Opinion Magazine
Number of visits: 9576714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતીને શણગારનાર અંગ્રેજ ટેલર

દીપક મહેતા|Opinion - Literature|22 November 2019

“હું દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે સાથે કેટલાંક ગુજરાતી પુસ્તકો લઇ ગયો હતો. તેમાં ટેલરનું ગુજરાતી વ્યાકરણ હતું. એ મને બહુ જ ગમ્યું હતું. હું શાસ્ત્રી તો નહિ જ, પણ ગુજરાતી ભાષાનો પ્રેમી તો છું જ. એ વ્યાકરણ સુંદર હતું.” આ શબ્દો છે આ વર્ષે જેમની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે તે મહાત્મા ગાંધીના. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨મા સંમેલનના પ્રમુખ હતા ગાંધીજી. સંમેલનને અંતે પોતાના ઉપસંહાર ભાષણમાં ગાંધીજી આ શબ્દો બોલ્યા હતા. ગાંધીજી જેને સુંદર વ્યાકરણ કહે છે તે પુસ્તક કયું? તેના લેખકનું નામ ‘ટેલર’ કહે છે. તો આ ટેલર કોણ?

ટેલરનું વ્યાકરણ, ૧૮૬૭

પણ ટેલરની વાત કરતાં પહેલાં જેની સાથે તેઓ સંકળાયેલા હતા તે પ્રોટેસ્ટન્ટ પંથની લંડન મિશનરી સોસાયટીની થોડી વાત કરવી પડે. તેની સ્થાપના થઇ ૧૭૯૫માં. તેનો મુખ્ય હેતુ હતો વિદેશોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો. સોસાયટીની શાખા સ્થાપવાના હેતુથી રેવરન્ડ જેમ્સ સ્કિનરે ૧૮૧૫ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે સુરતની ધરતી પર પગ મૂક્યો. તેમના સહાધ્યાયી રેવરન્ડ વિલિયમ ફાઈવી થોડા દિવસ પછી સુરત પહોંચ્યા. બંનેએ સુરતમાં લંડન મિશનરી સોસાયટીની શાખા શરૂ કરી. ધર્મપ્રચારના કામની સાથોસાથ બંને ગુજરાતી ભાષા શીખ્યા. શરૂઆતમાં કેટલાક ‘ટ્રેક’ના અનુવાદ કરી એને મુંબઈમાં છપાવ્યા. પછી શરૂ કર્યું બાઈબલના અનુવાદનું કામ. પણ એવું મોટું પુસ્તક સુરત રહીને મુંબઈમાં છપાવવું મુશ્કેલ જણાતાં બંનેએ આજના ગુજરાતી રાજ્યમાંનું સૌથી પહેલું છાપખાનું સુરતમાં શરૂ કર્યું. એ છાપખાનું ‘શિલાછાપ’ (લિથોગ્રાફ) નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરીને છાપકામ કરતું હતું.  તે પ્રેસમાં છાપીને પોતે કરેલો બાઈબલનો અનુવાદ બંનેએ પ્રગટ કર્યો, ૧૮૨૧ના જુલાઈ મહિનામાં.  ત્યાર બાદ થોડા જ વખતમાં સ્કીનરનું અવસાન થયું અને તેમની જગ્યાએ ફાઈવીના ભાઈ એલેક્ઝાન્ડર ફાઈવી ૧૮૨૨માં સુરત આવીને સોસાયટીમાં જોડાયા. 

૧૯મી સદીનું સુરત

હવે વાત કરીએ ટેલરની, અને ગુજરાત તથા ગુજરાતી ભાષા માટેની તેમની સાચા દિલની ખેવનાની. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં ૧૭૯૧ના ઓક્ટોબરની આઠમી તારીખે જન્મેલા રેવરંડ જોસેફ ટેલરનાં કુલ ૧૩ સંતાનોમાંના બીજા તે જોસેફ વાન સામરન ટેલર (જે.વી.એસ. ટેલર). પિતાની જેમ આ દીકરાએ પણ જીવનનો મોટો ભાગ હિન્દુસ્તાનમાં વિતાવ્યો, અને ખ્રિસ્તી ધર્મના પ્રચારની સાથોસાથ ગુજરાતી ભાષાની સેવા કરી. તેમણે લખેલું ગુજરાતી ભાષાનું વ્યાકરણ ૧૮૬૭માં પ્રગટ થયું. જો કે તે પ્રગટ થયું તે પહેલાં કવિ નર્મદે ‘ડાંડિયો’માં બે લેખ લખી તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ નર્મદનું માનવું હતું કે એક પરદેશી પાદરી પાસે ગુજરાતી ભાષાનું એટલું જ્ઞાન ક્યાંથી હોય કે તે તેનું વ્યાકરણ લખી શકે. છતાં એ જમાનામાં ટેલરનું વ્યાકરણ એટલું પ્રચલિત થયેલું કે તેના લેખક ‘ગુજરાતી વ્યાકરણના પિતા’ તરીકે ઓળખાવા લાગ્યા. ગાંધીજીએ જેનો ઉલ્લેખ કર્યો છે તે આ જ વ્યાકરણ. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં પહેલેથી આજ સુધી ટેલરના વ્યાકરણમાંથી ગુજરાતી ભાષા અંગેનો લાંબો ઉતારો છપાતો આવ્યો છે તે ગાંધીજીના પ્રતાપે.

રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર

જે.વી.એસ. ટેલરનો જન્મ તે વખતના મુંબઈ ઈલાકામાં જેનો સમાવેશ થતો હતો તે બેલ્લારીમાં ૧૮૨૦ના જુલાઈ મહિનાની ત્રીજી તારીખે થયેલો. પહેલાં તો તેમને કલકત્તાની બિશપ કોલેજમાં ભણવા મોકલેલા પિતાએ, પણ માત્ર તેર વર્ષની ઉંમરે એ કોલેજમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. કારણ? ૩૯ કલમો ધરાવતા એક સોગંદનામા પર બધા વિદ્યાર્થીઓને સહી કરવાનું કહેવામાં આવ્યું. બીજા બધાએ તો મૂંગે મોઢે સહી કરી આપી, પણ જે.વી.એસ. ટેલરે સહી કરવાની ના પાડી દીધી. એટલે તેમને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા. ખિસ્સામાં પૈસા ઝાઝા નહીં. હવે શું કરવું? કલકત્તાથી મદ્રાસ જતાં એક વહાણમાં કેબિન બોયની નોકરી લઈને મદ્રાસ પહોંચ્યા. પણ પોતાની પાસે રાખવાને બદલે પિતાએ તેમને ભણવા માટે સ્વદેશ મોકલી દીધા. એસેક્સના ઓન્ગરની સ્કૂલમાં ભણ્યા પછી તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાં દાખલ થયા અને ૧૮૪૫માં બી.એ.ની ડિગ્રી મેળવી. ધાર્યું હોત તો સ્વદેશમાં રહીને મોજશોખભરી જિંદગી જીવી શક્યા હોત. પણ ડિગ્રી મળી કે તરત જ ૧૮૪૫ના જુલાઈની ૧૫મી તારીખે લંડનની જમૈકા રો ચર્ચમાં જઈને જોડાઈ ગયા લંડન મિશનરી સોસાયટીમાં. એ જ મહિનાની ૨૯મી તારીખે હિન્દુસ્તાન આવવા માટેની દરિયાઈ મુસાફરી શરૂ કરી અને છેક ૨૮મી ડિસેમ્બરે મુંબઈમાં તેમણે પગ મૂક્યો. તેમની નિમણૂક મદ્રાસમાં કરવામાં આવી હતી પણ મદ્રાસ જતાં પહેલાં બેલગામ જઈને પિતાને મળ્યા, અને પછી ઉપડ્યા મદ્રાસ. પણ ત્યાં પહોંચ્યા કે તરત તેમને કહેવામાં આવ્યું કે તમારે તો વડોદરા જઈને મિસ્ટર ક્લાર્કસન સાથે જોડાવાનું છે. એટલે ૧૮૪૬ના નવેમ્બરમાં પહોંચ્યા વડોદરા. પણ થોડા વખતમાં ગાયકવાડ સરકારે વડોદરામાંની મિશનરી પ્રવૃત્તિ બંધ કરાવી એટલે ક્લાર્કસન અને ટેલર પહોંચ્યા મહીકાંઠા. ગુજરાત આવ્યા પછી તેઓ ગુજરાતી ભાષા શીખ્યા, શીખ્યા એટલું જ નહીં, તેના પર એવું પ્રભુત્ત્વ મેળવ્યું કે ધર્મભાવનાનાં અનેક કાવ્યો અને ગીતો તેમણે ગુજરાતીમાં લખ્યાં, અને તે પણ સંસ્કૃત છંદોમાં અને ગુજરાતી ‘દેશીઓ’માં. આ રચનાઓ છપાવતાં પહેલાં તેની હસ્તપ્રત તેમણે ગુજરાતીના અચ્છા જાણકાર રેવરંડ ડૉ ગ્લાસગોને જોવા મોકલી. જોઈને ગ્લાસગો તો ભડક્યા: ખ્રિસ્તી ધર્મના પ્રચારની કવિતા, અને તે અંગ્રેજી કવિતાના છંદોમાં નહીં, અને ‘દેશીઓ’ના છંદોમાં! આવું કેમ ચાલે? અને તેનું પાછું પુસ્તક! ન છપાવાય. પણ ટેલરે તેમની વાત માની નહીં અને કાવ્યાર્પણ નામનો સંગ્રહ ૧૮૬૩માં પ્રગટ કર્યો. તેમાંની રચનાઓ ખ્રિસ્તી સમુદાયમાં એટલી તો પ્રચલિત થઇ કે તેમાંની કેટલીક તો આજે પણ ગુજરાતનાં દેવળોમાં ગવાય છે.

જ્યાં ટેલર ભણ્યા તે ગ્લાસગો યુનિવર્સિટી

પણ ટેલરના ગુજરાતપ્રેમ સામે આનાથીયે વધુ મોટો પડકાર આ પહેલાં પણ ઊભો થયો હતો. ૧૮૫૯માં લંડન મિશનરી સોસાયટીએ તેની ગુજરાતમાંની પ્રવૃત્તિ સંકેલી લેવાનું નક્કી કર્યું. પોતાનાં કામકાજ અને મિલકત આયરિશ પ્રેસબિટેરિયન (આઈ.પી) મિશનને સોંપી દેવાનું ઠરાવ્યું. પિતાએ આખી જિંદગી લંડન મિશનરી સોસાયટીની સેવામાં ગાળેલી. પોતે પણ એવા વિચાર સાથે જ સોસાયટીમાં જોડાયેલા. પણ હવે જો સોસાયટીમાં રહે તો ગુજરાત છોડવું પડે. પણ એ તે કેમ બને? એટલે સોસાયટી છોડીને જોડાઈ ગયા આઈ.પી. મિશનમાં! ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા, તેની જૂદી જૂદી પરીક્ષાઓમાં ગુજરાતીના પેપર સેટર અને એક્ઝામિનર બન્યા. વ્રજલાલ શાસ્ત્રી સાથે મળીને તેમણે ગુજરાતીના ધાતુઓની ઉત્પત્તિ દર્શાવતો ‘ધાતુસંગ્રહ’ નામનો કોશ પણ તૈયાર કરેલો.

લંડન મિશનરી સોસાયટીનો લોગો

ટેલરે પહેલું લગ્ન મહીકાંઠા જતાં પહેલાં ૧૮૪૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે એલીઝા પ્રિચાર્ડ સાથે કરેલું. ૧૮૫૬માં પતિ પત્ની બંનેની તબિયત બગડતાં બંને સ્વદેશ ગયાં, જ્યાં ૧૮૫૮માં પ્રસૂતિ પછી એલીઝાનું અવસાન થયું. આ પહેલા લગ્નથી કુલ ત્રણ સંતાનો થયાં. સ્વદેશવાસ દરમ્યાન જ ટેલરે ૧૯૫૯માં જ્યોર્જીના બ્રોડી સાથે બીજાં લગ્ન કર્યાં. તે પછી બન્ને હિન્દુસ્તાન પાછા આવી આઈ.પી. મિશનમાં જોડાયાં. બીજા લગ્નથી એક દીકરો, નામે આર્થર. આ આર્થરે વખત જતાં ‘હિસ્ટ્રી ઓફ ધ ટેલર ફેમેલી’ નામનું પુસ્તક લખ્યું. પહેલા લગ્નનાં ત્રણ સંતાનોમાંથી જોસેફ ફીલ્ડ ટેલર ગુજરાતમાં જ રહીને મિશનરી બન્યા. તેમણે પણ અંગ્રેજી ભાષામાં ગુજરાતીનું વ્યાકરણ લખ્યું જે હજી આજ સુધી ફરી ફરી છપાતું રહ્યું છે. તો ત્રીજા દીકરા ડૉ. બર્ડવૂડ વાન સામરન ટેલર મિશનરી ડોક્ટર થઇ ચીનમાં કામ કરવા ચાઈનીઝ મિશનરી સોસાયટીમાં જોડાયા. જિંદગીનાં છેલ્લાં વર્ષો જે.વી.એસ. ટેલરે સ્વદેશમાં જઇ ગાળ્યાં. ૧૮૮૧ના જૂન મહિનાની બીજી તારીખે એડિનબરામાં તેમનું અવસાન થયું. પોતાના ગુજરાતી વ્યાકરણનું સમાપન કરતાં ગુજરાત અને ગુજરાતીના ખરા પ્રેમી ટેલરે લખ્યું છે: “પરભાષાના સંપાદનનાં શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. શામળાદિક કવિઓના ગ્રંથ જુઓ, તૂકે તૂકે અયાસનાં પ્રમાણ દેખાય છે … મનોયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધૂરો તો તેની ભાષા પણ અધૂરી, પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ તો ગુજરાતી પણ સંપૂર્ણ. હા, શણગારેલી પણ દેખાય. ગુજરાતી, આર્યકુળની, સંસ્કૃતની પુત્રી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે? પ્રભુ એને આશીર્વાદ દેજો. જુગના અંત સુધી એની વાણીમાં સત્ વિદ્યા, સદ્જ્ઞાન, સદ્ધર્મનો સુબોધ હોજો. અને પ્રભુ – કર્તા, ત્રાતા, શોધક, એનું વખાણ સદા સુણાવજો. ”

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

“ગુજરાત સમાચાર”(લંડન)ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલો મારો લેખ

Loading

લોકમિલાપ – વિદાય વેળાએ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|21 November 2019

ભાવનગરમાં સર પ્રભાશંકર પટ્ટણી ઇન્સ્ટિટ્યૂટમાં બી.એસ.સી.માં મેં એડમિશન લીધું હતું. વતન સોમનાથની બહાર રહેવાના અને હોસ્ટેલમાં રહેવાના એ શરૂઆતના દિવસો હતા. અત્યાર સુધીનું જીવન ગામમાં જ વિતાવ્યું હતું, પહેલી વખત કોઈ ફાટફાટ થતાં શહેરમાં રહેવાના દિવસો આવ્યા હતા. મૂળે ગામનો જીવ એટલે શહેરમાં લોકો સાથે મળતાં અને ભળતાં થોડો સંકોચ થતો. હું કોલેજમાં પણ મોટે ભાગે એકલો જ જોવા મળતો. હોસ્ટેલથી કોલેજ અને કોલેજથી હોસ્ટેલ આ ગોઠવાઈ ગયેલું શિડ્યુલ હતું.

મહેન્દ્ર મેઘાણી વિશે તો ખૂબ સાંબળ્યું હતું પરંતુ તેમની લોકમિલાપ નામની પુસ્તકોની દુકાન છે એ વિશે ભાવનગર આવ્યા પછી માલૂમ પડ્યું. બનતાં સુધી મને મારા મોટા ભાઈ ગૌરાંગે જણાવ્યું હતું. કારણ કે, ગૌરાંગ ભાવનગરમાં જ કોલેજ કરી ચૂક્યો હતો.

એક દિવસ હોસ્ટેલેથી ફરતો ફરતો લોકમિલાપ જઈ ચઢ્યો, અને પછી તો દોડવું'તું ને ઢાળ મળ્યો – નાચવું'તું ને ડાન્સફ્લૉર મળ્યો જેવો ઘાટ ઘડાયો. પછી તો અઠવાડિયે દશ દિવસે લોકમિલાપ જવાનો ક્રમ થઈ ગયો હતો. ઘડિયાળ મેળવી શકો એવા ટકોરાબંધ સમયે લોકમિલાપના દરવાજા ઉઘડે.

લોકમિલાપમાં પ્રવેશો એટલે સામે બે તસવીરો જોવા મળે. ગાંધીજી અને અબ્રાહમ લિંકન. એક વખત વાતચીત દરમ્યાન ગોપાલ મેઘાણીએ કહ્યું હતું કે જેમ મંદિરમાં દેવ હોય તેમ આ બંને અમારા દેવ છે. લોકમિલાપની બહાર નવા નવા સુવાક્યોનું બોર્ડ મૂકેલું હોય. ક્યા કવિનો જન્મદિવસ કે તિથિ આવી રહ્યા છે એની વિગત હોય અને લોકમિલાપમાં નવાં આવેલાં પુસ્તકોની યાદી હોય. ટૂંકમાં, એન્ટ્રીથી જ આંખોને જલસો પડી જાય.

મારી અંદર એક વાચક તો હતો જ જે સામયિકો અને છાપાં તેમ જ પૂર્તિઓ વાચતો રહેતો હતો. એ વાચકને પુસ્તકો તરફ દોરવાનું કામ બે જણાએ કર્યું. એક અમારા ગામ સોમનાથના બાલુભાઈ જોષી અને બીજું લોકમિલાપ ટ્રસ્ટ. કોઈ ચોક્કસ પુસ્તક ખરીદવાનું હોય તો એ નિમિત્તે તો લોકમિલાપ જવાનું થતું જ, પરંતુ અચાનક જ જઈ ચઢ્યો હોઉં અને પુસ્તકો લઇને બહાર આવું એવું મોટે ભાગે થતું. ભાસ્કરભાઈ વૈદ્ય ઉર્ફે મારા બાપ અને મિનાક્ષીબહેન વૈદ્ય ઉર્ફે મારી મા દિલેર લોકો છે, તેમણે હોસ્ટેલમાં રહેતા દીકરાને ક્યારે ય કહ્યું નહોતું કે આ અભ્યાસ સિવાયના આટલાં મોંઘાં પુસ્તકો શા માટે ખરીદ્યા? પુસ્તકો ખરીદવાની વિધિવત્ શરૂઆત લોકમિલાપથી જ થઈ હતી.

લોકમિલાપનો પુસ્તકમેળો એવો રસપ્રદ કે એનો મહિનાઓથી ઈન્તેજાર રહેતો કે આ વખતે કોણ મુખ્ય વક્તા આવશે. લોકમિલાપના બૂકસ્ટોરની પાછળ એક ફળિયું છે જેમાં પુસ્તકમેળો લાગતો અને દિલના અરમાન ઝૂમી ઊઠતા.

મહેન્દ્ર મેઘાણીના પુત્ર ગોપાલ મેઘાણીએ પિતાના વારસાના જે રખોપા કર્યા એનાથી પોરસ ચઢે. મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકો અને વાંચનની જે આહલેક જગાવી છે એનો કોઈ જોટો જ જડે એમ નથી. આવું નમૂનેદાર કામ કરનારા ગુજરાતમાં જ નહીં, દેશમાં પણ ગણ્યાગાંઠ્યા જ હશે. કુદરતે કેટલાક માણસોને એવા ઘડ્યા હોય છે કે એને પોતાને જીવનમાં શું કરવાનું જે એની જબરી સ્પષ્ટતા હોય છે અને જીવનભર એ ધ્યેયમાંથી વિચલિત થતા નથી. મહેન્દ્રકાકા તમે અમારા જેવા કેટલાંયના જીવતરને ન્યાલ કરી દીધાં એનો આભાર માનવા માટે મૌન – નતમસ્તક.

બૂકસ્ટોર્સ તો મેં દેશભરમાં ઘણા ય જોયા છે, પરંતુ લોકમિલાપને માત્ર બૂકસ્ટોર ન કહી શકાય. ત્યાં વાચક કેળવાય એવો માહોલ છે. રસવૃત્તિ ધરાવતી વ્યક્તિ કંઈ પણ ન ખરીદવાની જીદ સાથે પણ ત્યાં જઇ ચઢે તો પુસ્તકો કે સંગીતની સી.ડી. લીધા વગર પાછી ન નીકળી શકે એવી ખેંચાણવાળી જગ્યા લોકમિલાપ છે.

મેં એક વખત રશિયન સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોયવસ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનું અનુવાદિત પુસ્તક ખરીદ્યુ હતું. ખરીદ્યાના પાંચેક મહિના પછી મેં વાંચવાનું શરૂ કર્યું તો માલૂમ પડ્યું કે અંદરના દશેક પાના છે જ નહીં. બાઇન્ડીંગ કે પ્રિન્ટીંગમાં કોઇ ક્ષતિ રહી ગઈ હશે. હું લોકમિલાપ ગયો અને વાત કરી તો ગોપાલભાઈએ તરત કહ્યું કે પુસ્તક ક્યાં છે. મેં સંકોચ સાથે આપ્યું અને કહ્યું કે મને બીજી નકલ આપોને. તેમણે કહ્યું કે તમામ નકલ વેચાઈ ગઇ છે અને તરત પુસ્તકના પૈસા મારા હાથમાં ધરી દીધા. પાંચેક મહિના પછી કોઇ ગ્રાહક પુસ્તક લઇને આવે અને બિલ જ માગવામાં ન આવે અને તરત પૈસા પાછા આપી દેવામાં આવે એ માહોલ અમથો ઊભો ન થાય. લોકમિલાપ બંધ થાય છે ત્યારે આવી મીઠપવાળી વ્યવહારિકતા પણ ભૂતકાળ બની જશે એ વાતનું દુ:ખ છે. મેં ભાવનગર છોડ્યા પછી પણ જ્યારે ભાવનગર જવાનું થતું તો હું લોકમિલાપ અને પ્રસારની મુલાકાત લેવાનું ક્યારે ય ચૂકતો નહીં. લોકમિલાપ અને પ્રસારના સૂચિપત્રો અને બૂકમાર્ક એટલા રસસભર હોય કે મેં આજ પણ કેટલાંક સંઘરી રાખ્યા છે.

મુંબઈનો મ્યુઝિક સ્ટોર રીધમ હાઉસ બંધ થયું ત્યારે દિલમાં લાગી આવ્યું હતું, અને જ્યારે ખબર પડી કે લોકમિલાપ બંધ થવાનું છે, ત્યારે ફરી દિલની રીધમને ધક્કો લાગ્યો હતો. મનમાં એવી ઈચ્છા થઈ કે નાના બાળકની જેમ જઇને મહેન્દ્ર મેઘાણીનો હાથ હલાવીને પૂછીએ કે કાકા, આવું કેમ!?

લોકમિલાપે તો વર્ષો સુધી પુણ્યનો વેપાર કર્યો જ છે ત્યારે એ જો રજા માગતું હોય તો એને હસતા વદને જ અલવિદા કહેવી પડે. લોકમિલાપ અને પ્રસાર ભાવનગરના નહીં ગુજરાતના રતન હતા.

https://www.facebook.com/tejas.vaidya.16/posts/2897418933610410

Loading

એક સમયે કૉન્ગ્રેસની જરૂરિયાત બનેલી શિવસેનાની જરૂરિયાત હવે કૉન્ગ્રેસ બનશે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 November 2019

શિવસેનાની સ્થાપના આજની વાણિજ્ય પરિભાષામાં કહીએ તો સ્પેશિયલ પર્પઝ વેહિકલ (એસ.પી.વી.) તરીકે કૉન્ગ્રેસે કરી હતી. આ ૧૯૬૦ના દસકાની વાત છે જ્યારે મુંબઈના ઉદ્યોગજગતમાં સામ્યવાદીઓનાં મજૂર સંગઠનોનો દબદબો હતો. ગુજરાતી ઉદ્યોગપતિઓ તાજા સ્થપાયેલા ગુજરાતમાં ઉદ્યોગધંધા ન ખસેડે એ માટે તેમને મજૂરોની અશાંતિથી મુક્ત કરી આપવા જોઈએ એમ એ સમયના મહારાષ્ટ્રના શાસકોને લાગ્યું હતું. મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ તક જોઈને આવી માગણી કરતા હતા.

એ સમયના શાસકો હજુ શાસક તરીકે મર્યાદાધર્મ પાળતા હતા એટલે કાયદાની ઐસીતૈસી કરવા જેટલે આગળ નહોતા જતા. આજે તો વડા પ્રધાન પોતે ચૂંટણી વખતે આચાર સંહિતા તોડીને કાયદાની ઐસીતૈસી કરે છે. આમાં મર્દાનગી જોવામાં આવે છે. એ સમયે વિકૃતિ આટલી હદે નહોતી ફેલાઈ, પણ વાત તો એ જ હતી. તમે પોતે કરો કે કરાવો એનાથી પરિણામમાં કોઈ ફરક નથી પડતો.

કૉન્ગ્રેસે સામ્યવાદી મજૂર સંગઠનોની તાકાત તોડવા માટે એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ તરીકે શિવસેનાની સ્થાપના માટે રસ્તો કંડારી આપ્યો હતો. મહારાષ્ટ્ર હજુ તાજું તાજું અલગ રાજ્ય બન્યું હતું એટલે શિવાજીને મરાઠી અસ્મિતાના દૈવત બનાવાયા, મરાઠીઓને ન્યાયનો ધ્યેયધર્મ અપનાવ્યો. મુખ્ય ધ્યેય તો આગળ કહ્યું એ હતું. સેનાએ કાયદાની ઐસીતૈસી કરવાની હતી પણ માફકસર. એમાં કૉન્ગ્રેસનો વિરોધ કરવાની, ગાળો દેવાની, કૉન્ગ્રેસના નેતાઓની ઠેકડી ઊડાડવાની માફકસરની છૂટ હતી.

આ માફકસરે આ દુનિયામાં ભલભલાને છેતર્યા છે. આ જ કૉન્ગ્રેસીઓને, કહો કે તેમની આગલી પેઢીના કૉન્ગ્રેસીઓને અને એ પણ દિગ્ગજ કૉન્ગ્રેસી નેતાઓને મુસલમાનોના કોમવાદને ખાળી શકાય એ માટે ગાંધીજીની હત્યા પછી પ્રતિબંધિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરનો પ્રતિબંધ ઊઠાવીને બચાવી લીધો હતો. એ સમયે આર.એસ.એસ. કેટલાક હિંદુ પક્ષપાત ધરાવનારા કૉન્ગ્રેસીઓનું સ્પેશિયલ પર્પઝ વેહિકલ હતું. તેમને ત્યારે એમ લાગ્યું હતું કે મુસલમાનોના કોમવાદનું સંતુલન કરવા માફકસરનો હિંદુ કોમવાદ જરૂરી છે. સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં મદદ કરનારાઓ હિન્દુત્વવાદી નહોતા, પણ હિંદુ પક્ષપાતી હતા.

માટે માફકસરે એ લોકોને છેતર્યા છે જેમણે માફકસરની કલ્પના કરી હતી, માફકસરનું પ્રમાણ નક્કી કર્યું હતું અને માફકસરની લાલચ અનુભવી હતી. સનાતન સત્ય એ છે કે ખોટું માફકસરનું હોતું નથી. ખોટું એ ખોટું હોય છે અને એ ગમે ત્યારે, તમારી અનિચ્છાએ પણ મર્યાદા ઓળંગી શકે છે. બીજું, આપણે ખાદીના ધોળા બાસ્તામાં ફરીએ અને ખોટાં કામ બીજાં પાસે કરાવીએ એ એરેન્જમેન્ટ કાયમ માટે ટકતી નથી.

મહારાષ્ટ્રમાં એવું જ બન્યું. શિવસેનાનું માફકસરનું રાજકારણ કૉન્ગ્રેસને માફક ન આવે એવું બનતું ગયું. કૉન્ગ્રેસનું વિભાજન થયું, શરદ પવાર જેવા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ કૉન્ગ્રેસમાંથી બહાર આવ્યા અને કૉન્ગ્રેસની સામે પડ્યા, મહારાષ્ટ્રનું ઝડપભેર શહેરીકરણ થવા લાગ્યું, દેશમાં મોટી સંખ્યામાં મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો જે નોકરીધંધા માટે મુંબઈમાં ઠલાવાતો ગયો તો સામી બાજુએ મહારાષ્ટ્રમાં પણ મધ્યમવર્ગ પેદા થયો જેને પરપ્રાંતિયો માટે અસૂયા પેદા થવા લાગી. લાંબા સમયનાં શાસનના કારણે ભ્રષ્ટાચાર, તુમાખી અને પરિવારવાદ દિલ્હીથી લઈને રાજ્યો સુધી વકરતો ગયો. આ ઉપરાંત કૉન્ગ્રેસે શાહબાનો કેસનો ચુકાદો ઉલટાવવા જેવી કેટલીક ગંભીર ભૂલો પણ કરી હતી. ટૂંકમાં એસ.પી.વી. તરીકે શિવસેનાની સ્થાપના કરવામાં આવી એ પછીના બે દાયકામાં સ્થિતિ એવી બની કે સેનાએ તેના પરની માફકસરની મર્યાદા ધીરેધીરે ફગાવવાનું શરૂ કર્યું.

શિવસેનાએ કૉન્ગ્રેસના અને મુંબઈના ઉદ્યોગપતિઓના એસ.પી.વી. બની રહેવાની જગ્યાએ ગંભીર રાજકીય પક્ષ તરીકે દાવેદારી કરી. જો કે આમાં બાળ ઠાકરે તેમના સ્વભાવની અને રાજકીય શૈલીની મર્યાદાઓના કારણે પાછળ હતા. બીજાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ કૉન્ગ્રેસની વિરુદ્ધમાં બહુ ઝડપથી કાઠું કાઢ્યું હતું, પણ બાળ ઠાકરે જેટલી જોઈએ એટલી ગંભીરતા અને જદ્દોજહદ સાથે રાજકારણ નહોતા કરતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર બિન કૉન્ગ્રેસી પક્ષો માટે બહુ અનુકૂળ ભૂમિ નથી એ પણ ખરું. આમ છતાં ય સેના માટે જગ્યા બનતી ગઈ. કેટલીક વાર તો વગર માગ્યે અને વગર મહેનત કર્યે પણ જગ્યા બનતી ગઈ.

કૉન્ગ્રેસના હવે વળતાં પાણી થવાનાં છે અને તેની જગ્યા ધીરે ધીરે જમણેરી પરિબળોને મળી શકે એમ છે એમ ભારતમાં સૌ પ્રથમવાર ભાખનાર બાળ ઠાકરે હતા એમ બી.જે.પી.ના નેતા પ્રમોદ મહાજને પચીસ વરસ પહેલાં એક દિવાળી અંકમાં લખેલા લેખમાં લખ્યું હતું. બાળ ઠાકરેએ મરાઠી પ્રાંતવાદને બાજુએ કરીને હિંદુ કોમવાદનું રાજકારણ કરવાનું શરૂ કર્યું હતું. બી.જે.પી. કરતાં પણ આક્રમક રીતે. ૧૯૯૦ સુધીમાં શિવસેના કૉન્ગ્રેસના હાથમાંથી નીકળી ગઈ હતી. તે હવે કૉન્ગ્રેસની એસ.પી.વી. રહી નહોતી. માફકસરનું તત્ત્વ તો ક્યારનું જતું રહ્યું હતું.

એક સમયે શિવસેના કૉન્ગ્રેસની સ્પેશિયલ પર્પઝ વેહિકલ હતી. આજે એસ.પી.વી. કૉન્ગ્રેસ પાસે સરકાર રચવા મદદ માગી રહી છે અને કૉન્ગ્રેસના નેતાઓ એ વિષે વિચારણા કરી રહ્યા છે. શ્વાન પૂછડી હલાવે, પણ ક્યારેક વખત આવ્યે પૂછડી શ્વાનને હલાવે એ આનું નામ. જો કૉન્ગ્રેસ સેનાના નેતૃત્વવાળી સરકારને ટેકો આપશે અથવા સરકારમાં જોડાશે તો એમ માનવું રહ્યું કે વર્તુળ પૂરું થયું. અન્ય રાજકીય પક્ષો માટે પણ આમાં ધડો છે, પરંતુ સત્તાની લાલચ એટલી પ્રબળ હોય છે કે કોઈ રાજકીય પક્ષ કાંઈ શીખતો નથી. તાત્કાલિક સ્વાર્થ પ્રબળ હોય છે.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 નવેમ્બર 2019

Loading

...102030...2,6162,6172,6182,619...2,6302,6402,650...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved