Opinion Magazine
Number of visits: 9736171
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સરકારી કર્મીનો પ્રેમપત્ર

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|19 February 2026

પ્રિય સખી, 

સરકારના વહીવટી કામગીરી માટે વપરાતી કચેરી કાર્ય પદ્ધતિને અનુસરીએ તો પત્ર લખનાર કે પત્ર વાંચનાર કોઈ કોઈને પ્રિય હોતું નથી તેમ છતાં પ્રિય શબ્દના માનવાચક સંબોધન સાથે તારી પ્રત્યેના મારા માફકસરના પ્રેમને શબ્દદેહમાં ઢાળી તારા નમ્ર ધ્યાને મૂકવા પ્રયાસ કરું છું! 

એક સરકારી કર્મીનું ગજુ સાદર રજૂથી આગળ બીજુ તો શું હોય! ને એટલે ઘણા લાંબા સમયથી પડતર રહેલ મારા દિલની સ્વયંસ્પષ્ટ વાત આ પ્રેમપત્રના શાબ્દિક માધ્યમથી આપની સમક્ષ સાદર રજૂ કરું છું. 

પુખ્ત વિચારણાને અંતે હવે આપના પ્રત્યેની મારી કુણી લાગણીઓ અંગે ઉચિત નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે એવું મને લાગે છે. મારા હૃદયમાં આપના પ્રત્યે લાગણીનો જે મહાસાગર હિલોળા લઈ રહ્યો છે એ પત્રમાં લખવા બેસું તો પત્ર અનાવશ્યક લંબાઈ જશે એ ડરથી મારી સઘળી લાગણીઓ શબ્દોમાં સંકલિત કરી ધ્વજ – “અ” પર સામેલ રાખું છું, જે વંચાણે લેવા વિનંતી.

વધુમાં, આપના પ્રત્યેની મારી સપ્રમાણ સંવેદનાઓ પરિશિષ્ટ – “ક” પર બીડું છું, જે ગ્રાહ્ય રાખવા જોગ લાગે તો વિચારણા હેઠળ લેશો તો આપનો આભારી થઈશ. 

સરકારી કર્મી છું એટલે લાગણીવેડા બહુ ફાવે નહિ અને ફુરસદનો સમય એમાં વાપરવો અમને પોષાય પણ નહિ એટલે શક્ય એટલી શબ્દોની કરકસર કરી આ પત્ર લખું છું અને મારા દિલમાં એનો જાવક નંબર પાડી આપને મોકલું છું એને ઝાઝું ગણીને વાંચજો. 

ઘણા લાંબા સમયથી પડતર એવા મારા આ પ્રેમ પ્રસ્તાવ અંગે અગાઉ પણ આપને વારંવાર સ્મૃતિપત્રો પાઠવેલ છે જે આપની કક્ષાએ વિચારાધિન હશે એવું મને જણાય છે. 

પ્રસ્તુત બાબતે હવે વધુ વિલંબ ન કરતા આપની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરી યોગ્ય તે નિર્ણય થઈ આવવા વિનંતી જેથી કરીને અન્ય પ્રેમ પ્રસ્તાવ વિચારણામાં લઈ શકાય. 

અંતે, મંજૂરીની અપેક્ષાએ લિખિતંગમાં “તમારો” એ સંબોધન વાપરવાની કુ-ચેષ્ટા કરી આ પત્ર પૂરો કરું છું.  

લિ. તમારો “અબક” 

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  

સોનલ પરીખ|Opinion - Opinion|18 February 2026

બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દેશ અને દેશબાંધવોને આપણી નિષ્ઠા આપીએ છીએ? તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં પોતાનું સુખ જોઈએ છીએ?  

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને ભંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ બીમરાવ આંબેડકર

‘અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમ જ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમ જ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દૃઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણસભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’

આ અર્થપૂર્ણ, વારંવાર વાંચવા ને સમજવા જેવા શબ્દો છે સ્વતંત્ર ભારતના બંધારણના આમુખ(પ્રસ્તાવના)ના. 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણનો અમલ શરૂ થયો અને ભારત પ્રજાસત્તાક બન્યું. બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે. 

આપણે ધર્મપુસ્તકો વાંચીએ છીએ, પણ અર્થઘટન માટે પંડિતો, મૌલવીઓ પર આધાર રાખી છીએ. બંધારણ પણ આપણે વાંચી તો શકીએ છીએ, પણ એના અર્થઘટન માટે રાજનેતાઓ અને અદાલતો પર આધાર રાખીએ છીએ અને એ પણ ત્યારે જ, જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવી પડી હોય. બાકી તો આવું બધું કરવાનો ય આપણને કંટાળો આવે છે.  

આ બેદરકારી, આ અજ્ઞાન આપણને ખૂબ ભારે પડ્યું છે, પડે છે અને પડતું રહેશે; પણ આપણને એનો ખ્યાલ નથી કે પછી એની પરવા નથી. આ બેદરકારીને લીધે આપણે અનેક વિવાદો અને ગેરસમજોના શિકાર બનીએ છીએ. બંધારણ સર્વોચ્ચ કાયદો છે અને એના પ્રમાણે દેશ ચાલે છે તો દરેક નાગરિકની એ ફરજ છે, જવાબદારી છે કે બંધારણને સમજી લે અને છતી આંખે અંધ થવાનું બંધ કરે. 

લોકશાહીના ત્રણ આધારસ્તંભો હોય છે : સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણે કઈ રીતે કામ કરશે, શું કામ કરશે, કોની કેવી રીતે ને કોના દ્વારા નિમણુંક થશે, વહીવટી તંત્રોની રચના કેવી રહેશે, જવાબદાર વ્યક્તિઓની કેવી લાયકાત અને ફરજો રહેશે, નાગરિકોના અધિકાર અને ફરજો કયાં હશે – આ અંગેના નિયમોનો સમૂહ એટલે બંધારણ. ભારતની કોઈપણ વહીવટી બાબતોમાં બંધારણનો શબ્દ આખરી હોય છે. પ્રેસને ચોથો આધારસ્તંભ ગણવામાં આવે છે. 

જરા ઇતિહાસમાં જઈએ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. પછીના સાડા ત્રણ સૈકા વિદેશી પ્રભાવ અને શાસનના હતા. લાંબા આર્થિક શોષણ ને રાજકીય દમન પછી અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને પડકારવાની શરૂઆત થઈ. પહેલા અસંતોષની રજૂઆત થઈ. ત્યાર પછી મવાળ અને એ પછી જહાલ માર્ગે માગણીઓ થઈ જેમાં બંધારણનો વિચાર પણ સામેલ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદના રાષ્ટ્રવાદીઓએ અને 1922માં ગાંધીજીએ વિચાર રજૂ કર્યો કે ભારતીયોએ તેમનું ભાવિ પોતે જ ઘડવું જોઈએ અને પ્રજાએ પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત થતી ભારતની પ્રજાની ઇચ્છાઓમાંથી સ્વરાજ ઉદ્દભવવું જોઈએ. 

1929ના લાહોર કૉંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ થયો. સાથે સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાની જરૂર પર ભાર મૂકાયો. 1934માં કૉંગ્રેસે સ્પષ્ટ રીતે બંધારણસભાની માંગણી કરી અને 1936ના લખનૌ અધિવેશનમાં જણાવ્યું કે બહારની સત્તાની દરમિયાનગીરીથી ઘડાયેલા કોઈ બંધારણનો કૉંગ્રેસ સ્વીકાર કરશે નહિ. 

1942માં ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બંધારણ ઘડવું એ નક્કી હતું. જો કે તેના સ્વરૂપ અંગે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ગંભીર મતભેદો હતા. ડિસેમ્બર 1946માં બંધારણસભા મળી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેના અધ્યક્ષ નીમાયા. સૌથી અગત્યની એવી ડ્રાફ્ટિંગ કમિટી બની જેના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા. આ કમિટીએ વિશ્વના 60 દેશોનાં બંધારણનો અભ્યાસ કર્યો અને અમેરિકાના બિલ ઑફ રાઈટ્સમાંથી મૌલિક અધિકારની, બ્રિટનમાંથી સંસદીય લોકશાહીની, કેનેડા પાસેથી મજબૂત કેન્દ્રની, આયર્લૅન્ડ પાસેથી લોકોનું ભલું કરવાની જવાબદારી શાસનની, ફ્રાન્સ પાસેથી સમાનતા અને બંધુત્વની, ઑસ્ટ્રેલિયા પાસેથી રાજ્યો વચ્ચે વેપારની, રશિયા પાસેથી સામાજિક-રાજકીય-આર્થિક ન્યાયની, જર્મની પાસેથી કેન્દ્ર સરકારને મળતી ઈમર્જન્સી સત્તાઓની અને જાપાન પાસેથી ન્યાયતંત્ર બંધારણની કલમોનું અર્થઘટન કરી શકે, બદાલાવી શકે નહીં – આવી સંકલ્પનાઓ અપનાવી અને ભારતની પરંપરા અને વિવિધતાને પણ ધ્યાનમાં લઈ 315 આર્ટીકલ, 22 ભાગ અને 8 પરિશિષ્ટનો એક ડ્રાફ્ટ આપ્યો. જે પછી સભામાં ચર્ચા માટે મુકાયો.

બંધારણા સભામાં પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. એમાં જાતજાતની વિચારસરણીઓ ધરાવતાં જૂથો હતાં, પણ લગભગ બધાં જ સભ્યો તેજસ્વી, લોકશાહીવાદી અને ઉદારવાદી વિચારોથી પ્રભાવિત હતા અને છેવાડાના અદના આદમીની ચિંતા ધરાવતા હતા. 

કલ્પના કરો કેવી ચર્ચાઓ કરી હશે આવા 389 સભ્યોએ? શમા બેદી અને અતુલ તિવારીની લખેલી અને રાજ્યસભા ટી.વી.એ બનાવેલી ‘સંવિધાન’ સિરિયલના 10 એપિસોડમાં આ આખો ઇતિહાસ અને પ્રક્રિયા ખૂબ રસપ્રદ અને પ્રમાણભૂત રીતે બતાવાયો છે. યુટ્યૂબ પર અવેલેબલ છે. આપણા ઉત્કર્ષ મઝુમદાર એમાં સરદાર પટેલની ભૂમિકામાં શોભ્યા હતા. 

2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચર્ચા ચાલી અને બંધારણને આખરી ઓપ અપાયો. અન્ય દેશોની તુલનાએ ભારતનું બંધારણ ખૂબ મોટું અને વિસ્તૃત છે. વિશ્વનાં બંધારણોના ખ્યાતનામ અભ્યાસી સર આઇવર જેનિંગ્ઝ પણ આ વાતનું સમર્થન કરે છે. 

પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ સુંદર કર્સિવ ઈટાલિક્સમાં બંધારણની પ્રત લખી. એ માટે 432 જેટલી હૉલ્ડર નિબનો ઉપયોગ થયો. લખતાં છ મહિના થયા હતા. આ પૃષ્ઠોને શાંતિનિકેતનના કલાકારોએ સુશોભિત કર્યાં હતાં. પછી તેની હિંદી નકલ કૅલિગ્રાફર વસંતકૃષ્ણ વૈદ્યે કરી. પૂનામાં હાથે બનાવેલા કાગળ એમાં વપરાયા છે. અંગ્રેજી પ્રતનું વજન 13 કિલો અને હિન્દી પ્રતનું વજન 14 કિલો છે. આ બન્ને પ્રતો નાઈટ્રોજન ભરેલી કાચની પેટીઓમાં મૂકવામાં આવી છે જેથી કાગળ બગડે નહીં. 

આપણા બંધારણ અનુસાર નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે વિરોધ, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને કેળવણી-વિષયક, મિલકતનો અને ન્યાયનો – આ મૂળભૂત અધિકારો અપાયા છે. નિમ્ન સ્તરના વર્ગો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટે ભારતના બંધારણમાં પછાત અને વર્ગીકૃત જાતિઓ માટે વિશિષ્ટ જોગવાઈઓ છે. નાગરિક કોઈપણ રાજ્યનો હોય, સમગ્ર ભારતનો નાગરિક ગણાય છે. માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિનો ઉદ્દેશ સામેલ છે. હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતે બ્રિટનના જેવી સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં પ્રજા દ્વારા ચૂંટાતા નીચલા ગૃહ લોકસભાને વ્યાપક સત્તાઓ મળેલી છે. તે કાયદાઓ ઘડે છે, અંદાજપત્ર મંજૂર કરે છે, સરકારની રચના કરે છે તેમ સરકારને પદભ્રષ્ટ પણ કરી શકે છે. આનો અર્થ એ કે આપણે જેમને ચૂંટીને મોકલીએ છીએ તે પ્રતિનિધિઓની, સરકાર પર સીધી અસર પડે છે. મતદાન કરતી વખતે આપણને આની ખબર રહે છે?

જેના શબ્દોથી લેખની શરૂઆત કરી એ આમુખ બંધારણના ઉદ્દેશ્ય તથા લક્ષ્યને સ્પષ્ટ કરે છે. જ્યાં બંધારણની ભાષા સંદિગ્ધ લાગે ત્યાં આમુખની મદદ લેવામાં આવે છે. 

અને શાળામાં આપણે રોજ બોલતાં એ પ્રતિજ્ઞા તો યાદ હશે જ, 

‘ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.’ 

બંધારણ લાંબું લાગતું હોય એવા નાગરિકોએ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા યાદ રાખવી. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 જાન્યુઆરી  2026

Loading

નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 February 2026

‘હું નથુરામ’ નાટક અને તેને પડકારતા ‘વાચિકમ્’ કાર્યક્રમો વચ્ચે, કાયદાનું શાસન અને વૈચારિક સંતુલન ક્યાં છે?

પ્રકાશ ન. શાહ

અગિયારમી ફેબ્રુઆરીએ દીનદયાલ ઉપાધ્યાય વિશે લખતાં કેમ કે 30 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી એ ગાંધી શ્રાદ્ધ પર્વ છે, કદાચ એક ઉલ્લેખ કરવો જોઈતો હતો. 1968માં એ ગયા તે પછી જે સ્મૃતિગ્રંથ પ્રગટ થયો એમાં એક જનસંઘ સાંસદે (ઘણું કરીને નરેન્દ્ર શર્માએ) એક સ્મરણ ચહીને ટાંક્યું હતું : મેં (શર્માએ) એમને એક વાર કહ્યું કે આપણે આધુનિક ભારત અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વાત કરીએ છીએ, પણ એમાં એક પ્રેરણાપુરુષ તરીકે ગાંધીજીનો ખાસ ઉલ્લેખ નથી કરતા એથી ગલત સંદેશ જાય છે. શર્માએ લખ્યું હતું કે તે પછી દીનદયાલે ‘ઓર્ગેનાઈઝર’/’પાંચજન્ય’માં ખાસ લેખ વાટે ગાંધીજીને વિશેષ રૂપે સંભાર્યા હતા.

કેવળ સ્મૃતિ પરથી આ સંભારું છું તે એટલા એક ઈંગિત સારુ કે ગાંધી પરત્વે સરિયામ અસ્વીકારથી માંડી સલામત અંતરનો એક રવૈયો સંઘ પરિવારનો રહ્યો છે. પ્રાત:સ્મરણમાં સમાવેશ કર્યા પછી અને છતાં આ એક વાસ્તવિકતા છે. જરા દૂરાકૃષ્ટ લાગે તો પણ કહું કે સંઘ પરિવાર સહિતનો એક વર્ગ આપણે ત્યાં છે જેને ચોક્કસ જ ગાંધીહત્યા ટીકાપાત્ર જણાય છે, પણ એક અંત:સરવાણી ગાંધીવધની અનુમોદનાની છે.

આ ઉલ્લેખને જોગાનુજોગ શ્રાદ્ધ પર્વ આસપાસ જ કંઈક વળ ને આમળા ચઢે, કંઈક તપાસધક્કો લાગે એવો ઘટનાક્રમ સરજાયો છે. ‘હું નથુરામ’ નાટક રાજકોટ-અમદાવાદમાં પડાકારાયું છે, તો બીજી બાજુ અશોકકુમાર પાંડેયના પુસ્તક આધારિત વાચિકમ્ અમદાવાદ-વડોદરા-સુરતમાં પ્રસ્તુત થયું છે જે ગોડસેની કથિત સ્થાપનાને પડકારે છે. જો કે, એક વિગત આ સંદર્ભમાં સંભારવી જોઈએ કે સુરતમાં આ પૂર્વે પોલીસ દરમ્યાનગીરીથી પ્રસ્તુત ‘વાચિકમ્’ અટકાવાયું હતું. રાજકોટમાં કાઁગ્રેસના જો કે શાંતિમય નહીં એવા પ્રતિકારથી ‘હું નથુરામ’ અટક્યું અને સુરતમાં પેલું ‘વાચિકમ્’ પોલીસ દરમ્યાનગીરીથી ન થઈ શક્યું, આ બે બીના વચ્ચેનો ભેદ કોઈને પણ સમજાય એવો છે.

વિરોધ શાંતિમય હોવો જોઈએ એમ કહેવું બેશક બિલકુલ દુરસ્ત છે. માત્ર, આ વિધાન કરતી વેળાએ સંતુલનવિવેક સરખો એ એક મુદ્દો ખયાલમાં રહેવો જોઈએ કે સરકાર અને સત્તા પક્ષ આવે વખતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ કાયદાના શાસનથી ઉફરાટે ચોક્કસ બાજુને સાચવી લે છે.

જ્યાં સુધી ‘હું નથુરામ’નો સવાલ છે, એ ગોડસેની અદાલતી કેફિયત પર બહુધા ચાલે છે. સંઘ શતાબ્દીએ પહોંચ્યો અને ભા.જ.પ. સંખ્યાબંધ રાજ્યો સહિત કેન્દ્રમાં સત્તા સ્થાને પહોંચ્યો એ વર્ષો, ખાસ કરીને છેલ્લો દસકો, આ કેફિયત બાબતે ચાહક વર્ગને ખુલ્લાણમાં આણનાર રહ્યો છે. અર્ધ પરિભાષિતપણે કેમ ન હોય, કંઈક સૈંયા ભયે કોતવાલ શો કિસ્સો આ છે.

બીજી બાજુ, આ જ દિવસોમાં ગુજરાતીમાં તુષાર ગાંધી અને ધીરેન્દ્ર ઝાનાં જે પુસ્તકો સુલભ થયાં છે તે ગોડસેની અદાલતી કેફિયત અને 30મી જાન્યુઆરીએ ધરપકડ બાદનું એનું પોલીસ નિવેદન, બે વચ્ચેનું અંતર (અને એથી ગોડસેની- જો નરમ શબ્દોમાં કહીએ તો – અંચઈ) સાફ કરી આપે છે.

ગોડસે કેસમાં આખરી ચુકાદો આપનાર ન્યાયમૂર્તિએ કહ્યું છે કે એની કેફિયત એ હદે અસરકારક હતી કે જો અદાલતમાં હાજર રહેલાઓને જ્યુરી લેખી એનો કેસ સોંપવામાં આવ્યો હોત તો તે છૂટી ગયો હોત. ન્યાયમૂર્તિએ આ વિધાન કોઈ સત્યબોધની રીતે નથી કર્યું. એમણે તો ભલે ને તથ્ય નિરપેક્ષપણે કરાયેલ પણ એક દમદાર રજૂઆત તરીકે આ વાત કરી હતી.

વસ્તુત: ‘હિંદુ’ અગર તો આજકાલ વપરાતા ‘સનાતન’ના છેડેથી જોઈએ તો ગોડસેની કેફિયતમાં પાકિસ્તાનને પંચાવન કરોડ આપ્યાથી ગાંધીવધ અનિવાર્ય લાગ્યાની વાત બંધબેસતી નથી, અગર તો હિમદુર્ગનું એક દશાંશમું ટોચકું માંડ છે. સ્વરાજમાં બે-ત્રણ વરસ પર ગાંધીજી મહાબળેશ્વરમાં હતા અને એમના પર ગોડસે સહિતના લોકોએ હુમલો કર્યો ત્યારે આ કોઈ મુદ્દો ક્યાં હતો? 1934ની હરિજન યાત્રા વખતે ગાંધીજી પર હુમલાની કોશિશ થઈ ત્યારે આ મુદ્દો ક્યાં હતો?

આ બધા હુમલાના સિલસિલા પાછળની માનસિકતા બે ધાગે કામ કરતી માલૂમ પડે છે. એક તો, આપણે બ્રિટિશન શાહીવાદ સામે લડવાનું છે કે એથી વધુ બલકે એકમાત્ર ‘શત્રુબોધ’ મુસ્લિમમાં શોધી એની સામે લડવાનું છે, એવી દ્વિધાગ્રસ્તતા – અને, બીજું, હિંદુ એલિટિઝમ અગર સવર્ણવાદના કોચલાની બહાર નીકળી દલિત વંચિત સૌને અપનાવવાની ભૂમિકા અંગે હાડમાં ઝમેલો ને જામેલો ખટકો, આ બે વાનાં લક્ષમાં લઈએ તો સમજાશે કે કોઈ હિંદુ રિનેસાંસની આશા કેમ ઓછી અને પાછી પડે છે.

ગોડસે પરિવારના જ ગોપાલ ગોડસેને પણ એકંદર ચર્ચા સંદર્ભે યાદ કરવાપણું લાગે છે. 1964-65માં એ છૂટ્યા અને એમણે પોતાને છેડેથી આખી દાસ્તાં લખી, ‘ગાંધીહત્યા આણિ મીં.’ અગાઉ અહીં કહેવાનું બન્યું છે તેમ બીજી બાબતો ઉપરાંત એની એક નોંધપાત્ર વાત, અમે અમારી જુબાનીમાં સંઘ અને તાત્યારાવ(સાવરકર)ને બચાવી લીધા તે છે.

ગોપાલ ગોડસેનું આ પુસ્તક પ્રકાશિત કરતી વેળાએ પ્રકાશકના આગ્રહથી સુપ્રતિષ્ઠ મરાઠી બૌદ્ધિક નરહર કુરુંદકરે કશી કાપકૂપ વગર છાપવાની શરતે પ્રસ્તાવના લખી હતી. એમાં ગોપાલ ગોડસેની, ગાંધીહત્યાને એક અનિષ્ટ તત્ત્વના વધ તરીકે અને હત્યારા નથુરામને હુતાત્મા તરીકે રજૂ કરવાની મુરાદને એક એક મુદ્દાની અસરકારક છણાવટ વાટે ધ્વસ્ત કરી હતી. દેખીતી રીતે જ પછીની આવૃત્તિમાં એ પ્રસ્તાવના પડતી મૂકાઈ હતી. આ પ્રસ્તાવનાનો સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટે 1999માં પ્રગટ કર્યો હતો જે ફેરરમતો કરવાલાયક છે.

‘હું નથુરામ’નો વિરોધ તર્કબદ્ધ ઇતિહાસવિગત સાથે પ્રગટપણે જરૂરી કરી શકાય. માત્ર ગોડસે વિધાનમાં રહેલી તોડમરોડ સામે તોડફોડ એ રસ્તો નથી. સવાલ એ પણ છે કે ‘હું નથુરામ’ પાછળનાં તત્ત્વો ને પરિબળો કાયદાના શાસનમાં નથી માનતાં એવું તો નથી ને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 ફેબ્રુઆરી  2026

Loading

...1020...23242526...304050...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved