Opinion Magazine
Number of visits: 9965823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનિવર્સિટીઓનાં પીએચ.ડી.નાં કારખાનાં બંધ થવાં જોઈએ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 September 2020

વીર નર્મદ યુનિવર્સિટીમાં એવો નિયમ છે કે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ આપવા. એટલે કે વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તેના માર્ક્સ કપાય. આ નિયમ રાજ્યની બીજી યુનિવર્સિટીઓમાં નથી. તેમાં ખોટો જવાબ હોય તો માર્ક્સ કપાતા નથી. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં માર્ક કપાય ને એ જ રાજ્યની બીજી યુનિવર્સિટીમાં ન કપાય એ યોગ્ય છે? એક જ રાજ્યની બધી યુનિવર્સિટીમાં આવી અતંત્રતા વહેલી તકે દૂર થવી જોઈએ. કમસે કમ પીએચ.ડી. લેવલે બધી યુનિવર્સિટીઓમાં એકવાક્યતા હોય એટલી સાદી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ ન કરી શકે? બીજી વિચિત્રતા વીર નર્મદ યુનિવર્સિટીમાં એ પણ છે કે પીએચ.ડી. એન્ટ્રન્સ એકઝામમાં પરીક્ષાનાં પેપર્સ યુનિવર્સિટી પરત લઈ લે છે. બધી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપી દેવાતાં હોય તો વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપી દેવાનો શો વાંધો છે એ સમજાતું નથી. કેટલાક અધ્યાપકોને આ અંગે પૂછતાં એ જાણવા મળ્યું કે આ અંગે વિદ્યાર્થી યુનિયનો અને યુનિવર્સિટી અંગે વાટાઘાટો ચાલે છે ને એનો સુખદ ઉકેલ આવે એમ લાગે છે.

એક તો આ એન્ટ્રન્સ એક્ઝામ પોતે જ એક તૂત છે. ઘણા નવા પ્રવેશ માટે પરીક્ષાઓ કમાણીનું એક સાધન બની રહી છે. આજકાલ તો શિક્ષણ કરતાં પરીક્ષાઓ જ વધુ મહત્ત્વની થઈ પડી છે. જે આવે તે પરીક્ષા જ લીધે રાખે છે. કોરોના ગાળાની વાત કરીએ તો માર્ચ મહિનાથી ભણાવવાનું બંધ છે ને બીજી તરફ પરીક્ષા લેવાનું વધતું જ આવે છે. થોડા વખતથી ઓનલાઈનનું તૂત દાખલ થયું છે ને શિક્ષણ ને પરીક્ષણનું કામ એના પર ચાલે છે. એમાં જેની પાસે મોબાઈલ કે નેટની વ્યવસ્થા નથી તેની ચિંતા હવે શિક્ષણ વિભાગનો વિષય રહ્યો નથી. ગમે તેટલી ટેકનિકો વિકસે તો પણ હાલના સંજોગોમાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ શક્ય જ નથી ત્યારે સરકારે ઓફ લાઈન શિક્ષણ ચાલુ કરી દેવું જોઈએ. જ્યાં કોરોનાનો ફેલાવો નથી ત્યાં શહેરનાં ઓનલાઈન શિક્ષણ સાથે તાલ મિલાવી શકે એટલે પણ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ શરૂ થાય તે જોવાવું જોઈએ.

રહી વાત પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની, તો એ એક તૂતથી વધારે નથી. કોઈ વિદ્યાર્થી માસ્ટર્સ ડિગ્રી મેળવી ચૂક્યો હોય ને કોલેજની વિવિધ પરીક્ષાઓ છએક વર્ષ આપી હોય, તેણે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા આપવી પડે એ વાત જ વિચિત્ર છે. એક સમયે વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરતો પછી તેને સંશોધનમાં રસ હોય તો તે પીએચ.ડી. માટે યુનિવર્સિટીમાં જે તે વિષય સાથે રજિસ્ટ્રેશન કરાવતો ને થોડાં વર્ષોમાં તેને ડિગ્રી મળતી કે ક્યારેક નયે મળતી. તે અધ્યાપક હોય તો તેની કીર્તિમાં વધારો થતો ને ડિગ્રી ન મળતી તો પણ તેનું અધ્યાપન તો ચાલુ જ રહેતું. તે પીએચ.ડી. ન થતો તો તે નબળો અધ્યાપક છે એવું ન મનાતું. આજે નેટ, સેટ, એન્ટ્રન્સ એક્ઝામ વગેરે પછી વિદ્યાર્થી પીએચ.ડી. થાય તો તે ઉત્તમ અધ્યાપક જ બને એવું નથી.

આદર્શ વ્યવસ્થા તો એ હોય કે એક જ રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીનો પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચ.ડી. કોઈ પણ યુનિવર્સિટીમાંથી, કોઈ પણ વધારાની પરીક્ષા વગર જ થઈ શકે, પણ કમનસીબે એવું નથી. વડાપ્રધાન કહે છે કે નવી શિક્ષણ નીતિમાં પરીક્ષાનું ભારણ નહીં હોય. એવું હોય તો એ સારી વાત છે, પણ અત્યારે તો પરીક્ષાઓ તમામ વિદ્યાર્થીઓનું લોહી પી રહી છે તે હકીકત છે.

પ્રવેશ પરીક્ષાઓ એમ સૂચવે છે કે યુનિવર્સિટીને પોતે આપેલાં પરિણામોમાં જ ભરોસો નથી. એવું ન હોય તો પ્રવેશ પરીક્ષા લેવાની જરૂર જ કેમ પડે? જ્યાં સુધી પીએચ.ડી.ને લાગે વળગે છે ત્યાં સુધી તે સંશોધનનો મુદ્દો છે. તેને માટે અગાઉ રૂઢ થયેલી પરીક્ષાઓ બહુ ઉપયોગી ન નીવડે એમ બનવાનું. એવું પણ બને કે લેવાતી પરીક્ષાઓ જોડે સંશોધનનો વિષય કોઈ મેળ જ ન ધરાવતો હોય, ત્યાં પેલી પરીક્ષાઓ નિરર્થક વ્યાયામથી વિશેષ શું સિદ્ધ થાય તે વિચારવાનું રહે.

એકાએક પીએચ.ડી.નો રાફડો કેમ ફાટ્યો છે તે પણ વિચારવા જેવું છે. બધાંને સંશોધનમાં રસ પડ્યો છે એટલે પીએચ.ડી. કરવા માંગે છે એવું નથી. અત્યારે પીએચ.ડી. થવા બધાં નીકળી પડ્યાં છે તેનાં મૂળમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.) છે. યુ.જી.સી.એ નક્કી કર્યું કે જેણે અધ્યાપક થવું હોય તેને માટે પીએચ.ડી. ફરજિયાત છે. એટલે અધ્યાપક થવા ઇચ્છુકો પીએચ.ડી. કરવા લાચાર છે. યુ.જી.સી.એ અધ્યાપકો માટે નેટ, સેટ પરીક્ષાઓ પણ ફરજિયાત કરી. એ પાસ ન કરવાને કારણે વીર નર્મદ યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોને છૂટા કરવાની વાત પણ આવી. તે ઓછું હોય તેમ પીએચ.ડી.થવાનું પણ  ફરજિયાત ! ટૂંકમાં, અધ્યાપક થવું હોય તો લગભગ અડધી જિંદગી પરીક્ષામાં જ વીતે. એ બધું થયા પછી પણ શિક્ષણનું સ્તર તો કથળતું જ જાય છે, તો, એ તો વિચારવું પડશેને કે આ પરીક્ષાઓનો કે ડિગ્રીનો કોઈ અર્થ છે કે કેમ?

એક સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન અધ્યાપક થવાની ઓછામાં ઓછી લાયકાત ગણાતી હતી. એમાં જો કોઈ પીએચ.ડી. મળી આવે તો તે વિશેષ લાયકાત બનતી, પણ એ ફરજિયાત ન હતી. હવે પીએચ.ડી. હોવું  ફરજિયાત છે. એથી થયું છે એવું કે બધાં જ પીએચ.ડી. કરવા મંડી પડ્યા છે. એને કારણે જે સંશોધનો થયાં છે તેમાં નાવીન્ય ઓછું ને યાંત્રિકતા વધુ છે. આ સંશોધનોનું સ્તર, કેટલાક અપવાદોને બાદ કરતાં નિમ્નતમ કક્ષાએ પહોંચ્યું છે. એટલા બધા થિસિસ બહાર પડે છે કે એની ગુણવત્તા સંદર્ભે પ્રશ્નો થાય. આટલી બધી પરીક્ષાઓ પછી પણ જો સંશોધનની આ દશા હોય તો એ  વિચારવાનું રહે કે પીએચ.ડી.નો આટલો ફુગાવો જરૂરી ખરો?

પૈસા લઈને પીએચ.ડી.નો થિસિસ લખી આપનારા હાથવગા છે. થિસિસ એટલે ઉતારાઓ – એ નવી વ્યાખ્યા પણ હાથવગી છે. પીએચ.ડી. કરાવનાર ગાઈડો વિદ્યાર્થિનીનું શોષણ કરે છે એવી વાતોની પણ નવાઈ નથી. વારુ, અધ્યાપકની પસંદગી વખતે ઈન્ટરવ્યૂમાં જે ગેરરીતિઓ અપનાવાય છે ત્યાં તો આ બધી પરીક્ષાઓ ને થિસિસ ને બધું જ એકદમ ગૌણ થઈ જાય છે ને ભળતું જ પરિણામ સામે આવે છે. આમાં ડિગ્રી તો કેવળ ઔપચારિકતા જ બની રહે છે.

એટલું સ્પષ્ટ છે કે એન્ટ્રન્સ એક્ઝામ, નેટ, સેટ, પીએચ.ડી. વગેરે અધ્યાપન માટે ફરજિયાત થયાં તેણે સંશોધનનું કોઈ મહત્ત્વ રહેવાં ન દીધું. થિસિસના ઢગલા થયા જે કોઈ લાઇબ્રેરીનું કબાટ ભરવા જેટલા પણ ઉપયોગી ન રહ્યા. આવું હોય તો એ વિચારવું ઘટે કે આ આખા વ્યાયામનો કોઈ મતલબ ખરો?

વધારે સાચું તો એ છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં ‘કમિશન’ જ વધુ સૂચક છે એટલે એ કમિશન જ જવું જોઈએ. યુ.જી.સી. એક્ટ ૧૯૫૬નું સ્થાન ભારત ઉચ્ચ શિક્ષા આયોગ અધિનિયમ, ૨૦૧૮ લે એમ બને. ધારો કે એ ન જ જાય તો અધ્યાપક માટે નેટ, સેટ, પીએચ.ડી.નું ફરજિયાતપણું કાયમી ધોરણે જવું જોઈએ. એ બધાનું વિશેષ લાયકાત લેખે ભલે મૂલ્ય હોય કે એના વધારાના માર્ક્સ પણ ભલે નક્કી થાય, પણ અધ્યાપક થવા માટે એ ફરજિયાત ન જ હોય.

એક સમયે પીએચ.ડી. ફરજિયાત ન હતું. એ સમયે જે સંશોધનો થતાં ને જે થિસિસ બહાર પડતા તે ગુણવત્તા યુક્ત પણ રહેતા. એ સ્થિતિ આટલી પરીક્ષાઓ અને ફરજિયાતપણું દાખલ થયું હોવા છતાં આજે નથી. આજે પણ સારા અધ્યાપકો ને વિદ્યાર્થીઓ છે જ, પણ શિક્ષણની ટકાવારી ને સજ્જતા વધી હોવા છતાં તેનું પ્રમાણ બહુ જ ઓછું છે. આજે વિદ્યાર્થીઓ વધુ હોવા છતાં વિદ્વત્તા ઓછી છે. એક પ્રોફેસર પીએચ.ડી.ના ૮-૮ વિદ્યાર્થીનો ગાઈડ હોય ને તેણે કોલેજ કે યુનિવર્સિટીમાં બીજી ફરજો પણ બજાવવાની હોય તો તેણે કરાવેલાં સંશોધનનું કેવુંક ધોરણ હોય તે સમજવાનું અઘરું નથી. યુનિવર્સિટી જો મોટાં પ્રમાણમાં પીએચ.ડી.નું કારખાનું ચલાવવા પર બ્રેક મારે તો જ સંશોધનની ગુણવત્તા સુધરે. જો અધ્યાપક થવા પીએચ.ડી.ની ડિગ્રી ફરજિયાત ન હોય કે નેટ,સેટની પરીક્ષાઓ માથે ન મરાય તો યુનિવર્સિટી ઘણા બોજમાંથી મુક્ત થઈ શકે, પણ તેમ કરે તો આ બધાંમાંથી થતી કમાણી તેણે જતી કરવી પડે. સંશોધન ને તેની ડિગ્રી અધ્યાપન માટે સ્વૈચ્છિક બનશે તો રસ લેનારાઓ ફરજના ભાગ રૂપે નહીં, પણ રસને કારણે જે તે વિષયમાં પ્રવૃત્ત થશે. એ જે સંશોધનો બહાર પડશે તે આજનાં જેટલાં છીછરાં ને ઉતારાઓ નહીં જ હોય એટલું નક્કી છે.

બીજું કંઈ નહીં તો જેટલું બને એટલું પરીક્ષાઓનું ભારણ ઘટે એ દિશામાં યુ.જી.સી.એ અને શિક્ષણ વિભાગે સક્રિય થવાની જરૂર છે. આપણે શિક્ષણનું મૂલ્ય ઉપજાવવામાં પડ્યાં છીએ ને જરૂર મૂલ્યનું શિક્ષણ આપવાની વિશેષ છે એવું નથી લાગતું?

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 સપ્ટેમ્બર 2020

Loading

અક્ષર બિરાદરી જોગ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનું મારું ભાવાત્મક સંધાન સંભારું છું ત્યારે માનસપટ પર ઊભરતી પહેલી છબી ૧૯૫૫માં ગોવર્ધનરામના શતાબ્દીવર્ષે નડિયાદમાં મળેલી પરિષદના અહેવાલોએ ઝિલાયેલી છે. કાલિદાસની સર્ગશક્તિ હોય મારી કને તો સિંહના દાંત ગણવા કરતા શિશુ ભરત શું નાટ્યચિત્ર આલેખું, પણ હમણાં તો એટલું જ કહું કે કનૈયાલાલ મુનશીની એકચક્રી પકડ સામે સંસ્થામાં લોકશાહી ખુલ્લાશ વાસ્તે પડકાર – મુદ્રામાં ઉમાશંકર જાણે કે અવિધિસરના મેન ઑફ ધ મૅચ રૂપે સૌ સમક્ષ આવ્યા હતા.

અલબત્ત, પરિષદ સાથેનું પહેલું પ્રત્યક્ષ સંધાન તો તે પછી નવા બંધારણને ધોરણે અમદાવાદમાં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં મળેલા યશસ્વી અધિવેશન વેળાનું. તે પછી નાનાવિધ સત્ર ને સભામાં સામેલ થવાનું કદાપિ છૂટ્યું નથી – ને છેલ્લા ત્રણ દાયકાથી તો મધ્યસ્થ સમિતિ, કારોબારી, પ્રકાશનમંત્રી, મહામંત્રી (વહીવટી મંત્રી), ઉપપ્રમુખ સહિતને હોદ્દે જવાબદારી સંભાળવાનું બન્યું છે, તો વિભાગીય અધ્યક્ષ તરીકે નિર્વહણ કરવાનું પણ બન્યું છે. ઉશનસ્‌, જયન્ત પાઠક, રઘુવીર ચૌધરી, બકુલ ત્રિપાઠી, નિરંજન ભગત, ધીરુબહેન પટેલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર આદિ પ્રમુખોના કાળમાં યથાસંભવ સહભાગી થવાનું સહજ ક્રમે થતું રહ્યું છે. આમાં જે સીમાચિહ્નો બની આવ્યાં તેમાં જો હું યશભાગી હોઉં તો સહિયારી જવાબદારીને ધોરણે મારે હિસ્સે મર્યાદાઓ પણ બેલાશક હોય જ. છેલ્લાં દસપંદર વરસમાંથી નમૂના દાખલ બે ઉલ્લેખો કરું તો નારાયણ દેસાઈના પરિષદપ્રવેશમાં અને સ્વાયત્તતાને મુદ્દે સ્ટૅન્ડ બાબતે મેં કંઈક ઠીક ભૂમિકા ભજવી છે.

રણજિતરામનું અસ્મિતાસ્વપ્ન, નટરાજની પેઠે અંગાંગ ઉત્સ્ફૂર્ત ચૈતન્યે પલટાતા સમયમાં ઉત્તરોત્તર શોધનવર્ધનપૂર્વક ચરિતાર્થ થતું રહે એ માટે કોઈ પણ સહૃદય અક્ષરકર્મીને સહજ એમ મારી રીતેભાતે મથતો રહ્યો છું. આજની તારીખે ગુજરાતના અક્ષરજીવન અને જાહેરજીવનના સાર્થક પારસ્પર્યની સંગમભૂમિએ ઊભી જે સમજવાનું છે તે એ કે સાહિત્ય પરિષદ કોઈ હી ઑલ્સો રેન જેવી ઇત્યાદિ પ્રકારની સંસ્થા નથી, પણ નીરક્ષરવિવેકપૂર્વક નરવાનક્કુર અવાજ અને નીરમ ને નેજાશી એની કાર્યભૂમિકા છે.

પરિષદનું આ પ્રજાસૂય, રિપીટ, પ્રજાસૂય દાયિત્વ, આંતરબાહ્ય સ્વાયત્તતા અને શુચિતાની આ જે જદ્દોજહદ, એમાં કંઈક અગ્રભાગી-કંઈક સહભાગી થવાની આ દાયકાઓમાં મારી કોશિશ રહી છે અને એના અનુસંધાનમાં મારી ઉમેદવારી છે, એમ હું સમજું છું.

૧૯૬૮-૬૯માં ‘વિશ્વમાનવ’ની સંપાદકીય જવાબદારી સ્વીકારી, ૧૯૭૧માં ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’ સાથે સંકળાયો તે પછી વિધિવત્‌ અધ્યાપન સહજ ક્રમે છૂટતું ગયું અને જાહેરજીવનલક્ષી લોકશિક્ષણને અગ્રતા મળતી ગઈ. કટોકટીના કારાવાસ પછી બહાર આવી સહજક્રમે એના જ અગ્રસંધાન રૂપે ‘જનસત્તા-લોકસત્તા’ અખબારોમાં વરિષ્ઠ તંત્રી તરેહની ભૂમિકા સંભાળવાનું બન્યું, તો ‘દિવ્ય ભાસ્કર’ના આરંભકાળે સંપાદકીય સલાહકાર પણ રહ્યો. ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારમાં નિમિત્ત બન્યો તો એપ્રિલ ૧૯૯૨થી ‘નિરીક્ષક’નું દાયિત્વ પણ (હવે તો રજતવર્ષો વટીને) સંભાળું છું.

સંપાદકીય કામગીરી દરમિયાન લખવાનું અને ગ્રંથસ્થ કરવાનું પરસ્પર વ્યસ્ત સંબંધમાં રહ્યું છે. પાંત્રીસેક વરસ પર દિલીપ ચંદુલાલ, ડંકેશ ઓઝા અને ચંદુ મહેરિયાએ ત્યાં સુધી લખાયેલા લેખોમાંથી સ્થાયી મૂલ્યવત્તા ધરાવતા ‘વ્યક્તિ અને વિચાર’ તરીકેના ત્રણેક ગ્રંથોની સામગ્રી તારવી આપી હતી. હમણાં પાંચ-સાત વરસ પર ઉર્વીર્શી કોઠારી ને ચંદુ મહેરિયાએ તે પછીના વિપુલ લેખરાશિમાં સહેજે ત્રણ ગ્રંથો જેટલી પસંદગીલાયક સામગ્રી જોઈ હતી. દસ વરસમાં જે કેટલીક વ્યાખ્યાનમાળાઓ થઈ, જેમ કે ‘ટૉલ્સ્ટોયથી ગાંધી’, ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ-એક માનવી જ કાં ગુલામ’, ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’, ‘સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં’, ‘ભારતવર્ષની સ્વરાજસાધના’, એ પ્રત્યેક સ્વતંત્ર પુસ્તક પેઠે સામગ્રીસમ્પન્ન છે. આ એક નાનીશી તપસીલ.

તેમ છતાં, આજની તારીખે મારું કથયિત્વ બલકે પ્રતિપાદન એ છે કે પ્રજાકીય સંસ્થારૂપે પરિષદની એક ચોક્કસ કાર્યભૂમિકા છે અને એને અંગે ન તો મેદાન છોડી શકાય, ન તો હાથ ઊંચા કરી દઈ શકાય. અને વાતનો બંધ વાળું તે પૂર્વે રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’ના વાર્તિક રૂપે ઉમાશંકરનું એ ટિપ્પણ સંભારું કે શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે … ગોવર્ધનરામના સાક્ષરજીવનની નવ્ય આવૃત્તિ જાણે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09

Loading

મતદારો જોગ

હરિકૃષ્ણ પાઠક|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ઉમેદવારી સંદર્ભે મારે જે કહેવું, અનિવાર્ય ગણાય તે ટૂંકમાં કહું છું.

પરિષદના દ્વારકા ખાતેના જ્ઞાનસત્રમાં ૧૯૬૬માં ભાગ લીધો, ત્યારથી પરિષદ સાથે સતત સંકળાયેલો રહ્યો છું અને ૧૯૯૪થી ૨૦૧૭ સુધી સુધી કારોબારીમાં સક્રિય રહ્યા સાથે અનુક્રમે પ્રસારમંત્રી, વહીવટીમંત્રી અને ઉપપ્રમુખ તરીકે યોગદાન કર્યું છે પૂરી સક્રિયતા સાથે, જેથી કેટલુંક કામ જે કરવા જેવું હતું તે થયું. પરિષદના પ્રમુખપદ માટે મારું નામ સૂચવાયું તે તબક્કે એક આપદ્‌ ધર્મ તરીકે મેં સંમતિ આપી છે.

જે મિત્રોએ સામે ચાલીને મને સહકારનું વચન આપ્યું છે અને જેઓએ મારી સાથે જ હોવાનો અહેસાસ અને વિશ્વાસ કરાવ્યો છે, તે સહુનો હું આભારી છું. મિત્રો પોતાની રીતે સહકાર આપી શકે, પરંતુ ઉમેદવાર હું છું તેથી મતદાતાઓને અપીલ પણ મારે જ કરવી ઘટે તેવી સમજ અને વિવેકથી મને મત આપવા આપને અપીલ કરું છું. પરિષદે આજ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીને પુનઃ પૂર્વવત્‌ સ્વાયત્ત બનાવવા જે ઉપક્રમ રચ્યો છે, તે બરકરાર રહે અને સંવાદથી આગળ વધે, તે માટે પ્રયત્નો થશે ને થતા રહેશે. શબ્દસેવીઓનો ઉત્તમ સહકાર મળતો રહેશે તેવો વિશ્વાસ છે. અલબત્ત, આ કારણે પરિષદે કરવાં ઘટે તેવાં કામોમાં ઓટ કે મંદતા ન આવે તે પણ જોવું રહ્યું. વળી, સ્વાયત્તતાનો પ્રશ્ન માત્ર પરિષદનો જ નથી, સમગ્ર સાહિત્યજગતનો છે, એને રાજકીય રૂપે જોવાનુંયે ઇષ્ટ નથી.

પરિષદ લોકશાહી ઢબે પ્રવર્તી રહેલી, શતાધિક વર્ષોની ઊજળી પરંપરા ધરાવતી પ્રજાકીય સંસ્થા છે. તેનાં ગૌરવ અને ગરિમા જળવાઈ રહે તે માટે, તેને આત્મનિર્ભર બનાવવા જરૂર પડે, તો લોકમોજાર જવાનું હું પસંદ કરું. આ સંસ્થાના પાયામાં આપણા જે આદરણીય મહાનુભાવો, સર્જકો, સમાજનિષ્ઠો અને પ્રજાપુરુષોનું તપ પડ્યું છે, તેનું પુણ્ય હજી તપે છે.

જે પ્રશ્ન છે તે પરિષદે જ કરવી પડે તેવી પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાઈ રહે તે માટે ચુસ્ત-દુરસ્ત, પારદર્શી સહયોગધર્મી અને કરકસરભર્યા વહીવટનો છે. આ જવાબદારી સ્વીકારવા હું રાજી થયો છું તેના પાયામાં સચિવાલયમાં નાયબસચિવ સુધીના પદની કામગીરીના અનુભવની મૂડી પડેલી છે અને તેનો લાભ પરિષદને અગાઉ પણ મળ્યો છે.

સ્વસ્થ લોકશાહીમાં ગુપ્ત-મુક્ત મતદાન એ મતદાતાનો આગવો અધિકાર છે અને તેનો સ્વવિકાનુસાર ઉપયોગ થઈ શકે છે, થવો જોઈએ. સર્વ મતદારોના વિવેકમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મારે કહેવાનું તો એટલું જ છે કે – Now or Never – આજે અથવા ક્યારે ય નહીં.

તા.ક. મારો પરિચય ડીસાના અખબાર ‘રખેવાળ’માંથી થોડા સંક્ષેપરૂપે આ સાથે સાભાર ઉદ્ધૃત કરુ છું.

°°°°°°°°°

સર્જક-પરિચય / શિલ્પી બુરેઠા

‘અખંડ આનંદ’ના વિભાગ કાવ્યકુંજમાં પોતાની રચનાઓ મોકલતા, સાહિત્યસર્જકોને રચના ના સ્વીકાર કે અસ્વીકારની જાણ તરત અને સરસ રીતે કરતા રહ્યા છે, એવા સંપાદક તરીકેનો અનુભવ તો કવિઓને થયો જ હશે.

હરિકૃષ્ણ પાઠકનો જન્મ તા. ૫/૮/૧૯૩૮ના રોજ થયો હતો. ૧૯૬૩થી ગુજરાત સરકારના સચિવાલયમાં જોડાયા. ૧૯૯૬માં સરકારી સેવામાંથી નાયબસચિવ(કૅબિનેટ)ના પદ પરથી નિવૃત્ત થયા. હાલ તેઓ ગાંધીનગરમાં જ રહીને અનેક રીતે પ્રવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જો કે તેઓ સરકારી સેવામાં હતા, ત્યારે પણ નવોદિતો માટે શિબિરોનું સંચાલન કરીને સતત પ્રવૃત્તિશીલ રહેતા. ‘ગાંધીનગર સાહિત્યસભા’ના સ્થાપક પ્રમુખ અને ‘બુધ કવિતાસભા’ દ્વારા સતત કાર્યરત રહ્યા. તો, આ સિવાય ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સાથે સંકળાયેલા રહ્યા. કવિતા ઉપરાંત સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં લેખન, સર્જન કર્યું. લેખકનાં પુસ્તકો નીચે મુજબ છે.

સર્જન-વિવેચન : (૧) સૂરજ કદાચ ઊગે (કાવ્યસંગ્રહ) ૧૯૭૪, (૨) ગુલાબી આરસની લગ્ગી (કિશોરકથા) ૧૯૭૯, (૩) કોઈનું કંઈ ખોવાય છે (બાળકાવ્યો) ૧૯૮૧, (૪) અડવાપચ્ચીસી (કટાક્ષકાવ્યો) ૧૯૮૪, (૫) મોરબંગલો (વાર્તાસંગ્રહ) ૧૯૮૮ (૬) દોસ્તારીની વાતો (બાળકો સાથે ગોષ્ઠિ) ૧૯૯૩, (૭) ગલીને નાકેથી (વિવેચન) ૧૯૯૩, (૮) જળના પડઘા (કાવ્યસંગ્રહ) ૧૯૯૫, (૯) હલ્લો-ફલ્લો (બાળકાવ્યો) ૨૦૦૪, (૧૦) રાઈનાં ફૂલ (હાસ્યકટાક્ષ પ્રતિભાવનાં કાવ્યો, ૨૦૦૫, (૧૧) હળવી હવાની પાંખે (પ્રવાસકથા) ૨૦૦૫, (૧૨) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ, ગાફિલ’ (પરિચયરેખા) (૧૩) નટુભાઈને તો જલસા છે (વાર્તાસંગ્રહ) ૨૦૦૮, (૧૪) અંગત અને સંગત (નિબંધસંગ્રહ) ૨૦૦૯, (૧૫) ઘટનામાટે (કાવ્યસંગ્રહ) ૨૦૦૯, (૧૬) સાક્ષર બોતેરી (કડીબદ્ધ લઘુચરિત્રકાવ્યો) ૨૦૧૧, (૧૭) સ્વૈરકથા (હાસ્યકથા) ૨૦૧૮, (૧૮) જળમાં લખવાં નામ (સમગ્ર કવિતા) ૨૦૧૧.

સંપાદન : (૧) નગર વસે છે (ગાંધીનગરના કવિઓનાં કાવ્યોનો સંગ્રહ) ૧૯૭૮, (૨) કવિતાચયન (૧૯૯૪નાં કાવ્યો) ૧૯૯૬, (૩) ગૂર્જર અદ્યતન નવલિકા (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૪) ગૂર્જર નવલિકાસંચય (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૫) કલાપીનાં કાવ્યો – આપની યાદી ૧૯૯૯, (૬) સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય ચંદ્રકાન્ત શેઠ સાથે, ૨૦૦૨, (૭) મુકુન્દરાય પારાશર્ય સ્મૃતિગ્રંથશ્રેણી (સંપાદન : કનુભાઈ જાની તથા દિલાવરસિંહ જાડેજા સાથે) ૧. સ્મૃતિદર્શન (૨૦૧૦), ૨. છીપે પાક્યાં મોતી (૨૦૧૦), ૩. પારાશર્યનું ભાવવિશ્વ (૨૦૧૦), (૮) બાલમુકુન્દ દવેનું સમગ્ર સાહિત્ય, ૧. બૃહદ્દ પરિક્રમા – (સમગ્ર કવિતા) ૨૦૧૦, (૨) અલ્લક-દલ્લક (સમગ્ર બાલગીતો-કાવ્યો) ૨૦૧૧, (૩) પ્યાસ અને પરબ (કાવ્ય-આસ્વાદ તથા સાહિત્યિક લેખો) ૨૦૧૧, (૪) ઘટઘટમાં ગંગા (પ્રૌઢ નવશિક્ષિતો માટેના ચરિત્રાત્મક આલેખો) ૨૦૧૧.

ઍવૉડ્‌ર્સ/પારિતોષિક : (૧) ‘કુમારચન્દ્રક’ (૧૯૬૭ના વર્ષનાં કાવ્યો માટે, (૨) ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રસ્તુત પાંચ પુસ્તકો (૧) સૂરજ કદાચ ઊગે, (૨) ગુલાબી આરસની લગ્ગી, (૩) કોઈનું કંઈ ખોવાય છે, (૪) દોસ્તારીની વાતો, (૫) ગલીના નાકેથી, (૩) નર્મદચન્દ્રક – શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ, જળના પડઘા માટે (૧૯૯૩થી ૧૯૯૭ના સમયનો), (૪) જયંત પાઠક કવિતા-પુરસ્કાર (‘જળના પડઘા’ માટે) ૧૯૯૫, (૫) ધનજી કાનજી ગાંધી સુવર્ણચન્દ્રક – (ગુજરાતી સાહિત્યસભા તરફથી) ૨૦૧૦. (૬) ક્રિટિક્સ ઍવૉર્ડ (છાંદસ કાવ્ય ‘ટાપુ’ માટે) ૧૯૮૪, (૭) ચન્દ્રશેખર ઠક્કર પારિતોષિક (‘વડ, લીમડા ને આમલી’-૧૯૭૨), અને ‘મારે તો’ – ૧૯૭૭ માટે, (૮) કવિશ્રી દલપતરામ ઍવૉર્ડ (વર્ધમાન વિકાસ ટ્રસ્ટ, વઢવાણ દ્વારા) ૨૦૧૧, (૯) નરસિંહ મહેતા ઍવૉર્ડ (સીતારામટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા) ૨૦૧૩.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 08-09

Loading

...102030...2,2922,2932,2942,295...2,3002,3102,320...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved