી અને તેમણે કહી દીધું હતું કે હવે પછીના જગતનો આકાર અમારી ભૂમિમાં ઘડાવાનો છે, અમે ઘડવાના છીએ. ગમે એટલી ડંફાશ મારો, ડરામણી વાસ્તવિકતાથી ભાગી નહીં શકો.

ટ્રમ્પશાસન ભારત અને ભારતીયો માટે અનુકૂળ નથી નીવડવાનું, પ્રતિકૂળ નીવડવાનું છે. શરૂઆત થઈ ગઈ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2025

Loading

...102030...274275276277...280290300...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved