
જૈનેન્દ્રકુમાર
મેં કહ્યું, ‘બાપુ! એક અનુમતિ ચાહું છું.’ બાપુએ દૃષ્ટિ ઉઠાવી મારી સામે જોયું.
‘એવી ઈચ્છા છે કે આપના આ ઓરડામાં મને બેએક દિવસ વિના રોકટોક રહેવા મળે. મારે કશી વાતચીત કરવાની નથી. કેવળ રહેવું છે, જોવું છે. આપને વિઘ્નકર્તા બનું છું એવું લાગશે યા કોઈ પ્રાઈવેટ વાતચીત …’
‘પ્રાઈવેટ મારી પાસે કશું નથી … બધું જ ખુલ્લું છે.’ કહેતાં તેઓ હસી પડ્યા. ‘પ્રાઈવેટમાં તો આ જાણે બાથરૂમ જાઉં છું. હા, કેટલાક લોકો એવા આવે છે મારી પાસે કે જેઓ પોતાની સાથેની વાતચીતને ખાનગી રાખવાની ઈચ્છા ધરાવતા હોય છે … એમ હોય ત્યારે વાત જુદી. તે એ તો તું સમજી શકે.’
આમ વગર દખલે મેં એમના ઓરડામાં બે દિવસ ગાળ્યા, બેરોકટોક આવનજાવન કરી. મેં જોયું કે, એમની પ્રત્યેક ક્ષણ એક અનુભવ હતો … જવલંત ને જાગ્રત ! કેમ જાણે સૂવા છતાં ઊંઘતા ન હોય. અંતરમાં જાણે જાગતા જ રહેતા હોય. બીજા કર્મનિષ્ઠોની માફક તેઓ શરીર-મનને બેહદ કસતા હોય, દમતા હોય, યા એની પાસે ખૂબ કડકાઈથી કામ લેતા હોય એવું પણ ન લાગ્યું. તપસ્વીનું રૂપ મેં એમનામાં જોયું નહિ ને હશે તો ય તે ભોગીને મળતું. અર્થાત્ પ્રત્યેક ક્ષણે મેં એમને હૈયાભીના અનુભવ્યા. વળી ક્યાં ય કામ ને આરામ એવાં બે ખાનાં ન જોયા … કર્તવ્યકર્મ જાણે એમની આગળ સહજ કર્મ બની ગયેલ હતાં. આ સ્થિતિ અત્યંત વિરલ હોય છે. ગાંધીજીનું શરીર-યંત્ર પણ એવું સાધેલું હતું કે, એની આગળ સંગીતેય શું હશે! એમને ચોમેરથી ઘેરો ઘાલીને પડેલી પરિસ્થિતિ ય તેઓ ઇચ્છે ત્યારે જાણે શૂન્ય બની જતી! તેઓ ઇચ્છે ત્યારે ગમે તેવી વ્યક્તિની હાજરીનો લોપ સધાઈ જતો … એટલું જ નહિ … આસપાસ જામેલી લોકોની ભીડ પણ એમને પોતાની એકાગ્રતામાંથી ચલિત કરી શકતી નહિ. દાખલા તરીકે, તેઓ કંઈ લખવા બેઠા હોય, તે વખતે વણનોતર્યા, કેટલા ય માણસો આવી આવીને એમની આસપાસ બેસી જતા … પણ એ બધાને થોડા જ સમયમાં સમજાઈ જતું કે, બાપુ આપણી વચ્ચે છે જ નહિ.
તે દિવસે એક મહિલા આવેલી … ભારતમાં નવી નવી જ આવી હોય એમ લાગતું હતું. જાણે ઘણા લાંબા કાળથી. આ મુલાકાતની એને પ્રતીક્ષા હોય. એ આવી ત્યારે હૈયાની પ્રીત, પ્રસન્નતા ને સંભ્રમથી કંપી રહી હતી.
ગાંધીજીએ કહ્યું, ‘ઓહ, આવી ? આવ આવ. આટલી ગુલાબી શાને થઈ રહી છો ? બધું ઠીક છે ને? મારો પત્ર મળેલો કે?’
મહિલા સહજભાવે ઉત્તર આપી શકે એમ ન હતી, એટલી વિહ્વળ ને આવેગમય હતી! જેમ તેમ કરીને એણે બાપુને એટલું સમજાવ્યું કે, ‘પત્ર તો નથી મળ્યો.’ જાણે કોઈ દુર્ઘટના ઘટી હોય …
ગાંધીજી બોલી ઊઠયા, “અરે, પણ એ તો પ્રેમપત્ર હતો! એમ ન સમજીશ કે હું બુઢ્ઢો છું …’
મહિલાનું મુખ શરમથી રાતું બની ગયું. એ કંઈક બોલી … પણ એ શબ્દો ન હતા, શુદ્ધ આહ્લાદનો સંકોચ પ્રગટ થઈ રહ્યો હતો.
‘ખરું કહું છું. એ મારો પ્રેમપત્ર જ હતો. લાંબો, કંઈ કેટલાં ય પાનાંનો. ખેર, પણ હવે તો હિન્દુસ્તાનમાં જ છો ને ? અહીં જ સેવા કરીશ .. ?’
‘હું અહીંની ભાષા નથી જાણતી.’
‘ઓહ! એથી રૂડું શું ? મોઢું આપોઆપ બંધ રહેશે … માન કે તું સફાઈના કામમાં લાગેલી છો, તે કોઈ તને વાતે વળગાડવા આવી લાગ્યું … તો તારે માત્ર હાથ ઊંચો કરી, બે આંગળી મોં આડી ધરી, આમ હાથ હલાવી દેવાનો … પેલો સમજશે કે આ તો મૂંગી જ છે … ને તને તો એથી લાભ જ થવાનો … તું તારે સંજવારી કાઢ્યે જજે …’
આમ કહેતાં કહેતાં જ પોતાના મોં આડી આંગળી ધરી ગાંધીજીએ હાથ હલાવ્યો, ને વાત પૂરી થતાં થતાંમાં તો ખડખડાટ હસી પડ્યા.
મેં જોયું કે મહિલાને પોતાનું આ સ્વાગત બહુ અનોખું લાગ્યું. પણ સાથે એટલું જ રુચિકર પણ. એ એવી ભાવ ગદ્ગદ બની ગઈ હતી, કે અંતરનો ભાવ બધા અંગેઅંગમાં છલકાઈ આવ્યો હોય.
સહસા મુખ ગંભીર કરી તેઓ બોલ્યા, ‘આપણે જ અંતિમ હોઈશું! પણ ત્યાં આગળવાળાં પાછળનાં બની જશે, ને પાછળવાળાં … આ જ કહે છે ને તારી એંજલ ? તું એમ ન માનતી કે હું એનો પંડિત છું. બસ, ‘સરમન ઑન ધ માઉન્ટ’ સુધી જ જાણું છું. વારુ, તો હવે તું ભારતમાં જ રહેવાની, ને એ જ તારો દેશ બનવાનો, ખરું?… અમે બહુ દરિદ્ર છીએ, પણ દરિદ્રમાં નારાયણ વસે છે, એ તું જાણે છે ને?’
વચ્ચે વચ્ચે મહિલા કંઈક કંઈક બોલતી. પરંતુ શબ્દો વાક્યમાં સંયુક્ત બની શકતા નહિ … એટલી આનંદવિભોર હતી એ.
‘તો … મારો પ્રેમ વ્યર્થ નહિ જાય! આપણ બેઉ ઈસા મસીહના માર્ગે ચાલતાં રહીશું … ચાલ્યા કરીશું.’
મહિલાએ પોતાની નીલી-ભૂરી આંખો વડે ગાંધીજીને નીરખ્યા કર્યા.
‘તો આપણું પત્યું ? હવે જો … પેલો … ખૂણો છે ને ત્યાં જઈને બેસી જા. પણ એકદમ ચૂપચાપ બેસવાનું … બાકીની વાત આપણી કાલે.’
આમ કહેવાની સાથે સાથે, આંગળી ચીંધી ગાંધીજીએ એને પેલો ખૂણો દેખાડી દીધો. ને પોતે વળી પાછા પોતાનાં કાગળિયાંમાં ડૂબી ગયા.
ક્ષણભર તો પેલી મહિલા સ્તબ્ધ બની ગઈ. જાણે કે પોતાની હસ્તિ જ લોપાઈ ગઈ હોય, એમ ન અનુભવતી હોય! તે પછી ધીરે ધીરે ઊઠીને બાપુએ ચીંધેલ ખૂણે જઈ ચૂપચાપ બેસી ગઈ. ત્યાં બેઠી બેઠી એ જોઈ રહી હતી કે, આ ગાંધી, જે આવો પ્રેમી છે, તે જ પાછો આમ કડપભર્યું શાસન પણ કરે છે!
-2-
આ બે દિવસ દરમિયાન મેં એમને અનેકોના સંપર્કમાં જોયા. ને જોયું કે સ્નેહ એમનામાં છલોછલ ભરેલો છે. ને છતાં એ ક્યાં ય છલકાતો નથી કે ઢોળાતો નથી! તેઓ સ્નિગ્ધ છે એ વાત નિ:શંક … પરંતુ સાથે એટલા જ કઠોર પણ છે. તેઓ અતિશય દારુણ .. અતિ નિર્મમ પણ છે.
શાકભાજીની છાબડી આવી. સવારના પહોરમાં તાજાં જ ચૂંટાયેલ શાકભાજી અમુક ફાર્મમાંથી આવ્યાં હતાં. મીરાંબહેને છાબરડી લાવીને બાપુની સામે મૂકી લીધી … એ જોઈ બાપુના કપાળમાં કરચલીઓ ઊઠી આવી … મીરાંબહેન જરા ભોંઠાં પડી ગયાં.
‘આ શું છે?”
‘તમે જ જોઈને કહી દો કે … આમાંથી બીજું શું બનાવીએ ?’
‘એ બધું મને જ પૂછવું પડશે?’ બાપુએ એવા કડપ સાથે આ કહ્યું કે જાણે આ વેળા કહેલો આ શબ્દ છેલ્લો જ હોવો જોઈએ. કહે, ‘કશું જાતે શીખવાનું નહિ?”
કહેતાં કહેતાં છાબડી પોતાની નજદીક ખેંચી લઈ, એમાંથી પાલખની ભાજીનું એક પાંદડું હાથમાં લઈને વચ્ચેથી એવી રીતે વાળ્યું કે ચટક્ કરતુંકને એ ભાંગી ગયું. છાબડીને બીજે છેડેથી બીજું પાંદડું લઈ એને પણ એ જ રીતે વાળ્યું. કહે, ‘જે આમ કરતાં તૂટી જાય તે સારા ગણાય. ને જે વળી જાય તેને રહેવા દેવાનાં. આટલું તો તમારે જાણી લેવું જોઈએ જ. ભાજી માટેની આ જ પરીક્ષા છે. આટલું શીખી લેવા વાંકે જ ગમે તે ઘડીએ આવીને તમે મારી સામે ખડાં થઈ જાઓ, એ કેવું?’
મીરાંબહેનને મુખેથી તો એક અક્ષર શાનો નીકળે ? એમના પગ તો પાણી પાણી ! ચોખવટ કરવાનો તો કોઈ સવાલ જ ન હતો. કારણ ચોખવટ સાંભળવા કોઈ તૈયાર હોય તો ને ? મેં જોયું કે નિર્મમતાના આ વ્યવહાર પાછળ કોઈ જોહુકમી યા ધણિયામાપણું ન હતું. કંઈ હોય તો તે કોઈ ઉચ્ચતર એવી હકૂમતનું શાસન હતું. સામાજિક કક્ષાભેદ યા ઇતર શ્રેણીભેદોને કારણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે જે અંતર હોય છે, તેવું કોઈ અંતર આ બે વ્યક્તિઓ વચ્ચે હતું નહિ. આ જ સ્થિતિમાં કાયમ રહેવા માટે વ્યક્તિને વિવશ બનાવનારું કોઈ નિર્વૈયક્તિક કારણ પણ અહીં ન હતું. અહીં તો પૂરી વ્યક્તિગત સ્વેચ્છાથી બંને પક્ષે આ વ્યવહારને માન્ય કરેલો હતો … સંપૂર્ણતયા પ્રેમનો જ આ વ્યવહાર હતો. એથી જ તો એ સર્વથા અનુલ્લંઘનીય ને હર કોઈ પ્રકારનાં બંધનોથી મુક્ત હતો.
-3-
જીવનના અંતિમ દિવસોમાં ગાંધીજીને લાંબો સમય દિલ્હીમાં જ વિતાવવો પડેલો. દરરોજ સાંજે, પ્રાર્થનાસભામાં એમનાં મહત્ત્વપૂર્ણ વક્તવ્યો થતાં.
પરિસ્થિતિ અત્યંત કટોકટીભરી હતી. સ્વરાજ નવું નવું હતું … હજી એનો ભાર બરાબર ઝીલી લઈ શકાયો ન હતો. રોજ નવી નવી કંઈ કેટકેટલી સમસ્યાઓ ઉકેલ શોધતી એની સમક્ષ ખડકાઈ રહી હતી. ધ્રુવતારકશા ગાંધીની દિશા ચૂકી ગયેલ ભારતનું નાવ તોફાનના હિલોળે ચડી ગયું હતું. હિન્દુસ્તાન ચિરાઈને ‘પાકિસ્તાન’ પેદા થયું હતું. ને એ કંઈ બે ભાઈ વચ્ચે થતા હોય છે તેવા ભાગલા ન હતા. એ તો જાણે કરવતથી વહેરીને કલેજાના બે ટુકડા કરવામાં આવ્યા હોય ! એમાંથી કેટલી આહ, કેટકેટલી આગ પેદા થઈ હશે! ગાંધી એ તપ ને તપન વચ્ચે હોમાઈ રહ્યા હતા. પ્રાર્થના જ એમનું એકમાત્ર સાંત્વન બની રહી હતી. બાકી તો એમણે અહરહ આગમાં ભૂંજાવાનું જ હતું …
એક દિવસ હું એક પ્રાર્થનાસભામાં જઈ પહોંચ્યો. પ્રાર્થના થઈ, ગીતાના શ્લોક બોલાયા, બૌદ્ધ સ્તવન થયાં, કુરાનની આયતો પઢવામાં આવી, ભજન ગવાયાં, ને ગાંધીજીનું પ્રવચન પણ થયું. સભા વીખરાઈ. ગાંધીજી ઊઠ્યા. પાછળના લોકોએ બે પંક્તિમાં વહેંચાઈ જઈ પાછા હટીને ગાંધીજીને પસાર થવા માટે માર્ગ કરી આપ્યો. નીચી નિગાહે ગાંધીજી એ વિથીમાં થઈને પોતાના ડેરા ભણી ચાલ્યા જતા હતા. ત્યાં પંક્તિમાં ઊભેલી એક મહિલાની ગોદમાંથી એક બાળકીએ સાદ પાડ્યો, ‘બાપુ !’
બાપુ એકાદ ડગલું આગળ વધી ગયા હતા, જાણે ગહનતામાં લીન હતા … ત્યાં એકાએક એમનાં ડગ થંભી ગયાં. પાછા વળીને એમણે પેલી બાળકી સામે જોયું. એમનો ચહેરો ખીલી ઊઠ્યો. બંને હાથ પોતાના ચહેરા પાસે લાવીને એમણે એવો નખરો કર્યો જાણે બંદર હોય! બાળકી ભણી ઝૂકી બોલ્યા : ‘હાઉક !’
બાળકી સહેજ ચમકી, પછી તરત ખુશીથી ખીલી ઊઠી!
પણ ત્યાં તો ક્ષણભરને માટે બાળકીને રીઝવવા ‘બંદર’ બનેલા એના બાપુ ક્યાં ય આગળ વધી ગયા હતા … એવા જ ગહન, લીન, અગાધ!
(“અકાલપુરુષ ગાંધી”)
15-17 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 344-346