Opinion Magazine
Number of visits: 9965894
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિયા અને કંગના એ જ સિનેમા ઉદ્યોગથી જખ્મી થઇ, જે તેમની રખેવાળ હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2020

એક જેલમાં છે અને એકનું ઘર-ઓફિસ કાટમાળ બની ગયું છે. એક ચોર-ઉચ્ચકી સ્ત્રીઓ વચ્ચે કોટડીમાં છે, અને એક બીજી પોલીસ અને કમાન્ડોથી ઘેરાયેલી છે. એકની હત્યા અને હવાલાના મામલે પૂછતાછ બાકી છે, અને બીજી સામે અધ્યયન સુમન સાથે ડ્રગ્સની આપલેની વાતો બદલ પોલીસ તપાસ માથા છે. રિયા ચક્રવર્તી અને કંગના રનૌત જિંદગીના જે પડાવ પર અત્યારે છે, તેનો તેમને અંદાજ નહીં હોય. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેમને એ પણ કલ્પના નહીં હોય કે તે જ્યારે તેમની જિંદગીનો આ પડાવ છોડીને આગળ વધી જશે, ત્યારે ક્યાં અને કેવી સ્થિતિમાં હશે. ભવિષ્યમાં એ જ્યાં હશે, તે આજના કરતાં સારું હશે કે બદતર?

૯મી સપ્ટેમ્બરે કંગના જ્યારે મુંબઈ આવી, ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઇ હતી, જે બે વિરોધાભાસી જિંદગીનું પ્રતિક હતી; એક તસવીરમાં નશાબંધી વિભાગ સમક્ષ બયાન આપવા માટે ઉપસ્થિત થઇ ત્યારે મીડિયાકર્મીઓનાં ટોળાં વચ્ચે ઘેરાઈ ગયેલી રિયા ચક્રવર્તી હતી, તો બીજી તસવીરમાં છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ બહાર સી.આર.પી.એફ.ના જવાનોની ઘેરાબંધી વચ્ચે બહાર નીકળતી કંગના રનૌતની હતી.

બે યુવાન અને આશાસ્પદ સ્ત્રીઓની પ્રવર્તમાન પરિસ્થિતિનો આ વિરોધાભાસ દેશના લોકોની નજરમાંથી ચુકાયો ન હતો. બંને એ જ સિનેમા ઉદ્યોગથી જખ્મી થઇ હતી, જે ક્યારેક તેમનો રખેવાળ હતો. બંને મધ્યમ વર્ગની તેજસ્વી છોકરીઓ હતી, જેમને નામ અને દામની ભૂખ હતી. બંનેની આસપાસ એવા લોકો હતા, જેમને ખરાબ તો નહીં, પણ અનુચિત તો કહી શકાય. સિનેમાની દુનિયાની ઝગમગાટમાં તેમને સંબંધોની નકલી ચમક ના દેખાઈ. એક આજીવન કલંક લઈને જેલમાં છે અને બીજી બોલીવુડનાં કલંક ધોવા માટે મેદાને પડી છે. એકની જિંદગી 'બિહારના સપૂત'ના અપમૃત્યુથી અત્યારે નરકમાં છે, બીજી શાસનના સમર્થનથી તેના જીવનમાં સ્વર્ગ બનાવવાની આશા રાખે છે.

એક આશાસ્પદ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અકાળ અવસાન બે સ્ત્રીઓ માટે અણધાર્યા પરિવર્તનનું કારણ બન્યું છે, જેની પાછળ દેશની ક્રૂર રાજનીતિ, મીડિયાની ટી.આર.પી. ભૂખ અને સમાજની પછાત માનસિકતાનો બિહામણો પડછાયો છે.

મીડિયામાં અને આમ જનતામાં એક વર્ગ છે, જે બંને યુવતીઓને 'બહાદુર' ગણે છે, જેનાં કારણો ગેરવ્યાજબી હોઈ શકે. રિયા અપરાધી હોય, તો તેને સજા થવી જ જોઈએ, પણ મીડિયાએ તો તેને પહેલેથી જ અપરાધી જાહેર કરીને જે બદ્દસલુકાઈ કરી છે, તે કોઈ પણ સભ્ય પરિવારમાં સ્વીકાર્ય નહીં હોય. ટી.વી. મીડિયાની અનુચિત ટ્રાયલ અને સોશ્યલ મીડિયાના અણછાજ્યા આરોપો વચ્ચે રિયાએ તપાસકર્તા એજન્સીઓને જે શાલીનતાથી સહકાર આપ્યો છે, તે સાહસ માગી લે છે.

કંગના પૈદાઈશી બળવાખોર છે. રૂઢિચુસ્ત અને કંઇક અંશે ક્રૂર પરિવારથી છેડો ફાડીને તે ખુદના દમ પર આ ઊંચાઈ પર પહોંચી છે. એ યાત્રામાં એ જખ્મી થઇ હતી. જે વરુઓ આજે રિયાને ફરી વળ્યા હતા, તે જ વરુઓ ત્યારે કંગનાની આજુબાજુમાં હતા. કંગના સાચા અર્થમાં પથ્થર પર પગ મારીને પાણી કાઢવાવાળી છે. હિમાચલના નાના ગામડાની હતી. અંગેજી તો ઠીક, સરખું હિન્દી બોલતા પણ આવડતું ન હતું. તેના ઉચ્ચારોની મજાક થતી હતી. દેખાવડી હતી, એટલે લોકો આગળપાછળ ફરતા હતા, જેને કંગનાએ હિતેચ્છુઓ ગણી લીધા હતા. તેની કહાનીઓ અને ગોસિપ બહુ જાણીતી છે.

કોઇ પણ નાદાન છોકરી એમાં લપસીને બરબાદ થઇ જાય, પણ એ બધા વચ્ચે કંગનાએ તેના પરફોર્મન્સ પર નજર ખોડી રાખી. તેને એ ખબર હતી કે તે એકટર છે અને છેવટે તો માત્ર તેની એકટીંગની જ ગણતરી થવાની છે. એમાંથી એ ભ્રમિત ના થઇ અને એટલે જ એ 'ક્વીન' બની. કાંગનાને સફળતાનું સુખ મળ્યું? કદાચ ના.

એની નકારાત્મકતામાં ઔર ઉમેરો થયો. તેની જખ્મી ચેતનાના ઘા રૂઝાવાને બદલે વકરતા રહ્યા. એને 'રંજાડનારા' અને તેનું 'શોષણ' કરનારાઓને તે ભૂલી ન હતી. 'પંગો' લેવો તેની વૃત્તિમાં હતું. તેણે સૌથી પહેલીવાર તેના પિતા સાથે ૧૫ વર્ષની ઉંમરે 'પંગો' લીધો હતો. તેના પિતાને કંગનાને તેના 'અનુચિત' વ્યવહાર માટે લાફો માર્યો હતો અને કંગનાએ કહ્યું હતું કે ફરી હાથ ઉપાડ્યો તો હું ય લાફો મારી દઈશ. પિતાને તેને ઘરમાં ચાલ્યા જવાનું કહ્યું અને કંગના એક રૂપિયો લીધા વગર નીકળી ગઈ હતી.

બોલીવુડને જાણનારાઓ, આજના અને વીતેલા સમયના, તેને ક્રૂર દુનિયા કહે છે. અહીં બધા જ સંબંધો સ્વાર્થના છે. અહીં સફળતા અને નિષ્ફળતાને દિલ પર લેવાનું પરવડે તેવું નથી, પણ એવું ક્યા વ્યવસાયમાં નથી? બોલીવુડમાં આવીને કંગનાના જૂના જખ્મો ઔર વકર્યાં છે. એ કહે છે તેને બોલીવુડમાં ખરાબ અનુભવ થયા છે. હકીકત એ પણ છે કે તેની કારકિર્દી પણ એટલી જ નક્કર બની છે.

જે હિન્દી સિનેમાએ તેને પ્રતિષ્ઠા, પ્રેમ અને પૈસો આપ્યો છે, તે જ દુનિયાના લોકોના ‘સ્વાર્થી’ વ્યવહારને તે ભૂલી નથી. કંગનાને સંતોષ ઓછો અને ફરિયાદો બહુ છે. તેને બદલો લેવો છે. તેણે હિંમતથી ‘પંગો’ લીધો છે અને તેની આજુબાજુ અનુકૂળ લોકો ભેગા થઇ ગયા છે. તેનામાં હિંમત તો હતી જ, હવે તેને સમર્થન પણ મળ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી રિયા ચક્રવર્તી પર તો ફોકસ બહુ પાછળથી આવ્યું, પણ કંગનાએ સૌથી પહેલાં બોલીવુડમાં નેપોટિઝમ(સગાં-વહાલાંવાદ)નો મુદ્દો છેડ્યો હતો અને સુશાંતને ‘બોલીવુડવાળા અને બોલીવુડની બહારવાળા’ ભેદભાવનો શિકાર ગણાવ્યો હતો. એ તો બિહારમાં ચૂંટણીના કારણે આખી વાત ‘બિહારના સપૂત’ને ન્યાય અપાવવાના નામે મહારાષ્ટ્રની શિવસેના-કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની સરકાર સામેનું યુદ્ધ બની ગઈ અને નેપોટિઝમ બાજુમાં રહી ગયું. એમાં કંગનાને નવો ઢાળ મળ્યો છે અને બોલીવુડમાં જે કંઈ ખરાબી છે, તેની સફાઈ કરવાનું મિશન હાથ ધર્યું છે.

આ સાફ-સફાઈમાં કંગનાએ સૌથી પહેલાં રિયા ચક્રવર્તીની જ મદદ કરવી જોઈએ, કારણ એ પણ કંગનાની જેમ જ આ દુનિયામાં નામ અને દામ કમાવા આવી હતી.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020

[રાજ ગોસ્વામીની ફેઈસબૂક દિવાલ પરેથી સ-આદર સાભાર]

Loading

ઉલેચો અંધારા ઉલેચો

કમલેશ ઓઝા|Opinion - Opinion|20 September 2020

ઉલેચો અંધારા ઉલેચો
ઉલેચો ભાઇ, હવે તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે સૂર્યોદયના સથવારે
પંખીના કલરવ સાથે
જાતને, તમારી બસ ઢંઢોલી ફંફોળીને
હવે, તો ઉલેચો અંધારા ઉલેચો
ને, માણસાઇના દીવાઓ પ્રગટાવો
નફરતના આખેઆખા વૃક્ષને પૂરેપૂરું બાળો
કટ્ટરવાદ કોમવાદને વર્ણ વ્યવસ્થા મહારોગને
બસ, હવે તો દફનાવો
હા, ગાંધી મૂલ્યનાં પરિપ્રેક્ષમાં
સંપૂર્ણ કક્ષાના પેલા, માણસને ઊગાડો
ભાઇ, ઉલેચો હવે તો અંધારા ઉલેચો
ધર્મના અંચળા વચ્ચે
અહમ્‌ અને અહંકારના ઓછાયા વચ્ચે
માણસને માણસમાંથી લોપાતો, બચાવો
ઉલેચો અંધારા ઉલેચો
હું શું છું, જગમાં, દોસ્તો
એક તણખલાનું નાનું તરણું
અસંખ્ય માનવ મહેરામણમાં મારું શું ગજું છે, દોસ્તો,
હું પણ માણસ તું પણ માણસ
છે, આ કુદરતની મોટી ભેટ, દોસ્તો
આ ભેટને સાર્થક કરી
માણસાઇના દીવા પ્રગટાવો
ભાઇચારાનો મિસાલ સ્થાપો
અને નવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનો
ઉલેચો દોસ્તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે
ભાઇચારાના મિસાલ સાથે
માણસાઇના માહોલ સાથે
દોસ્તો, ચાલો, આપણે સૌ
ઉલેચી અંધારા હવે તો
નવા ભારતનાં નિર્માણ તરફ પ્રયાણ કરીએ
ઉલેચો અંધારા ઉલેચો
ભાઇ, હવે તો અંધારા ઉલેચો

e.mail : koza7024@gmail.com

તારીખ : ૧૨-૭-૨૦૧૯

Loading

દક્ષિણ આફ્રિકામાં ગાંધી મોહનમાંથી મહાત્મા બન્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2020

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહ્યા હતા અને એ ૨૧ વર્ષ આફ્રિકાના સર્વોચ્ચ નેતા નેલ્સન મંડેલાના શબ્દોમાં કહીએ તો મોહનમાંથી મહાત્મા બનવાનાં વર્ષો હતાં. એ એક ધીમી, લાંબી અને અનોખી પ્રક્રિયા હતી. એ ગાંધીજીની તપશ્ચર્યાનાં વર્ષો હતાં અને દક્ષિણ આફ્રિકા ગાંધીજીની તપોભૂમિ હતી. એ વર્ષોમાં મોહનદાસ ગાંધીએ જે ખાસ પ્રકારનો મોહનનો મસાલો વિકસાવ્યો હતો એ સંક્ષેપમાં આ મુજબ હતો:

૧. પહેલો પદાર્થ હતો, માત્ર અને માત્ર સત્ત્વનું ગ્રહણ અને સત્ત્વ ન હોય તેનો ત્યાગ પછી ભલે એ ગમે ત્યાંથી મળ્યું હોય અને ગમે તેનું હોય. આની થોડી વાત આગળ કહેવાઈ ગઈ છે. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ઈશ્વર, કોઈ મસીહા, કોઈ પેગંબર, કોઈ અવતારપુરુષ, કોઈ ગ્રંથ, કોઈ સભ્યતા, કોઈ સંસ્કૃતિ, કોઈ પ્રજા, કોઈ વંશ, કોઈ દેશ, કોઈ પ્રદેશ, કોઈ રાષ્ટ્ર, કોઈ વિચારક, કોઈ વિચારધારા અને બીજું જે કાંઈ. ફલાણાનું છે માટે અનિવાર્યપણે શ્રેષ્ઠ છે કે સંપૂર્ણ છે અથવા ફલાણાનું છે એટલે એમાં સત્ત્વ હોય જ નહીં એમ માનવાનું નહીં. કોઈને લાગશે કે આ માણસ તો જબરો નકારનારો હતો, પણ તેમના વ્યક્તિત્વનું રહસ્ય એ હતું કે એ નકારનારો નહોતો સ્વીકારનારો હતો.

ગાંધીજી લોકોને નથી સમજાતા અથવા ગાંધીજી વિશે અંદાજે એક લાખ પુસ્તક લખાયાં છે અને લગભગ દરેક કલાસ્વરૂપમાં આવિષ્કાર પામ્યા છે એનું કારણ આ કોયડો છે. ઘણાને લાગે છે કે એ સ્વીકારનારો હતો અને ઘણાને લાગે છે કે એ નકારનારો હતો. ગાંધીમાં એક જ સમયે અને એક સાથે બન્ને વસ્તુ હતી એ લોકોને ધ્યાનમાં આવતી નથી અથવા ધ્યાનમાં લેવી પરવડતી નથી. મળે ત્યાંથી સત્ત્વને સારવી લેવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી અને પુરુષાર્થ એટલો પ્રચંડ હતો કે તપશ્ચર્યામાં કોઈ મુમુક્ષુનો ગજ પણ ટૂંકો પડે. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાનાં સાથી મિલી પોલાકે લખ્યું છે કે સામાન્ય વાતચીતમાં પણ ગાંધીજી તમારી સામે એવી રીતે જુએ અને એવી રીતે સાંભળે કે જાણે આ ધરતી ઉપર તમારા કરતાં વધારે મહત્ત્વની કોઈ વ્યક્તિ નથી અને તમે જે કહો છો એનાથી અગત્યની કોઈ વાત નથી. કારેલાંમાંથી બિયાં કેમ કાઢવાં અને ત્રણ પાઉન્ડનો દંડ કેમ દૂર કરવો એ બંને વાત તેમને માટે એક સરખી મહત્ત્વ ધરાવતી હોય. આવો અનુભવ બીજા સેંકડો લોકોને થયો છે અને અનેકે એ નોંધ્યો પણ છે.

સત્ત્વ હાથમાંથી સરકી ન જવું જોઈએ અને જેમાં સત્ત્વ નથી એ અનાવધાને અંદર પ્રવેશવું ન જોઈએ. નિરંતર ખબરદારી. સત્ત્વ પરાયું હોય તો પણ ગ્રાહ્ય અને સત્વહીન આપણું પોતાનું હોય તો પણ અગ્રાહ્ય. એક બાજુએ જ્યાંથી જે ખપનું મળે એ મેળવી લેવાની બાળસહજ તત્પરતા પણ જોવા મળે અને ગમતાંનો ગુલાલ કરીને તેને વહેંચવાની આસક્તિમાં માતાનું વાત્સલ્ય પણ જોવા મળે તો બીજી બાજુએ જે ખપનું નથી એનું ગ્રહણ ન થઈ જાય અને તે લોકો સુધી તેમના હાથે ન પહોંચે એ માટે યોગીની દક્ષતા અને રુક્ષતા પણ જોવા મળે.

સ્વીકાર અને અસ્વીકારના ગાંધીજીનાં આવાં વસ્તુનિષ્ઠ વલણને કારણે અનેક લોકો ગાંધીજીનો જ સ્વીકાર કરવામાં અને અસ્વીકાર કરવામાં થાપ ખાઈ જાય છે. ગાંધીજીએ અમારું સ્વીકાર્યું એ જોઇને રાજીના રેડ થઈ જનારાઓ ગાંધીજીએ અમારું નકાર્યું એ જોઇને દુઃખી થઈ જાય છે. પણ આ તો એવો માણસ છે જે કોઈનું ય પૂરું સ્વીકારતો નથી અને કોઈનું ય પૂરું નકારતો નથી. તો પછી આ છે કોણ સ્વીકારનારો કે નકારનારો? લોકો પોતપોતાની સગવડ મુજબ ગાંધીજીના સ્વીકાર-નકારને જોઇને ગાંધીજીનો સ્વીકાર-નકાર કરે છે. ગાંધીજી ભારત આવશે ત્યારે ભારતની કહેવાતી જાગૃત પ્રજા માટે અને તેના નેતાઓ માટે આ મોટો કોયડો બનવાનો છે. આ માણસનું કરવું શું? સ્વીકારવો કે નકારવો?

૨. મોહનના મસાલાનો બીજો પદાર્થ હતો; નિર્વૈર. પશ્ચિમની શ્વેત પ્રજા ભેદભાવ કરે એ સ્વીકાર્ય નથી અને એટલો અસ્વીકાર પૂરતો છે. આ સિવાય હજુ પણ શ્વેત પ્રજાનું જે કાંઈ અસ્વીકાર  કરવા જેવું લાગશે એનો ધરાર અસ્વીકાર કરીશું, પણ એને માટે વેરવૃત્તિ ધરાવવાની અને એને પાળવાની શી જરૂર છે? યુરોપની ગોરી પ્રજા કેવી છે, એણે ભૂતકાળમાં કઈ પ્રજા સાથે કેવાકેવા દુરાચાર કર્યા છે, તેમનો ધર્મ તેમને શું શીખવાડે છે વગેરે ઇતિહાસ અને ધર્મની કુંડળી કાઢીને નફરતનું દ્રવ્ય એકઠું કરવાની શી જરૂર છે? ગાંધીજી કહેતા કે તેમની પાસેથી શીખવા જેવું પણ ઘણું છે. એક કથન તેઓ અનેક વાર કહેતા કે ભારત તેમણે પુરુષાર્થથી મેળવ્યું છે અને આપણે આપણી મર્યાદાઓને કારણે ગુલામી વહોરી છે. આપણે તેમની પાસેથી પુરુષાર્થ શીખવો જોઈએ પછી તમારી દૃષ્ટિએ એ ગમે તેવી ખરાબ પ્રજા હોય અને આપણે આપણી મર્યાદા છોડવી જોઈએ પછી તમારી દૃષ્ટિએ આપણે ગમે તેવી મહાન પ્રજા હોઈએ.

પ્રજાનો સ્વભાવ એવો છે કે જેની સામે લડવું હોય એની સામે નફરતનો મસાલો એકઠો ન કરીએ ત્યાં સુધી કોટો ન ચડે. આંખમાં તેલ રેડીને રાત ઉજાગરા કરીને આપણે સાચો-ખોટો નફરતનો મસાલો શોધીએ છીએ અને પછી તેને ઘૂંટીએ છીએ. આ બાજુ આપણા શ્રેષ્ઠત્વનો પણ સાચો-ખોટો મસાલો શીધીએ છીએ અને તેને પણ ઘૂંટીએ છીએ. જ્યાં સુધી આપણા માટેનો અનુરાગ અને બીજા માટેનો દ્વેષ આપણા સ્વભાવનો હિસ્સો ન બની જાય ત્યાં સુધી આપણે તેને ઘૂંટતા રહીએ છીએ.

પણ ગાંધીજી તો કહેતા કે લડવા માટે વેરભાવની જરૂર નથી, સત્યનિષ્ઠાની જરૂર છે. તમે શ્વેત પ્રજા અશ્વેત પ્રજા સાથે ભેદભાવ કરો છો એ ખોટું છે. અન્યાય છે. અમાનવીયતા છે. અસ્વીકાર્ય છે. મને સત્ય સમજાઈ ગયું છે અને મારા સ્વમાન માટે હું લડવાનો છું. એકલો હોઈશ તો એકલો લડીશ, પણ જે અસ્વીકાર્ય છે તેનો ડરીને સ્વીકાર નહીં કરું. એકલો છે માટે સ્વીકાર નહીં કરું. તમારું રાજ છે, તમારી પાસે પોલીસ અને લશ્કર છે માટે સ્વીકાર નહીં કરું. અંતે તમે મને સત્ય ખાતર ખપી જતા રોકી નહીં શકો. એ મારો અધિકાર છે જેના ઉપર તમારું અધિપત્ય કે શાસન નથી. મારા અંતરાત્મા ઉપર મારું શાસન છે. તમારું શાસન ગમે તેવું શક્તિશાળી અને નિર્દયી હોય, તેનું આધિપત્ય મારા અંતરાત્માના દરવાજે પૂરું થઈ જાય છે. અહીંથી મારું શાસન શરૂ થાય છે. માટે તેમણે મૅરિત્ઝબર્ગ સ્ટેશનની વાત કરતાં આત્મકથામાં લખ્યું છે; 'તેનો (શ્વેત પ્રજાનો) વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ મોહનદાસ છેક ૧૮૯૩માં આમ વિચારતો હતો.

૩. સ્વાભાવિકપણે મોહનના મસાલાનો ત્રીજો પદાર્થ હતો નિર્ભયતા. ગાંધીજીને કોઈ વાતનો ભય નહોતો. તેમણે ૧૯૦૫ની સાલમાં પોતાના મોટાભાઈને લખેલા પત્રમાં કહ્યું હતું કે ભય શું કહેવાય એ હું જાણતો નથી. તેમને મોતનો ડર નહોતો. એકલા પડી જવાનો ડર નહોતો. કોણ શું કહેશે એનો ડર નહોતો. ઇતિહાસ તેમને કઈ રીતે મૂલવશે એનો ડર નહોતો. ૧૯૪૬-૧૯૪૭ના નોઆખલીની કલ્પના કરો! જ્યાં કોમી રાજકારણ ચાલતું હતું, જે પ્રદેશ પાકિસ્તાનમાં જવાનો હતો, જ્યાં હિંદુઓને ભગાડવા કોમી રમખાણો થયાં હતાં, શાંતિ સ્થાપવા માટે ગયેલા ગાંધીજીને જ્યાંથી કાઢવા માટે ખટપટ કરવામાં આવતી હતી ત્યાં બીજો કોઈ માણસ બ્રહ્મચર્યનો પ્રયોગ કરે? કરે તો કમરાની કૂંડી વાસીને છાને ખૂણે કરે, દરવાજો ઉઘાડો રાખીને કરે? અને આશ્ચર્ય હવે આવશે; પોતે શું પ્રયોગ કરી રહ્યા છે એ પ્રાર્થનાસભામાં લોકોને કહે અને બંગાળીમાં તેનો તરજુમો કરાવે.

આ એ જ માણસ કરી શકે જે સત્યનિષ્ઠ હોય, જે નિર્વૈર હોય અને જે નિર્ભય હોય.

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં આ ત્રણ મૂડી રળીને ૧૯૧૫માં ભારત આવ્યા હતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,2842,2852,2862,287...2,2902,3002,310...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved