Opinion Magazine
Number of visits: 9966758
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રૂ. વીસ લાખ કરોડના આર્થિક પૅકેજનો અસલી અર્થ જાણવો છે?

રમેશ સવાણી|Opinion - Opinion|4 June 2020

સરકારે રૂ. 20 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ તો જાહેર કરી દીધું છે. કદાચ હજુ બીજાં પૅકેજ જાહેર થશે. આંકડા વાંચીને તમ્મર ચડી જાય છે; અધધ રૂપિયા ! પણ આ રૂપિયાની મદદ કોઈ બેરોજગાર શ્રમિકોને, હજારો કિલોમીટર પગે ચાલી રહેલા ગરીબોને, વિવશ ખેતમજૂરોને, ભાંગી પડેલ ખેડૂતોને મળવાની છે પૅકેજમાં કોઈ જગ્યાએ પ્રત્યક્ષ મદદ કે રાહતની વાત નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધાઓ) મજબૂત બનશે, જેનો આડકતરો લાભ મળશે !

ગણિત એ છે કે આ મદદ કે રાહત છેક નીચે સુધી ગરીબો, શ્રમિકો, ખેતમજૂરો, ખેડૂતો સુધી પર્કોલેટ થશે એટલે કે લાભો છેક નીચે સુધી ઝમશે! આ લોન આધારિત પૅકેજ છે; શ્રમિકો માટે તત્કાળ રાહતની વાત નથી ! લાંબે ગાળે ફાયદાની થિયરી છે. અત્યારે ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે, તેમને મદદ મળવાની નથી ! લૉક ડાઉનમાં સ્થળાંતરિત શ્રમિકો, લારી-ગલ્લાવાળા, ખેતમજૂર-ખેડૂતોએ સૌથી વધુ સહન કર્યું છે. તેમને આત્મનિર્ભરતાનો ઉપદેશ આપવાનો અર્થ ખરો?

2 એપ્રિલ, 2020ના રોજ વિશ્વ બેંક પાસેથી 100 કરોડ ડોલર તથા 15 મે, 2020ના રોજ 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 13 મે, 2020ના રોજ ન્યૂ ડેવલપમૅન્ટ બૅન્ક-NDB પાસેથી 100 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. 8 મે, 2020ના રોજ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક-AIIBની 50 કરોડ ડોલરની લોન લેવામાં આવી છે. આ બેંકનું વડું મથક ચીનની રાજધાની બેજિંગમાં છે અને ચીનના ભારે નાણાકીય ટેકાથી ચાલતી આ બેંકે ભારતને લોન આપી છે. PMની પ્રશંસા કરનારા કહે છે કે ભારતે ચીનને મહાત કરી દીધું છે ! એક તરફ, વૈશ્વિક સંસ્થાઓ પાસેથી 350 કરોડ ડોલર એટલે કે રૂ. 26,950 કરોડની લોન લીધી છે, બીજી તરફ, આત્મનિર્ભરતાનો માત્ર ઉપદેશ ! હા, ભારતના શ્રમિકો બિલકુલ આત્મનિર્ભર છે; ત્યારે તો પગમાં છાલાં પડી ગયાં છે. તેમના માટે વાહનની વ્યવસ્થા કરવાનું ન સૂઝ્યું અને હવે લોન-પૅકેજ?

આ પહેલાં પણ કેટલાં ય પૅકેજ જાહેર કર્યાં હતાં, હજુ સુધી એના લાભો ઝમીને નીચે સુધી પહોંચ્યા નથી ! છેવાડાના માણસને સીધી મદદ મળે એવી વ્યવસ્થા ન ગોઠવી શકાય? પર્કોલેશનની થિયરી મુજબ ક્યારે રાહત મળે? ક્યારે અંત્યોદય થાય? જીવતો માણસ મરી જાય પછી યોજનાઓ-પૅકેજો શું કામનાં? ઘણા કહે છે, “20 લાખ કરોડનું પૅકેજ સમજવા કોશિશ કરું છું; કંઈ સમજાતું નથી !” હું કહું છું, ”પૅકેજ બહુ જ સરળ છે. એટલું સમજી લો કે તમને કોઈ રાહત મળવાની નથી!” કોરોના મહામારીને નાથવા લૉક ડાઉન કરવાથી દેશ આર્થિક રીતે તૂટી ગયો છે. શ્રમિકો ભૂખે મરી રહ્યા છે. પ્રધાનસેવકે 12 મે, 2020ના રોજ રૂ. 20 લાખ કરોડનું પૅકેજ જાહેર કર્યું. તેમાંથી ખેડૂતો, શ્રમિકો, લધુઉદ્યોગોને મદદ કરાશે. આખા દેશમાં એક આશાની લહેર ફરી વળી. પરંતુ વળતા દિવસોએ નાણામંત્રીએ ડુંગર ખોદી ઉંદર કાઢ્યો ત્યારે ખેડૂતો-શ્રમિકો નિરાશ થઈ ગયા ! પ્રત્યક્ષ મદદની વાત જ નથી. રાહત જ નથી. માત્ર લોન ગેરંટીની વાત છે. સૌથી આંચકારૂપ વાત એ છે કે રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી અડધો ખર્ચ તો અગાઉ થઈ ગયેલો, એને ગણતરીમાં લઈ લીધો છે !

20 લાખ કરોડમાં RBIએ અગાઉ 8 લાખ કરોડની રાહતો આપી છે; તેનો સમાવેશ થઈ જાય છે; પરંતુ તેને પૅકેજ કહી શકાય નહીં, તે બેન્કો માટે નાણાનીતિ કહેવાય; રાજકોષીય નીતિ ન કહેવાય. પૅકેજ તો સરકાર ખર્ચ કરે તેને કહેવાય. આમ પ્રધાનસેવકે આંકડાની માયાજાળ ઊભી કરી દેશના ખેડૂતો-શ્રમિકોની મશ્કરી કરી છે — દાઝ્યા ઉપર ડામ અને પડતા ઉપર પાટુની નીતિ અપનાવી છે ! ખેડૂતોની લોન ઉપરનું વ્યાજ અગાઉ બે મહિના માટે માફ કરાયું હતું; હવે વધુ બે મહિના માટે માફ કરવામાં આવ્યું છે — તે પણ માત્ર 3 કરોડ ખેડૂતો માટે, જ્યારે દેશમાં ખેડૂતોની સંખ્યા 11.87 કરોડ છે. કોરોનાસંકટના કારણે ખેડૂતોની સ્થિતિ ભારે ખરાબ થઈ ગઈ છે; ત્યારે તેમનું દેવું માફ કરવાની જરૂર હતી. તેને બદલે માત્ર લોનની વાત છે; નવી લોન લઈ લો અને જૂની લોન ચૂકવો ! ખેડૂતોની હાલત ખરાબ થાય ત્યારે ખેતમજૂરોની દશા બેસી જાય છે. એમના માટે કોઈ રાહત નથી. દેશમાં દોઢ કરોડથી વધુ લારી-ગલ્લાવાળા છે. તે પૈકી માત્ર 50 લાખ લોકોને રૂ. 10,000ની લોન આપવામાં આવશે. મદદ નહી, રાહત નહીં, લોન. રેશનિંગની દુકાનેથી 8 કરોડ સ્થળાંતરિત શ્રમિકોને વધુ બે મહિના સુધી વિના મૂલ્યે અનાજ અપાશે; પરંતુ 2011ની વસતિ ગણતરી મુજબ દેશમાં સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા 13.9 કરોડની હતી; તો બાકીના શ્રમિકો શું કરશે?

નાણામંત્રીએ રૂ. 4.4 લાખ કરોડની ઘોષણા કરી તેમાં 3 લાખ કરોડનો હિસ્સો તો લઘુઉદ્યોગોને લોન આપવામાં વપરાશે. 90,000 કરોડ વીજકંપનીઓ માટે વપરાશે. બાકી 50,000 કરોડ TDSમાં 25 ટકા રાહતમાં વપરાશે. 20 લાખ કરોડમાંથી 70 ટકા ક્યાં વપરાશે તે દર્શાવી દીધું. પૅકેજનાં નાણાની જોગવાઈ કઈ રીતે થશે તે પ્રશ્ન નાણામંત્રીએ ટાળી દીધો ! કોરોનાસંકટમાં પોતાની આજીવિકા ગુમાવનાર અસંઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કોઈ રાહતની જોગવાઈ ન કરી ! પછી  ડૅમેજ કંટ્રોલ માટે ‘PM કેર્સ ફંડ’માંથી રૂ. 1,000 કરોડની જોગવાઈની જાહેરાત કરી. ટૂંકમાં, આ પૅકેજને સમજવું બહુ જ સરળ છેઃ ખેડૂતો, શ્રમિકો, ખેતમજૂરો, લારી-ગલ્લાવાળાને રૂ. 20 લાખ કરોડના પૅકેજમાંથી એક રૂપિયાની પણ રોકડ રાહત મળવાની નથી !

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020

Loading

કોરોનાના કમઠાણ પછી શેમ્પૂપ્રધાન બજારનું શું?

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|4 June 2020

“મૂડીવાદી અને વપરાશવાદી નૈતિકતા એ એક જ સિક્કાની બે બાજુ છે. એમાં બે આદેશોનું મિશ્રણ છે. સર્વોચ્ચ આદેશ ધનવાનો માટે છે : ‘રોકાણ કરો.’ બાકીના બીજા બધા માટેનો આદેશ એ છે કે, ‘ખરીદી કરો.’ મોટા ભાગે ભૂતકાળની નૈતિક વ્યવસ્થાઓએ લોકો સમક્ષ બહુ કઠિન બાબતો રજૂ કરી હતી. એમના દ્વારા લોકોને જો તેઓ કરુણા અને સહિષ્ણુતા કેળવે, ક્રોધ અને લોભને નાથે અને પોતાનાં સ્વાર્થી હિતોને સંયમિત કરે તો, સ્વર્ગનું વચન આપવામાં આવ્યું હતું. મોટા ભાગના લોકો માટે એ બહુ મુશ્કેલ હતું. નીતિશાસ્ત્રનો ઇતિહાસ એવા ઉત્તમ આદર્શોની નિરાશાજનક કહાણી છે કે જે આદર્શો મુજબ કોઈ જીવતું નથી. તેનાથી વિપરીત, મોટા ભાગના લોકો સફળ રીતે મૂડીવાદી-વપરાશવાદી આદર્શને જીવે છે. આ નવું નીતિશાસ્ત્ર તમને એ શરતે સ્વર્ગનું વચન આપે છે કે ધનવાન લોકો લોભી રહે અને તેઓ વધુ ને વધુ ધન કમાવામાં તેમનો સમય ખર્ચે. લોકોના લોભ તેમ જ તેમના આવેગોને છૂટો દોર મળે તથા વધુ ને વધુ ખરીદી કર્યા જ કરે. ઇતિહાસમાં આ પહેલો ‘ધર્મ’ છે, જેના ‘અનુયાયીઓ’ ખરેખર એ કરી રહ્યા છે કે જે કરવાનું તેમને કહેવામાં આવ્યું છે. તો પછી આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણને બદલામાં ખરેખર સ્વર્ગ પ્રાપ્ત થશે? આપણે એ ટી.વી. પર જોયું છે.”

ઇઝરાયેલના ઇતિહાસકાર યુવાલ હરારીનું કથન મૂડીવાદ અને તેને આધુનિક યુગમાં મળેલી સફળતા વિષે ઘણું બધું કહી જાય છે. એટલું જ નહીં, જગતના બધા ધર્મો મનુષ્યને નૈતિક બનાવવામાં કેટલા નિષ્ફળ ગયા છે તે પણ જણાવે છે.

કોરોના મહામારીથી જગતમાં કોઈ વ્યક્તિ કે કંપની કે સરકાર એવાં નથી કે જેમને સીધી કે આડકતરી રીતે અસર ન થઈ હોય. લગભગ દરેક વ્યક્તિને ભય તો લાગ્યો જ છે. સ્વચ્છ ટેક્નોલોજીના એક અમેરિકન પુરસ્કર્તા બિલ રોથ એમ કહે છે કે, “ભય એ આર્થિક કેન્સર છે.” ભારતમાં પણ કોરોનાના ભયને લીધે ખાસ કરીને મધ્યમ વર્ગના ગ્રાહકોનું વર્તન બદલાઈ ગયું છે. સંઘરાખોરીથી માંડીને ઓછી ચીજોથી ચલાવી લેવાનું વલણ વિકસ્યું છે, પણ જે ગરીબ છે અને રોજેરોજનું કમાઈને ખાય છે તેમના વપરાશમાં પરિવર્તન આવવું શક્ય જ નહોતું. કારણ કે તેમની વપરાશની તરહ સાવ સામાન્ય હતી.

લૉક ડાઉન દરમિયાન મધ્યમ વર્ગીય ગ્રાહકો જે ખરીદી કરે છે તેની તરાહમાં આ મુજબનું પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે : (1) ઘરની કરિયાણાની ખરીદીમાં વધારો થયો કારણ કે બહાર લારી-ગલ્લા ઉપર કે રેસ્ટોરાંમાં ભોજન લેવાનું કે નાસ્તા કરવાનું અને ચા-કોફી પીવાનું બંધ થઈ ગયું. (2) આરોગ્યની કાળજી રાખવા માટેનાં સાધનો અને દવાઓ વગેરેની ખરીદીમાં વધારો થયો. એટલે કે ચેપ ના લાગે અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેની દવાઓની ખરીદી વધી ગઈ. (3) લૉક ડાઉનને કારણે ઘરની બહાર જવાનું બંધ થયું. એટલે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના ખર્ચમાં ઘટાડો થયો. જો કે, આ ફરજિયાત રીતે થયેલો ઘટાડો છે. આ કંઈ સભાનપણે થયેલી પસંદગી નથી. (4) ચોક્કસ બ્રાન્ડ પ્રત્યેની વફાદારી બાજુ પર મૂકી દેવાઈ અને જે મળે તેનાથી ચલાવી લેવાનું વલણ વધી ગયું. (5) જે અનેક લોકો માસિક નિશ્ચિત આવક ધરાવતા નથી અથવા રોજેરોજનું કમાઈને ખાય છે તેમની પણ બચતવૃત્તિ થોડીઘણી વધી ગઈ. કારણ કે તેમને આગામી મહિનાઓમાં અનિશ્ચિતતા દેખાઈ.

ઉપરોક્ત ફેરફારોએ શું કોઈક નવા જ અર્થતંત્રને જન્મ આપ્યો છે? ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદીમાં થઈ, તે પછી અનેક નવી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થતું જ ગયું. આ વસ્તુઓના વપરાશે મનુષ્યોની જિંદગી જીવવાની પદ્ધતિમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું. વપરાશ વધતો ગયો અને જીવનધોરણ ઊંચું જતું જ ગયું. જીવનધોરણ ઊંચું જાય તેને સુખનો એક માપદંડ પણ ગણવામાં આવ્યો. કોરોના મહામારીએ પહેલી જ વાર પરિસ્થિતિ બદલી નાખી અને વસ્તુઓ-સેવાઓના વપરાશમાં એકદમ ઘટાડો થઈ ગયો. વધુ વપરાશનો કોઈ અંત નથી, એવા સિદ્ધાંત પર જ મૂડીવાદ ચાલે છે એ એક હકીકત છે. ભારતના મૂડીવાદી બજારમાં, ખાસ કરીને ગરીબ નાગરિકો પણ ગ્રાહકો બની ગયા છે, સરકાર જે કંઈ પીરસે તેના પર આધાર રાખતા પણ થઈ ગયા. કોરોના મહામારીને કારણે ગ્રાહકોની પસંદગીઓ વિસ્તરતી બંધ થઈ ગઈ અને જે વસ્તુઓ હાજર છે તેનાથી ચલાવી લેવાનું વલણ પણ વધ્યું.  

બીજી તરફ, હવે આરોગ્ય સાચવનારી અને સફાઈ કે સ્વચ્છતા ઊભી કરનારી નવી નવી વસ્તુઓ બજારમાં મૂકવા માટે અનેક FMCG કંપનીઓ તૈયાર થઈ ગઈ છે. માત્ર આવશ્યક જરૂરિયાતોના સંદર્ભમાં જ આ સાચું છે તેવું નથી. વૈભવી ચીજો માટે પણ એ સાચું છે. લૉક ડાઉન હતું તે દરમિયાન જ 15મી એપ્રિલના રોજ અમેરિકાની એપલ કંપનીએ ભારતમાં પોતાનો નવો ‘આઈફોન એસ.ઇ.’ બજારમાં રમતો કર્યો! એટલે બજાર નવી નવી વસ્તુઓ કોરોના મહામારીના લૉક ડાઉન પછી રજૂ કરવા થનગની રહ્યું છે. કોઈ પણ આપત્તિને અવસરમાં ફેરવીને નફો સર્જવો એ મૂડીવાદી અર્થતંત્રની નોંધપાત્ર ખાસિયત છે.

લોકો પોતાની જિંદગીમાં બસ ખરીદી કર્યા જ કરે તે માટે ઉદ્યોગપતિઓ અને કંપનીઓ ભારે પ્રયત્નશીલ રહે છે. એટલે વધુને વધુ વસ્તુઓની ખરીદી કરવી એ જાણે કે જિંદગીનો નવો મંત્ર બની ગયો છે. કંપનીઓનાં કારખાનાં ચાલુ રહે તે માટે ગ્રાહકોના વર્તનને તેઓ અંકુશમાં લે છે. વસ્તુઓ સુખ આપે છે તેવો ખ્યાલ કંપનીઓ ગ્રાહકોના દિમાગમાં ઠસાવી દે છે. ગ્રાહકો વધુ ચીજો વાપરે તે માટે મોટે ભાગે કંપનીઓ ત્રણ રસ્તા અપનાવે છે :

1. તેઓ નવી નવી આકર્ષક વસ્તુઓ અને તેમની બ્રાન્ડ સતત શોધતા જ જાય છે કે જેથી ગ્રાહકોનો રસ જળવાઈ રહે અને ખરીદી કરવા પ્રેરાય. નવી વસ્તુઓ માટે નવી ટેક્નોલોજીની શોધ અનિવાર્ય છે.

2. તેઓ સતત જાહેરખબરો આપ્યા જ કરે છે કે જેથી ગ્રાહકો સુધી પહોંચી શકાય અને ગ્રાહકોને ખરીદી કરવા પ્રેરણા મળે. અમદાવાદનાં એક પ્રાધ્યાપક અમી શાહ થોડાં વર્ષો અગાઉ તેમના વિદ્યાર્થીઓને વર્ગમાં હળવાશમાં કહેતાં હતાં, “ટી.વી. પર શેમ્પૂની એટલી બધી જાહેરખબરો આવે છે કે મનમાં એમ સવાલ થાય છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે કે શેમ્પૂપ્રધાન?”

3. ગ્રાહકો પાસે પૈસા ન હોય અને તેઓ સામાન્ય રીતે ખરીદી કરી શકે તેમ ન હોય તો તેમને વસ્તુઓની ખરીદી કરવા લોન મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ વ્યવસ્થાઓ ભારત જેવા દેશોમાં સરકારી બેંકો પણ ઊભી કરે છે.    

આવી વપરાશવાદી સંસ્કૃતિનો વિરોધ સતત થતો જ રહ્યો છે. અમેરિકાની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રાધ્યાપક ફિલિપ કોટ્લર, જે મૂડીવાદી વપરાશવાદી સંસ્કૃતિના વિરોધી છે, આવા લોકોના પાંચ પ્રકાર પાડે છે :

a. કેટલાક લોકો વસ્તુઓનો ઓછો વપરાશ કરવા માગે છે અને તેથી ઓછી ખરીદી કરવા માગે છે. તેઓ પોતાની પાસેની ચીજોનો જથ્થો પણ ઓછો કરવા માગે છે. તેમને એમ લાગે છે કે ઘરમાં ઘણી બધી ચીજો એવી હોય છે, જે ખરેખર કામમાં પણ આવતી નથી. તેઓ સાદાઈથી જિંદગી જીવવા માંગે છે. જો કે, આવા લોકોની સંખ્યા જગતમાં બહુ ઓછી છે.

b. કેટલાક લોકો એવા છે કે તેઓ આર્થિક વૃદ્ધિ એટલે કે જી.ડી.પી.નો વૃદ્ધિ દર ઓછો કરવો જોઈએ એમ કહે છે. તેઓ એમ માને છે કે વસ્તુઓ અને સેવાઓ વાપરવામાં માત્ર નાણાં જ નહીં, લોકો બહુ સમય અને શક્તિ ખર્ચે છે. તેઓ એ બાબતની ચિંતા કરે છે કે જો બહુ વપરાશ થશે તો પૃથ્વીની વહનક્ષમતા (carrying capacity) ખલાસ થઈ જશે. કારણ કે વસતિ તો વધતી જ જાય છે. તેથી તેઓ કુદરતી સંસાધનોનું જતન કરવાનું કહે છે અને વપરાશ ઓછો કરવાનું કહે છે. તેઓ માને છે કે લોભી ઉત્પાદકો ખોટી અને બિનજરૂરી વપરાશ કરવા માટે ગ્રાહકોને પ્રેરે છે.

c. કેટલાક એમ કહે છે કે વપરાશ વધુ થાય છે, તેથી હવા અને પાણી પ્રદૂષિત થાય છે અને તેથી કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ હવામાં વધે છે. આવા પર્યાવરણ-વાદીઓ કુદરતને ઘણો આદર આપે છે.

d. કેટલાક એવા છે કે જેઓ આપમેળે શાકાહારી અને દૂધ તથા દૂધની પેદાશો નહીં ખાનારા (vegan) બન્યા છે. તેઓ એમ કહે છે કે મનુષ્યો પોતાના ખોરાક માટે અનેક પ્રાણીઓ અને પક્ષીઓની જે હત્યા કરે છે તે વાજબી નથી. તેમને પણ આ પૃથ્વી પર જીવવાનો અધિકાર મનુષ્ય જેટલો જ છે. બધા જ લોકો વનસ્પતિ આહારથી પૂરતું પોષણ મેળવી શકે તેમ હોય, ત્યારે શા માટે પ્રાણીઓ અને પક્ષીઓની હત્યા કરવી જોઈએ, એવો સવાલ તેઓ ઉઠાવે છે.

e. કેટલાક લોકો જૂની વસ્તુઓને ફેંકી દેવાના મતના નથી. તેઓ માને છે કે જૂની વસ્તુઓનું જતન કરવું જોઈએ. જૂની, વપરાઈ ગયેલી કે ઘસાઈ ગયેલી વસ્તુઓનો ફરીથી જુદી રીતે ઉપયોગ થઈ શકે છે. તેઓ એમ પણ ઈચ્છે છે કે કંપનીઓ એવી વસ્તુઓ બનાવે, જે લાંબો સમય ચાલે. ટૂંકા ગાળામાં ખલાસ થઈ જાય કે નકામી થઈ જાય તેવી ચીજો કંપનીઓએ ના બનાવવી જોઈએ. વૈભવી ચીજોના પણ તેઓ વિરોધીઓ છે.     

આ સંદર્ભમાં લૉક ડાઉન દરમિયાન ભારતમાં ઘણા મધ્યમ વર્ગીય લોકોએ સામાજિક માધ્યમો પર જે છૂટાછવાયા અભિપ્રાય કે ખ્યાલ વ્યક્ત કર્યા છે તે જોવા જેવા છે :

ક. જે ખાદ્ય ચીજોની સૌથી વધુ જરૂર શરીરનું અસ્તિત્વ ટકાવવા માટે છે, તેમના પર પરિવારના કુલ ખર્ચમાંથી ખૂબ જ ઓછો ખર્ચ કરવામાં આવતો હતો તેની ખબર પડી.

ખ. જે ચીજો જિંદગી માટે બહુ મહત્ત્વની નથી, તે ચીજો પાછળ સરકાર વધુ ખર્ચ કરે છે, જેમ કે, રૂ. 3,500 કરોડના ખર્ચે બનેલું સરદાર પટેલનું પૂતળું, અને આરોગ્ય માટે જે ખર્ચ કરવો જોઈએ તે ખર્ચ સરકાર કરતી નથી. એટલે સરકાર પણ આ રીતે બેફામ વપરાશ કરે છે.

ગ. જે કામો જાતે થઈ શકે તેમ હતાં, તે પણ બીજા પાસે કરાવવામાં આવતાં હતાં. એ કામો કરવા માટે સમય નથી, એમ કહીને જ એમ થતું હતું. વિખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી લાયોનેલ રોબિન્સ (1898-1984)ની અર્થશાસ્ત્રની વ્યાખ્યા અત્યારે સૌથી સ્વીકાર્ય વ્યાખ્યા ગણાય છે: “અર્થશાસ્ત્ર એવું વિજ્ઞાન છે, જે અમર્યાદિત જરૂરિયાતો અને તેને સંતોષવા માટેના વૈકલ્પિક ઉપયોગો ધરાવતાં અછતવાળાં સાધનોના સંદર્ભમાં માનવીની વર્તણૂકનો અભ્યાસ કરે છે.” આ જ વ્યાખ્યા શ્રેષ્ઠ છે, એમ આજે દુનિયાભરમાં ભણવામાં અને ભણાવવામાં આવે છે. આમ, જુઓ તો જ્યારે મનુષ્યની જરૂરિયાતોને અમર્યાદિત માનવામાં આવે છે ત્યારે જ વપરાશ બેફામ કરવાનો સૈદ્ધાંતિક પરવાનો મળી જાય છે. કોરોના મહામારીને કારણે વસ્તુઓ અને સેવાઓની વપરાશ જે મર્યાદિત બની છે તે તો લૉક ડાઉનને લીધે થઈ છે, લોકોની સભાન પસંદગીને કારણે નહીં. એટલે જ, કોરોના મહામારીએ જે પદાર્થપાઠ શીખવ્યા છે તે લોકોની જીવનશૈલીનો ભાગ બને છે કે તે મોટો સવાલ છે. યુરોપના જાણીતા ચિંતક ઇવાન ઈલિચે (1926-2002) કહેલું કે, “વધુ સારી જિંદગી જીવવા તરફ મીટ માંડતું સમગ્ર અર્થતંત્ર સારી જિંદગીનું જ દુશ્મન બની ગયું છે.” દુનિયાનો ધનવાન વર્ગ કોરોના મહામારી પછી શું ખરેખર સારી જિંદગી જીવવા માટે પ્રયત્નશીલ બનશે?

બેફામ વપરાશ કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી છે. ભારતમાં આશરે 40 કરોડ લોકો ખાસ્સો બેફામ વપરાશ કરી રહ્યા છે અને પ્રાપ્ય સંસાધનોનો સૌથી વધુ લાભ ઉઠાવી રહ્યા છે. સમાજમાં જેઓ છેવાડે જીવે છે તેઓ તો બહુ ઓછાં સંસાધનો વાપરે છે અને પ્રદૂષણ પણ બહુ જ ઓછું ફેલાવે છે. તેઓ સૌથી વધુ પ્રમાણમાં પર્યાવરણ જાળવતું જીવન ફરજિયાતપણે જીવે છે. એટલે વપરાશની મર્યાદા ધનવાન લોકોએ બાંધવી પડે તેમ છે. અને જો તેઓ સ્વેચ્છાએ એ મર્યાદા નક્કી ના કરે તો સરકારે એ મર્યાદાઓ નક્કી કરવી પડે. કોરોના મહામારી સરકારોને નાગરિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકારો બરકરાર રાખીને એટલું શીખવી શકે તેમ છે ખરી? જો એ સમાજવાદ કહેવાય તો ભલે કહેવાય, પણ તેની જરૂર નથી લાગતી?             

ખરેખર તો, લૉક ડાઉન ને લીધે લોકો વંચિતતા અને ચિંતાના શિકાર બન્યા અને તેથી તેમની વપરાશની તરાહ બદલાઈ છે. ગ્રાહકોનાં વલણો અને વર્તનમાં આવેલા પરિવર્તનને લીધે આજે જે પ્રકારનો મૂડીવાદ છે, તેમાં ફેરફાર થવાની સંપૂર્ણ સંભાવના છે એમ લાગે છે. ગ્રાહકો પોતે શું વાપરી રહ્યા છે, કેટલું વાપરી રહ્યા છે, કેટલું ખરેખર વાપરવાની જરૂર છે અને વપરાશની બાબતમાં કેટલી અસમાનતા સમાજમાં પ્રવર્તે છે એને વિષે ચોક્કસ વિચારે એમ બની શકે છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંને પોતાની મૂડીવાદી ધારણાઓ વિષે ફેરવિચારણા કરે તો જ નવા પ્રકારના અર્થતંત્રની શરૂઆત શક્ય બનશે. આનું માર્ગદર્શન મહાત્મા ગાંધીના સર્વોદયના એ ત્રણ સિદ્ધાંતોમાંથી મળી રહે છે કે જે તેમણે જ્હોન રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચીને તારવ્યા હતા : (1) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (2) વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે બંનેને આજીવિકા રળવાનો હક સરખો છે. (3) સાદું, મજૂરીનું અને ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.”

e.mail : hema_nt58@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020

Loading

ચિઠ્ઠી આઈ હૈ ….. બડે દિનોંકે બાદ

ભરત મહેતા|Opinion - Opinion|3 June 2020

મોટે ભાગે દૃશ્યશ્રાવ્ય માધ્યમોમાં હરહંમેશ અવનવા પોશાકમાં રજૂ થતાં પ્રધાનમંત્રીએ ઘણે દિવસે, 30મી મેએ રાષ્ટ્રજોગ પત્ર લખ્યો છે. ઘણાં વર્તમાનપત્રોએ આ પત્રને આખેઆખો છાપ્યો છે. એ પેઇડ ન્યૂઝ છે કે સરકારને સારું લગાડવા છે એ તો રામ જાણે! આ પત્રમાં પોતાની સરકારનું એક વર્ષ પૂરું થયું તેથી ‘છ સાલ કેવાં  બેમિસાલ’ છે એની વાત છે. પત્ર નરી નમ્રતાથી લથબથ છે. મીઠાશથી ભરેલો છે. તેમ છતાં પોતાની પીઠ થાબડવાના એમના જાણીતા સંસ્કાર પણ પ્રગટ થયા છે. તે પત્રની વિગતો અને પત્રમાં નથી તેવી, બાકોરાંમાંથી દેખાતી ગુપચાવી દીધેલી વિગતોની અહીં ચર્ચા કરવી છે.

પહેલી વાત એ છે કે પત્રમાં આર્થિક બાબતનો નાનો સરખો ય ઉલ્લેખ નથી. તેથી તે એક રીતે નિષ્ફળતાનો સ્વીકાર ગણાય. 'વિકાસ'ના મુદ્દે 2014નો જંગ જીતેલા, એ વિશે એક શબ્દ પણ અહીં નથી. એક તબક્કે વિકાસ સામે સવાલ ઉઠાવનારાઓ દેશદ્રોહી ગણાતા હતા. હવે ખુદ વડાપ્રધાન જ આ શબ્દ ભૂલી ગયા છે. નવી સિદ્ધિમાં અયોધ્યા (જેમાં બંધારણના લીરેલીરા ઊડયા), 370મી કલમ (હજુ કાશ્મીરની આમજનતાને આર્થિક તબાહીમાંથી કળ નથી વળી.) અને તીન તલાક છે. ત્રણેય મુદ્દા લોકપ્રિય અને વોટબેંકની રાજનીતિવાળા છે. પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હવે ભુલાઈ ગઈ છે! કોરોનાકાળમાં આ સિદ્ધિઓ ગણાવાય એ વરવું  લાગે છે. વધુ એક સિદ્ધિ CAAની છે, પણ એ વિશે આગળ જોઈશું.

સંસદને વંદન કરીને પ્રવેશ લીધો ત્યાર બાદ સંસદીય ગરિમાનો ઠેકઠેકાણે તેમણે ભંગ કર્યો. કોઈ સંસદીય સમિતિની ચર્ચા-વિચારણા વિના જે દેશમાં કમરતોડ નોટબંધી લાદી હતી તેનો ઉલ્લેખ સુદ્ધાં નથી! કાળું નાણું લાવશે, આતંકવાદ ઓછો થશે, બજારમાં તેજી આવશે — એ ત્રણ દાવા નોટબંધી પાછળ હતા, તે સિદ્ધ થયા? કોરોના તો માર્ચથી આવ્યો. 12 વર્ષની સૌથી નીચી GDPમાં નોટબંધીનો ફાળો મોટો છે. રઘુરામ રાજન કહે છે કે તમે અર્થ વ્યવસ્થાને એવી ચગદી નાખી છે કે તેને બહાર કાઢવી મુશ્કેલ છે. તેથી આવનારા દિવસો કાળાડિબાંગ હશે. આવો અંધારપટ સર્જીને તમે દીવા પેટાવવાનું કહો છો! કોરોનામાં ચારે તરફ દીપકો બૂઝાઈ રહ્યા છે. અગાઉની સરકારે સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) 51 ટકા કર્યું ત્યારે તમે ચારે ય બાજુ રોકકળ કરી મૂકી હતી અને તમે આવીને 100 ટકા કરી! પહેલાં પાંચ વર્ષમાં પ્રભુએ સમસ્ત બ્રહ્માંડમાંથી વિદેશી રોકાણ લાવવા વિચરણ કર્યું અને હવે મેળ પડતો નથી, એટલે આત્મનિર્ભરતાનો રાગ આલાપવો શરૂ કર્યો છે.

GSTમાં પણ વારંવાર નિયમો બદલાયા, હજુ એ વિભાગના માણસોને નિયમો સમજાતા નથી! તેમના નીતિગત નિર્ણયો ઉતાવળા હોવાથી અશાંતિ અને અરાજકતા સર્જે છે. તે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે કાશ્મીરમાં સ્થિતિ સારી હતી. ચૂંટણી થઈ શકી. તેમની છાવણી જેમને દેશદ્રોહી ગણતી હતી એ PDP સાથે સરકાર પણ બનાવી શકાઈ, કલમ 370ની નાબૂદી પછી કાશ્મીરની આમજનતા ભૂખે મરી રહી છે. એવું જ CAAમાં. બસ, છાકો પાડી દેવાનો, પ્રવર સમિતિમાં કોઈ પ્રસ્તાવ નહીં, કોઈ સંસદીય પ્રક્રિયા નહીં.

તમારી એક સિદ્ધિ રાફેલની ખરીદી હતી. એનો ઉલ્લેખ કેમ નથી આ પત્રમાં? ભ્રષ્ટાચારની આટઆટલી ફરિયાદ આવી હોવા છતાં તમે દૂધે ધોયેલા છો, તો કેમ નિષ્પક્ષ તપાસપંચ ન બનાવ્યું? જે લોકપાલ માટે તમે બાબા રામદેવ, અન્નાજી અને કિરણ બેદી સાથે મેદાનો ગજવતા હતા એ લોકપાલ ક્યાં છે? રામદેવબાબાને ઉત્તરાખંડમાં જમીન મળી ગઈ અને લોકપાલ-લોકપાલ કરતાં કિરણ બેદી રાજ્યપાલ બની ગયાં! નોટબંધીની વિગતો જનતા સમક્ષ આવતી જોઈતી હતી પણ તમે એકાએક RTIના ક્ષેત્રમાંથી નોટબંધીની વિગતોને કાઢી નાંખી! RTIના કાયદાને તમે પાણીપાતળો કર્યો છે.

આવો જ એક ભ્રષ્ટાચાર હમણાં બીજો બહાર આવ્યો છે. તે મુખ્યમંત્રી હતા ત્યારે G.S.P.C. દ્વારા 15 બેન્કો તરફથી ગૌતમ અદાણીને રૂ. 20,000 કરોડ રૂપિયા અપાયા. 2007માં તે કહેતા હતા કે હવે ગુજરાતમાં જ્યાં પાઇપો નાખશો ત્યાંથી ગેસ અને ઓઈલ નીકળશે. આ ઠેકો અદાણીને અપાયો. ગેસ ઓઇલ ન નીકળ્યાં. અદાણી રૂ. 20,000 કરોડ પરત કરતા નથી. RBIએ ગૌતમ અદાણી સામે કેસ કર્યો છે ત્યારે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા RBI પર કેસ ઠોકી દીધો! 70 વર્ષમાં આવું તો પહેલી વાર બન્યું કે કેન્દ્ર સરકાર RBI સામે કેસ કરે — એક ઉદ્યોગપતિને બચાવવા માટે! કદાચ એટલે જ કહેવાય છે કે  મોદી હૈ, તો  મુમકિન  હૈ. આ રાફેલ જેટલો જ મોટો ગોટાળો હોવાની શંકા જાય છે.

તે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નું સૂત્ર લઈને આવ્યા હતા. ભય તો કેવો છે! પાર્ટીમાં કે પાર્ટી બહાર બોલાતું નથી. જે કોઈ બોલે એના પર FIR — પછી ભલે એ રોમિલા થાપર હોય, રામચંદ્ર ગુહા હોય, નવલખા હોય કે આનંદ તેલતુંબડે. સવાઈ કટોકટીનું નિર્માણ થયું છે. મોબ લિચિંગ, બળાત્કાર વધ્યા છે. તેમનાં પાંચ વર્ષમાં દલિત અત્યાચારોની નોંધાયેલી ફરિયાદો અઢી લાખ છે! કોઈ IPS, IAS બોલી ન શકે. કોઈ ન્યાયાધીશ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું કહે, તો એની તાત્કાલિક બદલી થઈ જાય. ભયની આંધી પેદા કરે છે.

પત્રના બીજા દિવસે તેમણે કહ્યું કે ભારતમાં 1 કરોડ દરદીનો કોરોનામાં 'ફ્રી' ઈલાજ  થયો છે! અમિત શાહ જણાવે છે કે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોને તત્કાળ વહેંચવામાં આવ્યા, તો તો 1 રૂપિયો અને 29 પૈસા થાય! શું બોલો છો એ ખબર જ નથી પડતી. રસ્તે જતાં મૃત્યુ પામેલા છસો મજૂરો, ટ્રેનમાં ભૂખથી મરેલા 80 પ્રવાસીઓને આ પત્રમાં પણ શ્રદ્ધાંજલિ નથી.

ભારતના પ્રત્યેક નાગરિકને આર્થિક સહાય કરો. કોરોનાગ્રસ્ત દરદીઓની સેવા કરતાં મૃત્યુ પામેલાં નર્સ, ડોક્ટર, કર્મચારી, પોલીસ અધિકારીને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા આપો, એમને શહીદનો દરજ્જો આપો. ફૂલ વરસાવવાની  કોઈ જરૂર નથી. તે સત્તા પર આવ્યા પછી ત્રણેય પડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથેના સંબંધો વકર્યા છે, એ તેમની વિદેશનીતિની નિષ્ફળતા છે. તેની અસર ખાડીના દેશો પર પણ પડી છે.

પત્રમાં અગાઉના ગાળાની ઉજજવલા યોજનાની વાત છે. ગેસ તો મળ્યો, પણ બોટલની કિંમત રમણે ચઢી છે એનું નથી કહેતા! જે પેટ્રોલમાં થતા ભાવવધારાથી તમે સળગી ઊઠતા હતા, એનો આજે ય વિશ્વભરમાં સહુથી વધુ ભાવ અહીં થયો એ સિદ્ધિની વાત પણ પત્રમાં નથી. ચિઠ્ઠીમાં છે એ તો બધા વાંચશે. તેમાં નથી, એ મેં વાંચ્યું છે. મીઠી ભાષામાં લખાયેલા તમારા પત્રમાં જનતાની આર્થિક તબાહી કેમ થઈ અને એમાંથી બહાર શી રીતે નીકળવું તે ગેરહાજર છે.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020

Loading

...102030...2,4362,4372,4382,439...2,4502,4602,470...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved