Opinion Magazine
Number of visits: 9456493
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હું માનવતાનો પૂજારી નહીં, પણ માનવવાદી છું !’

રમેશ સવાણી|Opinion - Opinion|18 February 2025

ઘણાં વર્ષો પહેલાં હું વઢવાણ ગયો હતો. જૂનું શહેર. લોકવાયકા છે કે પહેલાં એનું નામ વર્ધમાનનગર હતું ને અપભ્રંશ થઈને વઢવાણ થઈ ગયું. પાસેનાં સુરેન્દ્રનગરનો વિકાસ થયો અને વઢવાણ ત્યાંનું ત્યાં જ રહ્યું. ઘસાઈ જવાથી એવું લાગે જાણે કે તેની ભવ્યતા સામંતી ઇતિહાસનાં કોઈ જૂનાં પુસ્તકમાં બંધ થઈને રહી ગઈ હોય. મને કોઈએ કહ્યું કે ‘અહીંની જૂની પાંજરાપોળ જોવા જેવી છે. જ્યાં ગાય, ભેંસ,ઘોડા તો ઠીક; કોઈ જીવજંતુને ય મારી નાખવાનું પાપ કરવાને બદલે તેને ડબ્બીમાં સાચવી જીવદયા પ્રેમીઓ મૂકી જાય છે. અનાજ-લોટમાંથી વીણેલાં ધનેડાં પણ મૂકી જાય છે !’

મૂંગા પશુઓ-જીવજંતુ તરફનો દયાભાવ, તેમને મારવું એ પાપ છે એવી ધાર્મિક ભાવનામાંથી, વિશેષ કરીને જૈન ધર્મમાં જે અહિંસાની વાત છે ત્યાંથી આવેલો છે. પ્રાણી, પક્ષી, મૂંગાજીવ પ્રત્યે દયાભાવ રાખવો એ ખોટું તો હરગીઝ નથી જ પણ પ્રશ્ન ત્યારે થાય કે આવી જ કોઈ પાંજરાપોળ જે વિશાળ જમીનમાં પથરાયેલી હોય કે ગામના ઢોર પશુઓના ચરાણ માટે ગૌચરની મોટી જમીન હોય અને ત્યાં કોઈ ધનપતિ, રાજકીય નેતાઓ અને સંચાલકોના મેળાપીપણામાં તેને ખરીદી લઈ ત્યાં મોટ્ટો મોલ કે કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો ઊભા કરી દેવા માંડે ત્યારે કેટલા લોકો તેનો ભારોભાર વિરોધ કરવા, સત્તાધારીઓની સામે લડવા મેદાને પડે છે? અને આ ‘સોદા’ને લઈ આંખમિચામણા કરતાં લોકોને, ચૂપ રહેતાં લોકોને કોઈ ‘પાપી’ કહેશે ખરું ? કદાચ એવું જરૂર કોઈ કહેનાર ધાર્મિક વ્યક્તિ નીકળે કે ‘મૂંગા પશુઓની જગા વેચી નાંખનાર, પાપમાં પડનાર મૂઆ નર્કે જશે ! ઉપરવાળો બધું જુએ છે !’ પણ આ બધો ખેલ જોનારા જે આ અગાઉ પાપ ન લાગે એમ માની ખોડાઢોર કે ઘવાયેલાં પંખી કે પ્રાણીઓ પાંજરાપોળમાં મૂકવા ગયા હશે કે જતાં હશે યા આ પાંજરાપોળનાં રખરખાવ માટે નાણાંકીય મદદ કે ઘાસપૂળા ખરીદીને આપ્યાં હશે. એવાં બધાંની ચૂપકીદીને આપણે ‘પાપ’ કેમ નથી કહેતાં ? આ પ્રકારના સવાલ એટલા માટે ઊભા થાય છે કે સમાજમાં આવી ઘણી બાબતો છે. મંદિર બહાર કે રસ્તા પર ભીખ માંગતા કે ભૂખ્યા અજાણ્યા વ્યક્તિને ક્યારે ય આપણે કે કોઈક વાર તહેવારે દાન આપી, ખાવાનું આપી, આપણે સંતોષ અનુભવીએ છીએ કે ગરીબોને દાન આપવું, ભૂખ્યાને અન્ન આપવું એ ‘પુણ્ય’નું કામ છે, માનવતાનું કામ છે અને ધર્મમાં તે લખાયું છે, કહેવાયું છે. આ પ્રકારની માન્યતા અને ખ્યાલો માત્ર આપણા દેશમાં જ છે એવું નથી. દુનિયાના દરેક ખૂણામાં, દરેક ધર્મ પાળતાં લોકોમાં જોવા મળે છે. 

પણ ભીખારીઓ કેમ છે? કેમ આટલાં બધાં લોકો કામધંધા વગરનાં છે ? તમે રસ્તે લારી પર મિત્રો સાથે કંઈક ચટાકેદાર ખાતાં હો ત્યારે કોઈક બાળક ભૂખ્યા પેટે તમારી સામે ટગર ટગર જોયાં કરતું હોય ત્યારે કેમ આપણા મનમાં પ્રશ્ન નથી થતો કે આવાં બધાં બાળકોને કેમ રોજ તેમનાં પોતાનાં ઘરમાં બે ટાઇમ પેટ ભરીને ખાવાનું નહીં મળતું હોય? ધાર્મિક નેતા કે બાવા તો તરત આવા પ્રશ્નનો જવાબ આપી દેશે કે ‘એ તો એમનું ગયા જનમનું પાપ ! કંઈક પાપ કર્યું હશે તે એને ભગવાને આ જનમમાં આવી સજા આપી હશે !’

એક બાજુ ભૂખ્યાંને જમાડવા એ પુણ્યનું કામ અને માનવતાનું કામ ગણાય, અને બીજી બાજુએ બધાં ભૂખ્યાં એટલે છે કે ગયા જનમમાં એ ભૂખ્યાઓએ પાપ કર્યા હશે ! આ બન્ને વાત એકબીજા સાથે મેળ ખાનારી છે ખરી ? આવાં પરસ્પર વિરોધી ઘણા મુદ્દાઓ આપણાં જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. શાળામાં ભણતાં ગરીબ બાળકોને ચોપડીઓ નોટબુકો ફ્રીમાં વહેંચવી, કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતાં મજૂરો કે ઘરવિહોણા લોકોને ધાબળા વહેંચવા જેવા ઘણા ‘માનવતાનાં કામ’ કરતાં લોકોને આપણે જોઈએ છીએ. આ કામ ખોટું છે કે સાચું, કરવું જોઈએ કે ના કરવું જોઈએ એવી ચર્ચામાં હું અહીં પડવા માંગતો નથી. ખરેખર ક્રૂર વાસ્તવિકતા તો એવી છે, જેમ કે આપણી આંખ સામે ઠંડીમાં ફૂટપાથ પર લોકો સૂતાં છે અને આપણે સ્વેટર-મફલરમાં સજ્જ થઈ ફૂટપાથ પર ફરીએ છીએ કે બંધ ઘરમાં આપણે રજાઈ ઓઢીને સૂતાં હોઈએ છીએ.

મનીષી જાની

આવાં સમયે આપણા દિમાગમાં એવી સ્પષ્ટતા હોય કે આ સભ્યસમાજમાં, માણસજાતે જે વિકાસ સાધ્યો છે એવા સમયે જે જન્મે છે તે દરેકને નાનું કે મોટું શરીરના રક્ષણ માટે ઘર તો મળવું જ જોઈએ. માથે છાપરું તો સૌનો અધિકાર છે. પૂરતું પોષક ભોજન, પેટ ભરીને ખાવાનું દરેકને મળવું જ જોઈએ, એ સૌનો મૂળભૂત હક છે એવું જો આપણે માનતા હોઈએ અને તે માટે મથતાં હોઈએ અને સાથે સાથે આપણી સામે જો કોઈ ભૂખ્યો હોય, પૂરતાં કપડાં વિનાનો હોય એને આપણાં ખોરાકમાં, આપણાં કપડાંમાં હીસ્સેદાર બનાવીએ તો એને હું ધર્મમિશ્રિત માનવતાવાદી નહીં પરંતુ માનવવાદી કહેવાનું પસંદ કરીશ. સાથેસાથે એવું માનવતાનું કામ કરનાર વ્યક્તિએ ભગવાન કે ધર્મના ભયથી, પાપના ભયથી કે આવતા ભવમાં પોતાને સ્વર્ગ મળે એવાં સ્વાર્થથી કે આવતા ભવમાં ભીખારીનુ જીવન મળશે એવાં ભયથી ડરીને કંઈક દયાદાન કરતો હોય તો તેને માનવવાદી તો ન જ કહી શકાય. દુનિયાનો દરેક માણસ સમાન છે, સન્માન્ય છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, રંગ ને સ્ત્રી-પુરુષ એવાં ભેદભાવોની બાદબાકી કરી માણસમાત્ર સરખો છે, દરેકને જીવવાનો સમાન હક છે, દરેકને મુક્ત મને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, દરેકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે એવું આપણે માનતા હોઈએ અને તે પણ કોઇના કહેવાથી નહીં, ક્યાંક વાંચવાથી નહીં પરંતુ વિજ્ઞાનના ટેકે, તર્ક-વિચારણાથી માપીને પારખીએ તો એને આપણે માનવવાદી કહીશું. સાથેસાથે કુદરતનાં દરેક જીવનું મહત્ત્વ છે અને પ્રકૃતિના સંતુલનમાં દરેક જીવની આગવી ભૂમિકા છે એ વૈજ્ઞાનિક સત્યનાં સ્વીકાર સાથે માણસ તરીકે જીવવાની પદ્ધતિને આપણે માનવવાદી કહીશું,માનવતાવાદી નહીં.

ખરેખર માનવતાવાદી જેવો શબ્દપ્રયોગ છે જ નહીં. કેટલાક લોકો અજ્ઞાનવશ કે જાણકારીના અભાવમાં દરેક દયાદાન, કરુણા કે માનવતાના કામ કરનારને માનવતાવાદી ગણે છે. જ્યારે કેટલાક ચાલાક લોકો સભાનતાપૂર્વક માનવવાદનો સાચો અર્થ અને મહિમા લોકો સુધી પહોંચે નહીં અને માનવતાવાદને નામે ગૂંચવાડો ચાલુ રહે એવા આશયથી ‘માનવતાવાદી’ શબ્દ વાપર્યા કરે છે. માત્ર ધર્મ મિશ્રિત દયાદાન અને કરુણા જ માનવતા ન કહેવાય પરંતુ માણસજાતના પરસ્પર આધારિત અને સહજીવનને કારણે વિકસિત થયેલાં સહજ ગુણ તરીકે ‘માનવતા ‘ કે માણસાઈને જોવી ઘટે. કોઈ દિવ્ય કે ચમત્કારિક શક્તિ વિના માનવ જ માનવનો ઘડવૈયો છે, તેણે જ પોતાની મહેનતથી, પોતાની અક્કલથી, સહિયારાપણાની ભાવનાથી, સહિયારા અનુભવો અને સહિયારા શારીરિક અને માનસિક શ્રમથી આ દુનિયા, આ સુવિધાઓ, આ યંત્રો, આ આનંદ ઉલ્લાસ, આ ‘માનવતા’ ઘડી છે એવું સ્વીકારીએ તેને જ માનવવાદ કહેવાય.

વળી પોતાની જાતને અને અન્યોને સતત પ્રશ્નો પૂછતો રહે, મનુષ્યજીવન વિશે ભગવાનના ભય વિના પ્રશ્નો પૂછતો રહે અને માનવજીવનની સમસ્યાઓ યાતનાઓના નિરાકરણ માટે મથતો રહે, દુનિયાના દરેક મનુષ્યનું જીવન વધુને વધુ બહેતર, આનંદમય અને ખુશહાલ બની રહે તે માટે સપનાં સેવતો રહે, માત્ર પોતાનું જીવન નહીં પણ સમગ્ર માનવજીવન સુખમય બને તેવી ઈચ્છા રાખનારને જ માનવવાદી કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો માનવવાદ એ એક જીવનદિશા છે, જીવનદૃષ્ટિ છે. અને એટલે જ હું કહું છું કે ‘હું માનવતાનો પૂજારી નહીં, પણ માનવવાદી છું !’ 

[સૌજન્ય : મનીષી જાની, ‘માનવવાદ’ પુસ્તકમાંથી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘વ્યુફાઇન્ડર’ અમોલ         

સંગીતા પટેલ|Opinion - Opinion|17 February 2025

સંગીતા પટેલ

 “પોતાના જીવનને ખોદીને તેના વિષે લખવાનો ઉદ્યમ તદ્દન અણગમતો લાગે છે. એવું લાગે કે જાણે મારા હાથમાં મેં એક ઝોળી પકડી છે અને યીસ્ટ ફૂગ નાખીને ગૂંદેલા આથાની જેમ ઝોળી મોટીને મોટી થતી જાય છે અને નિરાકાર ફૂલાતી જાય છે. કારણ કે એમાં ઠસોઠસ ભર્યો છે વિચારો અને કલ્પનાઓ, અગણિત ઘટનાઓ, અજંપ લાગણીઓ, સારા-નરસા સ્વાદ, વિવિધ સોડમો, દુ:ખ વ્યથા-સંતાપના બોજનો એક અતૂટ પ્રવાહ અને એવું ઘણુ બધું જેનો કોઇ અંત નથી. છાના પગલે આવીને મારા કાનની બૂટ પકડી લેતી અમારી બિલાડી કે દાયકાઓ સુધી માણેલો દરેક પાણીપૂરીનો ઇચ્છા મુજબનો સ્વાદ કે થિયેટરનો પડદો ઉંચકવાના અવાજથી દરેક વખતે મને જકડી લેતો ઓચિંતો ડર …. કેટલું અને કેવુંક આ ઝોળીમાં ભરવું જોઇએ?”

આ મથામણ છે, ટૂંકો કુર્તો પહેરીને વિનમ્ર યુવાન બનીને કે હાથમાં ચાવી ઘુમાવતા છેલબટાઉ યુવાન બનીને નાની રમૂજી ગોલમાલ કરતા કે પ્રકૃતિને ખોળે રમતા ગામડામાં જઇને ગામડાની ગોરીનું મન જીતી લેતા અમોલ પાલેકરની.

 રીલલાઇફમાં અભિનયમાં ઓતપ્રોત થઇને સંપૂર્ણ કેરેક્ટર રમતું કરી દેતા અમોલે “વ્યુફાઇન્ડર” નામે સ્મરણકથા આપીને અભિનય જગતની સાથે સાથે સાહિત્ય જગતને પણ સમૃદ્ધ કર્યું છે. “વ્યુફાઇન્ડર” નામથી સ્મરણો તાજા કરતા આ લેખકને વ્યુફાઇન્ડર શબ્દ સાથે એક અનોખો નાતો છે. આજના ડિજીટલ સમયમાં ચિત્ર શુટ કરવા સરળ બન્યા છે પણ, વર્ષો પહેલા કેમેરામાં વ્યુફાઇન્ડર નામનો લેન્સ ગોઠવવામાં આવતો અને આ લેન્સની મદદથી શુટ કરવાના ચિત્રનો એંગલ નક્કી કરવામાં આવતો. ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા પૂરે પૂરી ઠાલવી દીધા પછી, ફિલ્મનું નિર્માણ કરવાનો મનસૂબો અમોલે તેમના ફિલ્મ નિર્માતા મેન્ટર ઋષિકેશ મુખરજી સમક્ષ વ્યક્ત કર્યો અને ઋષિકેશે હરખઘેલા થઇ વ્યુફાઇન્ડર લેન્સ તેમને ભેટ કરી દીધો. આ વિરાસત અમોલ ભૂલ્યા નહિ અને આખા આયખાની સ્મરણકથા વ્યુફાઇન્ડર લેન્સની આજુબાજુ ઢાળી દીધી.    

અમોલને ગમતા મરાઠી માનુસ છે દલિત કવિ અને કર્મશીલ નામદેવ ઢસાળ. કવિ નામદેવ ઢસાળે તેમનો કાવ્યસંગ્રહ “ગોલપીઠા” સામાન્ય માણસને સતાવતી, તેનું શોષણ કરીને સીમાંત રાખતી, સત્તા, સંપત્તિ અને ગરિમાથી વંચિત કરતી વ્યવસ્થાનો વિરોધ કરતા તમામ આંદોલનો અને કર્મશીલોને અર્પણ કર્યો હતો. આ જ વિચારધારામાં માનતા અમોલે તેમની સ્મરણકથા “વ્યૂફાઇન્ડર” પ્રતિરોધ શક્તિમાં માનતા તમામ લોકોને અર્પણ કરી છે. મહારાષ્ટ્રની ભૂમિ માનવતાના હિમાયતી ડો. બાબાસાહેબ આંબેડકર, દલિત આંદોલન અને દલિત સાહિત્યની જનેતા છે. એ જ માટીના અમોલ નામદેવ ઢસાળની બીજી એક ઉક્તિમાં પોતાનો સૂર પૂરાવે છે. નામદેવ કહેતા “દરેક કલાકાર પોતાની વર્ગ લાક્ષણિતા ધરાવે છે.”  અમોલ કહે છે “આપણા અસ્તિત્વની અનિશ્ચિતતા હંમેશાં આપણી મર્યાદા બની રહેશે.” તેમ છતાં પ્રતિરોધ પણ કરવો પડે તો એ દિશામાં જવાનું તે ટાળતા નથી. સ્મરણો તાજાં કરવાની શરૂઆત જે ઘટનાથી તે કરે છે તે ઘટના તેમના મિજાજનો બોલતો પુરાવો છે. 

મુંબઇની “નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટ” ખાતે પ્રભાકર બર્વેની કલાકૃતિ “ઇન્સાઇડ ધ એમ્પટી બોક્સ”ના ઉદ્ઘાટનનો 8 ફેબ્રુઆરી, 2019નો દિવસ એમને ધરાર સ્પર્શી ગયો અને તેમણે તેમની સ્મરણકથા પ્રતિકાર કરતા સૌને અર્પણ કરી. “નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટ” એ દાયકાઓ સુધી પીઢ તેમ જ નવા ઉગતા કલાકારોની હજારો કલાકૃતિઓ પ્રદર્શિત કરતી રહી છે. તેને દબાવવાના સ્પષ્ટ ઇરાદાથી કેન્દ્ર સરકારે બે હુકમ બહાર પાડ્યા હતા.

 “નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટ” કલાપ્રેમીઓ માટે પવિત્ર સ્થળ રહ્યું છે. આ ગેલરીની એક સમિતિ હોય છે અને સ્થાનિક કલાકારો સમિતિના સભ્યો બને છે. પ્રદર્શન યોજવાના સમયથી માંડીને ઘણીબધી બાબતો આ સ્થાનિક કલાકારો નક્કી કરે છે. આ નિર્ણયો દિલ્હીથી લેવાય તેવો આદેશ કરવામાં આવ્યો. અમોલે પ્રભાકર બર્વેની કલાકૃતિના ઉદ્ઘાટનની તક ઝડપી લીધી અને એ આખી વાત તેમણે પોતાના પ્રવચનમાં બયાન કરી. ગેલરીના નિયામકે આ પ્રસંગને અસંગત અને ઔચિત્ય ભંગ તરીકે જણાવીને તેમને અધવચ અટકાવી દીધા. મંચ પર બિરાજમાન પીઢ કલાકારો કે પ્રેક્ષક તરીકે બેઠેલા કોઇ પણ કલાકારે આનો વિરોધ ન કર્યો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો. અમોલના ખાસા એવા પ્રયત્નો પછી સાંસ્કૃતિક મંત્રાલય, દિલ્હીએ તે જાહેરનામાનો અમલ કામચલાઉ ધોરણે પાછો ખેંચવાની જાહેરાત કરી. 

વ્યવસ્થાતંત્રની આવી નાની મોટી આડોડાઇ અમોલને સતાવતી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે એક ફરમાન બહાર પાડ્યું. નાટકની સ્ક્રીપ્ટ ભજવતા પહેલા સ્ટેજ પરફોર્મન્સ સ્ક્રૂટીની બોર્ડ પાસે તેને પ્રમાણિત કરાવવાનું અને બોર્ડ તે અંગે કોઇ ભલામણ કરે તો તેનો અમલ કરવાનું. થિયેટર પ્રેમી અમોલને આવા ભેદભર્યા ફરમાન સામે વાંધો છે. તે કહે છે – અખબારમાં છપાતા અહેવાલને કોઇ પૂર્વ પરવાનગી લેવી પડતી નથી. પુસ્તકમાં છપાતા સાહિત્ય માટે આવી કોઇ હરકત નથી. લાખોની મેદની વચ્ચે ધરાર ઉશ્કેરણીજનક પ્રવચન કરી દેતા ધાર્મિક કે રાજકીય નેતાઓના શબ્દની પૂર્વચકાસણી માટે કોઇ પ્રીસ્ક્રીનીંગ સર્ટિફિકેટની જોગવાઇ નથી તો, થિયેટર માટે અલગ માપદંડ કેમ?

અમોલની સંવેદના કલાજગત પૂરતી સીમિત નથી. સમાજમાં બનતી ઘટના સાથે પણ તેમને તેટલી જ નિસબત છે. મુસ્લિમ વિરૂદ્ધ ધિક્કાર ફેલાવતા અને હિન્દુત્વ એજન્ડા પ્રોત્સાહિત કરતા અપપ્રયાસો, ઇતિહાસની ખોટી રીતે રજૂઆત, વાણી સ્વાતંત્ર્ય પર તરાપ …. આ બધા પ્રવાહોથી તે ચિંતિત છે. 

રાજ્યની છબી ખંડિત કરતા બનાવોની પણ અમોલ નોંધ લે છે. જાન્યુઆરી, 2029ના પ્રારંભમાં અખિલ મરાઠી સાહિત્ય ખુલ્લું મુકવા જાણીતાં લેખિકા નયનતારા સહેગલને આપવામાં આવેલું આમંત્રણ રાજ્ય સરકારે પાછું ખેંચી લીધું. આવા પ્રદૂષિત સાંસ્કૃતિક માહોલમાં નાગરિક સ્વાતંત્ર્ય દૃઢ કરવા અમોલે પ્રતિરોધનું બીડું ઝડપ્યું. તેમણે સમાન વિચારો ધરાવતાં લેખકો અને કર્મશીલોને સંગઠિત કર્યા અને મહારાષ્ટ્ર વતી નયનતારા સહેગલને પ્રતીકાત્મક માફીનામુ આપ્યું. તાકાતનો પરિચય પણ કરાવવો પડે છે. 

આવા વાતાવરણમાં તેમને 1970-80નો પ્રયોગાત્મક થિયેટરનો જુવાળ યાદ આવે છે. 1970માં વિજય તેંડુલકરનું નાટક “ગીધડ” સેન્સરશીપની એરણે ચડ્યું હતું. સત્યદેવ દુબે તેના નિર્માતા હતા અને શ્રીરામ લાગુ દિગ્દર્શક. બંનેએ મળીને લડત આપી. બોર્ડ એકમાત્ર સુધારો સ્વીકારીને બાકીના 35 કટ પાછા ખેંચવા મજબૂર થયું. તે નાટક તેમણે અનોખા પ્રયોગ સાથે રજૂ કર્યું. ત્રીજા બેલ પછી લાઇટ ડીમ થાય ત્યારે એક ખાસ જાહેરાત કરવામાં આવતી. “સેન્સર બોર્ડના આદેશ મુજબ નાયિકાની સાડી પર લાલ રંગનો ધબ્બો હવે ભૂરા રંગનો બતાવવામાં આવ્યો છે. પણ એને લાલ ગણવો.”

અમોલ પરંપરાગત સ્વરૂપોને પડકારતા રંગમંચ નિષ્ણાત બાદલ સરકારના “તીસરી રંગભૂમિ” પ્રયોગથી ઘણા પ્રભાવિત છે. તેમના આ માળખામાં નાયક, નાયિકા, પ્રણય ત્રિકોણ કે સંઘર્ષ, એકોક્તિ કે પેઢીઓ સુધી સચવાતા રહે તેવા યાદગાર સંવાદનો પ્રયોગ કરવામાં આવતો ન હતો. તે પ્રતીકાત્મક રીતે રોજ બ રોજની ઘટમાળ ખુલ્લી કરતા. બાદલ સરકારની મૂળ બંગાળી સ્ક્રીપ્ટના હિન્દી અનુવાદ પરથી ચિત્રા પાલેકરે સુંદર મરાઠી ભાષાંતર કર્યું અને “મિછિલ” બન્યું “જુલુસ.” પોલીસ કે ધાર્મિક નેતાઓ જેવા સત્તાધિકારીઓના પ્રતીકો મૂકીને સામાન્ય માણસની વેદના અને લાચારી રજૂ કરવામાં આવી હતી. આ નાટકમાં બળવાખોર મિજાજ સુપેરે પ્રગટ થયો છે. અમોલ કહે છે “ઓપનીંગની રાત્રે કીડી પણ પેસી ન શકે એ રીતે થિયેટર હકડેઠઠ ભરાયેલું હતું. ત્રીજા બેલનો અવાજ થયો. લાઇટ ડીમ થતાં બાલકની અને છેલ્લી ખુરશીઓ પર બેઠેલા કલાકારો મંચ પર આવવા માડ્યા. કલાકારો સૂત્રોચ્ચાર કરતા મંચ પર આવ્યા અને વિરોધ કરવા માંડ્યા. એક્ઝિટ સહિત બધી લાઇટો એકાએક બંધ થઇ ગઇ. તે જ ક્ષણે ટોર્ચનો અંધકાર ચીરતો પ્રકાશ દેખાયો અને એક ઘેરો અવાજ સંભળાયો ‘શાંતિ રાખો, કાંઇ થયું નથી. બધું બરાબર છે’ મંચ ધીમે ધીમે પ્રકાશિત થવા માંડ્યો અને ટોળાને વિખેરતો પોલીસ દેખાયો. નાટકની એક પછી એક તમામ ક્ષણો જકડી રાખે તેવી હતી. પ્રારંભનું ટોળું છેલ્લે મંચ પરથી ઉતરી પ્રેક્ષકોમાં ભળી ગયું. પ્રેક્ષકો પણ સ્વયંભૂ સમર્થન આપતા જુલુસમાં ભળી ગયા. એ સમયગાળો ઇન્દિરા ગાંધી ઘોષિત કટોકટીનો હતો. સામજિક કર્મશીલ મૃણાલ ગોરે અને બીજા બે ત્રણ ભૂગર્ભમાં હતાં અને તે લોકો પણ ઓળખ છુપાવીને આ શો જોવા આવ્યાં હતાં. એ પછી તો રાજકીય કટાક્ષ અને ઢોંગી ધર્મગુરુના ઉશ્કેરણીજનક વિધાનોને ખુલ્લા પાડતા “જુલુસે” મહારાષ્ટ્રની ગલીગલીએ 150 શો કર્યા.” 

વોટબેન્ક ઊભી કરવામાં ગાંડાતૂર થયેલા આજના રાજકારણીઓ વસ્તી વધારા પર બેફામ નિવેદનો કરી રહ્યા છે પણ, અમોલ પાલેકરે પરિવાર નિયોજન અને વસ્તિ નિયંત્રણ માટે આજીવન પ્રયત્નશીલ રહેલા રઘુનાથ કર્વેની લડતનું નિરૂપણ કરતી ફિલ્મ “ધ્યાપર્વ”નું દિગ્દર્શન કર્યું હતું. ‘અપના ઉત્સવ’ પ્રયોગ પણ અનોખો હતો. કલાના પરંપરાગત સ્વરૂપોનો વૈભવ યુવા પેઢી સુધી પહોંચાડવાની અને દેશના લગભગ નેસ્તનાબૂદ થવાના આરે પહોંચેલી સ્થાનિક લોકકલાને પુનર્જીવિત કરવાની ધગશ તેમાં હતી.

ફિલ્મોમાં મોટી નફાખોરીમાં તેઓ માનતા નથી. કોઇ એકાદ પ્રચલિત ફોર્મ્યુલાવાળી ફિલ્મોમાં કામ કરી પૈસો રળી લેવો તે વાત તેમના સિદ્ધાંત વિરુદ્ધ રહી છે. અમોલ અભિનીત દરેક ફિલ્મના કથાવસ્તુ તદ્દન અનોખા રહ્યા છે. મુંબઇની લોકલ ટ્રેન, બસ સ્ટોપ, પુલ, મધ્યમવર્ગી મકાનો, દરિયાકાંઠો અને એ બધાની વચ્ચે બાન્દ્રાના ખ્રિસ્તી સમુદાયનો ફ્રેન્ચ કટ દાઢીવાળો “બાતોબાતો મેં” પ્યાર કરી દેતો નવયુવાન અમોલ. “આદમી ઔર ઔરત” ફિલ્મમાં લાચાર સ્ત્રીઓનો શિકાર કરવાનો શોખીન નફ્ફટ યુવાન ગાઢ જંગલમાં એકલી ઔરતને જોતા ઉન્માદમાં તો આવી ગયો પણ, ઔરતની સગર્ભાવસ્થા અને પહાડી ઓળંગીને સમયસર પ્રસૂતિગૃહે પહોંચવાની પીડા એ નફ્ફટ આદમીના હ્રદય પરિવર્તનનું કારણ બની. અને ઔરતની લાચારી આદમીની થઇ ગઇ. આદમીએ તનતોડ મહેનત કરી ઔરતને તેના મુકામે પહોંચાડી. માનવ અસ્તિત્વની વાત કરતી આ ફિલ્મ લોકો સુધી ખાસ પહોંચી નહિ તે પણ એક વરવી વાસ્તવિકતા જ છે આપણા સમાજની. સગર્ભા સ્ત્રીઓ માટે આકસ્મિક આરોગ્ય સેવા ઉપલબ્ધ ન હોય તેવા અંતરિયાળ વિસ્તારો આજે ય ભારતના નકશા પર મોજુદ છે. જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થાની વાત કરતી ફિલ્મ “રામનગરી”ની નિયતિ પણ આવી જ રહી. આ જ કતારમાં આગળ જતી ફિલ્મ છે “અનકહી”. અંધશ્રદ્ધાનું ખંડન કરતી આ ફિલ્મ નાજુક પ્રણય કથા આધારિત છે. “વિજ્ઞાન વિરુદ્ધ ભવિષ્યવાણી” અને “નિયતિ વિરુદ્ધ માનવ ઇચ્છા” જેવી માર્મિક વાતો આ ફિલ્મમાં રજૂ થઇ છે. પ્રગતિશીલ કથાવસ્તુથી માંડીને પોતાનું જ નિવાસ્થાન શુટિંગ સ્થળ બન્યુ તેવા ગૌરવ સાથે “અનકહી” અમોલ માટે ચિરસ્મરણીય છે. માનવમનના પડળો ખોલતી ખાસકરીને સ્ત્રી સંવેદના ઉજાગર કરતી અને સાદ્યંત કાવ્યમય અમોલ દિગદર્શિત ફિલ્મો “થોડા સા રોમાની હો જાયે” અને “પહેલી” જેવી ફિલ્મો તેમનું ઉત્તમ યોગદાન છે. ફિલ્મો પછી “અડોસ પડોસ” અને “કચ્ચી ધૂપ” જેવી ટી.વી. સિરિયલોએ છેક ઘરમાં આવીને પરિવાર સાથે માણી શકાય તેવું મનોરંજન પિરસ્યું.

જીવનમાં કલા અને સામાજિક નિસબત બંનેને એક સમાન મહત્ત્વ આપતા અમોલ પાલેકર ચાર અદૃશ્ય ઘટના ક્રમને તેમના જીવનના ટર્નિંગ પોઇન્ટ તરીકે જુએ છે. આ ચારમાંનો એક અણધાર્યો અકસ્માત તેમને વિઝ્યુઅલ આર્ટ તરફ લઇ ગયો. બીજો રંગમંચ અને ત્રીજો સિનેવિશ્વ. દિગ્દર્શકની ખુરશી પણ શોભાવી અને તેમનો ચોથો ટર્નિંગ પોઇન્ટ છે શાંતિ અને સુખના અભૂતપૂર્વ 20થી 25 વર્ષનો કાળખંડ.

અમોલે સક્રિય રાજકારણમાં જોડાવાના કાઁગ્રેસના પ્રસ્તાવનો ઇનકાર કરી દીધો હતો. તે પછી ગણતરીના સમયમાં બાળા સાહેબ ઠાકરેએ ફોન પર તેમના પક્ષની ટિકિટ આપવા જણાવ્યું. અમોલે તેમને પણ નમ્રતાપૂર્વક ના પાડી. રાજકારણથી સ્વાયત્ત અને સ્વતંત્ર રહીને સિસ્ટમને પડકારવામાં તેઓ માને છે. તુષ્ટિભાવને પોષતા રાજકીય પક્ષોમાં તેમને રસ નથી પણ આજના ડહોળાયેલા વાતાવરણને શાતા આપવા અફાટ માનવ મહેરામણને સંકલિતશક્તિ મળે તેવા વિચારથી તે અને તેમની પત્ની સંધ્યા ‘ભારત જોડો યાત્રા’માં જોડાયા.  

સ્મરણોની ઝોળી ભરતા સિને કલાકાર અમોલ પાલેકરે તેમના શબ્દોમાં ચિત્રકારીની છાંટ છોડવામાં કાંઇ બાકી નથી રાખ્યું. 

ઝોળી ભરતા અમોલને ડર છે કે ભૂતકાળને તીક્ષ્ણ ધાર આપતી ઝોળી કોઇપણ સમયે ચીંથરેહાલ થઇ જશે. કદાચ ઝોળી ખુલ્લી થઇ જાય તો ઝંઝાવાત શમી પણ જાય. ઝીલવાની ક્ષણ તો ત્યારે આવે જ્યારે ઝોળી તળિયેથી ફાટી જાય … અંદર ઠાંસીને ભરેલા વિષયો હવામાં વેરાઇ જાય પછી ધીમે ધીમે બર્ફીલી ધારની જેમ લહેરાતા હળવેકથી ધરા પર વિખેરાઇ જાય. અને આ પ્રસાર જે આકાર રચશે તે મારો હશે. જાણે કે બ્લોટીંગ પેપર પર નિરાકાર ફેલાયેલા અલ્ટ્રામરીન બ્લૂ રંગની શાહીનો અમૂર્ત અને ભીનો ધબ્બો.

c/o – e.mail : rsolanki0@gmail.com

Loading

‘તમે રહો છો અમેરિકા અને ભારતની સમસ્યા વિશે કેમ લખો છો?’

રમેશ સવાણી|Opinion - Opinion|17 February 2025

રમેશ સવાણી

14 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ ‘નવજીવન’ ખાતે મૈત્રી જૂથનાં થોડાં મિત્રો સાથે બે કલાક ચર્ચા-બેઠકનું આયોજન થયું હતું. તેમાં સુરેશ પ્રજાપતિ / હરગોવન પટેલ / હિતેશ પ્રજાપતિ / નરેન્દ્ર દેસાઈ / જિતેન્દ્ર વાઘેલા / મૂકેશ ઘેલાણી / દીપક પ્રજાપતિ / પારુલ અત્તરવાલા / વર્ષા પરમાર / જાગૃતિ ઠક્કર / ભાવિશાબહેન / રણજીત વાઘેલા / મહાદેવભાઈ પટેલે ભાગ લીધો હતો. 

તેમાં એક પ્રશ્ન હતો કે ‘તમે રહો છો અમેરિકા અને ભારતની સમસ્યા વિશે કેમ લખો છો?’

જવાબ : 

[1] કોઈપણ વ્યક્તિનો જ્યાં જન્મ થાય, શિક્ષણ મેળવે, રોજગાર મેળવે, નિવાસસ્થાન બનાવે તે ભૂમિને મનમાંથી દૂર કરી શકે નહીં. એટલે સમાજની / દેશની સમસ્યાઓ અંગે તે મૌન રહી શકે નહીં. 

[2] આજે દુનિયા એક કુટુંબ જેવી બની ગઈ છે. ટેકનોલોજી / સંચાર ક્રાંતિએ વિશ્વના લોકોને નજીક નજીક કરી દીધા છે. એટલે તમે ઈચ્છો તો પણ અલગ રહી શકો તેવી સ્થિતિ નથી. 

[3] બંધુત્વ / આઝાદી / ન્યાય / સમાનતા / વ્યક્તિનું ગૌરવ વગેરે માનવમૂલ્યોએ વિશ્વને એક કરી દીધું છે. વિશ્વના લોકોને એકબીજા સાથે જોડી દીધાં છે. એટલે આજે કોઈ એક દેશની સમસ્યા તે દેશ પૂરતી સીમિત રહેતી નથી તે વિશ્વના લોકોની સમસ્યા બની જાય છે. એટલે જ અમેરિકાના લોકો ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. ભારતમાં લોકશાહી સંસ્થાઓ પર સરકારી ભરડાનો વિરોધ અમેરિકા / UK / કેનેડામાં થઈ રહ્યો છે. દેશની સીમાઓ વળોટીને માનવવાદી વિચારો આગળ ધપી રહ્યા છે. ત્યારે દેશની સમસ્યાઓ પ્રત્યે મૌન રહી શકાય નહીં. લોકશાહીના અંચળા હેઠળ ક્રોની કેપિટલિસ્ટ દેશના સંસાધનો પર પ્રભુત્વ જમાવી દે ત્યારે ચૂપ રહી શકાય નહીં. સત્તાના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવાની કોઈ તક નાગરિકો પાસે ન હોય; રવિશકુમારને બોલતા બંધ ન કરાવી શકે તો આખી ચેનલ કોર્પોરેટ મિત્ર ખરીદી લે; બે નાનકડા રૂમમાં ચાલતા ન્યૂઝ ક્લિક પર પોલીસ દરોડો પાડી તેના એડિટર / પત્રકારને જેલમાં પૂરી દે; કોઈ સ્વતંત્ર ન્યૂઝ ચેનલ / અખબારને સરકારી જાહેરાતો આપવામાં ન આવે; માત્ર સત્તાની સ્તુતિ કરે તેમને જ સરકારી જાહેરખબરો મળે; સ્વતંત્ર પત્રકારો સામે બદનક્ષીના કેસો થાય વગેરે મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોનો અવાજ કચડવા આવે ત્યારે એટલા માટે બોલવું પડે કે નાગરિકો આર્થિક / રાજકીય / સામાજિક ગુલામીનો ભોગ ન બને. 

બીજા પ્રશ્નો હતા : 

[1] છળકપટ પુસ્તક લખવાનું કારણ શું છે?  

[2] શું તમારા પર કોઈ દબાણ આવતું નથી? 

[3] તમારી પોલીસ સર્વિસ દરમિયાન તમે કરેલ કોઈ કામ જે બીજાને પ્રેરણા આપે? 

[4] અભિવ્યક્તિના તમામ માર્ગો સાંકડાં બની રહ્યા છે ત્યારે શું કરવું? 

[5] શું વિરોધપક્ષ નબળો નથી? 

[6] શું ભારત હાલની સ્તુતિકાળની સ્થિતિમાંથી બહાર નીકળી શકશે? 

જવાબ : 

[1] છળકપટ પુસ્તક લખવાનું કારણ એ છે કે આ સંપ્રદાય સમાજજીવનમાં ભાગલા પડાવે છે. અસ્પૃશ્યતા ઊભી કરે છે. કેટલાંક સત્સંગીઓ પોતાનાં સગા ભાઈ / સગી બહેનનાં ઘેર જમતા નથી કે પાણી પીતા નથી ! પોતાના આર્થિક લાભ માટે રામ / કૃષ્ણ / શિવ / પાર્વતી / હનુમાન વગેરેને સહજાનંદજીના સેવક બનાવી દીધાં છે. આ બધા દેવોને સહજાનંદની સ્તુતિ કરતા કરી મૂક્યા છે. આ સંપ્રદાય વર્ણવ્યવસ્થાનું ભયંકર સમર્થન કરે છે. આ સંપ્રદાયના સાધુઓ દલિતોનું અપમાન વારંવાર કરે છે. કેટલાંક ભક્તો કહે છે કે ‘સહજાનંદજીએ ગુજરાતને વ્યસનમુક્ત કર્યું !’ પરંતુ શું સહજાનંદજીના જન્મ પહેલા ગુજરાતના લોકો જંગલી હતા? વ્યસની હતા? અને સહજાનંદજીના જન્મ પછી ગુજરાત વ્યસનમુક્ત બની ગયું? સહજાનંદજીએ પોતાના ગુરુ રામાનંદને સ્થાન આપ્યું નથી પણ પોતાના માતાપિતાની મૂર્તિ મંદિરમાં પધરાવેલ છે. એનું શું કારણ? શિક્ષાપત્રીમાં શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણોની સેવા કરવી એવો આદેશ કરેલ છે તે યોગ્ય છે? વિધવા મહિલાએ ભક્તિ કરી જીવન વ્યતીત કરવું તેમ સહજાનંદજીએ કહેલ છે, તે યોગ્ય છે? મહિલા પુનર્લગ્ન ન કરી શકે? મહિલાઓએ પિરિયડ દરમિયાન ફરજિયાત અસ્પૃશ્યતા પાળવી એવું સહજાનંદજી કહે છે તે ઉચિત છે? અતિ શૂદ્રોએ તિલક ન કરવું તેવો આદેશ સહજાનંદજીએ કરેલ છે તે ઉચિત છે? જન્મે બ્રાહ્મણ હોય તે જ દીક્ષા આપી શકે તેવી જોગવાઈ સહજાનંદજીએ કરી છે, તે યોગ્ય છે? સહજાનંદજીની સ્તુતિ રામ / કૃષ્ણ / શિવ / હનુમાનજી કરતા હતા તેવું સાહિત્ય શામાટે બનાવ્યું છે? ભારતમાં વરસો સુધી અંગ્રેજી શાસન ટકી રહે તેવા આશીર્વાદ આપનાર સહજાનંદજીને સંત / સર્વોચ્ચ ભગવાન કહી શકાય? આવા પ્રશ્નોનો પર્દાફાશ આ પુસ્તક કરે છે. 

[2] ધર્મસત્તા / સામાજિક સત્તા / આર્થિક સત્તા / રાજકીય સત્તાનો એક સ્વભાવ હોય છે કે તે ભિન્ન મત સહન કરી શકતો નથી. એટલે દબાણો તો આવે જ. પણ આગળ વધવું પડે. 

[3] 2002ના કોમી તોફાનો દરમિયાન હું DCP ઝોન-5 હતો. મારા સુપરવિઝન નીચે 5 પોલીસ સ્ટેશન હતા : ગોમતીપુર / રખિયાલ / બાપુનગર / ઓઢવ / અમરાઈવાડી. અમે મુસ્લિમ નેતાઓને કહ્યું કે તમારે તોફાનીઓનો પ્રતિકાર કરવાનો નથી, એ કામ પોલીસ કરશે. તમે મોબાઇલ પર કોલ કરો અને 5 મિનિટમાં પોલીસ પહોંચી જશે. આ રીતે અમે સંઘર્ષ ટાળી શક્યા. રાત્રે જ અમે 400થી વધુ મુસ્લિમોને પોલીસના વાહનોમાં સ્થળાંતરિત કર્યા, જેથી ઝોન-4માં ગુલબર્ગ / નરોડા પાટિયા / નરોડા ગામ જેવી સામૂહિક હત્યાઓ થઈ તેવી કોઈ ઘટના ઝોન-5માં બની નહીં. 

[4] અભિવ્યક્તિ પર હવે કોર્પોરેટ કંપનીઓનો કબજો થઈ ગયો છે. અભિવ્યક્તિનાં સંસાધનો પર મૂડીપતિઓનો કંટ્રોલ છે. નાના નાના દાબ-જૂથો બનાવી લડત આપવી પડે. બોલતા રહેવું પડે. 

[5] વિરોધપક્ષ નબળો નથી, પરંતુ સત્તાપક્ષે તેને નબળો કરી મૂક્યો છે. ચૂંટણી ટાણે જ વિપક્ષનું બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરવામાં આવે છે. IT / ED / CBI વગેરે એજન્સીઓ હડકાયા કૂતરાની માફક વિપક્ષના નેતાઓ પાછળ પડી જાય છે. વિપક્ષના આર્થિક સ્રોત નિયંત્રિત કરવામાં આવે છે. વિપક્ષના નેતા વિરોધ / પ્રદર્શન કરે તો પોલીસ રાત્રે ઉપાડી જાય છે. સત્તાપક્ષના IT Cell તથા ગોદી મીડિયા દ્વારા વિપક્ષનું સતત ચરિત્રહનન કરવામાં આવે છે. ચૂંટણીમાં ધર્મનો દુરુપયોગ કરાય છે. કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ / સ્વામીઓ / મહારાજો / ડાયરા કલાકારો / ગોદી લેખકો-પત્રકારો વિપક્ષને ખલનાયક, દેશદ્રોહી, ધર્મદ્રોહી ચીતરે છે અને મોદીજીને અવતાર ! એટલે લોકો ભ્રમિત થાય છે. 

[6] ભારત હાલની સ્તુતિકાળની સ્થિતિમાંથી બહાર જરૂર નીકળશે. સત્તાપક્ષમાં અંદરોઅંદર ઝઘડા છે જ. એ એના ભારે જ ભાંગશે. સત્તાપક્ષમાં શિસ્ત દેખાય છે તે સ્વાર્થની છે, એટલે સૌ ચૂપ છે. યાદ રહે, જાગૃત લોકોએ સક્રિયતા જાળવી રાખવી પડશે.

બસ ત્યારે 16 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 22.10 વાગ્યે અમદાવાદ-દિલ્હીથી Newark-New York તરફ જઈ રહ્યો છું. ગુજરાતમાં પ્રવાસ દરમિયાન અત્રતત્રસર્વત્ર મુખ્ય મંત્રી તથા વડા પ્રધાનના ફોટા જોવા મળ્યા. અમદાવાદ એરપોર્ટમાં પણ મુખ્ય મંત્રી તથા વડા પ્રધાનના ફરજિયાત દર્શન કરવા પડ્યા ! વતનની ચિંતા તો રહેશે જ !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...244245246247...250260270...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved