Opinion Magazine
Number of visits: 9576818
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિંગલ મધર્સ વધતો આંકડો : પ્રગતિની નિશાની?

કિરણ કાપૂરે|Opinion - Opinion|4 August 2019

'યુનાઇટેડ નેશન્સ' દ્વારા સમયાંતરે જે સરસ સંશોધિત અહેવાલ આવે છે, તેમાં હાલમાં આવેલો અહેવાલ મહિલાઓની પ્રગતિની નોંધ કરતો છે. આ અહેવાલનું નામ છે : 'પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડ્સ વુમન 2019-2020.’ આ જ અહેવાલમાં સમય સાથે આવેલાં સામાજિક પરિવર્તનમાં વિશ્વમાં પરિવારો કેવી રીતે બદલાયાં છે, તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકાનો આપણાં દેશનો જ ઓવરવ્યૂ જોઈએ તો ખ્યાલ આવે કે આપણી આસપાસ સંબંધોમાં અને પરિવારના પરંપરાગત માળખામાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે. 'યુનાઇટેડ નેશન્સ' સામાજિક પાસાંઓને લઈને સૂક્ષ્મ અભ્યાસ-સંશોધન કરતું રહે છે. એ રીતે આપણાં સમાજનો અરીસો બતાવનારો આ અભ્યાસ છે, જેમાં સૌથી આશ્ચર્ય સર્જાય એવું સંશોધન એ છે કે ભારતમાં 4.5% ઘર પરિવારમાં સિંગલ મધર્સ જ જવાબદારી નિભાવે છે! 4.5% આંકડો આમ નાનો લાગે પણ જ્યારે તેને આપણા દેશની વસતીના અનુપાતમાં જોઈએ તો અંદાજે તે આંકડો એક કરોડ ત્રીસ લાખ ઘરોનો થાય છે. આ તમામ ઘરમાં મોભી તરીકે મહિલા છે. ભારતમાં સિંગલ મધર્સ કન્સેપ્ટ નવો છે અને હજુ પણ લોકો સમાજમાં રુઢિ પ્રમાણે જીવવા ટેવાયેલાં છે ત્યાં આટલો મોટો સિંગલ મધર્સનો આંકડો આવ્યો છે. આમ થવાનો કારણો શું છે તેને જરા તપાસી જોઈએ. …

સિંગલ મધર્સ એટલે કે બાળકને જ્યારે માતા જ પોષતી હોય તે સ્થિતિમાં મહિલાને ક્યારે આવવાનું બને છે? મહદંશે આ સ્થિતિમાં પતિના મૃત્યુ, સ્થળાંતર, છૂટાછેડા, સ્વતંત્રતાની ઝંખના અથવા તો પુનઃલગ્ન ન કરી શકવાની પરિસ્થિતિ જ્યારે ઉદ્દભવે છે ત્યારે મહિલાને એકાંકી જીવન વિતાવવું પડે છે અને બાળક હોય તો તેની જવાબદારી લેવાની થાય છે.  બાળકની સુરક્ષા માતા જ કરે તેવો ટ્રેન્ડ દુનિયાભરમાં જોવા મળે છે. પુરુષોને જ્યારે પત્નીથી અલગ થવાનું થાય તો તેની પાસે મહદંશે વિકલ્પ હોય છે; અને તેઓ બીજી વાર પરણીને પોતાનું નવું ઘર વસાવે છે.

સિંગલ મધર્સની જ્યારે વાત આવે છે ત્યારે 'યુનાઇટેડ નેશન્સ'ના અહેવાલ મુજબ આ પ્રકારનો ટ્રેન્ડ જે સૌથી વધુ જ્યાં જોવા મળે છે, તે લેટિન અમેરિકા અને કેરિબિયન દેશો છે. અને ત્યાં આ ટ્રેન્ડ સતત વધી પણ રહ્યો છે. ત્યાર બાદ સબ-સહારિયન આફ્રિકા પ્રદેશમાં પણ નવ ટકા સુધી સિંગલ મધર્સ જોવા મળે છે. અહીંયાનું મુખ્ય કારણ પુરુષ મજૂરી અર્થે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને બહાર જાય છે, તે છે. આ કિસ્સામાં બાળકોની બધી જ જવાબદારી મહિલાઓ પર આવી પડે છે. વિશ્વના તમામ ખંડોમાં સિંગલ મધર્સનો અનુપાત વધ્યો છે અને તેમાં સ્વાભાવિક છે કે વિકસિત દેશોનો ગ્રાફ ઉપર જ રહ્યો હોય! માત્ર વિકાસશીલ અને બહુધા એશિયન દેશોમાં સિંગલ મધર્સ તરીકે રહેવું મહિલા પસંદ કરતી નથી, અને એટલે જ અહીંયાનો સિંગલ મધર્સનો દર 4.5 ટકા છે.

સિંગલ મધર્સ તરીકે ભારતમાં રહેવું કપરું છે અને તે આપણી આસપાસ જોઈને જાતતપાસ કરી શકીએ. પતિના મૃત્યુ જેવું કારણ જ્યારે સામે હોય ત્યારે માતા તરીકે બાળકને સાચવવાની જવાબદારી સમાજમાં સ્વીકાર્ય છે. પણ જ્યારે અન્ય કોઈ પણ કારણ હોય ત્યારે સિંગલ મધર્સ તરીકે જીવવું આજે પણ દુષ્કર સાબિત થાય એમ છે. સિંગલ મધર્સ તરીકે સામાજિક પડકારો તો ઝિલવાના જ હોય છે, પણ સૌથી મુશ્કેલ આર્થિક રીતે ટકી રહેવાનું બને છે. મોટા ભાગની સિંગલ મધર્સ આ પ્રશ્નને લઈને જ ઝઝૂમે છે. અને એટલે જ જ્યારે સિંગલ મધર્સના ગરીબીનો દર  જોઈએ તો તે સરેરાશ ગરીબી કરતાં વધુ છે. આ માટે સિંગલ મધર્સ પોતાના ઘરપરિવારની જવાબદારી પોતાના પિયરનાં સંબંધીઓ સાથે નિભાવે છે. આ કિસ્સામાં સિંગલ મધર્સ હોય તેમની માતા અને તેમનાં ભાઈ-બહેનો સૌથી વધુ તેમનાં મદદે આવે છે.

સિંગલ મધર્સના જેમ સામાજિક-આર્થિક પડકાર છે, તેમ સૌથી વધુ મુશ્કેલી થાય છે તે બાળકોના ઉછેરની છે. બાળઉછેર અને સિંગલ મધર્સના અન્ય પ્રશ્નો વિશે 'ધ બેટર ઇન્ડિયા' વેબપોર્ટલ પર વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલમાં જે સિંગલ મધર્સે બાળકોને ઉછેર્યાં હોય તેમનાં અનુભવોને ટાંકવામાં આવ્યાં છે. ગુરુગ્રામમાં રહેતી અનુપ્રિયા કપૂરે પતિ વિદેશમાં જ રહેતાં હોવાથી છૂટાછેડા લેવાનું ઠરાવ્યું અને અગિયાર વર્ષના દીકરાને પોતાની સાથે જ રાખવાનું નક્કી કર્યુ. અનુપ્રિયા ગુરુગ્રામ જેવાં શહેરી વિસ્તારમાં રહે છે, એન્ટરપ્રિન્યોર છે અને સમાજમાં સારી શાખ પણ ઊભી કરી છે. તેમ છતાં જ્યારે સિંગલ મધર્સની વાત આવે છે ત્યારે આજે પણ તેનાં પર સવાલ ખડાં કરવાનું લોકો ચૂકતા નથી! આ સ્થિતિમાં હોવા છતાં અનુપ્રિયા ખુશ છે પણ તેની આસપાસના લોકો તેનાં આ ખુશીને ગુનો ગણે છે, તેવું અનુપ્રિયાનું માનવું છે. રાશિ શેઠ પણ આવું જ નામ છે, પણ અનુપ્રિયા કરતાં તેમનો અનુભવ વેગળો છે અને તેઓ લગ્ન સંબંધમાંથી ખસી જવાને તેમના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય ગણાવે છે. તેમની દીકરી છ વર્ષની હતી ત્યારે જ તેમણે આ નિર્ણય લીધો હતો, પરંતુ તેઓને તેનો કોઈ અફસોસ નથી બલકે તેમને દીકરી તરફથી પણ કોઈ પ્રશ્ન થતો નથી. તેમના મતે જો આ નિર્ણય લઈને તમે જો બધું પારદર્શી રાખો અને ખુલ્લા મનથી વાત કરો તો બાળક બધું જ સમજે છે. આવા બીજા પણ દાખલા 'ધ બેટર ઇન્ડિયા'ના અહેવાલમાં છે, પણ આ તો સમાજનો એ વર્ગ છે આર્થિક રીતે પહોંચેલો છે અને પરંપરામાંથી થોડો બહાર પણ આવ્યો છે.

આ કિસ્સામાં કેટલીક વખત કેટલાંક એવા પ્રશ્નો પણ હોય છે જેનો ઉકેલ વ્યક્તિગત રીતે જ જોવાનો-લાવવાનો હોય છે. નાગપુરમાં હાલમાં જ મધર્સનો આવો જ કિસ્સો સારી પેઠે મીડિયામાં કવર થયો. સિંગલ મધરનો આ કેસ છેક નાગપુર બેંચના હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ સિંગલ મધર આદિવાસી સમાજમાંથી આવતાં હતાં, અને તેમને વીસ વર્ષની એક દીકરી હતી. હવે જ્યારે આ દીકરીને ઉચ્ચ શિક્ષણમાં જવાનું થયું તો તેને આદિવાસી તરીકે જે ફીમાં માફી મળવી જોઈએ તે ન મળી, કારણ કે તેના પિતા આદિવાસી નહોતા. આ કેસમાં ખાસ્સી દલીલ થઈ, જેમાં સૌથી અગત્યની વાત કોર્ટે નોંધી એ હતી કે આ મહિલા દીકરીના જન્મના બાદ એક વર્ષમાં જ પતિથી અલગ થઈને તેનાં માતા-પિતા સાથે રહેવાં લાગી હતી. તેની દીકરી આદિવાસી સમાજમાં જ ઉછરી અને તે જ સંસ્કૃતિની રીતભાતથી પરિચય કેળવ્યો. હવે તેના પિતા આદિવાસી ન હોય અને તે કારણે તેને ફીમાં માફી ન મળે તે કેમ ચાલે? આ કિસ્સામાં નાગપુર હાઈકોર્ટે માનવતાભર્યો ચુકાદો આપ્યો  દીકરીએ માતાના સમાજના આધારે ફીમાં રાહત મેળવી.

ભારતમાં તો સમાજ હજુ પણ પુરુષપ્રધાન છે અને એ જ રીતે મહિલા સાથે વર્તન થાય છે. આ રુઢિ શહેરોના શિક્ષત વર્ગમાં હવે ભાંગતી નજરે ચડે છે, પણ તેનું પ્રમાણ હજુ ય જૂજ છે. આ સ્થિતિ દેશેદેશે અને વિવિધ ક્ષેત્ર-સંસ્કૃતિમાં અલગ રીતે જોવાય છે. જેમ કે લેટિન અમેરિકાના દેશોમાં સિંગલ મધર્સ તરીકે રહેવું તો કોઈ મોટો પડકાર નથી, કારણ કે અહીંયા તે સમાજમાં સ્વીકાર્ય બની ચૂક્યું છે. સિંગલ મધર્સના અહીંયા ગ્રૂપ પણ છે અને તેઓ એકબીજાના અનુભવ નિયમિત રીતે શેર કરે છે, જ્યારે ભારતમાં આ દિવસો આવે તે દૂરની વાત લાગે છે. ચીનમાં આ મુદ્દાને જોઈએ તો ત્યાં સિંગલ મધર્સની સ્થિતિ ગંભીર છે. ચીનમાં કૌટુંબિક આયોજન નીતિ મુજબ આ સિંગલ મધર્સ થવું તો ગેરકાયદેસર છે. અને જે કોઈ મહિલા આ રીતે સિંગલ મધર્સ બને છે, તે પોતાની ઓળખ એ રીતે નથી આપતી. શક્ય બને તો લગ્ન કરીને તે પોતાની સિંગલ મધર્સ તરીકેની ઓળખ મિટાવીને ફરી સમાજમાં ભળે છે. જો કે ભારતમાં દૂરની વાત લાગતી હોવા છતાં નાના પાયે શહેરોમાં પરિવર્તન આવી રહ્યું છે અને તેનું માપ સિંગલ વુમનની વધતી સંખ્યા પરથી કાઢી શકાય. 2011માં થયેલી વસતી ગણતરી મુજબ લગ્ન ન કરનારી મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. આ ટ્રેન્ડ આગળ જતાં સિંગલ મધર્સ તરફ જવાનો છે.

પ્રગટ : ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2019

Loading

હિન્દુ-બૌદ્ધ-જૈન : સમન્વય થયો તો ખરો, પણ …

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2019

બુદ્ધ અને મહાવીર પછીનો લગભગ એક હજાર વરસનો કાલખંડ કોયડારૂપ છે. કોયડારૂપ એ રીતે કે શ્રમણોએ વૈદિક પરંપરા સામે પ્રચંડ વિદ્રોહ કર્યો હોવા છતાં સનાતન ધર્મમાં જોઈએ એટલું પરિવર્તન કેમ ન થયું? તેમણે વેદોને અંતિમ પ્રમાણ તરીકે નકાર્યા હતા, કર્મકાંડોને નકાર્યા હતા, યજ્ઞો અને પશુહિંસાને નકારી હતી, કોઈની કૃપાને નકારી હતી, અધિકારભેદ નકાર્યો હતો અને એ રીતે સામાજિક ભેદભાવને નકાર્યા હતા, સંસ્કૃતભાષા પરની બ્રાહ્મણોની ઈજારાશાહી નકારી હતી, એમ નકાર સાર્વત્રિક હતો અને તેમનો નકાર માનવીય ઉત્થાન માટે અનિવાર્ય પણ હતો.

બ્રાહ્મણ પરંપરાએ પ્રારંભમાં પ્રતિકાર કર્યા પછી શ્રમણ પરંપરાને પચાવવાનું અને અપનાવવાનું શરૂ કર્યું હતું. અહીં સુધી તો જાણે ઠીક છે; લાખ રૂપિયાનો સવાલ એ છે કે જો શ્રમણ-સિદ્ધાંતોને બ્રાહ્મણ પરંપરાએ અપનાવ્યા હતા, પચાવ્યા હતા તો તેનો પ્રભાવ ક્યાં? આજે પણ પાખંડી કર્મકાંડો, કૃપા મેળવી આપવાની લાલચો, બ્રાહ્મણોની સર્વોપરિતા, અધિકાર-ભેદ અને સામાજિક અસમાનતા એવી ને એવી જ છે, બલકે વધારે વકરેલી છે. એવું શું બન્યું કે શ્રમણોએ કરેલા સુધારાઓ લગભગ એળે ગયા?

એનાં બે કારણો નજરે પડે છે. જૈનોની વાત કરીએ તો આમ પણ મહાવીર સ્વામીએ જીવનશોધન માટે ખૂબ આકરી તપશ્ચર્યાનો માર્ગ બતાવ્યો હતો જે સામાન્ય માણસ માટે અઘરો માર્ગ હતો. એ પછીથી વર્ષાનુંવર્ષ જૈનો અનેકાંતવાદને ભૂલતા ગયા અને તપશ્ચર્યાને જ જીવનનો ઉદ્દેશ સમજવા લાગ્યા. જે સાધન છે એને જૈનો સાધ્ય સમજી બેઠા. અહિંસાની બાબતમાં પણ આવું જ બન્યું છે. કરુણામૂલક અહિંસા કરુણારહિત કોરી અહિંસા બનીને રહી ગઈ. આ બે કારણે જૈન ધર્મ લોકસુલભ નહીં રહ્યો અને ફેલાઈ નહીં શક્યો. જૈન ધર્મ તપસ્વીઓનો ધર્મ બનીને રહી ગયો અને આજે તો તપશ્ચર્યા પણ કર્મકાંડ બની ગઈ છે.

બૌદ્ધ ધર્મ અત્યંત લોકસુલભ હતો એટલે સ્વાભાવિકપણે વધુને વધુ લોકસુલભ બનતો ગયો. સુલભીકરણનું છીંડુ વધુને વધુ પહોળું થતું ગયું. એક દિવસ બૌદ્ધો સામે સવાલ થયો કે, બૌદ્ધં શરણમ્ ગચ્છામિ, ધમ્મં શરણમ્ ગચ્છામિ અને સંઘં શરણમ્ ગચ્છામિ વચ્ચે સમન્વય કેમ સાધવો? જો સંઘ મોટો રચવામાં આવે તો બુદ્ધ અને તેનો ધર્મ પાતળો પડે અને જો બુદ્ધ અને બુદ્ધે ચિંધેલા ધર્મને વફાદાર રહેવામાં આવે તો સંઘ વિસ્તરી ન શકે. માણસ જાતને સંખ્યાનું બહુ આકર્ષણ છે અને એમાં બૌદ્ધ ધર્મ તો પાછો અતિરેકો વિનાનો માધ્યમમાર્ગી સુલભ હતો. જતે દિવસે સંઘે બુદ્ધને અને બુદ્ધના ધર્મને પાછળ રાખી દીધા.

આવું સતત બનતું રહેતું હતું જે બુદ્ધના મૂળભૂત તત્ત્વોનો આગ્રહ રાખનારાઓને ગમતું નહોતું. ખૂબ વાદવિવાદ પછી બૌદ્ધ ધર્મમાં વિભાજન થયું જે હીનયાન અને મહાયાન તરીકે ઓળખાય છે. યાન એટલે નૌકા. મહાયાન એટલે મોટી નૌકા અને હીનયાન એટલે નાની નૌકા. અહીં તમે જોઈ શક્યા હશો કે હીનયાન એ તિરસ્કારવાચક શબ્દ છે. હીનયાનીઓ પોતાને સ્થવીરવાદીઓ કે થેરાવાદીઓ તરીકે ઓળખાવે છે. સ્થવીર એટલે વડીલ, રુઢિચુસ્ત, સમાધાનો નહીં કરનારા, પોતાના માર્ગને વળગી રહેનારા.

ખરું પૂછો તો બૌદ્ધ ધર્મનો મહાયાન સંપ્રદાય બૌદ્ધ ઓછો છે, હિંદુ વધારે છે. વધને વધુ સંખ્યામાં લોકોને સંઘમાં આકર્ષવા માટે તેઓ સમાધાન કરતા ગયા જેમાં બૌદ્ધ ધર્મે તેની વિશેષતા ગુમાવી દીધી. તેમણે બુદ્ધને જ ભગવાન બનાવી દીધા અને બુદ્ધના ૨૪ જન્મોની વાર્તાઓ પણ રચાવા લાગી જે જાતક કથા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત બીજા દેવી દેવતાઓ પેદા કર્યા. તેમણે પુરુષાર્થની જગ્યાએ બુદ્ધની અને ભિક્ષુઓની કૃપાયાચના કરવા લાગ્યા. અંધશ્રદ્ધામાં વધારો જ થતો ગયો અને મહાયાનમાંથી ફાંટો ફૂટીને નીકળેલો વજ્રયાન તો અંધશ્રદ્ધાની ચરમસીમા છે. મહાયાનીન વિદ્વાનોએ પાલી ભાષા છોડીને સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખવાનું શરૂ કર્યું, કારણ કે લોકભાષાઓમાં લખનારાઓને બ્રાહ્મણો વિદ્વાન તરીકેની માન્યતા નહોતા આપતા અને બ્રાહ્મણોના સર્ટિફિકેટની કિંમત હતી.

બુદ્ધે કહ્યું હતું કે મોક્ષના અધિકારી બનવા માટે સન્યાસ જરૂરી છે. આને કારણે ગૃહસ્થો સવાલ કરતા હતા કે તમારો ધર્મ જો મોક્ષ ન અપાવતો હોય તો તમારા ધર્મમાં શા માટે જોડાવું જોઈએ? ગૃહસ્થોને બૌદ્ધ બનાવવા માટે તેમણે સંસારીઓ પણ મોક્ષના અધિકારી છે એવું નવું તત્ત્વ દાખલ કર્યું હતું. આ રીતે તેમણે ધર્મની નૌકામાં બેસીને ભવસાગર તરનારાઓની સંખ્યામાં વધારો કર્યો હતો એટલે તેને મહાયાન નામ આપવામાં આવ્યું છે.

બુદ્ધે તો તેમના શિષ્ય આનંદને એમ પણ કહ્યું હોવાનું કહેવાય છે કે તેમનો ધર્મ પાંચસો વર્ષ ટકશે. પાંચસો વર્ષ પછી તેમના ધર્મનો અંત આવશે. આ વાત સાચી છે કે ખોટી એ આપણે જાણતા નથી, પરંતુ મહાયાનીઓએ મહાયાન માર્ગે બૌદ્ધ ધર્મનું હિંદુકરણ કર્યું હતું અને એ રીતે ભારતમાં બૌદ્ધ ધર્મનો અંત આવ્યો હતો. બુદ્ધની ક્રાંતિ સનાતન ધર્મમાં ઓગળી ગઈ હતી. બીજી ભાષામાં કહીએ તો ભારતમાં બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મમાં વિલીન થઈ ગયો હતો. બુદ્ધે શીખવેલી સમ્યક વિવેકની ચેતના જો કોઈએ ગુમાવી છે તો એ બૌદ્ધોએ ગુમાવી છે. બ્રાહ્મણો લબાડી કરીને બૌદ્ધ ધર્મને ભરખી ગયા એમ કહેવું એ ખોટું છે. એમ કહેવું એ સનાતન ધર્મના નિંદકોની અસહિષ્ણુતા છે. અનુદારતા છે.

તો બુદ્ધ અને મહાવીર પછીના લગભગ હજાર વરસ દરમ્યાન બંને ધર્મોમાં વિભાજન થયાં. જૈન ધર્મ સીમિત થઈ ગયો અને બૌદ્ધ ધર્મ ભારતમાં હિંદુ ધર્મમાં વિલીન થઈ ગયો. બુદ્ધનો વારસો લગભગ ઓગળી ગયો. તમે કદાચ શંકરદિગ્વિજય નામના ગ્રંથનું નામ સાંભળ્યું હશે અને જો નહીં સાંભળ્યું હોય તો એટલું તો તમારે કાને પડ્યું જ હશે કે આદિ શંકરચાર્યે તેમની પ્રચંડ તર્કશક્તિ દ્વારા બૌદ્ધ ધર્મને ભારતમાંથી તગેડી મુક્યો હતો અને સનાતન ધર્મની પુનર્સ્થાપના કરી હતી. આ એક જુઠાણું છે. બૌદ્ધ ધર્મ સનાતન ધર્મ સામે પરાસ્ત નથી થયો, ભારતના દુર્ભાગ્યે તેમાં વિલીન થઈ ગયો છે એટલે ઉપર કહ્યાં એ સનાતન ધર્મના લગભગ બધાં જ લક્ષણો એમને એમ રહ્યાં.

દરેક મસીહાના દુ:શ્મન તેના અનુયાયીઓ જ હોય છે એમ જે કહેવાય છે એ ખોટું નથી. બુદ્ધને મહયાની બૌદ્ધોએ પરાસ્ત કર્યા. આમ છતાં જૈન-બૌદ્ધ શ્રમણોનો અહિંસાનો વારસો ટકી રહ્યો છે. બૌદ્ધોનો કરુણા અને મૈત્રીનો વારસો ટકી રહ્યો છે.

અહીં હજુ એક વાત નોંધવી જોઈએ. જેમ બૌદ્ધ વિદ્વાનો લોકભાષા છોડીને સંસ્કૃતમાં લખવા માંડ્યા એમ જૈન આચાર્યોએ પણ સંસ્કૃત ભાષાને અપનાવી લીધી. નોંધવા જેવી વાત એ છે કે બુદ્ધ અને શંકરાચાર્ય (હજુ પાછળ જવું હોય ઓ ગૌડપાદાચાર્ય) વચ્ચેના લગભગ હજાર વરસના સમય ખંડમાં જે દાર્શનિક વિમર્શ થયો છે એમાં મુખ્ય ફાળો બૌદ્ધ અને જૈનોનો છે. એ સમયગાળામાં નોંધ લેવી પડે એવો એક પણ દાર્શનિક ગ્રંથ સનાતની વિચારકોનો મળતો નથી. શ્રમણ અને બ્રાહ્મણ સહિતનો ભારતનો તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ પણ હરીભદ્ર સૂરિ નામના જૈન આચાર્યે છઠ્ઠી સદીમાં લખ્યો છે અને એવો એ પહેલો ગ્રંથ છે. એ હજાર વરસના સમયખંડમાં એકથી એક ચડિયાતા શ્રમણ વિદ્વાનો થયા હતા.

આમ પરસ્પર સમન્વય થયો, પણ થવો જોઈએ એવો તો ન જ થયો!

31 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 ઑગસ્ટ 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 4

દીપક મહેતા|Opinion - Opinion|4 August 2019

મુંબઈનાં દસ જેટલાં જાણીતાં તળાવોમાંથી આજે ફક્ત બે જ હયાત છે: બાણગંગાનું તળાવ અને બાંદરાનું તળાવ

મુંબઈના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ઈ.સ. ૧૭૭૫માં કાવસજી પટેલે તળાવ બંધાવ્યું તે પછી બીજાં તળાવો મુંબઈમાં બંધાતાં ગયાં. એક જમાનામાં આવાં દસ સાર્વજનિક તળાવો મુંબઈમાં હતાં. આજે જે વિસ્તાર ક્રાંતિવીર વાસુદેવ બળવંત ચોક તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં એસ્પ્લનેડના મેદાન નજીક ફરામજી કાવસજીએ ૧૮૩૧માં એક તળાવ બંધાવેલું, જે તેમના નામથી ઓળખાતું હતું. વખત જતાં તેના પાણીનો ઉપયોગ ધોબીઓ કપડાં ધોવા માટે કરવા લાગ્યા એટલે લોકો તેને ધોબીતળાવ તરીકે જ ઓળખવા લાગ્યા. વખત જતાં આ તળાવ પણ પૂરી દઈને ત્યાં ફરામજી કાવસજી હોલની ઈમારત ઊભી કરવામાં આવી. એક જમાનામાં મુંબઈ શહેરના મહત્ત્વના કાર્યક્રમો, સભાઓ વગેરે અહીં યોજાતા. પણ આજે તેનો ઉપયોગ મોટે ભાગે જુદી જુદી કંપનીઓના ‘સેલ’ માટે થાય છે. આ જ મકાનમાં મુંબઈની એક ઘણી જૂની લાઈબ્રેરી પણ આવેલી છે, પીપલ્સ ફ્રી રીડીંગ રૂમ એન્ડ લાઈબ્રેરી.

ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટ

મુંબઈનાં બીજાં કેટલાંક તળાવમાં એક હતું ગોવાળિયા તળાવ. આજે એ તળાવ નથી, પણ એ વિસ્તાર હજીએ લોકજીભે ગોવાલિયા ટેંક તરીકે ઓળખાય છે. એક જમાનામાં આસપાસના વિસ્તારોમાંથી ગોવાળો પોતાનાં ઢોરને પાણી પીવડાવવા અહીં આવતા એટલે તેનું આ નામ પડેલું. આ જગ્યા માત્ર મુંબઈના જ નહિ, આખા દેશના ઇતિહાસમાં પણ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઈ.સ. ૧૮૮૫ના ડિસેમ્બરની ૨૮થી ૩૧ તારીખે ‘ઇન્ડિયન નેશનલ કૉન્ગ્રેસ’નું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું હતું તે આ તળાવ નજીક આવેલા ગોકુલદાસ તેજપાલ પાઠશાળાના મકાનમાં. આજે એ જગ્યાએ તેજપાલ ઓડીટોરિયમ આવેલું છે જે ગુજરાતી રંગભૂમિનું એક માનીતું સ્થળ છે.  એક જમાનામાં ખૂબ જાણીતી એવી બે ગુજરાતી સ્કૂલ – ન્યૂ ઈરા સ્કૂલ અને ફેલોશિપ હાઈસ્કૂલ આ જ વિસ્તારમાં આવેલી હતી. તેમાંની ન્યૂ ઈરા હવે બંધ થઇ ગઈ છે. આ તળાવની જગ્યાએ પછીથી મોટું મેદાન બન્યું. આ જ મેદાન પર ૧૯૪૨ના ઓગસ્ટની ૮મી તારીખે ઇતિહાસ રચાયો. એ વખતે મળેલા કૉન્ગ્રેસના અધિવેશન વખતે આ મેદાન પરથી ગાંધીજીએ ‘ક્વિટ ઇન્ડિયા’નું આંદોલન શરૂ કર્યું. તેમણે આ મેદાન પરથી કરેલા જાહેર ભાષણમાં આ દેશ છોડીને પાછા જવા અંગ્રેજોને હાકલ કરી. એ ઐતિહાસિક ઘટનાની યાદમાં હવે એ મેદાન ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે.

ગોવાળિયા ટેન્ક, 19મી સદીમાં

‘ક્વિટ ઇન્ડિયા’નું ભાષણ આપતા ગાંધીજી

મુંબઈનાં બીજાં જાણીતાં તળાવોમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ નજીકનું બાબુલા ટેંક, ખારા તળાવ, દોન ટાંકી, નવાબ ટેંક, વાંદરા તળાવ અને બાણગંગા તળાવનો સમાવેશ થાય છે. આ દસ જેટલાં જાણીતાં તળાવોમાંથી આજે ફક્ત બે જ હયાત છે: બાણગંગાનું તળાવ અને વાંદરાનું તળાવ. જે વખતે મુંબઈમાં પીવાના પાણીની પુષ્કળ તકલીફ હતી એ તે વખતે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આ બધાં તળાવ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બંધાયાં હતાં. પણ ગીચ વસ્તીની કારણે તેની આસપાસ ઘણો ગંદવાડ ભેગો થતો જેથી રોગચાળો ફેલાતો. જો કે ૧૯૦૯ના બોમ્બે સિટી ગેઝેટમાં જણાવ્યું છે કે ઘણી વાર આ તળાવોમાં બહુ ઓછું પાણી રહેતું અને એટલે મુંબઈમાં ઠેર ઠેર કૂવાઓ ખોદવાનું શરૂ થયું હતું. ૧૮૫૬માં મુંબઈ શહેર પર દુષ્કાળની આફત આવી પડી. ત્યારે પાણી બચાવવા માટે સરકારે શહેરમાંનાં બધાં જ ઢોરઢાંખરને માહિમ સુધીના વિસ્તારમાં રાખવા પર પ્રતિબંધ મૂક્યો. (એ વખતે ‘મુંબઈ’ની હદ માહિમ સુધી જ હતી.) એટલું જ નહિ, હજારો પીપડાંમાં દૂર દૂરથી પાણી લાવીને સરકારે બોરીબંદર, ચીંચબંદર અને ડોંગરી વિસ્તારમાં આવેલા કૂવાઓમાં ઠાલવ્યું હતું. પણ પછી વિહાર અને તુલસી તળાવનું પાણી નળ વાટે પૂરું પાડવાનું શરૂ થયા પછી ધીમે ધીમે આ તળાવોનું મહત્ત્વ ઘટતું ગયું. વળી તેના ગંદા પાણીને કારણે અવારનવાર રોગચાલો ફેલાતો હતો તેથી એક પછી એક એ તળાવો પૂરાતાં ગયાં. 

પણ મુંબઈનું સૌથી જૂનું તળાવ તો છે બાણગંગાનું તળાવ. એક દંતકથા તો તેને પૌરાણિક પરશુરામ સાથે સાંકળે છે. સ્કંદ પુરાણના સહ્યાદ્રી ખંડમાં પરશુરામની કથા જોવા મળે છે. તેમણે આ પૃથ્વી પરના તમામ ક્ષત્રિયોનો નાશ કરીને બધી ભૂમિ બ્રાહ્મણોને હવાલે કરી. એટલું જ નહિ સાગર – સમુદ્ર – ને પાછળ હઠવા ફરજ પાડી નવી ભૂમિ મેળવી. (એ હતું પહેલવહેલું ‘રેકલમેશન.’) પરિણામે કન્યાકુમારીથી ભૃગુકચ્છ સુધી જમીનની નવી લાંબી પટ્ટી અસ્તિત્ત્વમાં આવી. ભૃગુકચ્છ તે આજનું ભરૂચ. આ આખો વિસ્તાર પરશુરામ ક્ષેત્ર તરીકે ઓળખાયો. આ નવસાધ્ય ભૂમિને તેમણે સાત ભાગમાં વહેંચી. તેમાંનો એક ભાગ તે શૂર્પારક, થાણે, અને મુંબઈના સાત ટાપુઓ. આ બધા જ પ્રદેશોમાં તેમણે બ્રાહ્મણોને વસાવ્યા. પણ ધાર્મિક ક્રિયાઓ માટે બ્રાહ્મણોને રોજ પાણી જોઈએ તે આ બધા પ્રદેશોમાં નહોતું. આથી પરશુરામે પહેલાં ૧૪ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ કર્યું અને પછી તે દરેકની પાસે જમીનમાં બાણ મારી પાણીનું તળાવ બનાવ્યું. એ પાણી કાંઈ જેવું તેવું નહોતું, ગંગા નદીનું પાણી હતું. આ રીતે પરશુરામે જે ૧૪ તળાવ બનાવ્યાં તેમાંનું એક તે મુંબઈનું બાણગંગા. તો બીજી એક દંતકથા પ્રમાણે સીતાનું અપહરણ થયું તે પછી તેને છોડાવવા લક્ષ્મણ સાથે લંકા જઈ રહેલા શ્રી રામ મલબાર હિલના ડુંગર પર રહ્યા હતા. તે વખતે લક્ષ્મણને તરસ લાગતાં શ્રી રામે જમીનમાં તીર મારી પાણી કાઢ્યું હતું.

આજે પણ બાણગંગા પાસે જઈએ તો આપણે મુંબઈ જેવા મહાનગરમાં છીએ એ હકીકત બે ઘડી તો ભૂલી જઈએ. જાણે કોઈ તીર્થસ્થાનમાં આવ્યા હોઈએ એમ લાગે. તળાવની આસપાસ મંદિરો, મઠ, સમાધિઓ, ધર્મશાળાઓ જોવા મળે. અબોટિયું પહેરીને પૂજા કરવા જતા પુરુષો પણ મળે. સવાર સાંજ મંદિરોના ઘંટારવ ચારે દિશામાં ફેલાય. અલબત્ત, જરાક ઉપર નજર કરીએ તો અનેક બહુમાળી મકાનો પણ દેખાય. અને ત્યારે ફરી ખ્યાલ આવે કે આપણે ઊભા છીએ એક મહાનગરમાં. અમુક વર્ષો એવાં પણ આવ્યાં કે જ્યારે આજુબાજુનો વિસ્તાર ‘વિકાસ’થી ધમધમવા લાગ્યો, પણ બાણગંગાનું તળાવ એક ગંદુ ખંડિયર બનતું ગયું. પણ પછી કેટલાક લોકો જાગ્યા. મ્યુનિસિપાલિટી જાગી, સરકાર જાગી. વિસ્તાર ‘નો ડેવલપમેન્ટ ઝોન’ જાહેર થયો. બાણગંગાનું નવનિર્માણ થયું. ૧૯૯૨થી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં બે દિવસનો બાણગંગા ફેસ્ટિવલ યોજાવા લાગ્યો. તેમાં શાસ્ત્રીય સંગીતના દેશના ટોચના કલાકારો ભાગ લે છે.

 

કનૈયાલાલ મુનશી અને તેમની નવલકથા

ભગવાન પરશુરામ માટે રવિશંકર રાવળે તૈયાર કરેલું પરશુરામનું ચિત્ર

આપણા અગ્રણી સાહિત્ય સર્જક કનૈયાલાલ મુનશી હતા ભાર્ગવ બ્રાહ્મણ. પોતાને ભગવાન પરશુરામના વંશજ માનતા. તેમણે ભગવાન પરશુરામનાં જીવન અને સમય પર આધારિત નાટકો અને નવલકથા લખ્યાં છે. તેમની એક નવલકથા તે ભગવાન પરશુરામ. તેની પ્રસ્તાવનામાં પરશુરામ વિષે મુનશી લખે છે: “તે મહર્ષિ હતા, સંસ્કારી ઉચ્ચતાના પ્રતિનિધિ હતા અને વળી ભયંકર ને દુર્જેય, પ્રતાપી ને અડગ વિજેતા હતા. કૃષ્ણપૂજાના સમય પહેલાંની હિંદુ લેખકોની કલ્પનાશક્તિ, ભૂતકાળના પટ પર ચિતરાયેલા એ નક્ષત્રીકારક દ્વિજેન્દ્રની મહત્તાના ગુણની ગુલામ થઇ હતી. જે રીતે શ્રી કૃષ્ણ આર્યાવર્તનાં જીવન અને સાહિત્યમાં અધિષ્ઠાતા તરીકે અપૂર્વ સ્થાન પામે છે, તેવું સ્થાન ઈ.સ.ની ચોથી કે પાંચમી સદી પહેલાં પરશુરામ ભોગવતા.” પછી મુનશી ઉમેરે છે: “મારા પર એક આક્ષેપ જરૂર થવાનો કે આ મહાનાટકમાં ભૃગુવંશના મહાપુરુષોની કથા મેં માંડી છે. હું ભરૂચનો ભાર્ગવ બ્રાહ્મણ રહ્યો, એટલે ગુજરાતીઓ એમ કહેવાના જ. પણ જે અભ્યાસીઓ છે તે તો સમજી શકશે કે ભૃગુવંશ એ વૈદિક ને પુરાણકાળની એક મહાપ્રચંડ શક્તિ હતી.” આવી મહાપ્રચંડ શક્તિએ જો મુંબઈની ધરતી પર ખરેખર પગ મૂક્યો હોય તો તે ભૂમિ નસીબદાર કહેવાય. આ નસીબદાર ભૂમિની બીજી કેટલીક વાતો હવે પછી.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 03 ઑગસ્ટ 2019

Loading

...102030...2,7232,7242,7252,726...2,7302,7402,750...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved