Opinion Magazine
Number of visits: 9684290
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગિરીશ પટેલ : દૂઝતો જખમ, જલતું જિગર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 September 2019

એક રીતે ગિરીશ પટેલની પહેલી સંવત્સરી અને સત્તરમી સપ્ટેમ્બરનો નર્મદાનિમિત્ત જશન એ બંને નજીક નજીકનાં અઠવાડિયામાં આવ્યાં, તે પણ સૂચક જોગાનુજોગ લેખાશે : ડેમમાંથી ઉભરાતાં પાણીને કારણે ડુબમાં જતાં ગામોનાં ક્રંદન અને વડાપ્રધાનના જન્મદિવસને સાંકળીને મનાવાતો જશન! શું કહેવું, સિવાય કે કલાપીની સાખે, કે તમારાં રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા.

નર્મદા બંધના પ્રામાણિક, રિપીટ, પ્રામાણિક સમર્થકો અને મેધા પાટકર તેમ બાબા આમટેથી ગિરીશ પટેલ લગીના ઝુઝારુ વિરોધીઓ, એમની ચિંતાના કેન્દ્રમાં આમ આદમી હતો અને છે. નારાયણ દેસાઈએ ભરીબંદૂક કહ્યું હતું તેમ એમની ચિંતા એક પા જો સૂચિત બંધનાં દુષ્પરિણામોની હતી તો બીજી પા ગુજરાતની વાસ્તવિક જળજરૂરતના તકાજાની હતી. જ્યારે બંધની પરિકલ્પના થઈ ત્યારે વિશ્વસ્તરે વિજ્ઞાન અને વિકાસના સંદર્ભમાં એને અંગે આશા અને શ્રદ્ધાના ધોરણે કેમ જાણે જાડી તો જાડી એકંદરમતી હતી. મેધાબહેને જ્યારે કાર્યારંભ કર્યો ત્યારે બંધ બાબતે એ ચોક્કસ ન હતાં. દરમ્યાન, જ્યારે નર્મદા બંધના કામે વેગ પકડ્યો ત્યારે વિશ્વસ્તરે પ્રામાણિક પુનર્વિચારની શરૂઆત થઈ ચૂકી હતી એ દુર્દૈવ વાસ્તવ છે.

વાત માત્ર આટલી જ નથી. બંધના હિમાયતીઓના રાજકારણી બડકમદારો અને આકાઓમાં એક નોંધપાત્ર હિસ્સો એવો હતો જેણે એક પ્રકારના નર્મદા બ્રાન્ડ રાષ્ટ્રવાદનો ઝંડો ઉપાડવામાં ચૂંટણીફતેહ જોઈ, અને છેવટ જતાં એ રાષ્ટ્રવાદ ભા.જ.પ.ના ભગવામાં ઠર્યો. બંધતરફી કે બંધવિરોધી જે સૌ પ્રામાણિક મંતવ્યધારીઓ હતા એમની સમજમાં આમ આદમીનાં સુખદુઃખ એક કેન્દ્રવર્તી ચાલના અને કસોટી રૂપ હતાં. બંધવિરોધી નમૂનેદાર લોકઆંદોલનના પ્રતાપે અને બંધતરફી છાવણીના રચનાત્મક અગ્રણીઓની દિલી પહેલથી વિસ્થાપિતો માટે જે પેકેજ છેવટ જતાં ઉભર્યું એ જો એક તબક્કે અપ્રતિમ લેખાયું હોય તો એનું શ્રેય ઇતિહાસવસ્તુ તરીકે આ વાતમાં પડેલું છે. દરમ્યાન, બેઉ છાવણીઓનાં રચનાત્મક પરિબળોની એક જુદી સહિયારી છાવણીની શક્યતા ઊભી થઈ તે પણ ઇતિહાસવસ્તુ તરીકે આપણે લક્ષમાં લેવા જોગ છે. જેમ જનદ્રોહી જશન અને સાર્થક સુમિરન, બેઉની આરંભે ઉલ્લેખેલી સહોપસ્થિતિ સૂચક છે તેમ પાછોતરાં વરસોની બીજી પણ એક સૂચક સહોપસ્થિતિ આ ક્ષણે સહજ સાંભરે છે : બે’ક દાયકા પર કેવડિયા વિસ્તારમાં નિદર્શન સામે સાંસ્થાનિક કાળની કલમો લાગુ પાડવામાં આવી ત્યારે તેની સામે વિરોધલાગણી વ્યક્ત કરવામાં બાબુભાઈ જશભાઈ અને ગિરીશ પટેલ બેઉ એક સાથે હતા.

એમનું આ પ્રકારનું સાથે આવવું ઇંદિરા ગાંધીના કટોકટીકાળ બાદના આવકાર્ય લોકશાહી ઉઘાડ પછી અને છતાં જે બાબતો બાકી ખેંચાતી હતી અને સત્તા-પ્રતિષ્ઠાનની માનસિકતા કેવા ગેરલોકશાહી વળાંકો તેમ જ આમળા લઈ શકે એ સંદર્ભે વિચારવાની દૃષ્ટિએ ખાસું ખાણદાણ પૂરું પાડે છે. આમ પણ, ગુણગ્રાહી ગિરીશભાઈ ફેરકુવા સબબ ઘણીવાર ચુનીકાકા(ચુનીભાઈ વૈદ્ય)ને સંભારતા કે બેઉ બાજુએ હળવામળવા અને વૈચારિક આપલેની રીતે બંધતરફી ચુનીભાઈ અને બંધવિરોધી ગિરીશભાઈ વચ્ચે ધીરે ધીરે કેવી રેશમગાંઠ બંધાવા લાગી હશે.

૨૦૧૯ના ઑક્ટોબરમાં ઊભીને આ બધો જોગાનુજોગ કે વ્યક્તિગત સંબંધોની પલટાતી તરાહ સંભારવા પાછળનો આશય કોઈ નિવાપાંજલિ રૂપ સુમિરનનો માત્ર નથી. પણ ૧૯૬૯ના કૉંગ્રેસના ભાગલા અને ગાંધી શતાબ્દીથી માંડીને ૨૦૧૯ના ભા.જ.પ. દિગ્વિજય અને ગાંધી સાર્ધ શતાબ્દીની એક પૂરી પચાસીના છેડે, દેખીતા અંધારા બોગદા વચાળે ફૂટતાં પ્રકાશકિરણોની સહિયારી ખોજનો અને ગિરીશભાઈ પરત્વે અનુમોદનાત્મક આલોચનામાં તે માટે પડેલી સામગ્રીને સમજવાનો ખ્યાલ છે.

કટોકટી ઊઠી ત્યારે, હું ધારું છું ડેવિડ સેલિગ્મેને, એક ચોંટડૂક વિધાન કર્યું હતું : કટોકટી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઇસિસ) ચાલુ છે.

આ એ ચાલુ કટોકટી હતી અને છે જે ગાંધીદીધા તાવીજના સ્મરણથી સ્પષ્ટ સમજી શકાય એમ છે અને જેનું સંવૈધાનિક તેમ સામાજિક વાસ્તવ આંબેડકરે બેસતા પ્રજાસત્તાકે બોલી પણ બતાવ્યું હતું કે સૌને મતાધિકારની રાજકીય સમાનતાની સાથોસાથ આર્થિક-સામાજિક અસમાનતા(વિષમતા)ના ભયાવહ પડકારભર્યા તબક્કામાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આ લખું છું ત્યારે અમૃત અભિવાદન વખતના ગિરીશભાઈનાં એ હિતવચનો સાંભરે છે કે કટોકટી પછીના કટોકટી તબક્કાને વટવા સારુ રામમનોહર લોહિયાના શબ્દોમાં કહીએ તો ગાંધી, માર્ક્સ, આંબેડકર એકત્રીકરણની જરૂર છે.

તમે મને પૂછો તો બૌદ્ધિક કર્મશીલ છેડેથી એમ કહું કે ગાંધીયુગથી શરૂ થયેલી વિરલ પ્રક્રિયા(વિ-વર્ણ અને વિ-વર્ગ થતી આવતી તરુભાઈ)ની તાકીદ આજે છે એટલી કદાચ ત્યારે પણ નહોતી. ગિરીશભાઈને એમનાથી નાની વયનાં મેઘાબહેનમાં નેતૃત્વનો જે ગુણ વસ્યો તે સાચો, પણ એથીયે અધિક તો એમણે જે જોયુંનોંધ્યું અને જેનાથી એ જિતાયા એ તો એ વાત કે અસરગ્રસ્ત આદિવાસીઓ વાસ્તે કામ કરતાં કરતાં એમની આખી જીવનશૈલી કેવી બદલાઈ ગઈ. અભ્યાસી એ હતાં, સમસંવેદનાવશ એ વિવર્ગ ને વિવર્ણ જેવાં પણ થઈ ગયાં.

ગિરીશભાઈએ, જેના વિકલ્પે (બલકે ટીકારૂપે) આપણા શીર્ષ નેતૃત્વે ‘હાર્ડવર્ક’ એવી જીભચાલાકી કરી હતી તે હાર્વર્ડમાં એલ.એલ.એમ. કર્યું. પણ મ્યુનિસપલ દીવે ભણતરના એમના વાસ્તવ સાથે આ નવ્ય વિદ્વત્તાએ એમનામાં સામાન્ય માણસનાં વાસ્તવિક સુખદુઃખ પરત્વે સહાનુકંપાવશ સક્રિયતા કે રાજકીય હસ્તક્ષેપ અગર નાગરિક ચાલના ઓર ઉત્કટપણે જગવ્યાં. ગુજરાતને (અને ભારતને) એનો પહેલો ચમત્કારક સાક્ષાત્કાર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન માટેની એમની ઉદ્યુક્તિ સાથે થયો. નાગરિક અધિકારો, રાજકીય અધિકારો, લોકશાહી અધિકારો – જે કહો તે – એની સંમિલિત લડાઈનો એ કેમ જાણે એક એવો ટેઈક ઑફ હતો જેમાં સિત્તોતેરના બીજા સ્વરાજની એક પાયાની ચાવી રહેલી હતી.

આજે જ્યારે ન્યાયતંત્રમાં આ મુદ્દે ને મોરચે જસ્ટિસ ભગવતી અને જસ્ટિસ ક્રિષ્ણા અય્યર પ્રકારની ભૂમિકા નાખી નજરે જણાતી નથી અને વકરતી વિષમતા તેમ જ વંચિતતા વચાળે રાષ્ટ્રવાદની મોહની અને મૂર્છાથી કામ લેવાઈ રહ્યું છે ત્યારે ગિરીશભાઈનું સ્મરણ દૂઝતા જખમ જેવું છતાં (કદાચ એટલે જ) શાતાકારી અનુભવાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 01-02

Loading

હાઉડી મોદી, કાઉબૉય કીર્તિમાન

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|30 September 2019

આમ તો ટેકસાસના કાઉબોય કલ્ચરમાં હાઉડી એ અભિવાદન માટે વપરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાઉડી મોદી સમારંભ પણ ઘણી રીતે કાઉબોય કલ્ચર જેવો રહ્યો. નરેન્દ્ર મોદીને ઇન્ડિયન ડાયસ્પોરા વચ્ચે જઈ એક રોકસ્ટાર જેવી સભાઓ કરવી ગમે છે. હ્યુસ્ટન પૂર્વે ન્યૂયોર્ક, લંડન, લોસ એન્જલિસ અને અન્યત્ર આવા સમારંભો થયા છે. લંડનના સમારંભમાં બ્રિટનના તે સમયના વડાપ્રધાન ડેવિડ કેમેરોન હાજર રહેલા, અને હિન્દીમાં ‘અચ્છે દિન આ ગયે’નો નારો લગાવેલો. એ અલગ વાત છે કે તેના થોડા સમયમાં જ કેમેરોનના પોતાના અને બ્રિટિશ રાજકારણના બૂરા દિન શરૂ થયા તે હજુ ચાલુ છે.

હ્યુસ્ટન સિવાયના અન્ય સમારંભોમાં મુખ્ય હેતુ ઇન્ડિયન ડાયસ્પોરાનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભા ઊભી કરવાનો હતો. ‘હાઉડી મોદી’ સમારંભ પહેલાંના સમારંભો કરતા જુદો પડે છે :

એક તો-અમેરિકા સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધોમાં પ્રમુખ ટ્રમ્પની પ્રતિબંધક નીતિઓને કારણે ભારતને જે અડચણ પડી છે તેનું નિરાકરણ કરવા માટે ટ્રમ્પના ભારેખમ અહંને પંપાળવો અને તે માટે તેમને આમંત્રણ આપવું; અને બીજું, ટ્રમ્પની સાથે રહીને ઘરઆંગણે અને પાકિસ્તાનને બતાવવું કે અમેરિકા ભારતની સાથે છે.

નરેન્દ્ર મોદીના આમંત્રણથી ટ્રમ્પ આવ્યા અને ચીઅર લીડરની ભૂમિકા ભજવી. આમ તો ટ્રમ્પનો અહં જોતા આવું કામ તેમના માટે નીચું ગણાય. પણ માથે ચૂંટણી આવતી હોય ને એક સાથે ભારતીય મૂળના હજારો મતદારોને મળવાનો મોકો મળતો હોય તો તે કંઈ જતો થોડો કરાય ? ગઈ ચૂંટણીમાં ટ્રમ્પે “આઈ લવ હિન્દુ”ની જાહેરખબરો ભારતીય ટીવી ચેનલો પર આપેલી. આ બધું છતાં એશિયન અમેરિકન લિગલ ઍન્ડ એજ્યુકેશનલ ફંડની મોજણી પ્રમાણે ટ્રમ્પને ભારતીય મૂળના મતદારોના ૧૪ ટકા મત મળેલા. હિલેરી ક્લિન્ટનને ૮૪ ટકા મળેલા. વળી ટેક્સાસ રિપબ્લિકન રાજ્ય ગણાતું હોવા છતાં ધીરેધીરે તે ડેમોક્રેટિક બનતું જાય છે. હ્યુસ્ટનના મેયર અને હાઉડી મોદી કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેમોક્રેટ છે. ટ્રમ્પને ટેક્સાસ ગુમાવવું પાલવે તેમ નથી. ટ્રમ્પે સમારંભમાં ચૂંટણી સભા સંબોધતા હોય તેવું જ ભાષણ કર્યું અને સમારંભનું રુખ પારખીને કહ્યું કે તે ઇસ્લામિક આતંકવાદ સામે લડતા રહેશે.

ભાગ્યે જ કોઈ દેશનો વડો અન્ય રાષ્ટ્રમાં કરે તેવું પ્રધાનમંત્રી મોદીએ કર્યું. તેમણે પોતાના ભાષણમાં ટ્રમ્પની પ્રશંસા તો કરી પણ ઉમેર્યું કે અમેરિકામાં ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’. પૂર્વે પુનિત અને નાથાન્યાઉએ અમેરિકા પ્રમુખપદની ચૂંટણીમાં અપ્રત્યક્ષ હસ્તક્ષેપ કર્યો છે. પણ કોઈ રાષ્ટ્રના વડા સીધેસીધો કોઈ ઉમેદવારને ટેકો આપે તેવું પહેલી વાર બન્યું. ડેમોક્રેટિક પાર્ટીમાં ગંભીરતાથી આ વાતની નોંધ લેવાઈ છે. ગમે તેમ પણ જે વ્યક્તિ બધી જ મોજણી પ્રમાણે પાછળ હોય તેને આવો સીધો ટેકો આપવો તેમાં આપણા પ્રધાનમંત્રીની શી ગણતરી હશે ?

ટ્રમ્પસાહેબ એક દિવસે જે વસ્તુ કહે તેનાથી સાવ જ વિપરીત બીજે દિવસે બોલે તે જગજાહેર છે. પ્રધાનમંત્રી હાથમાં હાથ મિલાવીને ટ્રમ્પ સાથે સભામંડપમાં ફર્યા અને આપણા મીડિયાએ અને લોકોએ માની લીધું કે ટ્રમ્પ આપણી સાથે છે. બીજે જ દિવસે એ ફોક સાબિત થયું. ટ્રમ્પે ઇમરાનખાન સાથેની મુલાકાતમાં જણાવ્યું કે તે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તૈયાર છે. એટલું જ નહિ, તેમણે ઇરાન સાથે અમેરિકાના બગડેલા સંબંધો સુધારવામાં ઈમરાનખાનની મદદ માંગી.

‘હાઉડી મોદી’ કાર્યક્રમ વૈચારિક દૃષ્ટિએ પણ જુદો પડે છે. નરેન્દ્ર મોદી ઇન્ડિયન ડાયસ્પોરાનો ઉપયોગ કરીને એક પાન-હિન્દુ નેશનાલિઝમ ઊભો કરી રહ્યા છે જેમાં વંશીયતા-એથ્નિસિટીને રાષ્ટ્રીયતા કે નાગરિકતા સાથે કોઈ નાતો નથી. અમેરિકા જેવા દેશમાં જ્યાં અનેક દેશોમાંથી આવીને લોકો રહે છે. ત્યાં ડાયસ્પોરાનો આવો ઉપયોગ અમેરિકી લોકતંત્ર માટે ખતરો ઊભો કરે છે. અમેરિકી સમાજશાસ્ત્રીઓ અને રાજ્યશાસ્ત્રીઓએ આ વિશે લખ્યું છે તેની ચર્ચા ફરી ક્યારેક.

ફ્લોરિડા, યુએસ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 03

Loading

મારી ગેરસમજ થઈ હશે કદાચ

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|30 September 2019

બિલ અને મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન દુનિયાભરમાં સૌથી સમૃદ્ધ પ્રતિષ્ઠાન છે. અત્યાર સુધી એ પ્રતિષ્ઠાને ૫,૦૦૦ કરોડ ડૉલરની ગ્રાન્ટ ૧૩૯ દેશની વિવિધ સંસ્થાઓને દાન કરી છે. ગેટ્‌સ ફાઉન્ડેશનની ગ્રાન્ટ ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રોજેક્ટ માટે અપાય છે. પ્રતિષ્ઠાન પાસે પુષ્કળ મોટું ભંડોળ છે, લગભગ ૪,૭૦૦ કરોડ ડૉલર્સ. ગેટ્‌સ ફાઉન્ડેશનનું દાન મેળવવું અઘરું હોય છે. કારણ કે એના અધિકારીઓ ખૂબ છણાવટ કરી દાનની રકમ નક્કી કરે છે, અને દાન આપ્યા પછી પણ ભરપૂર પ્રશ્નો પૂછે છે, જેથી દાનની રકમ ગેરવલ્લે ન જાય. જે સંસ્થાને એમનું દાન મળે છે, તેમણે હિસાબકિતાબ ઝીણવટથી નોંધવો પડે છે. દાન લેનારની તપાસણી વારંવાર થાય છે, અને દરેક ગ્રાન્ટ મેળવનાર સંસ્થાએ સંખ્યાત્મક લક્ષ્યો સિદ્ધ કરવા પડે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન આ ફાઉન્ડેશને એમને ગ્લોબલ ગોલકિપર નામે પુરસ્કાર આપ્યો. આ ઇલ્કાબ એમને ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે અપાયો.

દેશભરમાં શૌચાલય અને સ્વચ્છતા જરૂરી છે. એ વિશે કોઈ પ્રશ્ન જ નથી; એ વાતનો વિરોધ કોઈ નથી કરતું. પણ તે છતાં આ પુરસ્કાર વિવાદાસ્પદ બની ગયો છે. ત્રણ નોબેલ પારિતોષિક વિજેતાઓએ – મેઇરેડ મેગ્વાયર (૧૯૭૬), શિરીન ઇબાદી (૨૦૦૩) અને તવક્કોલ અબ્દેલ-સાલેમ કરમાન (૨૦૧૧) – એનો વિરોધ કર્યો છે. લગભગ એક લાખ લોકોએ એક વિનંતીપત્ર મોકલ્યું છે અને પુરસ્કાર પાછો લેવાની હાકલ કરી છે. પુરસ્કારના વિરોધીઓએ ૨૦૦૨ના ગુજરાતમાં થયેલો નરસંહાર, છેલ્લા પાંચ વરસમાં ‘ગૌરક્ષા’ના બહાને થયેલી હત્યાઓ, તથા જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જાનું ઉલ્લંઘન – આ બધાં કારણો  તે માટે આપ્યાં છે. ગેટ્‌સ ફાઉન્ડેશને પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. કહે છે, ‘સ્વચ્છ ભારત અભિયાન’ પહેલાં ભારતના પચાસ કરોડ લોકો પાસે સ્વચ્છ શૌચાલય નહોતા; હવે મોટા ભાગના લોકો સ્વચ્છ શૌચાલય જઈ શકે છે. હજુ ઘણા લોકોને આ સુવિધા નથી મળી, પણ આ અભિયાનની અસર વખાણવા લાયક છે.

પણ ગેટ્‌સ ફાઉન્ડેશન જેટલું મહત્ત્વ આંકડાશાસ્ત્ર પર આપે છે, એ હિસાબે આ નિર્ણય વિચિત્ર કહેવાય. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પેશનેટ ઇકોનોમિક્સ(કરુણાશીલ અર્થશાસ્ત્ર સંશોધન કેન્દ્ર)ના રિપોર્ટ મુજબ લાખો લોકો હજુ પણ લઘુશંકા માટે રસ્તાનો, ખાડાઓનો, ઝાડની પછવાડનો ઉપયોગ કરે છે, કે બીજી કોઈ પણ એકાંત જગ્યાએ કે ટ્રેનના પાટા પર જઈ રહ્યા છે. હા, એ વાત સાચી છે કે શૌચાલય બંધાઈ રહ્યાં છે, પણ એનો ઉપયોગ નથી વધ્યો. એનું એક કારણ જેમ બરકલીના કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયનાં પ્રાધ્યાપિકા પાયલ હાથી અને ઓસ્ટિનના ટેક્સાસ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક નિખિલ શ્રીવાસ્તવના સંશોધને બતાવ્યું છે – સરકારી આંકડાઓ પર વિશ્વાસ ન કરાય. એમણે બતાવ્યું છે કે ઘણા નવા શૌચાલયોમાં પાણીની વ્યવસ્થા નથી. અને ઘણા શૌચાલયોનો ઉપયોગ લોકો વધારાની રૂમ ગણીને કરે છે ત્યાં વસ્તુઓનો સંગ્રહ કરે છે. સ્ક્રોલ વેબસાઈટના એક અહેવાલમાં જોઈએ તો દેખાય છે કે સરકારે પોતાના કાર્યનો હિસાબ ચૂંટીચૂંટીને કર્યો છે. જો કોઈ રાજ્યના આંકડા આડાઅવળા જાય અને તકલીફ ઊભી કરાવે, અને પ્રચલિત કરવાની દંતકથાને તોડી પાડે, તો આવા આંકડાઓ ગાયબ કરી દીધા છે. છાપ્યાં જ નથી. દેશભરમાં જે ગામોમાં શૌચાલય ઉપયોગ વધ્યો છે, એવું કહેવાય છે, તેમાંના માંડ ચૌદ ટકા ગામની પૂરતી ચકાસણી કરવામાં આવી છે. તદુપરાંત દલિત પ્રજાના લગભગ એક લાખ એંશી હજાર કુટુંબ હજુ પણ મેન્યુઅલ સ્કેવેન્જિંન્ગ (હાથથી ગંદકીની સફાઈ કરવી) કરી રહ્યા છે. ૨૦૧૮ના એક અહેવાલ મુજબ પચાસેક લાખ લોકો હજુ પણ આ કામ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ કામ કરતા ૮૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે એમાં નવાઈ પામવા જેવું કશું નથી. આંકડાઓ સાથે રમત રમી શકાય છે, કોઈ પણ એકાઉન્ટન્ટને પૂછી જોજો.

સમાજની પ્રથાઓ બદલવી સહેલી નથી. પણ આજની ભારત સરકારને અકાળે, અપરિપક્વ સમયે વિજયની ઘોષણા કરવાની કુટેવ છે – એટલી તો ગેટ્‌સ મહાશયને ખબર હોવી જોઈએ! જો કે ગેટ્‌સ ફાઉન્ડેશન ખાનગી સંસ્થા છે, કોને ઇનામ દેવું એ એમણે નક્કી કરવાનું છે અને એ એમનો અધિકાર છે. પણ આપણે એ ન ભૂલવું કે તાજેતરમાં ગેટ્‌સ ફાઉન્ડેશનના સંબંધ ભારત સરકાર જોડે થોડા બગડ્યા છે. આંધ્ર પ્રદેશમાં એક રસી પ્રોગ્રામમાં વિવાદ ઊભો થયો હતો, કે જે લોકોને રસી અપાઈ એમની પરવાનગી લીધી હતી કે નહીં. સરકારે આવા જ બીજા એક પ્રોગ્રામ પર પોતાનું નિયંત્રણ સ્થાપ્યું હતું. સરકાર સાથે સંબંધ સુધારવા એ ગેટ્‌સ ફાઉન્ડેશન માટે અગત્યની બાબત થઈ ગઈ છે. પણ એનો અર્થ એમ નથી કે એ ટીકાની અવગણના કરી શકે.

આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે માનવાધિકાર “સાર્વત્રિક, અનન્યસંક્રામ્ય, અવિભાજ્ય, પરસ્પર આધારિત, અને એકબીજા સાથે સંબંધિત” કહેવાય છે. પણ ઘણી સરકાર ઘણા વખતે માનવાધિકારોનો વેપાર કરે છે. રોજગાર વધારવા માટે હડતાલ પર જવાના હક પર પ્રતિબંધ લગાવવો (રોજગાર મેળવવો અને હડતાલ પર જવું – આ બંને મૂળભૂત હક છે); કે દેશની સુરક્ષા (જે એક હક છે) ને બહાને વાણીસ્વાતંત્ર્ય પર અંકુશ લાદવો – આ બધા સરકારના લક્ષણ હોય છે.

પણ માનવાધિકાર કાંઈ પરસ્પર વેગળા નથી હોતા. એ તો વિકૃત સમાસ (બાઈનરી) કહેવાય. કોઈ સરકાર પ્રજાને એમ ન કહી શકે કે પ્રજા માટે બે જ વિકલ્પ છે – શૌચાલય મળશે પણ વિરોધ કરશો તો જેલયાત્રા કરવી પડશે. પણ આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ કર્યા વગર ગેટ્‌સ ફાઉન્ડેશને પારિતોષિક જાહેર કરી પોતાના નામને હાનિ પહોંચાડી છે. પારિતોષિક આપનાર સંસ્થાઓ અલબત્ત ભૂલ કરે છે. આખરે હેન્રી કિસિન્જરને શાંતિનું નોબેલ પ્રાઈઝ અપાયું હતું. ૧૯૮૯માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઇન્ડોનેશિયાના સરમુખત્યાર સુહાર્તોથને પોતાના દેશમાં કુટુંબ નિયોજન પ્રસરાવવા માટે ઇનામ આપ્યું હતું. સુહાર્તોએ ૧૯૯૮ સુધી બત્રીસ વર્ષ રાજ્ય કર્યું હતું અને એના અમલ દરમ્યાન લાખો લોકોની હત્યા થઈ હતી.

ગેટ્‌સ ફાઉન્ડેશને દિમાગ ચલાવી વિચાર કર્યો હોત તો ભારતના અગણ્ય સફાઈ કર્મચારીઓ કે મિડવાઇફ(દાયણ)ને પ્રાથમિક સારવાર ઠેર ઠેર પહોંચાડવાના મહત્ત્વપૂર્ણ કાર્ય માટે સન્માનિત કરી શકત. સફાઈ કર્મચારી આંદોલનને પારિતોષિક આપી શકાયું હોત. સરકારને હાકલ કરી શકાઈ હોત કે ગંદકીની સફાઈ માટે મશીનનો ઉપયોગ વધારે. પરદેશમાં પણ લોકો શૌચાલય જાય છે; ત્યાં પણ ગંદકી હોય છે. પણ એ સાફ કરવા મશીન વપરાય છે. માણસોએ એવું કામ નથી કરવું પડતું. પણ જો એવું કરત તો થોડા છાપામાં પહેલે પાને ફોટા છપાત?

હા, એવું કરત તો લોકોનું કલ્યાણ થાત. મારે મને એ જ તો ફાઉન્ડેશનનો ઉદ્દેશ હતો – પણ મારી ગેરસમજ થઈ હશે કદાચ!

લંડન, યુ.કે.

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 04-05

Loading

...102030...2,7082,7092,7102,711...2,7202,7302,740...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved