Opinion Magazine
Number of visits: 9577105
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જ્યોત સે જ્યોત જલે’

કાલિદાસ વ. પટેલ|Opinion - Opinion|23 July 2019

ઓસ્ટ્રેલિયાના મૅલબૉર્નની ધમધમતી ફ્લીન્ડર્સ સ્ટ્રીટને નાકે આવેલા વૈભવશાળી આલિશાન મોલમાં અમદાવાદથી ઉચ્ચ અભ્યાસાર્થે ગયેલો અમિત પટેલ પાર્ટટાઈમમાં કાઉન્ટર પર કામ કરે છે.

અમિત પટેલ કાઉન્ટર પર આવતા ગ્રાહકોનાં બીલ ફટાફટ બનાવે છે તથા પૈસા ગણીને સસ્મિત ચહેરે ગ્રાહકોનો આભાર માની બીલ તથા પૅક સામાન આપે છે. પાર્ટ ટાઈમમાં કામ કરીને ભણવાની મોંઘી ફી અને રહેવા–જમવાનો ખર્ચ એ પોતે કાઢે છે.

મોલના મુખ્ય પ્રવેશદ્વારથી એક દૂબળો–પાતળો, ગમગીન ચહેરે એક ગુજરાતી યુવાન પ્રવેશે છે. તે ખૂબ જ દુ:ખી લાગે છે. તેને અંગત કામ માટે વતનમાં ફૅક્સ કરવો છે; પરન્તુ ફૅક્સ કરવાનો વિધિ તથા કેટલો ખર્ચ થશે તે જાણતો નથી. અરે, ખીસ્સામાં પૂરતા પૈસા પણ નથી! તે અમિત સામે મીટ માંડીને, તે નવરો પડે તેની રાહ જોઈને એક ખૂણામાં ઊભો છે. ગ્રાહકોથી વીંટળાયેલા અમિતનું ધ્યાન તેની તરફ જાય છે અને ચબરાક અમિત બધું સમજી જાય છે. ગ્રાહકોને પ્રેમથી પતાવીને તે જુવાન તરફ વળે છે. તેને સસ્મિત વદને આવકારતાં પ્રેમથી બોલે છે : ‘બ્રધર બોલો, શી સેવા કરું, આપની?’

બહુ દિવસે પોતાને કોઈએ ગુજરાતીમાં સંબોધ્યો અને તે પણ એક મોટા ભાઈના વાત્સલ્યભાવથી, તેથી એ જુવાન ભાવવિભોર થઈ ગયો! મહાપરાણે રોકેલો અશ્રુબન્ધ તૂટી ગયો. બોલી જ ન શકાયું. બસ, રડતો જ રહ્યો! ચાલાક અમિત બધું સમજી ગયો. પ્રેમથી તેને બરડે હાથ પસવારતાં બોલ્યો : ‘નપાસ થયો છે ને? શું રડે એમાં આમ છોકરીની જેમ? ચાલ, હસ જોઉં!

મહાપરાણે, આંસુ લુંછતો જુવાન ફીક્કું હસ્યો. બધી વ્યથા હવે મોં વાટે ટપકવા લાગી : ‘નપાસ નહીં, બધા ય વિષયોમાં ફુલ્લી નપાસ થયો છું. ફરીથી ભણવું પડશે અને બધી ફી પણ ફરીથી ભરવી પડશે! મોડાસાના ગરીબ નાઈનો દીકરો છું. નાનકડી નાઈની દુકાન છે અમારી, મોડાસામાં. માંડ ઘર ચાલે છે, ત્યાં ફીના અઢાર લાખ રૂપિયા કાઢવા ક્યાંથી? હવે, ઇન્ડિયા પાછો પણ શું મોઢું લઈને જાઉં? ગરીબ–પ્રેમાળ પપ્પાએ ઉધાર–ઉછીના કરીને – દેવું કરીને, મારી જીદ સામે ઝૂકી જઈને, મને ભણવા મોકલ્યો છે.

‘મારે ઘરે ફૅક્સ કરવો છે રૂપિયા મંગાવવા; પરન્તુ તે ફૅક્સ કરવાના ફદિયાં પણ મારી પાસે નથી! અહીં હું બહુ મથ્યો પાર્ટ ટાઈમ નોકરી કરવા; પરન્તુ અંગ્રેજી હજી બરાબર આવડતું નથી તથા અહીંના ગોરા લોકોના ઉચ્ચાર પણ એવા જુદા જ છે કે કશું સમજાતું નથી. જ્યાં કૉમ્યુનિકેશનમાં જ પ્રોબ્લેમ હોય, ત્યાં નોકરી ક્યાંથી મળે? વળી, હું બહુ ભણેલો નથી. જેમ તેમ કરીને ધોરણ બાર પાસ કર્યું. દેખાદેખીમાં એજન્ટની મદદથી ‘કુકરી’(રસોઈકળા)માં એડમિશન મળી ગયું અને મોટે ઉપાડે દેવું કરીને આવી ગયો. અહીં બધું કમ્પ્યુટરથી ચાલે છે અને મને કમ્પ્યુટરનો ‘ક’ નથી આવડતો. પછી નોકરી ક્યાંથી મળે? મજૂરી જેવા કામ માટે જાઉં છું તો મારા શરીરનો  માંયકાંગલો બાંધો જોઈને જ તરત ના પાડી દે છે!’

અમિતનો પ્રેમાળ હાથ હજી પણ તેનો બરડો પસવારતો હતો. તેણે હિમ્મત બંધાવતાં કહ્યું : ‘અરે, એમાં ગભરાઈ જવાનું? બધું નવું હોય, ઘર યાદ આવતું હોય, ત્યારે આવું લાગે તે સાવ સ્વાભાવિક છે. જ્યારે અમે નવા આવેલા ત્યારે અમે પણ બાથરૂમમાં જઈને છાને ખૂણે રડેલા!’

અમિતે તેના વતી મોડાસા ફૅક્સ કરી દીધો અને પૈસા પણ જાતે જ ચૂકવી દીધા. પછી પ્રેમથી તે જુવાનને જણાવ્યું : ‘મારું નામ અમિત પટેલ. અમદાવાદથી અહીં ભણવા આવ્યો છું. પરીક્ષા પતી ગઈ છે અને સદ્દનસીબે હું પાસ પણ થઈ ગયો છું. પી.આર.ની ફાઈલ મૂકી છે. હાલ તો જૉબ કરું છું. તારું નામ શું, ભઈલા?’

‘કનુભાઈ લિમ્બાચિયા મારું નામ. મોડાસામાં વૃદ્ધ પિતા નાયીની દુકાન ચલાવે. માંડ ગુજરાન ચાલે. ફરીથી ફી ભરી શકાય તેમ નથી. અહીં ક્યાંક કશુંક કામ મળી જાય તો …. નહીંતર પરત ઇન્ડિયા જવું જ પડશે.’

ચબરાક અમિતના મનમાં ઝબકારો થયો. તેણે વિચાર્યું, નાયીનો દીકરો છે તો નાયીનું કામ પણ તો જાણતો જ હશે ને! અહીં ‘હેર–ડ્રેસર’ શોધ્યા ય જડતા નથી. તેણે પ્રેમથી કનુને પૂછ્યું, ‘તને હેર ડ્રેસર તરીકેનું કામ મળે તો? વળતર પણ સારું મળે!’

કનુ ઉત્સાહથી બોલ્યો :‘હા, હા, તે તો અમારો ખાનદાની ધંધો છે. મને સરસ ફાવે. હું એકદમ તૈયાર જ છું.’

અને અમિતે જ્યાં પોતે નિયમિત વાળ કપાવતો હતો તે મોટી દુકાનમાં કનુભાઈને ગોઠવી દીધો. બસ, કારીગરીનું જ કામ ને? ક્યાં અંગ્રેજી ઝાઝું બોલવું પડે કે ન ફાવે? પાછો બાપદાદાનો વારસાઈ ધંધો! કનુભાઈ તો જબરા ગોઠવાઈ ગયા! આજની ઘડી ને કાલનો દિવસ !

વર્ષો વીતી ગયાં આ વાતને. અમિતને પી.આર. પણ મળી ગયો. ઓસ્ટ્રેલિયાની ટેલિકૉમ્યુનિકેશનની માસ્ટર ડિગ્રીને લીધે એકદમ સેટલ થઈ ગયો.

એક દિવસે મોબાઈલ ટેલિફોનના, કવરેજની મોજણી કરવા ઓફિસર અમિત, પોતાની મોજણી ટીમ સાથે સિટીમાં ફરતો હતો ત્યારે એક સુન્દર વૈભવશાળી દુકાનમાંથી કોઈએ તેના નામની બૂમ પાડી. તેને નવાઈ લાગી! તેણે દુકાનને ધારીને જોઈ તો ઉપર સુન્દર મઝેનું બોર્ડ હતું : ‘ઇન્ડિયન હેર ડ્રેસર’.

તેને લાગ્યું કે કોઈ ભાઈબન્ધ ત્યાં વાળ કપાવવા આવ્યો હશે અને તેને જોઈને બોલાવતો હશે. તે દુકાનની અન્દર ગયો. વૈભવી ઠાઠવાળી, પાંચ ખુરશીવાળી, હેર ડ્રેસીંગની મઝાની એર કન્ડિશન્ડ દુકાન જોઈ અમિત ખુશ થઈ ગયો. અમિત હજી કંઈ જુએ, વિચારે તે પહેલાં તો, ફેશનેબલ કપડાંમાં સજ્જ એક યુવાન તેના પગમાં પડી તેની ચરણરજ લેતો હતો! અમિત ઓળખી જ ન શક્યો એ જુવાનને. સુન્દર તન્દુરસ્ત શરીર અને એકદમ લેટેસ્ટ ફેશનનાં ઉત્તમ કપડાં!

જુવાને જ ઓળખાણ આપી : ‘ન ઓળખ્યો મને અમિતભાઈ? હું કનુભાઈ લિમ્બાચિયા. મોડાસાનો. તમારે ત્યાં ફૅક્સ કરવા આવ્યો હતો!’

અમિતને તરત ટ્યૂબ લાઈટ થઈ : ‘અરે, કનુભાઈ તમે? કેમ છો? તમે નોકરી બદલી કે શું આ નવી દુકાનમાં?’

‘ના, અમિતભાઈ, આપની કૃપાથી આ મારી પોતાની દુકાન હું ચલાવું છું. પાંચ ખુરશીની દુકાન ધમધોકાર ચાલે છે.’

અમિત આભો બની ગયો! તેને બધું યાદ આવી ગયું. ‘પુરુષાર્થ કરનાર કદી નિરાશ થતો નથી’ તે સત્ય તેની નજર સમક્ષ ઝગારા મારતું હતું. તેણે કનુનો ખભો થાબડ્યો : ‘શાબાશ દોસ્ત! મને તારા પર ગર્વ છે.’

બન્ને જણા પ્રેમથી વાતે વળગ્યા. વાતવાતમાં અમિતની નજર દુકાનના પ્રવેશદ્વારના કાચ પર પડી. મોટા સુન્દર અક્ષરે ગુજરાતીમાં લખ્યું હતું : ‘ઇન્ડિયન સ્ટુડન્ટ્સને જૉબ મળશે : રૂબરૂ મળો.’

‘કનુભાઈ, તમે વળી ક્યારથી આ એમ્પ્લૉયમેન્ટ એક્સચેન્જ ખોલ્યું?’

ખૂબ જ ગમ્ભીરતાથી કનુ બોલ્યો : ‘હા, અમિતભાઈ, આ મારી દુકાન ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ માટે એમ્પ્લૉયમેન્ટ એક્સચેન્જ કરતાં પણ વધારે છે. હું કોઈ પણ વિદ્યાર્થીને કામ અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. મારી દુકાનમાં જ પંદર છોકરા કામ કરે છે. તથા જેને કામ જોઈતું હોય તે સામેના પાટિયા પર પોતાનું નામ અને મોબાઈલ નંબર લખી જાય છે. જ્યારે કામ મળે ત્યારે હું અચૂક તેઓને ફોન કરું છું અને તેમને બોલાવીને, જેણે કામ આપવું હોય તેનો મેળાપ કરાવી દઉં છું. હવે તો, જેને કામ આપવું છે કે પાર્ટ ટાઈમ માણસની જરૂર છે, તેવા માલિકો મારે ત્યાં નામ, કામ તથા મોબાઈલ નંબર લખાવી જાય છે. હું તો બન્નેને જોડી આપતી એક ‘કડી’ માત્ર છું. આ સંસ્કાર તો તમે જ મને આપ્યા હતા ને?’

અમિત અનિમેષ નયને જોઈ રહ્યો, કનુભાઈને .. તેનું મન વિચારતું હતું –

‘જ્યોત સે જ્યોત જલે …’

લેખક સમ્પર્ક : 46– શાકુન્તલ બંગ્લોઝ, સોલા રોડ, અમદાવાદ–380 061

ફેબ્રુઆરી, 2016ના ‘અખંડ આનન્દ’ના અંકનાં પાન : 39, 40, 41 ઉપરથી, એમના અને ‘અખંડ આનન્દ’ના સૌજન્યથી સાભાર ..

 ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 431 –July 28, 2019

તમે જો ફેસબુક જોતા હો તો https://www.facebook.com/sundayemehfil.uttamgajjar આ ‘સન્ડે ઈ.મહેફીલ’નું પાનું છે. જરુર જોજો ને ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ મોકલજો ..

Loading

ભરત-ગીતા નાયકની સાહિત્યિક નિસબતનાં ત્રીસ વર્ષ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 July 2019

સામાન્ય રીતે સાહચર્યનો અર્થ આપણે દામ્પત્યજીવન સાથે જોડીએ છીએ, પણ કમ્પૅન્યન્શિપ અથવા એસોસિયેશનના અર્થમાં, સાહચર્ય એટલે, સાથે રહેવું કે ફરવું તે, સહચાર, સંગ, સાથ, સોબત, હંમેશાં સાથે હોવું તે. સંપાદક અને સાહિત્યકાર ભરત નાયક-ગીતા નાયકે, આ સાહચર્ય શબ્દને, અથવા એ ભાવને, સાહિત્યની સોબતના દાયરામાં ચરિતાર્થ કર્યો, તેનું આ અનોખું પુસ્તક 'સાહચર્ય' છે. ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં, નાના-મોટા સ્વરૂપે અનેક સાહિત્ય શિબિરો થાય છે. ભરત નાયક-ગીતા નાયકે ત્રીસેક વર્ષ સુધી આવી શિબિરોનું આયોજન કરેલું. આટલી ધીરજ અને ઉત્કટતા એ મોટી વાત છે.

શિબિરોમાં સાહિત્ય અને કળાની વાતો થાય, સર્જન થાય, તે તો ક્યાંકને કયાંક કાગળોમાં હોય (આ કિસ્સામાં તેમનાં બે સામયિકો, 'ગદ્યપર્વ' અને 'સાહચર્ય'માં), પણ આ શિબિરોનાં સંસ્મરણો ‘આવજો .. આવજો' કર્યા પછી ભુલાઈ જાય. એને અંકે કરીએ તો કેવું? 'નવનીત-સમપર્ણ' સામાયિકના સંપાદક, દીપક દોશીને, આ સવાલ થયેલો અને એમણે જવાબમાં આ પુસ્તક આપ્યું છે. ૭ જુલાઈના રોજ, એસ.પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી, મુંબઈમાં સવારે ૧૦.૩૦ વાગે આ પુસ્તકનું પ્રકાશન થયું.

એમાં કેવા સાહિત્યકારો અને કલાકારોનાં સંસ્મરણો છે? થોડાં નામો: ગુલામમોહમ્મદ શેખ, બાબુ સુથાર, નૌશિલ મહેતા, પ્રબોધ પરીખ, અજય સરવૈયા, અજીત ઠાકોર, હિમાંશી શેલત, કિરીટ દૂધાત, કાનજી પટેલ, કમલ વોરા, બિપીન પટેલ, હર્ષદ ત્રિવેદી, અતુલ ડોડિયા, મનોજ શાહ, બકુલ ટેલર, સોનલ શુક્લ, ઉત્કર્ષ મઝુમદાર, વગેરે.

દીપક દોશી મને કહે, "ગુલામમોહમ્મદ શેખે સાહચર્ય અંકના એક ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે આવી સાહિત્યિક નિસબતવાળી સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ ભારતમાં બીજે ક્યાં ય મેં જોઈ નથી." એમાંથી દીપક દોશીને વિચાર આવ્યો કે ત્રીસ વર્ષની આ શિબિરોને લઈને, એમાં ભાગ લેનારા સર્જકોને તેની કેવી યાદગીરી છે, તે એકઠી કરાવી જોઈએ.

"લાભશંકર ઠાકર અને મિત્રોની 'રે મઠ'ની ઘણી યાદો ખોવાઈ ગઈ," દીપક કહે છે, "તો મને થયું કે બે વ્યક્તિઓ – ભારત નાયક અને ગીતા નાયક-ની ત્રીસ વર્ષની આટલી સરસ નિષ્ઠા ગાયબ ના થઇ જાય, તે માટે કશુંક કરવું જોઈએ."

આ નિષ્ઠાની શરૂઆત સુરેશ જોશીના 'સાયુજ્ય' સામાયિકથી થયેલી. બે અંક નીકળ્યા, અને બંધ થઇ ગયું. ભરત નાયક-ગીતા નાયકે, પહેલાં ગદ્યપર્વ અને પછીથી સાહચર્યમાં, શિબિરોનાં સર્જનો પ્રગટ કરેલાં, તેને ત્રીસ વર્ષ થયાં.

શિબિરમાં શું થાય? મેં પૂછ્યું. દીપક કહે, "વર્ષમાં ત્રણ-ચાર દિવસ માટે બધા, ગુજરાતમાં ક્યાંક, ભેગા થાય. ગીતા બહેન બધું સંકલન કરે. એમાં લેખકો હોય, ચિત્રકારો હોય, નાટ્યકારો પણ હોય. લખે, વાતો કરે, વિચારો કરે, એકબીજાને મળે, ખાય-પીવે. રાત્રે બધું રજૂ કરે. ગુલામમોહમ્મદ શેખ, સ્કૂલના વિધાર્થીની શિસ્ત સાથે, પીળા રંગના કાગળો લઈને સવારથી બેસી જાય. સાંજે એ બોલે, તો છક થઇ જવાય. ભૂપેન ખખ્ખરના 'મોજીલા મણિલાલ,' આવી રીતે જ એક શિબિરમાંથી આવેલા."

"મને પુસ્તકનું આ કવર ગમી ગયું," મે કહ્યું. દીપક કહે, "એ અતુલ ડોડિયાનું છે. ખંડાલામાં શિબિર થઇ હતી, ત્યારે કવિ રામચંદ્ર પટેલ આવી રીતે ઊભા હતા અને અતુલ ડોડિયાએ તેમનો ફોટો પાડેલો. તેના પરથી પેઈન્ટિંગ બનાવ્યું. પછી તો કરોડો રૂપિયામાં એ વેચાયું."

દીપક મને કહે, "એક શિબિરમાં અમે એક ખેડૂતને બીડી વાળતો અને પીતો જોયો. કુતૂહલવશ મેં પૂછ્યું કે આવી રીતે તાબડતોબ બનાવીને પીવો? એણે હોંકારો કરીને મને બીડી થમાવી દીધી. હું ક્યારે ય પીવું નહીં. તે દિવસે પીધી. નિકોટીનની એવી કીક વાગી કે આજુબાજુમાં શાંતિ પથરાઈ ગઈ હોય તેવું લાગ્યું."

"પુસ્તક તમને મોકલાવું છું, ગમશે," દીપકે દોશીએ કહ્યું.

મને થયું, કીક અને શાંતિ બંને પાક્કી.

https://www.facebook.com/raj.goswami.31/posts/2550941664956161

Loading

ચલ મન મુંબઈ નગરી — 1

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2019

(હપ્તો ૧) 

નાનપણમાં આપણામાંથી ઘણાએ સિન્ડ્રેલાની વાર્તા વાંચેલી કે સાંભળેલી. તેનાં ચિત્રો પણ ચોપડીમાં જોયેલાં. ફાટેલાં તૂટેલાં કપડાં પહેરીને આખો દિવસ ઘરકામનો ઢસરડો કર્યા કરતી, નોકરડીની જેમ. પણ પરીની જાદુઈ લાકડી અડી અને તે તો બની ગઈ રાજકુમારી! પછી આપણે મોટા થયા. પરીકથા એટલે તો ઠાલી કલ્પના, ગપગોળા, એવું માનતા થયા. પણ ના. પરીકથાની વાત ક્યારેક સાચી પણ પડે છે. આપણા દેશના પશ્ચિમ કાંઠા પર સાત ટાપુનું એક નાનકડું ઝુંડ. સાતે ટાપુ સિન્ડ્રેલા જેવા જ ભૂંડાભખ. પણ પુરુષાર્થની જાદુઈ લાકડી અડી અને એ સાત ટાપુઓ બની ગયા એક સોનેરી શહેર. પુરુષાર્થની એ જાદુઈ લાકડી કોઈ એક હાથમાં નહોતી. અનેક હાથમાં હતી એ લાકડી. મરાઠીઓ અને ગુજરાતીઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓ, મારવાડીઓ અને કોંકણીઓ. ખાલી તળાવને દૂધથી છલકાવી દેવા માટે કોઈ ચાંગળું દૂધ લાવ્યા, કોઈ ઘડો ભરીને. જેની જેવી ત્રેવડ. રાતોરાત તો નહિ, પણ અઢી સો- ત્રણ સો વરસમાં તળાવ તો ઊભરાઈ ગયું. ન સાંધો મળે ન રેણ, એવી રીતે એ સાત ટાપુ એક બીજા સાથે જોડાઈ ગયા.

ત્રણ સો – સાડા ત્રણસો વરસ પહેલાં આ સાત ટાપુ પર ઠેર ઠેર શું જોવા મળતું? કોળી લોકોનાં ઝૂંપડાં, તેમના મછવા .. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે આ કોળીઓની વસ્તી. મૂળ વતની ક્યાંના? મહારાષ્ટ્રના કે ગુજરાતનાં? કે બન્નેના? દરિયા દેવ જાણે. કારણ કોળીઓની નાળ ક્યાં ભૂમિ સાથે બંધાયેલી છે? એ તો બંધાયેલી છે દરિયાલાલ સાથે. કોઈ પણ સ્થળનો વિકાસ થાય ત્યારે તેના મૂળ વતનીઓ હાંસિયામાં ધકેલાઈ જાય. મુંબઈમાં પણ તેવું જ થયું. આજે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ‘કોળીવાડા’ઓમાં કોળી જોવા મળે. બીજા વિસ્તારોમાં કોળી સ્ત્રીઓ માછલી વેચતી જોવા મળે. પણ તે સિવાય કોળીઓની હાજરી ન જેવી. કોળીઓનાં ઝૂંપડાંની જગ્યાએ આજે ઊભી છે બહુમાળી ઇમારતો. તેમનાં શઢવાળાં વહાણ પણ ભાગ્યે જ જોવાં મળે.

આ સાત ટાપુઓ પર કોંકણથી આવીને વસ્યા ભંડારીઓ. મુખ્ય કામ નાળિયેરી અને તાડનાં ઝાડની વાડીઓ બનાવવાનું. આવ્યા ત્યારે સાથે કોંકણનાં કેટલાંક ઝાડ સાથે લાવેલા. મુંબઈ આવીને પણ તેમણે ખેતીનું કામ કર્યું. નાળિયેર ને તાડની વાડીઓ કરી, સોપારી ને આંબલીની વાડીઓ પણ. ડાંગર(ભાત)નાં ખેતરો કર્યાં. ફણસ અને કાંદા ઉગાડ્યાં. આજે તેમાનું કશું ન જોવા મળે મુંબઈમાં. પણ હા, સાપ ગયા ને લિસોટા રહ્યા એ ન્યાયે કેટલાંક નામો હજી લોકજીભે વસ્યાં છે. (ભલે ભૂરા પાટિયા પર મહાનગરપાલિકાએ લખેલું કોઈ મામૂલી રાજકારણીનું નામ ઝૂલતું હોય.) ફણસ વાડી, કાંદા વાડી, તાડ વાડી, મુગ-ભાત લેન, ફોફળ વાડી, ચીંચ પોકલી, વગેરે, વગેરે. તો ભંડારીઓની યાદ સાચવતા ભંડારવાડા અને ભંડારી સ્ટ્રીટ જેવાં નામો પણ જોવા મળે. અરે, મુંબઈમાં જ ડુક્કર વાડી અને ગાય વાડી પણ હતી! આજે દુનિયાની મોંઘામાં મોંઘી ઇમારતોમાંની કેટલીક આ વાડીઓ અને ખેતરોની જગ્યાએ ઊભી છે.

સાત ટાપુઓ વચ્ચે ઘણી જગ્યાએ છીછરી ખાડી હતી. ઓટ હોય ત્યારે તો લોકો એવી ખાડી પગપાળા પાર કરીને એક ટાપુ પરથી બીજા ટાપુ પર જતા. પણ એ રીતે જતાં પગ કાદવથી ખરડાય. એટલે બીજા ટાપુ પર પહોંચ્યા પછી પગ ધોવા પડે. આ રીતે પગ ધોવાની જ્યાં સગવડ, તે જગ્યા તે પાયધુની. એ નામ પણ હજી લોકજીભે સચવાઈ રહ્યું છે: ભલે ત્યાં પગ ધોવાની આજે કોઈ વ્યવસ્થા નથી, કારણ હવે પગ કાદવથી ખરડાતા જ નથી.

એક જમાનો એવો હતો કે મુંબઈના ધૂળિયા રસ્તાઓ પર ચાલતું એકમાત્ર વાહન હતું બળદગાડી. હા, અંગ્રેજ અમલદારો અને મુઠ્ઠીભર તવંગરો પાલખીનો ઉપયોગ કરતા. આ પાલખી ઉપાડનારાઓ જે વિસ્તારમાં રહેતા તે ભોઈવાડો કહેવાયો. એ વિસ્તાર ઝવેરી બજારની નજીક કદાચ એટલે હતો કે ઘણા ઝવેરીઓ આવનજાવન માટે પાલાખીનો ઉપયોગ કરતા હશે. આજે તો એ ભોઈવાડાનો વિસ્તાર આર્ટીફીશિયલ જ્વેલરીનું મોટું કેન્દ્ર બની ગયો છે. તો આવનજાવન માટે પાલખીનો ઉપયોગ કરનાર એક ધનાઢ્ય પારસી કુટુંબની અટક જ પાલખીવાલા પડી ગઈ. બળદ ગાડી પછી આવી ઘોડા ગાડી. પણ પછીથી મુંબઈના રસ્તાઓ પર જોવા મળતી તેવી ‘વિક્ટોરિયા’ નહિ, પણ નાનકડી સિગરામ જેવી ગાડી. જેમને પોસાય તે પાઈ-પૈસો આપીને તેનો ઉપયોગ કરતા. પણ ખરેખર ‘લોકો’ માટેનું વાહન મુંબઈમાં આવ્યું તે તો ઘોડાથી ચાલતી ટ્રામ. આજે તો હવે મુંબઈના રસ્તાઓ પરથી બળદ કે ઘોડા ખેંચતા હોય એવાં વાહનો લગભગ અદૃશ્ય થઈ ગયાં છે. હા, મેટ્રોનું જાળું આખા શહેરમાં ફેલાઈ રહ્યું છે.

આજથી લગભગ ૨,૨૦૦ વર્ષ પહેલાં પણ આ સ્થળ સાત ટાપુના સમૂહ તરીકે ઓળખાતું હતું એવું જાણવા મળે છે. ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ આ સાત ટાપુઓ સમ્રાટ અશોકના તાબા હેઠળ હતા અને ગ્રીસનો ભૂગોળશાસ્ત્રી ટોલોમી તેનો ઉલ્લેખ ‘હેપ્ટેસિનિયા’ તરીકે કરે છે. ગ્રીક ભાષામાં ‘હેપ્ટે’ એટલે સાત. આ ‘હેપ્ટે’નો સીધો સંબંધ છે સંસ્કૃતના ‘સપ્ત’ સાથે. આજના મુંબઈ નજીકનાં કેટલાંક સ્થળો – જેમ કે કેનેરી ગુફાઓ અને મહાકાળી ગુફાઓ  – બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં કેન્દ્રો હતાં. પણ આ સાત ટાપુ તે કિયા? એનાં નામ હતાં: કોલાબા, અલઓમેનિસ, મુંબઈ, મઝગાંવ, વરલી, પરેલ અને માહિમ. આ સાતે ટાપુઓ દરિયા કે ખાડીનાં પાણીથી ઘેરાયેલા હતા.

તેરમી સદીના પાછલા ભાગમાં મુંબઈ સાથે એક રાજાનું નામ સંકળાય છે, રાજા બિમ્બ અથવા ભીમ. પણ આ રાજા કયાંનો હતો એ અંગે જાણકારોમાં મતભેદ છે. કોઈ કહે છે કે આ બિમ્બ તે ગુજરાતનો ચૌલુક્ય રાજા ભીમદેવ. તો કોઈ કહે છે કે એ તો આવ્યો હતો દક્ષિણ ભારતથી. પણ એ બિમ્બ કે ભીમ રાજાએ અહીં એક શહેર વસાવેલું જેનું નામ હતું મહિકાવતી, આજનું માહિમ. એ શહેરની અદાલત જ્યાં હતી તેનું નામ હતું ન્યાયગ્રામ, જે પાછળથી બન્યું નાયગાંવ. રાજા પાસે મોટી સંખ્યામાં હાથીઓ હતા જેને રાખવા માટે માતંગાલય ઊભું કર્યું હતું જે આજે માટુંગા તરીકે ઓળખાય છે. એ વખતે નજીકમાં વડના ઝાડનું મોટું વન હતું જે આજે વડાળા તરીકે ઓળખાય છે.

આજે પણ અમુક વર્ગના લોકો માહિમમાં આવેલા એક કાળા ખરબચડા પથ્થરની વારતહેવારે પૂજા કરે છે. એ પથ્થર રાજા બિમ્બની મૂર્તિ હોવાનું કહેવાય છે. આ બિમ્બ રાજા પોતાની સાથે રૈયતના કેટલાક લોકોને સાથે લાવ્યો હતો. એ લોકો પછી કાયમ માટે અહીં જ વસી ગયા અને વખત જતાં પાઠારે પ્રભુ તરીકે ઓળખાયા. તેમની વસ્તી મુખ્યત્વે મુંબઈમાં અને મુંબઈની આસપાસ જ જોવા મળે છે. કેટલાક કહે છે કે તેમનું મૂળ નામ ‘પાટાણે પ્રભુ’ હતું કારણ તેઓ પાટણથી બિમ્બદેવ સાથે અહીં આવ્યા હતા. એ વાત સાચી છે કે નહિ તે નક્કી કરવું મુશ્કેલ, પણ એક વાત તો ખરી: આજે પણ પાઠારે પ્રભુઓની રહેણીકરણી, રીતરિવાજ, બોલી, પહેરવેશ, વગેરે પર થોડી છાંટ ગુજરાતની જોવા મળે છે. તેઓ પહેલાં જે બોલી બોલતા તેમાં પણ મરાઠી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ હતું. પણ પછીથી તેઓ પૂરેપૂરા મરાઠીભાષી બન્યા. પણ આ પાઠારે પ્રભુ રાજા બિમ્બદેવની સાથે પાટણથી મુંબઈ આવેલા એ માન્યતા જો સાચી હોય તો તેઓ હતા મુંબઈમાં વસનારા પહેલવહેલા ગુજરાતીઓ.

કવિ નિરંજન ભગતના એક કાવ્યની પહેલી બે પંક્તિઓ છે:

ચલ મન મુંબઈ નગરી,
જોવા પુચ્છ વિનાની મગરી.

હવે પછી આપણે દર અઠવાડિયે આ મુંબઈ નગરીની – તેની ગઈ કાલ, આજ અને આવતી કાલની કેટલીક વાતો કરશું અને સાથે સાથે જોશું કે મુંબઈને મુંબઈ બનાવવામાં ગુજરાતીઓએ કેવો અને કેટલો ફાળો આપ્યો છે. 

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 જુલાઈ 2019]

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...2,7352,7362,7372,738...2,7502,7602,770...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved