Opinion Magazine
Number of visits: 9966358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણું હિત શેમાં છે તેની આપણને જ ખબર નથી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 July 2020

આપણે સરકારને, તંત્રોને, શિક્ષકને, વાલીને, ડોક્ટરને, દરદીને, નેતાને, અભિનેતાને, બેન્કોને, બિલ્ડરને, ડોશીને, પડોશીને, સગાંઓને, મિત્રોને ઊંધું ઘાલીને ગમે ત્યારે ને ગમે ત્યાં ભાંડતાં રહીએ છીએ ને બધાં જ આપણા શત્રુ હોય તેમ દાંતિયા કરતાં રહીએ છીએ. ઘણીવાર તો એ લોકોએ આપણું કંઈ જ બગાડ્યું હોતું નથી, પણ ઝઘડવાની ટેવ પડી હોય છે ને બધાંથી કપાઈને પછી આપણાં જ કોચલામાં ભરાઈને પોતાનું જ બગાડી મૂકીએ છીએ. આ ઠીક નથી. આપણને ખબર જ નથી કે આખું જગત આપણું ભલું કરવા માંગે છે ને આપણે નગુણાની જેમ કોઈની કદર કરવામાં માનતા જ નથી.

તમને ખબર છે ડગલેને પગલે આપણી ક્યાં ક્યાં બચત થઈ શકે એમ છે તેનું માર્ગદર્શન આપવા કેટલી બધી જાહેરાતો માધ્યમોમાં થતી રહે છે! કેટલાં બધાં ડિસ્કાઉન્ટસ આપણને અનેક સ્કીમો દ્વારા આપવાની કોશિશો થતી હોય છે ને આપણે તે તરફ જોઈએ જ નહીં એ તો કેમ ચાલે? કેટલી બધી કંપનીઓ આપણને મદદ કરવા પૈસા ખર્ચીને જાહેરાતો બનાવે છે ને આપણે ટી.વી. જોવાને બદલે બાથરૂમ જોઈએ છીએ અથવા તો પાનું ફેરવીએ છીએ.

આપણે દાંત સાફ કરવા છે તો કેટલી બધી કંપનીઓ ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ લઈને સ્ક્રીન પર હાજર થઈ જાય છે. પેસ્ટમાં એટલી બધી જડીબુટ્ટીઓ ને વરિયાળી ને ફ્લોરાઈડ વપરાય છે કે વહેમ પડે કે બોખાઓને પણ નવા દાંત નીકળશે કે શું? એ જુદી વાત છે કે ટૂથપેસ્ટ ઘરે લાવીએ ને એકાદ બે દાંત નીકળીયે જાય. એમાં પાછી અમુક પરસેન્ટ એક્સ્ટ્રા પેસ્ટ પણ ક્યારેક દાન કરી દેવાય કે પેસ્ટ લો તો બ્રશ ફ્રી જેવી જાહેરાત પણ હોય. જો કે પેસ્ટની સાઈઝ વધતી નથી, પણ એક્સ્ટ્રા પેસ્ટ તો મળે જ છે. આ જમાનામાં આટલું કોણ કરે?

નહાવું છે? તો કેટલા સાબુ સ્ક્રીન પર ચમકવા લાગે છે! તેમાં પાછી જાતભાતની સ્કિમ તો ખરી જ. પાંચ સાબુ લો અને એક સાબુ ફ્રી. કેટલી મોટી બચત! જો કે એ સમજ પડતી નથી કે આટલી બચત એ લોકો કરાવે છે, પણ ગજવું તો ખાલીનું ખાલી જ રહે છે. વારુ, લોકો સાબુ જ નથી બતાવતા હિરોઈન પણ બતાવે છે. એ જરા સાબુ લગાવે, આપણને નહીં, પોતાને જ, ત્યાં તો ગોરી પાન! ને આપણે લગાવીએ તો? ખર્યું પાન! હવે આપણે જ જાડી ચામડીના હોઈએ તો કોઈ શું કરે? પેલી હિરોઈન ફેરનેસ ક્રીમ જરા નાક પર લગાડે ત્યાં તો કેટલા બધા ચહેરાઓમાં તેની સ્કીન ગોરી ને ચમકતી થવા લાગે ને આપણે આપણી કાળી ચામડી જોઇને એ આશ્વાસન લઈએ કે હશે, એ ક્રીમ આપણે માટે નથી, એ તો ગોરી ને ચમકતી ચામડીવાળી હિરોઈનો માટે જ છે.

એક વાત સાચી કે જાહેરાતમાં આવે છે એટલા ડાઘા આપણે કપડાં પર નથી જ પાડતા. એ લોકો પણ કપડાં પર બહારથી ચા, ઓઈલ, માટી લગાડીને કપડાં પહેલાં ગંદા કરે છે ને પછી, બીજાનાં ને પછી પોતાનાં ડિટરજન્ટથી ધૂએ છે. બીજા પાઉડરથી ડાઘ ધોવાતાં નથી ને એમના પાઉડરથી ડાઘ તરત જ નીકળી જાય છે. એ પાઉડરની ખૂબી એ છે કે તમે ઘરે લાવીને એ વાપરો તો કપડાં એટલાં ચોખ્ખાં થતાં નથી. એનું કારણ છે કે એ લોકો જ્યાં ધૂએ છે ત્યાં જઈને ધૂઓ ને એ લોકો ધૂએ તો જ તે સાફ થાય, બાકી ડાઘ જાય તો પૈસા પાછા! એવું જ ટોઇલેટ સાફ કરવાની બાબતે પણ છે. કોઈ હીરો મેજિક ટેબ્લેટ નાખે ને આખું ટોઇલેટ જે રીતે ઝગારા મારતું થઈ જાય છે તે જોઇને તો એને કદી બગાડવાનું મન જ ન થાય. ના, ના! બગાડવું જ છે તો આપણું ટોઇલેટ શું ખોટું છે? ગમે એટલું સારું લિક્વિડ આપણું ટોઇલેટ એટલું ચકાચક ન જ કરી આપે, કારણ એને હીરો સાફ કરે છે ને ઘરમાં ગૃહિણી સાફ કરે છે. આપણું ટોઇલેટ પણ એટલું જ સાફ કરાવવું હોય તો ટોઇલેટ ત્યાં મૂકી આવવું પડે. એક વાત સારી એ છે કે હવે જાહેરાતમાં કપડાં કે ટોઇલેટ પુરુષો સાફ કરતા થયા છે. આ સ્થિતિ ઘરોમાં આવે તો કશું સાફ થાય કે ન થાય, પણ પુરુષો બધું ‘સાફ કરતા’ થાય એટલું નક્કી.

એ તો સારું છે કે આ લોકો આપણું ધ્યાન રાખે છે કે ક્યારે આપણને શું જોઇશે ને તે પ્રમાણે સૌ મદદ કરવા તત્પર રહે છે, બાકી આપણામાં એ અક્કલ છે કે ખાવામાં કયું તેલ વાપરવું તે નક્કી કરી શકીએ? સિંગતેલ વાપરવું કે પામોલિવ કે કપાસિયાનું તે કંપનીઓ નક્કી કરી આપે તો જ આપણે તો  લઈએ, બાકી વગર તેલે જ તેલ લેવા જવું પડે એવું ખરું કે કેમ? ગૃહિણીઓને કંઈ આવડતું નથી એમ માનીને કંપનીઓ સાસુની ભૂમિકામાં રહે છે. દાળશાકમાં કયો મસાલો વાપરવો કે બિરિયાની કે શેઝવાન રાઈસમાં શું શું નાખવું? એ જો આ જાહેરાતો ન આવતી હોત તો આપણે ક્યારે જાણી શકયા હોત? ભલું થજો એ જાહેરાત આપનારનું જેણે શું વાપરવું, કેમ બનાવવું તે શીખવ્યું. હવે તમે એ રીતે કરવા જાવ તો દાળશાક લાગી જાય કે બિરિયાની ડાચામાં ય ન ઘૂસે એમ બને. સારામાં સારી બિરિયાની ખાવી હોય તો એ જાહેરાત આવતી હોય ત્યારે જ સ્ક્રીન પર મોં મારી લેવાનું ને સાચું કહું તો એ પુલાવ એ લોકો ખાય જ છે એની જાહેરાત આવતી નથી એટલે જે બને તે ગૃહિણીની ખામી કાઢ્યા વગર ટાઢીહીળી કરી લેવાની. જાસ્તી ભેજામારી નકો!

અત્યારના સંજોગોમાં જિંદગીનો બહુ ભરોસો રહ્યો નથી એટલે ઘણી કંપનીઓ આપણો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા આગળ આવી છે ને આપણને સલાહ આપે છે કે વીમો લઈ લો. જે સલાહ આપે છે તે એટલો ભલો હોય છે કે એનું ચાલે તો બધાનો વીમો એ જ લઈ આપે, પણ આખા દેશનો વીમો તો ન લેવાયને! એ તો કહે પણ છે, ’મહંગા નહીં હૈ!’ એનું માનીને ય વીમો લેવાનું મન થઈ જાય, પણ વીમો લઈએ તો ખાવું શું? એ વિચારે ઘણા રોકાય છે. બાકી તો થઈ આવે કે આપણો પાકે કે ન પાકે, છો, એનો વીમો પાકી જતો!

કેટલાકને આપણી ખરેખર દયા આવી છે ને એમને ય એમ છે કે આપણે બે પાંદડે થઈએ! એ લોકોએ ઠેર ઠેર ઓનલાઈન રમી સેન્ટર્સ ખોલી નાખ્યાં છે, કેટલાકે તો ઓનલાઈન કસીનો પણ ખોલી નાખ્યાં છે ને બધાંને ઉઘાડું આમંત્રણ છે કે આમ ઘરમાં ઘોરવા કરતાં રમી રમો ને લાખો જીતો. ભારત હવે ખેતીપ્રધાન મટીને રમીપ્રધાન દેશ બને તો નવાઈ નહીં. આમ ખૂણેખાંચરે પત્તાં રમો તો પોલીસ પકડી જાય, પણ ઓનલાઈન રમી રમો તો ચિંતા જ નહીં, કારણ રમી રમો, રમી રમો-ની જાહેરાત તો ક્રિકેટરો જ કરતા ફરે છે …

આ જમાનો જાહેરકબરનો, સોરી જાહેરખબરનો છે. જ્યારથી મંત્રીઓ દેશની મંતરવા જાહેરખબરમાં આવતા થયા છે, માધ્યમોની ગરીબી તો દૂર થઈ જ છે, પણ દેશમાં કામ થાય કે ન થાય, માધ્યમોનું કામ તો થાય જ છે. એ વગર સરકાર કાગળ પર કામ કરે છે એની ખબર બહાર કઈ રીતે પડે? કારણ બહાર કામ થવું પણ જોઈએને! આમે ય લોકોને ઘરમાં રહેવાનું કહેવાતું હોય ત્યારે સરકાર બહાર નીકળે તો એ શોભે ખરું? કેટલાક ધાનસેવક હોય છે તો કેટલાક પ્રધાનસેવક હોય છે ને એ બધા જ દેશહિટ, સોરી, દેશહિતનું કામ કરે છે.

આપણે ટી.વી. સામે જમવા બેઠાં હોઈએ ને ફિલ્મ શરૂ થતાં પહેલાં ચીતરી ચડે એવી જાહેરાતો બતાવાય છે, જેમાં તમાકુનું સેવન કરવાથી મોનાં કેન્સરના દરદીની વાતો ચાલતી હોય છે ને સાથે જ કપાયેલાં, છોલાયેલાં ઓપરેટેડ ચહેરાઓ બતાવાય છે, તેમાં પેલા દરદીનું તો કોઈ ભલું થતું નથી, પણ એવું બતાવવાનો હેતુ એ છે કે આવી ભયાનકતાથી ડરીને લોકો તમાકુનાં સેવનથી દૂર રહે. એની થોડી અસર થતી ય હશે, પણ પાનમાવા માટે રઘવાયા થયેલાં લોકોને આપણે જે રીતે માધ્યમોમાં જોયાં-જાણ્યાં છે તે પરથી લાગે છે કે આવી જાહેરાતોથી ખાસ હેતુ સરતો નથી. કરોડો રૂપિયા સરકાર આવી જાહેરાતો પાછળ ખર્ચે છે તો એને પૂછવાનું થાય કે તમાકુનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવામાં આવે ને કોઈ રીતે પણ તમાકુની આયાત ન થાય એવું કરવું વધારે સહેલું ને સલાહ ભરેલું છે એવું નથી લાગતું? એક દલીલ એવી થઈ શકે કે તમાકુમાંથી સરકારને વધારે આવક થાય છે તો સામે એવી દલીલ પણ થાય ને કે એ આવકની સામે અબજો રૂપિયા જાહેરાત પાછળ ખર્ચાય છે તેનું શું? આ તો લિટર દૂધ માટે ડેરી નાખવા જેવું જ છે કે બીજું કંઈ? ડયુટીની આવક કરતાં જાહેરાતનો ખર્ચ ઓછો હોય તો પણ, લાખો લોકો તમાકુથી બચી શકતા હોય તો એ કરવું વધારે ‘જનહિત’માં છે એવું નહીં?

૦

પ્રગટ : ‘આજકાલ' નામક લેખકની કટાર, “ધબકાર”; 27 જુલાઈ 2020

e.mail : ravindra21111946@gmail.com

Loading

એકાકી રહેવું

સ્વામી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા)|Opinion - Opinion|27 July 2020

પહેલાં મેં કોઈ સ્થળે જણાવ્યું છે કે જીવન ભલે વાસ્તવિકતાથી ઊંચું કે નીચું થઈ જાય; પણ સમય જતાં અંતે તો વાસ્તવિકતાને સ્વીકારી લેતું હોય છે. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે. મેં આહાર સંબંધે અનેક પ્રયોગો કરીને શરીર વધુ દુર્બળ તથા આહારની નિશ્ચિત વાનગીઓ માટે લાચાર બનાવી દીધું હતું. બહુ સમય પછી ખ્યાલ આવ્યો કે આ બરાબર નથી.

મેં પ્રયોગો છોડીને શક્ય તે જે કાંઈ પથ્થ તથા શાસ્ત્રોનુમોદિત હોય તે બધું જ ખાવા માંડ્યું. મેં જોયું કે તેથી સ્વાસ્થ્ય વધુ સારું રહે છે તથા રોગપ્રતિકારક્ષમતા પણ વધે છે. મસાલાનો પ્રયોગ પણ માપસરનો કરવા માંડ્યો. હળદર, જીરું, રાઈ, મેથી, ધાણાં, મરચાં વગેરે મસાલા, જો માપસરના હોય તો નુકસાન નહીં; પણ ફાયદો કરે છે. પશ્ચિમની નકલ કરીને આપણે મસાલાઓ હાનિકારક માનવાની ભૂલ કરીએ છીએ. પશ્ચિમમાં આ મસાલા પ્રાપ્ત જ નથી, એટલે પેઢી દર પેઢી તેઓ જે રીતનો આહાર લે છે, એમાં આ મસાલાઓ તેમને કદાચ અનુકૂળ ન આવે; પણ આપણા માટે તો ઉપયોગી છે!

આજે હું આહાર બાબતમાં તમામ શાકાહારી વસ્તુઓ ખાઉં છું. મને તેથી લાભ જ થયો છે. આહાર સંબંધી કડક અને કઠોર નિયમો પાળનારા ભાઈઓને આટલું કહેવાનું કે, પોતાના શરીરને અનુકૂળ હોય તેવી પ્રત્યેક વસ્તુને લેતા રહેવાથી સંતુલિત આહાર મળી રહે છે. એક જ પ્રકારનો આહાર લેવાથી, જોઈએ તેટલાં અને તેવાં તત્ત્વો મળતાં નથી. બીજું, આંતરડાં એવી રીતનાં ટેવાઈ જવાથી આહારમાં જરાક ફેરફાર થાય કે તરત જ શરીર બગડે છે.

મારે આશ્રમ બનાવવો ન હતો, જીવનભર વિરક્ત રહીને ગામેગામ ભ્રમણ કરીને જીવન પૂરું કરવું હતું. યાત્રામાંથી થયેલા મરડાએ અને તે પછી લોકોની પ્રતિક્રિયાએ, માથું ઢાંકવા જેટલી કુટિયા બનાવવા ઈચ્છા પ્રગટાવી. પુસ્તકોનો મોહ તેમાં ઉમેરાયો એટલે કુટિયા બનાવવાની ઈચ્છા વધી. જે સાધુઓને પોતાની કુટિયા અથવા આશ્રમ નથી હોતો, તેઓ અંતે કોઈ ને કોઈ આશ્રમમાં રહે છે. આવી રીતે બીજાના આધીન થઈને રહેવાનું, સ્વમાની સાધુઓને ગમતું નથી. વળી, આવું રહેવું જીવનભરની ખાતરી વિનાનું અનિશ્ચિત હોવાથી ચિંતા, ભય પણ રહે છે. સ્વતંત્ર વિચારકોને તો આવું પરાધીન જીવન પોષાય જ નહીં. આવી સ્થિતિમાં જીવનની વાસ્તવિકતાએ, જે મારે નહોતું કરવું, તે જ કરવા તરફ દોર્યો. મને થયું કે એકાદ નાની કુટિયા બનાવી હોય તો લોકોની લાચારી ભોગવવી ન પડે.

મારું ધ્યાન બે જગ્યાએ હતું. એક તો વૃંદાવન અને બીજું નર્મદા કિનારે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણનું આકર્ષણ હતું, તો નર્મદા કિનારે નર્મદાજીનું આકર્ષણ હતું.

પ્રથમ હું વૃંદાવન ગયો. થોડા દિવસ રહ્યો તથા આશ્રમ માટે યોગ્ય સ્થળ વગેરેની તપાસ કરવા લાગ્યો. 1955માં હું આ જ વૃંદાવનમાં રહીને લઘુકૌમુદી ભણ્યો હતો. આજે તેર વર્ષ વીતી ગયાં હતાં! તેર વર્ષમાં વૃંદાવન ઘણું બદલાઈ ગયું હતું. પરમહંસ આશ્રમ પણ બદલાઈ ગયો હતો. મેં જોયું કે, પહેલાં કરતાં વૃંદાવનમાં ગુંડાગીરી વધી છે. યાત્રાળુઓ તો આવી ને જાય, એટલે તેમને વાસ્તવિકતાનો ખ્યાલ ન આવે. પણ આ તીર્થો ગુંડાગીરીથી પણ ખદબદતાં હોય છે. ઘણા મઠો તથા આશ્રમો હોવાથી સાધુઓની પારસ્પરિક ઈર્ષાવૃત્તિ પણ ખરી. થોડા જ દિવસમાં મેં નક્કી કર્યું કે અહીં આશ્રમ કરવા જેવો નથી. હું ગુજરાત પાછો ફરવાની તૈયારીમાં હતો, તેવામાં એક શૃંગારરસવાળા મહાત્મા મળી ગયા. તેઓ વૃંદાવનમાં કોઈ વક્તાને લેવા આવ્યા હતા. તે વક્તા તો મળી ન શક્યા. ફિરોજાબાદ(યુ.પી.)માં એક ભવ્ય કાર્યક્રમ ચાલતો હતો, ત્યાં પ્રવક્તાઓની જરૂર હતી. મારે અને તેમને પરિચય ન હોવા છતાં; ‘ખાલી જવું, તેના કરતાં ચાલોને, આ સાધુને જ લઈ જાઉં. કીર્તનબીર્તન તો કરશે!’ તેમ સમજીને મને ફિરોજાબાદ આવવા તેમણે આમંત્રણ આપ્યું. વૃંદાવન સંબંધી કાર્ય પતી જવાથી હું નવરો જ હતો. મેં ફિરોજાબાદ જવાની હા પાડી. અમે સાથે જ કારમાં રવાના થયા. ફિરોજાબાદ કાચની બંગડીઓની ફેક્ટરીઓનું ઔદ્યોગિક નગર છે. અહીંનો – ખાસ કરીને વૈશ્ય સમાજ – સપ્તાહો વગેરેમાં સારો રસ લઈને પ્રવચનો ગોઠવતો રહ્યો છે. પેલા સંત એક-બે મહિનાથી કથા કરતા હતા, તેમનો પ્રભાવ પણ સારો હતો. માત્ર તેમની શૃંગારવૃત્તિથી કેટલાક વૃદ્ધોને અણગમો હતો.

અમે ફિરોજાબાદ પહોંચ્યા. બીજા જ દિવસથી સવારના સમયે પ્રાર્થના પછી, મારું પ્રવચન શરૂ થયું. એક બીજા મહાત્મા પણ હતા. જેમને ‘મહંતજી’ કહીને લોકો બોલાવતા. મારો પરિચય ન હોવાથી મારી સાથે બન્ને મહાત્મા જુનિયર જેવો વ્યવહાર કરે તે સ્વાભાવિક હતું. પ્રવચનોની પરિપાટી એવી હોય છે કે જુનિયરોનાં પ્રવચનો પ્રથમ થાય, સીનિયરોનાં પાછળ થાય. સર્વપ્રથમ મારું પ્રવચન થયું. થોડો જ સમય આપ્યો હોવા છતાં; લોકો પર સારી અસર પડી. પેલા મારી પાછળ બોલનારા મહંતજીએ તેની નોંધ લીધી. બીજા અને ત્રીજા દિવસે પ્રજા મારા તરફ આકર્ષાવા લાગી. મહંતજી ઉપર દબાણ કરીને મારો સમય વધારાવ્યો. પ્રજાનું પરિવર્તન મહંતજીને ન ગમ્યું. તેઓ નિયમિત રીતે મારું ખંડન કરવા લાગ્યા. એક જ મંચ ઉપરથી, પ્રથમ વક્તાનું, પાછળના વક્તા ખંડન કરે, તે ઉત્તમ લક્ષણ તો ન જ કહેવાય. તેમની ખંડનવૃત્તિથી તેઓ લોકોમાં વધુ અળખામણા થવા લાગ્યા. દસ-બાર દિવસ થયા હશે, લોકો મહંતજી તરફથી મોંઢું ફેરવી ચૂક્યા હતા. મને આ ગમતું નહી. પણ મહંતજી પોતે જ સદ્ભાવની જગ્યાએ કુભાવ પ્રસરાવી રહ્યા હતા. જો કે આટલા દિવસમાં તેમને ખ્યાલ આવી ગયો હતો કે, આ નવા સાધુ તરફ લોકો આકર્ષાયા છે તે સકારણ છે, નિષ્કારણ નથી.

– હવે એવું થયું કે લોકોએ મહંતજીનું પ્રવચન પહેલાં અને મારું પ્રવચન પાછળ ગોઠવ્યું, જેથી હું પૂરતો સમય લઈ શકું. અંતે મહંતજીએ બોલવાનું જ બંધ કરી દીધું. લોકો પણ એવું જ ચાહતા હતા. સાધુ વક્તાઓમાં પણ સ્પર્ધા તથા રાગદ્વેષ ઓછાં નથી હોતાં! મારી મુશ્કેલી બીજી પણ હતી. મારો આહાર તદ્દન સાદો (મગની દાળ અને રોટલી) અને દક્ષિણાનું નામ નહીં. લોકો મારા આ આચારથી પણ પ્રભાવિત થતા. મહંતજી તથા બીજા મહાત્માઓને નવાં નવાં મિષ્ટાન્ન વગેરે ભાવે. જમાડનારને સ્વયં કહે કે, આ વસ્તુ બનાવજો. મારા આહારે લોકોને તુલના કરતા કરી દીધા. આ કારણે પણ લોકો મારા તરફ વળવા લાગ્યા. હું જાણતો હતો કે મારા આવવાથી પ્રથમના સાધુઓમાં ઓટ આવી રહી છે, પણ તેમાં હું શું કરું? તેમના જેવો હું થઈ શકું તેમ ન હતો. મારા પૂજ્ય ગુરુદેવે મને કહેલું કે, ‘એકલો રહેજે, ને ટોળામાં રહીશ તો અશાન્તિ થશે, ખટપટો થશે.’ અહીં મને તેનો અનુભવ થવા લાગ્યો.

ધીરે ધીરે સાધુઓ વધવા લાગ્યા. હૃષીકેશ-હરદ્વારથી મોટા મોટા સંતો પધાર્યા. ખૂબ ધામધૂમથી કાર્યક્રમ ચાલવા લાગ્યો. રાત્રે પણ પ્રવચનો થાય. હિન્દીમાં બોલવાનો મને અભ્યાસ હતો, એટલે કામ ચાલતું. હજારો માણસોની સભા ભરાયેલી હોય. લોકોની ચિઠ્ઠીઓ ઉપર ચિઠ્ઠીઓ આવે : ‘સ્વામી સચ્ચિદાનંદકો સમય દેં, હમ ઉનકો સૂનને આયેં હૈં.’ આયોજક ગભરાય, મને પણ ચિંતા થાય. આ બીજા મહાત્માઓને કેવું લાગતું હશે? સવારે તો એક હું અને એક હૃષીકેશના વૃદ્ધ જ્ઞાની મહાત્મા, બે જ પ્રવચન કરીએ. રાત્રે બીજા વારાફરતી એક-બે જણા બોલે; પણ સૌથી છેલ્લે મારું પ્રવચન હોય. મારું નામ બોલાતાં લોકો તાળીઓ વગાડે. પેલા મોટા મહાત્મા બહુ જ ભલા હતા. તે પોતે જ જાણી કરીને, પોતાનાં પ્રવચન ટુંકાવી દે અને મારી પાસે માઈક ગોઠવી દે. તેમની મારા ઉપર મીઠી દૃષ્ટિ રહે, પણ મહંતજી તથા બીજા કેટલાકને મારા પ્રત્યે અણગમો રહે. લગભગ એક મહિના સુધી આ કાર્યક્રમ ખૂબ જાહોજલાલીથી ચાલ્યો.

છેવટમાં મહંતજીના ભાવ બદલાયા. એક વાર અમે જમવા બેઠેલા. તેઓ મારી પાસે આવ્યા અને કહે કે, ‘તમારો એંઠવાડ મને પ્રસાદમાં આપો. સૌનાં દેખતાં મારે ખાવો છે. મેં તમારા પ્રત્યે બહુ ઈર્ષા-દ્વેષ કર્યા છે. મને ક્ષમા કરજો. મને ક્ષમા કરજો.’ તેમના આવા વલણથી હું ગદ્ગદિત થઈ ગયો. મેં કહ્યું કે, ‘તમે મોટા ભાઈ છો, હું તો તમારો નાનો ભાઈ છું. બસ આપની તો અમીદૃષ્ટિ જ જોઈએ.’ પણ તે માન્યા નહીં. તે તો મારો એંઠવાડ લેવા તત્પર હતા. હું આપવા તૈયાર ન હતો. એવામાં મારા કોળિયામાંથી બટાકાનું એક પતીકું છટક્યું અને દૂર જઈ પડ્યું. મહંતજીએ ઝટ દઈને ઝપાટો લગાવ્યો અને તેને પોતાના મોઢામાં મૂકી દીધું. મને ગ્લાનિ થઈ, પણ મહંતજી બદલાઈ ગયા હતા.

ત્યારે સસ્તાનો જમાનો હતો. સૌની વિદાય થઈ. શેઠિયાઓ સૌ પ્રથમ સૌથી મોટી રકમ લઈને મારી પાસે વિદાય ભેટ આપવા આવ્યા. મેં તેમને સમજાવીને સૌ સાધુ-સંતોને પ્રથમ આપવા સમજાવ્યા. હું સૌની પાછળ વધશે તો લઈશ; નહીં તો ચાલશે. સાધુઓને યથાયોગ્ય વિદાય અપાઈ; પણ ઘણાનો કચવાટ તેમના ચહેરા પર જોઈ શકાતો હતો. કેટલાક કાંઈક પરસ્પરમાં બડબડ કરતા હતા. છેલ્લે મારી પાસે સૌથી મોટી રકમ લઈને આવ્યા. મેં કહ્યું કે, ‘મારી રકમ આ સાધુ-સંતોમાં વહેંચી દો. હું તો મારા જ કામે વૃંદાવન આવ્યો હતો.’ શેઠિયાઓની ના–ના હોવા છતાં; મેં મારી ભેટ વહેંચી દીધી. આ બધાનું પરિણામ એ આવ્યું કે સૌ મારા પ્રત્યે અત્યંત આકર્ષીત થઈ ગયા. મેં કાંઈ જ લીધું નથી, તેવું જાણતાં જ લોકોનો ધસારો વધ્યો. સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે આગ્રહ કરી કરીને મારી આગળ પૈસા મુકવા લાગ્યા. મારા આશ્ચર્ય વચ્ચે મારી વિદાય ભેટ-કરતાં ત્રણ ગણી રકમ મારી પાસે આવી ગઈ.

કોઈએ ઠીક જ કહ્યું છે કે : ‘માગે સો ભાગે, ત્યાગે સો આગે.’ સૌ વિખરાયા. હું પણ વિદાય થયો; પણ ત્યારથી મેં નક્કી કર્યું કે જ્યાં ઘણા વક્તાઓ તથા સાધુ-સંતો ભેગા થતા હોય, ત્યાં જવું નહીં. પરસ્પરની ઈર્ષ્યા અને દ્વેષબુદ્ધિથી દૂર રહેવા ‘એકાકી રહેવું જરૂરી’ લાગે છે. આ નિયમથી મને ઘણો લાભ થયો.

(‘મારા અનુભવો’માંથી સાભાર; પ્રાપ્તિસ્થાન : ‘ગુર્જર સાહિત્ય ભવન’, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-300 001)

આ લેખ ભાઈ જિજ્ઞેશ અધ્યારુના પ્રસિદ્ધ બ્લૉગ ‘અક્ષરનાદ’ http://www.aksharnaad.com/ માં પ્રકાશિત થયો છે. તેમણે મને તે લેખ મોકલ્યો તે બદલ ભાઈ જિજ્ઞેશનો ખૂબ ખૂબ આભાર. . .. ઉ. મ.

@@@@@

સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષ : સોળમું – અંક : 458 – August 02, 2020

Loading

આઝાદી સમયે બ્રિટિશ અને રિયાસતી એમ બે ભારત હતાં

રમેશ ઓઝા|Opinion - Opinion|26 July 2020

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ કાઠિયાવાડમાં પોરબંદરમાં થયો હતો. આ વાક્ય વાંચીને પ્રશ્ન થશે કે આમાં નવું શું કહ્યું? આ તો નાનું છોકરું પણ જાણે છે. પણ આના અનેક સૂચિતાર્થો છે. ૧૮૬૯ એટલે ૧૮૫૭ના વિદ્રોહ પછીનાં બાર વર્ષ. ભારતની પ્રજાએ તો નહીં, પણ સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો જેને કેટલીક રિયાસતોએ મદદ કરી હતી. એ ઘટના પછી અંગ્રેજોએ ભારતીય રિયાસતોને જે તે બહાને જીતી લઈને કે ખાલસા કરીને તેને બ્રિટિશ ભારતમાં ભેળવી દેવાનું બંધ કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતમાં લગભગ સાડા પાંચસો રિયાસતો કાયમ માટે પાછળ રહી ગઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં રાજકીય રીતે બે ભારત હતાં. રિયાસતી ભારત અને બ્રિટિશ ભારત.

પાછળ બચી ગયેલી રિયાસતો શરીરરૂપી ભારતમાં કોઢના ડાઘની જેમ ફેલાયેલી હતી, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ કાઠિયાવાડ હતો. કુલ મળીને ૨૨૨ રિયાસતો હતી, જેમાં સૌથી નાની રિયાસત વેજાનો નેસ હતી જેનું ક્ષેત્રફળ માત્ર અગિયાર ચોરસ માઈલ હતું. કાઠિયાવાડનો રાજકીય નકશો એવો હતો કે જાણે મોઢા ઉપર ઘાટા શીતળાના ડાઘ હોય. કવિ નાનાલાલે ‘કવિશ્વર દલપતરામ’ નામના ગ્રંથમાં આઝાદી પહેલાંના કાઠિયાવાડને દરિયામાં ઓટ હોય અને જે રીતે દરિયાકાંઠે ખાબોચિયાં રચાય એવાં ખાબોચિયાં સાથે સરખાવ્યું હતું. આ તો રિયાસતોની વાત થઈ. આ સિવાય જમીનદારો અને જાગીરદારો (કાઠિયાવાડની ભાષામાં ભાયાતો) જુદા.

અંગ્રેજો બહુ ચાલાક પ્રજા હતી. તેમણે બચી ગયેલ રિયાસતી ભારતનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. આખરે ભારતનો ૪૦ ટકા પ્રદેશ અને ૨૩ ટકા પ્રજા રિયાસતી ભારતનો હિસ્સો હતી. જે અંગ્રેજો પોતાને જગતની શ્રેષ્ઠ અને સભ્ય પ્રજા સમજતા હતા એ અંગ્રેજોને ભારતના ૪૦ ટકા પ્રદેશની ૨૩ ટકા પ્રજાને કાયદાનું રાજ અને આધુનિક શિક્ષણથી વંચિત રાખવાનો કે પછી એ બન્ને મળે કે ન મળે એના તરફ ઉદાસીન રહેવાનો મોકો મળ્યો હતો. હવે તેમનો અંતરાત્મા ડંખવાનો નહોતો. અમે શું કરીએ? અમારું ક્યાં ત્યાં રાજ છે! તેઓ રિયાસતોનો ઉપયોગ બ્રિટિશ ભારતમાં શરૂ થયેલી નવજાગૃતિનો છેદ ઉડાડવા માટે કરતા હતા. તેમને ખાતરી હતી કે રિયાસતી ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં નવજાગરણ થવાનું છે અને ઊલટું બ્રિટિશ ભારતમાં જે જાગૃતિ આવશે તેનો જૂનવાણી માનસ ધરાવનારા લોકો વિરોધ કરશે.

આનો અર્થ એ નથી કે રિયાસતો સંપૂર્ણ સ્વતંત્ર હતી. અંગ્રેજોએ રિયાસતો સાથે આંગળિયાતની સંધી કરી હતી. બધી જ રિયાસતો અંગ્રેજોની આંગળિયાત હતી જેને અંગ્રેજીમાં વેસ્સેલ સ્ટેટ અથવા સબસીડિયરી સ્ટેટ કહેવામાં આવે છે. રિયાસતો પણ અંગ્રેજોની ગુલામ હતી એટલે રિયાસતી ભારતનું શોષણ કરવાની અને ત્યાંનાં સંસાધનો તેમ જ બજારનો લાભ લેવાની તેમણે પાકી તજવીજ કરી હતી. રિયાસતી ભારત તેના દરેક વ્યવહારિક અર્થમાં ગુલામ હતું, માત્ર કહેવા પૂરતું સ્વતંત્ર હતું. અંગ્રેજોએ રાજવીઓના દાંત ખેંચી કાઢ્યા હતા અને નખ કાપી નાખ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીઓની અને રિયાસતના રક્ષણની જવાબદારી અંગ્રેજોની. રિયાસતને રક્ષણ આપવા માટે અંગ્રેજો રાજવીઓ પાસેથી પૈસા લેતા હતા. ભારતમાં કોઈ રિયાસત બીજી રિયાસત ઉપર આક્રમણ કરી શકે એમ નહોતી, કારણ કે તેની પાસેથી શસ્ત્રો આંચકી લેવામાં આવ્યાં હતાં. આમ અંગ્રેજો કોઈ મદદ કર્યા વિના રક્ષણના નામે પૈસા લેતા હતા. બીજી બાજુ રિયાસતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીની એટલે એ બિચારો કાયમ માટે આરોપીનાં પિંજરમાંમાં ઊભો રહેતો હતો.

દેખીતી રીતે રિયાસતો સાથે અંગ્રેજોએ જે ગોઠવણ કરી હતી તેનાં સામાજિક-રાજકીય-આર્થિક અને સાંકૃતિક પરિણામો અનિવાર્યપણે આવે એમ હતાં. એમાં પાછા એકલા કાઠિયાવાડમાં (અવિભાજિત ભારતના નકશા પર નજર કરશો તો ખોબા જેવડા) ૨૨૨ રિયાસતો એટલે ત્યાં આનાં સૌથી વધુ પરિણામ જોવાં મળ્યાં હતા. મોટા ભાગનાં રજવાડાંમાં દરબાર ગઢના ખર્ચા નહોતા નીકળતા. આને કારણે ભાયાતોનો રંજાડ હતો અને કેટલીક રિયાસતોમાં રાજવીઓ પણ રંજાડતા હતા. આર્થિક વિકાસ શૂન્યવત્ હતો. તાર-ટપાલ, રસ્તા-રેલવે જેવો ભૌતિક વિકાસ બહુ ઓછો થયો હતો. નાની નાની રિયાસતોમાં તો જરા ય નહીં. પ્રજાનો અંગત તેમ જ સામાજિક વિકાસ તો કોઈ પ્રાથમિકતા જ નહોતો ધરાવતો. શાળા, દવાખાનાં, અખબારો, સામયિકો, પુસ્તકો, પ્રકાશનો, ગ્રન્થાલયો, જાહેર પ્રબોધનો, સભાઓ, મંડળીઓ, ચર્ચાઓ શું કહેવાય એની કાઠિયાવાડની બહુ ઓછી પ્રજાને જાણ હતી.

ટૂંકમાં કાઠિયાવાડમાં મધ્યકાલીન જીવનમૂલ્યો અને અંગ્રેજ પૂર્વેની સામંતશાહી તેની સોળે કળાએ કાયમ હતાં. આધુનિકતાની દિશાની યાત્રામાં કાઠિયાવાડ એક પાછળ રહી ગયેલો, બાજુએ હડસાઈ ગયેલો, લગભગ ભૂલાઈ ગયેલો ઉપેક્ષિત પ્રદેશ હતો. કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. પણ અંગ્રેજો કાઠિયાવાડને ભૂલ્યા નહોતા. તેનો તેમને ખપ હતો. બ્રિટિશ ભારતમાંના ઉપદ્રવીઓ માટે કાઠિયાવાડ આશ્રયસ્થાન હતું. દયાનંદ સરસ્વતીએ તો આધુનિક યુગના એક પ્રસિદ્ધ સંતને ઉત્તર ભારતમાંથી ભાગીને આવેલા અને કાઠિયાવાડમાં છૂપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં જેટલા સાધુઓ છે એમાંથી લગભગ ૭૦ ટકા સાધુઓ આજે પણ કાઠિયાવાડમાં જોવા મળશે. આજના દિવસે ભારતમાં જેટલા પરમ પૂજ્યો છે તેમના અનુયાયીઓ મોટા ભાગના ગુજરાતીઓ અને તેમાં પણ કાઠિયાવાડીઓ છે, પછી ભલે તે બિન ગુજરાતી હોય. અહીં કોઈનો વાળ પણ વાંકો ન થાય અને ઉપરથી પૂજાય. અંગ્રેજો કાઠિયાવાડનો ઉપયોગ રાજકીય ઉપદ્રવીઓને તગેડવા માટે પણ કરતા હતા કે જેથી ફરી વાર ૧૮૫૭ જેવી ઘટના ન બને.

ટૂંકમાં અંગ્રેજો રિયાસતોનો ઉપયોગ નવજાગરણને અને આધુનિકતાને નકારવા માટે કરતા હતા અને કાઠિયાવાડનો એક વિશેષ ઉપયોગ ઉપદ્રવીઓને ધકેલવા માટે ઓપન જેલ તરીકે કરતા હતા. કાઠિયાવાડની અરાજકતા બાકીના ભારતમાં ન પ્રવેશે એ સારુ વિરમગામ રેલવે સ્ટેશને દોરડાં બાંધીને ઝડતી લેવામાં આવતી હતી જે આજે પણ વિરમગામ લાઈનદોરી તરીકે ઓળખાય છે.

બીજું રિયાસતોમાં રાજપરિવારોમાં અને ભાયાતોમાં એટલી ખટપટ રહેતી કાઠિયાવાડી ખટપટ આઝાદી પહેલાનાં કાઠિયાવાડની ઓળખનો અનિવાર્ય હિસ્સો હતી. લાઠીના રાજવી કવિ કલાપીએ આ ખટપટથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આ કાઠિયાવાડી ખટપટ સમાજશાસ્ત્રીઓ માટે અધ્યયનનો વિષય બની શકે એમ છે. અને કાઠિયાવાડની ત્રીજી ઓળખ એટલે અતિશયોક્તિ. રાજવીઓને અંગ્રેજો અપમાનિત કરતા હતા. તેઓ ખટપટરત અને ખટપટગ્રસ્ત અસલામત રહેતા હતા. ભાયાતો અંકુશમાં રહેતા નહોતા અને કાયદો હાથમાં લેતા હતા. દરબારગઢના ખર્ચા પણ નીકળતા નહોતા એટલે સુચારુ શાસન કરી શકતા નહોતા. આમ છતાં અંગ્રેજો તેમને ‘હીઝ હાઈનેસ’ તરીકે ઓળખાવીને અને દરેક રાજવીને તેના રજવાડાના કદ મુજબ તોપની સલામી આપીને તેમના મિથ્યાભિમાનને પોષતા હતા. 

જેમની પાસે હકથી ગર્વ કરવા જેવું કાંઈ જ નહોતું તેઓ બારોટો પાસે પ્રશસ્તિ કરાવતા હતા એટલે દેખીતી રીતે એમાં અતિશયોક્તિ અને કેટલીકવાર તો સાવ અસત્યનો આશરો લેવામાં આવતો હતો. આને કારણે અતિશયતા અને અતિશયોક્તિ કાઠિયાવાડનો સ્થાયીભાવ બની ગયો છે. બીજાની ક્યાં વાત કરીએ, શુદ્ધ ગાંધીવાદી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના બહારવટિયાઓની પ્રશસ્તિ કરવામાં અતિશયોક્તિ કરી છે.

ટૂંકમાં કહીએ તો અંગ્રેજો કાઠિયાવાડી અરાજકતાનો ઉપયોગ બ્રિટિશ ભારતના અરાજક તત્ત્વોની નિકાસ કરવા માટે કરતા હતા. કાઠિયાવાડી ખટપટ રાજવીઓના અસ્તિત્વના સંઘર્ષનું પરિણામ હતું અને કાઠિયાવાડી અતિશયોક્તિ રાજવીઓની નિર્બળતાને છૂપાવવાની ચેષ્ટાનું પરિણામ હતું.

તો આવું કાઠિયાવાડ જ્યારે તેની સોળે કળાએ અસ્તિત્વમાં હતું ત્યારે ગાંધીજીનો કાઠિયાવાડમાં જન્મ થયો હતો અને મોહનને મહાત્મા બનાવવામાં તેનો એક ફાળો છે. 

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જુલાઈ 2020

Loading

...102030...2,3662,3672,3682,369...2,3802,3902,400...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved