Opinion Magazine
Number of visits: 9456462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભીખો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|20 February 2025

“એ ય આઘો ખસ, ક્યાં સવાર સવારમાં આ લપ વળગી ?” સવારમાં તાજા ગરમા ગરમ ગાંઠિયા લેવા માટે ફરસાણવાળાને ત્યાં ભીડ હતી. અને આ જે કહેવામાં આવ્યું હતું તે ભીખાને ઉદેશીને કહેવામાં આવ્યું હતું. ભીખો ભિખારી નહોતો પણ સંજોગોએ તેના આવા હાલ કરી મુક્યા હતા. સવારે કોઈને રામ વસે અને પચાસ ગ્રામ ગાંઠિયા જો ભીખાને મળી જાય તો તે બીજા દિવસની સવાર સુધી ખેંચી નાખતો. પણ હમણાં ત્રણ દિવસથી ભીખાનાં રામ પણ રિસાણા હોય તેમ ત્રણ દી’થી મોમાં અન્નનો દાણો નહોતો ગયો, એટલે આજે ભીખામાં ભૂખની તલપાપડ વધારે હતી.

ભીખાને ઉદ્દેશીને કહેવાયેલા શબ્દો સાંભળી, વળી કોઈક બોલ્યું, “કે તેને ક્યાં કોરોનામાં સંભાળ રાખવાની ખબર પડે છે, દોડ્યો આવે છે નજીક.” હકીકતમાં ત્યાં ઊભેલામાંથી કોઈ ભીખાની પાસે જાય એમ નહોતા, તો પછી હાથ મેળવવાની, ભેટવાની કે પાસે ઊભા રહેવાની વાત જ ઊભી થતી નહોતી. વળી જોવાની ખૂબી એ હતી કે જે લોકો આ ચર્ચા કરતા હતા, એ લોકો તો જલદી ગરમ ગરમ ગાંઠિયા લેવા માટે લગોલગ લાઈનમાં ઊભા હતા, કોરોનાને ભૂલીને.

અજય એક મોલનો માલિક હતો. તે રોજ અહીંથી પસાર થતો અને ભીખાવાળું દૃશ્ય જોતો હતો. આજે તેને ઊભા રહેવાનું મન થયું. તેને લાગ્યું કે લોકો દ્વારા એક ગરીબ, અસહાય માણસની ભૂખની ઉપેક્ષા અને લાગણીનું હનન થાય છે. તે ભીખા પાસે આવ્યો, પ્રેમથી જોયું અને ભીખાને સો ગ્રામ ગાંઠિયા લઈ તેને ખાવા માટે આપ્યા. ભીખો તો ત્રણ દી’નો ભૂખ્યો હતો. તરત જ ગાંઠિયા ખાવા લાગ્યો. અજય શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. વળી કોઇકે કહ્યું, “અજયભાઈ આનું તો આ રોજનું છે. ખોટી ટેવ ન પાડતા.” અજયે વાત પર ધ્યાન આપ્યા વગર ભીખાને પૂછ્યું, “હજી વધારે જોઈએ છે?” ભીખાએ નમસ્તે કરી ના પાડી. ભીખો સો ગ્રામ ગાંઠિયા ખાઈને તૃપ્ત થઈ ગયો હતો.

આ સિલસિલો થોડો સમય ચાલ્યો. પછી અજયે વિચાર્યું. ભીખો કાઈ મોટી ઉંમરનો નથી. કાંઈક ભણ્યો પણ હશે? જો તેને મદદ કરવામાં આવે તો કંઈક બને પણ ખરો. આમ તેને ભીખ માગતા જ્યાં, ત્યાં આથડવું ન પડે. ભીખાની સાથે વાત કરી. ભીખો થોડુંક લખતા વાંચતા શીખ્યો હતો. માબાપ ગુજરી ગયાં એટલે સગાં સંબંધીઓએ જે કંઈ માલ મિલ્કત હતી તે પડાવી લેવા ઘરમાંથી કાઢી રસ્તે રખડતો કરી દીધો હતો. અને આવી લઘરવઘર દશામાં કામ પણ કોણ આપે. એટલે ભીખો, ભીખ માગીને પેટ ભરતો હતો.

ભીખાની વાત સાંભળી. અજયે ભીખાને રહેવાની વ્યવસ્થા કરી આપી. પોતાનાં મોલમાં કામ પર રાખીને નાનું નાનું કામ સોંપવાનું ચાલુ કર્યું. ભીખાને તો અજય શેઠ દેવ સમાન હતા. પૂરી નિષ્ઠાથી અને લગનથી કામ કરતો. ક્યાંક કંઈ ખોટું થાય કે નુકસાન થાય એવું લાગે એટલે અજયનું ધ્યાન દોરતો. અજયનો પણ વિશ્વાસ ભીખા ઉપર વધતો જતો હતો. અજય, વધારે ને વધારે જવાબદારીવાળું કામ પણ ભીખાને સોપતો જતો હતો.

મોલમાં જે જૂના કામ કરતા માણસો હતા, તે અકળાતા હતા. કે થોડા સમયથી આવેલો આ ભીખો, શેઠનો માનીતો થઈ ગયો. કામ તો આપણે પણ કરીએ છીએ. ધૂંધવાટ વધતો ગયો. આ ચણભણાટ અને મોલમાં કામ કરતા માણસોની અકળામણ અજય સુધી પહોંચી ગઈ હતી. પણ અજય શાંત રહ્યો તેને ભીખા ઉપર અને ભીખાની નિષ્ઠા ઉપર સંપૂર્ણ ભરોસો હતો. ભીખાને પણ વાતની ખબર પડી. 

ભીખો, અજય પાસે ગયો. “ભીખા, કંઈ કામ છે?” ભીખો મૂંગો ઊભો રહ્યો. ભીખો, પોતે દોષિત હોય એવી લાગણી અનુભવવા લાગ્યો હતો, કે અજય શેઠનાં કામમાં મારા લીધે ગરબડ ઊભી થઈ અને મોલમાં કામ કરતા માણસો નારાજ થઈ ગયા. હવે અજયશેઠનું કામકાજ મારા લીધે બગડશે.

ભીખાને શાંત જોઈ અજયે કહ્યું. “ભીખા આમાં તારો કોઈ દોષ નથી. તું તો નિષ્પૃહી માણસ છો. તને સમજવામાં બીજા લોકોએ ભૂલ કરી છે. હું બધું સંભાળી લઈશ તું તારે તારું કામ કર્યે જા. મોલમાં કામ કરતા માણસોની ચિંતા કરવી રહેવા દે.”

તે દિવસે અજયે મોલનાં કર્મચારીઓની મિટિંગ બોલાવી. ભીખાને હાજર નહોતો રાખ્યો, એમ સમજીને કે ભીખો પોતા વિષેની વાત સાંભળીને નાનપ ના અનુભવે. અજયે મોલમાં કામ કરતા માણસોને ભીખા વિશેની આખી વાત કરી. ભીખાની સૂઝની, કાર્યદક્ષતાની, ઇમાનદારીની અને વિશેષ તો કામની લગનીની વાત કરી. અજયે પૂછ્યું, “તમે તમારા નિયત કામનાં કલાકથી વધારે કામ કરો છો? કામ બાકી રહી ગયું હોય તો એ પૂરું કરવા વધારાનો સમય આપીને રોકાવ છો?” “નહીં ને” “તો ભીખાના તો કામનાં કલાક નક્કી જ નથી. એ ચોવીસ કલાક મોલમાં હાજર હોય છે. અજયશેઠના બિઝનેસ સિવાય બીજું કંઈ તેને દેખાતું જ નથી.” “છે, આ વાતનો કોઈ જવાબ તમારી પાસે? તમે ભીખાને તમારી રીતે જોયો અને તેનું મૂલ્યાંકન કર્યું. પણ આ વાત ક્યારે ય તમે વિચારી કે અમલમાં મૂકી છે?”

મોલનાં કર્મચારીઓ પાસે તેનો કોઈ જવાબ નહોતો. કારણ કે બધા નિયત સમયમાં સોંપેલ કામ જ કરતા હતા. જ્યારે ભીખાને તો અજયશેઠ દેવ અને મોલ તેનું મંદિર હતું એ જ તેની દુનિયા હતી. મોલનાં કર્મચારીઓને તે દિવસે ભીખો સમજાણો અને ભીખાને પ્રેમથી મોલનાં કુટુંબનાં સભ્ય તરીકે સ્વીકારી લીધો. બધાંએ કહ્યું, “ભીખા, તું અમારો જ નહીં પણ આ મોલનો હીરો છે.”

અજયના મુખ ઉપર પોતાના નિર્ણયના પરિણામના સંતોષનું સ્મિત હતું અને ભીખાને સ્વજનો, જીવન જીવવાનું ભાથું મળ્યાનો આનંદ હતો.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

રાજનીતિમાં કેમ ઘરડાં જ ગાડાં વાળે, યુવાનો કેમ નહીં?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 February 2025

ચંદુ મહેરિયા

રિપબ્લિકન પાર્ટીના એંસી વરસના ડોનાલ્ડ ટ્રમ્પે આ વરસના આરંભે જ અમેરિકી પ્રેસિડન્ટની ધુરા સંભાળી છે. તેમના પુરોગામી પ્રેસિડન્ટ ડેમોક્રેટ જો બાઈડેન બ્યાંસી વરસના હતા. વિશ્વના ત્રીજા ક્રમની જનઆબાદીના દેશ અમેરિકામાં અઢારથી ચોવીસ વરસની યુવા વસ્તી કુલ વસ્તીમાં ૩૬ ટકા છે. પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી અને જગત જમાદાર દેશ અમેરિકાનું  નેતૃત્વ ઘરડાઠચ્ચ રાજનેતાઓના હાથમાં છે.

અમેરિકાએ ૧૯૭૧ના છવ્વીસમા બંધારણ સુધારાથી મતદાન માટેની વય ઘટાડીને અઢાર વરસની કરી છે. જો કે ભારતની જેમ અમેરિકામાં યુવા કે નવા મતદારોમાં મતદાન માટે કોઈ ઉમંગ નહોતો. ૧૯૯૬માં દર દસે સાત યુવા પ્રેસિડન્ટ ઈલેકશનમાં વોટિંગ કરતા ન હોવાનું જણાયું હતું. આ વલણ ૨૦૦૮માં બરાક ઓબામાના ઈલેકશન વખતે બદલાયું હતું. હવે કુલ યુવા મતદારોમાંથી પચાસ ટકા કરતાં વધુ યુવાઓ મતદાન કરે છે ખરા પણ પ્રેસિડન્ટ તરીકે તો ઘરડા જ ચૂંટાય છે.

દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી આફ્રિકામાં છે. ઉપસહારા આફ્રિકામાં તો ત્રીસ વરસથી ઓછી ઉમરના યુવાનોની વસ્તી સિત્તેર ટકા છે. પરંતુ આફ્રિકાના ભાગ્યે જ કોઈ દેશનું સુકાન યુવાનોના હાથમાં છે. 

ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૪ વરસના છે. તેઓ યુવાનો જેવી ઉર્જા અને તરવરાટ તથા ન ટાયર્ડ, ન રિટાયર્ડનું વલણ ધરાવતા હોવાનું કહેવાય છે. જો કે રાજનીતિમાંથી નિવૃત્તિની ખુદ તેમણે બાંધેલી ૭૫ વરસની વયે પહોંચવામાં છે. 

ભારત પણ યુવા વસ્તીનો દેશ છે. ૨૦૧૧માં ભારતમાં ત્રીસ કે તેથી નીચેની વયની યુવા વસ્તી ૫૦ ટકા હતી. પરંતુ તેનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ અને ભાગીદારી તેની વસ્તી કરતાં અનેકગણું ઓછું હતું. ૧૯૫૨થી ૫૭ની પહેલી લોકસભાના સમય ગાળામાં ૨૫થી ૪૦ની વય ધરાવતી વસ્તી દેશમાં ૨૨.૨૫ હતી. આ જ ઉમરના લોકસભા સભ્યો ૩૦.૩૦ ટકા હતા. હાલની અઢારમી લોકસભા વખતે ૧૯૫૨ની ૨૨.૨૫ ટકાની યુવા વસ્તીમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે અને તે વધીને ૨૫.૭૬ ટકા થઈ છે. પરંતુ લોકસભામાં યુવા સાંસદોનું પ્રમાણ પહેલી લોકસભામાં જે ૩૦.૩૦ ટકા હતું તેને બદલે હાલની લોકસભામાં ૧૦.૬૮ ટકા જ રહ્યું છે. તેનો અર્થ એ થાય કે દેશમાં યુવા આબાદી ત્રણ ટકાના દરે વધી છે પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ત્રણ ગણું ઘટ્યું છે.  વળી પહેલી લોકસભાના  સભ્યોની સરેરાશ વય ૪૬.૫ વરસ હતી આજે અઢારમી લોકસભામાં ૫૫.૬ વરસ છે. પ્રથમ લોકસભામાં માંડ ૧૯ ટકા લોકસભ્યો ૫૫ વરસથી વધુ વયના હતા. વર્તમાન અઢારમી લોકસભામાં ૫૧ ટકા લોકસભા સભ્યો ૫૫ વરસ કે તેથી વધુ વયના છે. એટલે લોકસભામાં યુવાઓને બદલે વૃદ્ધો વધી રહ્યા છે. 

૧૮૯૬માં જન્મેલા મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડા પ્રધાન બન્યા ત્યારે ૮૧ વરસના હતા. રાજીવ ગાંધી માત્ર ૪૦ વરસની વયે આ પદે વિરાજ્યા હતા. જવાહરલાલ નહેરુ ૫૮ અને ઈન્દિરા ગાંધી ૪૯ વરસની ઉંમરે વડા પ્રધાન બન્યાં હતાં. અટલ બિહારી વાજપાઈ પહેલીવાર  તેર દિવસના વડા પ્રધાન બન્યા ત્યારે તેમની વય ૭૨ વરસ હતી. એમ.ઓ. એચ. ફારુક સૌથી નાની ઉમરે મુખ્ય મંત્રી પદે પહોંચ્યા હતા. ૨૯ વરસની વયે ૧૯૬૭માં તેઓ પુડુચેરીના ચીફ મિનિસ્ટર બન્યા હતા. પ્રફુલ મહંતા ૩૪ વરસે અસમના અને શરદ પવાર ૩૮ વરસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ચૂકયા હતા. 

ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ દેશના ૬૭ ટકા રાજ્યોના મુખ્ય મંત્રીઓ સિત્તેર કે તેથી વધુ વરસની ઉંમરના હતા. કર્ણાટક, કેરળ અને બિહારના લોકોના સરેરાશ આયુષ્ય કરતાં મોટી ઉંમરના રાજનેતાઓ મુખ્ય મંત્રીની કમાન સંભાળે છે. અરુણાચલના મુખ્ય મંત્રી ૪૪, મેઘાલયના ૪૫, ઉત્તરાખંડ અને ઝારખંડના ૪૮-૪૮, તથા પંજાબના મુખ્ય મંત્રી ૫૦ વરસના, પ્રમાણમાં નાની વયના, છે. મધ્ય પ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને હરિયાણામાં ભા.જ.પે. તેની નવી હરોળના, પ્રમાણમાં મધ્ય વયના, નેતાઓને મુખ્ય પ્રધાનો બનાવ્યા છે અને અગાઉના ઘરડા નેતાઓને કેન્દ્રના પ્રધાન મંડળમાં કે બીજે સ્થાન આપ્યું છે. 

દેશમાં યુવા ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ મેઘાલયમાં છે. મેઘાલય વિધાનસભામાં ૨૮ ટકા ધારાસભ્યો ૨૫થી ૪૦ વયજૂથના છે. ૨૬ અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં ૪૧ વરસથી વધુ ઉંમરના ધારાસભ્યો ૮૦ ટકા છે. ૪૦ વરસથી ઓછી વયના ધારાસભ્યો દેશમાં ૧૯ ટકા જ છે. દેશના કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં તો યુવા ધારાસભ્યોનું પ્રમાણ સાવ જ અલ્પ છે. નાગાલેન્ડમાં ૩ ટકા અને તમિલનાડુમાં ૬ ટકા જ ધારાસભ્યો યુવા એટલે કે ૪૦ થી ઓછી ઉંમરના છે. 

રાજકીય પક્ષો સરકારની જેમ સંગઠનના પદોમાં પણ જુવાનિયાઓને બદલે બુઝુર્ગોને આગળ કરે છે. કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં સત્તાનશીન ભારતીય જનતા પક્ષના પ્રમુખ જય પ્રકાશ નડ્ડા ૬૪ વરસના છે તો વિપક્ષ કાઁગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ૮૨ના છે. વળી યોગ્ય રાજનેતાઓનો દુકાળ હોય તેમ ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને નડ્ડા મોદી મંત્રી મંડળમાં કેબિનેટ મિનિસ્ટર છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયનાં તો છે જ. પરંતુ યુવાનોને પૂરતી તકો મળતી નથી તે હકીકત છે. 

જ્યારે યુવા પ્રતિનિધિત્વની ચર્ચા કરીએ ત્યારે યુવાનોમાં ઉંમરના પ્રમાણમાં વધુ સારા વિચારો અને જોમ જુસ્સો હશે તેવું અપેક્ષિત હોય છે. પરંતુ તેવું હકીકતમાં બને છે ખરું? એક્યાસી વરસના મોરારજી દેસાઈનો વડા પ્રધાનનો કાર્યકાળ અને ચાળીસના રાજીવ ગાંધીના કાર્યકાળની તુલના કરીએ ત્યારે કોણે દેશહિતના, લોકહિતના દીર્ઘદૃષ્ટિનાં કામો કર્યા, વધુ સારો વહીવટ કર્યો અને કાયદા ઘડ્યા તે ધ્યાનમાં રાખીને તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. વળી એ મૂલ્યાંકન વખતે તેમની વયની સાથે તેમનાં સંજોગો અને રાજકીય સ્થિતિ પણ ધ્યાનમાં લેવી રહી. કોઈ નાની વયે વડા પ્રધાન, મુખ્ય મંત્રી, સાંસદ કે ધારાસભ્ય બની જાય એટલે ભયો ભયો એવું ના હોય. 

પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને નવા વિચારો તેમની પાસે જ હોય છે. તે અને માત્ર  તે જ સાચું નથી. ૧૮૬૯માં જન્મેલા મોહનદાસ ગાંધી ૧૯૧૫માં ભારતમાં આવ્યા ત્યારે ૪૬ વરસના હતા. ૪૬ વરસે ભારતમાં તેમનું જાહેર જીવન શરૂ થાય છે અને વિશ્વતખતે એક મૌલિક વિચારક તથા આંદોલનકાર તરીકે અમીટ છાપ છોડી જાય છે. તે ઉદાહરણ પરથી ના માત્ર ઘરડાં ગાડાં વાળે છે કે ન માત્ર યુવાનો. વય તેની રીતે કામ જરૂર કરતી હશે પણ તે જ એક માત્ર માપદંડ ના હોઈ શકે.

યુવા અને વયસ્ક, નવ જુવાન અને બુઝુર્ગ બંને જો સાથે મળીને, સમન્વય સાધીને આગળ વધે તો ન માત્ર રાજનીતિમાં, કુટુંબ, વ્યવસાય, સમાજ અને સંસાર એમ બધા ક્ષેત્રોમાં સારાં પરિણામો આણી શકે છે. તે માટે વડીલોએ તેમના અનુભવનાં ગાણાં ગાવાના બંધ કરવાં પડશે. યુવાનોને બિનઅનુભવી ગણી પોતાની વડીલશાહી તેમના પર થોપવી બંધ કરવી પડશે. તો યુવાનોએ પણ તેમની પાસે શિખવાની ધખના રાખવી જોઈશે. ચાળીસ વરસના રાજીવ ગાંધીએ એકવીસમી સદીના ભારતનું સ્વપ્ન જોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો એક્યાસીના મોરારજીભાઈએ લોકશાહીનું પુન:સ્થાપન કર્યું. એમ બેઉ તેમની રીતે મહત્ત્વના છે. બુઝુર્ગોના અનુભવ અને યુવાનોમાં રહેલી અસીમ શક્તિનો સમન્વય, બેઉનું મિલન અને હરીફાઈ કે મુકાબલાના ભાવને બદલે જનહિત હૈયે વસે તો ઉમ્ર ક્યા ચીજ હૈ ? 

e.mail : maheriyachandu@gmail.com

Loading

શોર્ટ ફોર્મ 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 February 2025

કાવ્યકૂકીઝ

આજકાલ બધું શોર્ટ ફોર્મમાં ચાલે છે.

અંગ્રેજીમાં GOOD MORNINGનું GM,

GOOD NIGHTનું GN લખાય છે.

GMને તો હું જનરલ મેનેજર જ ગણતો હતો.

YOUનું U, YOURનું UR લખાય છે.

ઘણાં શોર્ટ ફોર્મની તો ખબર જ નથી પડતી

કે એ સૂચવે છે શું?

મારો દીકરો એ રીતે જાતે જ

શોર્ટ ફોર્મ અંગ્રેજીના, ગુજરાતીના

બનાવતો રહે છે.

એકવાર તેની મમ્મીને કહે – KKKG જોયું,

પણ DDLJ જેવું નહીં !

એ સાંભળીને મારી વાઈફ બોલી –

મને તો JDGBH જ વધારે ગમેલી.

એ તો B&W હતી – દીકરો બોલ્યો –

એના કરતાં તો RTGM વધારે સારી.

પત્ની બે હાથ જોડતાં બોલી – JSMને

કોઈ ન પહોંચે !

આ સંવાદ હું

બબૂચકની જેમ સાંભળી રહ્યો છું,

એવું લાગતાં

દીકરો કોડ ઉકેલતા બોલ્યો –

‘કભી ખુશી કભી ગમ (KKKG)’ જોયું,

પણ તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’

જેવું નહીં !

એ સાંભળી એની મમ્મી બોલી –

મને તો ‘જિસ દેશમેં ગંગા બહેતી હૈ’

વધારે ગમેલી

પણ એ તો બ્લેક એન્ડ વ્હાઇટ (B&W) હતી

એના કરતાં તો

‘રામ તેરી ગંગા મૈલી’ વધારે સારી.

પછી મને પૂછ્યું – JSMની ખબર પડી?

મેં ડોકું ધુણાવીને કહ્યું – ના.

એ બોલ્યો – ‘જય સંતોષી મા’

આવાં ટૂંકાં નામો મારા ઘરમાં

એટલાં લાંબા થયાં કે

મને તમ્મર આવવા જેવું થયું.

બંને મા-દીકરો મારી ઉડાવતાં ય ખરાં.

દીકરો બોલ્યો-મમ્મી SGMDB બનાવ !

મેં પૂછ્યું-એટલે?

– સાંજે ઘરમાં મસાલા ઢોસા બનાવ –

દીકરો બોલ્યો.

એની મમ્મી બોલી – ATN,KB.

– OK – દીકરો બોલ્યો – KB.

દીકરાએ મને ભણાવ્યો – મમ્મી બોલી –

આજે ટાઈમ નથી, કાલે બનાવીશ (ATN,KB).

– ને તેં કહ્યું – ઓકે, કાલે બનાવજે.

દીકરો બોલ્યો – વાહ, આવડી ગયું તમને તો !

માનો કે ન માનો, પણ ઇન્ટેલિજન્ટ તો છો જ !

પણ મને આ શોર્ટ ફોર્મ રિસ્કી લાગતાં હતાં.

ગુજરાતીમાં એવું કરવામાં તો જોખમ ઊભું થાય.

પત્નીનું નામ બિન્ની લાલભાઈ ડીસાકર છે,

તેનું શોર્ટ ફોર્મ કરવા જાઉં તો ‘બિલાડી’ થાય

એ નામે બોલાવું તો માથે દસ્તો જ પડે કે બીજું કૈં?

મારો દીકરો બાપનું નામ તો લખતો જ નથી

ગાંધર્વ ડોસા જ લખે છે

એને ‘ગાંડો’ કહું તો બોલાચાલી થાય

અથવા તો બોલવાનું બંધ થઈ જાય.

મારા મિત્રનું નામ વાંગ્મય દોરીવાળા છે

એને ‘વાંદો’ કહીને તો કેમ બોલાવું?

મારા સાઢુનું નામ જંતર ગણપત લીટીવાળા છે.

એને ‘જંગલી’ કહું તો એ જંગલ જવા જ નીકળે કે !

સાચું કહું – સસરાનું નામ ટુંકાવવાની હિંમત નથી –

તમે જ ટુંકાવી લેજો – ગમનલાલ ધેનુચંદ ડોકાવાળા …

000

e.mail : ravindra21111946@gmail.com
‘સંદેશ’ની આજની [19/02/2025] અર્ધ સાપ્તાહિક પૂર્તિ

Loading

...102030...242243244245...250260270...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved