Opinion Magazine
Number of visits: 9736567
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 February 2026

ચંદુ મહેરિયા

પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચારની વ્યાખ્યા સમજાવતા એવું કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી, પરંતુ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. જો કે આજકાલ તો કૂતરાં માણસને કરડે છે તે સમાચારો અખબારો સહિતનાં માધ્યમોમાં છવાયેલા છે. માણસને કૂતરાં કરડે છે તે એટલી મોટી સમસ્યા અને સમાચાર છે કે તેની સુનાવણી દેશની સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે! સુપ્રીમ કોર્ટની જે બેન્ચ આ બાબતની સુનાવણી કરી રહી છે તેના એક સભ્ય જસ્ટિસ વિક્રમનાથનું કહેવું છે કે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે મને જેટલી પ્રસિદ્ધિ નથી મળી એટલી આ કૂતરાની સુનાવણીના જજ તરીકે મળી છે! એટલે માણસ કૂતરાને કરડે તે જ સમાચાર અસામાન્ય નથી પણ કૂતરું માણસને કરડે અને તે અંગે સુપ્રીમ કોર્ટના જજો સુનાવણી કરે તે પણ અસામાન્ય સમાચાર છે. 

ડી.જે.ના ઘોંઘાટથી આપણે સૌ ત્રાહિમામ્‌ છીએ પરંતુ તેને અટકાવવા કે તેના વિરોધમાં ભાગ્યે જ કશુંક કરીએ છીએ. આપણે ડી.જે.ના હેવાયા થઈ ગયા છીએ પણ જાનવરોનું એવું નથી. ૨૦૨૫ની અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ડી.જે.ના અવાજોથી રથયાત્રામાં સામેલ હાથીઓ એટલા ડિસ્ટર્બ થઈ ગયા હતા કે તે ભીડમાં જ રુમલાયા હતા પરિણામે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઝાલોદ રોડ પર છુટ્ટા ચરતા ૫૫ જેટલા ગધેડા નજીકની રેલીના ડી.જે. પરના ધમાકેદાર સંગીતથી ભડકીને ભાગ્યા હતા. બે મહિના સુધી શોધખોળ કરી પણ ગધેડા મળ્યા નહીં એટલે દાહોદ પોલીસમાં ફરિયાદ થઈ હતી. 

ઘણા ડિગ્રી વગરના નકલી ડોકટરના દવાખાના ડોકટરોની અછતના લીધે ધમધોકાર ચાલે છે. સરકાર ક્યારેક તપાસ કરે છે અને નકલી ડોકટરોને પકડે છે. જામનગર તાલુકાના દરેડ ગામે પકડાયેલા બોગસ મહિલા તબીબનું નામ  બોઘીબહેન હતું. નામ ભલે બોઘી હતું પણ તેમનું કામ અક્કલવાળું હતું નહીં? અમેરિકાની ઓનલાઈન ફિટનેસ બેન્ક ગ્રાહકોને તેમની બચત અને રોકાણ પર તે રોજ કેટલાં ડગલાં ચાલે છે અને કઈ ફિટનેસ પ્રવૃત્તિઓ કરે છે તેના આધારે વ્યાજ આપે છે. રસ્તા વચ્ચે બેસતી ગાયોથી આપણે પરેશાન છીએ. ગાયોના શરીર પર માખી કે બીજા જીવજંતુ બેસે છે તે વાહનોની અવરજવરથી લાગતા પવનથી ઉડી જાય છે એટલે તે રસ્તા વચ્ચે બેસે છે. હવે જાપાનના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જો ગાયોના શરીર પર ઝેબ્રા જેવા પટ્ટા રંગવામાં આવે તો તેને કારણે ગાયોને માખીઓના ત્રાસમાંથી મુક્તિ મળશે અને રાહદારીઓ તથા વાહનચાલકોને રાહત થશે. 

રાજધાની દિલ્હીનું એક દંપતી નવી કાર ખરીદવા શોરૂમ પર ગયુ. તેમણે મહિન્દ્રા થાર ખરીદી હતી. કારની ચાવી દંપતીને સોંપવામાં આવી પછી તેમણે નવી કારની પૂજા કરી અંતે કારનું પૈડું લીંબુ નીચે ચઢાવવાની વિધિ માટે તેમણે એક્સિલેટર દબાવ્યું અને કાર શોરૂમના કાચ તોડી પહેલા માળેથી પાંચ ફૂટ નીચે પટકાઈ હતી. તેમાં નવી કારના મહિલા માલિક અને શોરૂમના કર્મચારી ઈજાગ્રસ્ત થયાં હતાં. 

લગ્નોના સમાચારો એટલા તો મસાલેદાર હોય છે કે તેમાં કશું સામાન્ય હોતું જ નથી. ઉત્તર પ્રદેશના એક ગામમાં લગ્નની પહેલી રાત્રે જ વરરાજા ગુમ થઈ ગયા હતા. સુહાગરાતે સુહાગ ગાયબ થઈ જવાથી ધમાચકડી મચી ગઈ. ત્રણ દિવસ બાદ તેમનો હરિદ્વારથી પત્તો મળ્યો. વરરાજાનું કહેવું હતું કે તેઓ સુહાગરાતે બહુ બેચેની અનુભવતા હતા એટલે ગુમ થઈ ગયા હતા. કેવા મજાના સમાચાર છે નહીં? લગ્નની તારીખ નક્કી હતી અને બે દિવસ પહેલાં વરરાજાનો પગ તૂટ્યો, પગે પ્લાસ્ટર આવ્યું. પગમાં પ્લાસ્ટર સાથે વરરાજા હોસ્પિટલના બેડ પર સૂતા હતા અને કન્યાએ સાત ફેરા લીધા. હોસ્પિટલનો વોર્ડ ઘડીવાર માટે તો લગ્ન સ્થળ બની ગયો હતો

એક પુત્રના બાપે ત્રણ વરસના લગ્ન જીવન પછી ટ્રાન્સજેન્ડર બનવા છૂટાછેડા માંગ્યાની વિચિત્ર ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની હતી. કર્ણાટકના બેંગલુરુના બિરાદર કેડી છૂટાછેડાથી એટલા તો ખુશ થયા કે તેમણે દૂધથી સ્નાન કર્યું હતું. ઉપરાંત હેપી ડિવોર્સ લખેલી કેક કાપી હતી. યુ.પી.ના બરેલીની ફેમિલી કોર્ટના જજસાહેબે ડિવોર્સના કેસની સુનાવણીમાં જે મહિલાને સાસુસસરા ગમતાં નથી અને એકલો પતિ કે વિભક્ત કુટુંબ ગમે છે તેમણે તેમના બાયોડેટામાં જ સાસુસસરા કે સંયુક્ત કુટુંબ વગરનું ઘર જોઈએ છે તેમ લખવાની સલાહ આપી હતી. છત્તીસગઢની આદિવાસી પરંપરા મુજબ જો આદિવાસી કન્યા બિનઅદિવાસીને પરણે તો જમાઈએ બકરાં-મરઘાં ભાત ખવડાવવો પડે. એક જમાઈએ તેનું પાલન ન કરતાં ૫૦૦ આદિવાસીઓ તેમના ઘરે ધામા નાંખીને બેસી ગયા હતા. 

કેરળના સબરીમાલા મંદિરના ગોલ્ડ કૌભાંડનું એક પાસું એ પણ છે કે મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવા દાન કરનારા દાતાશ્રી કોઈ કાયમી આવક જ ધરાવતા નથી! સોમનાથ મંદિરના પૂજારીને દૈનિક પૂજામાં બેદરકારી બદલ ૧૯૯૧માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.. આ બાબત કોર્ટકચેરી થઈ અને ૨૪ વરસ તપાસ ચાલી અંતે લેબર કોર્ટ અને હાઈકોર્ટે પૂરતા પુરાવાના અભાવે પૂજારીનું સસ્પેન્શનની રદ્દ કર્યું તથા આઠ લાખ વળતર અપાવ્યું હતું. 

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાની એક મહિલાને  રોજના સાઠ – સિત્તેર રોટલા ઝાપટી જવાની બીમારી છે. બ્રિટનના યોર્કશાયરની કિશોરી સોળ વરસે સાઠ વરસની દાદી જેવી લાગવાની દુર્લભ બીમારીનો ભોગ બનેલી છે. પુડુચેરીની અન્ડર -૧૯ ટીમમાં સમાવેશ ન થવાથી ગુસ્સે થયેલા ખેલાડીઓએ તેમના કોચ પર શરીરે બે ડઝન ટાંકા આવે અને ખભો તૂટી જાય તેવો હુમલો કર્યો હતો. એક ગુરુને અનેક શિષ્યો હોય એવું તો સાંભળ્યું છે પરંતુ અનેક ગુરુઓ ચેલાઓની પ્રતીક્ષામાં પગાર મેળવતા હોવાનું સાંભળ્યું છે કદી? ભારતની લોકસભામાં લેખિત જવાબમાં કહેવાયું છે કે દેશમાં ૫,૧૪૯ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી પરંતુ ૧.૪૪ લાખ શિક્ષકો આ શાળાઓમાં ફરજ બજાવે છે. 

ઓસ્ટ્રેલિયામાં વિદેશી મુસાફરોને વિમાનમાં ફૂલો અને પાંદડા લાવવા માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. કેરળના અભિનેત્રી નવ્યા નાયર ૧૫ સેમીનો ચમેલીનો ગજરો લઈને પ્રવાસ કરતાં તેમને નિયમ ભંગ બદલ રૂ. ૧.૧૪ લાખનો દંડ થયો હતો. 

જગત જમાદાર એવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિના નોબેલ માટે પોતાને હકદાર માનતા હતા. ૨૦૨૫ના વરસમાં ૯૪ સંસ્થાઓ અને ૨૨૪ વ્યક્તિઓ શાંતિના નોબેલ માટે નામાંકિત હતા. પરંતુ તેમાં શ્રીમાન ટ્રમ્પનું નામ નહોતું. એટલે તેમણે બીજાનું નોબેલ પોતાને નામે ટ્રાન્સફર કરાવી લીધું. આમે ય રાજકારણ અને રાજકારણીઓના સમાચારો માણસ કૂતરાને કરડે તેવા જ હોય છે. તેમાં ટ્રમ્પ મહાશય શિરમોર છે. 

04.02.2026
e.mail : maheriyachandu@gmail.com

Loading

શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 February 2026

રવીન્દ્ર પારેખ

માસ્તર એટલે મસોતું.

ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ માસ્તરને મસોતું જ સમજે છે ને માસ્તરો પણ એવા નિર્માલ્ય છે કે પોતાનો અઘટિત ઉપયોગ થવા દે છે. સરકારી સ્કૂલોમાં શિક્ષણનું પડીકું વળી ગયું છે, પણ કોઈને તેની ચિંતા નથી. SIRની કામગીરીમાં મહિનાઓ સુધી શિક્ષકોને જોતર્યા ને વર્ગખંડો શિક્ષણથી વંચિત રહ્યા. વિદ્યાર્થીઓ હોય, પણ તેને ભણાવનાર શિક્ષકો મહિનાઓ સુધી વર્ગમાં આવે જ નહીં, તો વિદ્યાર્થીઓ શું ધૂળ શીખે? જે એક બે શિક્ષકો સ્કૂલમાં હોય, તે એકથી વધુ ક્લાસો ભેગા કરીને શીખવે તો, તેમાં શું ભલીવાર હોય તે સમજી શકાય એવું છે. શિક્ષણ જોડે કોઈ જ લેવા દેવા ના હોય એવો એક જ વિભાગ છે ને તે-શિક્ષણ વિભાગ. ગુજરાતમાં જ 40,000થી વધુ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાતી ન હોય, 3,000થી વધુ શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોય, ત્યાં કૂતરાં ગણવા માસ્તરોને મોકલવાની વાત ગાયને દોહીને બકરીને પાવા જેવી છે. ભણશે ગુજરાતને બદલે (કૂતરાં, સંડાસ) ગણશે ગુજરાત જેવી સ્થિતિ છે. ભણે ક્યાંથી, જો વર્ગમાં શિક્ષકને પ્રવેશવાની તક જ રહી ન હોય? ગુજરાત આખા દેશમાં શ્રેષ્ઠ નબળા રાજ્ય તરીકે છેલ્લે છે, છતાં શિક્ષણ વિભાગને એની ચિંતા નથી ને રોજ ફતવા બહાર પાડીને ને ડેટા કલેક્ટ કરીને, માસ્તરનું પ્લાસ્ટર ઉખેડી રહ્યો છે. SIRની કામગીરી માંડ ઠેકાણે પડી તો સુપ્રીમના આદેશને આગળ કરીને સરકારે કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકોને માથે નાખી છે ને ત્રણ દિવસમાં એનો રીપોર્ટ માંગ્યો છે.

કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર તરફથી 11/02/’26નો પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાયો છે, જેનો વિષય ‘નામદાર સુપ્રીમકોર્ટના આદેશના અનુસંધાને સંસ્થાઓમાં રહેતા શ્વાનોનો સર્વે તાત્કાલિક કરવા બાબત’ છે. જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ છે, ’સુપ્રીમ કોર્ટના આદેશોના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા હેતુસર આપના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ/કચેરીઓ, કેમ્પસ વગેરે વિસ્તારોમાં રહેલા શ્વાનોનો સર્વે તાત્કાલિક હાથ ધરવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે અને જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ મોકલી આપવા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડએ જણાવેલ છે.’

આ પરિપત્રમાં ક્યાં ય વિદ્યાર્થીઓનો કે શિક્ષકોનો ઉલ્લેખ નથી. જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર પાઠવાયો છે અને તેમણે સ્કૂલોને તે જણાવવાનો હતો, એટલે કૂતરાં ગણવાનું કામ શિક્ષકો, આચાર્યો દ્વારા કરાવવાનો હેતુ હોઈ શકે છે. હવે શિક્ષકો, આચાર્યો SIRની કામગીરી ત્રણેક મહિનાથી કરવામાં વ્યસ્ત છે. તે હજી પતી નથી ને કૂતરાં ગણવાનું કામ ત્રણ દિવસમાં કરવાનો ફતવો આવ્યો છે. તે પતે કે વસ્તી ગણતરી કરવાનું ચાલશે. એ અગાઉ તીડ ભગાડવાનાં, ભૂંડ ભગાડવાનાં, પંક્ચર સાંધતાં શીખવવાનાં, શૌચાલય ગણવાનાં, સભા માટે ભીડ ભેગી કરવાનાં કામો શિક્ષકો કરી ચૂક્યા છે. સરકાર સાંઠેક પ્રકારની શિક્ષણેતર કામગીરીઓ શિક્ષકો પાસે કરાવે છે. અહીં એક સાદો સવાલ એ થાય કે આટલી કામગીરી શિક્ષકો જ કરવાના હોય, તો ભણાવવાની કામગીરી કોણે કરવાની છે? શિક્ષકોને નોકરી અપાય છે તે ભણાવવા માટે કે ઈતર સરકારી કામગીરી માટે? શિક્ષણેતર કામગીરી જ મહત્ત્વની હોય તો શિક્ષકો નીમવાની જરૂર શી છે? એ નિમણૂકો સરકારી કામગીરીને નામે જ આપવી જોઈએ, જેથી શિક્ષક, શિક્ષણ માટે છે, એવી ગેરસમજ જ ના રહે.

વારુ, બીજી સરકારી નોકરીઓમાં ક્યાં ય સાંઠેક વધારાની કામગીરીઓ નથી સોંપાતી, તો એનો ઢગલો બોજ શિક્ષકોને જ કેમ? રાષ્ટ્રીય કામગીરીને નામે શિક્ષકો પાસેથી આવી કાળી મજૂરી ફરજિયાત કરાવાય છે, તો, વર્ગ શિક્ષણ પણ રાષ્ટ્રીય કામગીરી ખરી કે કેમ? ન શીખવવાનો પગાર તો શિક્ષકોને નહીં ચૂકવાતો હોય. તો વર્ગ શિક્ષણ નથી થતું એનો વાંધો શિક્ષકોને કેમ નથી પડતો? ભણાવવાનો પગાર અપાતો હોય ને ભણાવવાનું થતું જ ન હોય, તેનું શિક્ષકોને GUILT કેમ નથી? GUILT હોય તો તેનો પડઘો સરકાર સુધી કેમ નથી પડતો? કહેવાય છે કે શિક્ષકોનાં યુનિયનો તોડી નાખવામાં આવ્યાં છે, એટલે પણ વિરોધના સૂર બુઠ્ઠા થઇ ગયા હોય એમ બને. જો કે, એ વાત ગળે ઊતરે તેમ નથી. તે એટલે કે બીજાં ક્ષેત્રોમાં યુનિયનો વિના રોકટોક ચાલતાં હોય, તો શિક્ષકોનાં યુનિયનો જ કેમ તોડી નખાય એ પ્રશ્ન જ છે. બનવા જોગ છે કે યુનિયનો શિક્ષકોને વફાદાર રહેવાને બદલે સરકારને વધુ વફાદાર હોય !

આમ તો વર્તમાનપત્રોમાં-મીડિયા માત્રમાં, સરકાર, શિક્ષક પાસે કૂતરાં ગણાવશે એવા સમાચારો વહેતાં થયા છે, ત્યાં શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમના આદેશ સંદર્ભે માત્ર વિદ્યાર્થીઓ, નાગરિકોની સલામતી નિશ્ચિત કરવા જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે, નહીં કે કૂતરાં ગણવાની ! સુપ્રીમે સંસ્થાકીય વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલો, બસ સ્ટેન્ડ, બસ ડેપો, રેલવે સ્ટેશનો…માં કૂતરાંના વધતા હુમલાઓ ને ધ્યાને લઈ સુરક્ષા મજબૂત કરવાના આદેશ આપ્યા છે, જેમાં બાઉન્ડરી નક્કી કરી રખડતાં કૂતરાંને પ્રવેશતાં રોકવાની વાત છે. એ જુદી વાત છે કે સુરતમાં રખડતાં કૂતરાં સર્વે ટીમને બહુ મળ્યાં નથી. છેલ્લા 10 મહિનામાં 9,224 કૂતરાં જ મળ્યાં છે. એક તરફ 10 મહિનાની કામગીરીમાં કામગીરીનું ઠેકાણું પડતું નથી ને બીજી તરફ ત્રણ દિવસમાં કૂતરાં ગણવાની કામગીરીનો રિપોર્ટ સરકાર માંગે છે. સુપ્રીમનો આદેશ હોય ને ઉતાવળે રિપોર્ટ મોકલાય તે અપેક્ષિત હોય, તો પણ ત્રણ દિવસમાં રિપોર્ટ માંગવાનું વ્યવહારુ નથી ને તે સરકારની અસંતુલિત નિર્ણય શક્તિનું જ પરિણામ છે. શિક્ષણ વિભાગ તુક્કાઓ પર જીવે છે. તેને અસ્થિર મનોદશામાં રહી રહીને એટેકો આવે છે. ઘડીમાં તે SIRની કામગીરી કરાવે છે, તો ઘડીમાં કૂતરાં, પશુ કે ટોઇલેટ ગણવાનું કહે છે, ઉપરથી વસ્તી ગણતરીનું કામ તો કરમે ચોંટેલું જ છે. તે ઓછું હોય તેમ શિક્ષણ વિભાગને હવે શિક્ષકોને તાલીમ આપવાનો અભરખો જાગ્યો છે. એક તરફ વાર્ષિક પરીક્ષાઓ માથે તોળાઈ રહી છે, ત્યાં તાલીમનું ગતકડું શિક્ષણ વિભાગે કાઢ્યું છે. આમાં વિદ્યાર્થીઓનાં ભણતરની તો કોઈ વાત જ નથી. જેને માટે જાતભાતના વેપલા થાય છે, એ વિદ્યાર્થીઓને લખતાં, વાંચતાં કે ગણતાં આવડતું નથી ને તે સુધારવાને બદલે સરકાર શિક્ષકોને ભળતી જ કામગીરીમાં જોતરે છે.

જિલ્લા શિક્ષણાધિકારીઓને પાઠવાયેલ પરિપત્રમાં ક્યાં ય કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકો પાસે કરાવવી એવો ઉલેખ નથી ને શિક્ષણ વિભાગ બાઉન્ડ્રી નક્કી કરી કૂતરાંને પ્રવેશતાં રોકવાની વાત કરે છે. એ પ્રવેશ શિક્ષકોએ જ રોકવો એવો પણ ઉલ્લેખ નથી. તે સાથે જ કૂતરાંના પ્રવેશને રોકવાની કામગીરી કોની પાસે કરાવવી તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી, તો શિક્ષકોને જ કૂતરાં ગણવાનું શૂર છૂટ્યું એમ માનવાનું છે? સરકાર કૂતરાંનો જે તે સંસ્થાઓમાં પ્રવેશ રોકવાની વાત કરે છે, તેમાં શિક્ષકોની કોઈ વાત નથી. આ છટકબારી છે. પ્રવેશ રોકવા બાઉન્ડ્રી કરવાની વાતમાં શિક્ષકો અભિપ્રેત નથી એવું સરકાર કહી શકે એમ છે? ને શિક્ષકો નહીં તો કોણ કૂતરાંનો પ્રશ્ન ઉકેલે તેનો ખુલાસો થવો જોઈએ. શિક્ષકો એવા દેવના દીધેલ નથી કે કૂતરાં ગણવા દોટ મૂકે. એમણે જિલ્લા શિક્ષણાધિકારીએ મોકલેલા પરિપત્રને અનુસરવાનું આવ્યું હોય ને શિક્ષકોને કૂતરાં ગણવાની ફરજ પડી હોય એમ બને. જો આ કામગીરી શિક્ષકોએ નથી કરવાની તો શિક્ષકોને નામે આ વાત ચડી કઈ રીતે? વળી શિક્ષકો આમાં નથી જ, તો તેમના તરફથી વિરોધ ઊઠ્યો કઈ રીતે? એમ લાગે છે કે ઊહાપોહ થતાં સરકારે ફેરવી તોળ્યું છે.

સુપ્રીમના, કૂતરાંને રોકવાના આદેશનું પાલન કરાવવા તો શિક્ષકો જ હાથવગાં છે, એટલે તેમને ન જ કહેવાયું હોય એમ માનવાને કોઈ કારણ નથી. એમ હોય તો પ્રશ્ન એ થાય કે ટોઇલેટ કે કૂતરાં ગણવાની કામગીરી શિક્ષકો પાસે કરાવવાનું સરકારને શોભે છે? શિક્ષકની ગરિમા જાળવવાની સરકારની કોઈ જવાબદારી ખરી કે કેમ? એમ લાગે છે કે  શિક્ષકો પાસે કૂતરાં ગણાવવાની વાત સુપ્રીમ સુધી નહીં જ પહોંચી હોય. પહોંચી હોત તો સુપ્રીમે જ સંજ્ઞાન લઈને, શિક્ષકો પાસે કૂતરાં ગણાવવા પર રોક લગાવીને સરકારનો ઊધડો લીધો હોત ને શિક્ષકની ગરિમા જાળવી લીધી હોત !

જો કે, શિક્ષકોને કૂતરાં ગણવાનું કહ્યું નથી એમ વિરોધને કારણે સરકાર ભલે કહે, પણ અગાઉ ટોઇલેટ ગણવાના, તીડ ઉડાડવાના કામો માસ્તરો પાસેથી કરાવાયાં જ છે, તો એ અંગે સરકારે શું કહેવાનું છે? પ્રાથમિક શિક્ષણ તો સરકારની છેલ્લી પ્રાયોરિટીમાં પણ નથી તે દુખદ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ફેબ્રુઆરી 2026

Loading

ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 February 2026

ચંદુ મહેરિયા

રોજ આપણે છાપામાં ચોરીના સમાચાર વાંચતા હોઈએ છીએ. મંદિરે જતાં વૃદ્ધા, મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સીટિઝન, બજારે ખરીદી કરતાં ગૃહિણીની બુકાનીબંધ બાઈક સવારે સોનાની ચેઈન ખેંચ્યાના કે મોબાઈલ ઝૂંટવ્યાના, ઉનાળામાં ઘરની અગાસીએ સૂતેલા કે ઘર બંધ કરી બહાર ગયેલા લોકોના ઘરનાં તાળાં તૂટ્યાંના સમાચાર કોઈ પણ દિવસના અખબારના કોઈક પાને જરૂર જડી આવે છે. દેશમાં દર પાંચ સેકંડે ચોરીનો એક બનાવ બને છે અને ઇન્ડિયન પિનલ કોડ કે ભારતીય ન્યાય સંહિતા મુજબ ચોરી એ ગુનો છે. આ અપરાધની સજા પણ કાયદામાં મુકરર થઈ છે. 

ચોરી એટલે કોઈ વ્યક્તિની માલિકીની કે કબજા હેઠળની જંગમ સંપત્તિ તેની સંમતિ વિના, અપ્રમાણિકતા આચરીને કે ખોટી રીતે લઈ લેવી, પડાવી લેવી. હવે ચોરીઓ પણ હાઈટેક બની છે. તે માત્ર ચેઈન સ્નેચિંગ સુધી મર્યાદિત નથી રહી. તેમાં નવી નવી તરકીબો અજમાવીને, મસમોટી વસ્તુઓની ચોરીઓ થાય છે. 

સુરતની એક જ્વેલરી શોપમાં ચોરી કરવાના ઈરાદે ચોરે ત્રીજી દુકાન ભાડે રાખી હતી. એક રાત્રે ચોરીનો મોકો મળતાં તેણે પોતાની ભાડાની દુકાનમાંથી બાજુની દુકાનમાં અને તેમાંથી જ્યાં ચોરી કરવાની હતી તે સોના-ચાંદીની દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું. છે ને નવતર તરકીબ! લગભગ બે લાખના ચાંદીના દાગીના તેણે ચોર્યા પણ નસીબ વાંકુ તે અમદાવાદ પોલીસની તપાસમાં રસ્તે જ પકડાઈ ગયો. 

મંદિરે, રસ્તે, બજારમાં, ઓફિસે જતાં – આવતાં કે ઘરે ચોરી થાય અને ચોર ભાગી જાય એ તો સમજાય એવું છે પણ કુદરતી હાજતે કોઈ જાય અને ચોરી થાય? ગાંધીનગરમાં ભાડેથી રીક્ષા ફેરવતા આધેડ રસ્તે સાચવીને રીક્ષા મૂકી કુદરતી હાજતે ગયા અને તેમની રીક્ષા ચોરાઈ ગઈ! આવી પણ ચોરી થાય છે. 

ચોર ચોરી કરતાં પૂર્વે અને દરમિયાન કેવી કેવી ટેકનિકો અપનાવે છે અને સાવધાની રાખે છે તેની માહિતી સુરતની હીરા પેઢીમાં થયેલી ૩૨ કરોડના હીરાની ચોરીના બનાવમાં જાણવા મળે છે. ચોરી કરતાં પહેલાં ચોરોએ કંપનીના સી.સી.ટી.વી. અને ફાયર એલાર્મ તોડી નાંખ્યા હતા અને ડી.વી.આર. ઉઠાવી ગયા હતા. તે પછી તેમણે ગેસકટરથી તિજોરીમાં બાકોરું પાડી ૩૨ કરોડના હીરા અને રૂ. પાંચ લાખ રોકડા ચોરી લીધા હતા. જો તસ્કરો આવી કોઈ સાવધાની ન રાખે તો પરિણામ શું આવે? વડોદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એ.ટી.એમ. તોડવા ઘૂસેલા ચોરે રૂપિયા ભરેલા બોક્સનું તાળું હથોડીથી તોડતાં જ સી.સી.ટી.વી.નું મોનિટરીંગ કરતાં મુંબઈ બેઠેલા કર્મચારીને ખબર પડી.તેણે સી.સી.ટી.વી.ના સ્પીકરથી ચોરને “તુમ કૌન હૌ? મશીન ક્યોં તોડ રહે હો?” એમ પૂછતાં ચોરભાઈ ગભરાઈને ભાગી ગયા.. 

સામાન્ય રીતે રૂપિયા-પૈસા, સોના–ચાંદીના ઘરેણા, હીરા-મોતી જેવી કિંમતી વસ્તુઓની ચોરી થાય છે. એટલે કે ચાલુ સંપત્તિ જ ચોરાય છે. પરંતુ ચોર જેનું નામ! તે અચલ ને પણ ચલ બનાવી જાણે છે. જૂનાગઢના દાતારના જંગલમાં ચંદનના કિંમતી ઝાડ કાપી ચોરી જવાનો બનાવ નોંધાયો છે. વળી આ ચોર છેક મધ્ય પ્રદેશના કટનીથી હથિયારો સાથે ટ્રેનમાં જૂનાગઢ આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ ઊઠાવીને કે લઈ જવાના ઈરાદે કે વેચી મારવાના ઈરાદે ઝાડ કાપે તો તે કાયદાની વ્યાખ્યામાં ચોરી ગણાય છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારની દુકાનમાં ૧૧ વિદેશી પોપટની ચોરી કરવામાં આવી હતી. આ પોપટ કોઈ સામાન્ય પોપટ નહોતા. એકની કિંમત રૂ. લાખ-દોઢ લાખ હતી એટલે રૂ. ૧૫ લાખના ૧૧ પોપટ ચોર્યા હતા. તહેવારોમાં કે સામાજિક-ધાર્મિક પ્રસંગોએ સાફસફાઈ કરવા આવતા મજૂરો નાની-મોટી ચોરી કરતાં હોવાનું તો સાંભળ્યું છે પણ ગાંધીનગર જિલ્લાના કુડાસણના એક બંગલામાં દિવાળીએ સાફસફાઈ કરવા આવેલા મજૂરો બંગલાના માલિકની રિવોલ્વર કારતુસ સાથે ચોરી ગયા હતા. પરંતુ તેમની ચોરી લાંબી ન ટકી અને પોલીસની ઝડતીમાં પકડાઈ ગયા.

સોનાનો હાર, બંગડી, હીરા, રોકડ, ચંદનનાં ઝાડ, પોપટ અને રિવોલ્વર જ નહીં મરઘાંની પણ ચોરી થઈ છે. તેલંગાણાના મહેબૂબનગર જિલ્લાના એક ગામના ગરીબ પશુપાલકના ઘરેથી ચોરે મરઘાંની ચોરી કરી હતી. પરંતુ તે ગામમાં જ વેચવા જતાં લોકોના હાથે ઝલાઈ ગયો હતો. 

આખરે લોકો ચોરી કરે છે શા માટે? નાણાંભીડ, આર્થિક જરૂરિયાત, દવાખાનાના ખર્ચને પહોંચી વળવા – ટૂંકમાં ગરીબીને કારણે લોકો ચોરી કરતાં હોય છે. પરંતુ બધા ચોર કે બધી ચોરીઓ કંઈ એવી નથી હોતી. કોઈ થ્રીલ માટે ચોરી કરે છે તો કોઈ મોજશોખને પહોંચી વળવા પણ ચોરી કરે છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ચોરી કરે છે. ચોરી કરવામાં કોઈ એક ધર્મ કે જ્ઞાતિના લોકોનો ઈજારો નથી. ગરીબોની જેમ અમીરો પણ ચોરી કરે છે. બસમાં કે ટ્રેનમાં જ નહીં વિમાનમાં પણ ચોરીઓ થાય છે. પ્રેમ લગ્ન કરનાર યુવકને કન્યાપક્ષને ચાર લાખ રૂપિયા આપવાના હતા. તે માટે તેણે ચોરી કરી હતી. પત્નીની મોંઘા આઈફોનની માંગણી પૂરી કરવા પતિએ ચોરી કરી. પકડાયો નહીં એટલે ચોરીના રવાડે ચડ્યો હતો. પોતાની પ્રેમિકા સાથે ચંદ્ર પર સેક્સ કરવાનું સ્વપ્ન પૂરું કરવા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના એક કર્મચારીએ પોણા બે કરોડના ચંદ્રના દુર્લભ પથ્થરોની ચોરી કર્યાનો બનાવ અમેરિકામાં બન્યો હતો. 

હવે તો ચોરીનો વ્યાપ વધ્યો છે અને તેનાં સ્વરૂપ બદલાયાં છે. અમીરો કરચોરી કરે છે,  શોષકો શ્રમિકોનો પસીનો ચોરે છે, નિર્ધન રોટલો ચોરે છે અને નેતા મત ચોરે છે. વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરે છે અને શિક્ષક ભણાવવામાં ચોરી કરે છે. 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ચોરીના આંકડા ચોંકાવનારા છે. આખા દેશમાં ૨૦૨૩માં રૂ. ૬,૯૧૭.૨ કરોડની ચોરી થઈ હતી. રાજધાની દિલ્હીમાં ચોરીથી થયેલું નુકસાન રૂ.૬૮૮.૬ કરોડનું હતું. એન.સી.આર.બી.ના અહેવાલ પ્રમાણે ૨૦૨૩માં ૬૨.૪૧ લાખથી વધુ ચોરીના નોંધાયેલા ગુના હતા. ૨૦૨૨ કરતાં તેમાં ૭.૨ ટકાની વૃદ્ધિ થઈ હતી.

દેશની એક લાખની વસ્તીએ ચોરીના બનાવોની રાષ્ટ્રીય સરેરાશ ૪૯.૫ છે. સૌથી વધુ અરુણાચલમાં ૯૪.૧ છે. ગુજરાતમાં ૨૬.૯ની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે, પરંતુ ઉત્તર પ્રદેશની સરેરાશ ૧૮.૬થી વધુ છે. ચોરીના બનાવોમાં વધારો થયો છે પણ ચોરાયેલો માલ પરત મેળવવામાં ઘટાડો જોવા મળ્યો છે. આખા દેશમાં ચોરીનો વસૂલાત કે પરત સંપત્તિનો દર ૨૦૨૧માં ૩૦.૨ ટકા હતો, ૨૦૨૨માં ૩૬ ટકા અને ૨૦૨૩માં ૨૯.૯ ટકા હતો. 

ગાંધીજીના અગિયાર વ્રતોમાં સત્ય અને અહિંસા પછી ત્રીજા સ્થાને રહેલું ચોરી ન કરવી એ વ્રત નમ્રપણે દૃઢ કેવું આચરાય છે તે તો દેશમાં એક મિનિટે એક ડઝન ચોરીના બનાવો બને છે  તેના પરથી સમજાય છે. ભવ્ય ભારત ભૂમિમાં ચોર છે તો દાતારો પણ છે. એટલે એરણની ચોરી અને સોયના દાનનો ઘાટ છે. લાગે છે દેશમાં ન ચોરી મટવાની છે ન દાન.

29.01.2026                                                         
e.mail : maheriyachandu@gmail.com

Loading

...1020...26272829...405060...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved